કથા-સપ્તાહ - દેવ-દૈત્ય (ભેદની ભીતરમાં - ૫)

Published: Nov 14, 2014, 05:23 IST

‘આ...હ.’ અખિલેશ મીઠું ચિત્કારી ઊઠ્ય. ગોમતીની કરામત વાસના ભડકાવતી હોય એમ ભક્તજનો સમક્ષ શાસ્ત્રાર્થ ઉચ્ચારતા પૂજારીના મુખેથી અસ્ખ્લિતપણે અભદ્ર શબ્દપ્રયોગ વહી રહ્યો.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  |


પત્નીના દેહાંત બાદ તેમણે મનને સંયમથી વશમાં રાખેલું. તીરથ ભેગા ગોમતીબહેન રહેવા આવ્યાં તોય તેઓ ચળ્યા નહોતા. એ તો એક બપોરે તીરથની ગેરહાજરીમાં તેની રૂમ ઠીકઠાક કરતાં ગંદા ફોટોવાળી ચોપડી મળી એમાં દબાયેલી સ્પ્રિંગ ઊછળી ને એ જ વખતે ઝાડુ મારવા આવેલાં ગોમતીબહેને બહુ કંઢગી હાલતમાં તેમને ઝડપી પાડ્યા.

ગોમતી વિધવા હતી. શરીરસુખની એષણા અધૂરી હતી. અખિલેશના પડછંદ દેહનો ઉઘાડ જોયા બાદ તેણે દરવાજો બંધ કરી મહારાજનું ધોતિયું ચડાવવાને બદલે પોતાનો સાડલો ફગાવ્યો ને બસ, પછી તો તીરથની ગેરહાજરીનો લાભ બેઉ લગાતાર માણતાં થયાં. ગોમતીનું જોબન તો બહેકાવનારું હતું જ, તેની સહશયનની રીતો પણ નિરાળી રહેતી. તેના સંગનો રંગ એવો લાગ્યો મહારાજને કે પછી તો રોજ રાતે તીરથના ખોરાકમાં ઘેન ભેળવી પોતે ગોમતીની ઓરડીમાં ધસી જતા!

‘આપણો તો અંધારાનો જ સંબંધને?’ અખિલેશના પૌરુષની લત ભેગી ગોમતીને સ્ત્રીસહજ અપેક્ષાઓ પણ વળગી હતી, ‘દિવસના ઉજાસમાં એનું મોલ શું?’

પૂજારી જાણતા કે નીચા ગોત્રની ગોમતી સાથે પોતે જાહેરમાં તો પરણી શકવાના નહીં... ફજેત થઈ જવાય.

‘મારા અંગે બટકાં ભરો છો ત્યારે ફજેતીનો વિચાર નથી થાતો!’ ગોમતીએ રુસણું લીધું. અખિલેશની હાલત હવે એવી હતી કે તેના વિના નીંદ ન આવે.

‘ફજેતી સહી પણ લઉં ગોમતી, પરંતુ તને પરણ્યા પછી પૂજારી તરીકે હું નાલાયક ઠરું. કોઈ આપણને સંઘરે નહીં, ગુજારો કેમ થાય?’

‘ગુજારાની ચિંતા ન રહે એવું કંઈક કરીને અજાણ્યા મલકમાં ઊતરી જઈએ તો...’

ગોમતીના પ્રસ્તાવે અખિલેશને વિચારતા કરી મૂક્યા. નજર ભગવાનના દાગીના પર પડી : પાંચ-છ કરોડનાં ઘરેણાં લઈને ભાગી જઈએ તો જિંદગીમાં કંઈ કરવાનું ન રહે... જેની નજર બદલાય છે તેની નીયત ડોલતાં વાર નથી લાગતી. અખિલેશ પણ અપવાદ કેમ હોય?

વિચારતાં તેમને લાગ્યું કે ઓચ્છવના દિવસે ઘરેણાં ચોરાય એમ તો નથી... ભક્તોની અવરજવર, સિક્યૉરિટીની બાજ નજર... દિવસ દરમ્યાન ઉઠાંતરી થાય એમ નથી ને રાત્રે તો ઘરેણાં પાછાં પેટીમાં મુકાઈ ટ્રસ્ટીને ત્યાં પહોંચાડી દેવાય છે! આ સંજોગોમાં એક જ વિકલ્પ છે : ઘરેણાંની અદલાબદલી!

ઓચ્છવની સવારે ટ્રસ્ટી ઘરેણાં મને જ આપશે જે હું લઈશ ખરો, પણ મૂર્તિએ ચડાવીશ અદલોઅદ્દલ એવાં જ પણ નકલી જેવર! એવી આબેહૂબ નકલ બનાવવી કે કોઈને એનો ખ્યાલ નહીં આવે. ફંક્શન પતતાં ઘરેણાં ટ્રસ્ટીને હવાલે થશે ને એના ચોથા દહાડે હું અને ગોમતી ઉડન છૂ થઈ જઈશું. એમાં સૌ મારા ચારિhયને વગોવશે, પરંતુ ઘરેણાં બદલીને ભાગ્યા છે એવો વહેમ નહીં જાય. બીજા ઓચ્છવે વળી ઘરેણાં લૉકરમાંથી કાઢવાં પડે ત્યારે ખ્યાલ આવે તો આવે, પણ ત્યાં સુધીમાં તો અમે ક્યાંય જઈને વસી ચૂક્યાં હોઈશું...

પ્લાન મગજમાં બેઠા પછી પોતે તપાસ આરંભી. સુરતનો નિકામ ઇમિટેશનમાં કારીગર લાગ્યો. તેને ઉજ્જૈનના શેઠ તરીકે મળી ઘરેણાંના ફોટો આપી બનાવડાવેલી નકલ બે દિવસ અગાઉ શેઠના જ વેશમાં જઈને મેળવી લીધી છે, જે હાલ મારા કબાટની તિજોરીમાં છે!

હા, પેલો તિમિર નિકામનો મિત્ર નીકળ્યો. સુરતની મુલાકાતમાં ઘરેણાંની નકલ થતી હોવાનું જાણી જનાર તે ટ્રસ્ટીને ન મળતાં મારી પાસે આવ્યો એટલું વળી સારું. જોકે અસાવધતામાં પોતે ઉજ્જૈનના શેઠનો ઉલ્લેખ કરી બેઠાની ભૂલ પાછળથી ધ્યાનમાં આવતાં સમજાઈ ગયું કે તિમિરને એ ગફલતનો અંદાજ આવે, તે બીજું કોઈ પગલું લે એ પહેલાં તેને ચૂપ કરી લેવો રહ્યો. ઘરેણાંની બનાવટ બાબતની તપાસ દરમ્યાન બેનંબરી કૉન્ટૅક્ટ્સ થયેલા. એમાંના એકને તિમિરની સોપારી આપી. તેને અકસ્માત દેખાય એ રીતે હત્યાનું કહેલું, પણ ટાયરનાં નિશાન વિશેની એની નાદાની ઉપરાંત હીરાના પડીકાવાળા ટ્વિસ્ટે ખૂન બાબત શંકા રહેવા ન દીધી. એ પડીકું કોણે લીધું એ પણ સસ્પેન્સ હતું. એનો રેલો પોતાના સુધી આવે એ શક્યતા નહીંવત્ હતી....

પેલો ઇસ્પેક્ટર પૂછપરછ કરી ગયો, સુગંધા વ્યથા ઠાલવી ગઈ. તેની પાછળ પડેલી તાનિયા સંદેહજનક લાગી હતી. બટ વૉટએવર, આજે આ બધું વિચારી નવર્‍સ નથી થવાનું... નકલી ઘરેણાં મારી પાસે છે. કાલે ગુરુની સવારે વિઠ્ઠલભાઈ અસલી આપે એટલે ફેરબદલી કરતાં વાર નહીં. પછી ઓચ્છવ પતે કે સોમની મધરાતે અમે કલકત્તાની ટ્રેનમાં બેસી જવાના....

પાર પડવાના આવેશમાં તેમણે ગોમતીને કચડી નાખી!

€ € €

મહારાજના આવાસે બહારથી આગળો જોઈને તાનિયા નવાઈ પામી ત્યાં પછવાડેની ઓરડીમાં પ્રકાશ જોઈને પગ એ તરફ વળ્યા. બાકીના ત્રણ પણ તેને અનુસર્યા. શેરુ પ્રવેશદ્વારે રોકાયો.

ખરેખર તો મહારાજને તેમણે ઘરેણાં સુપરત કરવાં હતાં - આકુને પૅટ્રોલિંગ દરમ્યાન મળ્યાં એમ કહીને. એ જ વખતે અતીત મંદિરમાં લગ્નનો પ્રસ્તાવ મૂકવાનો હતો - પૂજારીની હાજરીથી જ વિધિ શાસ્ત્રોક્ત રીતે પાર પડેને!

પરંતુ ઓરડીમાંથી આવતા અવાજે છોકરીઓને લજવી મૂકી, અતીત-આકુ આડું જોઈ ગયા. હવે મહારાજને ક્ષોભમાં મૂકવાનો અર્થ નહોતો. ત્યાં...

‘ચોરીછૂપીની ચાર રાત રહી ગોમતી... કાલે પ્રભુનાં ઘરેણાં બદલાઈ જશે, અસલી માલ આપણે કલકત્તા લઈ જઈશું - નકલનું જાણી ગયેલા તિમિરને મારે માર્ગમાંથી હટાવવો પડ્યો...’

પોતાની ધૂનમાં બોલતા અખિલેશને સાંભળીને ચારે જણે એકસરખો ઝાટકો અનુભવ્યો.

અતીતે વિઠ્ઠલદાસને ત્યાં ધાડ ન મારી હોત, તાનિયા તેનો આતમ જગાડી અહીં ન લાવી હોત, તેનામાં વિશ્વાસ મૂકી જોડે અમે ન આવ્યા હોત તો મહારાજની યોજના પાર પડત અને તિમિરની હત્યાનું રહસ્ય કદી ઉકેલાત નહીં! આકુનાં જડબાં તંગ થયાં.

‘નહીં આકુ, ધરપકડ નહીં...’ દબાતા અવાજે સુગંધા બોલી, ‘મહારાજને મારે મારી રીતે દંડ દેવો છે અને અતીત એમાં તમારા કસબની મારે જરૂર છે. ’

€ € €

‘શું થયું?’

મહારાજને સહેમી ઊઠતા જોઈને ગોમતીને ફાળ પડી. ‘રાધાનાં ઘરેણાં મેં પહેર્યા એ ન ગમ્યું?’

બાકી અખિલેશજી કેટલા આનંદમાં હતા. ઓચ્છવની સવારે તેમણે કુશળતાપૂર્વક તિજોરીનાં ઘરેણાં ટ્રસ્ટીએ આપેલા દાગીના જોડે બદલી નાખ્યા હતા. કોઈને કંઈ ગંધાયું નહીં. ફંક્શન પત્યું. કાલે કલકત્તા ઊતરી હોટેલની રૂમમાં મધુરજની માણી અને સવારે મહારાજ મોં કાં બગાડે!

‘આ હાર.. એની ચમક.. ’ મહારાજના કાળજે ચીરો પડ્યો, ‘આ તો નકલી છે!’

હેં!

એવી જ મહારાજની નજર બારીની બહાર પડી. હોટેલના પ્રાંગણમાં ઇસ્પેક્ટરની વરદીમાં અકિંજયને અન્ય આદમી (અતીત) જોડે પ્રવેશતો જોઈને છાતીમાં કળતર જાગ્યું : ખલાસ!

જરૂર મારી આસપાસ કોઈ જાળ બિછાવાઈ છે. મારી પાસે નકલી ઘરેણાં જ રહે એનો મતલબ એ કે હું જ્વેલરી બદલું એ પહેલાં કોઈએ મારી તિજોરીમાંથી નકલી ઘરેણાં લઈને અસલી જેવર મૂક્યાં અને મેં મૂરખે એને નકલી માની ફેરબદલી કરી! તો શું ટ્રસ્ટીસાહેબ પણ આ કાવતરામાં સામેલ હશે? તો જ આમ બનેને. મારું આટલું પ્લાનિંગ જાણનારા તિમિરની સોપારી આપ્યાના ગુનાથી એ નાવાકેફ હોવાના!

અખિલેશ ધ્રૂજતા હતા : આ બધું કેમ બન્યું, ક્યાં બન્યું!

ગોમતી. તેમનાં નાખોરાં ફૂલ્યાં : ચોક્કસ તે જ ક્યાંક બાફી આવી... કહ્યા વિના તો કોઈ જાણે જ કેમ?

‘બોલ, તે કોને કહ્યું’તું?’ આવેશમાં તેમણે ગોમતીનો ચોટલો ઝાલ્યો, ગરદને ભીંસ આપી, ‘બકી નાખ!’

ગોમતી હેબતાઈ. મહારાજ ભાન ભૂલ્યા હતા. ગોમતી સાથે ભાગીને ફજેતી વહોરી ત્યાં સુધી ઠીક, પણ સ્ત્રીના મોહમાં ફસાઈ પોતે ચોરીચપાટી અને ખૂન સુધીના ગુનામાં ભેરવાયા એ અપરાધની સજા જેવીતેવી ન હોય... મારે ફાંસી નથી ચડવું!

ત્યાં તો દરવાજે ટકોરા પડ્યા. પેલો ઇસ્પેક્ટર આવી પહોંચ્યો! ના, હું તેના હાથમાં નહીં આવું... ગોમતીને હડસેલી તેને કંઈ સમજાય એ પહેલાં તો ભાગવાની લાયમાં મહારાજ બારીમાંથી પાઇપના રસ્તે છટકવા ગયા તો ખરા, પણ રઘવાટમાં પકડ છૂટી ને....

સાતમા માળેથી પટકાતાં અખિલેશની ખોપરી ફાટી, પ્રાણપંખેરું ઊડ્યું ને ડોકિયું કરતી ગોમતીએ હોશ ગુમાવ્યા!

€ € €

એ રાત્રે અતીતે ટ્રસ્ટીને ત્યાંથી ચોરેલાં ઘરેણાં મહારાજની સેફમાં મૂકી, ત્યાંથી નકલી ઘરેણાં લઈ ટ્રસ્ટીની તિજોરીમાં મૂકી આવ્યો હતો ને સુગંધાએ ધાર્યું’તું એમ મહારાજે થાપ ખાધી! જોકે આકુ માટે એ દંડ પૂરતો નહોતો. આખરે મહારાજનાં કરતૂતે મારી-સુગંધા વચ્ચે ફાટ પડી... તેનું પ્લાનિંગ મહારાજ-ગોમતી વચ્ચે ફાટ પડાવી કાવતરું તેમના મોંએ કબ્ૂલાવવાનું હતું એટલે તો અતીત જોડે તે તેમની પાછળ પડેલો. ત્યાં તેની વરદીથી મહારાજે ધરપકડની ગેરસમજ કરી છટકવામાં ઉતાવળ આદરી ને....

‘એનો અંજામ તિમિરને આપણી શ્રદ્ધાંજલિરૂપ જ ગણવો.’ અતીતે સમજાવ્યું, ‘સુગંધા, તમે તિમિરને છેતર્યો નથી, બલકે અંત સુધી તમે તેને ચાહતા હોવાનું સુખ આપ્યું છે. તમારી ચાહત ખાતર તેમણે મન મોટું રાખીને તમને મુક્ત કર્યા જ હોત...’

 આકુ-સુગંધાની સમજબારી ખૂલી ગઈ.

 ‘હવે રંજ રાખ્યા વિના તમે એક થઈ જાઓ. ’તાનિયાએ આગળ વધીને આકુ-સુગંધાનો હથેવાળો કર્યો, ‘તિમિર પણ એથી રાજી જ થવાનો. ’

 ત્યારે આકુ-સુગંધાને સંદેહ ન રહ્યો.

€ € €

ગોમતીને ગુનાના ભાગીદાર બનવાની સજા થઈ, અખિલેશનો કિસ્સો અંધશ્રદ્ધાળુ ભક્તો માટે ચેતવણીરૂપ બન્યો.

આકુ-સુગંધાને તેમના ઘરનાએ સ્વીકારી લીધા.

આડી લાઇન છોડી અતીત કન્સલ્ટન્સીના સીધા ધંધામાં જામી ચૂક્યો છે. સાજા થઈ ગયેલાં તાનિયાનાં મધર પણ દીકરીના સુખે સુખી છે. શેરુ તો ખુશ હોય જ. અતીતે લૂંટેલી અસ્કયામતોનો હિસાબ તાનિયા પાસે હતો. માફીપત્ર સાથે ચોરાયેલી રકમ ગુપ્તપણે મૂળ માલિકના દ્વારે સરકાવી તેણે બે વરસમાં અતીતને એ કરજમુક્ત પણ કર્યો ને સંસારમાં પછી સુખ જ સુખ રહ્યું.

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK