કથા સપ્તાહ : ડેવિલ્સ ઍડ્વોકેટ (2)

Updated: Jun 04, 2019, 12:33 IST | સમીત પૂર્વેશ શ્રોફ | મુંબઈ

મૌલવી ઝફર કુરેશીની વાત બિલકુલ સાચી હતી અને સાચી ન પણ ગણો તો એ અસંબધદ્ધ કે પછી અર્થહીન તો નહોતી જ, એમાં તાર્કિકતા ભારોભાર હતી. જો ભગવાન હોય તો શૈતાન કેમ નહીં?


મૌલવી ઝફર કુરેશીની વાત બિલકુલ સાચી હતી અને સાચી ન પણ ગણો તો એ અસંબધદ્ધ કે પછી અર્થહીન તો નહોતી જ, એમાં તાર્કિકતા ભારોભાર હતી.
જો ભગવાન હોય તો શૈતાન કેમ નહીં?

માણસ જો ભગવાનની આસ્થા સાથે જીવી શકે તો ભૂતનું નામ પડતાંવેંત જ કેમ એ વાતને ખોટી અને એવું માનનારાને અંધશ્રદ્ધાળુ માની લેવામાં આવે. જો ઈશ્વર પોતાનો પરચો બતાવી શકતો હોય તો પિશાચ શું કામ પોતાની અસુરી તાકાત પ્રદર્શિત ન કરે?

મૌલવીચાચાને મળ્યા પછી ઇન્સ્પેક્ટર અતુલ પરાંજપેના દિમાગમાં આ અને આવા અનેક પ્રકારના સવાલોનું કીડિયારું ઊભરાવા લાગ્યું હતું. આ સવાલોનું મૂળ મૌલવી ઝફર કુરેશી હતા. તેમણે જ ઇન્સ્પેક્ટર અતુલને સવાલ કર્યો હતો કે જો માણસ ભગવાનમાં શ્રદ્ધા રાખતો હોય તો એ જ માણસે શેતાનમાં પણ વિશ્વાસ રાખવો જોઈએ. જે માણસ શૈતાનની વાતની સાથે અંધશ્રદ્ધાની દલીલ કરવા માંડતો હોય એ માણસ હકીકતમાં તો શૈતાનના ખૌફથી ડરતો હોય છે.

‘ચાચા, જેકંઈ પણ બન્યું છે એ બધું મારે જાણવું છે...’
‘ક્યું બચ્ચે, તુમ્હે તૌસિફ ખાનને કુછ નહીં કહા...’

‘ના, મારે તેમની સાથે વાત થઈ પણ મારે એ બધું તમારી પાસેથી સાંભળવું છે... જો હું તમને સાંભળીશ તો બને કે મને તમારી વાત પર વિશ્વાસ આવશે.’
મૌલવીચાચા ઊભા થઈને ઇન્સ્પેક્ટર પાસે આવ્યા હતા, ‘ભરોસા દિલાનેવાલા તો ઉપર બેઠા હૈ, યા તો દો ગજ ઝમીં કે નીચે છ‌િપા હૈ, વો સબ દેખ રહા હૈ...’
‘શાઇસ્તા કો આપ કબ સે જાનતે થે?’

‘બચપન સે, તબ સે જબ વો ચડ્ડી ભી નહીં પહનતી થી, ભોલીભાલી લડકી થી બેચારી. ખુદા સે ડરનેવાલી, ખુદા કે ખૌફ મેં વિશ્વાસ રખનેવાલી.’
ચાચાની આંખો સામે ભૂતકાળ આવી ગયો હતો.

‘એનું નામ મેં જ પસંદ કર્યું હતું, શાઇસ્તા. શાઇસ્તા ફારસી જબાનનો શબ્દ છે. અર્થ થાય છે, અત્યંત તેજસ્વી. બચ્ચી અપને નામ કા અર્થ રોશન કરને વાલીથી મગર...’
‘મગર ક્યા ચાચા?’

‘વો હરામી ઉસે ચૈન સે જીને નહીં દેતા થા...’ ચાચાની ચહેરાની કરચલીઓ તંગ થવા માંડી હતી, ‘વો ઉસે પરેશાન કરતા થા, ઉસકા ગુના બસ ઇતના થા કી વો હર કિસી કો ખુશ રખના ચાહતી થી. અપને અબ્બા કો, અમ્મી કો, અપને ભાઈ કો, અપની બહેન કો, હર ‌ક‌િસી કો. યહાં તક કી વો મુઝે ભી પરેશાન નહીં દેખ પાતી થી...’

‘ચાચા, આપ કો કબ પતા ચલા કી શાઇસ્તા કો...’

ઇન્સ્પેક્ટર અતુલ પરાંજપેએ પોતાની વાત અધૂરી છોડી દીધી, તેમને શૈતાન શબ્દ બોલતાં ખચકાટ થતો હતો.

‘એક દિવસ તૌસિફ ખાન શાઇસ્તાને લઈને હૉસ્પિટલથી આવ્યા. શાઇસ્તાના ચહેરા પર જરા પણ નૂર નહોતું, તેની આંખો ઊંડી ઊતરી ગઈ હતી, જબાન હડકાયા કૂતરાની જેમ બહાર લટકતી હતી. શાઇસ્તાને મેં મહિનાઓ પછી જોઈ હતી. તેની આ હાલત જોઈને મારી આંખો ખુલ્લી રહી ગઈ. મઝહાર પાસેથી દોડીને હું શાઇસ્તા પાસે પહોંચ્યો. જેવો હું શાઇસ્તા પાસે પહોંચ્યો કે શાઇસ્તાએ તૌસિફ ખાનને જોરથી ધક્કો માર્યો. રિક્ષામાંથી શાઇસ્તાને નીચે ઉતારવામાં આવી ત્યારે તેના શરીરમાં બિલકુલ તાકાત નહોતી. શાઇસ્તા પડી ન જાય એટલે તૌસિફ ખાને તેને બે હાથથી પકડી હતી. મરવાને વાંકે પડેલી શાઇસ્તામાં અચાનક તાકાત આવી ગયેલી જોઈને તૌસિફ ખાન પણ હેબતાઈ ગયા. હું કંઈ સમજું એ પહેલાં તો શાઇસ્તાએ નીચેથી પથ્થર ઉપાડીને મારી તરફ ફેંક્યો.’

મૌલવીચાચાનો હાથ અનાયાસ જ કપાળ પર ચાલ્યો ગયો એ ઇન્સ્પેક્ટર અતુલ પરાંજપેએ જોયું હતું.

‘શાઇસ્તાએ ફેંકેલો પથ્થર મને વાગ્યો. મારા માટે પણ શાઇસ્તાનું આ વર્તન અચરજ પમાડનારું હતું. હું કંઈ સમજું એ પહેલાં તો શાઇસ્તા દોડીને સીધી ઘરમાં ઘૂસી ગઈ અને ઘરમાં જઈને તેણે દરવાજા ફટાફટ બંધ કરી દીધા. તૌસિફ ખાનને તો શાઇસ્તાના વર્તનથી ખૂબ નવાઈ લાગી હતી. મને જોઈને હંમેશાં ઝૂકીને ખૈરિયત પૂછનારી શાઇસ્તા મારા પર પથ્થરનો ઘા કરે એ તૌસિફમિયાં માટે દુઃસ્વપ્નથી વધારે બીજું કંઈ જ નહોતું. જમીન પરથી ઊભા થઈને ઘરમાં જવાને બદલે તે દોડીને સીધા મારી પાસે આવ્યા અને મારી માફી માગવા લાગ્યા. મારે માટે તેની માફી કરતાં પણ વધારે મહત્ત્વની વાત એ હતી કે શાઇસ્તાને શું થયું છે. મેં તૌસિફમિયાંને બાજુમાં બેસાડીને પૂછ્યું તો મર્દની છાતી ધરાવતા તૌસિફમિયાં ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા...’

*****

‘રોના છોડો મિયાં, પહલે યે બતાઓ કી બી‌ટિયા કો હુઆ ક્યા હૈ?’

‘ક્યા બતાઉં ચાચા, પીછલે કઈ મહ‌િનોં સે યે હી હાલ હૈ હમારે...’

મૌલવી ઝફર કુરેશી કયારેક તૌસિફ ખાનને તો ક્યારેક ઘરના બંધ બારણાને જોયા કરતા હતા. તેમના મનમાં એક આશંકા પણ હતી, પરંતુ એ આશંકા સાથે મનમાં
એવી ઇચ્છા પણ હતી કે ખુદા એ આશંકા ખોટી પાડે.

‘જો હૈ વો સાફ-સાફ બોલો મિયાં.’

‘ત્રણેક મહિના પહેલાં શાઇસ્તાની એક્ઝામ હતી. બાયોટેક્નૉલૉજીનું પેપર શાઇસ્તાને અઘરું લાગતું હતું એટલે એ તેની એક ફ્રેન્ડની હૉસ્ટેલ પર તૈયારી કરવા ગઈ. મોડી રાત સુધી બન્નેએ એક્ઝામની તૈયારી કરી. સવારે ૧૦ વાગ્યે એક્ઝામ હતી એટલે એ બન્નેએ બેત્રણ કલાક આરામ કરી લેવાનું વિચાર્યું. શાઇસ્તા તેની ફ્રેન્ડના રૂમ પર જ સૂઈ ગઈ. સવારે અચાનક શાઇસ્તાની તબિયત બગડી ગઈ. તેની ફ્રેન્ડના કહેવા પ્રમાણે તેણે ઊંઘમાં શાઇસ્તાની ચીસો સાંભળી. આ ચીસો સાંભળીને તેની ફ્રેન્ડની ઊંઘ ઊડી ગઈ હતી. તેણે જોયું કે રૂમનો દરવાજો ખુલ્લો હતો અને શાઇસ્તાનો અવાજ હૉસ્ટેલની લૉબીમાંથી સંભળાતો હતો. શાઇસ્તાની ફ્રેન્ડ દોડીને લૉબીમાં ગઈ અને ત્યાં તેણે જોયું કે શાઇસ્તા પોતાનાં બધાં કપડાં કાઢીને લૉબીમાં આળોટતી હતી...’

‘મતલબ... બચ્ચીને અપને આપકો નંગા...’

‘હા ચાચા, ડૉક્ટર કા કહના હૈ કે બેટી કી દિમાગી હાલત ઠીક નહીં હૈ...’

વાત પૂરી થઈ હતી અને હવે ઘરના બંધ બારણાને તાકવાનો વારો મૌલવી ઝફર કુરેશીનો હતો.
આવી તે કેવી બીમારી કે માણસ પોતાનાં બધાં કપડાં કાઢીને લૉબીમાં આળોટવા માંડે.

‘બીટિયાને કભી કિસી પે હમલા કિયા હૈ ક્યા?’

‘કભીકબાર... બાકી વો ચૂપચાપ...’

ખટાક.
ઘરનું બારણું ખૂલ્યું એટલે તૌસિફ ખાને વાત અટકાવી ઘરના દરવાજે શાઇસ્તાની અમ્મી ઊભી હતી. તૌસિફમિયાંએ હાથના ઇશારાથી શાઇસ્તાના હાલહવાલ પૂછ્યા. અમ્મીએ પણ હાથના ઇશારાથી સમજાવ્યું કે તે સૂઈ ગઈ છે.

‘આઓ ચાચા, ઘર મેં બૈઠ કર બાત કરતે હૈં...’

મૌલવીચાચા ઊભા થઈને તૌસિફ ખાનની પાછળ ચાલવા લાગ્યા.

પાણી ભરવાના ખાલી કેરબાની પાછળથી એલિફન્ટે ધીરે રહીને નજર બહાર કરી.
ચૂંચૂંચૂં...

મૌલવીચાચાએ એિલ‌ફન્ટ સામે જોઈને પાસે આવવા માટે હાથ લંબાવ્યો, પણ એલિફન્ટ કેરબાની પાછળ જ રહ્યો.

‘ચાચા આપ તો જાનતે હો કી એલિફન્ટ ઔર બીટીયા કે બીચ કૈસી દોસ્તી થી પર જબ સે બીટ‌િયા બીમાર પડી હૈ તબ સે એલિફન્ટ ભી ઉસકે પાસ નહીં જાતા.’
ચાચાના પગ થંભી ગયા. તે ધીમી ચાલે એલિફન્ટ પાસે આવ્યા. પહેલાં તો એલિફન્ટ કેરબાની પાછળથી બહાર આવતાં ડરતો હતો, પણ પછી ધીમે-ધીમે બહાર આવીને ઘૂંટણિયે બેઠેલા ચાચાના ગોઠણને સૂંઘવા લાગ્યો.

ચાચાએ પોતાના હાથથી એલિફન્ટનું મોઢું ઊંચું કર્યું.

‘દૂસરોં સે તો અભી મૈં કુછ નહીં કહ શકતા મગર તુ ખુદા સે બંદગી કર ક‌ી મેરે મન મેં જો ડર હૈ વો ગલત નિકલે...’
ઘુઉરરરરરર...
જાણે મૌલવીચાચાની વાતમાં હોંકારો પુરાવતો હોય એમ એલિફન્ટે ઘુર્રાટી કરી.

આ પણ વાંચોઃ કથા સપ્તાહ : ડેવિલ્સ ઍડ્વોકેટ (1)

*****

‘ફિર ક્યા હુઆ...’

ઘરના બેઠકખંડમાં પાથરેલી જાજમ પર બેઠક લીધા પછી મૌલવીચાચાએ તૌસિફ ખાન સામે જોયું.

‘શાઇસ્તાની એવી હાલત જોઈને તેની બહેનપણી તો ગભરાઈ ગઈ હતી. તે દોડીને હૉસ્ટેલની મેટ્રનને બોલાવી લાવી. મેટ્રને આવીને શાઇસ્તાના શરીર પર ચાદર નાખી અને ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરની સાથોસાથ તેણે અમને પણ ફોન કર્યો હતો. હું અને ખુરશીદબેગમ બન્ને હૉસ્ટેલ પહોંચ્યાં, પણ ત્યાં સુધીમાં શાઇસ્તાની તબિયત પછી નૉર્મલ થઈ રહી હતી. અમે પહોંચ્યાં તેની થોડી જ વારમાં ડૉક્ટર પણ આવી ગયા હતા. ડૉક્ટરે બધા રિપોર્ટ કર્યા, રિપોર્ટ બધા નૉર્મલ હતા. ડૉક્ટરે શાઇસ્તાને એક્ઝામ આપવા જવાની હા પાડી એટલે તે એક્ઝામ આપવા ગઈ. બે-ત્રણ દિવસમાં બધું બરાબર થઈ ગયું. મેં તેની અમ્મીને પણ આ બાબતે વધુ સવાલ કરવાની ના પાડી દીધી હતી, પણ...’

તૌસિફ ખાન વાત કરતાં સહેજ અટક્યા. આમ અચાનક અટકવું એ મૌલવીચાચાને ખટક્યું હતું, પણ તે ચૂપ રહ્યા હતા.

એકશ્વાસે અડધો લોટો પાણી પૂરું કર્યા પછી તૌસિફ ખાને વાત આગળ વધારી.

‘...ચારેક દિવસ પછી અચાનક એક રાતે શાઇસ્તાના રૂમમાંથી વસ્તુઓ ફેંકવાનો અવાજ આવ્યો. અમે બધા તો સૂઈ ગયા હતા, પણ અચાનક વસ્તુઓ ફેંકવાનો અવાજ આવ્યો એટલે બધા જાગી ગયા. દોડીને શાઇસ્તાની રૂમ પાસે આવ્યા. વસ્તુઓ ફેંકાવાનો અવાજ શાઇસ્તાના રૂમમાંથી જ આવતો હતો. અમે રૂમ ખખડાવ્યો પણ દરવાજો અંદરથી બંધ હતો. તે જોરજોરથી રાડો પાડી રહી હતી અને વસ્તુઓ ફેંકતી હતી. અમે દરવાજો ખૂબ ખખડાવ્યો પણ અમને અંદરથી કોઈ જવાબ ન મળ્યો. અંદરથી તે રાડો પાડતી હતી અને બહારથી અમે...’
‘તમને યાદ છે અંદરથી તે શું ચિલ્લાતી હતી?’

‘જાઓ... ભાગો... કોઈ નહીં ચાહ‌િયે મુઝે, બસ... ઐસા હી કુછ બોલ રહી થી...’

‘ફ‌ીર?’
‘થોડી વારમાં અંદરથી આવતા અવાજો બંધ થઈ ગયા. અમે લગભગ વીસેક મિનિટ સુધી બહારથી રાડો પાડતા રહ્યા, પણ શાઇસ્તાએ અંદરથી દરવાજો ન ખોલ્યો. તેની રૂમમાં ક્યાંયથી દાખલ થઈ શકાય એવું નથી. અમે લાચાર બનીને બહાર બેસી રહ્યા. પોણો કલાક પછી અચાનક અમારું ધ્યાન ગયું કે રૂમનો દરવાજો ખુલ્લો છે. કદાચ શાઇસ્તા જ રૂમનો દરવાજો ખોલીને પાછી અંદર જતી રહી હશે એવું ધારીને અમે રૂમમાં ગયા પણ અંદરનો નજારો જોઈને અમે બધા હેબતાઈ ગયા. શાઇસ્તાએ પોતાની લિપસ્ટિકથી રૂમની દીવાલો પર અત્યંત ગંદી ગાળો લખી હતી. કેટલાંક એવાં વલ્ગર ડ્રૉઇંગ બનાવ્યાં હતાં કે એને અત્યારે પણ યાદ કરીએ છીએ તો અમારી નજર શરમથી ઝૂકી જાય છે...’

‘તમે રૂમમાં દાખલ થયા ત્યારે શાઇસ્તા ક્યાં હતી...’

‘શાઇસ્તા બાથરૂમમાં હતી. અમે દરવાજો ખખડાવ્યો તો તેણે તરત જ અંદરથી અમને જવાબ આપ્યો...’

‘પછી...’

‘અરે, પછી તો તે બહાર આવીને મૂંઝાઈ ગઈ. તેને એવું કંઈ યાદ જ નહોતું કે
રૂમમાં શું ચાલી રહ્યું છે. તેને તો એ વાતનું આશ્ચર્ય થતું હતું કે અમે લોકો રૂમમાં કેવી રીતે આવ્યા.’
‘હમમમ... પછી?’

‘બસ, બહાર આવીને તેણે પણ રૂમની દીવાલો જોઈ અને એ જોઈને તે રડવા લાગી.’
‘હમમમ... પછી?’
‘એ ઘટના પછી મને ખાતરી થઈ ગઈ કે ડૉક્ટર જે કહેતા હતા એ સાચું હતું. શાઇસ્તા માનસિક બીમારીથી પીડાઈ રહી છે. બીજા દિવસની એક્ઝામ પૂરી થઈ કે તરત જ અમે તેને ન્યુરો-ફિઝિશ્યન ડૉક્ટર કંદર્પ ત્રિવેદી પાસે લઈ ગયા...’

‘હમમમ...’
‘કંદર્પ ત્રિવેદીએ કેટલાય રિપોર્ટ્સ કર્યા પણ બધા રિપોર્ટ્સ નૉર્મલ હતા.’

‘મિયાં, જબ ખુદા અપના ખેલ શુરૂ કરતા હૈ તબ સબ કુછ નૉર્મલ હોતે હુએ ભી ઍપબ્નૉર્મલ કર દેતા હૈ...’
(ક્રમશઃ)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK