ઈશ્વરોલૉજી - પ્રકરણ - 47

Published: 8th March, 2020 19:55 IST | Dr. Hardik Nikunj Yagnik | Mumbai Desk

સંજય પણ દરેક વખતે માનવસહજ કુતૂહલને લીધે પ્રશ્નો ઊભા કરે છે અને ઈશ્વર એ પ્રશ્નોનું નિવારણ લાવી રહ્યા છે. એક ઘરડાં માજી જ્યારે ગીતાજીની વાત સાંભળતાં-સાંભળતાં ઈશ્વરની ડોક દુખી હશે એમ વિચારીને રડવા લાગ્યાં હતાં.

ઈશ્વરોલૉજી
ઈશ્વરોલૉજી

સંજયની ચૅલેન્જ સ્વીકારીને પૃથ્વી પર સામાન્ય માણસ બનીને આવેલા ઈશ્વર જુદી-જુદી પરિસ્થિતિઓમાં પોતે અર્જુનને આપેલું ગીતાનું જ્ઞાન પ્રૅક્ટિકલી કેવી રીતે ઉપયોગમાં લેવાય એ શીખવાડી રહ્યા છે. સંજય પણ દરેક વખતે માનવસહજ કુતૂહલને લીધે પ્રશ્નો ઊભા કરે છે અને ઈશ્વર એ પ્રશ્નોનું નિવારણ લાવી રહ્યા છે. એક ઘરડાં માજી જ્યારે ગીતાજીની વાત સાંભળતાં-સાંભળતાં ઈશ્વરની ડોક દુખી હશે એમ વિચારીને રડવા લાગ્યાં હતાં. આટલી વાતને લઈને ઈશ્વરે તેમના સુધી પાણી પહોંચાડ્યું.
હવે આગળ...
ઈશ્વર વિશે સારું તો કંઈકેટલાય જણ વિચારતા હશે તો ભગવાન કેવી રીતે દરેક જણ પાસે પહોંચી શકે!!!
સંજયના મનમાં આ પ્રશ્ન આવ્યો અને સામે જોતાં જ તેની આંખો ફાટી ગઈ....
તેણે જોયું કે તે જે ઈશ્વરની પાછળ બેઠો હતો એ જ ઈશ્વર કોઈ ઘરડા કાકાની પાછળ-પાછળ તેમનો સામાન ઊંચકીને જતા દેખાયા. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. હજી તો એ કશું પૂછવા જાય ત્યાં તો રસ્તાની બીજી તરફ એક પગે ખોડ ધરાવતા છોકરાની સાથે તેઓ રમતા દેખાયા. પોતાની સાથે અને બીજાની સાથે પણ ભગવાનને જોઈને તે ડઘાયો. ભગવાનતેમની મસ્તીમાં સ્કૂટર ચલાવતા હતા. સંજયે જોયું તો બાજુમાં રહેલા ઘરની ગૅલરીમાં ઈશ્વર કપડાં સૂકવી રહ્યા હતા. સહેજ આગળ નીકળ્યા તો વળાંક પર એક ગાયને રોટલી ખવડાવી રહ્યા હતા. બાજુમાં પસાર થતા તળાવના કાંઠે ભેગા થયેલા લોકોના ટોળામાં એકસાથે ત્રણ-ચાર ભગવાન તેણે ઊભેલા જોયા.
તેનું મગજ ચકરાવે ચડી ગયું. તેને થયું કે આ શું ચાલી રહ્યું છે?
આગળ સ્કૂટર ચલાવી રહેલા ભગવાન બોલ્યા, ‘ડ્યુટી ચાલી રહી છે બીજું તો શું? આ માણસ હોય કે ઈશ્વર, પોતાની ડ્યુટી તો કરવી જ પડે અને એ પણ પ્રામાણિકતાથી. હમણાં જ તેં તારા મનમાં પ્રશ્ન ન પૂછ્યો કે ભગવાન કંઈ દરેક જણ સાથે પહોંચી શકે? તો આ એનો જવાબ છે. ભગવાન દરેક જણ સાથે જ હોય છે. ખાલી ફરક એટલો છે કે તને એકલાને દેખાય છે અને એ લોકોને ખ્યાલ સુધ્ધાં નથી આવતો કે તેમની સાથે જે છે એ સ્વયં ભગવાન જ છે.’
‘એનો મતલબ...’
‘હા, બરોબર તું જે સમજે છે એ જ...’
હજી ઈશ્વર કશું વધારે કહેવા જાય એ પહેલાં તો સંજયે તેમને અટકાવ્યા.
‘ઊભા રહો બૉસ... હું કશું નથી સમજતો. આ બધું ઉપરથી જ ગયું એટલે તમારું કહેવું એમ છે કે તમે જુદાં-જુદાં સ્વરૂપ લઈને લોકોને મદદ કરો છો એમ?’
‘એમ ચોક્કસપણે એવું કહેવાય નહીં અને આમ જોવા જઈએ તો એવું જ છે...’ ભગવાને મસ્તીભર્યા સ્મિત સાથે કહ્યું.
‘ઓ પ્રભુ, એક તો તમારાં આટલાં સ્વરૂપ જોઈને મગજ ચકરાવે ચડી ગયું છે અને એમાં તમે આમ ગોળ-ગોળ બોલીને કન્ફ્યુઝ કરો છો. તમારે સાદગી સાથે કોઈ દુશ્મનાવટ છે. જે હોય તે સીધેસીધું કહોને આમ સસ્પેન્સ કેમ ક્રીએટ કરો છો.’
ભગવાને સ્કૂટરને એક તરફ પાર્ક કરીને તેની તરફ જોઈને કહ્યું, ‘વાત સાવ સરળ છે. ખાલી તને ખબર નથી પડતી એટલે એ કન્ફ્યુઝિંગ છે એમ કહેવાનો શું અર્થ?’
‘એટલે?’
‘એટલે એટલું જ કે જો ત્યાં સામે...’ ઈશ્વરે એક દુકાન તરફ ઇશારો કર્યો.
ખૂબ જૂનીપુરાણી દુકાન પર પતરું પણ ખવાઈ ગયું હોય એવું જૂનું બોર્ડ હતું અને એના પર લખ્યું હતું, ‘મનસુખરામ તનસુખરામ પંડ્યાની કિરાણા સ્ટોર...’ અને પાછું કૌંસમાં લખ્યું હતું ‘૧૯૬૬થી.’
જ્યારે આ દુકાન ૧૯૬૬માં ખૂલી હશે ત્યારથી આજ સુધીમાં કોઈ ઝાઝો ફરક નહીં આવ્યો હોય એમાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK