કથા-સપ્તાહ : ભાઈ-ભાઈ (રિશ્તા ખૂન કા – ૫)

Published: 3rd August, 2012 06:21 IST

‘આજે હું ડૉક્ટર થઈ હોઉં, ઓપન હાર્ટ સર્જરીમાં મારું નામ થયું હોય તો એની પાછળ મારા એક ભાઈનું સપનું અને એ સપનાને સાકાર કરવાની બીજા ભાઈની લાગણી કારણભૂત છે.’

 


અન્ય ભાગ વાચો

1  |  2  |  4  |  5  |

 

 

 

 

 

માઇક પર રેવાનો વાણીપ્રવાહ અસ્ખલિતપણે વહેતો રહ્યો. આમ તો મેડિસિનનું ભણ્યા પછી ડૉ. નિનાદ ત્રિપાઠીની મુખ્ય મદદનીશ તરીકે જોડાયા પછી ભાગ્યે જ કામમાંથી ફુરસદ મળતી હોય, પરંતુ પોતાને ત્યાં સારવાર લઈ ચૂકેલાં ‘સ્ત્રી’નાં મંત્રી વનલતાબહેનનો આગ્રહ ટાળી ન શકાયો. શ્રીમંત સમાજનું મહિલામંડળ સમાજના પછાત વર્ગના તારલાઓને પણ સન્માને એની દાદ દેવા પણ હાજર રહેવું પડ્યું! ‘બે શબ્દો’માં તેણે ભાઈઓને સંભાર્યા, સહેજ લાગણીવશ થઈ જવાયું.

‘અમારા ઉછેર ખાતર ભાઈએ પોતાનો અભ્યાસ છોડ્યો...’

અને સત્યેનના પાછા થતાં છૂટ્યું હતું ગામ!

‘અમને કોઈએ જાણ ન કરી? અરે, બાપ છું તેનો, દીકરાનાં અંતિમ દર્શને ન થવા દીધાં?’

સત્યેનને વળાવ્યાના બીજા દિવસે કૃશકાય આનંદ સાવકી મા જોડે મોટે-મોટેથી બોલતો આવ્યો ત્યારે છાયાઆન્ટીએ પાધરુંક કહેલું - આનંદકુમાર, તમે ખરખરે આવ્યા છો કે ઝઘડવા? હેબતાયેલી રેવાએ અનિરુદ્ધની આડશ લઈ લીધેલી. ફોટા પરથી સ્વાતિને મા તરીકે ઓળખનારી રેવા માટે પિતા-સાવકી માતાનો એ કદાચ પ્રથમ પરિચય હતો.

‘અમને ખબર પડી,’ ઇન્દુમતીએ આંગળી ચીંધેલી, ‘બધું આ છોકરીને કારણે બન્યું!’

લાલુભાઈના મોતમાં પોતાને જવાબદાર ઠરાવાય છે એટલું તો રેવાને સમજાયું.

‘બસ!’ અનિની ત્રાડે સોપો સર્જેલો, ‘તમારા દિલાસાની અમને જરૂર નથી. બનાવટી શોકનું પ્રદર્શન પૂરું થયું હોય તો સિધાવો.’

‘અહીં રોકાય મારી બલારાત,’ સટાક કરતી ઊભી થયેલી ઇન્દુમતીએ મોકો વિસારી, મોભો ભૂલી પતિને ટોણો માર્યો હતો, ‘આવું તમારું લોહી! હવે ઊઠો, મારા પાણી વિનાના ભરથાર! અને હા, કહી દઉં છું, હવે તમારો દીકરો મરે કે દીકરી, ખરેખરે આવે તે બીજા!’

ઝૂકેલી ગરદને આનંદ બૈરીના પગલે નીકળી ગયો હતો.

‘મને ઇન્દુમતી પર ભરોસો નથી. તે ગમે ત્યારે આવી રેવાનું મન ડહોળી ગઈ તો...’ અતિ-આસ્થાની ચર્ચા સાંભળતી રેવાને આજેય અનિના આ વાક્યનો સાચો સંદર્ભ નથી માલૂમ. ઇન્દુમતી સત્યેનના મૃત્યુમાં મને કારણભૂત ગણાવી મહેણાં મારે એવી મોટા ભાઈને ફિકર હોવી જોઈએ, એટલું જ તે ધારી શકેલી.

રેવાને ખુદને ક્યારેક અપરાધભાવ જન્મતો : ફ્રૉકને ખાતર હું રડી ન હોત તો! લાલુભાઈને દોડતા જોઈ મેં રોક્યા હોત તો! મારા માટે વહાલનું એક ઝરણું સદાને માટે સુકાઈ ગયું!

‘આમાં તારો કોઈ વાંક નથી, બેટા, લાલુ આમેય કાચનું વાસણ જ હતો!’ અનિની હૂંફ તેના કુમળા હૈયે મલમપટ્ટી કરતી. આસ્થા એમાં સાથ પુરાવતી, ‘તારા લાલુભાઈનું સપનું હતું રેવા કે તું બહુ મોટી ડૉક્ટર બને...’

તો-તો હું જરૂર ડૉક્ટર બનીશ! રેવાને જીવનનું ધ્યેય મળ્યું. તેને ભણાવવાની જવાબદારી ઉઠાવતી આસ્થા પતિને સમજાવતી : અનિ, તમેય હવે સ્વસ્થ બનો. તમને રિબાતા જોઈ સત્યેનનો આત્મા કેટલું દુભાતો હશે!

અનિ માટે એ એટલું આસાન ક્યાં હતું? ઘરના કણેકણમાં સત્યેનની યાદો સમાઈ હતી. ગૅરેજમાં જતો ત્યારે ભ્રમ થતો - લાલુએ દવા લીધી? તે સ્કૂલેથી આવ્યો? બીજી પળે કડવી વાસ્તવિકતા ભોંકાતી. તે વિચલિત થઈ ઊઠતો. છેવટે લાલુની યાદોનું ભાથું બાંધી નવા શહેર મુંબઈ શિફ્ટ થયાં. ત્યાં સેટલ થવાના સંઘર્ષમાં ધીરે-ધીરે અનિની ગાડી પાટે ચડી.

આ વર્ષોમાં ચટ્ટાનની જેમ અડગ રહી હતી આસ્થા. તેણે અનિને તૂટવા ન દીધો. રેવાને ક્યારેય હેતની ઊણપ કળાવા ન દીધી. રેવાએ એમબીબીએસમાં ટૉપ કર્યું ત્યારે અનિ ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતો : જો લાલુ, આપણી બહેન ડૉક્ટર થઈ ગઈ, તારું સ્વપ્ન તેણે સાકાર કરી બતાવ્યું!

‘મોટા ભાઈ, આજે હું કંઈ માગું, આપશો?’ રેવાએ અનિનો હાથ હાથમાં લઈ ભીના કંઠે ઉમેર્યું હતું, ‘ભાઈ-બહેન માટે તમે અડધી જિંદગી ખર્ચી નાખી... હવે થોડું આસ્થા માટે જીવો.’

‘અરે, રેવા!’

‘બસ, ભાભી, હું એટલી પણ અબુધ નથી કે તમારું સમર્પણ મને ન પરખાય. પહેલાં કરકસરને કારણે ને પછી મારો અભ્યાસ ન બગડે એટલા ખાતર તમે ગોદ સૂની રાખી છે. ભાઈ તો પોતાની બહેન માટે ગમે એ કરી જાણે, પણ તમે જે કર્યું છે, ભાભી, એ તો એક મા જ કરી શકે.’

આસ્થાએ કૃતાર્થતા અનુભવેલી.

‘મારી ગોદ ભલે સૂની હતી. અમારા વહાલના કેન્દ્ર જેવી તું તો હતીને!’

‘નો મોર ટિયર્સ, ભાભી,’ પછી કાનમાં મશ્કરી માંડી હતી, ‘પ્રેગ્નન્સી કન્ફર્મ ન થાય ત્યાં સુધી તમારે કે ભાઈએ રૂમમાંથી બહાર નીકળવાનું નથી, શું સમજ્યાં?’

ચોક્કસપણે દામ્પત્યમાં નવપ્રારંભની એ વેળા હતી. આટલાં વરસોમાં અનિએ પોતાનું ગૅરેજ ઊભું કર્યું, બંગલો બનાવ્યો, રેવા ડૉક્ટર થઈ. આ આખી સફરમાં જે સદૈવ હસતા મુખે પડખે ઊભી રહી તે પત્નીને રીઝવવામાં અનિરુદ્ધે કસર ન છોડી. પૂરા મહિને આસ્થાએ પુત્રરત્નને જન્મ આપ્યો. નવજાત શિશુનો દેહ પતિને સોંપી તે મૃદુ મલકી હતી,

‘લો, આપણો લાલુ આવી ગયો!’

અને દીકરાને છાતીસરસો ચાંપતાં અનિની આંખો ભીંજાઈ હતી.

‘ભાઈ, હાથ ધરો તો.’

રેવાએ રાખડી બાંધતાં વરસોથી બંધ પડેલી પ્રથા ફરી શરૂ થઈ.

‘ફોઈ તરીકે હું તો બચ્ચાનું નામ સત્યેન જ રાખવાની...’ કહેતી રેવાએ ઓવારણાં લઈ બાળકના કાંડે ફૂમતું બાંધ્યું, ‘અને બળેવ પર મારા લાલુભાઈને રાખડી પણ બાંધવાની.’

શ્રાવણી પૂનમે (રક્ષાબંધને) જન્મેલા દીકરાએ વરસો અગાઉ એ જ દિવસે રૂઠેલા સત્યેનની ખોટ સરભર કરી હોય એમ સંસારમાં પહેલાં જેવો ધબકાર પ્રવેશ્યો. છાયાબહેન એથી સવિશેષ ખુશ હતાં. હાર્ટ-સજ્ર્યન થઈ ડૉ. ત્રિપાઠીની હૉસ્પિટલમાં જૉઇન થયેલી રેવાનાં લગ્ન માટે હવે સૌ આતુર હતા. એમાં તેનો સહપાઠી ડૉ. નચિકેત ત્રિવેદી સૌની નજરમાં જચ્યો હતો. રેવા-નચિકેત એકમેકને પસંદ કરતાં હતાં. બન્ને પક્ષના વડીલોની સહમતી હતી એ હિસાબે ગોળધાણાની ફૉર્માલિટી જ બાકી રહેતી હતી. બહેનની કન્યાવિદાયની વાતોથી અતિ રડમસ બની જતો. જોકે રેવાને ખાતરી છે કે ભાભી આ વેળા પણ ભાઈને સાચવી લેશે.

એમાં હવે આજનું ગેધરિંગ.

સ્ટેજ પરથી ભાઈ-ભાભીનાં ગુણગાન ગાતી ડૉક્ટરને સાંભળ્યાં પછી ચારુબહેને ડોક ધુણાવી : અંહ, બે ભાઈઓની એકની એક બહેનને હું જાણતી નથી, નક્કી મને ભ્રમ થયો!

€ € €

‘અરે, આન્ટી, તમે!’

હજી ગયા વીકમાં જેમને ‘સ્ત્રી’ના ફંક્શનમાં મળવાનું થયું તે ચારુબહેનને રેવા હૉસ્પિટલનાં પગથિયાં ચડતાં જ ઓળખી ગઈ. હંમેશાં સ્મિત ફરકાવતી રેવા તેની કુશળતાને કારણે દરદીઓમાં પ્રિય હતી એટલી જ માયાળુ સ્વભાવને લઈ સ્ટાફની ફેવરિટ હતી. ચૅરિટીમાં હરદમ અગ્રેસર. નચિકેતમાં પણ આ જ ક્વૉલિટી હતી. બન્નેની જોડી જુગલે જામતી. પેટે પાટા બાંધી ઉછેરનાર વિધવા માના સંસ્કારે ઊજળો નચિકેત રેવાને અનિરુદ્ધ જેવો જ આદર્શવાદી લાગતો. નિ:સંતાન ડૉ. ત્રિપાઠી બન્નેને પોતાનાં ખરાં વારસદાર ઘોષિત કરી ચૂક્યા હતા. અત્યારે પણ નચિકેત રેવા જોડે જ હતો. રેવાએ અરસપરસનો પરિચય આપતાં ચારુબહેન બોલી ઊઠ્યાં, ‘તારા અંકલને છાતીમાં દુખાવો થતાં ઍડમિટ કર્યા છે- નિરંજન મહેતા, રૂમ નંબર - ૧૦૮, ડૉ. ત્રિપાઠી પોતે તેમને અટેન્ડ કરે છે.’

બોલનારના સ્વરમાં શ્રીમંતાઈનો, પોતાની પહોંચનો રણકો હતો. રેવાને આવો ઍટિટ્યુંડ સહેજે પસંદ નહોતો, ‘ઓહ, એમ વાત છે!’ કહી તે નચિકેત જોડે સરકી ગઈ. રસ્તામાં મળેલી મૅડમને યાદ અપાવ્યું, ‘સુમનબહેન, બપોરે હું છાયાઆન્ટીને ચેક-અપ માટે લાવવાની છું. એની તૈયારી રાખજો.’ હમણાં મુંબઈ આવેલાં છાયાબહેનના ફુલ બૉડી ચેક-અપનો આગ્રહ રેવાએ જ રાખેલો: ઉંમર વધતાં વરસે એક વાર બધું ચેક કરાવેલું સારું!

પોતાની જિંદગીના સૌથી મોટા ભેદ પરથી પડદો ઊંચકાવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે એની રેવાને ક્યાં જાણ હતી?

€ € €

હું આ શું જોઉં છું! છાયાબહેનના પગ હૉસ્પિટલની આરસની ફર્સ પર જડાઈ ગયા : એ જ ગોળ ચહેરો, શ્રીમંતાઈનો એવો જ ઠસ્સો, અવાજના રણકામાં એ જ મગરૂરી... આ તો રેવાની અસલ મા ચારુ! નર્સને પૂછી તેમણે કન્ફર્મ કર્યું : ત્યારે તો નિરંજન મહેતા બાયપાસ સર્જરી માટે દાખલ થયા છે! પિતાની સારવાર ત્યજાયેલી પુત્રી કરશે? રેવા ચહરે-મહોરે મા-બાપને મળતી નથી એટલે કોઈને અંદાજોય નહીં આવે, પણ શું રેવાને સત્ય કહી દેવું જોઈએ? ચેક-અપ માટે આવેલાં છાયાબહેન ગૂંચવાઈ ગયાં!

€ € €

‘રેવાનાં જૈવિક માતા-પિતા વિશે જાણવાની જિજ્ઞાસા મેં ક્યારેય રાખી નહોતી. આજે સત્ય સામે છે ત્યારે પણ સરોગેટ મધરની કૂખે જન્મેલી રેવાને તે દીકરી હોવાને કારણે તેના સગા માવતરે તેને ત્યજી હોવાનો ભેદ તેના હિતમાં આપણે અકબંધ રાખવો રહ્યો.’

બંધ કમરામાં અનિ, આસ્થા અને છાયાબહેન વચ્ચે ચર્ચાતો ભેદ ત્રણેને જમવા માટેનો સાદ પાડવા આવેલી રેવાના કાને અનાયાસે ઝિલાયો : હું ભાઈની સગી બહેન નથી? તોય તેમણે મને આટલું ચાહી, પોતાની જિંદગી ઘસી નાખી, અરે, મારાં આંસુ ખાતર લાલુભાઈએ પોતાનો જીવ ખોયો!

સામા પક્ષે, મારા બાયોલૉજિકલ પેરન્ટ્સ?

રેવાની છાતીમાં રોષ ધગધગવા લાગ્યો. મને ન સ્વીકારી ભલે, પણ લાલુની સારવાર જેટલી મદદ કરી હોત તો હું તેમનો અપરાધ માફ કરી દેત! નૉટ નાઓ. મારા ભાઈઓને દુ:ખનો તડકો તમારા કારણે નસીબ થયો, તમારી દીકરીને જણવામાં તેમણે મા ખોઈ, તમે મને તરછોડી ન હોત તો મારા ફ્રૉક ખાતર લાલુભાઈએ દોડવાનું ન થાય ને તો... તો, ચારુ-નિરંજન મહેતા, નો! ભાઈઓનો બદલો આ બહેન લેશે. આજ સુધી ભાઈઓનાં હેતપ્રીતને હું મારો હક સમજતી રહી, એને ઉપકાર ગણી તેમની લાગણીનું અવમૂલ્યન આજેય નહીં કરું, પણ •ણ તરીકે જરૂર સ્વીકારીશ અને આ ઋણ એક જ રીતે ફેડી શકાય એમ છે... રેવાનાં નાખોરાં ફૂલી ગયાં : ખૂન કા બદલા ખૂન!

તમે સારવાર માટે ઍડમિટ થયા છોને નિરંજન મહેતા... તો જાણી લો કે ડૉક્ટર જિવાડે એમ મારી પણ જાણે! હાર્ટ સિંક કરતું એક ઇન્જેક્શન તમારા રામ રમાડી દેશે એની કોઈને ખબરે નહીં પડે!

આવતી કાલે બળેવ છે. આમ તો પસલી ભાઈ આપતો હોય, પણ કાલનું તમારું મોત મારા એક ભાઈને શ્રદ્ધાંજલિ હશે ને બીજા ભાઈને તહેવારની ગિફ્ટ!

રાત વીતતી રહી એમ નિર્ણય ઘૂંટાતો ગયો. વહેલી સવારે ચિત્તમાં નચિકેત ઝબૂક્યો : મારા ઓરિજિનનું સત્ય તેને જણાવવું રહ્યું. મારાથી તેને અંધારામાં કેમ રખાય?

€ € €

બળેવની વહેલી સવારે હૉસ્પિટલની કૅન્ટીનના એકાંતમાં રેવાએ નચિકેત સમક્ષ હૈયું ઠાલવી દીધું, ‘હું તારી હાલત સમજું છું, રેવા. હું તારી સાથે છું.’ નચિકેતે સ્મિત ઊપજાવ્યું ‘મારા માટે તું આજેય અનિરુદ્ધની બહેન છે.’ રેવા હળવી થઈ.

€ € €

‘પૈસા છે તો બધું છે!’ પેશન્ટને ચકાસવા આવેલી રેવાના કાને પતિ-પત્નીના સંવાદ અફળાતા રહ્યા, ‘ભાણિયા-ભત્રીજા બધા તમારાં કદમ ચૂમે છે! આપણને શી ખોટ છે?’

નિરંજનભાઈએ ટાપસી પુરાવતાં રેવાએ દુખતી રગ દબાવી, ‘શેર માટીની ખોટ જેવી તેવી ન ગણાય!’ તેણે સિરિન્જ તૈયાર કરવા માંડી, ‘કમ સે કમ એક દીકરીયે હોત તો...’

‘અરે, દીકરી તો હતી...’ ક્યારેય કોઈને ન કહેલો ભેદ, કોણ જાણે કેમ, આજે શેઠાણી ખોલી બેઠાં, ‘પણ અપશુકનિયાળ નીવડી. જન્મતાં જ તેની સરોગેટ મધરને ખાઈ ગઈ, તેને મળીને પાછાં થતાં અમને અકસ્માત નડ્યો, જેને કારણે નિરંજન ફરી પિતા બની શકે એમ ન રહ્યા... પછી તે દીકરી પનોતી જેવી જ ગણાયને!’

ચારુબહેનને સહેજે અંદેશો નહોતો કે પોતે સગી દીકરી સામે ભાંગરો વાટી રહ્યાં છે! આટલું સાંભળ્યાં પછી રેવાને દ્વિધા ન રહી. તેણે નિરંજનના બાવડે સ્પિરિટ ઘસ્યું, ઇન્જેક્શન મૂકવા તે ઝૂકી જ કે...

ધડામભેર દરવાજો ખૂલ્યો. હાંફતા શ્વાસે અનિએ તેને રોકી.

‘રેવા...’ તેણે કાંડુ ધર્યું. ‘આ કાંડે રાખડી બાંધવાનો હક તારે રાખવો હોય તો તું જે કરવા ધારે છે એ ક્યારેય નહીં કરે!’

પાછળ પ્રવેશતા નચિકેતને જોઈ રેવા સમજી ગઈ. આસ્થાને ભાળી સંકોચાઈ, ‘વિચારે છે, શું રેવા? તું મારો અનાદર કરીશ?’

ચારુ-નિરંજનને કશું સમજાતું નહોતું.

‘મોટા ભાઈ, તમે કઈ માટીના બન્યા છો? આ માત્ર મારો ગુનેગાર નથી...’

‘ગુનેગારને સજા આપવાના બીજાયે તરીકા હોય છે, રેવા. નિ:સ્પૃહ થઈ જા, જેમ હું મારા પિતાથી થયો એમ!’

રેવાની સમજબારી ખૂલી. ઇન્જેક્શન ફેંકી તે અનિરુદ્ધને વળગી પડી. નચિકેતને રાહત વર્તાઈ, આસ્થાએ પ્રભુનો પાડ માન્યો. સત્યેનને તેડીને પ્રવેશતાં છાયાબહેન ‘આ શું તમાશો છે?’ના ચારુબહેનના પ્રશ્નના જવાબમાં એટલું જ બોલ્યાં, ‘તમાશો નહીં તેડાં કરવા આવી છું. દેવ ઊઠતાં અમારી રેવાનાં લગ્ન લીધાં છે એમાં જરૂર પધારજો. દીકરી તમારી છે, પણ તેનું કન્યાદાન અનિ-આસ્થા કરશે.’

હેં!

ચારુબહેન-નિરંજનભાઈ મોં વકાસી ગયાં. રેવાના નામ સાથે મેળ ખાતું સ્વાતિ આનંદ કોઠારીનું નામ ત્યારે ઝબૂક્યું! ડહાપણ વાપરી નચિકેતે અનિરુદ્ધને વિશ્વાસમાં લેતાં જે બનતાં-બનતાં રહી ગયું એની જોકે જાણ ન થઈ છતાં તે બોલ્યા વિના ન રહ્યાં : અમે દીકરીને સ્વીકારી નથી એટલે જાયદાદમાંથી ફદિયુંય મળવાનું નથી એ યાદ રાખજો!

‘મને ખરી દોલત તો તમે મને તરછોડીને આપી છે, પણ એના મોલ તમને નહીં સમજાય!’ રેવાએ કહ્યું, પછી પરિવાર સહિત ત્યાંથી નીકળી ગઈ, પાછું વળી જોયું સુધ્ધાં નહીં!

€ € €

ઉપસંહાર

શું આનંદ-ઇન્દુમતી કે શું ચારુ-નિરંજન. કેટલાક લોકો ક્યારેય બદલાતા નથી. અનિ-રેવાને જોકે એની પરવા પણ નથી. ભાઈ-બહેન પોતપોતાના સંસારમાં સુખી છે. દુ:ખના લાંબા તાપ પછી સાંપડેલો છાંયડો હરહંમેશ રહેવાનો છે.

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK