કથા-સપ્તાહ - દેવ-દૈત્ય (ભેદની ભીતરમાં - ૧)

Published: 10th November, 2014 05:32 IST

આ જાને જાં...

અન્ય ભાગ વાંચો

1  |  2  |સમીત (પૂર્વેશ) શ્રોફ

આ જાને જાં...

મોબાઇલમાં લતાનો કંઠ ગુંજ્યો. ઇન્સ્પેક્ટર વાઘેલાએ જીપ સાઇડ પર લીધી. ખાખી યુનિફૉર્મના ઉપલા ગજવામાંથી મોબાઇલ કાઢતાં આસપાસ જોઈ લીધું. બપોરની વેળા ડોમેસ્ટિક ઍરપોર્ટ જતી સડક ખાસ ભરચક નહોતી.

સ્ક્રીન પર ‘માયફ્રેન્ડ’ની ટૅગ ઝબૂકતી નિહાળીને અકિંજયના મુછાળા હોઠ આછું મલકી પડ્યા.

‘યસ ડાર્લિંગ.’

‘પછી તમે શું વિચાર્યું?’ સામેથી સ્ત્રીસ્વરમાં ઉઘરાણી જેવી ફેંકાઈ.

‘વિચારશક્તિ તેં રહેવા જ ક્યાં દીધી છે જાલિમ. તું નથી હોતી ત્યારે તારી કલ્પનામાં ખોવાયેલો રહું છું અને પાસે હોય છે ત્યારે તારાં અંગોની મહેકમાં.’

‘સ્ટૉપ ઇટ આકુ. અહીં હું અંગારા પર બેઠી છું ને તમને મજાક સૂઝે છે.’

‘સૉરી ડાર્લિંગ.’

‘મારી પરિસ્થિતિ તો સમજો આકુ. તમે છુટ્ટા ઘોડા જેવા છો, મારે પગમાં લગ્નની બેડી છે.’

‘એ બેડી તેં જાતે, તારા હાથે પહેરી છે.’

સામો છેડો પળવાર ચૂપ થઈ ગયો. અકિંજયના કટાક્ષમાં તથ્ય છે. આકુ જોડે પ્રણય તો લગ્ન પહેલાંનો હતો, પરંતુ પરનાતના યુવક જોડે મા-બાપ નહીં જ પરણાવે એમ ધારીને પ્રીતમાંથી મન વાળ્યું. બાકી આકુએ તો ઘણું કહેલું કે ચલ, ભાગી જઈએ... ત્યારે હામ ન થઈ. છ મહિના અગાઉ, લગ્નના વરસેક પછી આકુ અચાનક માર્કેટમાં ભટકાઈ ગયા. પોલીસની વરદીમાં વધુ મારકણા લાગ્યા.

‘પરણ્યા?’ પોતે પૂછેલું.

જવાબમાં નેત્રસંધાન કરીને આકુ બોલ્યા હતા:

‘તું તૈયાર થતી હો તો આ ઘડીએ પરણી જાઉં.’

કેટલો આત્મવિશ્વાસ છલકતો હતો આકુના શબ્દોમાં... અને એ દેખાડો તો નહોતો જ. આકુ હજીયે મને ચાહે છે અને હું પણ ક્યાં તેમને વિસરી શકી છું? બસ, આ સમજે સંપર્કસેતુ ફરી સક્રિય થયો. અમારા સંબંધનું પુન: સંધાન સમાજની દૃãક્ટએ તો અનૈતિક જ ગણાય! જોકે લોકોનો હવે ડર નથી. સીધાસાદા પતિને છેતરવાનો ડંખ અવશ્ય છે, મને એ ડંખમાંથી મુક્તિ જોઈએ છે... તેના ભિડાયેલા હોઠ ખૂલ્યા.

‘મારા હાથે પહેરેલી બેડી હું ખુદ તોડવા માગું છું આકુ, પરંતુ તમારી મદદ વિના આ બધું કેમ થશે?’

અકિંજયને આનો અણસાર હતો.

પ્રથમ પ્રેમને ભૂલવો આસાન નથી. અમે બેઉ ભૂલી શકીએ એ પહેલાં થયેલો મેળાપ અમને દેહમિલન સુધી દોરી ગયો. પ્રેયસીના સ્કૂલફ્રેન્ડની સાચી ઓળખે સંસારમાં પ્રવેશી તેના પતિનો વિશ્વાસ જીતી લીધો, ફૅમિલીફ્રેન્ડ તરીકે આવરો-જાવરો શરૂ કર્યો. ઇન્સ્પેક્ટરની વરદી જોઈને પંચાતિયા આમ પણ આઘા રહે. શરૂમાં એક-બે વાર તેના પતિની ગેરહાજરીમાં ગયો એમાં અમે મર્યાદા ઓળંગી બેઠાં. એથી તો તલપ તીવþ બની. જોકે વારે-વારે તેના ઘરે જવું ઠીક નહીં એટલે પછી હોટેલમાં મળી લેતાં. પણ આ બધું ક્યાં સુધી? પાછલા થોડા સમયથી તે બહાવરી બની છે : બીજું તો ઠીક, મારા પતિને છેતરવાનું કષ્ટદાયક છે. એવું નથી કે હું તેમને ચાહતી હોઉં, પણ એક નિતાંત સારા માણસની પીઠ પાછળ છાનગપતિયાં ક્યાં સુધી?

છેલ્લે બે દિવસ અગાઉ મળ્યા ત્યારે પણ તેણે તાકીદ કરી હતી : યુ હૅવ ટુ ફાઇન્ડ આઉટ અ વે.... એ વખતે પોતે કહેલું : મને વિચારવાના બે-ચાર દિવસ આપ. અત્યારે એની જ ઉઘરાણી થઈ રહી છે. પતિ ઘરેથી નીકળતાં જ તેણે ફોન જોડ્યો હશે. અકિંજયે ઊંડો શ્વાસ લીધો.

‘ટ્રસ્ટ મી ડાર્લિંગ, હું આપણા કામે જ જઈ રહ્યો છું.’

અચ્છા! સામો છેડો આશ્વસ્ત થયો. તેને પોતાનો નિષ્કર્ષ સમજાવીને અકિંજયે કૉલ કટ કર્યો. મોબાઇલ ખિસ્સામાં મૂકીને તેણે જીપ હંકારી.

બે મિનિટની ડ્રાઇવ પછી જીપ કમર્શિયલ બિલ્ડિંગના અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ઊભી હતી.

€ € €

‘જય જય રાધેશ્યામ.’

બોરીવલીથી ગોરાઈ ખાડીના રસ્તે રાધાકૃષ્ણનું મંદિર આવેલું છે. વિશાળ પ્રાંગણ, ઝાડપાનની લીલોતરી, એક તરફ બાળકો માટે ઝૂલા-લસરપટ્ટી તો બીજી બાજુ મોટેરાં માટે બાંકડા-બેઠક... વચ્ચે દસ પગથિયાં ઊંચું આરસમઢ્યું મંદિર! મહાલય જેવું ગર્ભદ્વાર, જમણી દીવાલે રાસલીલાની કોતરણી, ડાબે કૃષ્ણજીવનના વિવિધ પ્રસંગોની ચિત્રાવલિ. સ્ત્રી-પુરુષોનો ચોકો અહીં અલગ હતો. ભક્તો દાનપેટી સુધી જ જઈ શકે. સિલ્વરકોટેડ રેલિંગ પછીના હિસ્સામાં પૂજારીજી સિવાયના દરેકને પ્રવેશબંધી. આરતીના સમયે મૂર્તિખંડના ચાંદીના દરવાજા ખુલ્લા રખાય. એ સિવાય તો બારણાના ઉપલા હિસ્સે જડેલા સળિયાના ગ્ૉપમાંથી મુખારવિંદને નિહાળીને સંતોષ માનવો પડે.

તિથિ-તહેવારે ભક્તજનોની ભીડ વિશેષ રહેતી. સવાર-સાંજ નિયમિત મંદિરે આવનારો વર્ગ સ્વાભાવિકપણે ઓછો. આસપાસની સોસાયટીવાળા સંધ્યાટાણે લટાર મારવાના બહાને આંટોફેરો કરી જાય. વેકેશનમાં બાળકોની સંખ્યા વધે. બાકી છેવટનાં દર્શન પત્યા પછી ગર્ભદ્વાર ઠેલાયા બાદ મંદિરના પરિસરમાં પૂજારીજી ઉપરાંત બે જણના સ્ટાફ સિવાય કોઈ જોવા ન મળે.

સદી જૂના મંદિરનો વહીવટ ટ્રસ્ટના હાથોમાં હતો. પૂજનના કારભારની સોંપણી મથુરાના બ્રિજવાસી પરિવારને એમણે સોંપી હતી. ખરેખર તો પાછલી બે પેઢીથી મંદિરના મુખિયાજી બ્રિજવાસી જ બને એવી પ્રથા થઈ ગઈ છે. જોકે મંદિરનો આધુનિક દેખાવ સાંપડ્યો અખિલેશજીના કાર્યકાળમાં. અઢારેક વરસથી મુખિયાજીના પદે આરૂઢ અખિલેશજી શાસ્ત્રોમાં પારંગત હતા. ભક્તોમાં તેમનો પ્રભાવ વર્તાતો. ટ્રસ્ટીગણના માનીતા. બે વરસ અગાઉ પત્નીના સ્વર્ગવાસ પછી ફરી ઘર માંડવાનો પ્રસ્તાવ તેમણે ફગાવી દીધેલો : સંસારસુખ મારા નસીબમાં નહીં હોય, અન્યથા ઈશ્વર આવું થવા દે ખરો? દેવપુરુષ જેવા કાંતિવાન અખિલેશજીનો સ્વસંયમ જનમાનસમાં અહોભાવ જન્માવતો.

પત્નીના અવસાન પછી મંદિરના કામકાજમાં જરૂર વર્તાતાં પાછલા વરસેકથી તેમણે મથુરાથી દૂરના ભત્રીજાને તેડાવ્યો હતો. અઢાર વરસનો તીરથ પ્રસાદની તૈયારીથી વાઘાની સજાવટ સુધીના કામમાં તેમની મદદ કરતો. મંદિરના પડખે આવેલા પૂજારીજીના આવાસમાં ઉપલા માળે રહેતો. પરિસરની સાફસફાઈ માટે પછવાડેની રૂમમાં રહેતો નંદુ સપરિવાર ગામ મૂવ થતાં આઠ-દસ મહિનાથી તેમની જગ્યાએ નિમાયેલાં ગોમતીબહેન ત્યાં રહેતાં થયાં. લગભગ અખિલેશજીની જ વયનાં એકલપંડાં ગોમતીબહેન વિધવા હતાં. પાછું ગોત્ર નીચું એટલે ભગવાનના કામમાં તેમણે ઝાઝું પડવાનું ન હોય.

અહીં નામ પૂરતો પણ વૉચમૅન રાખવાની જરૂર નહોતી. મંદિરમાં ભય શો? જોખમ પણ શાનું? સામાન્ય દિવસોમાં દાનપેટીમાં ચાર-છ હજારની આવક થતી હોય. પૂજારીને મળતી ભેટ તેમની અંગત આવકમાં ગણાય. અઠવાડિયે એક વાર અખિલેશ ટ્રસ્ટી વિઠ્ઠલભાઈના બંગલે જઈને હિસાબકિતાબ દઈ આવતા. સાઠે પહોંચેલા વિઠ્ઠલભાઈ ધંધામાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા એટલે અન્ય ટ્રસ્ટીઓની સરખામણીએ મંદિરનાં કામોમાં વધુ પ્રવૃત્ત હતા.

હા, જન્માક્ટમી કે તુલસીવિવાહ કે પછી મંદિરના સ્થાપનાદિન એવા દેવદિવાળીના ટાણે ધામધૂમ થતી. ઓચ્છવમાં ભંડારો તો હોય જ. રંગબેરંગી રોશનીના ઝળહળાટ ઉપરાંત ખરો ઝગમગાટ થતો રાધા-કૃષ્ણની મૂર્તિએ સજાવાતા અસલી હીરા-મોતીના ઝવેરાતના શણગારથી! અસલનાં ઘરેણાંનું મૂલ્ય હવે તો પાંચ-છ કરોડમાં અંકાય. એ સમયે પ્રાઇવેટ સિક્યૉરિટીના હથિધારધારી ઑફિસર્સથી માંડીને CCTV કૅમેરાનો પાકો બંદોબસ્ત રહેતો.

‘મારે એ ઘરેણાં બાબત કહેવું છે મહારાજ.’

અકિંજય અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પહોંચ્યો લગભગ એ જ સમયે મંદિરમાં પૂજારીજીને મળવા આવેલા તિમિરે જય જય કર્યા પછી આસપાસ જોઈને આટલું કહેતાં અખિલેશજીના કપાળે કરચલી ઊપસી. મંદિરનાં ઘરેણાં બાબત તિમિરે શું કહેવાનું હોય?

નજીકની વૃંદાવન સોસાયટીમાં રહેતો તિમિર ગોરેગામની હીરા ઘસવાની ફૅક્ટરીમાં મૅનેજર હતો. રોજ તો નહીં, પણ અઠવાડિયે બે-ત્રણ વાર અચૂક મંદિરે આવતો; મોટા ભાગે સવારે કામે જતી વેળા. ક્યારેક તેની પત્ની સુગંધા જોડે હોય અથવા તો તે એકલી સાંજે આવી જાય. નિયમિત મુલાકાતીઓ સાથે હોય એટલો પૂજારીજીને તેમનો પરિચય.

એમાં આજે તિમિરનું આગમન.

આમ તો સાડાબારે દર્શન બંધ કરીને આ સમયે પોતે વામકુક્ષિ માણતા હોય... દેવદિવાળીના ઓચ્છવની પૂર્વતૈયારીરૂપે કોઠારમાં સામગ્રી ચકાસવામાં ઊંઘ આઘી રહી ને ગોમતીએ સંદેશો આપતાં ભક્તને મળવા આવવું પડ્યું. કુંડળી બતાવવા કે મુરત પૂછવા ભક્તો આવતા રહેતા. પોતે માનેલું કે તિમિરને પણ આવું જ કંઈક કામ હશે. સંસારમાં પતિ-પત્ની બે જ છે એટલે ત્રીજું ક્યારે આવશે એવું કંઈક પૂછવું હશે.... પરંતુ ઘરેણાંનો ઉલ્લેખ કરીને તિમિરે તેમને ચોંકાવી દીધા.  

પચીસેક વરસનો તિમિર દોઢેક વરસ અગાઉ જ પરણ્યો હતો. નીતિમત્તાથી સ્વમાનભેર જીવવામાં માનતા જુવાનની પત્ની પણ એવી જ ઠરેલ-ઠાવકી લાગી’તી અખિલેશજીને. મૅનેજર તરીકે તિમિર ઠીક-ઠીક કમાતો હશે. તે રહેતો એ વૃંદાવન સોસાયટી મધ્યમવર્ગીય હતી. તિમિર પાસે બાઇક હતી, પણ તે જૉબ પર આવતો-જતો ટ્રેનમાં.

‘મારા જૉબ-અવર્સનું ઠેકાણું નહીં. કહેવા પૂરતી દસથી આઠની જૉબ, પણ આવતાં ઘણી વાર રાતના એક-બે પણ થઈ જાય. હીરાના સોદા માટે બહારગામ જવાનું પણ થાય. શેઠ વિશ્વંભરદાસ મારા પર આંખ મીંચીને ભરોસો મૂકે એને જાળવવાની જવાબદારી તો મારી જને.’

તિમિર વધુપડતું લંબાણ કરી રહ્યો હોય એવું લાગ્યું, પરંતુ તેની નોકરીને મંદિરના ઝવેરાત સાથે શું સંબંધ એ સમજવા પણ આ પ્રસ્તાવના જરૂરી છે... અખિલેશજીએ એકાગ્રતા જાળવી રાખી.

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK