ઈશ્વરોલૉજી - પ્રકરણ - 49

Published: 22nd March, 2020 19:41 IST | Dr. Hardik Nikunj Yagnik | Mumbai Desk

ઈશ્વર સંજય નામના એક માણસની ચૅલેન્જ સ્વીકારીને પૃથ્વી પર સાવ સામાન્ય માણસ બનીને રહેવા આવ્યા છે. વિવિધ પરિસ્થિતિઓમાં અર્જુનને આપેલું ગીતાજ્ઞાન કોઈ પણ પ્રકારના સંસ્કૃત શ્લોક કે અઘરી વાત વગર સંજયને સમજાવી રહ્યા છે.

ઇશ્વરોલોજી
ઇશ્વરોલોજી

ગતાંક...
ઈશ્વર સંજય નામના એક માણસની ચૅલેન્જ સ્વીકારીને પૃથ્વી પર સાવ સામાન્ય માણસ બનીને રહેવા આવ્યા છે. વિવિધ પરિસ્થિતિઓમાં અર્જુનને આપેલું ગીતાજ્ઞાન કોઈ પણ પ્રકારના સંસ્કૃત શ્લોક કે અઘરી વાત વગર સંજયને સમજાવી રહ્યા છે. ગયા પ્રકરણમાં મહાભારતના યુદ્ધ દરમ્યાન અર્જુનની રક્ષા કઈ રીતે કરી હતી એની સમજણ આપીને ઈશ્વર તેને સમજાવે છે કે તેઓ હંમેશાં ભક્તોની સંભાળ રાખે છે. તેમના પર સંપૂર્ણ વિશ્વાસ રાખનારનું કદી અહિત થતું નથી. માણસનું ધાર્યું ન થાય ત્યારે પણ એની પાછળ એનું હિત ઈશ્વરે  વિચાર્યું જ હોય છે એમ સમજી જનારને ક્યારેય કોઈ તકલીફ પડતી નથી.
હવે આગળ...
ઈશ્વરોલૉજીના સંગાથે હવે સંજયનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. માણસ ખાલી થોડી ક્ષણો માટે મંદિરમાં જાય તો પણ પોતાની જાતને કૃતાર્થ સમજતો હોય છે. પૉઝિટિવિટીથી લથપથ બની જતો હોય છે ત્યારે સંજય તો સ્વયં ઈશ્વરની સાથે જ રહે છે. ઈશ્વર પ્રત્યેનો પોતાનો સંપૂર્ણ અભિગમ અને માન્યતાઓ બદલાઈ જતી તેણે અનુભવી છે.
સંજય શાંતિથી પોતાના જીવનના ભૂતકાળમાં ડોકિયું કરે છે. નાનપણથી જ ઈશ્વર પ્રત્યેનો પોતાનો ભાવ અને વિચારોને યાદ કરે છે.
તેને યાદ પણ નહોતું કે ક્યારે અને કોણે તેને કયો ફોટો બતાવીને ઈશ્વરનો પરિચય કરાવ્યો હશે! કદાચ નાનપણમાં જ ઘરમાં રહેલા ધાર્મિક વાતાવરણમાં તેણે ઈશ્વરને સર્વોપરી માનીને તેમને નમવાનું શરૂ કર્યું હતું અને એટલે જ તેણે સંસ્કારને કારણે પોતાના મનમાં ઊઠતા પ્રશ્નોને દબાવી દીધા હતા.
સતત મનમાં પ્રશ્ન થતા હતા કે મને જેને ભજવાનું અને નમવાનું શિખવાડવામાં આવ્યું છે એ ઈશ્વર નામનું કોઈ તત્ત્વ ખરેખર હશે કે નહીં હોય! કોઈ પાસે સાચો જવાબ નહીં. જે લોકો ઈશ્વરમાં માનતા હતા એ લોકો કોઈ પણ ભોગે ઈશ્વર છે કે નહીં એવો પ્રશ્ન પણ વિચારવા તૈયાર નહોતા. અમુક નાસ્તિક લોકો પણ હતા જેઓ એ અમાપ શક્તિની તાકાતને ‍સ્વીકારી શકતા જ નહોતા અથવા તો સ્વીકારવા તૈયાર નહોતા. આ બધાની વચ્ચે સંજય અટવાતો હતો. અંદર રહેલા સંસ્કારે તેને બીકણ પણ બનાવ્યો હતો. આખરે તેણે મનોમન નક્કી કર્યું હતું કે ઈશ્વરને ન માનવા કરતાં ઈશ્વરને માનવામાં ભલાઈ છે.
જીવનની અવળી પરિસ્થિતિઓમાં તે ઈશ્વરને ભાવથી પ્રાર્થના પણ કરતો, પણ હૃદયના કોઈ ખૂણે એક નાનકડી આશંકા હતી કે શું ખરેખર ઈશ્વર મને સાંભળતો હશે ખરો? પછી તે મન મનાવતો કે જો ઈશ્વર નામનું કોઈ અમાપ અસ્તિત્વ હશે તો તેઓ મારી પ્રાર્થના સાંભળશે અને સ્વીકારશે અને જો તેઓ નહીં હોય તો ક્યાં કોઈ વાંધો જ છે?
અમુક લોકોને સુખી અને અમુકને દુખી જોઈને તેને હંમેશાં થતું કે ઈશ્વરના જ જો સૌ સંતાન છે તો કેમ તેઓ આમ ભેદભાવ કરતા હશે! પણ આજે ઈશ્વરના સંગાથે તેનામાં કર્મના સિદ્ધાંતની સમજણ પ્રગટાવી હતી. ઈશ્વરોલૉજીને સમજવાથી તેને એટલું સમજાયું કે સફળ જીવન જીવવાની એકમાત્ર ચાવી છે સ્વયંમાં શ્રદ્ધા અને ઈશ્વરમાં વિશ્વાસ.
જો વિશ્વાસ હોય તો ઈશ્વર સૌકોઈની સંભાળ રાખવા હાજરાહજૂર જ હોય છે, ખાલી સામાન્ય માણસ તેને ઓળખી નથી શકતો. તેને યાદ આવ્યું કે એક વખત તેના ઘરના આંગણામાંથી એક ચમકદાર પથ્થર મળ્યો હતો. તેણે સ્વાભાવિક રીતે એને હાથમાં લઈને જોયો. જ્યારે તેણે એ પથ્થર ઉઠાવ્યો ત્યારે તેના પાડોશમાં રહેતા અને શહેરના પ્રખ્યાત જ્વેલર્સની દુકાનમાં કામ કરતા તેના પાડોશીએ એ જોવા માગ્યો. એને હાથમાં લેતાં તેની આંખ ચમકી. તેણે ખિસ્સામાંથી ૧૦૦૦ રૂપિયા કાઢી તેની સામે ધરતાં કહ્યું કે આ રસ્તા પર પડેલો પથ્થર મને ૧૦૦૦ રૂપિયામાં આપી દે. એક વાત ત્યારે સંજયને સમજાઈ કે આ સામાન્ય પથ્થરના કોઈ હજાર રૂપિયા આપવા તૈયાર થઈ જાય એટલે તેણે એ પથ્થર લઈને અંદર ઘરમાં ટીવીની ઉપર મૂકી દીધો.
બીજા દિવસે તે જ્યારે આવ્યો ત્યારે પેલો પાડોશી તેના ઘરે બેઠો હતો અને તેની પત્નીએ જણાવ્યું કે તે વ્યક્તિ આ પથ્થર ૧૦,૦૦૦ રૂપિયામાં ખરીદવા માગે છે. પોતે એને વેચવો નથી એમ કહીને તેણે પાડોશીને વિદાય કર્યો, પણ પછી એ પથ્થર ત્યાંથી લઈને તેણે અંદર કબાટમાં મૂક્યો. બે જ દિવસમાં પેલો પાડોશી પોતાની સાથે પોતાના માલિક એવા ઝવેરીને લઈને આવ્યો. તેણે સંજયને કહ્યું કે તેનો શેઠ આ રસ્તા પરથી મળેલા પથ્થરના ૧ લાખ રૂપિયા આપવા તૈયાર છે. સંજયના મનમાં આનંદ માતો નહોતો. પોતાની પાસે એક લાખ રૂપિયાનો પથ્થર છે એ જાણીને તેણે કબાટમાંથી એ લઈને બૅન્કના સેફ ડિપોઝિટ વૉલ્ટમાં એ પથ્થર સાચવીને રાખ્યો.
આજે અચાનક એ વિચાર આવ્યો કે આમ જોવા જઈએ તો પેલો પથ્થર અને ઈશ્વરના અસ્તિત્વની ઓળખ એક જેવી જ છે. જ્યાં સુધી તેમની ઓળખ નથી હોતી ત્યાં સુધી એ રસ્તા પર પડી રહે છે. કોઈ સામું પણ જોતું નથી. જેમ-જેમ જીવનમાં એની કિંમત ખબર પડતી જાય છે એમ એ હૃદયમાં અંદર મુકાતું જાય છે અને પછી એ જીવનની સૌથી મૂલ્યવાન મૂડી બની જાય છે.
ઘરની ગૅલરીમાં ઊભાં-ઊભાં આ વાતોને વિચારી રહ્યો હોય છે ત્યારે પાછળથી ઈશ્વર આવીને કહે છે, ‘જીવનની સાવ સરળ અને સહજ વાતોમાં મારા અસ્તિત્વને શોધવાની દૃષ્ટિ આવી ગઈ છે. હવે મને લાગે છે કે મારું અહીં આવવું સાર્થક રહ્યું છે.’
ઈશ્વરની વાતમાં એક છૂપો સંદેશ હતો એ કળી ન શકેલો સંજય કહે છે, ‘એમાં શું? આ તમારો સંગાથ જ એવો હોય છે કે માણસ દરેક વસ્તુમાં તમારી ઇચ્છાને જોતો થઈ જાય છે.’
હજી તો એ કશું આગળ બોલે એ પહેલાં તેના ફોનમાં રિંગ વાગે છે. પત્નીનો ફોન હોવાથી તે ફોન ઉપાડે છે અને સામે છેડેથી તેને મોટી પોક સંભળાય છે. પત્ની ધ્રુસકે-ધ્રુસકે રડતાં-રડતાં જણાવે છે કે આજે કોઈક કામ માટે હું બૅન્કમાં આવી હતી અને સેફ વૉલ્ટ ખોલતાં જાણવા મળ્યું કે તેમના લૉકરના ખાનામાં મૂકેલો પેલો કીમતી પથ્થર છે જ નહીં. બૅન્કવાળા સ્વીકારવા તૈયાર જ નથી કે તેમના સેફ વૉલ્ટમા કોઈ પણ પ્રકારની ચોરી થાય.
આ સમાચાર સાંભળતાંની સાથે જ સહેજ પણ ચલિત થયા વિના સંજય કહે છે, ‘એ પથ્થર આપણો હતો જ ક્યારે? જીવનના કોઈ એક વળાંકે એ પથ્થર આપણને મળ્યો. જ્યારે મળ્યો ત્યારે એની કિંમત પણ ખબર નહોતી. જ્યારે ખબર પડી ત્યારે એને સાચવ્યો અને એના પર માલિકી હક આવ્યો. આજે જ્યારે એ આપણી પાસે નથી ત્યારે એને માટે રડવાનો કોઈ સવાલ જ નથી થતો. જે વસ્તુ આપણી હતી જ નહીં એને માટે શેનો શોક?’
સહેજ પણ વિચલિત થયા વગર જ્યારે તેણે ફોન મૂક્યો ત્યારે પણ તેના ચહેરા પરનું સ્મિત અને સંતોષ અકબંધ હતાં.
આજે કદાચ પહેલી વાર ઈશ્વરનું સ્મિત અને સંજયનું સ્મિત એકસરખાં હતાં. એક સ્થિતપ્રજ્ઞના લક્ષણને સંજયમાં જોઈને ઈશ્વરને હવે સંતોષ હતો.
તેમણે પોતાની પાછળ આવવાનો ઇશારો કર્યો. ઈશ્વર તેને સ્કૂટર પર બેસાડીને શહેરની બહાર આવેલા એક આશ્રમ તરફ લઈ ગયા. ત્યાં બહાર બોર્ડ હતું કે ચોર મનોહરી બાબાનો આશ્રમ.
સંજયને એ બોર્ડ દેખાડીને કહ્યું કે ‘જા અંદર જઈને બાબાને મળી આવ અને ચોર મનોહરી બાબા મળે એટલે તારો પથ્થર માગજે.’ સંજયને સમજાયું નહીં, પણ ઈશ્વર કહે પછી સંજયે બીજો કોઈ વિચાર કરવાનો હતો જ નહીં. તે આશ્રમની અંદર ગયો. દાખલ થતાં જ સામે નાનકડું મંદિર હતું જેમાં ભગવાન શ્રીકૃષ્ણની મનોહારી મૂર્તિ હતી. જેના પર રહેલા દાગીના ખૂબ જ આકર્ષક હતા. પેલા પોતાને મળેલા પથ્થર જેવા અનેક ચળકતા હીરા એના પર લાગેલા હતા.
એને પ્રણામ કરી તે આગળ વધ્યો ત્યારે એક ખૂબ લાંબા પણ અત્યંત પ્રભાવશાળી વ્યક્તિએ તેને પ્રણામ કરી સત્કાર્યો. સંજયે તેમને પ્રણામ કર્યા. તેણે પૂછ્યું કે શું એ મહાત્મા જ પોતે ચોર મનોહરી બાવા છે? જ્યારે જવાબમાં ‘હા’ મળી ત્યારે તેણે સંકોચાતાં પોતાના પથ્થર વિશે પૂછ્યું. આ સાંભળતાં જ પેલા બાવાના ચહેરા પર ચમક આવી ગઈ. તેમની ખુશી જોઈને લાગ્યું કે જાણે તે આ જ દિવસની રાહ જોઈ રહ્યા હોય.
‘બેટા, આજે મારું જીવન સફળ થયું. આજે મને ઈશ્વર સદેહે લેવા આવશે અને હું તેમનામાં ભળી જઈશ. તને ખબર નથી કે કંઈકેટલાંય વર્ષોથી હું આ દિવસની રાહ જોઈ રહ્યો હતો. રોજ અહીં આવનાર લોકોમાં હું તને જ શોધી રહ્યો હતો. મને આ ઘરેણાં આપતાં એક પથ્થર વધારાનો આપ્યો હતો અને મને કહેવામાં આવ્યું હતું કે એક દિવસ આવશે જ્યારે કોઈ માણસ આવી તારી પાસે આવીને પથ્થર માગશે અને એ દિવસે સ્વયં પરમાત્મા શ્રીકૃષ્ણ મને સદેહે લેવા આવશે... હું ધન્ય થઈ ગયો. મારો જન્મ સફળ થઈ ગયો...’ ચોર મનોહરી બાબાના ચહેરા પર અનેરું તેજ વધ્યું અને શબ્દોમાં ઉત્સાહ.
સંજયને હજી કશું સમજાતું નહોતું અને તેના ચહેરા પર રહેલા અઢળક પ્રશ્નોને જોઈ ચોર મનોહરી બાબાએ ભૂતકાળની એ વાત કહેવા માંડી.
( વધુ આવતા અંકે)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK