Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 45

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 45

23 February, 2020 03:29 PM IST | Mumbai
Dr. Hardik Nikunj Yagnik

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 45

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


સંજય હવે એ વિચારમાં છે કે કયા કારણે જગતભરના આટલાબધા લોકોમાંથી ઈશ્વરે તેને જ પસંદ કર્યો? અને તેની સાથે સાવ સામાન્ય માણસ બનીને ધરતી પર રહેવા આવ્યા. જવાબમાં ઈશ્વરે તેને તેની બાળપણની એક ઘટના યાદ દેવડાવી, જ્યાં ઈશ્વર જોવા માટે એક કૂકડાનો બલિ આપવાનું એક સાધુએ કહ્યું હતું. નાનકડા સંજયે નિર્જીવ પ્રાણીની બલિ આપી નહોતી. ઈશ્વર એનાથી ખુશ હતા, પણ સંજયને થયું કે ફક્ત આ એક જ ઘટનાને કારણે ઈશ્વર આમ ન કરે. એટલે ભગવાને કહ્યું કે તારી અંદર બેઠેલા મને જાણવાનો પ્રયત્ન કર્યો છે કદી? અને સંજય ભૂતકાળ વિચારવા લાગ્યો...

હવે આગળ...



સંજયે વિચાર્યું કે પોતે જીવનમાં ક્યારેય પોતાની અંદર બેઠેલા ભગવાનને શોધ્યો છે?


અને ત્યાં જ ઈશ્વરે તેને યાદ દેવડાવ્યું...

મે મહિનાનો ધોમધખતો અસહ્ય તાપ હતો અને પોતાના સ્કૂટર પર સંજય શૂટિંગમાંથી પાછો આવી રહ્યો હતો. દર વખતની જેમ સ્કૂટર ચલાવતી વખતે તેના મગજના વિચારો એકસાથે ઘણીબધી વાતોને વાગોળી રહ્યા હતા. સ્વભાવગત કોઈ પણ ઘટના બનવા પાછળનું લૉજિક શોધવાની ટેવને કારણે તેના મનમાં પ્રશ્ન ચાલતો હતો કે આજકાલ આટલીબધી ગરમી અચાનક કેમ પડવા લાગી હશે અને ત્યાં જ તેના અંતરમાંથી અવાજ આવ્યો કે આજકાલ માણસ જ બીજા માણસને જોઈને કેટલો બળે છે! અને એમાં જ આટલીબધી ગરમી પડે છે...


પોતે કવિઓ જેવા વિચાર કરવા લાગ્યો એ વિચારીને તેને હસવું આવ્યું. અચાનક ફાટક પાસેના પુલના વળાંક પર તેણે જોયું કે એક ભિખારી જેવી લાગતી અપંગ સ્ત્રી ત્રણ પૈડાંવાળી ટ્રાઇસિકલને લઈને પુલનો ઢાળ ચડવાનો નિરર્થક પ્રયત્ન કરી રહી હતી. આસપાસ ચાલી જતા અનેકાનેક ગાડી-સ્કૂટરવાળાઓને આ ધોમધખતા તાપમાં એ અપંગ બાઈના પ્રયત્નો સામે જોવાની ફુરસદ નહોતી. પુલ સાંકડી જગ્યામાં બનાવેલો એટલે ઢાળ પણ સારોએવો. સામાન્ય માણસને ચાલીને એના પરથી જતાં હાંફ ચડે ત્યારે પગે અપંગ અને પૂરતા ખોરાકના અભાવે સાવ સુકલકડી થઈ ગયેલ સ્ત્રીના હાથોમાં એટલું જોર ક્યાંથી હોય કે આવડા મોટા ઢાળ પર તે ટ્રાઇસિકલને હાથના જોરે ચડાવી શકે!!!

બીજાઓની જેમ સંજય પણ તેના પર એક ઊડતી નજર નાખીને આગળ વધ્યો. અચાનક મનમાં થયું કે આ સ્ત્રી કોઈ પણ હિસાબે આ ઢાળ પોતાની ટ્રાઇસિકલ વડે તો નહીં જ ચડાવી શકે અને જો તેના હાથમાંથી કન્ટ્રોલ છટક્યો તો ચોક્કસ પાછળ આવતા વાહન સાથે અથડાઈ જશે. ખબર નહીં કેમ, પણ પુલના એક છેડે સ્કૂટર રાખીને તેને લૉક કરી તે ચાલતો-ચાલતો નીચે ઊતરવા લાગ્યો. હજી પણ પેલી સ્ત્રીના પુલનો ઢાળ ચડાવવાના નિરર્થક પ્રયત્ન ચાલુ જ હતા. સંજયે તેની પાસે જઈને એક સ્મિત આપ્યું અને ખિસ્સામાંથી રૂમાલ કાઢી તેની ટ્રાઇસિકલના પાછળના ગરમ થઈ ગયેલા હાથાને વીંટાળીને ધક્કો મારવાનું શરૂ કર્યું. પેલી સ્ત્રી પણ હેબતાઈ ગઈ. તેણે કહ્યું, ‘સાહેબ રહેવા દો, તમે આવડા મોટા સાહેબ થઈને મારી ટ્રાઇસિકલને ધક્કો મારો એ સારું ન લાગે.’

પણ સંજયને કોઈ અજીબની લાગણી અને ખુશી થઈ રહી હતી. ખરેખર હજી હમણાં લાગતો ધોમધખતો તાપ તેને અચાનક અડતો પણ નહોતો. સવારથી લાગેલો થાક એકઝાટકે ઊતરી ગયો હતો. મદદ અને દયા જેવા શબ્દો આજ સુધી જાણે સાંભળેલા લાગતા, પણ આજે એ શબ્દોનો ખરો અર્થ તે માણી રહ્યો હોય એમ તેને લાગતું હતું. એક સારા ઘરનો માણસ આમ ભરબજારે પુલ પર કોઈ ભિખારણ અપંગ સ્ત્રીની ટ્રાઇસિકલને ધક્કો મારી પુલ પાર કરાવે છે એ જોતાં હવે લોકોને પણ એ અજાણ્યા માણસ પર માન થવા લાગ્યું. પોતાની જાતને માણસ ગણતા પણ અંદરથી મરી ગયેલા અમુક લોકોને મન આ સંજયનો દેખાડો હતો. એક બે જણે ગાડીમાંથી થમ્સ-અપની નિશાની કરી તો એક-બે જણે તેનો ફોટો લીધો, પણ આ બધાથી અલિપ્ત થઈ સંજય પેલી સ્ત્રીની ટ્રાઇસિકલને સાચવીને પુલ પાર કરાવી રહ્યો હતો. આ દરમ્યાન પેલી સ્ત્રીએ સંજયને કહ્યું કે છેલ્લા ૬ મહિનાથી તે પુલની આ તરફ હતી. પુલની બીજી તરફ આવેલા મંદિરમાં દર્શન કરીને કંઈક રોજી લેવાનો વિચાર તેને રોજ આવતો. આ સારુ તે રોજ આ તરફ આવવાનું નક્કી કરતી, પણ હિમ્મત નહોતી થતી. ત્યારે તેણે ગઈ કાલે જ દીવો કરીને ભગવાનને મનોમન ખરા દિલથી પ્રાર્થના કરી હતી કે કાલ તો ગમે તે થાય, તારાં દર્શને આવવું જ છે. હવે તારે જોવાનું કે હું ક્યાંથી પહોંચીશ અને તેને આખી રાત ઊંઘ આવી નહોતી. સવારના પહોરમાં નીકળવાની હતી, પણ અંદરથી મન નહોતું માનતું. હમણાં થોડી વાર પહેલાં જ અચાનક અંદરથી થયું કે બસ, હવે નીકળી જા અને જ્યારે તે પહોંચી અને ઈશ્વરે સંજયને ત્યાં મોકલ્યો.

સંજય મનોમન આ ભોળી ભિખારણ પર હસ્યો. તેને થયું પણ ખરું કે આ મેં મહેનત કરી અને ક્રેડિટ તો ભગવાન લઈ ગયા, પણ કોણ જાણે કેમ એક અજીબનો સંતોષ હતો આજે તેના મનમાં.

જ્યારે પુલની છેક વચ્ચે પહોંચ્યાં ત્યાર બાદ તો ઢાળ નીચેની તરફ હતો એટલે પેલી સ્ત્રીએ ધક્કો મારવાની ના પાડી. સંજયને અંતરના મીઠા ઓવારણા લેતા આશીર્વાદ આપ્યા કે જેમ મને આ પુલ પાર કરાવ્યો છે એમ ઈશ્વર તારી સાથે રહીને એક દી તારો ભવ પાર કરાવશે. એવું સુખ મળશે જે આજ સુધી દુનિયામાં કોઈને ન મળ્યું હોય.

એક ભિખારણ જેની પોતાની પાસે કશું નથી તે જગતઆખાના સુખની અને જે ભગવાન છે કે નહીં એની ખાતરી જ નથી એ ભગવાન તેનો ભવ પાર કરાવશે જેવી વાતો કરી રહી હતી. આ સાંભળીને સંજય પોતાનું હસવું રોકી શક્યો નહીં. તેણે ખિસ્સું ફંફોસીને એમાંથી ૫૦ રૂપિયાની નોટ કાઢી પેલી સ્ત્રી સામે ધરીને કહ્યું કે ઈશ્વર ક્યાં નવરો બેઠો છે મને અને તમને સાંભળવા માટે... તમતમારે કશુંક ખાઈ લેજો માડી.

આમ બોલીને તે સ્કૂટર તરફ પાછો ફર્યો. એ વખતે તેને મનમાં વિચાર આવ્યો કે આ કામ મેં કેમ કર્યું? શું ખરેખર કોઈ ભગવાન હશે જે આપણાં કર્મોનો હિસાબ રાખતો હશે? અને આટલાબધા લોકોમાં આ ભિખારણ ડોશીને મદદ કરવાનો વિચાર તો ઘણાને આવ્યો હશે, પણ એને અમલમાં તો મેં જ મૂક્યો એટલે મને તો એના બદલામાં ઈશ્વર માલામાલ કરી દેશે! પણ વળતી જ પળે મનને કહ્યું કે તેં ક્યાં કશું મેળવવાની ઇચ્છાથી તેને મદદ કરી છે અને એક ભિખારણને મદદ કરવાના બદલામાં ભગવાન જો મને મદદ કરતો હોય તો દયા ખાઈને એ ભિખારણને જ મદદ ન કરે? હા, કોઈક અજાણ્યા અને જરૂરિયાતમંદને મદદ કરવાની મજા આવી. સંતોષ થયો કે આપણે બીજાથી જુદા તો છીએ જ સાહેબ, બાકી રહી વાત કર્મોના હિસાબ અને એવુંબધું તો આ આખી દુનિયાના કરોડો લોકો દરેક ક્ષણ અને દરેક પળ કશુંક સારું અને કશુંક ખરાબ કરતા હોય છે એ સઘળાનો હિસાબ લખવા જાય તો ભગવાનનું કમ્પ્યુટર પણ હૅન્ગ થઈ જાય. એવા હિસાબ રાખવા ઓછો એ ઈશ્વર નવરો હોય? જો તે ખરેખર હોય કશે ઉપર તો...

સ્કૂટર ચલાવીને પાછો નીકળતી વખતે તે પુલ ચડીને બીજી તરફ પહોંચ્યો ત્યારે તેને સૌથી મોટું આશ્ચર્ય એ થયું કે પુલના બીજા છેડેથી ઊતરી રહેલી એ સ્ત્રી કે તેની ટ્રાઇસિકલ ન દેખાઈ. બે ક્ષણ માટે તેને થયું કે આ શું થયું? પેલી સ્ત્રીએ તેની ટ્રાઇસિકલ હવામાં ઉડાડી કે શું? પછી થયું કે ઢાળ હશે એટલે ગગડાવી મારી હશે, આપણે શું?

તેને પોતાના પિતાજીએ નાનપણમાં શીખવાડેલી વાત યાદ આવી. એક વાર કોઈને મદદ કરો એ પછી વારેઘડીએ તેની સામે ન જાઓ, નહીં તો એ માણસને પોતાને ખરાબ લાગે. આપણે મદદ કરી, હવે તેની સામે ફરી જઈએ તો એને દેખાડો કહેવાય.

એકતાલીસ ડિગ્રી ગરમીમાં પણ સિસોટી મારતો સંજય ઘર તરફ વળ્યો.

આજે ઈશ્વરે તેને આ પ્રસંગ યાદ દેવડાવ્યો. આજે પહેલી વાર સંજયની આંખોના બન્ને ખૂણા ભીના થયા હતા. તેને પેલી ડોશીની આંખો યાદ આવી. અત્યારે ઈશ્વરની આંખોમાં પણ એ જ અજીબની ચમક તે અનુભવી રહ્યો હતો અને તેના કાને પેલા શબ્દો સંભળાયા...

‘જેમ મને આ પુલ પાર કરાવ્યો છે એમ ઈશ્વર તારી સાથે રહીને એક દી તારો ભવ પાર કરાવશે. એવું સુખ મળશે જે આજ સુધી દુનિયામાં કોઈને ન મળ્યું હોય.’

તે ફાટી આંખે ઈશ્વરને જોઈ રહ્યો અને ઈશ્વરે એ જ સરસ મજાના સ્મિત સાથે ડોકું હકારમાં હલાવતાં કહ્યું કે મેં કહ્યું હતું કે કરેલાં દરેક કર્મોનો હિસાબ મારી પાસે હોય જ છે અને નિઃસ્વાર્થ ભાવે કોઈ પણ અપેક્ષા વગર કરેલાં કર્મનાં ફળ તો હું વિચાર્યાં પણ ન હોય એમ પાછાં આપું છું. અને હા તારી જાણ માટે, મારી સિસ્ટમ હૅન્ગ કરી શકે એવો વાઇરસ આજ સુધી બન્યો નથી. રાત પડ્યે નાનકડા દરમાં ઘૂસતી કીડીથી લઈને ખરબો રૂપિયાના માલિક સુધીના આ પૃથ્વી પર રહેતા દરેકેદરેકની ક્ષણ-ક્ષણ અને પળ-પળનાં કર્મોનો હિસાબ મારી સાથે હાજર હોય છે એટલે જ કહું છું કે કોઈ પણ સારું કે ખોટું કામ કરતી વખતે તમને એમ લાગે છે કે તમને કોઈ નથી જોતું, પણ યાદ રાખજો કે આ તમારા શ્રીજીનો સીસીટીવી કૅમેરા જરા વધારે પડતું જ પાવરફુલ છે દોસ્ત...

(વધુ આવતા અંકે)

આખી દુનિયાના કરોડો લોકો દરેક ક્ષણ અને દરેક પળ કશુંક સારું અને કશુંક ખરાબ કરતા હોય છે એ સઘળાનો હિસાબ લખવા જાય તો ભગવાનનું કમ્પ્યુટર પણ હૅન્ગ થઈ જાય. એવા હિસાબ રાખવા ઓછો એ ઈશ્વર નવરો હોય? જો તે ખરેખર હોય કશે ઉપર તો...

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2020 03:29 PM IST | Mumbai | Dr. Hardik Nikunj Yagnik

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK