ઈશ્વરોલૉજી - પ્રકરણ - 46

Published: 1st March, 2020 15:38 IST | Dr. Hardik Nikunj Yagnik | Mumbai

સંજય ઈશ્વરને પૂછી રહ્યો છે કે એવું તે શું થયું હતું કે આટલા લોકોમાંથી ફક્ત મને જ ઈશ્વરે પસંદ કર્યો અને મને આ ઈશ્વરોલૉજી સમજવાનો મોકો મળ્યો.

ઈશ્વરોલૉજી
ઈશ્વરોલૉજી

ગતાંક...

સંજય ઈશ્વરને પૂછી રહ્યો છે કે એવું તે શું થયું હતું કે આટલા લોકોમાંથી ફક્ત મને જ ઈશ્વરે પસંદ કર્યો અને મને આ ઈશ્વરોલૉજી સમજવાનો મોકો મળ્યો. ઈશ્વરે કારણ કહેવા માટે તેને તેનું નાનપણ યાદ કરાવ્યું. નાનપણમાં એક કૂકડાની હત્યા કરવાનું તેણે માંડી વાળ્યું હતું એ વાત તેની દયાભાવના દર્શાવતી હતી. ત્યાર બાદ એક વખત ભરતડકામાં પુલનો ઢાળ ચડાવવામાં નિષ્ફળ ગરીબ ભિખારણ સ્ત્રીની ટ્રાઇસિકલને ધક્કો મારી તેને મદદ કરી હતી. ઈશ્વરે આ સઘળું યાદ કરાવતાં કહ્યું કે ‘નિઃસ્વાર્થ ભાવ સાથે કરાતી સેવા એ શ્રીજીના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ જ જાય છે.’

હવે આગળ...

‘એનો મતલબ કે હું તમારો સૌથી મોટો ભક્ત એમ જને?’ સંજયના મનમાં અભિમાને પ્રવેશ કરવાનું શરૂ કર્યું. આ જોઈને ઈશ્વર હસ્યા. તેમણે કહ્યું, ‘ચાલ મારી સાથે.’

સ્કૂટરને કિક મારીને ઈશ્વરે ઇશારો કર્યો. બન્ને જણ નીકળ્યા. પોતે સારાં કર્મો કર્યાં અને હવે એ સાબિત થઈ ગયું છે કે પોતે સૌથી મોટો ભક્ત છે એ વાત સંજયના વિચારશીલ મગજને પાંગળું બનાવતી હતી.

એક જનરલ સ્ટોર પાસે ઊભા રહી ભગવાને સંજયને પાણીની બૉટલ લઈ આવવાનું કહ્યું અને બન્ને જણ ઊપડ્યા મગનલાલ મહેતા મેદાનમાં.

મેદાનમાં કોઈ મહારાજની કથા ચાલી રહી હતી. ખૂબ જ વિશાળ મંડપ બાંધવામાં આવેલો. દૂર સુધી માનવમેદની હતી. મહારાજ ભગવદ્ગીતા પર પ્રવચન કરી રહ્યા હતા. સામે પોતાના સ્વજનો જોઈને દુખી થઈને હથિયાર મૂકી દેનાર અર્જુનને તેના સારથિ કૃષ્ણ જીવન જીવવાનો આ મહામંત્ર કઈ રીતે કહેતા હતા એ મહારાજ એકદમ રસાળ શૈલીમાં સૌને સમજાવતા હતા.

ભીડમાં ઈશ્વર અને સંજય અંદર પ્રવેશવા ગયા. આગળનો દરવાજો વીઆઇપી ગેસ્ટ માટે હતો એટલે બહાર ઊભેલા જયશ્રી કૃષ્ણનું ટીશર્ટ પહેરેલા સ્વયંસેવકે કૃષ્ણને જ ઊભા રાખ્યા.

‘કઈ બાજુ ભગત? આ વીઆઇપી ગેટ છે. સામાન્ય લોકોએ પાછળના મોટા ગેટથી.’ મોઢામાં રાખેલા પાનની પિચકારી મંડપની બહારની તરફ મારી હાથ વડે હોઠ લૂંછતા તે બોલ્યો.

સંજયને મનોમન ગુસ્સો આવ્યો, પણ ઈશ્વરે કશું જ ન બોલવાનો ઇશારો કર્યો અને પેલા ભાઈને એમ કહ્યું કે ‘સારું અમે ત્યાંથી જઈશું...’

સંજયને થયું કે આ ખોટું થયું, પણ પછી તેને પોતાની જ શરત યાદ આવી કે ઓળખ ન આપવાની વાત તો ઈશ્વરને પોતે જ કહી હતી. તે કશું જ બોલ્યા વગર મોટા મંડપમાં બેસીને ખૂબ જ પ્રેમ અને શ્રદ્ધાથી ગીતા-આખ્યાન સાંભળતા લોકોને જોતો-જોતો ઈશ્વરની પાછળ ચાલ્યો. તેના મનમાં હમણાં થોડા વખત પહેલાં જ ઊભું થયેલું અભિમાન થોડું વધારે દૃઢ થયું. તેને થયું કે ‘આ બધા ભગવાનનાં નામ લઈને અડધા થઈ જાય છે અને આપણે બંદા ભગવાન સાથે ફરીએ છીએ.’

ભગવાન ભીડની અંદર તેને હાથ પકડીને લઈ ગયા. મંડપમાં ખૂબ જ ભીડ હતી. અસંખ્ય લોકો મહારાજના મુખે નીકળતા ગીતાજીના જ્ઞાનપ્રવાહનો આનંદ લઈ રહ્યા હતા. સંજય સૌને જોઈ રહ્યો હતો, પણ ભગવાને છેક ખૂણામાં એક થાંભલીને અડીને બેઠેલી ડોશી તરફ ઇશારો કર્યો.

એક ખૂબ જ ઘરડાં માજી હાથમાં રૂ લઈ એની નાની-નાની દિવેટ બનાવતાં-બનાવતાં મહારાજની કથા સાંભળી રહ્યાં હતાં, પણ સંજયે ધ્યાનથી જોયું તો એ ડોશીની આંખમાંથી અશ્રુઓની ધારા વહી રહી હતી.

ભગવદ્ગીતાજીની કથા જેવો પાવન અવસર હોય અને એમાંય મહારાજની કથા કહેવાની રીત પણ ખૂબ રસાળ હોય ત્યારે ખુશ થવાને બદલે આ ડોશીમા રડી કેમ રહ્યાં હશે એ સંજયને ન સમજાયું. ઈશ્વરે પેલી સાથે રાખેલી પાણીની બૉટલ અને પોતાના ખિસ્સામાં રહેલો રૂમાલ કાઢી તેને આપ્યો. સંજય સમજ્યો નહીં એટલે તેને કહ્યું કે ત્યાં જઈ પેલી ડોશીને પાણી પીવડાવે અને આ રૂમાલ આપીને પાછો આવે.

સંજયને આમ સાવ અજાણી રડતી વ્યક્તિ પાસે જઈને તેને શાંત કરવામાં થોડો ક્ષોભ થયો, પણ ઈશ્વરનો આદેશ હતો એટલે એ ભીડમાંથી જગ્યા કરતો-કરતો માજી પાસે પહોંચ્યો.

એ સિફતપૂર્વક માજીની બાજુમાં આવીને બેસી ગયો અને જાણે અચાનક જ માજી પર નજર ગઈ હોય એવો અભિનય કરીને માજીને પાણી પણ પિવડાવ્યું અને ઈશ્વરનો આપેલો પેલો રૂમાલ પણ આપ્યો. એ રૂમાલથી મોઢું લૂંછતી વખતે એમાંથી આવેલી સુગંધ ડોશીને રોજ પોતે લાલજીને લગાડતા ચંદનમાંથી આવતી હોય એવી લાગી.

તેણે સંજયના માથે હાથ મૂકી તેનો આભાર માન્યો અને વળી પાછાં ગીતાજી સાંભળવા લાગ્યાં. સંજયે ધારીને જોયું તો આંસુ તો લૂંછાઈ ગયાં હતાં પણ આંખના ખૂણા હજી ભીના જ હતા. હવે શું કરવું એવો પ્રશ્ન મોઢા પર લઈને તેણે ભગવાનને જોયા તો ભગવાન તો કથામંડપમાં હતા જ નહીં. તેણે પાણીની બૉટલ અને રૂમાલની ફિકર કર્યા વગર પોતે પણ બહારની તરફ દોટ લગાવી.

બહાર આવીને જોયું તો ભગવાનનો ક્યાંય પત્તો હતો નહીં. મંડપના તેણે લગભગ ચાર ચક્કર લગાવ્યાં. એક કે બે વાર તો પાછો ભીડમાં થઈને અંદર પણ જોઈ આવ્યો. તેને થયું કે વળી પાછા આ ભગવાન ગુમ તો નહીં થઈ ગયા હોયને? પોતે કરેલા અભિમાન એનું કારણ હોઈ શકે એટલી સમજણ ઈશ્વર સાથેના આટલા સંગાથ પછી તો તેને આવી જ ગઈ હતી એટલે મનોમન તેમની માફી માગતો, હાંફતો-હાંફતો સ્કૂટર પાર્ક કર્યું હતું ત્યાં પહોચ્યો. ઈશ્વર હાથમાં રહેલી હેલ્મેટ પર આંગળીઓથી તબલાં વગાડતા ત્યાં જ બેઠા હતા. તેમને જોઈને સંજયના મનમાં હાશ થઈ.

‘શું થયું? મને ન જોઈને આટલો વ્યાકુળ કેમ થઈ ગયો? હજી પણ સમજ્યો નથી કે હાથ મેં તારો પકડ્યો છે, તેં મારો નહીં... માણસે ઈશ્વરનો હાથ પકડ્યો હોય તો કદાચ એની પક્કડ ઢીલી પડે અને હાથ છૂટી જાય પણ જ્યારે ઈશ્વર માણસનો હાથ પકડે એ પછી ક્યારેય છોડતો નથી.

સંજયને આજે એ જ્ઞાન સમજાયું જે મીરા અને નરસિંહને સમજાઈ ગયેલું કે અનેકાનેક તકલીફો પડવા છતાં  મારો હાથ મારા ઈશ્વરે પક્ડ્યો છે, ક્યાંય ને ક્યારેય તે છોડીને મારાથી દૂર નહીં રહે... એટલે ઈશ્વર પોતાનાથી દૂર જતા રહેશે એવો વિચાર પણ ક્યારેય આ લોકોએ નહીં કર્યો હોય.

હજી સાચા ભક્તની કૅટેગરીમાં આવવા માટે પોતે કેટલો કાચો છે એ સંજયને સમજાયું. તે ઈશ્વરના પગ પકડીને માફી માગવા જતો હતો ત્યાં જ ઈશ્વરે તેનો ખભો પકડીને અટકાવ્યો. બન્ને જણ ક્યાં ઊભા છે એનું ભાન કરાવ્યું.

ફરી પાછી હેલ્મેટ પહેરી, સ્કૂટરને કિક મારીને પાછળ બેસવાનો ઇશારો કર્યો. સંજય પોતાનામાં થોડી ક્ષણ માટે ઉત્પન્ન થયેલા અભિમાનથી દુખી હતો, પણ ત્યાં જ તેના મનમાં વિચાર આવ્યો કે છેક ઘરેથી આટલે દૂર ભગવાન કથા સાંભળતી એક ડોશીને પાણી પિવડાવવા માટે મને અહીં સુધી લઈ આવ્યા. એવું તે શું હતું એ ડોશીમાં કે તેને પાણી પિવડાવવાની દરકાર સ્વયં ઈશ્વરે પોતે રાખવી પડે?

‘મને ક્યારનુંય થતું હતું કે તારા મનમાં હજી સુધી આને લઈને પ્રશ્ન થયો કેમ નહીં?’

હમેશની જેમ મનની વાત સાંભળવાની ભગવાનની ટેવને લીધે સંજય વધુ મૂંઝાયો. એ બોલવા ગયો, પણ કશું બોલી ન શક્યો. ઈશ્વરે આગળ ચલાવ્યું,

‘મારો તો એક સીધો નિયમ છે જે મારી કાળજી રાખે તેની કાળજી તો હું સ્વયં કરતાં વધારે રાખું છું.’

‘ઓહ! એટલે તમારું કહેવું એમ છે કે એ ડોશીમા તમારી કાળજી રાખે છે? પણ મેં તો ક્યારેય છેલ્લા આટલા દિવસથી તેમને તમારી આસપાસ જોયાં નથી. ઓહ, ભૂલ્યો... કદાચ તેઓ તેમના ઘરે તમારા ફોટોને બરાબર લૂંછતાં હશે કે પછી તમારી મૂર્તિ રાખી હશે એને શણગાર કરતાં હશે એટલે તમે તેમની કાળજી રાખતા હશો, બરોબર છે?’

સંજયે સ્વયં જ પ્રશ્ન કર્યો અને પાછો પોતે જ ઉત્તર આપ્યો.

સંજયને પણ લોકોની જેમ વિચારતો જોઈ ઈશ્વરે અટકાવ્યો.

‘તું જો એમ માનતો હોય કે મને વાઘા પહેરાવી, માળાઓ બાંધી અને ચંદનના ટીકા કરવા માત્રથી હું ખુશ થઈ જાઉં છું તો એ સાવ ખોટી માન્યતા છે. હા, મારા પ્રત્યેના પ્રેમ અને ભાવાવેશમાં મારા અનેક ભક્તો મને સુવાડે છે, જગાડે છે, જમાડે છે અને કાલાવાલા અને લાડ પણ લડાવે છે અને જો નિઃસ્વાર્થ ભાવે તે બધું કરે છે તો એ મને ગમે પણ છે... પણ અહીં વાત કંઈ ઓર છે.’

‘એટલે હું સમજ્યો નહીં પ્રભુ’ સંજયને થયું કે આ પાછું કંઈક નવું આવ્યું.

‘આ માજીના કેસમાં મારી કાળજી લેવાની વાત કંઈક જુદા જ અર્થમાં છે. તને ખબર છે એ કેમ રડતાં હતાં?’

સંજયે નકારમાં માથું ધુણાવ્યું.

‘ઈશ્વરે કહ્યું કે જ્યારે આખા મંડપમાં કથા સાંભળી રહેલા લોકો ભગવદ્ગીતાનું રસપાન કરી રહ્યા હતા એમાંથી તેમની સમજણ પ્રમાણેનું જીવનજ્ઞાન મેળવી રહ્યા હતા ત્યારે એ માજી મારી ચિંતા કરી રહ્યાં હતાં.

તેમની આંખમાં આસું આવ્યાં હતાં, કારણ કે તેમણે વિચાર્યું કે ભગવાન તો અર્જુનનો રથ ચલાવતા હતા એટલે આગળ બેઠા હશે અને અર્જુનનો રથ કંઈ સાવ આજકાલની ગાડી જેવડો તો હશે નહીં. આની પાછળ ફરીને આવડી લાંબીલચક ગીતા કહેતી વખતે ભગવાનને ડોકમાં કેટલું બધું દુખ્યું હશે! એ તો જેણે ડોક અને કમરનો દુખાવો સહન કર્યો હોય તેને ખબર હોય એટલે મને કેટલું દુખ્યું હશે એનો વિચાર કરીને એ ભોળી ડોશીમાં રડી રહ્યાં હતાં. હવે મારી આવી કાળજી લેનારની કાળજી તો મારે જગતનાં દરેક કામ પડતાં મૂકીને લેવી પડે કે નહીં?’

ઈશ્વર પોતાના ભક્તની કાળજી કેટલી સરસ રીતે લે છે એ જાણીને સંજયને ગર્વ થયું, પણ ત્યાં જ વિચાર આવ્યો કે આવું તો કંઈકેટલાય જણ વિચારતા હશે તો ભગવાન કેવી રીતે દરેક જણ પાસે પહોંચી શકે!!!

હજી તો તે આમ વિચારે એ પહેલાં તો સામે જોતાં તેની આંખો ફાટી ગઈ...

(વધુ આવતા અંકે)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK