કથા-સપ્તાહ - દેવ-દૈત્ય (ભેદની ભીતરમાં - ૩)

Published: 12th November, 2014 05:22 IST

શું ધાર્યું હતું અને શું થયું!અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


હોટેલમાંથી નીકળેલી તાનિયા સ્તબ્ધ હતી. ઘરેથી નીકળતી વેળા હતું કે આજે હું અભડાઈ જવાની... પરંતુ જન્મદાત્રી માટે જાત વેચવાના મારા નિર્ણયમાં ખોટ નહીં હોય તો જ ઈશ્વરે મારી લાજ રાખી. મને અતીત મળ્યા. સોહામણા એવા જ સહૃદયી. રાતના રાજાનું લક્ષણ અતીતને શોભતું નથી. શા માટે અતીતે વેશ્યાગમન કરવું જોઈએ!

તેને ક્યાં ખબર હતી કે વાસ્તવમાં અતીત કોઈ સાથે કદી સૂતો જ નથી! ડ્રિન્કમાં ઘેન ભેળવી તે કમ્પૅન્યનને નિંદમાં સરકાવી તિજોરી તોડવાના કામે સરકી જતો.... પાકા હોમવર્ક પછી, સપડાવાની એક પણ ક્લુ છોડ્યા વિના ઘરફોડી કરી માલ શેરુને સોંપી હસીનાની સોડમાં ભરાઈ જાય. બચાવની તેની યુક્તિ તર્કબદ્ધ હતી - રાતભર હું કોઈ છોકરી જોડે રહ્યો હોઉં તો તિજોરી તોડવા જઈ જ કેમ શકું? મારી પાર્ટનર પણ આવું જ બયાન આપે. પૂરતી કિંમત લેનારી વેશ્યા એવું તો કદી ન કબૂલે કે ગ્રાહકને મેં સંતોષ નથી આપ્યો!

પોતાને રવાના કરીને અતીતે ધાડનો પ્રોગ્રામ પણ માંડવાળ કર્યો છે એનાથી પણ તાનિયા અજાણ જ હતીને!

€ € €

બસમાંથી ઊતરીને તિમિરે ઘર તરફનો રસ્તો પકડ્યો. આગળ સડક સૂમસામ હતી. આભના આછા અજવાશ સિવાય અંધારી. એ જ વખતે નજીકની હોટેલમાંથી નીકળેલી તાનિયા ગલી વટાવીને અહીંથી પસાર થવાની હતી અને...

ઘર્ર્ર... અરે, આ તો કાર ચાલુ થવાનો અવાજ.

અચરજ અનુભવતા તિમિરને કંઈ દેખાય-સમજાય એ પહેલાં તો પાછળથી પૂરઝડપે આવતી કારે તેને અડફેટમાં લઈને ફગાવી દીધો. હેબતાયેલા, આઘાત પામેલા તિમિરની ચીસ ફૂટે એ પહેલાં તો હવામાં બે-ત્રણ ગુલાંટ ખાઈને તે સડક પર પટકાયો અને ઘડીમાં તો લોહીનું ખાબોચિયું ફેલાઈ ગયું. ત્યાં તો કાર રિવર્સ આવી, પ્ૌડાં હેઠળ તેને કચડી પૂરપાટ ભાગી ગઈ.

ત્રીજી પળે ગલીમાંથી પ્રવેશતી તાનિયા ચોંકી. દૂર જતા વાહનની ઘરઘરાટી સંભળાતી હતી, પરંતુ પહેલાં તો આ બિચારાની સારવાર થવી જોઈએ.... તાનિયા તિમિર તરફ દોડી.

તિમિરનો શ્વાસ ડચકાં ખાતો હતો. જિંદગીનો અંત આમ આવશે એની કલ્પના નહીં હોય તેને. હું ચાલ્યો સુગંધા! બીજા કોઈ વિચાર, કોઈ આંદોલન તેના બૂઝતા દિમાગને સ્પર્શતા નહોતા. આ છોકરી... કંઈ બોલી રહી છે... કદાચ તે ધીરજ રાખવા સમજાવી રહી છે.... અંત સમયે આટલી દરકાર કરનારી પરત્વે હોઠ મલકાવી તિમિરે ડોક ઢાળી દીધી.

હળવી ચીસ નાખતી તાનિયાની નજર તિમિરના શર્ટના ગજવામાંથી ડોકાતા કવર તરફ વળી. કદાચ આમાં મરનારની ઓળખ હોય... કોઈનું મૃત્યુ જોવું તાનિયા માટે સરળ નહોતું. છતાં તેણે હિંમત રાખી. સાવચેતીથી ખાખી કવર કાઢીને ખોલતાં તાનિયાનાં નેત્રો પહોળાં થયાં, કાળજું ધડકી ઊઠ્યું : હીરા!

કંઈક વિચારીને તેણે કવર પોતાની પર્સમાં મૂક્યું અને સડસડાટ ત્યાંથી ચાલી નીકળી.

€ € €

‘૮૦ લાખના હીરા ખાતર મૅનેજરની હત્યા!’

પાછલા ત્રણ દિવસથી અખબારોમાં છપાતા ખબર તાનિયા ધીરજપૂવર્‍ક વાંચે છે. મૃતકની ઓળખાણ એમાંથી સાંપડી છે - નામ તિમિર, સંસારમાં એકમાત્ર પત્ની.

ખરેખર ગૂંચવાઈ તે પોલીસે તારવેલા મોટિવથી. હીરા મેં લીધા તે તો મરેલો માણસ લૂંટાઈ ન જાય એ માટે.... પરંતુ મારી એ સાવધાનીને કારણે પોલીસ ઊંધી દિશામાં દોડી રહી છે! વાહનનાં પાછાં આવતાં-જતાં ટાયરનાં નિશાન પરથી તિમિરનું મૃત્યુ અકસ્માત નહીં હત્યા ગણાવાતું હોય તો એનો મોટિવ હીરા તો નથી જ... પરંતુ એ કોને કહેવું?

તાનિયાએ એક નામ સૂઝ્યું : અતીત!

€ € €

‘હં.’ અતીતે ઊંડો શ્વાસ લીધો.

તાનિયાએ પોતાને સાંભર્યો એ અતીતને ગમ્યું તો તેના આગમને તાનિયા ખીલી ઊઠેલી.

‘મૃતકના માલની કાળજી તેં લીધી તાનિયા એ સારું કર્યું, પરંતુ હવે પોલીસમાં જઈશું તો એવું માની લેવાય કે તું ખૂનીનો હાથો બની છે, તેમને ગેરમાર્ગે દોરવાનું આ કાવતરું છે!’ અતીતને સૂઝ્યું, ‘એક કામ થઈ શકે. આપણે મિસિસ તિમિર દવેને કહીએ તો?’

તિમિરની પત્નીને કહીએ તો તે જરૂર પોલીસને કહેવાની... એ બહાને તેના પેટમાં પાપ છે કે નહીં એ પણ પરખાઈ જશે! અતીતની દીર્ઘદ્રષ્ટિ પર તાનિયા ઓવારી ગઈ.  

બહાર નીકળી, PCOમાંથી ફોન જોડીને તેણે અતીતે સૂચવ્યા મુજબ કહી દીધું : મિસિસ તિમિર, હું તમારી શુભચિંતક બોલું છું. તમારા પતિની હત્યા થઈ છે એ સાચું; પરંતુ હત્યારાને હીરાના પડીકામાં રસ નહોતો, કદાચ હીરાની તેને ખબર પર નહોતી. હીરા ક્યાં છે એ વિશે રૂબરૂમાં કહીશ. તમારા પતિનાં ક્રિયાપાણી પતવા દો, પછી આપણે મળીશું. ટેક કૅર...  

€ € €

સામા છેડે સુગંધા સ્તબ્ધ હતી. તિમિરની કતલે તે હેબતાયેલી. કારખાનાથી નીકળતી વેળા તિમિરને મૉન્ટુએ આપેલા દામુશેઠના ૮૦ લાખના હીરા લાશ પાસેથી ન મળતાં ખૂન હીરા લૂંટવાના આશયે થયાની ગણતરી તાર્કિક હતી, પણ...

તમારા પતિની હત્યા પાછળનું કારણ બીજું ગમે એ હોય, હીરા તો નથી જ! કેટલું ખાતરીપૂવર્‍ક બોલી ગઈ તે બાઈ. સુગંધાના દિમાગમાં ઘમસાણ મચ્યું.

કમસે કમ બીજું કોઈ કારણ હોઈ શકે એટલું તો પોતે જાણતી હતી.

આકુ - અકિંજય!

તાનિયાના ફોને આકુ-સુગંધાના સંબંધમાં કેવો તનાવ સર્જી દીધો!

€ € €

દિવાળીના તહેવાર ભેગાં તિમિરનાં ક્રિયાપાણી પત્યાં. ભારે હૈયે પિયરિયાંએ વિદાય લીધી ઠેઠ ત્યારે એકલી પડેલી સુગંધાને મનાવવાની આકુને તક મળી : તું મને આટલો નિષ્ઠુર ધારી જ કેમ શકે સુગંધા? એક નનામા ફોને તેં એમ માની લીધું કે તિમિરની હત્યા હીરાને કારણે નથી થઈ, આપણી વચ્ચે આડખીલીરૂપ તિમિરને મેં....મેં... ઉડાવી દીધો? રિડિક્યુલસ!

સુગંધાના આક્ષેપે ત્યારે જ અકિંજયને સમસમાવી દીધેલો, પરંતુ સુગંધા નાઇલાજ હતી. આકુને તે ચાહતી એમ પતિ માટે તેને ભરપૂર આદર હતો. આકુ તેનો પ્રિય હતો તો દેવ જેવા પતિને તે પૂજતી. દૈત્ય બની આકુ તેમને હણે એ કલ્પના જ સુગંધાનો શ્વાસ ગૂંગળાવતી, મિથ્યા આરોપે આકુ ડઘાતો : તને તિમિરનું આટલું દાઝે છે? મારામાં વિશ્વાસ નથી? તિમિર મારો પણ મિત્ર જેવો હતો...

આજે પણ તેણે સુગંધાને હલબલાવી,

‘મેં વિચારેલો રસ્તો તો તમારા ડિવૉર્સનો હતો... આઇ ઈવન ટોલ્ડ યુ... ઍરપોર્ટ રોડ પરના કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં ઑફિસ ધરાવતા છૂટાછેડાના એક્સપર્ટ લૉયર મિરચંદાણીને હું મળ્યો’તો કે નહીં એની ખાતરી કરી જો...’   

આકુ પોતે તો જાણતો હતો કે હત્યાનો મોટિવ આડો સંબંધ તો નથી જ અને હીરાની લૂંટ ન હોય તો બીજું કયું કારણ હોય? પોતાના કાર્યક્ષેત્રમાં ન હોવા છતાં તેણે એરિયા ઇન્ચાર્જની ફેવર લઈને તપાસ આદરી હતી. ક્યાંય કોઈ વિસંગતિ નજર નહોતી પડી. અરે, ઘરેથી નીકળેલો તિમિર ઘણી વાર રાધા-કૃષ્ણના મંદિરે માથું ટેકવીને કારખાને જતો એટલે ત્યાંના પૂજારી અખિલેશજીને પણ પોતે મળ્યો હતો. તિમિર એ દહાડે પણ મંદિર તો ગયેલો, પૂજારીને મળેલો પણ ખરો; પરંતુ તેને કોઈ વિપદા હોય એવું તેમને લાગ્યું નહોતું... તે પણ બિચારા તિમિરના અંજામે ડઘાયેલા લાગ્યા. જાંચની નિષ્ફળતા આકુને બહુ અકળાવતી.

અત્યારે પણ સુગંધા ફક્ત તેને તાકી રહી.

આકુને થયું કે શુભચિંતક મળે તો બે લાફા ઠોકી દઉં!

€ € €

‘હું બીજા પુરુષને અવશ્ય ચાહતી હતી મહારાજ, પરંતુ મંદિરમાં બેઠેલો આ ઈશ્વર સાક્ષી છે કે મેં મારા પતિનું અહિત કદી ઇચ્છું નથી...’

બપોરની વેળા હતી. સુગંધાનો ઇરાદો તો મનની શાંતિ માટે તિમિરને આસ્થા હતી એ દેવસ્થાને માથું ટેકવીને માફી માગવાનો હતો. ગર્ભગૃહમાં તેને મૂંગાં આંસુ સારતી જોઈને અખિલેશજી નિકટ આવ્યા. તેમણે તિમિરનો શોક દર્શાવતાં આપોઆપ સુગંધાનો હૈયાબંધ તુટ્યો. તિમિરને મહારાજ પર પણ શ્રદ્ધા હતી જને. આકુના નામોલ્લેખ વિના પોતાની અવઢવ વર્ણવી રડતી આંખે તેણે પૂછ્યું, ‘ધારો કે મારા પાપે પતિના પ્રાણ ગયા હોય તો એનું પ્રાયશ્ચિત્ત શું? આપ તો જ્ઞાની છો મહારાજ, મારી શંકાનું સમાધાન કરો.’    

સામાન્ય માણસને સંત-પૂજારી પરત્વે કેટલું માન, કેટલો અહોભાવ હોય છે! ઇલાજની આશાએ પોતાનું અંગતમાં અંગત દુખ તેમની સમક્ષ વર્ણવતાં ખચકાતો નથી તે. બાકી આકુ હોત તો ખિજાત : એમ પારકાને પોતાનો ભેદ ન કહેવાય! જોકે કહ્યા પછી સુગંધાને શાંતિ વર્તાતી હતી, માર્ગદર્શન મળવાની આશા જાગી હતી. તે ટાંપી રહી એટલે અખિલેશજીએ કહેવું પડ્યું, ‘જેના પર શંકા છે તેને જીવનમાંથી દૂર કરી શકે તો એના જેવું સમાધાન કોઈ નહીં!’

કેટલો સચોટ છતાં મુશ્કેલ ઉપાય. જેના પ્રત્યે શંકા છે તેના પ્રત્યે પ્રેમ પણ છે એનું મારે શું કરવું? સુગંધાને થયું કે અમુક પ્રશ્નના ઉત્તર સમયને જ સોંપી દેવાના હોય....

‘હું કોશિશ કરીશ પૂજારીજી.’ નમન કરીને સુગંધા ગર્ભગૃહમાંથી નીકળી એટલે થોડે દૂર બેઠેલી તાનિયા પણ ઊભી થઈ.

મા સાથે પોતે ઘણી વાર અહીં આવતી. માએ પથારી પકડી પછી આવવાનું બેશક ઘટી ગયેલું. છતાં આવવાનું થતું ત્યારે મહારાજને જય શ્રીકૃષ્ણ કરતી અને અખિલેશજી માના ખબર પણ પૂછતા : કેમ છે ચંદ્રિકાબહેનને હવે?  

આજે જોકે ‘સારું છે’નો જવાબ આપીને તાનિયાએ જવામાં દાખવેલી ઉતાવળ પૂજારીને સમજાઈ નહીં. સુગંધાની પાછળ જ આવી હોય એમ આવેલી તાનિયા તેના જતાં જ આમ નીકળે... ઉંબરેથી નજર ફેંકતાં અખિલેશજી સહેજ ચોંક્યા : અરે, પ્રવેશદ્વારે સુગંધાને આંતરીને તાનિયા શું કહી રહી છે?

તાલાવેલી જાગી, કદમ ઉપાડ્યાં પણ ખરાં; ત્યાં તો એક રિક્ષામાં બેસીને બેઉ રવાના થઈ ગઈ!

બપોરની વેળા મંદિરમાં બીજું કોઈ નહોતું, સુગંધા એટલી ડિસ્ટર્બ હતી કે તાનિયાની હાજરી તેણે નોંધી પણ નહીં હોય... તાનિયાની ચેક્ટા નિહાળ્યા પછી હવે થાય છે કે ગર્ભગૃહમાં બંધ આંખે બેઠેલી તાનિયાના કાન તો અમારી વાતો પર જ મંડાયા હોવા જોઈએ!

શું કામ? તાનિયાએ આવી ભેદભરી હરકત શું કામ કરવી જોઈએ? તિમિરની પત્ની જોડે તાનિયાનું શું કનેક્શન હોય?

અખિલેશના કપાળે કરચલી ઊપસી : મારી યોજનામાં ખતરા જેવા બનેલા તિમિરને તો મેં ભાડૂતી આદમી દ્વારા ઉડાવી દીધો, હવે આ તાનિયા તો કોઈ વિઘ્ન નહીં સર્જેને!

અખિલેશ ત્રિકાળ જ્ઞાની હોત તો જાણી શકત કે ભાવિમાં શું છુપાયું છે!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK