કથા સપ્તાહ : બદનામ જવાની (મૈં એક શરીફ લડકી - ૧)

Published: 27th August, 2012 05:28 IST

મોબાઇલમાં લતાનો કંઠ ગુંજતાં તેણે આળસ મરડી. બગાસું ખાતાં જોયું તો સ્ક્રીન પર નામ ઝબૂકતું હતું : ઓમ કૉલિંગ!

 

 

અન્ય ભાગ વાંચો

1  |   2


 

badnam-jawaniસમીત (પૂર્વેશ) શ્રોફ

‘તુઝે દેખા તો યે જાના સનમ...’

મોબાઇલમાં લતાનો કંઠ ગુંજતાં તેણે આળસ મરડી. બગાસું ખાતાં જોયું તો સ્ક્રીન પર નામ ઝબૂકતું હતું : ઓમ કૉલિંગ!

ઓહ, રવિવારની વહેલી સવારમાં ઓમને શું કામ પડ્યું? બેઠી થતાં તેણે કૉલ રિસીવ કર્યો, ‘ગુડ મૉર્નિંગ, ઓમ! ઍનીથિન્ગ સ્પેશ્યલ?’

‘એટલે! કંઈ ખાસ હોય તો જ તને કૉલ જોડી શકું?’ ઓમના સ્વરમાં ગંભીરતા ઊપસી, ‘શર્વરી, આપણે બન્ને એક પ્રોફેશનમાં છીએ, બે વરસથી એકમેકને જાણીએ છીએ, તોય તું ક્યારેક અતડી થઈને કેમ વર્તે છે?’

ઓમને બદલે બીજા કોઈએ પૂછ્યું હોત તો ‘માઇન્ડ યૉર ઓન બિઝનેસ’ કહી શર્વરીએ કનેક્શન કટ કર્યું હોત...

‘અતડાપણું મારા સ્વભાવમાં આપોઆપ આવી જતું હશે,

ઓમ... કદાચ જિંદગીના અનુભવોની એ આડઅસર હોય, કદાચ આપણા વ્યવસાયની બદનામી કારણભૂત હોય...’

વ્યવસાય!

નાની હતી ત્યારે શર્વરીએ કદી વિચાર્યું નહોતું કે ભવિષ્યમાં પોતે એવા ધંધામાં જોતરાશે, જે જનતાને ખાનગીમાં ગુદગુદી કરાવે, પણ જાહેરમાં જુગુપ્સા પ્રેરે!

જૂનાગઢના ટિહરી ગામમાં સાધારણ કુટુંબમાં જન્મેલી શર્વરીનું સાચું નામ તો હતું સીતા... ગીરના જંગલને અડીને આવેલા ગામની વસ્તી પાંખી, મોટા ભાગનો વર્ગ મજૂરીમાં કે પછી પશુપાલનમાં સંકળાયેલો.

આમ જુઓ તો સીતાનું બાળપણ ખુશહાલ હતું, મા-બાપની તે લાડલી હતી. નાના ભાઈ માટે વહાલનું ઝરણું હતી, સુખની ઘડી ચૌદમા વયપ્રવેશ સુધી રહી, પછી ભાગ્ય પલટાયું.

સીતાનો બાપ હરજી ખેતરમાં મજૂરીએ જતો, કરકસરથી ઘર ચલાવી મા કજરીએ ગાય-વાછરડાની જોડ વસાવી હતી એને કારણે દૂધની આવક વધી. લગભગ રોજ બપોરે સીતા સ્કૂલેથી આવ્યા પછી, કજરી દીકરાને તેડી સીમમાં ગાય ચરાવવા જતી. એક બપોરે મા-દીકરો ગયાં એ ગયાં! મોડી સાંજે શોધખોળ શરૂ કરી ત્યારે જાણ થઈ કે બન્ને સિંહનો શિકાર બની ગયાં છે! માનવભક્ષી થઈ ગયેલા સિંહે ગાયને છોડી તેમનો ભોગ લીધો એ ઘટનાએ સીતાને હેબતાવી દીધેલી. શોક ઊતરતાં બાપે બીજું લગ્ન કર્યું ત્યારથી તે વધુ ગુમસૂમ રહેવા લાગી. સાવકી મા સવિતાને કદી ઓરમાન દીકરી જોડે ભળ્યું નહીં. ધણીને વશમાં કર્યા પછી તે મુસ્તાક બની ગઈ.

‘છોકરીની જાત ભણીને શું કરવાની!’ પતિની કાનભંભેરણી કરી તેણે સીતાની સ્કૂલ છોડાવી. ઘરનાં કામો સીતાને માથે નાખ્યાં. બધું કામ પતાવીને સીતા સહેલીઓ ભેગી રમવા જાય એ પણ સવિતાથી ખમાતું નહીં, ચોટલો તાણી દીકરીને ખેંચી આણતી. સાવકાપણાની ગાંઠને કારણે તે સીતાના મુખ પર ખુશીની હળવી લહેર પણ ખમી શકતી નહીં. દૂર બેસતી થયેલી સીતાનું યૌવન તેને કણાની જેમ ખૂંચતું.

‘બળ્યાં આવાં રૂપ! ગામઆખાના છોકરાઓની નજર ભટકાવે એવું જોબન ક્યાંક આપણને મોંઘું ન પડે! કહું છું, તેને ક્યાંક કામે લગાવો તો બે પૈસાય ઘરે આવે, મારાં લાલી-લિપસ્ટિકનો ખર્ચો નીકળે ને છોકરીનું ચિત્ત બીજે ભટકશે નહીં!’

પિતાના ગળે આ તર્ક ઊતરી ગયો અને પાંચ-સાત દિવસમાં જ સીતાની નોકરીનો મેળ બેઠો, ફૉરેસ્ટ ઑફિસર નંદન મહેતાના ડાકબંગલે!

ફૉરેસ્ટ ઑફિસરની ફૅમિલીમાં પતિ-પત્ની બે જ હતાં. પાંત્રીસેક વરસના નંદનભાઈ દિવસ દરમ્યાન મોટા ભાગે બહાર રહેતા હોય, તેમનાં પત્ની વિશાખાદેવી માટે સીતા બેસ્ટ કમ્પૅન્યન જેવી સાબિત થઈ. પરસાળના હીંચકે ગોઠવાઈ તેઓ સીતાને અનેક પ્રfનો કરતાં : પરિવારમાં કોણ છે, ભણવાનું કેમ છોડી દીધું, લગ્ન નક્કી થયાં છે ખરાં...

સગી માનું દુ:ખ, સાવકી માના જુલમ વિશે કહેતાં સીતા રડી પડતી... વિશાખાદેવી સધિયારો પાઠવતાં : દુ:ખના આ દિવસો પણ વીતી જશે, સીતા, હિંમત રાખ!

ધીરે-ધીરે વિશાખાદેવી સાથે આત્મીયતા બંધાઈ ગઈ. રવિવારે નંદનભાઈ ઘરે હોય, તેમને ભાગ્યે જ છાપાં-મૅગેઝિનમાંથી ફુરસદ મળે. વિશાખાદેવીએ શરૂથી જ રવિવારે અડધી વેળનો નિયમ રાખેલો.

પતિ-પત્ની જમી લે પછી પોતે થોડું ખાઈ, રસોડું સમેટી સીતાએ નીકળી જવાનું...

આવો જ એક રવિવાર.

સીતાને નોકરીએ લાગ્યે ત્યારે ત્રણેક મહિના થયા હશે. રવિની સવારે છાપાં લઈ હીંચકે ગોઠવાયેલા નંદન સમક્ષ ચા-નાસ્તાની ટ્રે ધરતી સીતાનો દુપટ્ટો ખભેથી સરકી ગયો. તેના વક્ષસ્થળના ઉભાર પર નંદનની નજર ચોંટી ગઈ. પાછળ આવેલાં વિશાખાદેવીએ ખોંખારો ખાધો. નંદન છોભીલો પડ્યો, નજર વાળી લીધી. આ આખી ક્રિયા સીતાના પલ્લે નહોતી પડી. તેણે તો સહજતાથી ટ્રે મૂકી દુપટ્ટો ઠીક કરી લીધેલો.

‘યૌવનમાં આવ્યા પછી સાવધ રહેવું, સીતા.’ સોમવારની બપોરે વિશાખાદેવી મોઘમ બોલેલાં, ‘શાસ્ત્રોમાં તો કુંવારી કન્યા સગા બાપ જોડે એકાંતમાં નિર્દોષપણે બેસે એને પણ પાપ ગણાયું છે! કામવૃત્તિ વકરે ત્યારે પુરુષ માત્ર પશુ બની જાય છે, માટે હંમેશાં સાવધ રહેવું.’

આડકતરી રીતે વિશાખાદેવી પોતાને તેમના પતિ વિરુદ્ધ ચેતવી રહ્યાનો ઝબકારો ત્યારે સીતાને નહોતો થયો! બિટ્વીન ધ લાઇન્સ સમજવાની એ વય પણ ક્યાં હતી? સીધી સમજ પ્રમાણે તેણે ઘરે પિતા સાથે એકલાં રહેવાનું ટાળવા માંડ્યું. ‘હેં! તુંય મારી જોડે મારા પિયર આવવા માગે છે?’ સવિતાને સાવકી દીકરીની રઢ સમજાઈ નહોતી, ‘કંઈ કારણ!’

‘આજુબાજુ જોઈ, પિતાની ગેરહાજરી ચકાસી સીતાએ ધીમા અવાજે ખુલાસો કર્યો હતો, ‘મા વિશાખાદેવી કહે છે કે ઉંમરલાયક દીકરીથી પિતા જોડે ન રહેવાય.’

ભોળા ભાવે બોલતી દીકરીના શબ્દોએ કપાળ કૂટવાનું મન થયું સવિતાને! પણ રહો, વિશાખામૅડમે નોકરાણીને આવું જ્ઞાન દેવાનું કારણ? સાવકી માની ભીતર કશુંક ખદબદવા લાગ્યું. ટાઢા કોઠે તેણે વાત કઢાવી. જમાનાની ખાધેલ બાઈએ વિશાખાનું મોઘમ પારખ્યું. દીકરીને ઊલટી પટ્ટી પઢાવી : એમ કંઈ પુરુષોથી ડરવાનું ન હોય, આઘાં રહેવાનું ન હોય... જોને, હું ડરું છું તારા પિતાથી?

સવિતાની વાતે ખોટી ન લાગી સીતાને. મા ધરાર તેને મૂકીને પિયર જતાં પિતા સાથે ગાળવા પડેલા બે-ચાર દિવસ હેમખેમ વીતતાં તેણે વિશાખાદેવીને કહેલું, ‘બહેન, આમાં પાપ ક્યાં હતું?’

જવાબમાં વિશાખાદેવીએ નિ:શ્વાસ નાખેલો. પોતે જે સૂચવવા માગતાં હતાં એ બ્લૅક ઍન્ડ વાઇટમાં કહેવાય એમ નહોતું!

છતાં તે પોતે સચેત હતાં. રવિવારની ઘટનાના પંદર-વીસ દિવસે તેઓ વસ્તીમાં પહોંચ્યાં.

‘બહેન, તમે!’ સીતા ખીલી ઊઠેલી, ‘હું હમણાં જ તો આવી. કંઈ કામ પડ્યું મારું?’

સાવકી દીકરીના ઉત્સાહ સામે સવિતાએ મોં મચકોડ્યું. છતાં મૅડમ શીદ પધાર્યા એનું કુતૂહલ તો થયું જ.

‘હું કહેવા આવી છું સવિતા કે...’ પાણીનો પ્યાલો ગટગટાવી તેમણે સહેજ ગંભીરપણે કહેલું, ‘કાલથી અઠવાડિયા માટે સીતાને કામે ન મોકલીશ. શું છે કે હું મારા નણંદને ત્યાં જાઉં છું, ચિંતા ન કરતી, સીતાનો પગાર નહીં કાપું.’

ડોક ધુણાવતી સવિતા ચમકી.

હં!

અર્થાત્ બાઈ એકલી જ જાય છે, તેનો વર તો અહીં જ રહેવાનો, તેના ખાવા-પીવાનું શું?

‘ઑફિસનો ગુમાસ્તો ભીમજી ટિફિન આપી જશે, તું પરેશાન ન બન?’ બાઈ સીતાને ધણીથી દૂર રાખવા માગે છે એ સવિતાને સમજાઈ ગયું.

ચિંતા તો હવે તારે કરવાની થશે! સવિતાના દિમાગમાં પડઘો ઊઠ્યો ને હોઠો પર મીઠું સ્મિત ફરકી ગયેલું!

બીજે દા’ડે સીતાનું ક્યાંય ચિત્ત ન ચોંટ્યુ : બહેન જલદી પાછાં ફરે તો સારું!

‘બહેનની ફિકરમાં અડધી થનારી તને સાહેબનો વિચાર આવે છે?’ બપોર પછી તેણે સાવકી દીકરીને તૈયાર કરી, ‘ચાલ જોઉં, સાહેબ માટે સાંજનું રાંધી આવીએ.’

મા-દીકરી ડાકબંગલે પહોંચ્યાં. દરવાન બહાદુરસિંહે મુખ્ય દ્વાર ખોલી આપ્યું. સવિતા આરામથી સુંવાળા સોફા પર લેટી, સીતાએ ફટાફટ રસોઈ બનાવી, ઘર ચોખ્ખુંચણાક કર્યું.

‘મા, હવે જઈએ? ઘરે બાપુ આવતા જ હશે.’

‘અરે, વાહ! આવી છું તો તારા સાહેબને મળીને જઈશ! બાજુમાં લીલાને કહીને આવી છું કે અમારે મોડું થશે, એટલે તારો બાપ કંઈ આપણી ચિંતામાં સુકાઈ નથી જવાનો!’

છ-સાડાછએ પરત થયેલો નંદન સવિતા-સીતાની જોડીને જોઈ અચરજ પામ્યો.

‘બસ, એટલું જ કહેવું’તું સાહેબ કે...’ સીતાને રસોડામાં ચા બનાવવા મોકલી સવિતાએ નંદનને ઇશારો આપી દીધેલો, ‘તમે મને સાચવશો તો મારી દીકરી બધી રીતે તમને સાચવશે!’

નંદન અબુધ નહોતો. તેની રંગીન તબિયતના કિસ્સા પ્રચલિત ભલે ન હોય, માણસની નીયતમાં એ ગુણ કે અવગુણ ડોકાયા વિના નથી રહેતા.

સીતા ચા લઈને આવી. તેને નિહાળતાં નંદનની ભૂખ ઊઘડી. નજરથી સવિતાને સંદેશો પાઠવ્યો : તારી સાવકી દીકરીની જુવાની મારા ધ્યાનમાં હતી જ...

‘કાચી કેરી છે, સાહેબ, દામ જરા ઠીક લગાવજો.’

દીકરી ફરી રસોડામાં જતાં સવિતાએ સોદો પાકો કર્યો.

સીતા પાછી ફરે એ પહેલાં પાંચસોની દસ નોટ બ્લાઉઝના પોલાણમાં સરકાવી દીધી.

‘બેટી સીતા.’

દીવાનખંડમાં પ્રવેશતી સીતાએ જોયું તો સાહેબ ત્યાં નહોતા, અને માના અવાજમાં ભારોભાર હેત ટપકતું હતું!

‘સાહેબને શરીરે અસુખ વર્તાતાં બહાદુરને ડૉક્ટરને તેડવા મોકલ્યો છે, મારે સંધ્યા આરતીનો ટાઇમ થયો, તું તેમને બામ ઘસીને આવ...’

સીતા ખંચકાઈ.

‘જો બેટા, તારાં બહેન (વિશાખાદેવી)ને પાછળથી જાણ થશે કે આપણે તેમના વરની માંદગીમાં ચાકરી નથી કરી તો કેવું લાગે?’

ખરાબ જ લાગે વળી! વિશાખાદેવીની સલાહ વીસરાઈ ગઈ. સાવકી માનું કપટ કામ કરી ગયું...

માને વિદાય કરી, મુખ્ય દ્વારની કડી વાસી સીતા બામની શીશી શોધી બેડરૂમમાં દાખલ થઈ.

- અને કલાક પછી ફરી એ ઉંબરો ઓળંગ્યો ત્યારે તે કૌમાર્ય ગુમાવી ચૂકી હતી! બહેને પુરુષને પશુ સાથે કેમ સરખાવ્યો, સાવધ રહેવા કેમ સમજાવ્યું એનો ભેદ ખૂલી ગયો, પણ હવે શું!

તેના બદનનું અંગેઅંગ કળતું હતું, વસ્ત્રો લોહીભીનાં બન્યાં હતાં. કયા મોઢે ઘરે જઈશ? મા શું કહેશે!

‘કાલે રવિવાર છે... વહેલી આવી રહેજે, આખો દા’ડો અહીં રહેવાનું છે!’કપડાં પહેરતાં નંદને આંખ મીંચકારી હતી, ‘ચિંતા ન કર, તારી મા તને અહીં મૂકી જશે... પૂરેપૂરી કિંમત વસૂલી છે તેણે તારા યૌવનની!’

સીતાના કાનમાં ધાક પડી ગઈ. સાવકી માની દાનત પરખાયા પછી ઘરે જવાનો અર્થ નહોતો. જૂનાગઢ પહોંચી તેણે હાથ લાગી એ ટ્રેન ઝડપી લીધી.

યૌવનના પ્રથમ પગથિયે યૌનશોષણનો ભોગ બન્યા પછીની એ સફર સીતાને શર્વરી બનાવી પૉર્નસ્ટાર બનવા સુધી પ્રેરી ગઈ હતી... જેમાં હવે ફિલ્મસ્ટાર બનવાનો વળાંક ક્ષિતિજે દેખાતો હતો.

ઓહ! શર્વરી ઝબકી. સામા છેડે ઓમ પૂછતો હતો - ‘પછી તેં શું વિચાર્યું, શર્વરી?’

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK