કથા-સપ્તાહ : ભાઈ-ભાઈ (રિશ્તા ખૂન કા – ૨)

Published: 31st July, 2012 05:25 IST

પોતાની કૂખ ઉછીની આપી બીજી સ્ત્રીને માતૃત્વ બક્ષવાની વિજ્ઞાનની સિદ્ધિ હવે નવી નથી રહી. આની એક વિશેષતા એ છે કે ગર્ભનો પિંડ મા-બાપના બીજ થકી જ બંધાય છે, માત્ર એનો ઉછેર પરસ્ત્રીના ગર્ભાશયમાં થાય છે. પુત્રી માટે મા સરોગેટ મધર બની હોય એવા કિસ્સા પણ નોંધાયા છે, જ્યારે પામતા-પહોંચેલા લોકો પૈસા ચૂકવી ગર્ભાશય ભાડે લેતા હોય છે!

 


અન્ય ભાગ વાચો

1  |  2  |  |

 

 

 

સરોગેટ મધર!

પોતાની કૂખ ઉછીની આપી બીજી સ્ત્રીને માતૃત્વ બક્ષવાની વિજ્ઞાનની સિદ્ધિ હવે નવી નથી રહી. આની એક વિશેષતા એ છે કે ગર્ભનો પિંડ મા-બાપના બીજ થકી જ બંધાય છે, માત્ર એનો ઉછેર પરસ્ત્રીના ગર્ભાશયમાં થાય છે. પુત્રી માટે મા સરોગેટ મધર બની હોય એવા કિસ્સા પણ નોંધાયા છે, જ્યારે પામતા-પહોંચેલા લોકો પૈસા ચૂકવી ગર્ભાશય ભાડે લેતા હોય છે!

આવી જ એક તક આનંદ-સ્વાતિએ જોઈ.

‘સ્વાતિ, આજે દવાખાનામાં ડૉક્ટરમૅડમ પર મુંબઈથી તેમની ફ્રેન્ડ મયૂરીબહેનનો ફોન આવેલો, તે પણ મુંબઈમાં ગાયનેક ડૉક્ટર છે.’ પ્રસ્તાવના બાંધી આનંદે સ્વાતિને જાણ કરી હતી : તેમના કોઈ પેશન્ટ માટે મયૂરીબહેને આપણા ડૉક્ટરને સરોગેટ મધર શોધવાની ટહેલ નાખી. હું ત્યારે કૅબિનમાં હાજર હતો. મને અંદાજો આવી ગયો. ફોન પતતાં જ મેં મૅડમને કહી દીધું - પાર્ટી પૈસાદાર હોય તો સ્વાતિ મા બનશે, લાલુના ઇલાજ માટે અમને રૂપિયાની જરૂર છે!

સ્વાતિને આમાં ઇનકાર હોય જ નહીંને! કૂખ ભાડે આપવાની વાત નવી નહોતી. મારા લાલુને બચાવવા બીજી સ્ત્રીનો લાલ જણવામાં મને સહેજે વાંધો ન હોય!

ખુદ સ્વાતિના મોંએ હકાર જાણ્યા પછી માયાબહેનને દ્વિધા ન રહી. જાણું છું સ્વાતિ, તારા માટે આ સોદો નથી, સમર્પણ છે! સંતાન માટે માતા શું કરી શકે એનો દાખલો તેં બેસાડ્યો છે. માના આવા ગુણને કારણે જ કદાચ કવિએ ગાયું હશે - જનની જોડ, સખી નહીં જડે રે લોલ!

‘આ સોદો ભલે નથી, મૅડમ,’ આનંદે ગળુ ખંખેર્યું, ‘પરંતુ આ નિર્ણયથી સત્યેનને લાભ થાય એમ અનિરુદ્ધને પણ ફાયદો થવો જોઈએ - એટલે કે પાર્ટી પાસેથી આપણે થોડું વધારે જ માગીશું.’

‘એમ કોઈની જરૂરિયાતનો ગેરલાભ ન લેવાય, આનંદ...’ સ્વાતિ બોલી પડી, ‘આપણું ધ્યેય લાલુના ઑપરેશનનું છે. એ પૂરું થવું જોઈએ.’

‘પણ સાથે બન્નેના ભવિષ્ય ખાતર બે-ચાર લાખ વધુ માગી જોવામાં શું વાંધો છે! લાગ્યું તો તીર.’

‘એ બધું તમે પાર્ટી જોડે ડાયરેક્ટ નક્કી કરી લેજો, એમાં હું વચ્ચે નહીં પડું.’ માયાબહેને ઉમેર્યું, ‘બાકી તમારો હકાર, તમારી ફૅમિલી હિસ્ટ્રી મેં ડૉ. મયૂરીને પહોંચાડી દીધી છે. એક વાત કહી દઉં, સામી પાર્ટીને દીકરામાં રસ છે, અને સ્વાતિને બન્ને ડિલિવરીમાં પુત્રો થયા છે એટલે આપણી દેશી માન્યતા પ્રમાણે એની ગાંઠ દીકરાની ધારી કપલ તૈયાર થઈ જાય એવી શક્યતા વધુ છે. મારા ખ્યાલથી અઠવાડિયામાં ચિત્ર સાફ થઈ જશે.’

‘મૅડમ, હવે તો કહો, પાર્ટી છે કોણ?’

‘મુંબઈના ગર્ભશ્રીમંત ગુજરાતી પરિવારનાં એકમાત્ર દીકરા-વહુ નિરંજન મહેતા અને તેમનાં ધર્મપત્ની ચારુ મહેતા.’

€ € €

સ્વાતિ આનંદ કોઠારી.

મુંબઈથી આણંદની સફરમાં ચારુએ કેટલીયે વાર આ નામ મમળાવ્યું : આજે ડૉ. માયા દવેની કૅબિનમાં અમારે આ સ્ત્રીને અને તેના પતિને રૂબરૂ મળવાનું છે. આનંદ કોઠારી વૉર્ડબૉય છે એટલે દંપતી ઝાઝું ભણ્યું નહીં હોય, આર્થિક સ્થિતિ અતિસાધારણ અને એમાં પછી દીકરાની માંદગી! બાપ રે. પરવડતું ન હોય તો છોકરાં પેદા શું કામ કરો છો? ભારતભરના ગરીબોની ફરજિયાત નસબંધી કરાવી દેવાય તો કદાચ વસ્તીવિસ્ફોટ અટકે અને દેશનો ઉદ્ધાર થાય!

આમ વિચારતાં ચારુશેઠાણી ભૂલી ગયાં કે અન્ય સ્ત્રીની આર્થિક મજબૂરીને કારણે જ તેમના જેવા અમીરોની ઝોળી ભરાતી હોય છે, ક્યારેક.

‘યાદ છેને ચારુ, એક-બે બાબતોમાં આપણે નમતું નથી જોખવાનું.’ નિરંજને વધુ એક વાર પત્નીને ગોખાવા માંડ્યું. વૈભવી કારની બે સીટ વચ્ચેનું પાર્ટિશન સરકાવી રાખેલું એટલે ડ્રાઇવરના સાંભળવાના ચાન્સ નહોતા.

‘પ્રસૂતિ આણંદમાં જ થશે એટલે આપણી ઓળખ ગુપ્ત રાખવી પડશે અને સંતાનમાં દીકરો આવે તો જ આપણે કબજો લઈશું...’

ચારુએ સંમતિ દર્શાવી : મોંમાગ્યાં મોલ ચૂકવવાની તૈયારી હોય ત્યારે સોદો આપણા ધાર્યા મુજબ જ પાર પાડવાનો હોયને!

€ € €

હે ઈશ્વર, આજે બધું સમુંસૂતરું પાર ઉતારજે!

તૈયાર થતી સ્વાતિએ પરમાત્માને સંભાર્યા.

બપોરની વેળા હતા. થોડી વારમાં પોતે માયાબહેનની હૉસ્પિટલ પહોંચવાનું હતું. સારા પ્રસંગે પહેરાતી પીળી ભરતકામવાળી સાડી તેણે પહેરી : શ્રીમંતો પોશાક પરથી સામી વ્યક્તિની મુલવણી કરતા હોય છે. અમે ગરીબ ભલે ગણાઈએ, સંસ્કારમાં ઊતરતા ન લાગવા જોઈએ! એટલું વળી સારું છે કે અનિ-સત્યેન સ્કૂલેથી પાછા ફરે એ પહેલાં મેળાપ પતી જવાનો છે. તેમને કે ત્રીજા કોઈનેય સરોગેટ મધર થવાનો ફોડ ક્યાં હજી પાડ્યો છે?

ત્યાં દરવાજાની કડી ઠોકાવાના અવાજે સ્વાતિને ચમકાવી : અત્યારે કોણ હશે? મોટા ભાગનાં સગાં ગામમાં જ હતાં એટલે પરોણા થનારું તો કોઈ ન હોય. ક્યાંક સ્કૂલમાંથી તો...

સ્વાતિને ધ્રાસકો પડ્યો. દેખીતી રીતે સત્યેનને તકલીફ નહોતી, ઇલાજનું નક્કી નહોતું એટલે તેની સ્કૂલ શરૂ કરાવેલી. ડૉક્ટરનું સર્ટિફિકેટ આપી ટીચર્સને અંગતપણે ધ્યાન રાખવા વીનવેલા, રોજ સવારે દોડધામ ન કરવાની સૂચના સ્વાતિ આપતી હોય, અને સૌથી વધુ ભરોસો અનિરુદ્ધનો : તે લાલુને ઊની આંચ નહીં આવવા દે! લાલુ તોફાની રમતો નથી રમી શકતો એટલે તે પણ શેરીમાં ધિંગામસ્તી કરવા ન જતાં બેસીને રમાય એવી શૂન્ય-ચોકડીની રમતો માંડે છે.

હું થાકી જાઉં તો રાતે લાલુને કોળિયા ભરી જમાડી પણ દે! અને સત્યેન પણ ભાઈનો એટલો જ હેવાયો! મારા રામ-લક્ષ્મણની જોડી સલામત રાખજો, ઠાકોરજી!

‘કોણ?’ દરવાજો ખોલતાં પહેલાં ફફડતા જીવે તેણે સાદ પાડ્યો.

‘ચોર!’ સામેથી લહેકાભેર કહેવાયું, ‘આજે તારો સમય ચોરવા આવી છું. હવે ઉઘાડ દરવાજો!’

આટલું હકથી બોલનાર તો તે જ હોય... હરખના આંચકાભેર સ્વાતિએ દરવાજો ખોલ્યો, ‘છાયા, તું! આખરે બહેનપણીની યાદ આવી ખરી. અરે વાહ, જોડે રાજકુમારી જેવી આસ્થા પણ છેને!’

છાયા સ્વાતિની અંગત સખી હતી. પરણીને નડિયાદ સ્થાયી થયેલી છાયાને નાની વયે વૈધવ્ય આવ્યા પછી એકની એક દીકરી તેનો સહારો બની. તેના ઉછેર માટે મન મક્કમ કરી છાયા નર્સિંગનું ભણી, નડિયાદની હૉસ્પિટલમાં નોકરીએ જોડાઈ, બન્ને સહેલીઓ કાગળ-પત્ર અને ફોનથી એકમેકના સંપર્કમાં રહેતી. સત્યેનની બીમારીથી છાયા વાકેફ હોય જ.

‘તું તો જાણે છે સ્વાતિ, મારા દયર-જેઠની નજર કેવી ખરાબ છે. તેમનાથી તંગ આવી મેં સાસરા સાથેનો છેડો હંમેશ માટે ફાડી નાખ્યો છે. ગઈ કાલે જ આસ્થાને લઈ પિયર આવી ગઈ. વયમાં અનિરુદ્ધ જેવી દીકરીને રમકડાંમાં વ્યસ્ત કરી છાયાએ વ્યથા-કથા વર્ણવી. સ્વાતિને મોડું થતું હતું, પણ સખીનું દુ:ખ લૂછ્યા વિના કેમ જવાય?

‘હિંમત રાખ, છાયા, સૌ સારાં વાનાં થશે. હું આનંદને કહી તારી નોકરીનો બંદોબસ્ત પાર પાડીશ.’

‘એટલું થાય સ્વાતિ તો ખોરડું ભાડે રાખી અમે મા-દીકરી સ્વમાનભેર જીવી જઈશું. મહિયરને માથે નહીં પડીએ... સાચું પૂછું તો હું નડિયાદમાં પ્રસૂતિગૃહમાં જ કામ કરતી હતી. આનંદકુમાર તેમને ત્યાં જ જગ્યા ગોતી આપે તો બીજી ચિંતાય નહીં.’

‘ચોક્કસ. માયાબહેન આમેય ભગવાનનું માણસ છે.’ સ્વાતિએ જીભ કચરી, ‘અત્યારે મારે તેમને ત્યાં જ જવાનું છે.’

હવે છાયાના ધ્યાનમાં સહેલીની સજાવટ આવી.

‘શું વાત છે, સ્વાતિ? તું ક્યાંક ફરી પ્રેગ્નન્ટ તો...’

ત્યારે સ્વાતિએ ભેદ ખોલવો પડ્યો.

‘સરોગેટ મધર!’ છાયા અવઢવમાં પડી. સ્વાતિનો નિર્ણય ઉતાવળિયો લાગ્યો, ‘સ્વાતિ, સત્યેન માટે તું જે કરે એ ઓછું, પણ... નવ મહિનામાં તને ગર્ભસ્થ શિશુ જોડે માયા નહીં બંધાય? તેના સાચા માવતરને સોંપીનેય તું તેને ભૂલી શકીશ? સંતાન ખોળામાં રમતું થાય એટલા માત્રથી મા નથી બનાતું, એમ સંતાન ખોળામાં ન રહે એટલે મા મટી પણ નથી જવાતું.’

‘તારો મુદ્દો મને સમજાય છે, છાયા, પણ અત્યારે મને સત્યેન સિવાય કંઈ જ સૂઝતું નથી.’

છાયાએ સ્વાતિનો પહોંચો દબાવ્યો.

‘તારું અંતર ગવાહી દેતું હોય તો બેધડક આગળ વધ. વિધાતાએ આગળનું વિચારીને જ લેખ ઘડ્યા લાગે છે. હું અહીં આવી ગઈ એટલે તારાં બાળકો અને પ્રેગ્નન્સી પણ સચવાઈ જશે.’

સ્વાતિને પણ હવે સરોગેટ મધર બનવામાં ભાગ્યનો જ ઇશારો વર્તાવા માંડ્યો!

€ € €

‘હું તમને અડધો કલાકનું એકાંત આપું છું.’ કહીને માયાબહેન કૅબિનમાંથી નીકળી ગયાની બે મિનિટ તો બન્ને કપલ એકમેકને નિહાળી રહ્યાં. લગભગ સરખી વયનાં, છતાં કપલ્સમાં કેટલો ભેદ હતો!

નિરંજન સ્માર્ટ, ઍક્ટિવ અને ઇમ્પ્રેસિવ હતો. ચારુ ઍટિકેટવાળી, પાર્ટીમાં સજીધજીને આવી હોય તેવી રૂપાળી દેખાતી હતી. આનંદ અત્યારે વૉડબૉયના યુનિફૉર્મમાં નહોતો,

છતાં નિરંજને તેની આંખોમાં ગરજાઉપણું પારખ્યું, જ્યારે સાદી છતાં ગ્રેસફુલ જણાતી સ્વાતિના બદન પર ચિંતા તરવરતી હતી. કદાચ પોતાના દીકરાની - નિરંજને વિચાર્યું.

‘મારા ખ્યાલથી આપણી મુલાકાતના હેતુથી આપણે સૌ વાકેફ છીએ.’ શરૂઆત કરી નિરંજન ઝડપથી મુખ્ય મુદ્દા પર આવી ગયો, ‘તમને કેટલા રૂપિયા અપેક્ષિત છે?’

‘પંદર લાખ.’ આનંદે ત્વરિત રકમ મૂકી દીધી. સ્વાતિને થયું, આનંદ વધુ પડતું માગી બેઠા, પણ...

‘કબૂલ. એક લાખ ઍડવાન્સ, બાકીનું પેમેન્ટ ડિલિવરી પછી.’ નિરંજને વીસ લાખ સુધીની ધારણા રાખેલી એટલે બાર્ગેનિંગ જેવું કંઈ રહ્યું નહીં.

‘ડિલિવરી બાદ!’ સ્વાતિ ચમકી, ‘આમાં તો નવ મહિના લાગી જવાના. અમારે ઉતાવળ છે સાહેબ, દીકરાના ઑપરેશન જેટલું તો પહેલાં આપી દો. જોઈએ તો એટલું જ આપજો.’

‘તું ક્યાં ભોળી છે, ક્યાં મૂરખ!’ ચારુએ દમામથી સંભળાવ્યું, ‘તારો સ્વાર્થ સધાય પછી તું ફરી ગઈ તો? ના, હં. સો રૂપિયાનું શાકભાજી ખરીદીએ ત્યારેય પહેલાં માલ લઈ પૈસા ચૂકવતા હોઈએ છીએ. ત્યારે આ તો લાખોનો સોદો!’

સોદો! આ સ્ત્રી સંતાન જણવવા નીકળી છે કે ખરીદવા? સ્વાતિને અરુચિ થઈ.

 ‘સાચી વાત છે મૅમસાહેબની,’ આનંદે ટાપસી પૂરી, ‘સ્વાતિ, તેમનેય ઉતાવળ છે. તું પ્રેગ્નન્ટ હો તો લાલુના ઑપરેશનની દોડાદોડી આમ પણ થવાની નથી. તારી આ માગ કોઈ કબૂલ નહીં રાખે!’

પણ નવ મહિના સુધી મારો દીકરો જીવશે એની શી ખાતરી! રકમ હાથમાં આવ્યાની ક્ષણે લાલુ જ જો ન હોય તો... સ્વાતિએ મન પર લગામ તાણી :

શુભ-શુભ વિચાર!

‘સાહેબ, અમને મંજૂર છે.’

આનંદ સત્વરે સંમત થયો, ખરેખર તો તેનામાં લાલચ જાગી ચૂકી હતી. દારૂના પીઠા પર સ્વગત બોલી ગયેલો : આવું ધ્યાન પહેલાં આવ્યું હોત તો બૈરીની બે-ત્રણ સુવાવડ કરાવી લાખોપતિ થઈ ગયો હોત!

‘ઉતાવળ નહીં કરો, આનંદ... અમારી બીજી પણ શરતો છે. તમારે પુત્રને જન્મ આપવાનો છે. વી રિક્વાયર ઓન્લી બેબી બૉય. દીકરો નહીં તો બાકીના પૈસા નહીં!’

આ તો વર પણ બૈરી જેવી જ માનસિકતા ધરાવતો લાગે છે! સ્વાતિની અરુચિ વધી, ‘જુઓ ભાઈ, આજના જમાનામાં દીકરા-દીકરી સમાન ગણાય...’

‘બેસ, દોઢડાહી,’ આનંદ ખીજવાયો, ‘બે દીકરા જણ્યા પછી તને ત્રીજો દીકરો જ આવે. ડૉક્ટરમૅડમ પણ આવું કહે છે.’

‘હં. અને ત્રીજી વાત. અમારી ઓળખ ગુપ્ત રહેશે. નેક્સ્ટ ટુ ઇટ, દીકરો અમારા કબજામાં અને બાકીના પૈસા તમારા હાથમાં આવ્યા પછી આપણે એકમેક માટે અજાણ્યા બની જઈશું...’

‘ભલે, એ તો એમ જ હોયને!’

આનંદની કબૂલાતે કૉન્ટ્રૅક્ટ સાઇન થયો. બીજા મહિને સ્વાતિમાં ગર્ભ રોપવાની વિધિ સંપન્ન થઈ.

‘મમ્મી...’ એક દિવસ અનિરુદ્ધ દોડતો આવ્યો, ‘છાયામાસી એવું કહેતાં હતાં કે તું ફરી...’

સ્વાતિની ભલામણથી માયાબહેનના દવાખાને નોકરી મેળવી છાયા નજીકની શેરીમાં રૂમ ભાડે રાખી રહેવા આવી ત્યારથી છોકરાઓને પણ તેની માયા વળગી હતી. અનિ-સત્યેનને આસ્થા જોડે ગોઠી ગયેલું. પોતાની પ્રેગ્નન્સી વિશે અનિને જણાવવાનું છાયાને સ્વાતિએ જ સૂચવેલું. જોકે બચ્ચું બીજાનું છે એ હમણાં કહેવાનું નહોતું.

‘મમ્મી, મને-લાલુને આ વખતે બળેવ પર રાખડી બાંધનારી બહેન જોઈએ...’

બહેન અર્થાત્ દીકરી! અનિના શબ્દોએ સ્વાતિને ધ્રાસકો પડ્યો.

એટલું જ નહીં, એનો ધ્રાસકો સાચો પણ પડ્યો. નવમા મહિને તેને દીકરી જમ્મી!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK