કથા-સપ્તાહ - ગત-અનાગત (નેકી ઔર બદી - ૪)

Published: 16th October, 2014 05:27 IST

સ્ક્રીન પર ઝબૂકતો નંબર અજાણ્યો હતો. રાત્રે સાડાદસના સુમારે કોનો ફોન હશે?અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  |


‘હેલો.’

‘ઇઝ ઇટ યામિની?’ સામા સ્ત્રીસ્વરમાં ગરવાઈ વર્તાઈ.

‘જી.’

‘નંબર ભલે તારો હતો, ફોન ઊર્જા‍એ નથી ઊંચક્યોને એની ખાતરી કરવા પૂછ્યું.’

‘મારી આટલી ભાળ રાખનારાં તમે છો કોણ?’

‘નામ મારું સ્નેહલતા.’ પળ પછી ઉમેરાયું, ‘હું અદ્વિતીયની પત્ની.’

હેં! યામિનીને આંચકો પચાવતાં વાર લાગી.

‘હલો... યામિની આર યુ ધેર?’

‘જી.’

‘સાંભળ. ચારેક દિવસ અગાઉ અમારા ઘરના નંબરે ઉપરાઉપરી ત્રણ-ચાર વાર મિસ્ડ-કૉલ આવ્યા. એના કૉલર ID પર વેરાવળનો તારો લૅન્ડલાઇન નંબર ઝિલાઈ ગયો.’

‘ઓહ.’

‘તરત તો અમને પતિ-પત્નીને આની સ્ટ્રાઇક ન થઈ. અદ્વિતીયએ કૉલ્સને હસવામાં લઈ લીધેલા. બીજા દિવસે તેમના ઑફિસ ગયા બાદ મને ઝબકારો થતાં નંબર નોંધ્યો. STD કોડ વેરાવળનો હોવાનું જાણ્યા પછી તે તું જ હોવાનો નિષ્કર્ષ તારવવો મુશ્કેલ નહોતો મારા માટે.’ સ્નેહલતાએ શ્વાસ લઈને ઉમેર્યું, ‘કેમ કે પતિની જીવનકથાના પ્રત્યેક વળાંકથી હું વાકેફ છું.’

કેટલું સિફતથી સ્નેહલતા પરખાવી ગયાં કે તું અદ્વિતીયના જીવનનો વળાંક હતી, મંઝિલ હું છું!

‘સાચું કહું તો ફોન જોડીને કટ કરવાનો તારો આશય સમજાયો નહીં... એટલે પહેલાં ‘શુદ્ધ’ની વેબસાઇટ સર્ફ કરી. વેરાવળમાં મારા પિયરના દૂરના સંબંધી દ્વારા તપાસ કરાવી એમાં ઊર્જા‍-સજાગ વિશે જાણ્યું.’

‘જાણી શકું અદ્વિતીયનાં પત્ની કે તમારે આવી જાસૂસી શા માટે કરાવવી પડી?’ યામિનીનાં ભવાં તંગ બન્યાં.

‘મળતાં પહેલાં દુશ્મનને પારખવાની ચતુરાઈ તો સૌ દાખવે, માની લે હું મિત્રોને પણ માપીને મળું છું.’

શબ્દોની રમતમાં આને નહીં પહોંચાય... બીજી પળે યામિની ચમક્યાં.

‘એટલે તમે...’

‘બરાબર સમજી. તને મળવા નીકળી છું, એ પણ પતિની પરવાનગી લઈને. ટ્રાફિકને કારણે લેટ થયું. તમે ત્રણે પાવર પ્રોજેક્ટ વિશે દહેજ ગયાં હોવાનું હું જાણું છું - આઇ મીન, વાંસદ; રાઇટ?’

યામિની અવાક્ હતાં.

‘શું છે કે તમે જેની કાર ભાડે કરેલી એ ટ્રાન્સપોર્ટ એજન્ટ મારા સંબંધીનો મિત્ર થાય... વિશ્વ આપણે માનીએ એના કરતાં નાનું છે યામિની.’

ક્યાંય સુધી સ્નેહલતાના શબ્દો યામિનીના ચિત્તમાં ઘૂમરાતા રહ્યા.

€ € €

વૉટ ધ હેલ ઇઝ ગોઇંગ ઑન!

પોતપોતાની રૂમમાંથી યામિનીના હાઉસ તરફ નજર રાખીને બેઠેલાં ઊર્જા‍-સજાગને સમજાતું નથી. વાયરિંગમાં કરેલાં ચેડાં પર્ફેક્ટ છે. અત્યાર સુધીમાં તો યામિની સ્વિચને અડ્યાં હોય ને ચોંટી ચૂક્યાં હોવા જોઈએ જે બન્યું નથી... લૅપટૉપ પાછલા બે-ત્રણ દિવસથી મૅડમની જાણ બહાર ચાલુ રાખતા એટલે બૅટરી ઊતરી જતી. મૅડમે ચાર્જિંગ વિના ઇન્સ્ટ%મેન્ટ ચાલુ કર્યાનો સંભવ નથી... ત્યાં તો શોફર-ડ્રીવન મર્સિડીઝ તેમના આંગણે અટકી. એમાંથી ઊતરેલી સ્ત્રી કેવી જાજરમાન દેખાઈ. લાલ-પીળી સિલ્કની બાંધણીમાં શોભતી સન્નારીને યામિની ભીતર દોરી ગયાં... રાતે કોઈ મહેમાન આવી રહ્યાની વાત થઈ નહોતી. અર્થાત્ આ ગેસ્ટ મૅડમ માટે પણ અનએક્સ્પેક્ટેડ હોવાનાં! 

વણનોતર્યા મહેમાનને અત્યારે જ આવવાનું સૂઝ્યું? દ્વાર બંધ કરીને બે સ્ત્રી ભીતર ન જાણે કઈ માહિતીની આપ-લે કરતી હશે? આગંતુક સ્ત્રી વસુંધરા સાથે તો સંકળાયેલી નથીને... ત્યાંથી કોઈ ફૂટતા યામિનીને જોખમનો અણસાર આપવા આવી પહોંચી હોય.

જાણવું તો જોઈએ!

મર્સિડીઝનો ચાલક કાર વાળવા ગલીની બહાર નીકળ્યો એ પાંચ-સાત મિનિટમાં તો ઊર્જા‍ સજાગને લઈ બહારથી બંધ રહેતો પાછલો દરવાજો ખોલીને યામિનીના મકાનમાં દાખલ પણ થઈ ગઈ!

અવાજ વિના કિચનની દીવાલની આડશ લઈને તેમણે કાન માંડ્યા:

€ € €

ત્રાટક કરતી હોય એમ બે સ્ત્રીઓ એકમેકને તાકી રહી. સરખી વય, સરખી માત્રામાં રૂપ અને બેઉ એક જ પુરુષને ચાહતી!

- ના, અદ્વિતીયને હું ચાહતી હતી, હવે અદ્વિતીય સુવાંગપણે સ્નેહલતાનો.

‘જો એમ જ હતું તો આટલાં વરસે અદ્વિતીયને સંભારવાનું કારણ?’

લાગણીમાં સ્પષ્ટ બન્યા પછી યામિનીએ સ્નેહલતાને ઉમળકાભેર આવકાર્યા. ઔપચારિક હલો-હાયથી વાત મૂળ મુદ્દે પહોંચી ત્યારે ઊર્જા‍-સજાગ રસોડામાં કાન માંડી ચૂકેલાં એની જોકે બેઉ સ્ત્રીઓને જાણ નહોતી.

‘તમે રાત રોકાવાનાં છો સ્નેહલતા, અદ્વિતીયને કહીને આવ્યાં છો તો હું પણ નિરાંતે ગતખંડ વાગોળવાના મૂડમાં છું.’

ગાદલાની બેઠકથી ઊઠીને યામિની બારી તરફ ગયાં. બહાર વરસાદના છાંટા પડી રહ્યા હતા અને ભીતર એવી જ એક હેલી વરસવાની ધારે હતી.

‘તમે જાણો જ છો સ્નેહલતા...’ તેમના તરફ નજર ટેકવી યામિનીએ કહેવા માંડ્યું.

€ € €

‘પ્લાન? કેવો પ્લાન?’ યામિનીએ અદ્વિતીયને પૂછ્યું હતું.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં તાન નદી પર બંધ બાંધવાના સમાચારમાં અદ્વિતીયને તક દેખાઈ હતી. ફાઇનલ પરીક્ષા પત્યા સુધીમાં તેણે યોજનાને આખરી રૂપ આપી દીધેલું.

‘મેં તપાસ કરી લીધી છે... બંધ બંધાય એમાં ત્યાંના વગદાર બિલ્ડર મહેન્દ્રનાથને વિશેષ રસ છે. સરકારી બિડમાં કૉન્ટ્રૅક્ટ મેળવવાની તેની હેસિયત ન હોય તો પણ સબકૉન્ટ્રૅક્ટ તો તેને મળી જ શકે.’

અદ્વિતીયે સમજાવેલું, ‘તું એન્વાયર્નમેન્ટલ ઍક્ટિવિસ્ટ બનીને લોકોમાં બેઘર થવા બાબત જાગૃતિ ફેલાવ, હું બિલ્ડરને ત્યાં ગોઠવાઈ જાઉં.’

‘એથી શું થશે?’

‘થશે એ યામિની કે એક બાજુ ટ્રાઇબલ પીપલમાં બંધ ન બંધાવાનો જુવાળ સર્જા‍શે ને બીજી બાજુ બંધના સમણામાં આવેલા વિઘ્નથી મહેન્દ્રનાથ ધૂંધવાશે. વિરોધના મૂળમાં તું છે એ પારખતાં તેને વાર નહીં લાગે.’

આટલું થવામાં શક નહોતો, પણ પછી?

‘પછી મારે મારા શેઠિયાને એટલું સમજાવવાનું રહેશે કે છોકરીને ધમકાવવામાં તે પોલીસકેસ ઠોકી શકે. એના કરતાં બે-ચાર લાખ લઈને છોકરી વિરોધ પડતો મૂકે એ રીતનું સેટિંગ થતું હોય તો સોદો ખોટનો નથી!’

એ પણ સાચું.

‘શેઠજીનો વિશ્વાસ હું એ હદે જીતી લઈશ કે સોદા માટેનાં નાણાં આપીને તેઓ મને જ તારી પાસે મોકલે... બસ, એ બૅગ લઈ તારે આંદોલન સમેટી ઉચાળા ભરી જવાના. બે-ચાર દહાડામાં રાજીનામું મૂકીને હુંય તારા ભેગો થઈ જઈશ. મૂડીથી નવો ધંધો શરૂ કરીશ. આપણાં લગ્નમાં કોઈ વિઘ્ન નહીં રહે...’

‘બને એટલા જલદી તમારે લાઇફમાં સેટ થવું છે એ મને સમજાય છે અદ્વિતીય, પણ શું એને માટે આવા ખેલ કરવા જરૂરી છે?’ યામિનીના સ્વરમાં હળવો ખચકાટ હતો. છેતરપિંડી તેના સ્વભાવમાં નહોતી.

‘સુખ ખાતર થોડું સ્વાર્થી બનવું પડે યામિની...’

€ € €

યામિનીએ ઉચ્ચારેલા અદ્વિતીયના આ વાક્યે કાન દઈને સાંભળતાં ઊર્જા‍-સજાગની નજરો એક થઈ. ઊર્જા‍ જાણે કહેતી હતી : જોયું? પર્યાવરણ ક્ષેત્રે આવી રમત વરસોથી રમાય છે! ફરક એટલો કે ત્યારે બે-ચાર લાખમાં કામ પતતું, આજે પચાસ લાખ ચૂકવાય છે! યામિની અદ્વિતીયના પ્રેમમાં હતાં ને પ્રેમીના કહેવાથી ખેલમાં સામેલ થયાં. સજાગ માટે એ વધુ મહત્વનું હતું.

તેમની કહાણીમાં આગળ શું થયું?

€ € €

‘અદ્વિતીયના બોલે હું તૈયાર તો થઈ, પણ મનમાં સતત અવઢવ રહ્યા કરે. ખેર, ટ્રાઇબલ પીપલના હિત માટે મારે વનવગડે રહેવાનું થશે જાણીને મારાં મા-બાપ પહેલાં તો બગડ્યાં, પણ આમાં હજારો વનવાસીઓનું હિત સંકળાયેલું હોવાથી મંજૂરી આપી - ફતેહ કર દીકરી!’

યામિનીબહેને કથન સાંધ્યું, ‘બોલવામાં લાગે એટલું સરળ નહોતું. મારા માટે નવી ભૂગોળ, નવી આબોહવા. આદિવાસીઓની બોલી શીખતાં મહિનો લાગ્યો’તો મને! દરમ્યાન અદ્વિતીય મહેન્દ્રનાથને ત્યાં ગોઠવાઈ ચૂકેલો.’

સ્નેહલતા હવે પછીનો વળાંક પણ જાણતાં હતાં.

‘ઇટ ટુક ઑલમસ્ટ ફોર મન્થ્સ... તાનના ડૅમમાં એ વખતના કોઈ ઍક્ટિવિસ્ટને રસ નહોતો. જોકે ત્યારે નામો પણ જૂજ. અદ્વિતીયએ શેઠનો વિશ્વાસ જીતી લીધો એમ હું ધરમપુરની ટ્રાઇબલ કોમ સાથે ભળી ગઈ. તેમનાં દુખદર્દ મારાં થઈ પડ્યાં. આનું પરિણામ એ આવ્યું કે ચાર લાખની કૅશ લઈને અદ્વિતીય ખરેખર મને મનાવવા આવ્યો ત્યારે મેં ઇનકાર કરી દીધો : જેમણે મારામાં વિશ્વાસ મૂક્યો એ ભોળી પ્રજાને હું છેહ દઈ ન શકું... ડૅમથી થનારા નુકસાનનો મને અંદાજ છે. હવે હું હાથ ખંખેરીને તેમનો હક ડૂબવા ન દઈ શકું!’

પરાકાષ્ઠાની તાણ યામિનીના ચહેરા પર અંકાઈ ગઈ અને ગતનો આ વળાંક પોતાના અનાગત માટે કેવો નીવડી શકે એ વિચારે ઊર્જા‍નું હેયું ધબકારો ચૂકી ગયું!

(આવતી કાલે સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK