ઈશ્વરોલૉજી - પ્રકરણ - 34

Published: Dec 08, 2019, 14:52 IST | Dr. Hardik Nikunj Yagnik | Mumbai

ગતાંક... ઈશ્વરના પાવર મળ્યા પછી સ્વર્ગ-નરક અને પાપ-પુણ્ય વિશેની સઘળી માહિતી સંજયને નારદમુનિ પાસેથી મળે છે.

ઈશ્વરોલૉજી
ઈશ્વરોલૉજી

ગતાંક... ઈશ્વરના પાવર મળ્યા પછી સ્વર્ગ-નરક અને પાપ-પુણ્ય વિશેની સઘળી માહિતી સંજયને નારદમુનિ પાસેથી મળે છે. અચાનક તે પૃથ્વી પર પાછો આવે છે. આત્મારામ બંસરીનું મૃત્યુ, સાહુસાહેબના જમાઈને બિઝનેસ મળવો અને મંદિરમાં ભગવાનનાં કડાં ચોરાવા જેવી દરેક ઘટના ઘટી છે એની ખાતરી તેને મળે છે. જીવનને રિવાઇન્ડ થયેલું તે જુએ છે. અચાનક પાછલી વખતની જેમ એક ટ્રક સાથે તે અથડાવા જાય છે. અથડાવાને બદલે બાજુના રસ્તા પર ઊછળીને પડે છે. વાયુવેગે જઈ રહેલી ટ્રક પર ગયા વખતે વાંચેલું વાક્ય તેને ફરી નજરે ચડે છે,  ‘સબ માયા હૈ’ અને એક પરિચિત અવાજ કાને પડે છે. હવે આગળ...

‘માયા નહીં તો બીજું શું હોય? સંજય સંતુરામ જોષી.’

એ જ મીઠો અને માધુર્યથી ભરેલો અવાજ સાંભળતાં જ ઉત્સાહથી સંજય પાછળ ફરે છે. રસ્તાની એક તરફ, ખાડા પાસે પડેલા સ્કૂટરને ઊભું કરી રહેલા ઈશ્વરભાઈ ગગનવાસીને જુએ છે. ઈશ્વર વળી પાછા તેમના કળિયુગના આ નવા રૂપમાં આવી સંજય સામે હસી રહ્યા છે.

સંજય ઊભો થઈને દોડીને તેમને વળગી પડે છે. ગળે મળીને ધોધમાર રડતાં સંજયના બરડે પોતાનો હાથ થપથપાવતાં ઈશ્વર પૂછે છે ‘કેવો રહ્યો માયાનો અનુભવ? હવે ખબર પડી કે ઈશ્વરનો વાંક કાઢવો સહેલો છે, પણ ઈશ્વર બનીને આ આખી સિસ્ટમ ચલાવવી કેટલી અઘરી છે?’

ભગવાનથી અળગો થઈ‍ને બે કાન પકડીને સંજય કહે છે, ‘હવે કેટલી માફી મગાવશો? આટલી તો વાટ લગાડી...’

ઈશ્વર કશું બોલ્યા વગર તેના ચહેરા સામે જોઈ રહે છે અને પછી ખૂબ જોરથી હસી પડે છે. બાજુમાં પડેલી હેલ્મેટ હાથમાં લઈ એને પહેરતાં-પહેરતાં સંજયને પાછળ બેસવાનો ઇશારો કરે છે.

સંજયના હરખનો પાર નથી રહેતો. તે આંસુ લૂછીને ભગવાનની પાછળ બેસે છે.

‘હજી કોઈ ફરિયાદ મારા તરફ રહી છે?’ ઈશ્વરે ખૂબ પ્રેમભર્યા સ્વરે સંજયને પૂછ્યું.

‘ના પ્રભુ, ફરિયાદ તો પહેલાં પણ તમારા તરફ નહોતી અને અત્યારે પણ નથી. હા ઉતાવળમાં વગરવિચાર્યે તમારી સામે ગમેતેમ બોલી ગયો હતો એની માફી જેટલી માગું એટલી ઓછી છે.’

‘ખરા હૃદયથી કરેલી ભૂલનો પસ્તાવો થાય એટલે ઘણું. પછી એને યાદ કરીને વધારે દુખી ન થવાનું હોય. ચાલ, એમ કહે કે આખી સિસ્ટમ સમજાઈ કે નહીં?’

અચાનક સંજયને કશુંક યાદ આવ્યું, ‘પ્રભુ જોયેલું અને જાણેલું સઘળું તો સમજાઈ ગયું. સ્વર્ગ અને નરક પણ અહીં છે અને પાપ-પુણ્યની ગણતરી પણ જોઈ લીધી, પણ એક વાત ન સમજાઈ પ્રભુ કે આ કશું જ ન જોઈતું હોય કોઈને અને મૃત્યુ પછી મુક્તિ જોઈતી હોય તો શું કરવાનું એ તો કહો? મુક્તિ કોને મળે?’

ઈશ્વરે સંસ્કૃતમાં મમળાવ્યું...

‘સર્વ ધર્મ પરિત્યજ્ય મામેક શરણં વ્રજ

અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ.’

‘જો પાછા થોડી વાર વૈકુંઠમાં જઈ આવ્યા એટલે પ્રૉમિસ ભૂલી ગયા. તમને કહ્યું તો છે કે સંસ્કૃત નથી આવડતું અને અઘરી-અઘરી ફિલોસૉફિકલ વાતો પણ નથી સમજાતી.’ સંજયે પોતાની મૂળ વાત પાછી મૂકી, પણ આ વખતે એમાં વહાલ વધારે હતું.

‘હશે ત્યારે, ચાલ એક કામ કરીએ, તને હું બે વ્યક્તિઓ પાસે લઈ જાઉં છું. તારે તેમને જઈને કહેવાનું કે હું સદેહે વૈકુંઠ જઈ આવ્યો છું અને મને સ્વયં ભગવાન મળ્યા હતા અને...’

ભગવાનની વાત વચ્ચેથી જ કાપતાં સંજય બોલ્યો, ‘શું કરવા મને ગાંડો સાબિત કરવા મથ્યા છો? સાહેબ, આજના આ કળિયુગમાં હું આપણી સ્ટોરી કોઈને પણ કહીશ તો મને ગાંડો જ માનશે લોકો...‍’

‘દુનિયામાં દરેક લોકો આપણા વિશે શું વિચારશે એની ચિંતા કરવાની ખરેખર કોઈ જરૂર નથી. પણ તારા પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો મેં કહ્યું એમ તો તારે કરવું જ પડશે. શું કહે છે, મારા પર વિશ્વાસ છે?’

ઈશ્વરની ઈશ્વરોલૉજીને બરોબર સમજી ગયેલા સંજય માટે તેમની વાત માન્યા સિવાય બીજો કોઈ રસ્તો હતો જ નહીં.

સ્કૂટરને ઘરને બદલે બીજી દિશામાં ફેરવતાં ઈશ્વરે તેને સમજાવવાનું શરૂ કર્યું, ‘જયારે એ વ્યક્તિ તને પૂછે કે તમે ભગવાનને જોયા ત્યારે ભગવાન શું કરતા હતા? ત્યારે તારે કહેવાનું કે એ હથેળીમાં રહેલી નાનકડી ડબ્બીમાં એક લાખ સોનામહોર એક પછી એક ભરી રહ્યા હતા...’

આ સાંભળતાં જ ઈશ્વરની વાત પર અમાપ વિશ્વાસ રાખી એક નવો અનુભવ લેવા તે તૈયાર થઈ ગયો, પણ ત્યાં જ તેને વિચાર આવ્યો, ‘હું વૈકુંઠ જઈને આવ્યો છું એ કોઈ કેમ કરીને માનશે?’

તેના વિચાર જાણી ગયેલા ઈશ્વર બોલ્યા, ‘માનશે ચોક્કસ માનશે.’

સંજયની સાથે હવે ઈશ્વર હતા એટલે તેને સહેજ પણ ચિંતા નહોતી.

સ્કૂટર ગામની બહાર એક ખૂબ વિશાળ આશ્રમ પાસે ઊભું રહ્યું. એના દરવાજા તરફ ઇશારો કરતાં ભગવાને સંજયને કહ્યું, ‘આગળ વધો.’ સંજયે પૂછ્યું, ‘તમે નથી આવતા?’

આલીશાન આશ્રમ તરફ એકીટશે જોતાં ઈશ્વર બોલ્યા, ‘અમુક જગ્યાએ જવાનું મને ક્યારેય ગમતું નથી, પણ તું અંદરનો અનુભવ લઈ આવ.’

સંજય આ નવી વાતને અનુભવવા ઉત્સુક હતો. તે આગળ વધ્યો. એક મોટા સિંહાસન પર લાંબી દાઢી અને જટાવાળા એક મહારાજ બેઠા હતા. ચારે બાજુ આધ્યાત્મને બદલે નકરો વૈભવ જ વૈભવ અનુભવાતો. તેમની બાજુમાં એક માણસ ઊભો હતો. આ માણસનો ચહેરો સંજયને સહેજ ઓળખીતો લાગ્યો. ધ્યાનથી જોયું તો તેઓ નારદમુનિ હતા જે પેલા મહારાજના સેવકની જગ્યાએ સાધુવેશે ઊભા હતા. સંજયને અંદર આવેલો જોતાં જ તેમણે પેલા મહારાજને હાથ જોડીને કાનમાં કશુંક કહ્યું. સંજયે જોયું કે તેમનો ઇશારો પોતાની તરફ હતો.

સંજય ખૂબ જ તુચ્છ હોય એમ તેની તરફ નજર કરતાં પેલા મહારાજે પૂછ્યું, ‘અમારા સેવક સ્વામીનું  માનવું છે કે આપ એક એવી વ્યક્તિ છો જે સદેહે વૈકુંઠ જઈ આવ્યા છો? વાત સાચી?’

સંજયે હાથ જોડતાં કહ્યું, ‘જી હા, સાચી વાત. મને સદ્ભાગ્ય મળ્યું છે, સદેહે વૈકુંઠ જવાનું.’

‘એમ? તો ત્યાં કોને જોયા?’ મહારાજના અવાજમાં અવિશ્વાસ હતો.

‘પ્રભુ પોતે હતા. મા લક્ષ્મીજી હતાં. દેવો હતા અને હા, ભગવાનની બાજુમાં નારદમુનિ પણ હતા.’ નારદમુનિના ઉલ્લેખ વખતે સંજયે પેલા મહારાજની બાજુમાં ઊભેલા સાધુરૂપી નારદમુનિ સામે જોયું. નારદમુનિએ હળવેકથી પોતાનું સ્મિત છુપાવ્યું.

‘અચ્છા તો એમ કહો કે તમે જયારે ઈશ્વરને જોયા ત્યારે તેઓ શું કરતા હતા?’

ઈશ્વરના કહેલા શબ્દો યાદ કરતાં સંજય બોલ્યો, ‘જયારે મેં ઈશ્વરને જોયા ત્યારે તેઓ હથેળીમાં રહેલી નાનકડી ડબ્બીમાં એક લાખ સોનામહોર એક પછી એક ભરી રહ્યા હતા...’

આ સાંભળીને મહારાજ અચાનક ગુસ્સેથઈ ગયા.

‘સાવ ખોટી વાત. પકડાઈ ગયાને? અરે સાવ નાનકડી ડબ્બીમાં લાખ સોનામહોર તો શું એક પણ ન રહે. આમ ખોટા ગપગોળા ચલાવશો નહીં. અમે વેદ અને ઉપનિષદોનું અધ્યયન કર્યું, તપ કર્યું, સંસાર પણ છોડ્યો અને તોય અમને ઈશ્વરનો સાક્ષાત્કાર નથી થયો અને તમારા જેવા સંસારીને ભગવાન સદેહે વૈકુંઠ બોલાવે!’

મહારાજ કશું વધારે બોલે એ પહેલાં બાજુમાં રહેલા નારદમુનિએ સંજયને બહાર જવાનો ઇશારો કર્યો. સંજય તો એની જ રાહ જોતો હતો. એ મહારાજને બબડતા ત્યાં જ મૂકીને બહાર આવ્યો. તેને આવતો જોઈ ભગવાને સ્કૂટર ચાલુ કર્યું અને બન્ને જણ નીકળ્યા એક બીજા માણસ પાસે જવા.

થોડે દૂર એક ખેતર પાસે એક ખૂબ ઘરડી વ્યક્તિ કાથીના ખાટલે બેઠી હતી. પહેરેલાં કપડાંમાં થીગડું મારેલું હતું. તેમના કપાળે ચંદનનો ચાંલ્લો હતો. હાથમાં નાનકડી તુલસીમાળા હતી.

તેમની પાસે જઈ સ્કૂટર ઊભું રાખી ભગવાન સંજયનો હાથ પકડીને તેમની પાસે લઈ ગયા.

‘એ જય‍શ્રી કૃષ્ણ ભનાકાકા...‘ ભગવાને સહેજ જોરથી પેલી ઘરડી વ્યક્તિને કહ્યું.

બાજુમાં પડેલા જાડાં ચશ્માં આંખે ચડાવતાં તે હરખાયા, ‘અલ્યા વાસુદેવ આયો તું?’

સંજય ચમક્યો. તેને થયું કે આ ઈશ્વર તો મારી જેમ બીજા લોકો સાથે પણ વાતો કરે છે, પણ કશું બોલ્યા વગર તેણે જોયા કર્યું. પેલા માણસની બાજુમાં ખાટલા પર બેસતાં ભગવાને કહ્યું, ‘હું નહોતો કહેતો ભનાકાકા કે એક માણસ કહે છે કે તે સદેહે વૈકુંઠ જઈ આવ્યો, તે આ જ. તેનું નામ સંજય સંતુરામ જોષી.’

એ સાંભળતાં જ એ માણસની ઘરડી આંખોમાં ચમક આવી ગઈ, ‘એમ, વાહ મારા નાથ. ભાઈ મારે તો તમને પગે લાગવું જોઈએ...’ એમ કહીને તેઓ પોતાની જગ્યાએ ઊભા થઈ તેના પગે પડવા ગયા. સંજય બે ડગલાં પાછળ હટ્યો. દાદાએ પૂછ્યું, ‘તે હેં ભાઈ, આ તમે ભગવાનને જોયા એ વખતે ભગવાન શું કરતા હતા?’

સંજયે ઈશ્વર સામે જોયું. ઈશ્વરે એ જ વાત કહેવાનો ઇશારો કર્યો. સંજયે કહ્યું, ‘કાકા જ્યારે મેં ભગવાનને જોયા ત્યારે તેઓ હથેળીમાં રહેલી નાનકડી ડબ્બીમાં એક લાખ સોનામહોર એક પછી એક ભરી રહ્યા હતા.’

દાદાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. બે હાથ જોડતાં તેઓ બોલ્યા, ‘વાહ કેવી સુંદર ક્ષણ હશે એ. મારો નાથ બેઠો-બેઠો એક નાનકડી ડબીમાં જગતનો વૈભવ ભરતો હશે...’

ઈશ્વરે વચમાં સનો કર્યો, ‘તે હેં કાકા... આ માણસે તો નરી આંખે જોયું તો વિશ્વાસ કર્યો હશે, પણ તમે વગરજોયે કેવી રીતે માની લીધું કે ભગવાન નાનકડી ડબીમાં લાખો સોનામહોર ભરે?’

દાદાએ કહ્યું, ‘અલ્યા વાસુદેવ, એ ઈશ્વર છે... એક નાનકડું બીજ હોયને બીજ, એમાં તે આખું ને આખું વૃક્ષ ભરી શકે તો એક નાનકડી ડબીમાં સોનામહોર ન ભરી શકે? આ આસપાસ જો, આ બધાં ઝાડ એક નાનકડા બીજમાંથી તો તેમણે પેદા કર્યાં છે. ઈશ્વરની વાતમાં સમર્પણ સારી લાગે, શંકા નહીં હોં...’

સંજય એક અભણ માણસની ઈશ્વર પરની શ્રદ્ધાને એકીટશે જોઈ રહ્યો. તેના મનમાં ઈશ્વરનો અવાજ સંભળાયો...

‘તર્ક અને વિતર્કને બાજુ પર મૂકી મારા પર સંપૂર્ણ વિશ્વાસ કરનારને હું મુક્તિ અર્પણ કરું છું...’

(વધુ આવતા અંકે)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK