કથા સપ્તાહ : બદનામ જવાની (મૈં એક શરીફ લડકી - ૫)

Published: 31st August, 2012 06:14 IST

ઘૂંટણિયે થઈ, રાતું ગુલાબ ધરતાં આકારે કહેલા ત્રણ શબ્દોએ શર્વરીનું ઊર્મિતંત્ર ઝણઝણાવી મૂક્યું. સમય જાણે થંભી ગયો. કાનોમાં શરણાઈ ગુંજવા લાગી. આ સપનું કે સત્ય?

 

 

અન્ય ભાગ વાંચો

1  |   2  |   3 |   4   |   5 

 

 

‘આઇ લવ યુ!’

ઘૂંટણિયે થઈ, રાતું ગુલાબ ધરતાં આકારે કહેલા ત્રણ શબ્દોએ શર્વરીનું ઊર્મિતંત્ર ઝણઝણાવી મૂક્યું. સમય જાણે થંભી ગયો. કાનોમાં શરણાઈ ગુંજવા લાગી. આ સપનું કે સત્ય?

‘હું તને પસંદ છુંને, શર્વરી?’

હકારમાં પાંપણ ઝુકાવતી શર્વરીના કાળજે ચીરો પડ્યો : શ...ર્વ...રી! ધક્કો લાગ્યો હોય એમ તે દૂર હટી, ‘આકાર, તમે મા...રું ના...મ.’

‘હું શરૂથી સચ્ચાઈથી વાકેફ છું, શર્વરી...’ આકારનો ખુલાસો શર્વરીને હેબતાવી ગયો.

‘અરુંધતી સાથેની મમત તમને ભારે પડી, આકાર! જાણીનેય તમે નાદાની કરી બેઠા?’

‘નાદાની નહીં, પ્યાર કરી બેઠો હું, શર્વરી! તારા મનની પવિત્રતા સામે તનનું અભડાવું મને ગૌણ લાગ્યું...’ આકારે શર્વરીના ખભા પકડી નજર મિલાવી ‘સમાજસુધારકની મોટાઈ પામવા હું તારી માગ ભરવા તૈયાર નથી થયો. મારી પ્રીતને ઉપકાર તરીકે ન જોઈશ.’

ભીની આંખે શર્વરી આકારને વળગી પડી. કેટલો મધુર એ આશ્લેષ હતો! હેતથી તેણે આકારનું કપાળ ચૂમ્યું, ‘હું ધન્ય થઈ, આકાર. મારી બદનામ જુવાનીની પરવા કર્યા વિના તમે મને સ્વીકારવા તૈયાર છો. ઈfવર આટલું રીઝશે એવું કદી ધાર્યું નહોતું, પણ અમૃતનું આચમન કરવાની મારી લાયકાત નથી રહી. મારે ખાતર તમારે દુનિયા સાથે બાથ ભીડવી પડશે ને એની શરૂઆત તમારા ઘરેથી થશે...’ શર્વરીનો સ્વર ધ્રૂજ્યો, ‘કોઈ કાળે હું મા-દીકરા વચ્ચે ફૂટનું કારણ બનવા નથી માગતી. પ્લીઝ, આકાર તમને મારા સમ.’

શર્વરી અળગી થઈ.

‘માને મનાવતાં મને આવડે છે શર્વરી અને દુનિયામાં બીજા કોઈની મને દરકાર નથી...’ આકારની વાણીમાં સંકલ્પનો રણકો હતો, ‘તું માત્ર એટલું કહે...’ તેના ભાવમાં છાની ઈર્ષા પડઘાઈ, ‘તારા નકારમાં ઓમ તો કારણભૂત નથીને!’

‘ઓમ!’ શર્વરીની નજરમાં મીઠો ઠપકો ઊપસ્યો, ‘વાહ, મને એટલું ચાહતા થઈ ગયા કે તમને જલન પણ થવા લાગી!’ પછી ખુલાસો કર્યો, ‘ઓમને હું પ્રોફેશનના દાયરામાંથી અંગતતાના વતુર્ળમાં પ્રવેશેલા મિત્ર તરીકે વર્ણવીશ. ઓમની એવી ઇચ્છા ખરી કે અમે લિવ-ઇનથી રહીએ, પણ હું સંમત નહોતી થઈ - ધો અમારી વચ્ચે ઑફ-કૅમેરા પણ ફિઝિકલ રિલેશન્સ રહ્યા છે.’ શર્વરીએ હોઠ કરડ્યો, ‘તમે નથી જાણતા, આકાર, કંઈકેટલા મરદોએ મારા દેહને ચૂંથ્યો છે. યૌવનનો રસથાળ ભોગીઓએ મનફાવે એમ લૂંટ્યો છે. પીંખાયેલું પુષ્પ દેવતાને ચરણે ન ધરાય, આકાર!’

અને શર્વરી સડસડાટ રૂમમાં દોડી ગઈ. દ્વાર બંધ કરી સ્ટૉપર ચડાવી દીધી!

આજે તું ભલે ન માની શર્વરી, એક દિવસ હું તને મનાવીને રહીશ!

€ € €

‘યસ દીદી. આઇ લવ હર.’ રાત્રે અરુંધતીને વિfવાસમાં લઈ આકારે મદદ માગી : માને રાજી કરવામાં તમે મને સાથ આપશોને?

આકારનો એકરાર મુંબઈમાં અરુંધતીને ધ્રૂજાવી ગયો : આ શું થઈ ગયું! પૉર્નસ્ટાર સાથે પ્રીત? ગાયત્રીઆન્ટી જાણશે તો આકાર ભેગી મારીયે લેફ્ટરાઇટ લઈ નાખશે! ના, આકારને ફોન પર નહીં સમજાવાય... મારે રૂબરૂ જ જવું રહ્યું. ઍટ ધ અર્લીએસ્ટ!

€ € €

‘મારી જિંદગીનો સૌથી ખુશકિસ્મત દિન આજે છે ઓમ, એટલે મિત્રદાવે તમને યાદ કરું છું! જાણો છો, આકાર મને ચાહે છે અને હું આકારને!’

શર્વરીનું બયાન ઓમને અકળાવી ગયું.

‘વાહ રે, બબ્બે વરસના આપણા સહવાસથી હું માત્ર મિત્ર ને ચાર દા’ડાનો સંગાથી આકાર પ્રેમી?’

ઓમનો ઘવાયેલો અહમ્ ખુલ્લો પડી ગયો : મારી સાથેનું લિવ-ઇન ઠુકરાવનારી અન્ય કોઈને સહજીવનનું કમિટમેન્ટ આપી જ  કેમ શકે! શર્વરી પોતાનાથી આગળ નીકળી જવાની પીડા તો હતી જ, એમાં નવા ફણગાએ ઓમને તતડાવી મૂક્યો. શર્વરી માટે તેનું આ રૂપ નવું હતું. જેની પાસે મુબારકબાદીની અપેક્ષા હતી તેનો કટાક્ષ સહન ન થયો.

‘તમે પૂછો છો તો કહું છું, ઓમ... આપણા એક જ વ્યવસાય, છતાં બબ્બે વરસના સહવાસ છતાં, તમે માત્ર લિવ-ઇન પૂરતો જ મારો સાથ માગી શક્યા. આકાર બધાની ઉપરવટ જઈ મને જન્મોજન્મ માટે અપનાવવા ઇચ્છે છે - આમાં કોનું પલ્લું ભારે ગણાય એ તમે જ નક્કી કરો!’

શર્વરી હાંફી ગઈ. ‘ખેર, આકારની મહોબ્બતને હું લાયક ન હોવાની સમજ હોવા જેટલું શાણપણ મને છે, એમ તમારા વ્યંગથી હું આ પળની ખુશીઓને વિખેરવા પણ નથી માગતી... ગુડ નાઇટ, ઓમ!’

એ રાત આકારે મીઠાં ખ્વાબોમાં વિતાવી. શર્વરીએ વિચારોમાં. પછી વહેલી સવારે તે અરુંધતીને પત્ર લખવા બેઠી.

€ € €

‘મા, સીતાનો ગામમાં આજે છેલ્લો દિવસ... કાલ સવારે અમે મુંબઈ પરત થવાનાં. વિચારું છું, આજે તેને વલસાડ ફેરવી આવું... તીથલનો દરિયો, પારનેરાનો ડુંગર...’

ગાયત્રીબહેને ખુશીથી મંજૂરી આપી : જરૂર જાઓ, ભાઈ-ભાભીના આગમને કામની ચિંતા ન કરીશ, સીતા, એ લોકો કંઈ મહેમાન નથી!

ગઈ કાલે પ્રણયના એકરાર પછી બન્ને જાણે સંતાકૂકડી રમતાં રહેલાં છતાં આજનો ફરવાનો પ્રોગ્રામ નક્કી હતો. આકાર પોતાના ઇરાદામાં દૃઢ થયો હતો એમ શર્વરીએ પણ પોતાના નિર્ણયની મક્કમતા ઘૂંટી હતી. આજે આખા દિવસના આઉટિંગમાં કોઈ પણ ભોગે શર્વરીને મનાવી લેવાનો આકારનો આશય હતો એમ શર્વરી પણ શનિવારના આજના દિવસને દિલ ફાડીને વધાવવા આતુર હતી : આજે બસ પાગલપ્રેમીની જેમ જીવી લેવું છે, જેથી મરતી વેળા જિંદગી પ્રત્યે શિકાયત રહે નહીં!

‘શર્વરી, તું ઝટ તૈયાર થઈ જા...’

‘શર્વરી!’ ગાયત્રીબહેને તરત નામભેદ પકડ્યો, ‘આકાર, આજ સવારથી તેં આ બીજી વાર સીતાને શર્વરી કહી બોલાવી!’

માએ કાન ખેંચ્યો હોય એમ બન્ને સહેમી ગયાં, ‘મા, સીતાનું ફિલ્મોમાં નામ શર્વરી રહેશે, એટલે...’

દીકરાના જવાબમાં થડકો વર્તાયો, અને એ થડકો કેમ હતો એનો ખુલાસો તેમના જતાં જ રણકેલા ફોન થકી થઈ ગયો.

‘નમસ્કાર, આન્ટીજી. આપ આકાર શાહનાં માતુશ્રી જને? મારે તમને એક ભેદ કહેવો છે. તમારે ત્યાં જે સીતા બનીને રહે છે, તમારો દીકરો જેને ચાહવા લાગ્યો છે તે ખરેખર તો નગ્ન ફિલ્મોની અતિજાણીતી અભિનેત્રી શર્વરી છે!’

હેં! ગાયત્રીબહેન પૂતળા જેવાં થઈ ગયાં.

‘મારું નામ ઓમ. આમ તો હુંય શર્વરીની જેમ પૉર્નસ્ટાર જ છું, છતાં મને તમારો હિતેચ્છુ માનજો! પાકા પુરાવા લઈ હું તમને મળવા આવી રહ્યો છું, ત્યાં સુધી પ્લીઝ, ધીરજ રાખજો!’

આટલું સાંભળ્યાં પછી કઈ મા ધીરજ રાખી શકે? આકાર સીતાને શર્વરી તરીકે જાણે છે એનો અર્થ એ કે તે શર્વરીના ધંધાથી વાકેફ છે! અને તોયે આવી મૂર્ખામી? ચોક્કસ શર્વરીએ જ મારા લાલને ફસાવ્યો! ના, ના, એમ કોઈના ફોનથી મારે શર્વરી વિશેય ગમે એમ ધારી લેવાનું ન હોય, પણ તો મારે કરવું શું? અને તેમને ઝબકારો થયો : અરુંધતી!

‘આન્ટી, આપને સહી સુના...’

અરુંધતીની કબૂલાતે તેમની તાકાત ચૂસી લીધી.

‘વિfવાસ રાખજો, આન્ટી, જે બન્યું એ મારીયે ધારણા બહાર હતું! હું પણ આવી રહી છું, આન્ટી, સાથે મળીને આપણે આકારને વારવો પડશે!’

€ € €

મુંબઈગરાને દરિયાની નવાઈ ન હોય, છતાં તીથલના બીચ પર શર્વરી એવી ઘેલી થઈ, જાણે પહેલી વાર દરિયે આવી હોય! આકારનો હાથ પકડી પાણીમાં પગલાં પાડ્યાં, રેતીનું ઘર બનાવ્યું, ફરફર ઊડતા દુપટ્ટાસરસો પિયુને દબાવી ઐક્ય પણ માણ્યું. આકારના આનંદની સીમા નહોતી.

‘તું લગ્ન માટે રાજી થઈ, શર્વરી. આનાથી શ્રેષ્ઠ ઉપહાર હોઈ ન શકે!’

‘હું મારી આજને તમારી પ્રણયવર્ષાથી છલકાવી દેવા માગું છું, આકાર!’ પ્રિયતમને વેલની જેમ વીંટળાઈ તેણે કહ્યું, ‘બપોર થવાની, આકાર, હવે પારનેરા જઈશું?’

ડુંગરના ઉલ્લેખે તેણે અવાજ ધ્રૂજવા ન દીધો!

બન્ને પારનેરા ચડતાં હતાં ત્યારે ડુંગરીના ઘરમાં તનાવ ચરમસીમાએ હતો.

€ € €

‘તેં આપેલી છૂટનું જ આ પરિણામ છે, ગાયત્રી!’

હૉલમાં રોષભેર આંટા મારતા મામાએ બળાપો ઠાલવ્યો. ઘરમાં પગ મૂકતાં જ બહેને ઉપાધિ કહી, એના અડધો કલાકમાં વારાફરતી અરુંધતી, ઓમ આવી ચડતાં શર્વરી વિરુદ્ધના પુરાવા પણ સાંપડ્યા. આકાર આટલી ગંદી છોકરી સાથે પરણી જ કેમ શકે?

‘ગંદી... ગંદી... ગંદી!’ છેવટે મામીના હોઠ ઊઘડ્યા, ‘ક્યારનાં આપણે સૌ શર્વરીને ગંદીનું બિરુદ આપી રહ્યાં છીએ, પરંતુ તે પોતાની મરજીથી તો ગંદકીમાં કૂદી નહીં હોય! ખરેખર તો આપણો વિરોધ આવી ઉઘાડી ફિલ્મો સામે હોવો જોઈએ, બાકી એમાં કામ કરનાર મારા-તમારા જેવા ઇન્સાન જને? શા માટે તેને પ્રેમનો અધિકાર નહીં, ઘર વસાવવાનું સુખ નહીં? કલાસર્જક તરીકે અરુંધતી, તમે તમારી ફિલ્મમાં આ જ મેસેજ આપવાના છોને? તો પછી વાસ્તવમાં ઊલટો અભિગમ શા માટે?’

‘ક્યોંકિ આકાર મેરા છોટા ભાઈ જૈસા હૈ... અંગત રીતે હું આટલી ઉદાર નથી થઈ શકતી, સૉરી!’

‘ભાભી, તમને શું થયું છે? શર્વરીની તરફદારી કરતાં શરમાતાં નથી!’

‘આનો જવાબ, ગાયત્રી, તારા ભાઈની એબમાં રહ્યો છે!’ તેમણે આંગળી ચીંધી, ‘સીતાને શર્વરી બનાવવામાં જવાબદાર છે આ ફૉરેસ્ટ ઑફિસર નંદન મહેતા!’

હાજર સૌ મોં વકાસી ગયાં. નંદુમામાની કમર ઝૂકી ગઈ.

‘તેમના પાપે મળેલા નિસાસાએ મારી ગોદ સૂની રાખી. છાતી પર પથ્થર મૂકી મેં તેમને છાવર્યા કર્યા, આજે તમને સમજાય છે, નંદન કે મામાના પાપનું પ્રાયિત્ત ભાણો કરે એ કુદરતનો ન્યાય થયો!’

વિશાખાદેવી હાંફી ગયાં. આ વળાંક કલ્પનાતીત હતો.

‘ભાઈ ઓમ, તેં દર્શાવેલા ફોટા પરથી મેં મારી સીતાને ઓળખી.’

ઓમને ચચર્યું : આ બાઈ બાજી ફેરવી ન કાઢે તો સારું!

‘કેવી પારેવા જેવી નર્દિોષ! સાવકી માના કપટમાં સાથ આપી નંદને તેને પીંખી નાખી.’

આ બધું કદાચ જાહેર ન થાત, પણ ગામ-ઘર છોડવાનું સીતાનું પગલું સવિતા માટે અણધાર્યું નીવડ્યું. રાત વીતવા છતાં દીકરીની ભાળ ન મળતાં હરજી પત્ની પર ભુરાયો થયો : તેં તેનું શું ધ્યાન રાખ્યું? ધણીની ધોલધપાટે સવિતાએ ડાકબંગલાની દિશા ચીંધી : ત્યાંના સાહેબની નજર બૂરી હતી, તેમને પૂછો! પગતળે રેલો આવતાં નંદને ધડ દઈને કહી દીધું : તારી બૈરી જ પાંચ હજારમાં દીકરીની આબરૂનો સોદો કરીને ગઈ’તી! હરજીનો પિત્તો હટ્યો. ત્યાં ને ત્યાં સવિતાનો કબજો ફાડતાં રૂપિયા વેરાયા.

‘ઢોરમાર મારી હરજીએ સવિતાને તગેડી મૂકી. સવિતાના મોહમાં દીકરી પ્રત્યે બેધ્યાન રહેવાનો ગમ કોરી ખાવા લાગ્યો. દીકરીને મૃત માની બાપે કૂવો પૂર્યાની જાણ સીતાને કદાચ આજની તારીખેય નહીં હોય! બદનામી થતાં નંદને વાંસદા ટ્રાન્સફર લઈ લીધી, પણ છેવટે તો પાપ પોકારીને જ રહે છે!’

શર્વરીની સચ્ચાઈથી માહિતગાર ઓમથી કહેવાયું નહીં કે આખી ઘટના સત્ય છે!

‘મુદ્દો સીતા કેમ શર્વરી બની એનો નથી, ભાભી, શર્વરી બનેલી તે વહુ તરીકે સ્વીકાર્ય રહેશે કે નહીં એનો છે?’ ગાયત્રીબહેને ફેંસલો સંભળાવ્યો, ‘અને મને તે કદાપિ સ્વીકાર્ય બનવાની નથી. આકારે જીદ ન છોડી તો માનું મરતું મોં જોવું પડશે!’

ત્યારે વિશાખાદેવીના ચિત્તમાં પડઘો પડ્યો : શર્વરીમાં જો સીતા જીવતી હશે તો તે આવી નોબત આવવા જ નહીં દે!

€ € €

આકારને ચૂમીઓ ભરી શર્વરીએ પાંપણ લૂછતાં દોટ મૂકી : હું પેલા પથ્થરે ઊભી રહું છું. તમે મારો ફોટો પાડો!

‘સાચવીને શર્વરી. મેં કહેલુંને - એ જગ્યા રિસ્કી છે!’ સાદ પાડતાં આકારે કૅમેરા સંભાળ્યો. શર્વરીએ ફ્લાઇંગ કિસ ફેંકી અને પછી અચાનક સંતુલન ગુમાવતી હોય એમ ગબડી - ડુંગરની ટોચેથી સીધી ખીણમાં! તેના હોઠો પર નામ હતું આ...કા...ર!

ક્ષણમાત્રમાં આ શું થઈ ગયું? આકારે હોશ ગુમાવ્યા.

€ € €

મુ. અરુંધતીજી,

આ પત્ર મળશે ત્યારે હું દુનિયામાં નહીં હોઉં, પણ મને એનો અફસોસ નથી. આકારના પ્રેમથી છલોછલ થઈને જાઉં છું! તમે જ વિચારો, આકારને પરણ્યા પછી મને માતૃત્વનું ઘેલું લાગ્યું હોત. મારાં સંતાનોની નજરે મારી પૉર્નફિલ્મો પડી તો શું થાય એ વિચારે મને અત્યારે પણ કમકમાં આવે છે! ના, મારી બદનામ જવાની લગ્નને લાયક નથી રહી... મારો અંજામ મેં વિચારી લીધો છે. આકાર સાથે કાલે આઉટિંગનો પ્રોગ્રામ છે. ડુંગરની ખીણમાં ખાબકનારાના બે-ત્રણ કિસ્સા તેમણે કહ્યા ત્યારનો મને માર્ગ મળી ગયો છે. તેમની સાથે જનારી હું પાછી ફરવાની નથી! આ બધું તમને એટલા માટે લખું છું, કેમ કે મારા ગયા પછી આકારને બહેન તરીકે તમે જ જાળવી શકશો. ઓમને પણ માફી આપીને જાઉં છું. અલવિદા!

- અંત સમયે અભાગણી નહીં એવી સીતા!

અરુંધતીએ આ પત્ર આજેય જાળવી રાખ્યો છે.

શર્વરીના આપઘાતના ખબરે ઘરે બેઠક જમાવી બેસનારાં સૌ ડઘાઈ ગયેલાં.

‘હું તને સમજી ન શક્યો શર્વરી!’ કહી ઓમે વ્યક્ત કરેલો પસ્તાવો સાચા હૃદયનો હતો. વિશાખાદેવીની સમજાવટથી સીતાને આકાર પાસે અગ્નિદાહ અપાવવા ગાયત્રીબહેન સંમત થયાં હતાં. તેના પગલાને આનાથી યોગ્ય અંજલિ શું હોઈ શકે?

આકાર હવે સ્વસ્થ છે. લગ્ન માટે ક્યારેક તો માનશે એવી ગાયત્રીબહેન-અરુંધતીની આશા અમર છે. હા, ‘બદનામ જવાની’નો પ્રોજેક્ટ અરુંધતીએ અભરાઈ પર ચડાવી દીધો છે! નંદુમામા સુધર્યા છે. ઓમે મજબૂરીથી દેહના ધંધામાં પડતી યુવતીઓના ઉદ્ધાર માટે ટ્રસ્ટ બનાવ્યું છે.

બાકી પૉર્નઇન્ડસ્ટ્રી તો પહેલાંની જેમ જ ધમધમે છે. એક શર્વરીના જવાથી એને કશી ખોટ નથી પડી!    

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK