ઈશ્વરોલૉજી - પ્રકરણ - 33

Published: 1st December, 2019 16:48 IST | Dr. Hardik Nikunj Yagnik | Mumbai

ગતાંક... સંજય પાસેથી ઈશ્વર અચાનક ગુમ થઈ ગયા હતા. તેમને શોધવા નીકળેલા સંજયને ખૂબ વિચિત્ર અનુભવ થયા.

ઈશ્વરોલૉજી
ઈશ્વરોલૉજી

તેને એવો ખ્યાલ આવ્યો કે જે ઘટનાઓ તેણે ભગવાન સાથે જોઈ હતી એમ તો ત્યાં કશું બન્યું જ નથી. આત્મારામ મર્યા જ નથી. સાહુસાહેબનું કામ હજી બાકી છે અને મંદિરની સ્થાપના પણ થઈ નથી. હજી કશું વિચારે એ પહેલાં તેનો ઍક્સિડન્ટ થયો. તે વૈકુંઠમાં પાછો આવ્યો. જ્યાં ઈશ્વરનો આદેશ હતો કે સંજયને ઈશ્વરના સઘળા પાવર આપવામાં આવે છે અને ઈશ્વરની સૃષ્ટિનું સંચાલન સંજયે કરવાનું છે. નારદમુનિ તેને કર્મોનો સિદ્ધાંત અને સ્વર્ગ તથા નરકની ઓળખ આપતા જુદા-જુદા લોકોને બતાવે છે. સંજય ઈશ્વરની પાપ-પુણ્યની ગણતરીથી આભો બની ગયો છે.

હવે આગળ...

વગરવિચાર્યે કોઈ વિશે ખોટું બોલતા લોકો પર ચડતાં પાપની ગણતરી જોઈને સંજયને ઈશ્વરની બનાવેલી પાપ-પુણ્યની ગણતરી પર માન થઈ ગયું છે. એક એવી મજબૂત સિસ્ટમ જેમાંથી કોઈ બાકાત રહી શકતું નથી. જે નારદમુનિને ભૂતકાળમાં બોલતા બંધ કર્યા હતા એ જ મુનિએ અત્યારે તેને ઈશ્વરની સિસ્ટમની એવી સમજણ આપી જે તેની માન્યતા અને ગણતરીથી ખૂબ જુદી હતી.

સંજયને અચાનક યાદ આવ્યું કે ઈશ્વરની આ પાપ-પુણ્ય અને લોકોને મદદ કરવાની પદ્ધતિથી અજાણ હોવાથી તેમના પર તે ગુસ્સે થઈ ગયો હતો એ યોગ્ય તો નહોતું જ, પણ હવે શું થાય? ઈશ્વરને શોધવા નીકળતી વખતે ટ્રક સાથેનો ઍક્સિડન્ટ અને ત્યાર બાદ વૈતરણી તર્યા પછી તેમની જ કૃપાથી અહીં સુધી પહોંચવું એ સઘળું સપના જેવું જ હતું. સંજયને થયું કે ઈશ્વર પર એ દિવસે કરેલો ગુસ્સો એ તેની સૌથી મોટી ભૂલ હતી. કદાચ એટલા માટે ઈશ્વરે પોતાની આખી સત્તા મારા હાથમાં સોંપી દીધી. ખરેખર તો મને આ સિસ્ટમ સમજાય એ માટે ઈશ્વરે આ ગોઠવણ કરી હતી. ઈશ્વરની આનાથી મોટી કૃપા બીજી શું હોઈ શકે?

છતાં સંજયના મનમાં વસવસો હતો. તેને થયું કે આ સમગ્ર સત્તાના અધિપતિ બનીને પણ એ મજા નથી આવતી જેટલી ઈશ્વરને સ્કૂટર પર પાછળ બેસાડીને ફરવામાં આવતી હતી. આમ અચાનક ઈશ્વરના પાવર મળ્યા તો પણ એ આનંદ નથી આવતો જે ઈશ્વર સાથે મિત્રની જેમ વાતો કરતાં આવતો હતો.

આ સઘળું યાદ કરતાં સંજયની આંખોના ખૂણા ભીના થઈ ગયા. તેણે મનોમન ઈશ્વરને સંબોધીને પ્રાર્થના કરી, ‘હું પહેલી વાર તમને મળ્યો ત્યારથી લઈને આજ સુધી મારા મનમાં કદી ઈશ્વર બનવાનો વિચાર આવ્યો નથી. હું તમારી જગ્યા ક્યારેય ન લઈ શકું એ વાતની મને ખૂબ સારી રીતે ખબર છે, પણ હે પ્રભુ, મને માફ કર. તું તો મારો બાપ છે અને દીકરો તોફાન કરે. કશું ખોટું કરે તો બાપ તેને સજા કરે, પણ કંઈ તેના પરથી પોતાનો હાથ લઈ ન લે. મને ખબર છે. હું પ્રશ્ન કરતો હતો ત્યાં સુધી તમે જવાબ આપ્યા પણ એ દિવસે હું કાંઈક વધારે જ ગુસ્સે થઈ ગયો હતો. મારી ભૂલને ક્ષમા આપી ફરી પાછું જેમ સઘળું હતું એમ તમે કરી ન શકો? હજી તો કંઈકેટલીય વાતો તમારી સાથે શીખવાની છે. આ પૃથ્વી પર તમારા બતાવ્યા પ્રમાણે જીવવાનું બાકી છે અને તમે તો વૈકુંઠમાં જીવવાનું શીખવાડી રહ્યા છો. પ્લીઝ પ્રભુ, આ  સઘળું બંધ કરોને. મારે ઈશ્વર નથી બનવું, હું તો ઈશ્વરલાલ ગગનવાસીના કઝિન તરીકે તેમની સાથે ફરું એમાં જ સ્વર્ગનું સુખ માણી શકું છું, પ્લીઝ...’

ઈશ્વરને સંબોધીને થતો સંવાદ સંજયના મનમાં ચાલતો હતો. મનોમન સંજયને સંભળાયું, ‘તથાસ્તુ.’ ઈશ્વરના અવાજનો તેને ભણકારો થયો. સંજયની મનમાં ચાલતી વાત ઈશ્વરની સાથે-સાથે નારદમુનિએ પણ જાણી. પૃથ્વી પરથી વીજળીવેગે પાછા આવી રહેલા નારદમુનિએ તેની સામે જોઈને દર વખતની જેમ એક સ્મિત આપ્યું. સંજય કશું સમજે એ પહેલાં બાવડાંથી પકડેલો તેનો હાથ નારદમુનિએ છોડી દીધો. જે વેગથી તેઓ બન્ને ઉપર જઈ રહ્યા હતા, એનાથી બમણા વેગે સંજય પૃથ્વી તરફ આવી રહ્યો હતો. તેના મોંમાં ચીસ હતી. જાણે હમણાં જ તે જમીન પર પટકાશે. અને ત્યાં જ પોતાના જ ઘરની અગાશીમાં તે અચાનક જાગ્યો.

જે ક્ષણે ઈશ્વર ગુમ થયા હતા એ જ ક્ષણે તે પાછો ફર્યો. આ બધું શું છે એની તેને ખબર ન પડી. આ સઘળું ઉપરવાળાની ઈશ્વરોલૉજીનો એક ભાગ છે એની તેને સમજણ આવી ગઈ હતી, પણ ખબર નહોતી પડી રહી. તેણે સૌપ્રથમ તો આસપાસ જોયું કે ઈશ્વર કશે છે કે નહીં? પણ એ દિવસની જેમ ત્યાં કોઈ જ નહોતું.

એ પહેલાંની જેમ જ દોડીને નીચેના માળે આવ્યો અને થોડો હાંફળોફાંફળો થઈને તે પોતાના ઘરમાં ઈશ્વરને  શોધવા માંડ્યો, ત્યાં જ હાથમાં શાકની થેલી લઈ તેની પત્ની ઘરમાં દાખલ થઈ. આ જ દૃશ્ય તો તેણે પહેલાં પણ જોયું હતું. ઘરમાં દાખલ થતાની સાથે જ તે રસોડા તરફ ગઈ અને તેને જોતાં જ સંજયે પૂછ્યું, ‘એ લોકો ક્યાં છે?’

પત્ની આશ્ચર્ય પામી. તેણે વળતું પૂછ્યું, ‘કોણ લોકો?’

સંજયને ખ્યાલ જ હતો કે ગયા વખતની જેમ પત્ની કહેશે કે એવું તો કોઈ છે જ નહીં, છતાં તેણે કહ્યું, ‘અરે શું? કોણ લોકો? ઈશ્વર... બીજું કોણ?’ અચાનક પોતાની જાતને સંભાળી તેણે ટોન બદલ્યો, ‘અરે મારા કઝિન ઈશ્વરભાઈ અને પ્રદ્‍મજાભાભી જે આટલા દિવસથી આપણી સાથે રહે છે તેઓ...’

સંજય જોઈ રહ્યો હતો કે સઘળું રિપીટ થઈ રહ્યું છે અને તેને ખાતરી હતી કે હવે તેની પત્ની પણ ગયા વખતની જેમ બોલશે, ‘એ લોકો કોણ?’ પણ અહીં તો ઊલટું થયું. પત્નીએ કહ્યું, ‘ભાઈ અને ભાભી બન્ને જણ મારી સાથે આવ્યાં હતાં. હું જરા શાક લેવા માર્કેટમાં અંદર ગઈ તો એ લોકો અચાનક ગુમ થઈ ગયાં. પછી થયું કે ભીડમાં ભૂલાં પડી ગયાં હશે એટલે ઘરે જ પહોંચી ગયાં હશે. હું પણ તમને એ જ પૂછવાની હતી.’

સંજયને એટલી ખાતરી તો થઈ ગઈ કે કશુંક તો અજુગતું કર્યું છે ઈશ્વરે. સો એ સો ટકા મારી જિંદગી રિવર્સમાં ગઈ છે. એક નવા જુસ્સા અને ઉત્સાહનો જાણે તેનામાં સંચાર થયો. તે દોડ્યો સ્કૂટર કાઢીને છેલ્લી વખતની જેમ તે ઈશ્વરને શોધવા નીકળી પડ્યો. રસ્તામાં જ આત્મારામ બંસરીનું ઘર આવ્યું. ઘરની બહાર સફેદ કપડાં પહેરેલા લોકો હતા. સંજયે રસ્તાની એક બાજુ સ્કૂટર ઊભું રાખી જોયું તો આત્મારામના દીકરા રિતેશને સૌકોઈ સાંત્વના આપતા હતા. ઈશ્વરની ઈશ્વરોલૉજીને સમજતો થઈ ગયેલો સંજય જરાય વિસ્મય ન પામ્યો. આ બધું શું થઈ રહ્યું છે એની તેને ખબર પડી, પણ કેમ થઈ રહ્યું છે એની તેને ખબર પડતી નહોતી.

પણ ઈશ્વરે રિવર્સ કરેલી સિસ્ટમ પર ચાલવાનું તો હતું જ.

‘જે બન્યું હતું એ નહોતું બન્યું એમ મને લાગતું હતું, પણ હવે એ સાબિત થઈ રહ્યું છે કે એ બધું તો બન્યું જ હતું અને મને

એમ દેખાડવામાં આવ્યું હતું કે એ બધું બન્યું જ નથી.’

આમ મગજ ચકરાવે ચડી જાય એવા વિચાર કરતાં તેણે  સ્કૂટર લીધું સાહુસાહેબની ઑફિસ તરફ. તેમની આલીશાન ઑફિસમાં હજી તો જ્યાં સ્કૂટર વાળે ત્યાં તો એક ગાડી તેની બાજુમાં આવીને ઊભી રહી ગઈ. કાળા કાચ ઊતર્યા અને અંદર બેઠેલા સાહુસાહેબે ખૂબ પ્રેમથી કહ્યું, ‘સંજય, થૅન્ક યુ સો મચ દોસ્ત. તારા પેલા કન્સલ્ટન્ટ તો કમાલના નીકળ્યા. તેમણે સિલેક્ટ કરેલા મારા જમાઈએ સઘળું ખૂબ સરસ રીતે સંભાળી લીધું છે. કોઈ દિવસ આવ તેમને લઈને ફરી, બેસીએ.’

સંજયને થયું કે મને મળે તો તમને મળાવુંને? પણ એમ છતાં તેમને કશું જ કહ્યા વગર ખાલી ડોકું હલાવીને તેણે સ્કૂટર વાળ્યું. એક અનોખો ઉત્સાહ અને રોમાંચ તેના મનમાં તે અનુભવી રહ્યો હતો. પેલી હૉસ્પિટલ રસ્તામાં આવી, પણ અંદર જવાનું ટાળીને તે આગળ વધ્યો ત્યાં વચમાં પેલું મંદિર આવ્યું જ્યાં હમણાં જ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. એક પ્રસાદ વેચતા લારીવાળા પાસે જઈને અજાણ બનીને પૂછ્યુ, ‘શું આ મંદિર હમણાં જ બન્યું?’

લારીવાળાએ હા પાડી અને પોતાનો ગુસ્સો શબ્દોમાં ઠાલવ્યો, ‘હા, પણ સાચું કહું સાહેબ, આ આજના લોકો ભગવાનને લાયક છે જ નહીં.’

બોલતી વખતે એ માણસની આંખો સંજયને ઉપરથી નીચે સુધી જોઈ રહી હતી. સંજય પણ મનોમન બબડ્યો, ‘હા ભાઈ હા, મારાથી વધારે કોને એની ખબર હોય. હવે જુઓને, મારા જેવા લોકો જ ભગવાનને લાયક નથી.’ પોતાના વિચારોને અટકાવી તેણે વાત ફેરવતાં પૂછ્યું, ‘કેમ આમ કહો છો?’

લારીવાળાએ મોટા બોર્ડ તરફ આંગળી કરીને આગળ વાત ચલાવી, ‘જુઓને, આ હમણાં જ ભગવાનના મંદિરના સ્થાપનાના દિવસે જ કોઈ તેમનાં સોનાનાં કડાં ચોરી ગયું, બોલો.’ આ અમારા અતુલભાઈ તરફથી સપ્રેમ ભેટ ધરાવેલાં. હું તો શું કહું છું? આ આજકાલ તો ભગવાન જ સેફ નથીને...’

સંજયે મનમાં મલકાતાં-મલકાતાં મમળાવ્યું, ‘એ જ અનસેફ ભગવાને પોતાનાં જ કડાં ચોર્યાં હતાં દોસ્ત.’

પણ વાતને ત્યાં જ પડતી મૂકીને તે આગળ વધ્યો. પાછલી વખતે તે જે રસ્તે ગયો હતો એ જ રસ્તે તે નીકળ્યો. તેના મનમાં સ્પષ્ટ હતું કે આ જેકંઈ થઈ રહ્યું છે એ સઘળું ઈશ્વરની ઇચ્છાને આધીન જ થઈ રહ્યું છે.

અચાનક એ જ ધસમસતા વેગે એક ટ્રક આવી. તેને ખબર હતી કે આ ટ્રક અથડાશે, પણ આ વખતે ટ્રક સાથે અથડાતાં પહેલાં જ તે અનાયાસ બાજુના રસ્તા પર ઊછળીને પડ્યો. વાયુવેગે જઈ રહેલી ટ્રક પર ગયા વખતે વાંચેલું વાક્ય ઉપર ફરી નજરે ચડ્યું, ‘સબ માયા હૈ.’

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 32

તે વિચારતો હતો કે શું ખરેખર આ બધું માયા છે?

અને ત્યાં જ તેને એક પરિચિત અવાજ સંભળાયો, ‘માયા નહીં તો બીજું શું હોય, સંજય સંતુરામ જોષી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK