Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ 306

ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ 306

09 February, 2019 11:04 AM IST |
રશ્મિન શાહ

ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ 306

વટ, વચન અને વેર

વટ, વચન અને વેર


નવલકથા

કુતુબની આંખો સામે આઝાદી પહેલાંનું જૂનાગઢ અને નવાબનું શાસન આવી ગયું હતું. જોકે પીઠ પાછળ આવી રહેલા મોતનો તેને કોઈ અંદેશો નહોતો. એકધારા ત્રણ દિવસ અને ચાર રાતથી તે ઇબ્રાહિમ સાથે અહીં હતો અને અહીં આવીને તેણે ભૂપતનો ભૂતકાળ ખોલ્યો હતો. કેટલાક ભૂતકાળ એવા હોય છે જે તમને પોતાની સાથે પ્રવાહમાં તાણી જવાનું કામ કરે છે. કુતુબ અને ઇબ્રાહિમ સાથે પણ એ જ બન્યું હતું. બન્ને ભૂતકાળ સાથે ખેંચાઈને એટલા દૂર નીકળી ગયા હતા કે તેમને ખબર નહોતી કે બહાર શું ચાલી રહ્યું છે.



ફાર્મહાઉસની બહારનું વાતાવરણ હવે ધુમ્મસમય બનતું જતું હતું.


અંદર રહેલા કુતુબ અને ઇબ્રાહિમને ખબર પણ નહોતી કે બહાર શું ચાલી રહ્યું છે અને બહારથી કોણ-કોણ તેમના પર નજર રાખે છે.

ધુમ્મસને કારણે જન્મેલા ભેજને લીધે ઠંડક થઈ ગઈ હતી અને એ ઠંડકને કારણે રૂમમાં ખ્ઘ્ની ઠંડકે પણ આક્રમક રૂપ ધારણ કરવું શરૂ થઈ ગયું હતું.


‘યે અપના ઠંડી કા ડિબ્બા બંધ કર દોના...’

કુતુબે AC સામે હાથ કર્યો.

AC માટે બોલાતો આ ડિબ્બા શબ્દ ઇબ્રાહિમે છેલ્લા ત્રણ દિવસમાં લગભગ દસમી વખત સાંભળ્યો હતો. એમ છતાં તેના ચહેરા પર સ્માઇલ આવી ગયું હતું. જોકે સ્માઇલ કરતાં-કરતાં પણ તેનો હાથ રિમોટ તરફ તો ગયો જ હતો અને તેણે AC પણ બંધ કરી દીધું હતું.

‘પતા નહીં, અચાનક સે ઠંડ લગને લગી.’ કુતુબે AC સામે જોઈને ખરાઈ કરી લીધી કે એ બંધ થયું કે નહીં, ‘તેરે દાદુ કો કભી ઠંડ નહીં લગતી ઇબ્રાહિમ. રાત કો જંગલ મેં ભી વો વૈસે હી ચલા જાતા થા ઔર બારિશ મેં પૂરા ભીગને કે બાદ ભી ઉસે કોઈ ફર્ક નહીં પડતા થા.’

‘હાં, પર ચાચુ...’

ઠણાંગ...

પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ બહારની બાજુથી વાસણ પડવાનો અવાજ આવ્યો એટલે ઇબ્રાહિમ અટકી ગયો. ઊભા થઈને બારી પાસે જઈને તેણે બહાર નજર પણ કરી, પરંતુ અંધારામાં તેને કશું દેખાયું નહીં. રાડ પાડીને પૂછવાનું મન થયું, પણ રાડ પાડવાનું તેને મુનાસિબ લાગ્યું નહીં એટલે તે ચૂપચાપ પાછો આવીને બેસી ગયો.

‘કોઈ નહીં હોગા...’ જવાબ કુતુબે આપ્યો, ‘રાતના સમયે ચામાચીડિયું પણ થાંભલા સાથે અથડાય તો આવો જ અવાજ આવે. ચામાચીડિયું હશે કદાચ...’

‘નહીં ચાચુ, વાસણ પડવાનો અવાજ હતો.’

‘નહીં, બર્તન કી આવાઝ નહીં થી. ચમકાદડ હી થા...’ કુતુબે બંધ આંખો પર ભાર દઈને અવાજને ઓળખવાનો પ્રયાસ કર્યો અને પછી કહ્યું, ‘ચમકાદડ યા તો... ગોલી થી.’

‘તારા મોટા બાપુ કર્ણવીરસિંહને માન આપું છું એટલે આજે આ રીતે તને મળવા આવ્યો. આ મુલાકાતનો બીજો અર્થ કાઢવાની જરૂર નથી...’

નવાબના સૂરમાં સ્પષ્ટતા તો હતી જ, સાથોસાથ સત્તાવાહી આદેશ પણ હતો.

‘વાત સીધી હોય ત્યારે મને હંમેશાં પહેલો અને સીધો અર્થ કાઢવાની આદત છે.’

ભૂપતે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો. તેનો અડગ આત્મવિશ્વાસ જોઈને મધ્યસ્થ ખંડમાં હાજર રહેલા સૌ એક ધબકારો ચૂકી ગયા હતા. જે છોકરો ગણતરીના દિવસો પહેલાં ગભરુ અને સીધોસાદો લાગતો હતો એ છોકરો અત્યારે કોઈ ગામના રાજવીની અદાથી વાત કરતો હતો.

‘એય, નવાબસાહેબ સાથે સીધી રીતે વાત કર...’

‘વાત તો હંમેશાં સીધી જ હોય છે, ખાલી એને સાંભળવા માટે કાન અવળા કરવા પડતા હોય છે...’

‘શું કામ હતું?’ નવાબસાહેબે વાત ટૂંકી કરવાના ઇરાદે સ્પષ્ટતાપૂર્વક પૂછી લીધું, ‘કઈ વાત કરવાની હતી?’

‘મેં અગાઉ કહ્યું હતું કે વાત ખાનગી છે... તમારી સાથે એકાંતમાં થશે.’

નવાબસાહેબે તાળી પાડીને તેમને હવા નાખતા સેવક અને સિપાઈઓને બહાર જવા માટે ઇશારો કર્યો એટલે ભૂપતે જેલર સામે જોયું. ભૂપતના આ ઇશારાને જોઈને જાણે કે વાઘજી ઠાકોર ભૂપતના મનની વાત સમજી ગયા હોય એમ તેમણે તરત જ જેલરને આદેશ કર્યો.

‘તમે પણ બહાર જાઓ... થોડી ખાનગી વાત છે.’

જેલર બહાર ગયા એટલે ભૂપતે વાઘજી ઠાકોરની સામે જોયું.

‘થોડી નહીં, વાત વધુ ખાનગી છે... આપ પણ...’

‘તે અહીં જ રહેશે...’ નવાબસાહેબ ગિન્નાયા, ‘તારે જે કહેવું હોય એ વાઘજીની હાજરીમાં કહે...’

‘ગયા અઠવાડિયે કાલી વાઘજી ઠાકોરના ઘરે શું કામ ગયો હતો એની ઠાકોરજીને જાણ છેને?’

નવાબસાહેબના ચહેરા પર સન્નાટો છવાઈ ગયો. ઉધરસ ચડી ગઈ તેમને.

‘પાણી આપું નવાબસાહેબ તમને...’

‘હેં... હા.’ તરત જ નવાબસાહેબે સુધાર્યું, ‘ના, મને પાણી નહીં જોઈએ... ઠાકોર, તમે બે ઘડી બહાર રહો.’

‘પણ...’

‘દલીલ ના કરો... તમે બહાર રહો.’

ધૂંધવાયેલા ચહેરે વાઘજી ઠાકોર બહાર નીકળી ગયા.

‘નવાબસાહેબ, ખોટું કામ કરનારા ક્યારેય છપ્પનની છાતી રાખીને જીવી નથી શકતા...’ ભૂપત નવાબસાહેબની નજીક આવ્યો, ‘રાજનો કારભાર હાથમાં હોય એનો અર્થ એવો નથી કે બધા વિશ્વાસુ હોય... વાઘજી ઠાકોરની ગર્ભવતી ઘરવાળીના પેટમાંથી છોકરું પડાવવા માટે તમે કાલીને વૈદ્યની દવા સાથે મોકલ્યો ત્યારે તમને એમ હતું કે કાલી કામ મૂંગા મોઢે કરશે, પણ ચરસના નશામાં કાલી આ બકવાસ દરવાનો પાસે કરતો હતો... સારું થયું કે મેં વાત સાંભળી લીધી...’

‘બીજું શું બોલ્યો એ હરામખોર...’

ભૂપતે નવાબ અને કાલીની સાંભળેલી વાતનો ઉપયોગ બુદ્ધિપૂર્વક કરી લીધો.

‘માણાવદરમાં ખેડૂતોનો પાક સારો થયો છે... કર તો આવી ગયો છે, પણ વધુ કર મળે એમ છે. દમદાટી મારીને ઉઘરાણી કરવાની છે...’

નવાબના મોંમાંથી માસમાણી ગાળ નીકળી ગઈ.

‘સિરાજુદ્દીનનું પણ કહીને ગયો...’

‘શું?’

‘સિરાજુદ્દીનનો ખેલ પૂરો પાડી લે એટલે મોટી દીકરી તારી અને નાની દીકરી...’ ભૂપતે જીભ પર દાંત ભીંસ્યા, ‘નવાબસાહેબની...’

‘હળાહળ જૂઠ...’ નવાબ મહોબતખાન સિંહાસન પરથી ઊભા થઈ ગયા, ‘સિરાજુદ્દીન સાથે તેનો અંગત કજિયો હતો... મારે એમાં વચ્ચે આવવું નહોતું.’

‘કાલી સાથે મારો અંગત કજિયો હતો...’ ભૂપત નવાબની નજીક ગયો, ‘તમારે આમાં શું કામ વચ્ચે આવવું છે? કાલી તમારો વિશ્વાસુ હતો એટલે!? તમને મેં પુરાવાઓ આપ્યા કે તે વિશ્વાસુ બહાર તમારા માટે કેવી વાત કરતો હતો. હજી વધુ જાણવું હોય તો કહું તમને...’ નવાબ કંઈ બોલ્યા નહીં એટલે ભૂપતે છેલ્લો દાવ નાખી લીધો, ‘બેગમ રુખસાનાનું મોત કુદરતી નહોતું, પણ કાલીએ તેનું ગળું દબાવીને...’

‘શું જોઈએ છે તને?’

‘બાઇજ્જત બરી...’

‘સવાર પહેલાં તું તારા ઘરે હશે...’

‘અને નોકરી...’

નવાબે ભૂપતની સામે જોયું. ભૂપતના ચહેરા પર ગજબનાક શાંતિ પ્રસરેલી હતી. નવાબને ભૂપતની આ નિષ્ફિકરાઈ ગમી ગઈ. તે ભૂપતની નજીક આવ્યા અને તેના સૂકા થઈ ગયેલા વાળમાં હાથ ફેરવ્યો.

‘મહેલમાં નહીં મળે... લશ્કરમાં જવું છે?’

‘ભીખમાં લાપસી મળે એને પાછલા જન્મનાં સારાં કર્મની નિશાની કહેવાય...’ ભૂપત નવાબ સામે જોયું, ‘ક્યારથી જવાનું છે?’

‘છોકરાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નવાબસાહેબે કાલી ડફેરને મારવાના ગુનામાં તેને માફ કરી દીધો... નવાબસાહેબની દિલદારી એટલે કહેવું પડે બાકી...’

છત્રીસ કલાક પછી આખા જૂનાગઢમાં આ એક જ વાત હતી. લોકો ભૂપતને જોવા સિરાજુદ્દીનના ઘરે આવવા લાગ્યા હતા. ઘરમાં જવાના વ્યવહાર હતા એ લોકો ઘરમાં દાખલ થઈને હુમાતાઈ અને અઝાન-રાબિયાની બાજુમાં બેસીને ભૂપતની સાથે વાત પણ કરતા અને જે ઘરમાં જઈ નહોતું શકતું એ સિરાજુદ્દીનના કાચા મકાનની ડેલીએથી મૂંડી ઊંચી કરીને ભૂપતને જોવાની કોશિશ કરતા. અગાઉ આવું ક્યારેય નહોતું બન્યું કે નવાબસાહેબે કોઈને માફી આપી હોય. આ પહેલો દાખલો હતો જેમાં નવાબ મહોબતઅલી ખાને કોઈ આરોપીને, કોઈ ગુનેગારને માફી બક્ષી હતી.

‘બેન, માફી તો તમે કહો છો, બાકી અમને મા-દીકરીઓને તો સજા પડી જ છે.’ હુમાતાઈની એક આંખમાં હરખ હતો તો બીજી આંખમાં દુખની આછીસરખી લકીર હતી. ભૂપતે આવતા ૪૮ કલાકમાં જૂનાગઢ સેનામાં ભરતી થવાનું હતું એ વાતથી હુમાતાઈ નારાજ હતાં, ‘છોકરો ઘરે પાછો આવ્યો અને પાછો બે દિવસમાં સેનામાં ચાલ્યો જશે. ખુદા શું કામ અમારી વચ્ચે આવી જુદાઈ ખોદી નાખે છે એ જ સમજાતું નથી.’

‘બેન, આવું બધું વિચારવાને બદલે એ વાતથી રાજી થાઓ કે ભૂપતને ફાંસીના માંચડે નવી જિંદગી મળી... સેનામાં હીર દેખાડશે તો ભવિષ્યમાં છોકરો સેનાપતિ પણ બનશે અને તમારું શિર રોફભેર ઊંચું કરશે.’

‘ઊજળા ભવિષ્યને જોઈને પીડાવાળા વર્તમાનને પસંદ ન કરવાનો હોય... ભવિષ્ય સારી રીતે જીવવા મળશે કે નહીં એ હજાર હાથવાળો નક્કી કરશે, પણ વર્તમાનને સારો બનાવવાના હક તો કુદરતે આપણને જ આપ્યો છે.’

ઘરે પાછા આવ્યાની રાતે ભૂપત હુમાતાઈ પાસે બેઠો. હુમાતાઈની આંખોમાં ઉજાગરા કરતાં આંસુઓની અસર વધુ વર્તાઈ રહી હતી.

‘તાઈ, સેનામાં જવાની મારી ઇચ્છા હતી... નવાબસાહેબે સેના માટે કોઈ દબાણ નહોતું કર્યું.’

‘બેટા, ઇચ્છા બદલી ન શકાય... અમારા માટે?’

‘બદલાય એ ઇચ્છા ન કહેવાય...’ ભૂપતના અવાજમાં વજન હતું, ‘વાત રહી તમારા માટે તો તાઈ, તમારા માટે જ તો સેનામાં જઈ રહ્યો છું. નામ મોટું કરવાનું છે અને નામ મોટું થશે તો જ તો લોકો આવીને તમને સલામ કરશે.’

‘મને સલામ કરે એ માટે તું હયાત રહે એવી દુઆ મારે રોજ કરવાનીને?’

‘એ તો તાઈ, હું સામે બેઠો હોઉં તો પણ તું મારા માટે રોજ કરે જ છેને!’

ભૂપત હુમાતાઈની નજીક સરક્યો. તાઈએ લાડથી તેના વાળમાં હાથ ફેરવ્યો. ભૂપતને સ્પર્શમાં પોતાની સાચી મા રાંભીના સ્પર્શનો અનુભવ થયો. તેની આંખ સામે પોતાનું ગામ વાઘણિયા, બાપુ અમરસિંહ અને બીજલ આવી ગયાં. ઇચ્છા નહોતી અને અટકાવવાની કોશિશ કરી તો પણ આંખમાં રહેલાં આંસુ બહાર ધસી આવ્યાં. હુમાતાઈએ હેતથી તેને છાતીએ લગાડી લીધો. સાવ અનાયાસ જ એકબીજાની જિંદગીમાં આવીને એકમેક માટે હૂંફ બની ગયેલાં મા-દીકરાની આંખોનાં તમામ બંધનો તૂટી ગયાં.

આઝાદી પહેલાં દેશમાં અનેક એવાં રાજ્યો હતાં જેમની સેનામાં જોડાવાની તક મેળવવા માટે પ્રજા રીતસર તરસતી, ટળવળતી. પાડોશી રાજ સાથે સંપથી રહેતાં એ રાજ્યોમાં અનેક રાજ હતાં. એમ છતાં જો આજના ગુજરાતની વાત કરીએ તો આજના ગુજરાતનાં રાજકોટ અને અમદાવાદ બે એવાં રાજ હતાં જેમને પાડોશીઓ સાથે પણ સંપ રહેતો અને વિખવાદથી એ રાજ્યો દૂર રહેતાં. આ ઉપરાંત આ રાજ્યની સેનાના જવાનોને અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવતી હતી. આજે નિવૃત્ત થનારા જવાનને ભારત સરકાર ખેતી માટે જમીન કે અન્ય કોઈ ધંધા માટે નિ:શુલ્ક જમીન ફાળવે છે એ ખરેખર તો રાજકોટ રાજ્યની યોજના હતી. દેશના પહેલા ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને ૧૯૩૦થી રાજકોટ રાજ્યની આ યોજના વિશે જાણકારી હતી. ૧૯૪૫માં જ્યારે ભારતને એક લોકશાહી દેશ તરીકે સ્વીકારવાની શરૂઆત થઈ અને ૧૯૪૬ના પૂર્વાર્ધમાં જ્યારે સરદાર તમામ રજવાડાંઓને એક કરવા માટે નીકળ્યા ત્યારે તેમણે રાજકોટના રાજવી પરિવારની સરાહના કરતાં કહ્યું પણ હતું કે હિન્દુસ્તાનની સરકાર રચાશે ત્યારે સેનાના જવાનોને એ જ પ્રકારની સુવિધા અને સવલત આપવામાં આવશે જે પ્રકારનાં સુખ-સુવિધા રાજકોટ આપી રહ્યું છે.

જો ભૂપતે રાજકોટ કે અન્ય કોઈ રાજ્યની સેનામાં જોડાવાનું હોત તો ચોક્કસપણે કોઈને ચિંતા થઈ ન હોત, પણ ભૂપત જૂનાગઢના નવાબની સેનામાં જોડાવા જઈ રહ્યો હતો એટલે હુમાતાઈને દુખ હતું. અલબત્ત, ભૂપતસિંહ ચૌહાણને કોઈ ફિકર નહોતી. સેનામાં જોડાવાની આગલી રાતે તે તો નિષ્ફિકર થઈને ઘરમાં સૂઈ ગયો હતો.

વહેલી સવારે જાગીને કૂવાની પાળીએ સ્નાન પૂÊરું કરીને ભૂપત ઘરમાં ગયો ત્યારે અઝાને તેનો સામાન ભરી રાખ્યો હતો તો રાબિયા અમ્મીને રસોડામાં મદદ કરાવતી હતી. હુમાતાઈએ અડધી રાતે ઊઠીને ભૂપત માટે જાતજાતના અને ભાતભાતના નાસ્તાઓ બનાવ્યા હતા.

‘તાઈ, આની ક્યાં જરૂર હતી... ત્યાં દરરોજ તંદૂરી ચિકન અને રોટીનું જમણ આપે છે... જેટલું ખાવું હોય એટલું.’ ભૂપતે રાબિયા તરફ જોયું, ‘આ બધું ભલે અહીં રહ્યું... રાબિયા ખાશે.’

‘ના, આ તું લઈ જા...’ હુમાતાઈએ ચહેરો છુપાવવા નજર ઘુમાવી લીધી, ‘રાબિયા પાસે મા છે, ત્યાં તારી પાસે કોણ છે...’

‘તાઈ, તું...’ ભૂપતે જમણો હાથ છાતીના ડાબા ભાગ પર મૂક્યો, ‘તને હું અહીં ભરી જઉં છું.’

‘બહુ લાડકો થવાની જરૂર નથી...’ હુમાતાઈએ ભૂપતની સામે જોયું. તેની આંખોમાં આંસુ હતાં અને હોઠ પર આછુંસરખું સ્મિત, ‘નહીં તો સમ આપીને રોકી લઈશ... જે કરવાની ઇચ્છા મહામુશ્કેલીએ દબાવી રાખી છે.’

જૂનાગઢ છોડીને માણાવદરની સરહદે જતાં પહેલાં ભૂપતની ઇચ્છા નવાબસાહેબને એક વાર મળવાની હતી. રૂબરૂ મળીને તે તેમનો આભાર માનવા માગતો હતો, પણ આવી તક તેને મળી નહીં. હા, મહેલની સાથે જોડાયેલા દરબારગઢમાં હાજરી પુરાવવા જતી વખતે તેને વાઘજી ઠાકોર જરૂર મળ્યા. ભૂપતને જોઈને વાઘજી ઠાકોરના મોઢામાં કડવાશ પ્રસરી ગઈ હતી. ભૂપતને કારણે તેમને નવાબ પાસે નીચાજોણું થયું હતું. અગાઉ ક્યારેય ન થયું હોય એવું એ અપમાન વાઘજી ભૂલવા માગતા હતા, પણ તેમના દિલ-દિમાગમાંથી એ ઘટના ઓસરતી નહોતી.

‘ચમકાદડ યા તો... ગોલી થી.’

ચાચુના શબ્દો સાંભળીને પહેલાં તો ઇબ્રાહિમ હેબતાઈ ગયો હતો, પણ પછી તેને હસવું પણ આવી ગયું હતું.

- ચાચુની ઉંમરની અસર દેખાય છે ને કાં તો ચાચુના કાન હવે ગયા છે.

‘નહીં ચાચુ, ઐસા કુછ નહીં હૈ.’

ઇબ્રાહિમ પાછો આવી ગયો અને આવીને કુતુબની સામે બેસીને નવેસરથી વાતો સાંભળવા માંડ્યો. જોકે આ તેની ભૂલ હતી.

જો એ સમયે ઇબ્રાહિમે કુતુબની વાતનો ભરોસો કરી લીધો હોત અને જો તેણે બારીની બહાર નજર કરી લીધી હોત તો કદાચ તેના ધ્યાનમાં આવી ગયું હોત કે બહાર કોઈ એવી ગતિવિધિ ચાલી રહી છે જે શંકાસ્પદ છે.

એ સમયે બહારના વાતાવરણમાં શંકાઓ ઘૂમરાઈ રહી હતી.

દિલીપસિંહ અને તેના સાથીઓ ઑલરેડી ફાર્મહાઉસમાં પથરાઈ ગયા હતા. પાકિસ્તાનની ધરતી પર આવ્યા પછીની પહેલી હત્યા દિલીપસિંહના નામે લખાઈ ગઈ હતી અને ભૂપતસિંહના ફાર્મહાઉસના ચોકીદારનો જીવ લેવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો એ ચોકીદાર અત્યારે પણ દરવાજા પાસે પડ્યો હતો અને ફાર્મહાઉસના ગેટથી પાંચસો મીટર દૂર પાર્ક થયેલી ગાડીમાંથી પણ આ દૃશ્યની આડકતરી ઝલક લઈ લેવામાં આવી હતી. આમ તો ગાડીમાં બેઠેલા લાહોરના પોલીસ-કમિશનર ઇરફાન ખાનનું ધ્યાન આ ઘટના પર ગયું ન હોત પણ દીવાલ ઠેકીને અંદર દાખલ થયેલા દિલીપસિંહે તેના એક સાથીને માસમાણી ગાળ ભાંડી એટલે ખાનના કાન સરવા થયા હતા.

ખાનનો વેલો કાઠિયાવાડ સાથે જોડાયેલો હતો, જેને લીધે કેટલાક ગુજરાતી શબ્દો ઓળખવા તેમના માટે સહેલા હતા. માસમાણી ગાળ પણ એ ઓળખીતા શબ્દ પૈકીનો જ એક શબ્દ હતો. ચોક્કસપણે, ખાનને એ સમયે પણ નવાઈ લાગી હતી કે આ શબ્દ તેને કેવી રીતે ખબર છે, પણ એ નવાઈનો જવાબ શોધવાનો આ સમય નહોતો.

સમય હતો ઍક્શનનો, સમય હતો રીઍક્શનનો.

દિલીપસિંહ ફાર્મહાઉસમાં દાખલ થયો એ જોઈને ખાને હરકતમાં આવવાનું હતું અને પ્રતિક્રિયા આપવાની હતી, પણ ખાન માટે સૌથી મોટી મૂંઝવણ એ વાત સાથે ઊભી થઈ કે આ સમયે તેણે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?

બચાવવા માટે અંદર ઊતરવું કે અંદરોઅંદર લડી મરે એ પછી જે બાકી બચે એની સામે હથિયાર ઉગામવું?

ખાનની આ વિમાસણનો જવાબ અંદરથી થોડી વાર પછી મળ્યો.

ઠણાંગ...

આ પણ વાંચો : ડાકુ: વટ, વચન અને વેર (પ્રકરણ 305)

જે અવાજ કુતુબ અને ઇબ્રાહિમે સાંભળ્યો હતો એ જ અવાજ બહારની નીરવ શાંતિ વચ્ચે ખાને પણ સાંભળ્યો હતો. ફરક માત્ર એટલો હતો કે ખાનના અનુભવી કાન એ અવાજને ઓળખી ગયા હતા.

(વધુ આવતા શનિવારે)

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2019 11:04 AM IST | | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK