નવલકથા
‘કોણ છે?’
કાલીનો અવાજ મોટો થયો. તેણે આજુબાજુમાં નજર દોડાવી, પણ આંખોમાં અંધકાર સિવાય બીજું કશું આવ્યું નહીં.
‘કોણ, તેવડ હોય તો સામે આવ...’
‘સિરાજુદ્દીને પણ મરતાં પહેલાં આવી જ રાડ પાડી હશે, કેમ?’ ભૂપતે બુશકોટના ખિસ્સામાંથી સિંહ-નખનો પંજો કાઢીને પોતાના જમણા પંજા પર ચડાવ્યો, ‘એ સમયે તે શું કર્યું હતું?’
ઓહ, સિરાજુદ્દીન!
કાલી ડફેરની માંજરી આંખ પહોળી થઈ. એકાએક તેને નવાબની કાળવાણી યાદ આવી ગઈ.
‘સાવધાન કાલી, એ સસલાને નઝરઅંદાજ કરવાની જરૂર નથી. એ છોકરો સસલાના સ્વાંગમાં સિંહ છે. ક્યારેય સ્વાંગ છોડીને ફાડી ખાશે એની ખબર નહીં પડે...’
‘શું નામ હતું એ સસલાનું?’
સવાલ તો કાલીએ પોતાની જાતને કર્યો હતો, પણ તેનો અવાજ એટલો મોટા હતો કે કાલીથી પચીસ ફુટ દૂર સંતાયેલા ભૂપતને પણ સંભળાયો હતો.
‘ભૂપત...’ ભૂપતના અવાજમાં કંઈક વિશિષ્ટ પ્રકારની મર્દાનગી ઉમેરાઈ ગઈ હતી, ‘આખું નામ ભૂપતસિંહ ચૌહાણ...’
‘એ ચૌહાણના સગલા... છાનોમાનો ઘરે જઈને હુમાતાઈની બુઢ્ઢી છાતીનું દૂધ...’
ખચાક...
અંધારામાં ડાફોળિયાં મારી રહેલા કાલી ડફેરના ગળામાંથી બાકીના શબ્દો બહાર આવે એ પહેલાં તેની છાતી પર પ્રચંડ વાર થયો. એકાએક થયેલા હુમલાથી કાલી એક ડગલું પાછળ તરફ ધકેલાયો અને પછી હવામાં અધ્ધર ફંગોળાઈને સીધો જમીન પર ખાબક્યો. હવે તેનો નશો ઊતરી ગયો હતો. કાલીની છાતીમાંથી ગરમાગરમ લોહી નીકળવા માંડ્યું હતું. કાલીએ છાતીના ઘા પર હાથ દબાવવાનો પ્રયાસ કર્યો, પણ ઘાનો આકાર અને ઘાના કારણે છાતીમાં થયેલાં ચાર છિદ્રોમાંથી નીકળવા માંડેલા લોહીને કારણે તેને અણસાર આવી ગયો હતો કે તેના પર સિંહના નખવાળા પંજાથી હુમલો કરવામાં આવ્યો છે.
‘સાલ્લા, મારું જ હથિયાર...’
મહામુશ્કેલીએ ઊભા થવા મથતા કાલીની પીઠ બીજો ઘા આવ્યો. આ વખતે ભૂપતે આંગળીમાં પહેરેલા નખે માત્ર છાતીમાં ખોંપવાનું જ નહીં, પણ ખોંપી દીધેલા એ નખથી છાતી ઉતરડી નાખવાનું પણ કામ કર્યું હતું.
‘હથિયાર તારું... વાર કરવાની યુક્તિ પણ તારી... અને હરામી, ઘર પણ તારા નવાબનું જ...’ કાલીના શરીરમાંથી તાકાત ઓસરી રહી હતી. ભૂપતે ત્રીજો ઘા પગ પર કર્યો અને કાલીનો જમણો સાથળ ચીરી નાખ્યો, ‘ફરક માત્ર એક, હેતુ તારા જેવો નાપાક નથી...’
‘મને છોડી દે...’ કાલીની આંખ સામે હવે અંધકાર ઘેરો બનવા લાગ્યો હતો. તે આંખ ખોલવાનો પ્રયાસ કરતો હતો, પણ શરીરમાં પડેલા ઘાની પીડાથી તેની આંખો ખૂલતી નહોતી. હવે તેના પગમાં ઊભા રહેવાની ત્રેવડ પણ ઓસરી ગઈ હતી, ‘હાથ મિલાવી લે, ઉદ્ધાર કરી દઈશ... છોડી દે મને.’
‘છોડી દઉં... એક શરતે. માફી માગ સિરાજુદ્દીનની...’ કાલી તરફથી કોઈ પ્રત્યુત્તર ન આવ્યો એટલે ભૂપતે કાલીના ડાબા સાથળ પર વાર કર્યો, ‘કહું છું માફી માગ હરામખોર...’
‘માગું છું, માફી માગું છું...’ કાલીએ હાથ ફેલાવ્યા, ‘સિરાજુદ્દીન મને માફ કર...’
‘અહીંથી નહીં, ઉપર જઈને...’
કાલી કંઈ સમજે એ પહેલાં તો ભૂપતનો સિંહ-નખવાળો પંજો તેના પેટમાં ખૂંપી ગયો. કાલીનો જીવ નીકળે એ પહેલાં ભૂપતે તેના પેટમાંથી આંતરડાં બહાર ખેંચી કાઢ્યાં હતાં. કાલીના મોઢામાંથી નીકળેલી મરણતોલ ચીસ મહેલના દરવાનોને જગાડી ગઈ અને કાલી જમીન પર પછડાય એ પહેલાં તો મહેલના દરવાજાઓ ખૂલી ગયા.
‘છોડી દઉં... એક શરતે. માફી માગ સિરાજુદ્દીનની...’
કાલી તરફથી કોઈ પ્રત્યુત્તર ન આવ્યો એટલે ભૂપતે કાલીના ડાબા સાથળ પર વાર કર્યો, ‘કહું છું માફી માગ હરામખોર...’
‘માગું છું, માફી માગું છું...’ કાલીએ ઉપર આકાશ તરફ હાથ જોડ્યા, ‘સિરાજુદ્દીન મને માફ કર...’
‘અહીંથી નહીં, ઉપર જઈને...’
કાલી કંઈ સમજે કે જવાબ આપે એ પહેલાં ભૂપતનો સિંહ-નખવાળો પંજો તેના પેટમાં ખૂંપી ગયો. કાલીનો જીવ નીકળે એ પહેલાં ભૂપતે તેના પેટમાંથી આંતરડાં બહાર ખેંચી કાઢ્યાં હતાં. કાલીના મોઢામાંથી મરણતોલ ચીસ નીકળી ગઈ. કાલીની આ ચીસ મહેલના દરવાજા પાસે અંદરની બાજુએ ચોકીદારી કરતા દરવાનોના કાને અથડાઈ. કાલીને બહાર નીકYયાને હજી માંડ દસ મિનિટ થઈ હતી એટલે દરવાનો હજી જાગતા જ ખાટલા પર પડ્યા હતાં. અગાઉ પણ કાલીની એક ચીસ સંભળાઈ હતી, પણ એ સમયે દરવાનોએ કાનનો ભ્રમ ગણીને એ ચીસને અવગણી હતી. જોકે આ વખતે અવગણના થઈ ન શકે એવી મોટી ચીસ આવી હતી.
‘બહાર કંઈક બબાલ થઈ લાગે છે...’
‘જંગલી જનાવર આવ્યું હશે...’ બીજા દરવાનના પગમાં ચપળતા આવી ગઈ. તે છલાંગ લગાવીને ઊભો થયો અને સીધો પેટ્રોમેક્સ પાસે દોડ્યો, ‘જલદી દરવાજો ખોલ... કાલીને બચાવીશું તો નવાબ પણ માલામાલ કરી દેશે...’
માલામાલ થવાનાં ખ્વાબ જોતા દરવાજોએ દરવાજો ખોલ્યો અને ઉતાવળા પગલે બન્ને બહાર નીકYયા, પણ બહારનું દૃશ્ય જોઈને બન્નેનાં હૃદય ધબકારા ચૂકી ગયાં.
મહેલના દરવાજાથી પંદરેક ફુટ દૂર ચોકમાં કાલી ચત્તોપાટ પડ્યો હતો. તેની આંખો ખુલ્લી હતી. આંખોની જેમ પેટ પણ ચિરાઈને ખુલ્લું પડ્યું હતું. પેટમાંથી આંતરડાં અને છાતીમાંથી ફેફસાં સુધ્ધાં બહાર આવી ગયાં હતાં. શરીરનાં બીજાં અંગો પર પણ ઘા લાગ્યા હતા, જેમાંથી ખૂન હજી પણ વહી રહ્યું હતું. કાલીના પગ પાસે કાલી વાપરતો હતો એ સિંહ-નખનો પંજો પડ્યો હતો અને આ પંજાથી એકાદ ફુટ દૂર ભૂપત ઊભો હતો.
‘આવું તે કયું જનાવર જંગલમાં આવ્યું છે?’
દરવાનનો અવાજ ધ્રૂજતો હતો અને શરીરે પરસેવો વળવા માંડ્યો હતો. દરવાનની આંખો હજી પણ કાલીની લાશ પર ખોડાયેલી હતી.
‘જંગલમાં નહીં ગામમાં...’ એક ખૂણામાંથી અવાજ આવ્યો, ‘ગામમાં આવી ગયું છે એ જનાવર...’
દરવાને અવાજની દિશામાં જોયું. અવાજ ખૂણામાં પડેલા બળદગાડા પાસેથી આવતો હતો. અંધારાના કારણે ગાડા પાસે કંઈ સૂઝતું નહોતું એટલે દરવાને ધ્રૂજતા હાથે પેટ્રોમેક્સ ઊચી કરી. ગાડા પાસે ભૂપત ઊભો હતો. તેનાં કપડાં અને હાથ લોહીથી ખરડાયેલાં હતાં અને આંખોમાં ઊતરી આવેલું ખૂન પણ હજી અકબંધ હતું.
ભૂપતને છોકરું ગણીને હંમેશાં તેની હરકતો પર આંખ આડા કાન કરનારા દરવાનોને આજે પહેલી વાર તે છોકરાનો ભય લાગ્યો હતો.
સવાર પડતા સુધીમાં તો રાજ્યભરમાં વાત દાવાનળની જેમ ફેલાઈ ગઈ કે કાલી ડફેરને ભૂપતસિંહ નામના એક છોકરડાએ મારી નાખ્યો. રાજ્યભરમાં દેકારો બોલી ગયો. તોફાની ઘોડા અફઘાનને ઝબ્બે કરવો અને કાલી જેવા અજગરને નાથવો આ બન્ને કામની કોઈ કાળે સરખામણી ન થઈ શકે અને એમ છતાં એક જ છોકરાએ આ બન્ને કામો કર્યાં હતાં. કાલી ડફેરના ત્રાસથી આમ તો આખું જૂનાગઢ થાક્યું હતું, કંટાળ્યું હતું; પણ નવાબની છત્રછાયા કાલી પર હતી એટલે સૌ કાલીનાં કારનામાંઓ ચૂપચાપ સહન કરી લેતા હતા. આ જ કારણે કાલી મરાયાના સમાચાર જેવા લોકો સુધી પહોંચ્યા કે નેવું ટકા લોકોને એ ખબર શુભ-સમાચાર જેવા લાગ્યા હતા, પણ તેને મારનારામાં ઊગીને ઊભા થતા ભૂપતસિંહનું નામ સાંભળીને ભલભલાની જીભ અચરજ વચ્ચે બહાર નીકળી જતી.
‘એ છોકરો આવડા મોટા કાલીને પહોંચી કેવી રીતે શકે? મને તો માનવામાં નથી આવતું, કંઈક રમત લાગે છે...’
‘અરે રમત શાની... મહેલના દરવાને જ મને કહ્યું. રાતે તેણે ભૂપતની ધરપકડ કરી અને ભૂપતે ગુનો કબૂલ પણ કરી લીધો...’ ચોખવટ કરનારાએ ભાર દઈને કહ્યું, ‘ભૂપતે કાલીને ખાલી માર્યો નથી, તેના શરીરના માંસના લોચાઓ પણ કાઢી નાખ્યા... છોકરો ખરેખર ભારાડી છે...’
‘નવાબ હવે આ ભારાડી છોકરાને મૂકશે નહીં... કાલી નવાબનાં કેટલાંય કામ સંભાળી લેતો. ભૂપતે કાલીને મારીને બહુ મોટી ભૂલ કરી...’
‘હા, એ તો છે... ભૂપતની ફાંસી પાક્કી છે.’
આ કોઈ એકલદોકલ માણસની ધારણા નહોતી. જૂનાગઢના લગભગ દરેક ઘરમાં આ જ ધારણા મૂકવામાં આવતી હતી. અંગત અદાવતમાં પણ જો એકબીજા પર હુમલો કરવામાં આવે અને શારીરિક ઈજાઓ પહોંચાડવામાં આવે તો જે-તે શખ્સને તડીપાર કરવાની તજવીજ જૂનાગઢના કાનૂનમાં હતી. હુમલા દરમ્યાન જો કોઈ વ્યક્તિનું અજાણતાં પણ મોત થયું હોય તો મારાનારા શખ્સને પચીસ વર્ષની જન્મટીપ કરવામાં આવતી. આ ઘટનામાં તો રાજપરિવારના ખાસ માણસનું ખૂન કરવામાં આવ્યું હતું. સ્વાભાવિક છે કે રાજપરિવાર આ હત્યાની ઘટના માટે સહેજ પણ રહેમ ન રાખે. કેટલાકે તો જઈને હુમાતાઈને સલાહ પણ આપી દીધી હતી કે ભૂપત માટે રહેમ માગવાની ભૂલ કરીને નવાબની નજરમાં ન ચડવું જોઈએ.
‘આજે ઘરનો બધો ખર્ચ નવાબના કારભારમાંથી તમને મળે છે, પણ ભૂપતની માફી માગશો તો નવાબની કમાન છટકશે અને નવાબ બધી મદદ બંધ કરી દેશે.’
‘મારો દીકરો ઘરમાં હશે તો તેની ટૂંકી કમાણી પર જીવી લઈશું...’ હુમાતાઈએ વસવસો વ્યક્ત પણ કરી લીધો, ‘દીકરા વિનાના ઘરમાં કંસાર અને લાપસી બનાવીને શું કરી લેવાનું. આંખમાં તો ખારાં આંસુ જ રહેવાનાંને...’
ભૂપતને મળવા માટે હુમાતાઈ બન્ને દીકરી અઝાન-રાબિયાને લઈને સવારે જ જૂનાગઢ રાજ્યની જેલના દરવાજે પહોંચી ગયાં હતાં, પણ તેમને મળવા દેવામાં આવ્યાં નહોતાં. આવું ત્રણ દિવસ સુધી ચાલ્યું. દરરોજ સવાર પડે કે હુમાતાઈ અને અઝાન-રાબિયા જેલની બહાર આવીને બેસી જાય.
‘સાહેબ, એક વાર તો છોકરાને મળી લેવા દો... ખાલી એક વાર. ખુદા રહેમત આપશે તમને...’
‘બેન, તમને કેટલી વાર કહેવાનું કે એ મારાથી શક્ય નથી.’ જેલરે ચોખવટ કરી હતી, ‘નવાબસાહેબનો આદેશ છે કે ભૂપતને કોઈને મળવા દેવા નહીં.’
‘એ બધું સાચું પણ... ખાલી એક વાર મળવા દોને. એક જ વાર...’
‘તારી મા ગાંડી થઈ ગઈ છે?’ જેલરે કંટાળાથી અઝાન સામે જોયું હતું, ‘કહું છું કે મળવા નહીં મળે તો કહે છે કે એક વાર મળવા દો... બેન, તમે સમજો... અમારે પણ ફરજ નિભાવવાની છે. નોકરી કરીએ છીએ અમે.’
‘ખાલી એટલું તો કહો, તેણે અંદર જમી લીધું?’ હુમાતાઈને સનેપાત ઊપડ્યો હતો, ‘તેને જમવામાં આગ્રહ કરવો પડે છે, નહીં તો પાછો તે ભૂખ્યો રહેશે...’
‘એ તમે ચિંતા નહીં કરો. આ ભૂપતસિંહનું મોસાળ છે એમ જ માનો.’
જેલર જવા માંડ્યો એટલે હુમાતાઈ તેના પગ પાસે ઢગલો થઈ ગઈ અને જેલરના પગ પકડી લીધા.
‘સાહેબ, છોકરાને મારતા નહીં... તેના ગુનાની સજા મને આપી દો, પણ તે બિચારાને હાથ અડાડતા નહીં.’
ત્રણ દિવસ દરમ્યાન આ એક દૃશ્ય વાંરવાર જેલના કમ્પાઉન્ડમાં ભજવાયું. ભૂપતને મળવા માટે હુમાતાઈનું કરગરવું અને જેલરનું ચૂપચાપ પસાર થઈ જવું. આ નિત્યક્રમ વચ્ચે પણ હુમાતાઈને એક વાતનું આશ્વાસન હતું કે તેના ભૂપત વચ્ચે માત્ર એક દીવાલનું અંતર છે. ચોથા દિવસે આ અંતર પણ હટ્યું. જેલરના મનમાં રામ વસ્યા અને તેણે હુમાતાઈને ભૂપતને મળવા માટે છૂટ આપી.
‘જુઓ, માત્ર તમને એકને અંદર જવા દઈશ અને એ પણ બે-ચાર ઘડી માટે...’ જેલરે આજુબાજુમાં જોયું અને પછી હુમાતાઈના કાનની નજીક આવ્યો, ‘નવાબ આવે છે ભૂપતને મળવા... દીકરાને કહી દેજો કે કોઈ આડાઈથી જવાબ આપે નહીં, નહીં તો...’
જેલરે છોડી દીધેલા અધૂરા વાક્યનો ભાવાર્થ હુમાતાઈ સમજી ગયાં હતાં.
બે ઘડી માટે થયેલા એ મિલનમાં માએ પાંચ મિનિટ તો રડવામાં કાઢી હતી. બન્ને વચ્ચે રહેલી જાળી જો વચ્ચે ન હોત તો ભૂપતના સ્પર્શે હુમાતાઈને વધુ રડાવ્યાં હોત, પણ જાળીએ બન્ને વચ્ચે સંતુલિત રાખેલા અંતરે હુમાતાઈને જાતે જ સ્વસ્થ થવું પડ્યું.
‘દીકરા, શું કામ આવું પગલું ભર્યું?’ હુમાતાઈ હજુ પણ હીબકાં ભરી રહ્યાં હતાં, ‘વાત પતી ગઈ હતી, અઝાનના અબ્બા પણ બધું ભૂલી ગયા હતા... અને... અને હવે તો તે પણ બિચારા ક્યાં રહ્યા છે... શું કામ આવું ખોટું પગલું...’
‘તાઈ, ખોટું નહીં... યોગ્ય પગલું.’ ભૂપતના અવાજમાં વજન હતું, ‘હિસાબ ચૂકતે કરવા નહીં પણ ખાતાવહી આગળ વધે નહીં એ માટે પણ કેટલાક નિર્ણય લેવા પડતા હોય છે...’
‘બેટા, સમજાય એવી ભાષામાં બોલ...’ હુમાતાઈ જાળીની નજીક ગયાં અને જાળીની પાછળ ઊભેલા દીકરાના સ્પર્શમાંથી આશ્વાસન શોધવાનો પ્રયાસ કરવા લાગ્યા, ‘અલ્લાહે પંદર દિવસમાં આપેલા બે ઝાટકા પછી હવે તેને સીધી વાત પણ સમજવામાં તકલીફ પડે છે...’
‘કાલીને મારવો જરૂરી હતો...’
‘પણ કેમ?’
‘તે માણસ સારો નહોતો?’
‘એમ તો દુનિયાના અડધોઅડધ માણસો સારા નથી...’
‘એ અડધોઅડધ માણસોએ મારા સિરાજુદ્દીનને નહોતો માર્યો.’ ભૂપતના શબ્દો સાંભળીને હુમાતાઈના પગ નીચેથી જમીન સરકવા માંડી તો આંખ સામેનું દૃશ્ય તાંડવ કરવા લાગ્યું, ‘તાઈ, હું નહોતો કહેવા માગતો તમને આ... પણ આ હકીકત છે. સિરાજુદ્દીનને કોઈ પ્રાણીએ નહીં પણ કાલી જાનવરે મારી નાખ્યો હતો.’
‘બેટા, તારી કોઈ ભૂલ...’
‘મારી કોઈ ભૂલ હશે એવી ધારણામાં બેસી રહ્યો હોત તો આજે કદાચ અઝાનને શોધવા માટે આપણે સૌ ભટકતા હોત...’ ભૂપતે જાળીમાંથી આંગળીઓ બહાર કાઢી એટલે હુમાતાઈએ એ આંગળી હાથમાં લીધી. ભૂપતના હાથમાં રહેલી ગરમી તાવની હતી કે પછી તેના મનમાં ચાલતા સંતાપની હતી એ હુમાતાઈ સમજી નહોતાં શક્યાં, ‘મેં બધી તપાસ કરી લીધી એ પછી જ આ પગલું ભર્યું. હું નહોતો ઇચ્છતો કે નાનીસરખી ભૂલનો ભોગ મારી બહેનોએ કે મારી તાઈએ બનવું પડે...’
‘ઉતાવળે લીધેલો નિર્ણય કેટલીક વાર લાંબા ગાળે નકારાત્મક અસર છોડી જતો હોય છે...’ હુમાતાઈએ નિસાસો મૂક્યો, ‘હવે તો તું જેલમાં છે... કાલ સવારે તારી આ માને અને તારી બહેનને કોઈ રંજાડશે તો તું શું કરશે?’
‘તાઈ, પહેલી વાત... ભૂપતના પરિવારને રંજાડે એ વાતમાં હવે કોઈ માલ નથી.’ ભૂપતે ઢળેલી પાંપણ ઊચી કરી, ‘અને એમ છતાંય ધાર કે એવું થયું તો એટલી ખાતરી રાખજે કે તારો આ દીકરો જેલ તોડીને આવતાં પણ ખચકાશે નહીં...’
એ જ સમયે બે ચોકીદાર ઓરડીમાં આવ્યા એટલે હુમાતાઈએ નાછૂટકે બહાર નીકળવું પડ્યું. જોકે જતાં-જતાં તે ભૂપતને સલાહ આપવાનું ચૂક્યાં નહીં.
‘દીકરા, જેલ તોડવી પડે એવું કોઈ કામ કરવું નથી... નવાબસાહેબની માફી માગી લેશે તો સજા હળવી થઈ જશે. તારા માટે નહીં તો તારી આ મા માટે, તારી બે બહેન માટે પણ માફી માગી લેજે...’
હુમાતાઈ મુલાકાતીની ઓરડીની બહાર નીકળતાં હતાં ત્યાં તેમની પીઠ પર ભૂપતનો અવાજ અથડાયો.
‘માફી માગીશ નહીં; પણ હા એટલું યાદ રાખજે કે નવાબસાહેબે માફી માગવી પડે એવી હાલત તેમની ચોક્કસ કરી દઈશ...’
હુમાતાઈએ પાછળ ફરીને જોયું, પણ જાળીની પાછળનો ભાગ ખાલી હતો. ભૂપત ઉતાવળા પગલે પોતાની કોટડીમાં રવાના થઈ ગયો હતો.
જૂનાગઢ સેન્ટ્રલ જેલના મધ્યસ્થ ખંડમાં એક આલીશાન સિંહાસન મૂકવામાં આવ્યું હતું, જેમાં નવાબ મહોબતઅલી ખાન બિરાજમાન હતા. સિંહાસન પાસે એક નાનકડી પાટલી મૂકવામાં આવી હતી. નવાબનો જમણો પગ એ પાટલી પર હતો અને ડાબો પગ તેમણે જમણા પગ પર ચડાવ્યો હતો. સિંહાસનની પાછળ એક ચાકર ઊભો હતો. ચાકરના હાથમાં હાથ-વીંઝણું હતું, જેનાથી તે નવાબને હવા નાખી રહ્યો હતો. નવાબના જમણા હાથ તરફ વાઘજી ઠાકોર ઊભા હતા. વાઘજીના ચહેરા પર અકળામણ પથરાયેલી હતી અને બન્ને નેણ નાકની ઉપરના ભાગ તરફ એક થઈ ગયાં હતાં. તેમની નજર મધ્યસ્થ ખંડના દરવાજા પર ચોંટેલી હતી અને વિચારો આગલી રાત પર.
‘એવું તે શું છે કે નવાબસાહેબ તને મળે?’ વાઘજી ઠાકોરે જમીન પર બેઠેલા ભૂપતને ફરીથી લાત ઠોકી. ભૂપત દીવાલ સાથે અફડાયો. જોકે આ અથડામણની કોઈ પીડા તેના ચહેરા પર દેખાઈ નહીં એટલે વાઘજી ઠાકોરનો ગુસ્સો દારૂગોળાની જેમ ફૂટ્યો, ‘તને કહું છું હરામખોર... તને ભાન છે નવાબસાહેબ કોણ છે? આ આખા રાજના રાજવી છે. તારા જેવા એક લાખ લોકો તેમના આશરે જીવે છે, તેમના નામની માનતા રાખે છે અને નવાબસાહેબની મૂર્તિ બનાવીને પૂજા કરે છે... નવાબસાહેબ તારા જેવા ખૂનીને મળવા આવે, અહીં... એમ?’
‘અહીં આવે એવું કોણ કહે છે... નવાબ કહેવડાવે તો હું મહેલમાં આવવા તૈયાર છું... એમાં હું કંઈ નાનો નહીં થઈ જાઉં.’
ભૂપતના ચહેરા પર વાઘજી ઠાકોરે બીજી લાત ઠોકી. આ લાતથી ભૂપતના હોઠના ખૂણા ફાટuા અને એમાંથી લોહીનું ટશિયું ફૂટ્યું.
‘સાલ્લા, તું નાનો નહીં થઈ જા એમ? ચડ્ડી પણ કપાવીને પહેરવી પડે છે અને નવાબસાહેબની સાથે જાતને સરખાવે છે.’
‘ખાલી સરખામણી કરી એમાં પેટમાં બળતરા ઊપડી ગઈ. જે દિવસે નવાબસાહેબથી મોટી રિયાસત ઊભી કરી લઈશ એ દિવસે તો કોણ જાણે કેવી આગ લાગશે તમને...’
વાઘજી ઠાકોર ફરીથી એક ઠોકવા ગયા, પણ જેલરે તેમને રોકી લીધા અને કાનમાં આછોસરખો ગણગણાટ કર્યો.
‘નવાબસાહેબને મળવાનો આગ્રહ રાખે છે એવું નથી ઠાકોરજી, તે નવાબસાહેબની કોઈ વાત એવી જાણે છે જેના કારણે આટલી હોશિયારી દેખાડે છે... નવાબસાહેબને એક વાર વાત કરી જુઓ. બને કે નવાબસાહેબ મળવા તૈયાર થઈ જાય.’
‘પણ આવા હલકા માણસને થોડું મળવાનું હોય?’
‘કેટલીક વખત ખાનગી માહિતી માણસને વજનદાર બનાવતી હોય છે.’
જેલમાંથી નીકળીને મહેલે પહોંચ્યા પછી વાઘજી ઠાકોરે જેલરના આ જ શબ્દોનો ઉપયોગ નવાબની પાસે કર્યો હતો.
‘ભૂપત કંઈક ખાનગી વાત જાણે છે એવું અત્યારે લાગી રહ્યું છે... આપ જો આદેશ આપતા હો તો ખાનગી રીતે ભૂપતને એક વાર અહીં લઈ આવું...’
‘તમે વાત ન કઢાવી શક્યા?’
નવાબનો આ સવાલ વાઘજી ઠાકોરને હૈયાસોંસરવો ઊતરી ગયો હતો. આટલાં વષોર્માં એક પણ ઘડી એવી નહોતી આવી જેમાં નવાબે તેમને તમામ સત્તા આપી હોય અને એ પછી પણ તે કામ ન કરી શક્યા હોય.
- હરામખોર ભૂપત...
વાઘજી ઠાકોરના મોઢામાંથી ગાળ નીકળી ગઈ.
‘વાત કઢાવવી અઘરી નથી અને વાત કઢાવ્યા વિના તેને જમીનમાં દાટી દેવાનું કામ પણ અશક્ય નથી... મને લાગ્યું કે આપ જો તેને એક વાર મળવા માગતા હો તો...’
‘કોઈના નામે પોતાની નિષ્ફળતા છુપાવે તેને નામર્દ કહેવાય... આવતી કાલે બપોરે બાર વાગ્યે હું જેલમાં આવું છું.’ નવાબ મહોબતઅલી ખાન ઊભા થયા, ‘આશા રાખું છું કે જેલરને જાણ કરવા જેવું કામ તો આપ કરી શકશો...’
મધ્યસ્થ ખંડનો દરવાજો ખૂલ્યો. દરવાજામાંથી પહેલાં બે સિપાઈ દાખલ થયા. નવાબની નજર દરવાજા પર ચોંટેલી હતી. એવું જ વાઘજી ઠાકોરનું હતું. તે બન્ને ભૂપતને જોવા માટે તરસતા હતા. ધારણા હતી કે સિપાઈની પાછળ ભૂપત દાખલ થશે, પણ ભૂપતને બદલે જેલર દાખલ થયા.
‘સલામઆલેકુમ નવાબસાહેબ...’
‘વાલેકુમઅસ્સલામ...’ નવાબસાહેબે હોઠ ગણગણાવીને પરંપરા નિભાવી અને પછી તેમનો અવાજ મોટો થયો, ‘ભૂપત ક્યાં છે?’
‘આ આવ્યો...’
જેલરે દરવાજા તરફ હાથ કર્યો અને એ જ ક્ષણે ભૂપત અંદર દાખલ થયો. હત્યાના આરોપીઓના હાથ અને પગમાં સામાન્ય રીતે બેડીઓ પહેરાવવાની પ્રથા હતી, પણ ભૂપતનાં બાળકાંડાંની ગોળાઈની બેડીઓ ન હોવાથી તેના હાથે અને પગે દોરડાં બાંધવામાં આવ્યાં હતાં. બેડી કે દોરડાંને કારણે સામાન્ય રીતે કેદીઓનાં કાંડા છોલાઈ જતાં, પણ દોરડાંની અસર ભૂપતના હાથ-પગ પર દેખાતી ન હોવાથી વાઘજી ઠાકોરે અનુમાન બાંધી લીધું હતું કે નવાબની ગેરહાજરીમાં આ છોકરાને છૂટો રહેવા દેવામાં આવતો હશે. આ બાબતમાં જેલરનો પછી દાવ લેવાનું વાઘજી ઠાકોરે એ જ મિનિટે નક્કી કરી લીધું હતું.
‘બોલ, શું કામ હતું તારે...’ નવાબે ચોખવટ પણ કરી લીધી, ‘તારા મોટા બાપુ કર્ણવીરસિંહને માન આપું છું એટલે આજે આ રીતે તને મળવા આવ્યો. આ મુલાકાતનો બીજો અર્થ કાઢવાની જરૂર નથી...’
‘વાત સીધી હોય ત્યારે મને હંમેશાં પહેલો અને સીધો અર્થ કાઢવાની આદત છે.’
આ પણ વાંચો: ડાકુ - વટ, વચન અને વેર ( પ્રકરણ 304)
કુતુબની આંખો સામે આઝાદી પહેલાંનું જૂનાગઢ અને નવાબનું શાસન આવી ગયું હતું. જોકે પીઠ પાછળ આવી રહેલા મોતનો તેને કોઈ અંદેશો નહોતો.
(વધુ આવતા શનિવારે)