કથા-સપ્તાહ - દેવ-દૈત્ય (ભેદની ભીતરમાં - ૨)

Published: 11th November, 2014 05:49 IST

‘મેં કહ્યું એમ હીરાના સોદા માટે મારે બહારગામ પણ જવાનું થાય. બે દિવસ અગાઉ કાચા હીરા લેવા હું સુરત ગયેલો.’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |અખિલેશજીની જમણી ભ્રમર સહેજ ઊંચકાઈ, ‘તો?’

તિમિરે ઊંડો શ્વાસ લીધો.

ચારેક વરસથી પોતે આ ફીલ્ડમાં હતો, બે વરસથી વિશ્વંભરજીની પેઢી-કારખાનામાં છે. ધંધા માટે ઘણું ફર્યો, ઘણા કૉન્ટૅક્ટ્સ થયા.

‘આમાંનો એક નિકામ. સાવ સીધી લાઇનનો માણસ નહીં. જોકે ઇમિટેશન જ્વેલરીમાં તેની માસ્ટરી. અમસ્તો જ તેને ત્યાં ગયો તો તેણે કેટલાક નમૂના દેખાડ્યા : ઉજ્જૈનથી મોટો ઑર્ડર મળ્યો છે... બાજુબંધ, મુગટમાળા... મને સતત એવું લાગ્યું કે ઘરેણાં ક્યાંક જોયાં છે! સવારે મંદિરમાં આવ્યો ત્યારે સ્ટ્રાઇક થઈ કે હજી ગોકુળ આઠમે રાધા-કૃષ્ણની મૂર્તિએ આવા જ દાગીના જોયેલા!’

‘હં. ઓચ્છવમાં આપણે પ્રભુને શણગાર સજાવીએ જ છીએ. વિઠ્ઠલભાઈ આગલા દિવસે બૅન્કના લૉકરમાંથી ઘરેણાં તેમના ઘરે આણી રાખે. વહેલી પરોઢિયે અહીં લઈ આવે ત્યારે બે બંદૂકધારી ચોકિયાતો પણ જોડે હોય. આવતા મહિને દેવદિવાળીએ પણ આવી જ સાજસજાવટ થશે.’

‘મને એનો જ ડર છે.’ તિમિરે વળી આસપાસ જોઈ લીધું. મારે પૂજારીજીને જ કહેવાનું હોય એટલે તો કારખાના માટે ઘરેથી મોડા નીકળી આ એકાંત સમય પસંદ કર્યો. ઘરે પત્નીને આ વિશે કહ્યું નહોતું, નાહક તે છળી ઊઠે... બેઉ મંદિરના ઓટલે બેઠા હતા અને નજીક ત્રીજું કોઈ દેખાતું નહોતું. તેની ચેક્ટાએ અખિલેશજી અકળાઈ ઊઠ્યા. 

‘આમાં ડરવા જેવું શું છે?’

‘કેમ, દેવદિવાળીનું ફંક્શન ધ્યાનમાં રાખી કોઈએ ઘરેણાંની અદલાબદલી પ્લાન કરી હોય એવું ન બને? ઇમિટેશન જ્વેલરી પણ ત્યાં સુધીમાં તૈયાર થઈ જવાની છે.’

અખિલેશજી સમસમી ગયા. શ્વાસ ઘૂંટાયો. ત્રાટક કરતા હોય એમ ઘૂઘવતી નજરે તિમિરને નિહાળ્યો.

‘શું ધડમાથા વગરની વાતો કરે છે! હજારો ભક્તો ઓચ્છવ દરમ્યાન મંદિરમાં પધારે છે. શક્ય છે કે ઉજ્જૈનના શેઠ આવા એકાદ પ્રસંગે મુંબઈ હોય અને અહીં આવ્યા હોય, રાધા-કૃષ્ણનો શૃંગાર પસંદ આવતાં કૅમેરામાં કેદ કરી પાછળથી આવાં જ ઘરેણાં ઘડાવવાનું વિચાર્યું હોય. સાચા હીરા-મોતી કરોડોમાં પડે એટલે બે-ચાર લાખના છતાં નકલી દાગીનાથી સંતોષ માન્યો હોય...’

આ તર્ક એવો સચોટ હતો કે પળવાર તો વળતી દલીલ ન સૂઝી.

‘પિક્ચર જોવાનું ઓછું રાખ ભઈલા.’

અખિલેશની ટકોરે તે હસી ન શક્યો.

‘એક મિનિટ મહારાજ. માન્યું કે કોઈને ઘરેણાં ગમ્યાં એટલે નકલ કરાવી, પરંતુ એ દેવદિવાળી પહેલાં તૈયાર થઈ જ જવાં જોઈએ એવી તકેદારી શું કામ?’ તિમિરે ઉમેર્યું, ‘નિકામ બે વાર બોલી ગયો કે ઝીણું નકશીકામ છે એટલે દિવાળીમાં પણ કામ ચાલુ રાખી દેવદિવાળી પહેલાં ડિલિવરી આપવાની છે.... આ અર્જન્સી ભેદજનક નથી?’

અખિલેશને જવાબ ન સૂઝ્યો.

‘મેં કહ્યુંને, નિકામ સીધી લાઇનનો આદમી નથી. પોતાના ક્લાયન્ટ વિશે હું પૂછીશ તો પણ વિગતે તો નહીં જ કહે... આપણે પોલીસની મદદ લેવી જોઈએ?’

પો...લી...સ. અખિલેશની ઉઘાડી છાતી સહેજ થડકી.

‘મારે ઓળખાણ છે...’

‘ના-ના. હરિના ધામમાં ખાખી કપડાંવાળાનું શું કામ!’ અખિલેશે સહેજ વિચારી લીધું. ‘એમ તો અમારા ટ્રસ્ટીઓ ઓછા વગદાર નથી. મારા ખ્યાલથી મારે તેમની સલાહ લેવી જોઈએ.’

કરેક્ટ.

‘તું મને નિકામની કૉન્ટૅક્ટ-ડીટેલ આપી રાખ. બીજું બધું મારા પર  છોડી દે.’

તિમિરના ગયા પછી ક્યાંય સુધી અખિલેશ વિચારવશ રહ્યા.

€ € €

‘નહીં સુગંધા, મને આજે મોડું થશે...’ ફોન મૂકીને તિમિર મલકાઈ ઊઠ્યો.

સુગંધા. કેટલી પ્રેમાળ પત્ની. મારો કેટલો ખ્યાલ રાખે છે. તેના માટે દિવાળીની ભેટ તરીકે એકાદ ઘરેણું ઘડાવ્યું હોય તો?

ઘરેણાંના ચમકારાએ પૂજારીજી જોડે થયેલી ચર્ચા સળવળી. એકાએક કશીક અણખટ લાગી. ક્યાંક કશુંક ઠીક નહોતું... પણ શું?

સાંઢ ઢળી, રાત થઈ અને કારખાનાનું શટર પાડતી વેળા તિમિરને ઝબકારો થયો : ઉજ્જૈનના શેઠ!

દાગીનાના ફોટો બતાવી નિકામે મને કહેલું કે ઉજ્જૈનના શેઠ તરફથી ઑર્ડર મળ્યો છે... મેં અખિલેશજી સમક્ષ ઉજ્જૈનનો ઉલ્લેખ કર્યો, પરંતુ પાર્ટીનો ફોડ પાડ્યો નહોતો. તો પછી મહારાજે કેમ જાણ્યું કે ઑર્ડર મૂકનાર કોઈ શેઠ છે?

સિવાય કે મહારાજના મનમાં ચોર હોય, પેટમાં પાપ હોય!

હાંફી ઊઠ્યો તિમિર.

આનો અર્થ એ કે ક્યાં તો અખિલેશ ઉજ્જૈનના શેઠ જોડે મળ્યા હોય અથવા તો તેમણે ખુદ શેઠની ભૂમિકા ભજવી હોય! દેવ જેવો પુરુષ દૈત્યરૂપ નીવડી શકે ખરો? મંદિરનો પૂજારી નકલી ઘરેણાં ઘડાવવાનો કાર્યક્રમ ગોઠવે એનો અર્થ શું?

નહીં, મારી ધારણા સિવાયની શક્યતાઓ હોઈ પણ શકે; પરંતુ અત્યારે જે સૂઝ્યું એનો ઘટસ્ફોટ કાલે વહેલી તકે કરવો રહ્યો....

એ જ વખતે બાઇક નજીક આવીને ઊભી રહી.

‘તિમિરભાઈ, દામુશેઠની ડિલિવરી...’ આગંતુક મૉન્ટુએ ખાખી કવર થમાવ્યું. અંદર પ્લાસ્ટિકની નાની બૅગમાં હીરા હતા. સામાન્ય માણસને આ રીતની હેરફેરની નવાઈ લાગે; પરંતુ દરેક ધંધાની આગવી તાસીર, પોતાની રીત હોય છે. અહીં વિશ્વાસે વહાણ ચાલતાં હોય છે. દામુશેઠ તેમના ૮૦ લાખ રૂપિયાના રફ હીરા પૉલિશ માટે મોકલવાના હતા, પરંતુ પાર્સલ આવતાં મોડું થયું... આમેય હીરા ઘસવાનો જૉબ પરમ દિવસે થશે, કાલે તો રવિની રજા. શટર ખોલવાનો કંટાળો આવતો હોય એમ પહોંચ પર સહી કરી, માલ ચકાસી તિમિરે કવર વાળી શર્ટના ગજવામાં મૂક્યું.

હીરાનું આ પડીકું કેવો ટ્વિસ્ટ સર્જવાનું હતું એની કોને ખબર હતી?

€ € €

શનિની એ જ રાત્રે...

રાબેતા મુજબ અતીત બોરીવલીની સહેજ અંતરિયાળ આવેલી હોટેલ મનોરમામાં દાખલ થયો. આ ફૅમિલી હોટેલ નહોતી, વન નાઇટ સ્ટૅન્ડ માટે આવનારાને માફક આવે એ રીતની હોટેલનો ફાયદો એ કે તમારા આવાગમન સામે આંખ આડા કાન થાય એમ જરૂર પડ્યે ઇચ્છિત જુબાની પણ મળી રહે.

જેમ કે શેરુ. 

તિજોરીતોડ તરીકેનાં આ બે વરસમાં અતીત ઘડાઈ ગયેલો. સંસારમાં પોતે એકલો. પારાવાર સંઘર્ષ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર બન્યો, તિજોરી બનાવતી જાણીતી કંપનીમાં રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં નોકરીએ લાગ્યો. વરસની મહેનત પછી પોતે એવી સેફ તૈયાર કરી જેની લૉકિંગ સિસ્ટમ Dફ્ખ્-બેઝ્ડ હતી. અર્થાત્ તિજોરી ઑપરેટ કરનારનું Dફ્ખ્ સ્ટોર કરેલા Dફ્ખ્ જોડે મૅચ થાય તો જ સેફ ખૂલે. અત્યંત ઇનોવેટિવ આઇડિયાની ક્રેડિટ તો ઠીક, શાબાશીના બે બોલ કહ્યા વિના કંપનીના માંધાતાઓએ પ્રોડક્ટ પોતાના નામે ચડાવી અતીતને સાવ સાઇડલાઇન કરી દીધો. એથી હૈયું એવું ઘવાયું કે તિજોરી બનાવનારો તિજોરી તોડનારો ઘરફોડુ બની ગયો : જિંદગીભર મારે સહેવાનું જ? મારી કિસ્મતમાં શિકસ્ત જ? એ એક ચોટે અતીતને બદલી નાખ્યો. નોકરીમાંથી રાજીનામું મૂકીને તેણે પહેલી ધાડ કંપનીના ચૅરમૅનના ઘરે જ પાડી. તિજોરી તોડી લાખોની મતા કબજે કરી ત્યારે ભીતર પડઘો ઊઠ્યો હતો : ધિસ ઇઝ માય રિવેન્જ! મારે તો દુનિયાને સેફ્ટી આપવી હતી, પરંતુ મારી ટૅલન્ટની કદર જ ન હોય તો એ જ આવડત હું સેફ્ટી છીનવવામાં વાપરવાનો. આજથી મારી નજરે પડેલી કોઈ સેફ સેફ નહીં રહે!

આ અલબત્ત, કાયદાની દૃãક્ટએ ગુનો હતો અને પોતે પોલીસના ચોપડે નહીં ચડવા જેવો સ્માર્ટ તો હતો જ... એ માટે ગુનો કરનારે સૌપ્રથમ બંદોબસ્ત ઍલિબીનો કરવો પડે!  

ઍલિબી માટે પોતે કેવી તરકીબ શોધી કાઢી! રૂમમાં પ્રવેશતાં પહેલાં અતીતે દૂર ઊભેલા શેરુ જોડે સંજ્ઞામાં વાત કરી લીધી : પંખી આવી ગયું?

વીસેક વરસનો હોટેલબૉય શેરુ અતીતનો વિશ્વાસુ સાથી બની ગયેલો : યસ સર!

આત્મવિશ્વાસભર્યું મલકીને અતીત સાતમા માળની પોતાની સ્પેશ્યલ રૂમ ૭૧૦ના દરવાજે ટકોરા મારીને પ્રવેશ્યો.

પલંગના ધારે બેઠેલી તાનિયા સહેજ સહેમી ઊઠી.

સો શી ઇઝ માય ઍલિબી ટુડે! અતીતે મુસ્કાન ફેંકી. તેના ડગલે-ડગલે તાનિયાનું હૈયું ભીંસાતું હતું.

€ € €

મધરાતે ૮૦ લાખના હીરા સાથે ફરવું જોખમી લાગે, પણ તિમિર ટેવાયો હતો. કારખાનેથી ગોરેગામ સ્ટેશન જવા રિક્ષા ન મળે. બોરીવલીમાં પણ એ જ પરિસ્થિતિ. ટૅક્સીવાળો કદાચ મોંમાગ્યા દામે આવવા તૈયાર થાય, નસીબદાર હો તો છેલ્લી બસ મળી રહે; પણ બેઉ કેસમાં ઊતરવાનું મુખ્ય રસ્તા પર થાય. ઘર સુધીની છેવટની દસેક મિનિટ તો કમ્પલ્સરી ચાલવું જ પડે. સૂમસામ ગલીનો રસ્તો પણ કેવો ભેંકાર!

આજે એ રસ્તે મોતનો ભેટો થવાનો હતો એની ગોરેગામ સ્ટેશને જતા તિમિરને ક્યાં જાણ હતી?

€ € €

અને ત્યારે બોરીવલીની હોટેલમાં...

‘તું આટલી નવર્‍સ કેમ લાગે છે?’ તાનિયાની લટ સમારતા અતીતની કીકીમાં ઝબકારો થયો, ‘ફસ્ર્ટ ટાઇમ?’

તાનિયાની ગરદન ઝૂકી ગઈ.

કાંદિવલીની ચાલમાં રહેતી તાનિયા પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી. સંસારના આધાર જેવી મા અનેક રોગોમાં ઘેરાતાં હમણાં જ ગ્રૅજ્યુએટ થયેલી તાનિયાને આવકનો બીજો વિકલ્પ સૂઝ્યો નહીં. સહેજ ખચકાટભેર બે-ત્રણ પાર્લરવાળીને પૂછતાં એકે શેરુનો નંબર આપ્યો એમાં શનિવારની આજની ડીલ ફાઇનલ થઈ હતી : મનોરમામાં મારા શેઠને રીઝવવા આવી જજો.... અહીં આવતાંવેંત શેરુએ ફુલ પેમેન્ટ પણ કરી દીધેલું. પાડોશીઓને કૉલ-સેન્ટરના જૉબનું બહાનું કાઢ્યું છે. મા તો રાત્રે દવાના ઘેનમાં હોય એટલે બીજી ચિંતા નહોતી.

‘જેણે દૂધ પાયું તેના માટે ઝેર પીવામાં મને બેમત નથી.’ 

અતીત અંજાયો. દેહવિક્રયમાં આમેય કોઈ યુવતી રાજીખુશીથી સામેલ થતી નથી છતાં તાનિયાનું સમર્પણ સ્પર્શી ગયું. સૌંદર્યમઢી તાનિયામાં પડકારને પહોંચી વળવાનો આત્મવિશ્વાસ છે. તાનિયાને બધા સમક્ષ અંતરંગ થવાની ફાવટ ન જ હોય. છતાં તેણે મને પોતાનું અંગત જણાવ્યું એમ હું પણ તિજોરીતોડ હોવાનું સત્ય તેની જોડે વહેંચી શકું તો!

‘આઇ ઍમ સૉરી. મારી રામકહાણીમાં મેં તમારો ઘણો વખત વેડફ્યો.’ અતીતની નજરે સચેત થતી તાનિયાએ રણકો બદલ્યો, ‘મારે શું કરવાનું એ તમારે જ શીખવવું પડશે.’

પોતે આમ બોલી શકી એની તાનિયાને પણ નવાઈ લાગી. કદાચ પોતાના પ્રથમ ગ્રાહકની કલ્પનાથી અતીત નોખો નીકળ્યો એટલે. પહેલી વારના તેમના પ્રશ્ન સામે હું જીવનકથા ઉખેળી બેઠી એ પણ કેવી શાલીનતાથી સાંભળી.

‘મારે તને કંઈ જ શીખવવું નથી તાનિયા. હું શેરુને કહી દઉં છું, કાલે તને લાખ રૂપિયા પહોંચાડી દેશે. વધુ જોઈએ તો હકથી માગી લેજે. પ્લીઝ, મને આમ ન જો. હું મહાન હસ્તી નથી. બદીના માગેર્થી કોઈને પાછા વાળવાનો પ્રથમ વાર મોકો મળ્યો છે, મારી એ તકનું માન રાખ.’

તાનિયા અવાક હતી. આ રાત માટે શું ધારેલું ને શું થયું!

‘તમે ગમે એ કહો અતીત. તમે મારા માટે દેવપુરુષ જ રહેવાના.’

અતીત સંકોચાયો : મને દેવપુરુષ માનનારીને કયા મોંએ કહું કે હું દૈત્ય કદાચ ન હોઉં, પણ દેવ ગણી શકાય એવો પણ નથી...

તેના બીજા રૂપની તાનિયાને ખબર હોત તો?

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK