ઈશ્વરોલૉજી - પ્રકરણ - 39

Published: Jan 12, 2020, 17:48 IST | Dr. Hardik Nikunj Yagnik | Mumbai Desk

બન્ને જણ સંજયના ઘરની આસપાસ નજર રાખે છે. રમણકાકા એક પર્ફેક્ટ પ્લાન બનાવે છે. એ મુજબ સત્યનારાયણના શીરામાં બેભાન થવાની દવા નાખી બન્નેને ખવડાવે છે. રઘલો ભગવાન અને સંજયને કિડનૅપ કરે છે.

ગતાંક... સંજયની સાથે સામાન્ય માણસ બનીને ઈશ્વર આવ્યા છે. અનેકવિધ સરળ પ્રસંગોમાં એ ગીતાનું જ્ઞાન સાવ સહજ રીતે સંજયને શીખવાડી રહ્યા છે અને એ કોઈ પણ સંસ્કૃત શ્લોક કે ભારેભરખમ વેદોની વાતો કર્યા વગર. તેમના ઘરે એક રઘલો નામનો ચોર આવે છે, જે ઈશ્વરને કોઈ ખૂબ પૈસાદાર માણસ સમજીને તેમને કિડનૅપ કરવાનો પ્લાન ઘડે છે. આ માટે તે રમણકાકા નામના અઠંગ ચોરની મદદ લે છે. બન્ને જણ સંજયના ઘરની આસપાસ નજર રાખે છે. રમણકાકા એક પર્ફેક્ટ પ્લાન બનાવે છે. એ મુજબ સત્યનારાયણના શીરામાં બેભાન થવાની દવા નાખી બન્નેને ખવડાવે છે. રઘલો ભગવાન અને સંજયને કિડનૅપ કરે છે. 

હવે આગળ...
શહેરની બહાર એક અવાવરુ બંગલાના છેક અંદરની રૂમમાં ઈશ્વર અને સંજયને પૂરી રઘલો રમણકાકાને બેસાડીને કાળિયા ઠાકરને માથું નમાવવા ગયો છે. સંજય સહેજ ભાનમાં આવે છે. તેનું માથું ચકરાવે ચડ્યું છે. ઈશ્વર સામેની દીવાલ પર પગ લંબાવીને બેઠાં-બેઠાં સિસોટી વગાડી રહ્યા છે. સંજય બે હાથે માથું પકડીને બેઠો છે. ઈશ્વરને સાવ સહજતાથી બેઠેલો જોઈને તે પૂછે છે, ‘આ બધું શું છે પ્રભુ?’
‘કિડનૅપ... અપહરણ... છુપવણી... તફડંચી... અને એ સિવાય ઘણુબધું...’ ઈશ્વર જાણે કશું બન્યું જ ન હોય તએમ સહજતાથી કહે છે.
સંજયને અજીબ લાગે છે, પણ પછી મન મનાવે છે કે આ પણ તેમની ઈશ્વરોલૉજીનો જ એક ભાગ હશે, પણ ઈશ્વરને આવી અવાવરુ જગ્યાએ રાખવામાં આવ્યા છે એના મૂળમાં તો એની તેમને અહીં પૃથ્વી પર લાવવાની જીદ જ છે, એમ માની સંજયનો જીવ બળે છે.
‘સઘળું મારા થકી થાય છે. મારી ઇચ્છા સિવાય કશું જ શક્ય નથી. જેકાંઈ પણ થયું છે, જેકાંઈ પણ થઈ રહ્યું છે અને જેકાંઈ પણ થશે એ તમામ મારી જ ઇચ્છાનું પરિણામ છે.’
ઈશ્વરને આમ બોલતા સાંભળીને સંજય અવાચક્ થઈ ગયો. આ પહેલાં પણ તેના મનની વાત સાંભળીને ઘણી વાર ઈશ્વરે એનો જવાબ આપ્યો છે, પણ આ વખતે તેમના કહેવાની રીત અને અવાજમાં કોઈક અજીબ અનુભૂતિ હતી.
થોડી ક્ષણ માટે થયું કે ઈશ્વરને કહું કે ચાલોને અહીંથી નીકળી જઈએ, પણ પછી થયું કે પોતે જ કહ્યું હતું કે કોઈ ચમત્કાર તમારે કરવાનો નથી એટલે ઈશ્વરને એમ તો કહેવાશે નહીં.
ભગવાન ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, ‘આને શું કહેવાય ખબર છે? હાથનાં કર્યાં હૈયે વાગ્યાં. તેં જ ના પાડી છે, બાકી હું તો હમણાં તને ચપટી વગાડતાં આ પ્રૉબ્લેમમાંથી બહાર કાઢી શકું છું. બોલ શું કહે છે, બહાર જવું છે?’
પોતાને ઈશ્વર ફસાવી રહ્યા છે એમ જાણીને સંજયને એક તરફ હસવું આવ્યું અને બીજી તરફ થયું કે સ્વયં ઈશ્વર સાથે છે પછી છોને જે થવું હોય એ થાય એટલે તે પોતાની વાત પર અડગ રહેતાં બોલ્યો, ‘ના ભાઈ ના... મેં જે શરત કરી હતી એ મને શબ્દ સહ યાદ છે. હું તો તમારી ચિંતા કરું છું. મારી તો મને ચિંતા ન જ હોયને... જે તમારી સાથે હોય તેને વળી શું ચિંતા? પણ હવે આગળ શું?’
‘એની તો મને પણ ખબર નથી...’ ભગવાને બન્ને હાથ માથાની પાછળ ગોઠવતાં કહ્યું.
આ લોકો કોણ છે? આપણને કેમ પકડ્યા છે? અને હવે આપણી સાથે શું કરવાના છે? કશું તો ખબર હશેને તમને? હમણાં તો કહેતા હતાને કે સઘળું જે થાય છે એ તમારી ઇચ્છાથી જ થાય છે. તો શું આ પણ તમારી ઇચ્છા મુજબ જ છે?’
‘હા... સંજય તને ખબર છે? તેં મને ચૅલેન્જ આપી અને એ સ્વીકારીને હું તારી સાથે આવ્યો એની પાછળ એક કારણ છે. અમુક લોકો જે હૃદયના સાવ ચોખ્ખા હોય તે મારા અતિશય પ્રિય હોય છે. તું પણ મારો પ્રીતિપ્રાપ્ત અને એટલે જ તને મારો સથવારો મળ્યો.’
સંજયને આ વાતની મનોમન ખબર તો હતી જ, પણ આજે પહેલી વાર ઈશ્વરના મુખે આ સાંભળી તેને શેર લોહી ચડ્યું, પણ તરત જ શંકા થઈ કે આ તો મારી વાત થઈ પણ અહીં આવવા પાછળનું કારણ શું?
‘રઘલો... આ રઘલો પણ મને તારા જેટલો જ ગમે.’
‘કોણ રઘલો? આ આપણને જે ઉઠાવીને લાવ્યા છે એમાંનો કોઈ છે?’ સંજયને ફરી પાછું આશ્ચર્ય થયું.
‘હા, રઘલો આમ તો ચોર છે, પણ મૂળ હૃદયનો સારો માણસ છે. તેનો જન્મ એવા કુળમાં થયો છે જેમાં સાત પેઢીથી સૌકોઈ ચોરીને જ પોતાનો ધર્મ માને છે, પણ નાનપણથી જ રઘલાને ચોરી ગમે નહીં. પણ કરે શું? ચોરી સિવાય તેને કશું શીખવાડવામાં આવ્યું જ નથી. આમ જોવા જઈએ તો એ મારો ખૂબ મોટો ભગત અને આ અપહરણ પણ મેં તેની જોડે કરાવ્યું છે...’
 સંજયને રસ પડ્યો.
‘રોજેરોજની ચોરીનું કામ છોડી દેવા તેણે આ ખેલ ખેલ્યો છે.’ આમ બોલીને ઈશ્વરે સંજયને જણાવ્યું કે કઈ રીતે એ રાત્રે રઘલો ઘરે ચોરી કરવા આવ્યો હતો અને પોતે મોટેથી બોલીને તેના સુધી મેસેજ પહોંચાડ્યો હતો. ત્યાર બાદ રઘલાના મનમાં શું ચાલ્યું અને રઘલાએ કઈ રીતે આ આખી ઘટનાને સફળ બનાવી.
‘પણ જો તેને ચોરી છોડવી જ હોય તો તે ચોરી છોડી દેને? કિડનૅપિંગ કેમ કરે?’ સંજયને હજી સમજાતું નહોતું.
‘બસ એ જ તો ભૂલ થાય છે તેની. ચોરી છોડી દઈ મહેનત કરીને પૈસા કમાવાની સમજણ અને હિમ્મત બન્ને તેનામાં આવી જ નથી એટલે જ તો આપણું અપહરણ કરીને ખૂબબધા પૈસા ભેગા કરી બાકીની જિંદગીમાં તેને કશું કરવું નથી, પણ એ મૂર્ખને ખબર નથી કે કર્યા વગર કશું જ મળતું નથી.’
‘કર્યુંને, આ અપહરણ તો કર્યું, પણ હવે તમે તેને શું આપવાના છો?’
‘મુક્તિ. આ કામથી સંપૂર્ણ મુક્તિ.
સાથે-સાથે સમજણ પણ...’
‘અને આ કૃપાનું કારણ શું?’ સંજયે પૂછ્યુ.
‘કારણકે તે નીતિનો ચોખ્ખો છે. એ તેના જન્મના સંસ્કારને કારણે હેરાન થાય છે.’ ઈશ્વરે કારણ કહ્યું.
‘એક ચોર અને એ પણ નીતિનો ચોખ્ખો?’ સંજયને થયું કે ઈશ્વર કાંઈક વધારે જ વિશ્વાસ રાખી રહ્યા છે.
આ દરમ્યાન બહાર કોઈનો વાત કરવાનો અવાજ આવ્યો. બહાર રઘલો હાથમાં એક થેલી લઈને આવ્યો હતો, જેમાં એક ટિફિન હતું. રમણકાકાએ આંખ ઝીણી કરતાં પૂછ્યું, ‘આ હું છ ઈમાં?’
રઘલાએ કહ્યું, ‘ગમે તેમ તોય આ બામણ માણહો છે. આપડું ખવરાવીએ તંઈ અભડાઈ જાય. ખોટા પાપમાં નથ પડવું. એટલે જયંતી રસોઈયા જોડે ખાવાનું બનાવરાઈને લાયો. હવે તો પૈસા આવસે જને.’
રમણકાકાને થયું કે તેમના ચોરોની જ્ઞાતિમાં કલંક જેવો છે આ રઘલો, પણ કશું બોલવાનું ટાળી તેમણે રિક્ષામાં બેસતાં કહ્યું, ‘સારું હવે આજ આખો દહાડો તેમને ઓંય રાખવા સે. આજ રાતે ચોરચકલાનું ચોઘડિયું છે એ યાદ છેને? મારે તો અત્યારથી એની તૈયારીમાં જવું પડશે. તું અરધી રાતે આઇ જજે. પછી કાલે આમની પાંહેથી પૈસા કઢાઈસું. રાતે શકન જોઈને નક્કી કરીએ કે કેટલું માંગસું.’
ચોરચકલાનું ચોઘડિયું એટલે દરેક ચોર માટે વર્ષોથી ચાલી આવતી પરંપરાનો પ્રસંગ. એમ કહેવાતું કે ખાપરો અને કોડિયો નામના બે મોટા ચોર થઈ ગયા. જે આ ચોરોના આદ્યગુરુ ગણાય. તેમને માતાજીનું વરદાન હતું. જે તિથિએ અડધી રાતે એ બન્નેને માતાજીએ વરદાન આપ્યું હતું એ તિથિએ અને એ ચોઘડિયાએ દરેક ચોર એકસાથે ભેગા થાય અને ભેગા મળીને તેલનો દીવો કરે. શરત એટલી કે દરેકેદરેક ચોર અને એના ઘરવાળા સાથે ત્યાં હાજર રહે તો એના પર ખાપરા અને કોડિયા જેવી કૃપા થાય.
આજે જ આટલું મોટું કામ કર્યું અને આજે જ ચોરચકલાનું ચોઘડિયું છે. રઘલાને આ ચોરોના વિચિત્ર રીતરિવાજોમાં રસ નહોતો. તેને મન તો એમ જ હતું કે કાળિયા ઠાકરે કૃપા તો કરી જ છે. તેને થયું કે ભગવાન તેની જોડે છે. એ દરવાજો ખોલતી વખતે તેના હાથ ધ્રૂજ્યા પણ ખરા. અંદર દાખલ થયો ત્યારે અંદર થોડી બીક પણ હતી. પોતે સામાન્ય ચોર હતો. ગુંડાગીરી તેને આવડતી નહોતી.
અંદર જઈ તેણે બન્નેની સામે ખાવાનું મૂક્યું. ઈશ્વરની સામે એ આંખમાં આંખ નાખી શકતો નહોતો. તે બહાર નીકળવા જતો હતો ત્યાં જ ઈશ્વરે પૂછ્યું, ‘આ ચોરચકલાના ચોઘડિયામાં માને છે?’
તે અનાયાસ વળીને બોલ્યો, ‘ના.’
પણ પછી થયું કે આ માણસને કેવી રીતે ખબર ચોરચકલાનાં ચોઘડિયાં વિશે?
‘તમ... તમને... કેમની ખબર ઈના વિશે?’ તેણે આશ્ચર્યથી પૂછ્યું.
ભગવાને સહેજ પણ ભાવ બદલ્યા વગર કહ્યું, ‘અમને કેવી રીતે ખબર આ તો તમે કોઈકની સાથે બહાર વાત કરતા હતા એ સાંભળ્યું. શું ખરેખર આ ચોરચકલાનાં ચોઘડિયામાં માને છે?’
‘ના. ઓમ જોવા જઈએ તો નથ માનતો.’
‘તો પણ દર વર્ષે જાય છે?’ ઈશ્વરે રઘલાની મૂકેલી થેલી લઈને એમાંથી ટિફિન બહાર કાઢતાં પૂછ્યું.
રઘલાએ આ માણસ સ્વસ્થ છે એમ સમજીને વાત આગળ ચલાવી, ‘હા, દરેક વરહે અચૂક જઉં છું.’
‘પૂછી શકું કે કેમ જાય છે?’
‘જો હું ચોરચકલાનાં ચોઘડિયાંમાં નો જઉં અને કદાચ જો મારા અને મારા બીજા ચોરભાઈઓ પર કૃપા ન ઊતરે તો ઈમાં મારો વાંક તો ના હોયને. મારે તો મારો ધરમ નિભાવવો પડેને...’ એમ બોલીને તે બહાર ગયો અને દરવાજો બંધ કર્યો.
ઈશ્વરે સંજય સામે જોયું, જાણે વગર બોલ્યે ઈશ્વરની આંખો કહી રહી હતી કે ધરમ નિભાવવાવાળાઓમાં હું રઘલો છું.
( વધુ આવતા અંકે)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK