કથા-સપ્તાહ - ગત-અનાગત (નેકી ઔર બદી - ૩)

Published: 15th October, 2014 04:29 IST

ઝરમર-ઝરમર વરસાદ શરૂ થયો.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


‘ચોમાસું ગયાની સત્તાવાર જાહેરાત પછી પણ મેઘ વરસે એ જ સૂચવે છે કે પર્યા`રણનો આપણે કેવો દાટ વાળ્યો છે.’

યામિનીબહેનનો જીવ ચચરી ઊઠ્યો.

બે દવિસ અગાઉ ચારેક વાર અદ્વિતીયને ફોન જોડીને કટ કરવાની રમત રમ્યા પછી તેમણે પરાણે ચિત્તને વશમાં લીધું હતું. મન આડાઅવળા વિચારોમાં ભટકે નહીં એ માટે દહેજના પાવર પ્રોજેક્ટમાં પરોવાઈ ગયાં. એક દવિસ વહેલા વેરાવળથી દહેજ પહોંચવા નીકળી પડ્યાં.

‘વાય મેમ...’ ગઈ સાંજે તેમણે દહેજ જવાનો ફોડ પાડતાં ઊર્જા‍ ચોંકેલી, ‘અચાનક તમે ફેંસલો કેમ બદલ્યો? આપણે તો પરમ દવિસે જવાનું હતુંને.’

‘રિલૅક્સ ઊર્જા‍. આ ક્યાં અમેરિકાના પ્રેસિડન્ટનું શેડ્યુલ છે જે બદલી ન શકાય! તેં કશું બીજું પ્લાન કર્યું હોય તો યુ કૅન જૉઇન મી ધ ડે આફ્ટર.’

પ્લાન શબ્દે ઊર્જા‍એ થથરાટી માંડ સમાવી એ યામિનીના ધ્યાન બહાર રહ્યું.

‘નો મેમ, હું તો તમારી સાથે જ આવવાની.’

વહેલી સવારે ભાડાની કારમાં દહેજ માટે પ્રસ્થાન આદર્યું. વડોદરા મૂકતાં વરસાદની પધરામણીએ યામિનીએ બબડી લીધું. પ્રતિભાવમાં ક્વૉલિસમાં આગળ ડ્રાઇવર જોડે બેઠેલો સજાગ કંઈ ન બોલ્યો એમ પાછલી સીટ પર પોતાના પડખે બેઠેલી ઊર્જા‍ પણ મૂંગી રહી. બેઉ વચ્ચે કંઈ થયું કે શું? યામિનીને પહેલી વાર અણસાર આવ્યો : બાકી તો બેઉ કલશોર મચાવી દેતાં હોય... તેમને જોઈને હમણાંના તો મારા-અદ્વિતીયના જુવાનીના દવિસો મારા ચિત્તમાં ઝબકી જતા હોય છે!

વળી પાછો અદ્વિતીય.

દાંત ભીંસીને યામિનીએ તેને મનવટો દેવા ઝંખ્યો. ‘બિગ બડી’ના પ્રસ્તાવે ગતખંડ સળવળ્યો. અદ્વિતીય સ્મૃતિમાં સજીવન થયો ત્યાં સુધી ઠીક, એથી આગળ વધીને મારે તેની જોડે માત્ર એક સવાલ ખાતર પણ સંપર્કસેતુ સાધવાની ચેષ્ટા શા માટે કરવી જોઈએ? મન મુગ્ધ બનતું જાય એ કેટલું યોગ્ય ગણાય? અદ્વિતીય મારો ગત હતો, તે કદી મારો અનાગત બની શકે નહીં... એ હક સ્નેહલતાનો.

યામિનીનું સ્વભાવગત લક્ષણ છલક્યું. શાંતિ છવાઈ ગઈ.

€ € €

આ વખતે દહેજથી સહેજ અંતરિયાળ વાંસદ ગામમાં તેમનો ઉતારો હતો. વસુંધરા પાવર કંપનીની પ્રોજેક્ટ-સાઇટ અહીંથી નિકટ હતી. જાયન્સ કૉર્પોરેટ્સ નોકરી કે એવા કંઈક પ્રલોભને ગામવાળાઓને પોતાના પક્ષમાં કરી લે એવું ન થવા માટે પણ અહીં રોકાઈને ગ્રામજનોનો વિશ્વાસ જીતવો જરૂરી હતો. પોતે અગાઉ આવી ગયેલાં એની યાદ તાજી હોય એમ ગામના ભીખુભાઈએ ઉમળકાભેર રોકાણની વ્યવસ્થા કરી આપી.

ગામમાં હોટેલ કે લૉજ શાની હોય. બેઠા ઘાટનાં ત્રણ-ચાર મકાનનું ઝૂમખું જે કદી કોઈના રહેણાક તરીકે વપરાતું હશે એનાં તાળાં ખોલીને ભીખુભાઈએ ગાદી-તકિયા નખાવી દીધાં. તેમની ઘરવાળીએ ફટાફટ રોટલા ઘડી ગરમાગરમ ભાણું પીરસ્યું. સદ્ભાગ્યે લાઇટની વ્યવસ્થા હતી. આવાસમાં બાથરૂમની સગવડ હતી એ સૌથી રાહતભર્યું હતું.

‘તમે નાહક તકલીફ લીધી ભીખુભાઈ, અમે ત્રણે એક જ ઓરડામાં સૂઈ રહેત.’

‘અરે બહેન, વિદેશ વસેલા મારા પિતરાઈનાં મકાન ખાલી જ પડ્યાં છે તો વાપરોને. ત્રણ-ચાર દી રોકાવાનું હોય તો ઢંગનો ઉતારો તો જોઈએ જને.’ ભીખુભાઈએ ગામના માણસમાં હોય એવી દિલેરી દાખવી, ‘થોડા દી અગાઉ ગામની છોકરીનાં લગ્ન ટાણે જાનને અહીં જ ઉતારો આપ્યો’તો એટલે બધું ચકાચક છે. રાતની વેળા થઈ, હવે તમતમારે નિરાંતે પોઢો.’ કહીને ઉમેર્યું, ‘તમે અમારા હિત માટે દોડાદોડી કરો છો એટલી તો સમજ છે અમને હોં બહેન.’  

તેમની લાગણી યામિનીને સ્પર્શી ગઈ. આવા પ્રેમાળ લોકોને પ્રગતિના નામે છેતરવા કેમ દેવાય!

€ € €

હૉલ, કિચન, બેડરૂમ અને પાછલા હિસ્સામાં બાથરૂમ... ફર્નિચરના નામે બે ખુરસી અને એક ટિપોય હતી માત્ર. સજાગે યામિનીના કૉટેજમાં લૅપટૉપ, સ્કૅનર-ફૅક્સ મશીન, પ્રિન્ટર ગોઠવી દીધાં.

બીજા દવિસનો પ્રોગ્રામ ડિસ્કસ કરીને ત્રણે છૂટાં પડ્યાં. યામિનીએ કહ્યું પણ ખરું : ઊર્જા‍, અજાણ્યા ગામમાં એકલી રહેવા કરતાં મારા ભેગી સૂઈ જા...

‘થૅન્ક્સ મેમ, બટ આઇ ઍમ કમ્ફર્ટેબલ ધેર.’

€ € €

બીજો આખો દવિસ ઘરે-ઘરે ફરવામાં ગયો.

‘મેમ કેવી સલૂકાઈથી નાગાપૂગા બાળકને પણ તેડી લે છે! પાવરપ્લાન્ટના જોખમ સાથે સ્ચ્છતાના પાઠ પણ ભણાવે છે... અને આમાં ક્યાંય દંભ નથી.’ સજાગે ઊંડો શ્વાસ લીધો, ‘તું ફરી વાર વિચારી લે ઊર્જા‍.’

‘હવે નિર્ણયના ફેરબદલનો અવકાશ જ નથી સજાગ.’ ઊર્જાના હોઠ ભિડાયા, ‘ધિસ લેડી હૅઝ ટુ ડાય - ટુડે ઇટસેલ્ફ.’

સજાગે નિ:શ્વાસ નાખ્યો.

રાજકોટમાં સાથે ભણતાં ઊર્જા‍ જોડે પ્રેમ થયો. પોતાની પાછળ ઊર્જા‍ પણ ‘શુદ્ધ’માં જોડાતાં લાગણી ગાઢ બની. સજાગની ફીલિંગ્સ ઊર્જા‍થી છૂપી નહોતી.

‘તું પણ મને ગમે છે સજાગ. ખાતરી છે મને કે તું એક આદર્શ પતિ પુરવાર થઈશ... બટ...’

સજાગે કોઈ કિન્તુ-પરંતુ રહેવા નહોતું દેવું.

‘પ્રેમના આવેશમાં આપણી વચ્ચેનો ભેદ ન ભૂલ.’ ઊર્જા‍ને દિલ કરતાં દિમાગથી કામ લેવાની ફાવટ જણાઈ, ‘તું સંતોષી જીવડો છે, જ્યારે હું અપાર મહત્વાકાંક્ષી છું.’

‘ઓ... યુ મીન, તારે મૅરેજ પછી જૉબ ચાલુ રાખવી છે? યુ કૅન.’

‘હં! દો ટંકિયા કી નૌકરીમાં દાટ્યું શું છે સજાગ! પર્યાવરણ બચાવો... માય ફૂટ. પર્યાવરણના નામે કેટલાંય NGO પોતાનું બૅન્ક-બૅલૅન્સ તગડું કરે છે એનો ખ્યાલ પણ છે તને? નો, યામિનીદેવીની જેમ ભેખ ધરવાનો મને શોખ નથી. મારું આ રૂપ તારાથી સહ્યું જશે?’

પ્યારમાં એટલી શક્તિ ક્યાં નથી હોતી!

દરમ્યાન વસુંધરાની સામે પડવાનું થયું. ઊર્જા‍ને આમાં તક દેખાઈ. સરકારી અધિકારીઓની ચેતવણી પછી વસુંધરાનું મૅનેજમેન્ટ યામિની બાબત ગંભીર હતું. એવામાં ઊર્જા‍એ પબ્લિક બૂથ પરથી નનામો ફોન જોડ્યો : ધારો કે પબ્લિક હિયરિંગમાં યામિનીદેવી ફરકી ન શકે એ માટે તેમને નાનકડો અકસ્માત સર્જી‍ ઘાયલ કરીએ તો અમને શું મહેનતાણું આપશો?

‘જવાબ જાણવા કાલે આ જ સમયે આ જ નંબર પર ફોન કરજો.’

જવાબ બીજા દવિસે ચર્ચાવિચારણા કરીને મૅનેજર આશુતોષે આપ્યો હતો - અકસ્માત છોડો, યામિનીદેવીનો કાયમી નિકાલ કરી શકતાં હો તો પચાસ લાખની અમારી ઑફર છે ઊર્જા‍દેવી.

ઊર્જા‍ કાંપી ઊઠેલી. નામ ન આપવા છતાં સામી પાર્ટી મારા વિશે જાણી ગઈ એ જ સૂચવે છે કે આવા મામલામાં તેઓ પૂરા ઘડાયેલા છે!

‘યુ ગેસ ઇટ રાઇટ. પચાસ લાખ રોકડા લીધા પછી કામ ન થયું તો તમારી ગેમ કરવા અમારે વધારાનો રૂપિયો ખર્ચવો નહીં પડે એ યાદ રાખજો.’

પચાસ લાખનો આંકડો જેવોતેવો નહોતો. આવી તક વારંવાર નથી મળતી. બે છેડા ભેગા કરવાની મથામણવાળી જિંદગીમાં ઘણું જીવી લીધું, હવે એશથી જીવવું છે! ને યામિની ક્યાં મારી મા છે કે તેને મારવા મારા હાથ કાપે!

મારા હાથ?

ઊર્જા‍ ટટ્ટાર થયેલી : યામિનીની સોપારીની લક્ષ્મી જરૂર હું મારા હાથે લઈશ, પરંતુ તેની હત્યામાં મારે હાથ ખરડવા જરૂરી નથી!

- અત્યારે નિ:શ્વાસ નાખતા સજાગને ચોરનજરે જોતી ઊર્જા‍ મનોમન લુચ્ચું મલકી : યામિનીના મર્ડરમાં તું તો માત્ર પ્યાદું બન્યો છે સજાગ. કામ પતતાં જ તને હું સાયોનારા કરી દેવાની... પચાસ લાખમાં મને ભાગીદાર ન ખપે!

એવું નહોતું કે સજાગ તેને પસંદ નહોતો. પોતાની આકાંક્ષા જાણીનેય જે મને ચાહતો રહ્યો તેના પ્રત્યે સાવ કોરાધાર રહેવું શક્ય પણ નહોતું, પરંતુ મર્ડરની ઑફરે ઊર્જા‍નું ચિત્ત ડહોળી નાખ્યું. આમેય ઊર્જા‍ને હૃદયથી વધુ બુદ્ધિથી નિર્ણય લેવાની ટેવ હતી. સજાગને યામિનીની હત્યા માટે કન્વિન્સ કરવો અઘરો નહોતો. પ્રિયતમા ‘ઇફ યુ રિયલી લવ  મી...’ કહે એટલે પરવાન ચડતો હોય એમ પ્રેમી આગમાં ઝંપલાવી દે એવો જ આ કિસ્સો.

‘અફર્કોસ, મર્ડર એ જ રીતે કરવાનું જે અકસ્માત લાગે... તારે સપડાવાનું બનશે નહીં. આપણે પરણી જઈશું...’નાં સમણાં દેખાડતી ઊર્જા‍ પોતે તો જાણતી જ હતી કે આ લગ્ન ક્યારેય થવાનાં નથી. સજાગ ઊર્મિશીલ છે, મર્ડરમાં આજે નહીં પકડાય તો કાલે તેને કબૂલવાનો ઊભરો આવવાનો જ. હૈયે બોજ લઈ તે જીવી ન શકે. પત્ની તરીકે મારે એ બધું વેઠવું નથી. રૂપિયા હોય ત્યારે એને માણવાની સવલત પણ જોઈએ... યામિનીનો સ્વર્ગવાસ થતાં હું જ પોલીસને નનામા ફોનથી જાણ કરી દઈશ કે આ હત્યા છે ને સજાગ એનો હત્યારો છે! ઝડપાયેલો સજાગ બઘવાશે, મારા ડબલ ક્રૉસનું તે વિચારી પણ નહીં શકે. મોટા ભાગે તે મારું નામ નહીં જ આપે. ઇમોશનલ ફૂલ યુ નો. કહેશે તો પણ મારું ઇન્વૉલ્વમેન્ટ પુરવાર નહીં થાય. ઊલટું હું કહી શકું કે સજાગનો પ્રેમ મેં નકારતાં તે હત્યામાં મને સંડોવીને વેર વાળી રહ્યો છે! એ વખતે ભલેને સજાગ ધરતીકંપનો આંચકો અનુભવે, મારે કેટલા ટકા!

ત્યાં યામિનીએ દહેજ આવવાનું પ્રિપોન્ડ કરતાં ઊર્જા‍ ચોંકેલી. તેમનો પ્લાન શબ્દ ભેદભર્યો લાગેલો. મૅડમ થોડાક દવિસથી કશીક ગડમથલમાં તો છે જ. તેમને કશી ગંધ તો નથી આવીને! લકીલી એવું લાગતું નથી ને એવું કંઈ બને એ પહેલાં ખેલ પતાવી દેવાનો છે... એમાં હવે સજાગ રહી-રહીને પોરા ક્યાં કાઢે!

‘સજાગ, મારા ખાતર, મારા પ્રેમ ખાતર... તારે પ્લાન પાર પાડવો રહ્યો, આજે જ.’

ત્યારે સજાગે દ્વિધા સમેટી દીધી. એટલું જ નહીં, રૂમ પર પરત થઈ યામિની ફ્રેશ થવા બાથરૂમમાં ગયાં એ દરમ્યાન કરવાજોગ કરામત પણ કરી નાખી!

€ € €

‘ગુડનાઇટ,’ કહીને સજાગ-ઊર્જા‍ ગયાં એટલે સૂતાં પહેલાં ઈ-મેઇલ ચેક કરવા યામિની ટિપોય પર મૂકેલા લૅપટૉપ તરફ વળ્યાં. આ તેમનો રોજિંદો ક્રમ હતો. લૅપટૉપ જોડે સ્કૅનર-પ્રિન્ટર જોડાયાં હોય એટલે યામિની એને ડેસ્કટૉપની જેમ વાપરતાં. બે-એક દવિસથી લૅપટૉપની બૅટરી ઝડપથી ઊતરી જતી કે શું, ચાર્જિંગ ચાલુ રાખવું પડતું. આજે પણ તેમનો હાથ સ્વિચ પાડવા વધ્યો કે સેલફોન રણક્યો.

આ રણકારે તત્પૂરતા તો યામિનીને મોતના મુખમાંથી ઉગારી લીધાં. અધરવાઇઝ સ્વિચને અડતાં ઇલેક્ટ્રિક કરન્ટ લાગત જે તેમનું પ્રાણપંખેરું હરી લેત!    

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK