કથા સપ્તાહ : બદનામ જવાની (મૈં એક શરીફ લડકી - ૪)

Published: 30th August, 2012 06:00 IST

દક્ષિણ ગુજરાતના ડુંગરી ગામે આ બન્ને બાય રોડ નીકળ્યાં. સેલ્ફ-ડ્રાઇવિંગ કરતા આકારની પડખે, મોરપિચ્છ રંગના ચૂડીદરમાં શોભતી શર્વરી (સીતા) બેઠી છે.

 

 

 

અન્ય ભાગ વાંચો

1  |   2  |   3 |   4


‘હાય, આકાર.’

‘હલ્લો, શર્વરી.’

દક્ષિણ ગુજરાતના ડુંગરી ગામે આ બન્ને બાય રોડ નીકળ્યાં. સેલ્ફ-ડ્રાઇવિંગ કરતા આકારની પડખે, મોરપિચ્છ રંગના ચૂડીદરમાં શોભતી શર્વરી (સીતા) બેઠી છે.

શર્વરી માટે રવિવારની ગઈ બપોરે સાંપડેલો અરુંધતીનો પ્રસ્તાવ અણધાર્યો હતો : ગ્રામીણ સંસ્કૃતિ સમજવા ગામના કોઈ એક ઘરે અઠવાડિયું રહેવું જરૂરી છે. મેં જેને નાનો ભાઈ માન્યો છે એવા આકારને ત્યાં રોકાવું ફાવશે?’

આર્ટિસ્ટને ટ્રેઇન કરવાની લાજમીની ચોકસાઈ શર્વરીને ગમેલી. સત્ય જોકે કહેવાયું નહોતું કે મને ટ્રેઇનિંગની જરૂર નથી. હું ગામડે જ ઊછરી છું!

‘પૂછવાનું આકારને હોય, અરુંધતીજી. મારા જેવી પૉર્નસ્ટારને ગેસ્ટ તરીકે લઈ જવામાં તેમને વાંધો નથીને!’

‘ટુ બી ફ્રૅન્ક વિથ યુ, પૉર્નઆર્ટિસ્ટ તરીકેની તારી ઓળખ હું આપવાની નથી, જેથી તું ત્યાં સહેજે દબાવ વગર રહી શકીશ...’ (આ અર્ધસત્ય હતું. આકાર સચ્ચાઈ જાણતો હતો. ગાયત્રીબહેનથી છાનું રખાયું હતું.)

‘ધૅટ્સ વેરી નાઇસ.’ શર્વરીની દ્વિધા ઓગળી ગયેલી. કેટલા વખતે પોતે કોઈની મહેમાનગતિ માણવાની, એ પણ ગામમાં!

‘ફિલ્મવાળાના આ તે કેવા તુક્કા!’ ઓમે છણકો જતાવેલો, ‘આ આકાર છે કોણ?’

‘વકીલ છે, નાની વયે મુંબઈમાં પોતાની ફર્મ ધરાવે છે એટલે મહેનતુ તો હશે જ. એની ફૅમિલીમાં વિધવા મા છે, જે વલસાડ નજીકના ડુંગરી ગામે રહે છે...’

(અર્થાત્ કુંવારો પણ છે! ઓમને ખૂંચેલું : પાછો તે શર્વરીની પૉર્નસ્ટાર તરીકેની અસલિયતથી અજાણ! અઠવાડિયામાં શર્વરી પ્રત્યે આકર્ષાઈ આકાર ક્યાંક મારા હરીફ તરીકે ઊભરી ન આવે! ના, હું એ તબક્કો આવવા જ નહીં દઉં!)

આ સફરનો શું અંજામ આવે છે એ હવે જોઈએ!

€ € €

દહાણુ પસાર થતાં સુધીમાં કારનાં બે જુવાન હૈયાં વચ્ચે નિકટતા સ્થપાતી ગઈ.

‘તમારું સૉન્ગ કલેક્શન સારું છે.’ કારટેપમાં ગુંજતાં લતાનાં ગીતો સાંભળી શર્વરીએ કરેલી ટિપ્પણીએ વાતોનો દરવાજો ઉઘાડી દીધો. પોતે સંસારમાં સાવ એકલવાયી હોવાની સામે આકારે પોતાનો પક્ષ રજૂ કર્યો.

‘મને માનું સુખ છે. ગામમાં જમીન છે, ખેતી છે. દિવાકર શાહ - મારા ફાધરનું કુટુંબ ગામના મોભીનું ઘર ગણાય છે. મારી માને એનું અભિમાન પણ છે. મને મુંબઈ સેટલ થવાની પરવાનગી આપતી વેળા તેણે શરત કરેલી - ખાનદાનનું નામ ડૂબે એવું કંઈ જ કરીશ નહીં!’ તે સહેજ મલક્યો, ‘એટલે તો કેસ લેવા કરતાં મારે નકારવાના વધુ થાય છે! ને તો જ આવી ફુરસદ પરવડી શકે છે!’ તેણે અજાણવટ દાખવેલી, ‘તમારી શું પ્રવૃત્તિ છે મુંબઈમાં?’

આકાર સત્યથી અજાણ હોવાના વહેમમાં શર્વરી બહુ આત્મવિશ્વાસભેર બોલી ગઈ : ‘હાલપૂરતું તો મારા રોલમાં ઓતપ્રોત થઈ રહેવું છે, બસ!’

બાકીની સફરમાં આકારને એટલો અહેસાસ તો થઈ જ ગયો કે પૉર્નસ્ટારના ચિત્તમાં હરહંમેશ સેક્સ નથી રમતું હોતું!

€ € €

‘આવ દીકરા.’

ગાયત્રીબહેને હૂંફાળો આવકાર આપ્યો. આવતાંવેંત સીતા (શર્વરી)એ પાયલાગણ કર્યા એ બહુ ગમ્યું : છોકરી સંસ્કારી જણાય છે!

‘જીવતી રહે.’ આશિષ પાઠવી તેમણે ઉમેર્યું, ‘અરુંધતી કહેતી’તી કે તને મારે ગ્રામીણ સંસ્કૃતિનો પરિચય આપવાનો છે... પણ તેં તો આપણી સંસ્કૃતિ આત્મસાત્ કરી લાગે છે.’

શર્વરી-આકાર, બન્નેને થયું શરૂઆત તો સારી થઈ!

€ € €

બે માળની હવેલી જેવું મકાન હતું. વિશાળ આંગણ, જૂની ઢબનું રસોડું, ઝાઝા નોકરચાકર નહીં છતાં સર્વત્ર પ્રવર્તતી ચોખ્ખાઈ. ગાયત્રીબહેન ભોંયતળિયાની રૂમ વાપરતાં, જ્યારે શર્વરીને પહેલા માળે આકારની પડખેની રૂમ મળી.

બપોરની વામકુક્ષિ માણી આકાર ફ્રેશ થઈ રૂમની બહાર નીકળતાં જ અચરજ પામ્યો.

શર્વરી આંગણામાં સાથિયો પૂરતી હતી ને તેની નજીક બેઠેલી મા કહેતી હતી : વાહ, શી તારી રંગપુરવણી! આટલા રૂડા સાથિયા તો હવે મારાથીયે નથી પડતા!

શર્વરી સહેજ લજાઈ. આકાર મુગ્ધપણે તેનું રૂપ પી રહ્યો.

€ € €

‘બા, પૂજાની સામગ્રી તૈયાર કરી લીધી છે, જોઈ લો તો.’

ગામના પાદરે આવેલા માતાજીના મંદિરે જતી વેળા શર્વરીએ દુપટ્ટો માથે ઓઢતાં ગાયત્રીબહેનના મનમાં પડઘો પડ્યો : છોકરી સૂઝવાળી છે!

તેમના નીકળ્યાં પછી આકારથી ન રહેવાયું. રૂમ બંધ કરી તેણે લૅપટૉપ પર નેટસર્ફિંગ આરંભ્યું.

શર્વરીની ઓમ સાથેની મૂવી નિહાળતાં બદન ધગવા લાગ્યું. થયું ક્યાં સીતાની શાલીનતા અને ક્યાં શર્વરીની જ્વાળા!

એક જ ખોળિયામાં બે વ્યક્તિત્વ કઈ રીતે સમાઈ શક્યાં હશે?

€ € €

‘શાક ભાવ્યું હોય તો એક ભાખરી વધારે લેવાશે, બા. લોને, તમને મારા સમ!’

શર્વરીના આગ્રહમાં દેખાડો નહોતો. લાગણી સાચી હોય તો સામાને સ્પશ્ર્યા વિના રહેતી નથી.

‘આજે રસોઈ તેં બનાવી ને અમને આગ્રહ કરી જમાડે પણ છે!’ ગાયત્રીબહેન ગદ્ગદ બન્યા.ં

‘છોકરી, તું જે ઘરની વહુ બનીશ એનાં ભાગ્ય ઊઘડી જશે!’

શર્વરી શરમથી સંકોચાઈ.

‘મારું માન, ફિલમ-બિલમનાં ચક્કર છોડ ને યોગ્ય ઠેકાણે પરણી જા! જોઈએ તો અરુંધતીને હું વાત કરીશ.’

શર્વરીને ત્યારે સચ્ચાઈ ભોંકાઈ : પરણીને ગૃહસ્થી રચવાનું માન મને ક્યાં! તેને ઝંખવાતી જોઈ ગાયત્રીબહેન જુદું સમજ્યાં : ‘ડર મા, તારી ઇચ્છા વિના હું અરુંધતીને કશું કહીશ નહીં. તારે ફિલ્મ કરવી હોય તો બેશક કર!’

શર્વરીના આરોહ-અવરોહ એકમાત્ર આકારને જ સમજાતા હતા, કેમ કે સચ્ચાઈથી તે વાકેફ હતો!

€ € €

‘આઇ ઍમ સો હૅપી હિયર, ઓમ!’

બીજી બપોરે અનાયાસે આકારના કાને શર્વરીની ટેલિટૉકના સંવાદ પડ્યા. ‘ગામમાં પ્રવેશતાં જ મારું શૈશવ તાજું થઈ ઊઠ્યું. બધું ભૂલી હું જાણે વરસોજૂની સીતા બની ગઈ - હોંશથી રંગોળી પૂરતી, દેવદર્શને જતી, રસોઈ બનાવતી... સંસાર વસાવવાનું સમણું સ્ત્રીમાત્રે ક્યારેક તો જોયું જ હોય છે. બસ, અહીં હું એ જ અવસ્થા જીવી રહી હોઉં એવું લાગે છે!’

‘સંભાળજે શર્વરી,’ ઓમે દાઝથી સંભળાવ્યું, ‘ઘરની વહુ બને ત્યાં સુધી વાંધો નહીં. આકારને પતિ તરીકે જોવા ન માંડીશ!’

આકાર... શર્વરી ફિક્કી પડી : એવી ભૂલ કેમ થાય, ઓમ? આકારની પવિત્રતામાં મારું કલંક ભેળવું તો-તો માજીની ગુનેગાર ઠરી જાઉં!

મુંબઈમાં ઓમે રાહત અનુભવી. નજીક ઊભેલો આકાર અંજાયો :

ઓમ બાબત સવાલ પણ જાગ્યો : શું શર્વરીને ઓમ જોડે મિત્રતાના જ સંબંધ હશે કે પછી.

€ € €

ત્રીજી સવારે આકાર શર્વરીને ખેતરની મુલાકાતે લઈ ગયો. લહેરાતો મોલ જોઈ શર્વરી ખીલી ઊઠી. રોટલા-ડુંગળીનું ભાથું મીઠું લાગ્યું. તેનો નર્દિંભ ઉમંગ આકારને ખેંચતો હતો.

ત્યાં એક નાનકડી ઘટના બની ગઈ.

બાજુની સીમમાં ખેતમજૂર રવજી બાર-તેર વરસની ભીખીને ફોસલાવી ઝાડ પાછળ સંતાયાનું શર્વરી જોઈ ગઈ. વખત વર્તી તે દાતરડું લઈ દોડી ન હોત તો...

‘તારી આ હિંમત!’ રવજીનો કાંઠલો પકડી તેણે હેબતાવી દીધો. ભીખીની માએ દોડી આવી રડતી દીકરીનો હવાલો લઈ લીધો. થોડી વારમાં ટોળું ભેગું થઈ ગયું.

‘શરમ નથી આવતી દીકરી જેવડી છોકરીની આબરૂ પર હાથ નાખતાં!’ જમણા હાથમાં શર્વરીએ પકડેલા દાતરડાથી કાંડાની નસો ફૂલી ગઈ હતી. ગમે એ ઘડીએ દાતરડું વીંઝાયાના ડરે રવજી થર-થર ધ્રૂજતો હતો.

‘સ્ત્રીની આબરૂ કાચના વાસણ જેવી છે, તૂટી એ તૂટી!’

અન્ય મજૂરોએ રવજીને ઠમઠોર્યો. ન્યાત બહાર મૂકી ગામ છોડાવ્યું.

આકારને શર્વરીમાં રસ જાગી ચૂક્યો : જેને બીજાની આબરૂની આટલી ખેવના હોય તેણે પોતાની અસ્ક્યામતનું લૂંટાવું કેમ સહ્યું હશે? ઝેરના ઘૂંટ તે ક્યાં સુધી પીતી રહેશે?

€ € €

‘ગાયત્રી આવું કે?’નો ટહુકો કરી આવનારાં લીલાબા વાટકીમાં ખાંડ લઈને નીકળી ગયાં.

‘બાપ રે,’ તેમના જતાં શર્વરી બોલી ઊઠી, ‘મને કેવું ધારી-ધારીને જોતાં’તાં!’

‘વાટકીવ્યવહાર તો બહાનું, બેટા, બૈરાં આવે છે જ તને જોવા!’ ગાયત્રીબહેન હસુ-હસુ થઈ રહ્યાં.

‘તું આકાર જોડે ફરવા જાય કે આપણે મંદિરે જઈએ એમાં ધારનારે ધારી લીધું કે દિવાકરના દીકરાએ વહુ શોધી લીધી! શું કહેવું લોકમાનસને!’

શર્વરી લજાઈ. દૂર ઊભા આકારને એ શરમ ચૂમી લેવાનું મન થયું!

€ € €

તળાવમાં ખીલેલું કમળ લેવા શર્વરી પાળે બેઠી, વાંકી વળી, હાથ લંબાવે છે. બાઇક પાર્ક કરીને આવતો આકાર ‘અરે!’ કહેતો દોડ્યો, પણ મોડું થઈ ચૂક્યું. કમળ લેવાની લાયમાં શર્વરી પાળી પરથી તળાવમાં ખાબકી હતી! પાણી ઊંડું હતું. સ્વિમિંગ નહીં જાણતી શર્વરીને ઉગારવા આકારે ઝંપલાવ્યું.

શર્વરીને તેણે બે હાથોમાં ઊચકી. તેની ગરદને હાથોનો ગાળિયો બનાવતી શર્વરીની નજર આકાર જોડે ટકરાઈ. સમય જાણે થંભી ગયો!

€ € €

દોરડાકૂદ, આટાપાટા, લંગડી... શેરીનાં બાળકો સાથે શર્વરી દિલ ખોલીને રમતો રમી. મેડીના ઝરૂખેથી આકાર મુગ્ધનેત્રે તેને તાકી રહ્યો.

અચાનક જ શર્વરીની નજર મેડી પર પડી. તારામૈત્રક રચાયું. શર્વરીનું હૈયું ધડકી ગયું.

- એ જ રાત્રે...

ટીવી બંધ કરી ઘરના સભ્યો સૂવાની તૈયારી કરતા હતા ત્યાં બહાર દેકારો મચ્યો : દીપડો દેખાયો!

આ વિસ્તારમાં દીપડાની રંજાડ વધી હતી. વનઅધિકારીના આવવાની રાહ જોઈ બેસી ઓછું રહેવાય? મશાલ, ઢોલ-નગારાં, લાઠી-ભાલા લઈને આખું ટોળું સીમ તરફ નીકળ્યું. ગીરમાં ઊછરેલી શર્વરીને આની નવાઈ ન હોય છતાં આકારને જતો નિહાળી કાળજું કંપી ઊઠ્યું. તે પાછો ફર્યો ત્યાં સુધી નજર દરવાજે જ ખોડાઈ રહી.

‘નાસી ગયો બદમાશ!’ આકારે હેવાલ આપ્યો.

‘આકાર!’ શર્વરીએ તેના ખભા પકડ્યા, ‘તમે તો ઠીક છોને!’

શર્વરીના હાંફતા શ્વાસમાં તેની ચિંતા ઉઘાડી પડી જતી હતી. આકારની આંખોમાં ચમકારો ઊપસ્યો, જ્યારે દૂરથી આ દૃશ્ય જોનારાં ગાયત્રીબહેન મલકી પડ્યાં : લાગે છે, અરુંધતીને કહેવાનો સમય આવી ગયો કે તારી ફિલ્મ માટે બીજી હિરોઇન શોધી લેજે, આને તો હું મારી વહુ બનાવવાની!

€ € €

મને આ શું થયું છે!

રાતભર શર્વરી કરવટ બદલતી રહી : આકાર માટે આ કેવાં સ્પંદન મારા હૈયે જાગે છે? ઓ મારા નાદાન દિલ, આકારના નામે ધડકતાં પહેલાં તેં એક વાર તારી લાયકાતનો વિચાર ન કર્યો? હું કેમ ભૂલી ગઈ કે મને પ્યાર કરવાનો હક જ નથી?

આની જાણ મારે આકારને પણ કરી દેવી જોઈએ, મોડું થાય એ પહેલાં!

શર્વરીએ સંકલ્પ ઘૂંટ્યો ત્યારે આભમાં પાંચમા દિવસની પ્રભાતનો કેસરિયો સાથિયો પુરાઈ ચૂક્યો હતો!

€ € €

‘સીતા, તને શ્રીખંડ બનાવતાં આવડે?’ સવારની રસોઈમાં પરોવાયેલી શર્વરીને ભાજી ચૂંટતાં ગાયત્રીબહેને પૂછી ખુલાસો કર્યો, ‘કાલે મારાં ભાઈ-ભાભી વાસંદાથી આવી રહ્યાં છે. સંસારમાં અમારું નિકટનું બીજું કોઈ સગું તો છે નહીં! ભાઈ તો ભાવ રાખે, સીતા, પણ મારાં ભાભીની તો વાત જ નિરાળી હોં! આકાર મુંબઈ સ્થાયી થતાં મારાથી કશે નીકળાતું નથી, પણ એ લોકો બે-ચાર મહિને બે-ચાર દહાડા માટે આવી જાય...’ ગાયત્રીબહેન બોલતાં રહ્યાં, પણ શર્વરીનું હવે ધ્યાન નહોતું. નજર સામે ફ્રેશ થઈ આકાર ચા-નાસ્તા માટે બિરાજી ચૂક્યો હતો. તેની મુસ્કાન મને કેમ મદહોશ બનાવી રહી છે?

‘થોડી વાર પછી મેડીએ આવ, શર્વરી, મારે તારું કામ છે!’

માની નજર ચૂકવી આકારે પાઠવેલો સંદેશો શર્વરીને મીઠું કંપાવી ગયો. એનું પણ ભાન ન રહ્યું કે આકારે પોતાને સીતા, નહીં શર્વરી તરીકે સંબોધી છે!

(આવતી કાલે સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK