કથા સપ્તાહ : બદનામ જવાની (મૈં એક શરીફ લડકી - ૨)

Updated: 2nd March, 2020 18:35 IST

શર્વરીથી ત્વરિત જવાબ ન અપાયો. પોતાની જીવનકથામાં આ વળાંક પણ શર્વરીને ક્યાં કળાયો હતો?

ફિલ્મ બાબત તેં શું વિચાર્યું, શર્વરી?

સામા છેડે ઓમ પૂછતો હતો.

શર્વરીથી ત્વરિત જવાબ ન અપાયો. પોતાની જીવનકથામાં આ વળાંક પણ શર્વરીને ક્યાં કળાયો હતો?

તારી માએ તારા જોબનની પૂરી કિંમત વસૂલી છે!

પંદર વરસની ઉંમરે કૌમાર્ય ગુમાવ્યા પછી નંદન મહેતાના મોંએ ઓકાયેલા સત્યે સીતા થીજી ગયેલી.

કમાણીનો આ રસ્તો માને ફાવી ગયો તો... સીતાના બદનમાંથી લખલખું પસાર થઈ ગયેલું. મા આગળ પિતાનું કશું ઊપજશે નહીં, બહેન (વિશાખાદેવી)ની ગેરહાજરીમાં રોજ મને સાહેબ સાથે સૂવા મજબૂર કરવાની હોય તો...

તો મારે નથી જવું ઘરે!

આ ઝનૂન એટલું તીવ્ર હતું કે તેણે જૂનાગઢ પહોંચી જે મળી એ ટ્રેન પકડી લીધી હતી... પાસે મૂડી નહોતી. વેશનાં ઠેકાણાં નહોતાં ને મંજિલ માલૂમ નહોતી...

‘આ ટ્રેન ક્યાં જાય છે?’

છેવટે હિંમત કરી તેણે આસપાસ જોઈ પાન ચાવતી પ્રૌઢ સ્ત્રીને પૂછ્યું. છેવાડેની સીટ પર બેઠેલી દમામદાર બાઈ આવી જ કોઈ પૃચ્છાની રાહ જોતી હોય એમ મીઠાશથી બોલેલી, ‘ટ્રેન તો મુંબઈ જશે, બેટી, તારે ક્યાં જવું છે?’

સીતાએ ખુદને પૂછ્યું : હું ક્યાં જવા માગું છું? પછી જવાબ સ્ફુર્યો હતો.

‘ખાલી ખિસ્સે જવાય ત્યાં સુધી!’

એક્સપ્રેસ ટ્રેનનાં સ્ટેશન ઝાઝાં નહોતાં. રાતનું અંધારું જામતું હતું. કમ્પાર્ટમેન્ટમાં ધીરે-ધીરે સૌ નિદ્રાવશ થવા લાગ્યા. સીતા ફર્શ પર બેઠી હતી. સહેજ ઝૂકી, મૌસીએ પૂછપરછ આરંભી : ઘરેથી રૂઠીને નીકળી છે? તારા દીદાર મને કંઈ બીજું જ સૂચવે છે! મને તારી હિતેચ્છુ સમજીને કહે, છોકરી...

ત્યારે સધિયારો શોધતી સીતાએ તેના મીઠા શબ્દોથી પ્રેરાઈ ખોળામાં માથું મૂકી વીતક કબૂલી લીધી.

‘ઓહ, ઈશ્વર કોઈને સાવકી માનું દુ:ખ ન આપે.’

તેમણે થોડો નાસ્તો આપ્યો, ટી.સી.ને દંડ ચૂકવી સીતાની ટિકિટ મેળવી લીધી.

‘મારું નામ રજનીબાળા, મુંબઈમાં હું એક સંસ્થા ચલાવું છું, તને એમાંથી ટેકણ મળી જશે. તું આવીશને મારી જોડે?’

નકારનો તો પ્રશ્ન જ ક્યાં હતો? સંમત થયા પછી અલપઝલપ આંખ મીંચાઈ હતી સીતાની.

‘ગફૂર, આવી ગયો ભઈલા!’

બીજી બપોરે ડબ્બામાંથી મુંબઈ સ્ટેશને ઊતરતાં જ હટ્ટોકટ્ટો આદમી તેમની રાહ જોતો ઊભો હતો.

‘સીતા, આ મારો ડ્રાઇવર ગફૂર.’ તેના હાથમાં નાનકડી પેટીનો લગેજ થમાવી રજનીબાળાને અચાનક સાંભર્યું હોય એમ ઉમેરેલું, ‘બાપ રે, મારે સંસ્થાના કામે દુબેજીને મળવાનું હતું એ તો વીસરાઈ ગયું! બેટી, કામ અગત્યનું છે, ને દુબેજી અહીં નજીક જ રહે છે. પણ એને ખાતર તારે ખોટી થવાની જરૂર નથી. એક કામ કર, તું ગફૂર જોડે સંસ્થાના મકાને પહોંચ, ફ્રેશ થા.’

રજનીબાળાએ એવા ફટાફટ આદેશ આપ્યા કે દલીલને અવકાશ ન રહ્યો. નાનકડી કારની પાછલી સીટ પર સીતા સુસ્ત થઈ પડી રહી. ન ગફૂર સાથે વાતચીત, ન નવું શહેર જોવાની ચેષ્ટા.

આશરે અડધો કલાકના અંતરે ગાડી સહેજ અલાયદા પડતા બંગલાના ગેટમાં દાખલ થઈ.

‘અહીં બીજું કોણ રહે છે?’ સહેજ ફડકથી તેણે પૂછેલું. નર્જિનતાની હવે બીક લાગતી હતી.

‘અત્યારે કોઈ નથી.’ ગફૂર તેને ભીતર દોરી ગયો. રૂમ-બાથરૂમ વગેરે દેખાડ્યું, ‘તું નાહીને ફ્રેશ થઈ જા, ડ્રેસ પલંગ પર મૂક્યો છે.’

 આ તો અચરજની અવધિ થઈ, શાહી મહેમાનની જેમ મારા સ્વાગતની પૂર્વતૈયારી કરાયેલી?

- પણ ક્યારે?

શાવર લેતી સીતાને મૂંઝવણ થઈ. ઘરે કોઈ છે નહીં. ગફૂર આટલી તૈયારી કરીને સ્ટેશને અમને રિસીવ કરવા નીકળ્યો હોય એનો અર્થ એ કે મારા આગમન વિશે તે અગાઉથી માહિતગાર હતો! એ કઈ રીતે બને? કમ સે કમ મારી હાજરીમાં તો રજનીમૌસીએ આ વિશે કહ્યું નથી... તો શું સવારે ફ્રેશ થવા મૌસી ટ્રેનના વૉશરૂમમાં ગયાં ત્યારે મોબાઇલથી વાત કરી હશે?

એમ જ હોય તો જ આ શક્ય બને!

પણ મારી આટલી કાળજી લેવાનું કારણ?

એક અનુભવે સીતાને એટલું તો શીખવી દીધું હતું કે જગતમાં સ્વાર્થ વિના કોઈ પરમાર્થ કરતું નથી!

આમાં રજનીબાળાનો શું સ્વાર્થ હોય? મારી પાસેથી તેને શું મળી શકે? અને બદન કોરું કરતી, સીતાની નજર બાથરૂમના ફુલ સાઇઝ મિરર પર પડી : મારું આ જોબન!

થથરી ઊઠી સીતા.

નવો ડ્રેસ પહેરી તે આખા બંગલામાં ફરી વળી. દરેક બારીમાં િગ્રલ હતી અને આગલા પાછલા દરવાજા બહારથી બંધ હતા! એક ઓરડામાં તબલાં, સારંગી, ઘૂંઘરુ દેખાયાં.

હે ભગવાન!

ધક-ધક થતા કાળજે હાથ દાબ્યો તેણે. ફિલ્મી મુજરાઓમાં પાન ચબાવતી મૌસી અને રજનીબાળાનાં રૂપ-વેશ એકાકાર થતાં લાગ્યાં ને સીતાની સમજબારી ખૂલી ગઈ : હું વેશ્યાગૃહ ચલાવતી મૌસીના કબજામાં છું!

‘કોઈ છે!’ તેણે મુખ્ય દરવાજો ઠોક્યો, ‘મને બચાવો, ગફૂર, મને નાની બહેન માની દયા ખા!’

તેની આજીજી સાંભળનારું કોઈ નહોતું. રડી-રડીને તેની આંખો સૂજી ગઈ. થોડી વારે આંગણામાં કાર અટકી. એક રુઆબદાર પુરુષ ભીતર પ્રવેશ્યો...

... અને પછીનાં ત્રણ વરસોમાં આવા તો કંઈકેટલા પુરુષો આવતા ગયા, અને ચૂંથતા ગયા, તેની જવાનીને બદનામીનો દાગ લગાડતા ગયા!

કદાચ આ જ મારું ભાગ્ય હશે... એ વિના મારી સગી મા-નાનો ભાઈ સિંહનો કોળિયો બને? એ વિના મને વેચનારી સાવકી મા જીવનમાં પ્રવેશે? અરે, માથી છટકેલી હું સીધી જ મૌસીના હાથે ચડું એ પણ ભાગ્યદોષ વિના શક્ય કેમ બને? સીતાએ નિયતિ સ્વીકારી લીધી, પરિસ્થિતિ જોડે સમાધાન કરી લીધું. જોબનનો જામ એક વાર એંઠો થયો એટલે થયો, ગમે એટલા ગંગાજળથી એ ફરી પવિત્ર નહીં થાય! ઢોળાયેલા દૂધનો અફસોસ ન હોય એમ અભડાયેલી આબરૂની છોછ વિના તે જીવી ગઈ...

સીતાની જિંદગીનો નવો વળાંક આવ્યો અઢીએક વરસ અગાઉ.

‘માય ગૉડ, યુ આર એક્સલન્ટ ઇન યૉર જૉબ’

ખંડાલાના રર્સિોટમાં વીકએન્ડ પૂરતી જેને ‘સેવા’ આપવાની હતી તે જુવાન બિઝનેસમૅન મયૂર નથવાણી સીતાની કંપનીથી સંતુષ્ટ બન્યો : પુરુષને રીઝવવાની કલામાં તું માહેર છે!

સીતાને આવા સર્ટિફિકેટની નવાઈ નહોતી રહી... હવે તે ગામડાની અબુધ, ગમાર કિશોરી નહોતી. પુખ્ત વયની યૌવના હતી. તેના રૂપની વસંત અંગાંગે મહોરી હતી. સિગારો-શરાબથી દૂર રહેનારી સીતા ગ્રાહકને સંતોષ આપવામાં માનતી : તમે ચૂકવેલી કિંમત વસૂલ થવી જ જોઈએ! અનુભવે તેનામાં નિપુણતા ઘડાતી ગઈ.

નથવાણીનાં વખાણે તે માત્ર મૃદુ મલકી હતી.

‘બિલીવ મી, રજનીએ તારાં ઊંચાં મોલ ખોટાં નથી રાખ્યાં!’

સીતાની મુસ્કાન સહેજ ફિક્કી થઈ.

કોલાબા ખાતેના બંગલામાં દસેક યુવતીઓને પોષનારી રજનીબાળા થ્રુ જ ક્લાયન્ટ્સ આવી શકતા, અરે, બધી કમાણી પણ રજનીના જ હસ્તક રહેતી. છોકરીઓને દસેક ટકા હાથખર્ચીના મળે એ જ માપ! હા, જેના દામ વધુ મળતા હોય તેવીને પ્રેમથી ભાવતાં ભોજન જમાડે ખરી.

‘આ તો અન્યાય છે?’ નથવાણી બોલી ઊઠ્યો, ‘આમ તો તમારું રૂપ જતાં તમે લોકો ક્યાંયના ન રહો! તમે વિદ્રોહ કેમ નથી કરતાં?’

‘શીશ. મહેરબાની કરી મૌસીને કશું કહેશો નહીં.’ સીતાનો જીવ કોચવાયેલો : નાહક શા માટે મેં જીભ ઉઘાડી?

‘ડોન્ટ વરી. મને તમારો હિતેચ્છુ સમજો.’ નથવાણી સીતાથી એટલી હદે અંજાયો હતો કે બનતી મદદ કરવા તત્પર બન્યો, ‘બીજાની વાત છોડો, તમારે તો કંઈક વિચારવું જ જોઈએ, આખરે તમારી આર્ટનો આર્થિક લાભ તમને જ ન મળે એ કેમ ચાલે!’

પછી અણધાર્યો પ્રસ્તાવ મૂક્યો હતો,

‘તમને પૉર્ન ફિલ્મમાં કામ કરવું ગમશે?’

સીતા ભડકેલી. પૉર્ન મૂવીઝથી તે અજાણ તો ન જ હોય... પરંતુ બંધ રૂમમાં પુરુષને રીઝવવો એક વાત થઈ, ને ક્રૂ મેમ્બર્સ સામે, કૅમેરા સમક્ષ રતિક્રીડા ભજવવી બીજી વાત થઈ!

‘શરમ-સંકોચ હવે બહાનું ગણાય... વિચારો. આમાં તો તમે સ્વતંત્રપણે કામ કરી શકશો, કલ્પના ન કરી હોય એટલું રળી શકશો. ઇન્ડિયામાં સત્તાવાર રીતે પૉનોગ્રાફી ભલે ગેરકાયદે ગણાતી હોય, એનો વેપલો કરોડોમાં રમાય છે!’ નથવાણીએ સમજાવેલું, ‘તમારું ફિગર પૉર્નસ્ટાર બનવા માટે પરફેક્ટ છે... આનો એક ફાયદો એ છે, મિસ સીતા કે ઘડપણમાં ચાલે એટલું ભેગું થયા પછી એક તબક્કે તમે વિથડ્રૉ કરી શકશો.’

આ દલીલ સીતાને સ્પર્શી હતી. ક્યાં સુધી બદનને પરપુરુષ પાસે ચૂંથાવતાં રહેવું? ક્યાં સુધી મૌસીના આશરે રહેવું? દૂરનું વિચારતાં નથવાણીનો પ્રસ્તાવ સ્વીકારવામાં હિત જણાયું.

પછી ચક્રો ઝડપથી ગતિમાન બન્યાં. ઇન્ડિયન પૉર્ન મૂવી ઉતારતો વિશ્વ આહુજારાય નથવાણીની ઓળખાણમાં હતો, પહેલી ફિલ્મની સાઇનિંગ અમાઉન્ટ રજનીમૌસીને ધરી સીતાએ બંગલેથી હંમેશ માટે વિદાય લીધી. સીતા નામ પૉર્નોગ્રાફિક ફિલ્મ સાથે સંકળાતાં લોકજુવાળ ભડકી ઊઠે. એટલે તેનું નામ શર્વરી રખાયું. પહેલી ફિલ્મના શૂટ વખતે થોડી નર્વસનેસ અનુભવનાર શર્વરી પછી તો પ્રોફેશનલ આર્ટિસ્ટની જેમ સીન ભજવતી થઈ. પૉર્ન-સર્કિટમાં તેનું નામ ગાજતું થયું, થોડા સમયમાં તે હાઇએસ્ટ પેઇડ ઍક્ટ્રેસ ગણાવા લાગી અને આજે પૉર્નસ્ટાર તરીકેની બે-ત્રણ વરસની કરીઅરમાં તેની પાસે દોલતનો વૈભવ પણ છે! ત્યાં સુધી કે દેશ-વિદેશના શૂટિંગની પણ નવાઈ નથી રહી!

બીજી ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેનો પરિચય ઓમ દાસ સાથે થયો. શર્વરીથી લગભગ દાયકો મોટો ઓમ પૉર્ન ફિલ્મોનો સુપરસ્ટાર ગણાતો... કેટલીક ફિલ્મો તેણે ડિરેક્ટ પણ કરેલી. દેખાવમાં અત્યંત સોહામણો. પુરુષત્વના પૂર્ણત્વને સ્પર્શતા ઓમ સાથેનું શર્વરીનું સાયુજ્ય અદ્ભુત રહ્યું, પછી તો બન્નેની જોડી સફળતાના ટ્રેડમાર્ક જેવી બની ગઈ.

પોતાની ઓળખ બાબત શર્વરીએ ચીવટ રાખેલી. વરલીનો ફ્લૅટ સીતાના નામે હતો. સ્ટાફમાં એકમાત્ર આયા ગોદાવરીબહેન હોય ને આડોશી-પાડોશીઓ,

બધાને માટે તે સીતા હતી, જે એક્સર્પોટ-ઇમ્ર્પોટનું કામ કરતી. નેટ પર જેના વિડિયોઝને સૌથી વધુ હિટ મળતી તે શર્વરી એટલે જ સીતા એની ક્લુ હજી સુધીનો કોઈને મળી નથી. પોતાને શર્વરી તરીકે ઓળખનારાને તે કદી ઘરે તેડાવતી નહીં, ઓમના અપવાદ સિવાય!

ઓમ!

શર્વરી ઝબકી, ઓમનો કૉલ ચાલુ છે, તેને જવાબ આપવા દે, ‘મેં ડિસાઇડ કરી લીધું, ઓમ, આઇ ઍમ ડુઇંગ ધ ફિલ્મ.’

સામા છેડે સન્નાટો છવાઈ ગયો.

(ક્રમશ:)

First Published: 28th August, 2012 06:07 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK