ઈશ્વરોલૉજી - પ્રકરણ - 40

Published: Jan 19, 2020, 17:38 IST | Dr. Hardik Nikunj Yagnik | Mumbai Desk

ગતાંક... ઈશ્વર અને સંજય બન્ને કિડનૅપ થઈ ચૂક્યા છે. રઘલા નામના એક ચોરે રમણકાકા નામના એક માણસની મદદથી એ બન્ને જણને કિડનૅપ કરી ગામથી દૂર એક અવાવરુ જગ્યાએ રાખ્યા છે. ઈશ્વર સંજયને કહે છે કે સઘળું તેમની ઇચ્છાથી જ થઈ રહ્યું છે.

ગતાંક... ઈશ્વર અને સંજય બન્ને કિડનૅપ થઈ ચૂક્યા છે. રઘલા નામના એક ચોરે રમણકાકા નામના એક માણસની મદદથી એ બન્ને જણને કિડનૅપ કરી ગામથી દૂર એક અવાવરુ જગ્યાએ રાખ્યા છે. ઈશ્વર સંજયને કહે છે કે સઘળું તેમની ઇચ્છાથી જ થઈ રહ્યું છે. આ ઘટના પણ ઈશ્વરોલૉજીનો જ એક ભાગ છે એમ જાણીને સંજયને વધારે મજા પડે છે. ઈશ્વર જણાવે છે કે રઘલો સારો માણસ છે પણ એ ખોટા કુળમાં જન્મ લેવાથી આ ચોરીના રવાડે ચડ્યો છે અને હવે તેને મદદ કરવા જ પોતે કિડનૅપ થયા છે.
હવે આગળ...
‘જો હું ચોરચકલાના ચોઘડિયામાં નો જઉં અને કદાચ જો મારા અને મારા બીજા ચોરભાઈઓ પર કૃપા ન ઊતરે તો ઈમાં મારો વાંક તો ના હોયને. મારે તો મારો ધરમ નિભાવવો પડેને...’
રઘલાના શબ્દો સંજયના કાનમાં ઘૂમી રહ્યા હતા. ઈશ્વર કોઈ ચોરનાં વખાણ કરતાં કહે કે ધરમ નિભાવવાવાળામાં હું રઘલો છું. આ વાત સંજયને ગળે ઊતરે એવી હતી નહીં. થયું કે પોતાની માન્યતાઓને બાજુમાં મૂકીને ખાલી પોતાના સાથીઓને પોતાની ગેરહાજરીથી ન ભોગવવું પડે એ કારણે જઈને ઊભું રહેવું એ પણ ધર્મ છે એની તેને આજે જ ખબર પડી. ઈશ્વરની ધર્મની વ્યાખ્યા અને માપદંડ જે અત્યાર સુધી તે સમજતો આવ્યો છે કે પછી જે તેને સમજાવામાં કે શિખવાડવામાં આવ્યાં છે એનાથી તદ્દન જુદાં જ છે એ જાણી તેને વિસ્મય થયું.
આ તરફ રઘલો ત્યાંનો દરવાજો બરોબર બંધ કરીને પોતાના ઝૂંપડા તરફ જવા નીકળ્યો. આખાય રસ્તે પેલા કિડનૅપ કરેલા અતિમેધાવી માણસ જ તેની આંખો સામે આવી જતો. આ મુલાકાત પછી તેના હૈયામાં પોતે કરેલા કામ માટે જીવનમાં પહેલી વાર ખૂબબધી અપરાધની ભાવના થઈ આવી હતી.
ઝૂંપડે આવીને કાળિયા ઠાકરને અગરબત્તી કરી. ખબર નહીં કેમ, પણ આજે ફોટોમાં ઠાકરની આંખો ખૂબ જુદી લાગી રહી હતી. પેલા માણસની આંખો આ કાળિયા જેવી હતી કે પછી આજે આ આંખો પેલા માણસની આંખો જેવી દેખાતી હતી એની તેને ખબર ન પડી. બસ એમ થયું કે જે કાંઈ પણ કર્યું છે એ ખોટું છે.
નાનપણથી લઈને જ્યારથી સમજણ આવી ત્યારથી ચોરની વસ્તીમાં ચોરોની સાથે મોટા થયેલા રઘલા માટે ચોરી એ ધર્મ હતો એટલે તેને કાંઈ ખરાબ નહોતું લાગતું, પણ ખબર નહીં કેમ તેનું મન તેને આ બાપદાદાના કામને છોડવા માટે પ્રેરણા આપતું હતું. આ કિડનૅપ પણ એને જ કારણે તો કર્યું હતું. એક વાર મોટો હાથ વાગી જાય પછી આપણે ક્યાં કશું ખોટું કરવું છે? એમ વિચારી કિડનૅપને પડતો મૂકવાનો વિચાર પાછો ભૂંસી નાખ્યો.
લગભગ એક વાગ્યાનો સમય થયો. રઘલાએ ઝૂંપડાના એક ખૂણામાં પડેલી પેટી ખોલીને એમાં મૂકેલી બાપદાદાની કાળી કામળી કાઢીને એને ખભે નાખી. પોતાનાં ઘર ફોડવાનાં સાધનોની થેલી લઈને તે ચોરચકલાના ચોઘડિયાની વર્ષોજૂની પરંપરા નિભાવવા નીકળ્યો.
ગામથી દૂર એક અવાવરુ કૂવાની પાળે અડધી રાતે મેળો જામ્યો હતો. કૂવાથી દૂર રંગબેરંગી ઘૂંઘટ ઓઢીને સ્ત્રીઓ બેઠી હતી અને કૂવાની પાળે એક વિશાળ વડના થડને સિંદુરથી રંગી નાખવામાં આવ્યું હતું. સિંદૂરથી રંગેલા બે માણસના આકાર એ થડ પર હતા. જેની ઉપર આંકડાના હારનો ઢગલો કરવામાં આવ્યો હતો. એક જમાનાના અઠંગ ચોરો અને આ સૌ ચોરોના આદ્યપિતા એવા ખાપરા અને કોડિયાની આ પ્રતિકૃતિ હતી.
રમણકાકા અત્યારે જુદા જ રૂપમાં હતા. સામાન્ય રીતે બંડી અને લેંઘો પહેરતા રમણકાકાએ અત્યારે ધોતી પહેરી હતી. કોઈ ખાસ પ્રકારનાં પાંદડાંથી બનેલો હાર તેમના ગળામાં હતો. આ જ પાંદડાંઓના નાના-નાના હાર માથે અને હાથ પર બાંધ્યા હતા. કપાળઆખું સિંદુરથી ભરેલું હતું.  તેમના હાથમાં એક વિચિત્ર આકારની વસ્તુ હતી જેના પર કપડું બાંધ્યું હતું. એ વસ્તુના કપડા પર ઠેર-ઠેર કરેલા કંકુ-ચંદનના ચાંલ્લા અને સિંદુરના થપેડા એ વાતની સાબિતી હતા કે એ કપડું ઘણાં વર્ષોથી ખૂલ્યું નહીં હોય. અભણ ચોરોની જ્ઞાતિના દરેક લોકોની નજર વારેઘડીએ રમણકાકાના હાથમાં રહેલી આ વિચિત્ર વસ્તુ પર જ હતી. દર વર્ષે ચોરચકલાનાં ચોઘડિયાંની વિધિમાં રમણકાકા ચોરજ્ઞાતિના ભૂવા તરીકેનું કામ કરતા. ત્યાં રહેલી દરેક વ્યક્તિ એમ માનતી કે વર્ષે એક વખત આ ચોરચકલાની વિધિ વખતે જ રમણકાકા જોડે જોવા મળતી આ વસ્તુ જ ચોરકપ્પો હોવો જોઇએ, પણ આજ સુધી એના પરનું કપડું ખસેડીને રમણકાકાએ કોઈને બતાવ્યું નહોતું.
સૌકોઈ એમ માનતું કે એ ચોરકપ્પો એક વાર જો આપણને મળી જાય તો રમણકાકા અને તેમના વડવાઓની જેમ આપણને પણ કોઈ પકડી શકે નહીં. હજી સવારે કિડનૅપ કરવા રિક્ષા લઈને ફરતા અને બીડીના ઠૂંઠાં ફૂંકતા રમણકાકા કંઈક વિચિત્ર તીણી ચીસો પાડીને ધૂણી રહ્યા હતા‍. સૌકોઈ પોતાના કુળદેવતાને પ્રાર્થના કરી રહ્યા હતા કે આવનારા વર્ષમાં ચોરી દરમ્યાન તેમને ખૂબ સફળતા મળે અને ખાસ તો એ લોકો પકડાઈ ન જાય એ માટેનાં શકન સારાં થઈ જાય.
રઘલો નાનપણથી જ બાપા સાથે આ વિધિમાં જતો. તેને મન નાનપણથી એક પ્રશ્ન થતો કે ચોરી કરવાના કામમાં સફળતા મેળવવા કોઈ દેવ કે દેવીને કેવી રીતે પ્રાર્થના કરાય? અને શું ઉપરવાળો ઈશ્વર ચોરીમાં મદદ કરે ખરો? ચોરીને ખોટું કામ નહીં, પણ બાપદાદાની કળા ગણતા આ જ્ઞાતિજનોને તે સમજાવી શકતો નહોતો. એક અંધશ્રદ્ધા હતી કે જ્ઞાતિનો કોઈ પણ માણસ ત્યાં જાણીજોઈને હાજર ન રહે તો તેનો ગુસ્સો સમગ્ર જ્ઞાતિને થાય એટલે નાછૂટકે પણ તે હંમેશાં આ વિધિમાં હાજર રહેતો. લોકો ઝાડ પર દોરેલી કોઈ આકૃતિને ભજતા અને તે પોતે આંખ બંધ કરી એના કાળિયા ઠાકરનું જ ધ્યાન નાનપણથી ધરતો.
લગભગ એક કલાક આ સઘળું ચાલ્યું અને ત્યાર બાદ શકનિયું નાખવાનો સમય થયો. સૌ સાબદા થયા. શકનિયું એટલે સૌકોઈ માટે જ્ઞાતિમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની તક. દર વર્ષે ચોરચકલાનાં આ ચોઘડિયાંમાં શકનિયું ફરતું અને રમણકાકા કોઈ વિચિત્ર ભાષામાં લખાયેલ સ્તવનને બોલતા. એ દરમ્યાન સૌકોઈ પોતાના હાથમાં આવેલું શકનિંયુ બાજુવાળાને આપતા, જ્યારે સ્તવન અટકે ત્યારે જેના હાથમાં આ શકનિયું હોય તેણે ચોરીનાં ઊંધાં શકન કરવા જવાનું. શકનિયું મેળવનાર ચોર આવતા આખા વર્ષમાં જ્ઞાતિમાં આગળ પડતો ગણાતો.
ઊંધા શકનની વિધિ પણ આ બધાની જેમ વિચિત્ર હતી. જે ચોરના હાથમાં શકનિયું આવ્યું હોય તેણે પોતે ભૂતકાળમાં કરેલી ચોરીવાળા ઘરમાં પાછું જવાનું. ત્યાં દરવાજે પથ્થર મૂકીને એના પર સિંદુર ચોપડી, ગોળ-ધાણા મૂકીને પોતાની હેસિયત મુજબના રૂપિયા એના પર મૂકીને એ જ ઘરમાંથી એક નજીવી વસ્તુ ચોરવાની જે કીમતી ન હોવી જોઈએ. પોતે કરેલી ચોરીનો બદલો મૂકવાથી ચોરીનું પાપ નથી લાગતું એવી માન્યતા આ લોકોમાં ખરી.
આ વખતે શકનિયું ફર્યું. રમણકાકાએ બેસૂરા અવાજમાં કશું ગાવાનું શરૂ કર્યું. રઘલા સિવાય બેઠેલા દરેકના હૃદયમાં ઇચ્છા હતી કે શકનિયું પોતાના હાથમાં આવે. એ વાત તો જગજાહેર છે કે ન માગ્યું દોડતું આવે. જ્યારે સ્તવન પતાવીને રમણકાકાએ જય બોલાવી ત્યારે શકનિયું રઘલાના હાથમાં હતું.
આ બધી વિધિઓમાં રાત ખૂબ ઝડપથી વધી રહી હતી એટલે શકનિયું પોતાના હાથમાં જોતાં જ રઘલાએ દોટ મૂકી. ઝાડ પાસેથી સિંદુર, પથ્થર, ગોળ-ધાણા લઈને તે ગામ તરફ ભાગ્યો.
રસ્તામાં વિચાર કરી લીધો કે કયા ઘર પાસે જઈને આ કરી શકાય જ્યાં પકડાવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય. શકનિયું મૂકવા ગયેલો ચોર જો પકડાઈ જાય તો અપશુકન થાય અને એ આખું વર્ષ દરેક ચોરોનું ખરાબ વીતે.
પોતે નક્કી કરેલા ઘર પાસે તે પહોંચ્યો. એ ઘરને જોતાં જ એમાંથી મળેલો દલ્લો યાદ આવ્યો. દીવાલ કૂદીને તે બંગલાની અંદર ગયો. ખૂબ જ ચપળતાથી જરાય અવાજ ન થાય એમ દરવાજા પાસે આવ્યો. બારી પાસેથી પસાર થતાં તેણે સાંભળ્યું તો કોઈ માણસ જોરજોરથી અંદર ખાંસી ખાઈ રહ્યો હતો અને અવાજ સ્ત્રીનો હતો. પકડાઈ જવાની બીકે તે બારીને ચોંટીને ઊભો રહ્યો. અંદર કોઈ ઘરડો પુરુષ પણ હતો જે પેલી સ્ત્રીને દવા પીવા માટે સમજાવી રહ્યો હતો. તેમની વાત પરથી એટલી ખબર પડી કે ઘરમાં એ બન્ને ઘરડા વ્યક્તિ સિવાય કોઈ છે જ નહીં.
રઘલાની બીક ઓછી થઈ. આ લોકોની વાતો સાંભળવાને બદલે તે દરવાજા પાસે પહોંચ્યો. પોતાની સાથે લાવેલો પથ્થરને ત્યાં ગોઠવીને એના પર સિંદુર લગાડીને, ગોળધાણા ધરાવીને, પ્રાર્થના કરવા ઊભા પગે બેઠો. ખિસ્સામાંથી પાંચ રૂપિયાનો સિક્કો કાઢીને એના પર મૂક્યો. પછી પથ્થર પર ચડાવેલા સિંદુરમાં આંગળી બોળીને સાથે લાવેલો એ પોતાનાં ચોરી કરવાનાં સાધનો પર લગાડતો હતો. હવે ઘરમાંથી મૂહૂર્તનું કશુંક ચોરવાનું હતું. એ ચીજ કીમતી ન હોવી જોઈએ એનું પણ ધ્યાન રાખવાનું હતું.
તેણે ઘરનું એક ચક્કર માર્યું. પેલા ઘરડા લોકો હતા એ રૂમની પાછળની બારી સહેજ ખુલ્લી હતી અને એના એક સળિયાથી સામેની દીવાલ સુધી નાડું બાધ્યું હતું, જેના પર બન્નેનાં થોડાં કપડાં સુકાતાં હતાં. મુહૂર્ત માટે એમાંથી એક નાનકડો હાથ-રૂમાલ તે ચોરવા ગયો, પણ અંદર લાઇટ ચાલુ હતી એટલે એની બંધ થવાની રાહ જોતો તે બારી પાસે સંતાઈને ઊભો રહ્યો. તેનું ધ્યાન અંદર ચાલતી બન્નેની વાત પર હતી.
અચાનક તેણે કશું એવું સાંભળ્યું કે તેના હાથમાં રહેલાં સાધનો સરી પડ્યાં અને તે ત્યાં જ બેસી પડ્યો.
(વધુ આવતા અંકે)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK