કથા સપ્તાહ : ડેવિલ્સ ઍડ્વોકેટ (1)

રશ્મિન શાહ - કથા સપ્તાહ | Jun 03, 2019, 12:51 IST

શું કાયદો ભૂતને સ્વીકારશે?

કથા સપ્તાહ : ડેવિલ્સ ઍડ્વોકેટ (1)
ડેવિલ

કથા સપ્તાહ

ઘૂરુંઉઉઉ...

કૂતરાની દબાયેલા અવાજની ઘરેરાટીને કારણે ડૉક્ટર સુબોધ મહેતાના પગ સહેજ થંભી ગયા.

આકાશમાં ગાજી રહેલાં વાદળો કહી રહ્યાં હતાં કે એ ગમે ત્યારે પડી ભાંગશે.

ઘૂરુંઉઉઉ...

કૂતરાએ પોતાના શરીરને સહેજ પાછળની બાજુએ ખેંચ્યું.

કૂતરાના આ વર્તાવથી સુબોધ મહેતાના પગ સહેજ અટકી ગયા. ન કરે નારાયણ ને જો કૂતરો આવીને બટકું ભરીલે તો?

સુબોધ મહેતાએ ધીરે રહીને ઘરના દરવાજા તરફ નજર કરી. ઘરના પાછળના ભાગમાં કોઈ જ સળવળાટ નહોતો.

જે ઘરમાં મોત થયું હોય એ ઘરમાં સ્વાભાવિકપણે જ શાંતિ હોય.

ખાલી શાંતિ નહીં, એકલી શાંતિ નહીં, સ્મશાનવત્ શાંતિ હોય.

ઘૂરુંઉઉઉ...

કૂતરાના ગળામાંથી નીકળેલી દબાયેલી ઘરેરાટીએ સુબોધ મહેતાને એની તરફ જોવાની ફરજ પાડી.

તુતુતુ... તુતુતુ...

ડૉક્ટર સુબોધ મહેતા કૂતરાને બુચકારતાં પાછળની દિશામાં ચાલ્યા.

- નથી જવું અંદર, અંદર જઈને કરવાનું પણ શું છે. જે છોકરી છેલ્લા કેટલાય મહિનાથી મોતની સામે લડતી હતી એ છોકરીના નામનું એક ડેથ સર્ટિફિકેટ જ તો ઇશ્યુ કરવાનું છેને. બીજો કોઈ પણ ડૉક્ટર કરી શકે છે આ. અરે, અંદર રહેલા ડૉક્ટર કંદર્પ ત્રિવેદી પણ સર્ટિફિકેટ આપી શકે છે. તેઓ શું કામ નથી આપતા, તેમને શો વાંધો છે ડેથ સર્ટિફિકેટ આપવામાં, નાહકનો મને અહીં સુધી બોલાવ્યો, હું તો...

ખટાક...

ઘરનો દરવાજો ધીમે-ધીમે ખૂલી રહ્યો હતો.

સુબોધ મહેતાના પગ થંભી ગયા. પગ પણ અને વિચારો પણ.

દરવાજાનાં બન્ને બારણાં ખૂલ્યાં અને એ બારણાં વચ્ચેથી તૌસિફ ખાન દેખાયા.

સાવ નિસ્તેજ ચહેરા સાથેના તૌસિફ ખાન. દીકરીના મોત પછીના પિતાના ચહેરા પર હોય એવા ગ્લાનિ સાથેના તૌસિફ ખાન.

‘બસ, બેટા...’

બહારનું દૃશ્ય જોઈને તૌસિફ ખાન સમજી ગયા હતા કે શાઇસ્તાનો ફેવરિટ એલિફન્ટ ઘરમાં અંદર આવતા ડૉક્ટરને અટકાવી રહ્યો છે. તૌસિફ ખાન બહાર આવીને સીધા એલિફન્ટ પાસે ગયા.

એલિફન્ટ. શાઇસ્તા ઘરમાં આવીને સૌથી પહેલાં જેને બોલાવતી હતી એ એલિફન્ટ. એલિફન્ટ આમ તો એક ડૉગી હતું, દેશી કૂતરું. એ દેખાવે પણ સાવ માઇકાંગલા જેવો હતો અને એમ છતાં શાઇસ્તાએ તેનું નામ એલિફન્ટ રાખ્યું હતું. શાઇસ્તાને આ એલિફન્ટ મુલુંડથી મળ્યો હતો. મુલુંડથી શાઇસ્તા તેને પોતાની સાથે ઊંચકી લાવી હતી. ઘરના બધાનો વિરોધ હતો છતાંય, છતાંય શાઇસ્તાએ એને ઘરમાં રાખ્યો હતો.

શું આ જબાન વિનાના એલિફન્ટને ખબર હશે કે શાઇસ્તા હવે...

તૌસિફ ખાનની આંખોના ખૂણા ભીના થઈ ગયા. આંખો પર બાઝેલી ભીનાશ સાથે જોયું કે ડૉક્ટર સુબોધ મહેતા ઘરમાં દાખલ થઈ રહ્યા હતા.

તૌસિફ ખાન ધીમે રહીને એલિફન્ટ પાસે બેસી ગયા.

હંમેશાં તૌસિફમિયાંથી દૂર ભાગતો એલિફન્ટ આજે આવીને તૌસિફમિયાંની બાજુમાં બેસી ગયો.

કદાચ આશ્વાસન આપવાના હેતુથી...

કદાચ.

****

ડૉક્ટર સુબોધ મહેતાએ વારાફરતી દરેકની સામે નજર માંડી. ડૉક્ટર કંદર્પ ત્રિવેદી, ડૉક્ટર કંદર્પની બાજુમાં શાઇસ્તાનો મોટો ભાઈ શબ્બીર, શબ્બીરની પાછળ લપાઈને ઊભેલી શાઇસ્તાની નાની બહેન શાલિન. શાલિનથી સહેજ આગળ શાઇસ્તાનાં અમ્મી અને અમ્મીની બાજુમાં એક લાંબી દાઢીવાળા, મૌલવી જેવા કોઈ ચાચા.

સુબોધ મહેતાની નજર ધીરે રહીને શાઇસ્તાના મૃતદેહ પર આવીને અટકી.

શાઇસ્તાનો ચહેરો સૂજી ગયો હતો. કપાળની એક આખી બાજુ ચિરાઈ ગઈ હતી. હોઠના ખૂણા ફાટી ગયા હતા અને ફાટી ગયેલા હોઠના ખૂણામાંથી નીકળતું લોહી હવે થીજી ગયું હતું. શાઇસ્તાની આંખો હજી પણ છતને તાકી રહી હતી.

ડૉક્ટર સુબોધ મહેતાએ જેવો શાઇસ્તાનું કાંડું પકડવા હાથ લંબાવ્યો કે તરત જ લાંબી દાઢીવાળા, મૌલવી જેવા દેખાતા ચાચાએ કોઈ આયાત રટવાની શરૂઆત કરી દીધી.

ચાચાનો અવાજ ધીમે-ધીમે મોટો થવા લાગ્યો. ચાચાના આ અવાજને કારણે ઘરનું અંધકારમય વાતાવરણ વધુ ભયજનક બનતું હતું. અલબત્ત, ડૉક્ટર સુબોધ મહેતાને આ વાતાવરણનો કોઈ ભય નહોતો. તેમણે શાઇસ્તાના નિસ્તેજ હાથને ધીમેકથી જમીન પર મૂકીને પોતાની બૅગ ખોલી. જે કામ માટે તેમને બોલાવવામાં આવ્યા હતા એ કામ હવે તેમણે પૂરું કરવાનું હતું.

સુબોધ મહેતાએ બૅગમાંથી પૅડ કાઢીને લખવાનું શરૂ કર્યું.

મરનારના શરીર પર અસંખ્ય જગ્યાએ માર પડવાનાં નિશાન છે. શક્યતા મુજબ મરનાર સાથે એકાદ કલાક અગાઉ ઝપાઝપી થઈ હોઈ શકે છે. આ મોતને કુદરતી ન ગણીને હું શાઇસ્તાના મૃતદેહની અંતિમક્રિયાની પરવાનગી નથી આપતો. આ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવો જોઈએ એવું મારું માનવું છે અને મારી મેડિકલ અૅડ્વાઇઝ પણ એ જ છે.

સુબોધ મહેતા જ્યારે ડેથ સર્ટિફિકેટ લખતા હતા ત્યારે તેમને આજુબાજુમાં ઊભેલા લોકોનો નહીં, પણ ઘરની બહાર રહેલા એલિફન્ટનો ડર હતો.

હજી ઘરે જવાનું હતું, ઘરે જવા માટે બહાર નીકળવાનું હતું અને બહાર નીકળતી વખતે એલિફન્ટ પાસેથી પસાર થવાનું હતું.

ડૉક્ટર સુબોધ મહેતાએ ડૉક્ટર કંદર્પ ત્રિવેદીના હાથમાં ડેથ સર્ટિફિકેટ મૂકીને બૅગ પૅક કરી. કોઈ જાતના સંકોચ કે શરમ વિના તેમણે કહી પણ દીધું,

‘કોઈ મુઝે બાહર તક છોડ દેગા...’

કશું જ બોલ્યા વિના શબ્બીર સુબોધ મહેતાની આગળ ચાલવા લાગ્યો.

શબ્બીરની પાછળ ચાલતા સુબોધ મહેતાએ જો પાછળ વળીને જોયું હોત તો તેમને દેખાયું હોત કે કંદર્પ ત્રિવેદીએ તેમણે લખેલું ડેથ સર્ટિફિકેટ પેલા લાંબી દાઢીવાળા મૌલવીના હાથમાં મૂકી દીધું હતું અને મૌલવીએ એ સર્ટિફિકેટને મીણબત્તી ઉપર રાખીને નવેસરથી મંત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા.

****

બે કલાક પછી શાઇસ્તાના ઘરની બહાર એક પોલીસ-વૅન ઊભી હતી. વરસતા વરસાદ વચ્ચે શાઇસ્તાના મૃતદેહનો કબજો પોલીસે સંભાળી લીધો હતો અને ઘરમાં હાજર રહેલા લોકોનાં સ્ટેટમેન્ટ લેવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

‘તૌસિફ ખાન, આપ જો કહ રહે હૈં ઉસકા મતલબ ક્યા હોતા હૈ વો આપકો પતા હૈ ના...’

તૌસિફ ખાને જવાબ આપ્યા વિના ઇન્સ્પેક્ટરની સામે જોયું. તૌસિફ ખાનની આંખો લાલ હતી. આંખોની આ લાલાશ આંસુને કારણે હતી કે પછી પુછાયેલા પ્રશ્નથી ઉદ્ભવેલા ગુસ્સાને કારણે એ ઇન્સ્પેક્ટર સમજી નહોતા શક્યા.

‘તૌસિફમિયાં મૈં આપ સે બાત કર રહા હૂં, જવાબ દીજિયે...’

‘હા... મૈં જો કહ રહા હૂં વો સોચ-સમઝ કર હી કહ રહા હૂં... ’

‘...ઇસકા મતલબ યે હુઆ કી આપ લોગ અભી ભી ભૂત મેં માનતે હૈં...’

ઇન્સ્પેક્ટરને અત્યારે હસવું આવતું હતું. તેમને હસવું પણ હતું અને સાથોસાથ તેમને ગુસ્સો પણ આવતો હતો અને એટલે જ આ મિક્સ પ્રતિક્રિયાથી તેઓ પોતે મૂંઝાયા હતા.

એકવીસમી સદી શરૂ થઈ ગયાને અઢાર વર્ષ થઈ ગયાં અને એમ છતાં આજે પણ માણસો ભૂતપ્રેત અને ચુડેલોનો વિશ્વાસ કરે છે.

શું કરવું આ દેશનું, શું કરવું આ દેશના લોકોનું?

‘મેરે માનને સે ઔર આપકે ન માન ને સે કોઈ ફર્ક નહીં પડતા, જો હકીકત હૈ વો મૈંને આપકો બતા દી. અબ આપકો જો ઠીક લગે વો કરીએ આપ.’

‘અચ્છા... તમને ક્યારે ખબર પડી કે તમારી દીકરીની અંદર ભૂતનો વાસ છે...’

‘...જયારે મૌલવીચાચાએ અમને કહ્યું ત્યારે...’

મૌલવીચાચા...

ઇન્સ્પેક્ટરના કાન સરવા થયા, તે તૌસિફ ખાનની નજીક આવ્યા.

‘મૌલવીચાચા? યે કૌન હે...’

‘યંહી પાસ મેં હી રહતે હૈં... ઉન્હોંને બતાયા તબ પતા ચલા કી શાઇસ્તા પે બૂરી આત્મા કા સાયા હૈ...’

ઇન્સ્પેક્ટરે સવાલ તૌસિફ ખાનને કર્યો હતો, પણ જવાબ તેના દીકરા શબ્બીરે આપ્યો.

‘અભી કહાં હૈ, આપકે યે મૌલવીચાચા...’

ઇન્સ્પેક્ટર શબ્બીરની સામે આવીને ઊભા રહ્યા.

‘બસ, કુછ હી દેર પહલે વો અપને ઘર ગયે...’

‘ચલો, મુઝે ઉનકે ઘર લે જાઓ...’

શબ્બીર ચૂપચાપ આગળ ચાલવા લાગ્યો. તેને ખબર નહોતી કે આવનારા દિવસોમાં આ ઘટના એવું રૂપ લેશે કે ભલભલા તાર્કિકો અને બૌદ્ધિકોની આંખોમાં અચરજનું આંજણ અંજાશે અને મસ્તક પર કૌતુકનું તિલક ઉદ્ભવશે.

****

બીજી સવારે મુંબઈભરનાં અખબારોની હેડલાઇન લગભગ સરખી હતી.

ભૂતપ્રેતમાં અંધશ્રદ્ધા ધરાવતા મૌલવીએ સાયન્સની એક હોનહાર સ્ટુડન્ટની હત્યા કરી.

ન્યુઝ-આઇટમની સાથે મૌલવીચાચાની તસવીર પણ હતી. મૌલવીના ચહેરા પર ટેન્શન, તણાવ કે ચિંતાને બદલે એક ખાસ પ્રકારની નિષ્ફિલકરાઈ રેલાયેલી હતી. જાણે કોઈ ભૂલ કે ગુનો ન કર્યો હોય એવી નિષ્ફિેકરાઈ.

એક અખબારે લખ્યું હતું, ‘આ પ્રકારના અભણ લોકોને કારણે જ આ દેશનો ઉદ્ધાર થયો નથી. કાયદામાં અંધશ્રદ્ધા ફેલાવનારા લોકો માટે કડક સજાની જોગવાઈ છે. જો કાયદામાં આ પ્રકારના કિસ્સાની સજા ફાંસી હોય તો મૌલવી ઝફર કુરેશીને જાહેરમાં ફાંસી આપવી જોઈએ.

જેમ-જેમ બપોર વધતી ગઈ એમ મૌલવીચાચા પ્રત્યેનો તાપ પણ વધવા માંડ્યો. જોકે લોકોના આ રોષ વચ્ચે પણ મૌલવી ઝફર કુરેશી નિશ્ચિંત હતા.

કોર્ટમાં રજૂ કરતી વખતે એક પત્રકારે હિંમત કરીને તેમને આ ઘટના વિશે પૂછ્યું ત્યારે તેમને જવાબ આપ્યો હતો, ‘જો હો રહા હે વો ભી મુઝે માલૂમ હૈ ઔર જો હોનેવાલા હૈ ઉસસે ભી મૈં વાકેફ હૂં બચ્ચા...’

****

‘શાઇસ્તા કે બારે મેં મુઝે કુછ પૂછના હૈ...’

ઇન્સ્પેક્ટર અતુલ પરાંજપે દરવાજો ખોલીને કસ્ટડીમાં દાખલ થયા. જો આરોપી તરીકે સામે બીજી કોઈ વ્યક્તિ હોત તો ઇન્સ્પેક્ટરે ચોક્કસ ગાળથી શરૂઆત કરી હોત, પણ આ આરોપી ધર્મ સાથે જોડાયેલી વ્યક્તિ હતી એટલે સીધી અસભ્યતાભરી શરૂઆત કરવી પરાંજપેને યોગ્ય ન લાગ્યું.

ઇન્સ્પેક્ટર અતુલ પરાંજપેના આગમનથી કોઈ ફરક ન પડ્યો હોય એમ મૌલવી કસ્ટડીની જમીન પર બેસી રહ્યા.

‘ચાચા, મૈં આપ સે બાત કર રહા હૂં... ’

ચાચાએ ધીમે રહીને ઇન્સ્પેક્ટર સામે જોયું.

‘ક્યા આપકો પતા હૈ શાઇસ્તા કો ક્યા તકલીફ હૈ...’

‘શૈતાન કા સાયા થા બચ્ચી મેં...’

મૌલવીચાચાની આંખોમાંથી આવેશ ઊભરાઈ રહ્યો હતો.

‘ક્યા ફાલતુ કી બકવાસ કર રહે હો...’

અતુલ પરાંજપેને ગુસ્સો નહોતો કરવો અને છતાં તેનાથી ગુસ્સે થઈ જવાયું. કસ્ટડીમાં આવતાં પહેલાં જ તેમણે નક્કી કર્યું હતું કે ધર્મના કામ સાથે જોડાયેલી આ વ્યક્તિ સાથે તહેઝીબ દાખવવી પણ...

‘ક્યા ફાલતુ બકવાસ કર રહે હૈં આપ, આજ કે યુગ મેં ભી આપ શૈતાન મેં વિશ્વાસ રખતે હો?’

મૌલવીના ચેહરા પર એકાએક શાંતિ પથરાઈ ગઈ, એ જ શાંતિ જે પહેલાં હતી.

આ પણ વાંચો : કથા સપ્તાહ : તેરા ‌જિક્ર હૈ યા ઇત્ર હૈ... (4)

‘ક્યું, આજ કે યુગ મેં ભગવાન હો સકતે હૈં તો શૈતાન ક્યોં નહીં? અગર ખુદા હૈ તો શૈતાન ક્યોં નહીં? ખુદા પે સબકો ભરોસા હૈ, ભગવાન પે ભી ભરોસા હૈ, ભગવાન કી બાત મેં કોઈ અંધવિશ્વાસ નહીં હૈ તો ક્યું શૈતાન કી બાત આતી હૈ તો સબ આધુનિક બનને કા ઢોંગ કરને લગતે હૈં?’(ક્રમશઃ)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK