Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 42

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 42

02 February, 2020 02:46 PM IST | Mumbai
Dr. Hardik Nikunj Yagnik

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 42

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


ગતાંક - સંજય અને ઈશ્વરનું અપહરણ એક રઘલો નામનો ચોર કરે છે. આમતો રઘલો હૃદયનો સારો માણસ અને ચોરી છોડવી પણ છે. આ જ ચક્કરમાં તેણે એક છેલ્લો હાથ મારવા આ બન્નેનું આમ અપહરણ કરે છે. ઈશ્વર તેમની લીલા કરે છે અને રઘલો એ જ ઘરમાં જઈ ચડે છે જ્યાં તેણે પહેલાં પણ ચોરી કરી હોય છે. રાતના સમયે તે અંદર બે ઘરડાં પતિ-પત્નીની વાત સાંભળે છે અને તેને ખબર પડે છે કે તેની ચોરીને લીધે તે વૄદ્ધ દંપતીએ પોતાનો જુવાન દીકરો ગુમાવ્યો છે. એ સઘળું છોડી ઈશ્વરની પ્રેરણાથી રઘલો તેમની જોડે રહેવા જાય છે.

હવે આગળ..



સંજયની આંખો ઊઘડે છે અને તે પોતાની જાતને પોતાના જ ઘરમાં, પોતાના પલંગ પર જ સૂતેલો જુએ છે. ઊઠીને તે બહાર આવે છે ત્યારે ઈશ્વર ગૅલરીમાં જ હોય છે. ઈશ્વરે ના પાડી હોવા છતાં પણ ચમત્કાર કરીને પોતાને અને સંજયને છોડાવ્યા છે એ જાણી સંજય તેમની પાસે પહોંચી અને પૂછે છે..


‘તમે પ્રૉમિસ તોડ્યું છે. તમે તો ચમત્કાર કરવાની ના પાડી હતીને.’

ઈશ્વર તેમના એ જ મોહક સ્મિત સાથે તેને આખી ઘટના સમજાવે છે અને કહે છે કે તેની જેમ રઘલાનો પણ પુણ્ય સમય આવી ગયો હતો અને એથી કરીને ઈશ્વરે તે રઘલાને તેનાં ખોટાં ચોરી જેવાં કામોમાંથી બહાર કાઢી સાચા સરનામે પહોંચાડવાનો હતો.


સાચી વાત જાણ્યા પછી સંજયને એક સારું કામ કરવાનો સંતોષ થયો. જોકે તેના મનમાં પ્રશ્નો ઘણા હતા. ઈશ્વર તેનો સ્વભાવ જાણતા હતા અને એટલે જ તેણે પૂછ્યું કે ‘તો પછી તમે આવા માણસ બનાવો જ છો શું કામ? જો તમે એવી દુનિયાને બનાવી દો કે જ્યાં કોઈ માણસ ખરાબ હોય જ નહીં તો તમારું શું જાય? જગતમાં બધા જ માણસો ખૂબ સારા જ હોય અને સઘળું સારું જ કામ કરતા હોય તો? તમે તો પોતે ભગવાન છો, માણસને કોઈ તકલીફ જીવનમાં રહે જ નહીં એવી કોઈ સિસ્ટમ ગોઠવોને...’

ઈશ્વરે તેની તરફ ફરી અને પૂછ્યું, ‘સંજય, મને એમ કહે કે તને ફિલ્મ જોવાનું ગમે છે?’

‘હા, પણ અત્યારે એનું શું છે?’ ભગવાન વાત ફેરવે છે એમ માની સંજયે મોં બગાડતાં કહ્યું.

પણ ઈશ્વરે તો પોતાની વાત આગળ ચલાવી કે ‘તું કોઈ ફિલ્મ જોવા જાય અને એમાં કશું થાય જ નહીં. શરૂઆતથી જ સઘળું બરાબર જ ચાલતું હોય તો થોડી વાર સુધી ગમશે, પણ પછી કંટાળો આવવાનો શરૂ થશે, કારણ કે સંઘર્ષ અને સ્પાર્ક વિનાનું બે કલાકનું પિક્ચર માણસ જોઈ શકતો નથી તો સંઘર્ષ વિનાનું જીવન કેવી રીતે હોઈ શકે? અને રહી વાત ખરાબ માણસોની તો એક વાત યાદ રાખજે સંજય કે અંધારું તો શાશ્વત છે. પ્રયત્નો તો અજવાળું કરવા માટે કરવા પડે છે. જ્યાં સુધી ખરાબ જ નહીં હોય ત્યાં સુધી સારાની કિંમત જ ક્યાંથી થશે? તારી ભાષામાં કહું તો બે ક્ષણ માટે વિચાર કે જો હું તારા જીવનમાંથી સંઘર્ષને જ કાઢી નાખું તો આખી લાઇફ મોનોટોનસ થઈ જશે. કશી જ નવિનતા નહીં રહે. તું આમ કશે જવા ટ્રેનમાં નીકળ્યો હોય અને તને આખી ટ્રેનમાં ક્યાંય જગ્યા મળે જ નહીં અને તું ઊભો-ઊભો મુસાફરી કરતો હોય, કમ્પાર્ટમેન્ટમાં ક્યાંય જગ્યા ન હોય, લગભગ ૪થી ૫ સ્ટેશન પણ જતાં રહે તોય ઊલટાની ભીડ વધે, પણ ઘટે નહીં. અચાનક આખરે ઘણા વખતે તને કશેક બેસવાની જગ્યા મળે. આ સતત ભીડમાં ઊભા રહ્યા પછી જે સીટ મળે છે એ આનંદ તમને ટ્રેનમાં બેસતાંની સાથે જ જો સીટ મળી જાય તો મળતો નથી.’

‘હવે જો પેલાં તબલાં પડ્યાં છે એ લાવ’ એમ કહી ભગવાને એક ખૂણા તરફ આંગળી કરી.

સંજય ઘરના એક ખૂણામાં પડેલાં અને વર્ષોથી ન વપરાયેલાં તબલાં લઈ એને સાફ કરીને ઈશ્વરની સામે મૂકે છે. ઈશ્વર એને વગાડવાનું શરૂ કરે છે. સંજય એ જોઈને ખુશ થઈ જાય છે. તેને થાય છે કે જગતમાં સંગીતનું સર્જન કરનાર આજે સ્વયં સંગીત વગાડી રહ્યા છે એટલે કેટલું ઉત્તમ વગાડશે! આ પહેલાં પણ અદ્ભુત અને અવિસ્મરણીય બંસરીનાદ તો તે સાંભળી જ ચૂક્યો હતો, પણ તકલીફ એક જ થઈ કે ભગવાને તેની ધારણાથી તદ્દન વિરુદ્ધ એક જ તાલમાં સતત ધીમે-ધીમે વગાડ્યા કર્યું. બસ, કોઈ જ ઉતાર-ચડાવ નહીં. થોડી વાર સુધી તો સંજયે રાહ જોઈ કે હમણાં ઈશ્વર કશું જોરદાર વગાડશે, પણ અહીં તો આટલો સમય વિત્યો તો પણ ઈશ્વર તો એક જ સરખું વાદ્ય વગાડે જતા હતા. આખરે સંજયથી ન રહેવાયું. તેણે પૂછ્યું, ‘આમ શા માટે કરો છો? કંઈક તો કશું જુદું વગાડો...’

અને આ સાંભળી ઈશ્વર ખડખડાટ હસી પડ્યા અને તેમણે તબલાં બંધ કરતાં પૂછ્યું, ‘એકસરખું સંગીત તમે થોડી વાર સુધી મન દઈને સાંભળી નથી શકતા તો પછી આખી જિંદગી કઈ રીતે કોઈ જ ઉતાર-ચડાવ વગર જીવવા માગો છો. આ તો જીવનનો ક્રમ છે. જીવનને જેમ ડોલાવો એમ ડોલે. ખરેખર તો એની ક્ષણેક્ષણ માણવા માટે મેં આપી છે. તને ખબર છે, મને કયા ઋષિ ખૂબ ગમે છે?’

સંજયે ડોકું હલાવ્યું અને ઈશ્વરે કહ્યું, ‘મધૂછંદા ઋષિ.’

સંજયના કાન સરવા થયા. આંખો ઝીણી થઈ, કારણ કે આ નામ તો તેણે સાંભળ્યું પણ ન હતું. હા, નારદમુનિથી લઈને વિશ્વામિત્ર, ગૌતમ જેવા ઋષિઓ વિશે ખબર હતી, પણ આ મધૂછંદા ઋષિ વિશે તો સાંભળ્યું પણ ન હતું.

ઈશ્વરે જણાવ્યું કે ‘મધૂછંદા એક અદ્ભુત ઋષિ હતા અને તે મને પ્રિય પણ બહુ અને તને ખબર છે તે મને પ્રિય કેમ છે?’

‘હવે જેનું નામ પણ મેં હમણાં તમારી પાસેથી સાંભળ્યું હોય તે તમને પ્રિય કેમ છે એની મને કેમની ખબર હોય પ્રભૂ?’ સંજયના શબ્દોમાં ઇશ્વર માટે વહાલસોયો ઠપકો હતો.

ઈશ્વરે આગળ ચલાવ્યું, ‘મધૂછંદા એક અલગ પ્રકારના પણ મસ્તીમાં ચૂર ઋષિ હતા. તેમણે ગુરુકુળ કરતાં પણ વધારે સમય ઝાડ-પાન અને જંગલોમાં કાઢ્યા હતા. તે વૃક્ષની બાજુમાં બેસીને એમની સાથે વાતો કરતા. પહાડોને જોઈ ઝૂમી ઊઠતા. નદીઓની પૂજા કરતા.’

એક વાર તેમના ગુરુએ આશ્રમમાં જ કસોટી લેવાનું નક્કી કર્યું. એ વખતે ઋષિઓની એટલી તાકાત હતી કે ગમે ત્યારે દેવોને બોલાવી તેમની સાથે કામ કરી લેતા. ગુરુજીએ ઈન્દ્ર દેવને કહ્યું કે ‘પોતાના સર્વે દેવોની સાથે પૃથ્વી પર આવે અને પોતાના શિષ્યોના યજ્ઞને ગ્રહણ કરી તેમને ઋષિ તરીકે સ્વીકારે.’

કસોટીનો સમય અને સ્થાન નક્કી થયાં. દરરોજની જેમ વિદ્યાર્થીઓએ આવીને સમયસર યજ્ઞની સામગ્રી સાથે પોતપોતાના યજ્ઞો શરૂ કર્યા. તેમને પોતાની ચિંતા ન હતી, ફકત મધૂછંદાની હતી, કારણ કે તે યજ્ઞ કરવાની જગ્યાએ બે હાથ ઊંચા કરી, બે આંખ બંધ કરીને પોતાના ઈશ્વરનું ગાન કરી રહ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું કે તારો યજ્ઞ કયાં છે? ત્યારે તેમણે કહ્યું કે આ જીવન જ મારો યજ્ઞ છે અને મારા શ્વાસ મારી આહુતિ છે.

સૌને એમ હતું કે ઈશ્વરની પરીક્ષામાં પોતાનાથી તો ઉત્તીર્ણ થઈ જવાશે, પણ મધૂછંદાને અનઉત્તીર્ણ થવું પડશે, પરંતુ ત્યાં તો ઊલટું જ થયું. મધૂછંદાને યજ્ઞના નામે પ્રકૄતિના ખોળે બેસીને ગીતો ગાતો જોઈ અને તેની ચોખ્ખી નીતિને જોતાં દેવોએ

કહ્યું કે ‘અમને સૌને સૌથીપહેલો આ મધૂછંદાનો યજ્ઞ પસંદ છે અને અમે એને ગ્રહણ કરીએ છીએ.’

આમ જિંદગીને રડીને કારનારા કરતાં ગમે એવી અવળી પરિસ્થિતિમાં પણ હસતા રહેતા અને સ્વયંમાં વિશ્વાસ રાખનારને હું મારો પ્રિય ગણું છું. તમને એક-બે વર્ષથી મળેલા માણસો પણ અચાનક નથી ગમવા માંડતા. હું જન્મથી તમારી સાથે રહું છું, હું દુનિયાના દરેક માણસની સાથે છું તો શું હું કંટાળું છું તેમનાથી?

ચાલ તને કશું બતાવું? એમ કહીને તે સંજયને લઈને બહાર નીકળે છે. ઘરની બહારથી એક વરઘોડો પસાર થાય છે. બૅન્ડવાળા જોરજોરથી ગીતો વગાડી રહ્યાં છે અને ખૂબ બધા લોકો રસ્તાની વચ્ચોવચ નાચી રહ્યા છે. અચાનક સંજયની નજર પડે છે તો સામેના ઘરમાંથી લાકડી લઈને ધ્રૂજતા હાથે એક લગભગ ૯૪ વર્ષના કાકા બહાર આવે છે. એ કાકા વરઘોડાની વચ્ચે આવે છે અને પછી  જોર-જોરથી અચાનક જ નાચવા માંડે છે. થોડી વારમાં સૌની નજર તેમની પર જાય છે. સૌકોઈ પોતે નૃત્ય કરવાનું છોડી તેમને જ જોવા લાગે છે. સંજયની આંખો ફાટી જાય છે કે આટલાં વર્ષો સુધી આસપાસના કોઈ સાથે ઝાઝો સંબંધ ન રાખનાર અને કદી કશું જ ન બોલતા આ કાકા અચાનક જ શું કરવા લાગ્યા?

લગભગ એક જ જગ્યાએ બૅન્ડબાજાવાળાના તાલે તે લગભગ ૧૦ મિનિટ જેટલું નાચ્યા અને પછી હાંફતાં-હાંફતાં બેસી પડ્યા. સૌકોઈએ તેમને ઉઠાડ્યા. સંજય પણ દોડીને પહોંચ્યો.

તેણે ખૂબ મોટા આશ્ચર્ય સાથે પૂછ્યું કે ‘એવું તો શું થયું કે આખી જિંદગી એકદમ સાદગી અને નીતિનિયમો સાથે જીવતો માણસ આમ અચાનક કોઈ અજાણ્યાનાં લગ્નના વરઘોડામાં રસ્તાની વચ્ચોવચ નાચવા લાગે?’

હાંફતાં-હાંફતાં સંજયની સામે જોઈને તે કાકાએ પોતાના આ વિચિત્ર વર્તનનું કારણ કહ્યું...

(વધુ આવતા અંકે..)

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2020 02:46 PM IST | Mumbai | Dr. Hardik Nikunj Yagnik

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK