ઈશ્વરોલૉજી - પ્રકરણ - 41

Published: Jan 26, 2020, 18:28 IST | Dr. Hardik Nikunj Yagnik | Mumbai Desk

ગતાંક - ખૂબબધા પૈસા મેળવવાની ઇચ્છાથી રઘલો નામનો ચોર ઈશ્વર અને સંજયનું અપહરણ કરે છે. ઈશ્વર સંજયને કહે છે કે રઘલો મૂળ પ્રામાણિક માણસ છે. આ લોકોને જ્યાં રાખ્યા હોય છે ત્યાંથી રઘલો બાપદાદાના સમયથી ચાલતી આવતી એક પરંપરા નિભાવવા પહોંચે છે.

ચોરચકલાનાં ચોઘડિયાંમાં શકનિયું નંખાય છે અને એમાં રઘલાની પસંદગી થાય છે. રઘલો નિયમ પ્રમાણે પોતે ભૂતકાળમાં ચોરી કરેલા ઘરમાં શકન કરવા નીકળે છે. મુહૂર્ત કરીને કશી કીમતી ન હોય એવી વસ્તુ ચોરવાની રાહ જોતો ઊભો રહ્યો. અડધી રાતે એ ઘરની લાઇટ ચાલુ હતી અને અંદર કોઈ ઘરડાં પતિ-પત્ની વાત કરી રહ્યાં હતાં ત્યાં  અચાનક તે કશું એવું સાંભળે છે કે તેના હાથમાં રહેલાં સાધનો સરી પડે છે અને તે ત્યાં જ બેસી પડે છે.
હવે આગળ...
‘કહું છું હવે સૂઈ જાઓ,’ સ્ત્રીના અવાજમાં થાક હતો.
ઘરડા માણસે ખૂબ પ્રેમાળ અવાજમાં કહ્યું, ‘આંખ, સપનું અને નિંદર ત્રણેય હવે આપણા જીવનમાં કયાંથી? હશે ઈશ્વરે આમ રાખવાં હશે.’
‘આજે આપણો સમર્થ જીવતો હોત તો આપણી આ દશા ન હોતને. આમ સાવ નોધારાં બનીને ન રહેવું પડત.’
‘હશે એમાં પણ ઈશ્વરની કોઈ ઇચ્છા હશે. નહીં તો આમ જુવાનજોધ છોકરો આત્મહત્યા જેવું પગલું કેમ ભરે અને એ પણ પૈસાને લઈને...’ પુરુષના અવાજમાં ઈશ્વર પ્રત્યેની અખૂટ શ્રદ્ધા ઘૂઘવતી હતી.
સ્ત્રીએ આ સાંભળીને સહેજ છણકો કર્યો, ‘એ ઈશ્વરની ઇચ્છા નહીં, પણ પેલા ચોરટાને લીધે આ બધું થયું છે. તેણે દીકરાને વિદેશ ભણવા જવાની ફી શું ચોરી લીધી. મારા દીકરાએ તેની જાણે જિંદગી ચોરાઈ ગઈ હોય એમ આત્મહત્યા કરી લીધી. એ ચોર તો મજાનો આ પૈસા ચોરીને આરામ કરતો હશે, પણ આપણી તો જિંદગીનો આધાર જતો રહ્યોને.’
‘હશે, એ પણ નિમિત્તમાત્ર હશે. બાકી જો તેને પણ ખબર હોત કે તેની ચોરીથી કોઈના ઘરનો દીપક ઓલવાઈ જશે તો મને વિશ્વાસ છે કે તે ગમે તેવો ખરાબ હોય તો પણ એમ ન થવા દે... કદાચ એ પૈસા તેના ભાગ્યના હશે. આપણે જે ગુમાવવાનું હતું એ આપણે ગુમાવી ચૂક્યાં છીએ. હવે ગમેએટલું દુઃખ વ્યક્ત કરીશું તો પણ દીકરો પાછો આવવાનો નથી. હું તો કહું છું કે એ પૈસા ક્યાંક એ માણસના સારા માટે વપરાયા હોય તો સારું. બાકી આ લોકો કેવા-કેવા કામમાં વાપરે રામ જાણે.’
ડોસાના શબ્દોમાં રહેલી સમજણ, શ્રદ્ધા અને હકારાત્મકતા સાંભળીને બહાર દીવાલને અઢેલીને બેઠેલો રઘલો સમસમી ગયો. તેની નજર સામે ભૂતકાળ તરવરી ઊઠ્યો...
એ રાતે તે આ જ સામેની દીવાલ કૂદીને અંદર આવ્યો. પાછળની બાજુમાં રસોડાની બારીનો નકૂચો ખૂબ જ કાળજીપૂર્વક તોડીને તે અંદર પેઠો. ઘરમાં લગભગ કોઈ હતું નહીં. બેઠકરૂમમાં કાળિયા ઠાકોરનો ફોટો જોયો. તેને થયું કે આજે તેનો ઠાકોર દલ્લો અપાવશે. ઉપરના માળે રહેલી તિજોરીને તેણે ખૂબ જ સિફતથી ખોલી નાખી અને અંદર રહેલી નાનકડી લોખંડની પેટીમાં જોતાં એની આંખો ચમકી. ખૂબબધા રૂપિયા અને થોડાં ઘરેણાં હતાં. આ જોઈ રઘલાની આંખો ફાટી ગઈ હતી. તેણે ઘરમાંથી જ એક કોથળી શોધી કાઢીને બધા રૂપિયા એમાં ભર્યા અને ઘરેણાં પોતાના શર્ટનાં બટન ખોલીને એમાં નાખી દીધાં. બહાર નીકળતાં પહેલાં બેઠકરૂમમાં રહેલા કાળિયા ઠાકોરને માથું નમાવીને તે રસોડાવાળી બારી વાટે બહાર નીકળ્યો. બંગલાની બહારની દીવાલમાંથી તે ઠેકડો મારીને બહાર નીકળવા જતો હતો ત્યાં જ કોઈકનો અવાજ આવ્યો, ‘અલ્યા કોણ? કોણ છે ત્યાં?’
આટલું સાંભળતાંની સાથે જ ચપળતાથી રઘલાએ અવાજની વિરુદ્ધ દિશામાં દોટ મૂકી. પાછળની બૂમાબૂમ વધી એ જાણીને તેને ખ્યાલ આવી ગયો કે રાતે રાઉન્ડ મારતી પોલીસ તેની પાછળ છે. આ બધા અવાજથી લગભગ આખી સોસાયટી જાગી ગઈ હતી. રઘલાને નાનપણથી ચોરી કરીને કેમ ભાગવું એ શીખવવામાં આવ્યું હતું. તેને ચોરીનો પહેલો સિદ્ધાંત યાદ આવ્યો કે મુદ્દામાલ સાથે કયારેય પકડાવું નહીં એટલે તેણે સાથેની કોથળી સોસાયટીની પાછળ આવેલી નહેરમાં ફેંકી દીધી અને પોતે ઝાડીઓમાં ઘૂસીને સફળતાપૂર્વક છટકી ગયો.
ઘરે જઈને શર્ટમાં નાખેલાં ઘરેણાંનો દલ્લો મળ્યો હોવાથી નાખેલા રૂપિયા વિશે બહુ ઝાઝું દુઃખ થયું નહોતું.
...પણ આજે ખબર પડી કે એ રૂપિયા તો પેલા છોકરાની વિદેશમાં ભણવા જવાની ફીના હતા અને પોતાની ચોરીને લીધે એ છોકરાએ આત્મહત્યા કરી લીધી હતી. આજે બે ઘરડા માણસનો આધાર છીનવાઈ ગયો હતો અને ક્યાંક એના મૂળમાં તે પોતે હતો.
જીવનમાં પરિવર્તનની એક જ ક્ષણ કાફી હોય છે. એ પછી વાલિયો લૂંટારો હોય કે લોકોની આંગળીઓ કાપીને હાર બનાવતો અંગૂલીમાલ. જીવનમાં એક ક્ષણ એવી આવે છે જે આવતાં જ તેનાં સઘળાં પાપ નાશ પામે છે અને પ્રાયશ્ચિત્તની પરિભાષા ખરા અર્થમાં સમજાય છે.
રઘલો કશું બોલ્યા વગર એ જ સ્તબ્ધ અવસ્થામાં ત્યાંથી નીકળે છે. ચોરચકલે આખી જ્ઞાતિ રઘલાની રાહ જોતી બેઠી છે. ચોરીનું શકનિયું પાર ઊતરે એટલે સૌનું વરસ સરસ જાય એ સૌની માન્યતા છે. રઘલો માથુ નીચું રાખીને આવતો દેખાય છે. સૌના મનમાં ફાળ પડે છે. બે-ત્રણ જુવાનિયાઓ તો તેની તરફ દોડતા જઈને શુકન કેવાં રહ્યાં પૂછે છે. પહેલાં તો રઘલો કશું બોલતો નથી, પણ પછી પરિસ્થિતિનું ભાન થતાં સૌની સામે જોઈને પગે લાગીને કહે છે, ‘લાગે છે આજે ખરા અર્થમાં હકન થયાં...’
સૌકોઈને થાય છે કે કામ પૂરું થયું. હર્ષનાદ અને ચિચિયારીઓથી સૌ તેને વધાવે છે. રમણકાકા ઝીણી આંખથી આ રઘલાના બદલાયેલા વર્તન તરફ જોતા હોય છે અને રઘલો સાવ પથ્થર જેવો થઈ ગયો છે.
એક તરફ જ્ઞાતિજનો સવાર પડવા આવી છે તો પણ જલસો કરી રહ્યા છે ત્યાં રઘલો પોતાના ઝૂંપડે આવે છે. પોતે એક યુવાનનો ખૂની છે અને એને લીધે કોઈ ઘરડા માણસો ખૂબ દુઃખ વેઠી રહ્યા છે અને છતાં તેને કોઈ શ્રાપ કે બદદુઆ નથી આપી રહ્યા એ વાત તેને મનોમન અકળાવી રહી છે. સામે લગાડેલા કાળિયા ઠાકોરના કૅલેન્ડર સામે જોઈને તે
ધ્રુસકે-ધ્રુસકે રડે છે.
અચાનક તેને ખાલી આંખો જ નહીં, પણ કાળિયા ઠાકોરનું મોઢું જ જાણે પેલા કિડનૅપ કરેલા માણસ જેવું દેખાય છે. ખૂબ અચરજ થાય છે. તે ભાવમાં આવીને દોટ મૂકે છે. ગામની બહાર આવેલા અવાવરુ બંગલાના દરવાજે પહોંચે છે. ખબર નહીં આજે અંદર જતાં પહેલાં તેનું હૃદય એક ધબકારો ચૂકી જાય છે. મહામહેનતે તે દરવાજો ખોલે છે. ઈશ્વર તો સામેની જાળી પાસે જાગતા જ બેઠા છે અને ઈશ્વરે ઊભી કરેલી યોગનિદ્રાને લીધે સંજય ઘસઘસાટ ઊંઘી રહ્યો છે.
‘કેમ રઘલા, શકનિયું કેવું રહ્યું? શકન થયાં?’ ઈશ્વરે એક મોહક સ્મિત સાથે આમ બોલતાં રઘલા સામે જોયું.
રઘલો અડધી બાંયનું શર્ટ અને પૅન્ટ પહેરેલા એ માણસના મુખારવિંદને જોતો રહ્યો. થોડી ક્ષણ માટે તે કશું જ ન બોલ્યો અને ઈશ્વર પણ તેની આંખોમાં જોતાં-જોતાં સ્મિત કરી રહ્યા હતા.
રઘલાએ પૂછ્યું, ‘હાવ હાચું કે’જો, તમે કોણ છો?’
‘હું ખોટું બોલતો જ નથી. અત્યારે હું ઈશ્વરભાઈ ગગનવાસી છું.’ ભગવાને યુક્તિપૂર્વક સાચી વાત જણાવી દીધી.
‘તો તમને આ ચોરચકલાની વાત અને શકનિયાની ચમની ખબર?’
ભગવાન તેની પાસે આવ્યા અને કહ્યું, ‘સાવ સાચું કહું? હું પણ એક ચોર છું અને મારી ચોરીઓ તો જગજાહેર છે. ખાલી તને ખબર નથી એટલે તું મને અહીં લઈ આવ્યો છે. હવે અમને અહીંથી છોડવા માટે તારે શું જોઈશે એ તો કહે?’
આટલું બોલતાં-બોલતાં ઈશ્વરે તેના ખભે હાથ મૂક્યો. બીજી જ ક્ષણે તે કોઈ અદ્ભુત અવસ્થામાં આવી ગયો‍, જ્યાં ચારે તરફ અજવાળું હતું. સામે તેનો કાળિયો ઠાકોર ઊભો હતો. ભગવાનને જોતાં જ તેની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી. તે કશું જ બોલી શકતો નહોતો. તેના હૃદયમાંથી તેણે કરેલાં પાપ જાણે આંસુ બનીને ઊભરાઈ રહ્યાં હતાં. મનમાં ઊંડે-ઊંડે પોતાને લીધે કોઈ છોકરાએ આત્મહત્યા કરવી પડી એનું અનરાધાર દુઃખ હતું.
કાળિયા ઠાકોર બોલ્યા, ‘એ ડોસા-ડોસી પાસેથી તેમનો દીકરો છીનવાઈ તો ગયો, પણ હવે તું ધારે તો તેમને તેમનો દીકરો પાછો મળી શકે છે.’
‘હા પ્રભુ, જો ઇમ જ હોય તો તેમના દીકરાને જીવતો કરી દોને.’
‘જેનો પ્રાણ એક વાર નીકળ્યો એ પછી હું તેના શરીરમાં પાછો ન આપી શકું. નિયતિની વિરુદ્ધમાં હું કશું જ ન કરી શકું.’
‘પણ એ બન્ને ઘરડા માણહોને દીકરાની જરૂર છ અને ઈ મારે લીધે મર્યો.’
‘તો હવે તું જ તેમને દીકરો આપી શકીશ...’ ઠાકોરનું સ્મિત એ જ હતું.
‘એ કેમનું થાય ઠાકર?’ રઘલાને કશું જ સમજાતું નહોતું. ખાલી આંખમાં પસ્તાવાનાં આંસુ હતાં.
‘આ સઘળું છોડ અને એ બન્ને પાસે જઈને ગુનો કબૂલ કર.’
‘તંઈ એ તો સૂળીએ ચડાવસે... મારાં પાપ જ એવાં સે.’
‘પાપ તો તારાં આંસુઓ સાથે ઓગળી ગયાં ક્યારનાંય... હવે જે વધ્યું છે એ પુણ્ય છે કોઈને શાતા આપવાનું પુણ્ય... મારા પર શ્રદ્ધા છે?’
‘અખૂટ.’ રઘલાની આંખો ચમકી.
‘તો પછી જા, જઈને એ બન્નેને બધી વાત કહે અને પછી કહે કે આખી જિંદગી તેમનો છોકરો બનીને સત્કર્મના માર્ગે ચાલવા તૈયાર છું.’
એક ઝાટકા સાથે આંખ ખૂલી ગઈ. અવાવરુ ઘરમાં તે એકલો ઊભો હતો. સંજય કે પેલો માણસ ત્યાં હતા નહીં. કાળિયા ઠાકોરની જ આ રમત છે એ વાત પર તેને વિશ્વાસ આવ્યો અને તે મુઠ્ઠી વાળીને પેલા ઘર તરફ દોડ્યો.
(વધુ આવતા અંકે)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK