કથા-સપ્તાહ: અંધારાં-અજવાળાં (રાત ઔર દિન - 2)

Sameet Purvesh Shroff | Jan 08, 2019, 10:49 IST

‘તેં તો ખરો ભેખ લીધો છે મારા પાછળ દીકરા!’ સાવિત્રીબહેને નિસાસો નાખ્યો, ‘બળ્યું આ જીવન. તારા પિતા હયાત હોત તો તારું ભાવિ રોળાયું ન હોત!’

કથા-સપ્તાહ: અંધારાં-અજવાળાં (રાત ઔર દિન - 2)
લઘુકથા - અંધારાં અજવાળાં

પતિના અણધાર્યા અવસાન સમયે દસમું ભણતા દીકરાને ઉછેરવાનું એટલું મુશ્કેલ ન હોત સાવિત્રીબહેન માટે... વિનયભાઈની બચત સારી, અંધેરીનું ઘર પણ પોતાનું; પણ કરોડરજ્જુના ઘસારા થકી માંદગી એવી શરીરમાં પેઠી કે પાછલા વરસેકથી તો સાવ જ પથારીવશ બની ગયા છે તેઓ. હૃદય પણ હવે નબળું પડતું જાય છે.

પિતાની વિદાય અને માની નાદુરસ્ત થતી જતી તબિયતે અજાતશત્રુને રાતોરાત પીઢ બનાવી દીધો. લાઇટબિલ ભરવાથી માંડીને શાકભાજીની ખરીદી સુધીનાં કામોમાં ઘડાયો. આ બધામાં અભ્યાસ અટવાઈ જતો એનો વસવસો સાવિત્રીબહેનને આજેય છે, પણ જેને માબાપ પાસેથી હંમેશાં નિ:સ્વાર્થ સ્નેહ સાંપડ્યો તેના માટે પોતાના સુખથી વિશેષ તેમનું સુખ જ હોવાનું. જિંદગી વધુ બહેતરપણે તેને પાઠ ભણાવી રહી હતી. પપ્પાની બચતમૂડીનું નાકું આવી ગયું હતું. તેણે છૂટકપૂટક કામ ખોળવા માંડ્યું. લૉન્ડ્રીનાં કપડાંની ડિલિવરીથી માંડીને મૉલમાં પાર્ટટાઇમ અટેન્ડન્ટ તરીકે કામ કરવાની નાનમ નહીં. કૉલેજ પતાવી ત્યાં માની હાલત વધુ બગડી. તેના નાહવા-ધોવા માટે ફરજિયાત બાઈ રાખવી પડી. દવાનો ખર્ચ વધ્યો. અજાતશત્રુ સમજતો કે મારે કંઈક તો કરવું રહ્યું જે આર્થિક સલામતી આણે. લાઇફમાં સેટલ થયા જેવું લાગે તો માનેય નિરાંત.

‘તું અત્યંત દેખાવડો છે, હટ્ટોકટ્ટો છે. મૉડલિંગ કેમ નથી કરતો!’

અનેક ઠેકાણે ભાતભાતનાં કામ કરી ચૂકેલા અજાતશત્રુનું નેટવર્ક બહોળું. તે ઘણાની સલાહ પણ માગતો. એમાં મૉડલ બનવાનું સૂચન થોડું અચરજ પમાડી ગયું. પોતાની ખૂબસૂરતી માપવા-તોલવા કે અનુભવવાની તેને ફુરસદ જ ક્યાં હતી? હું અને મૉડલ? હસી પડાયેલું.

પણ એકાદ ઍડ એજન્સીમાં કામ કરતા આધેડ વયના સાહિલભાઈની આંખો હીર પારખવામાં થાપ કેમ થાય.

‘એક તક છે. જાણીતા ફૅશન-ડિઝાઇનર વિરાજ માર્કન્ડ નવું કલેક્શન લૉન્ચ કરી રહ્યા છે.... તેને મળ તો ખ૨ો.’

સાહિલભાઈના રેફરન્સે અજાતશત્રુ વિરાજને તેના બાંદરાના શોરૂમ પર મળવા ગયો. માંડ ૩૨થી ૩૫નો જુવાન ફૅશનવલ્ર્ડમાં ખ્યાતનામ હશે એવું પહેલી નજરમાં મનાય નહીં.

‘તારા લુકમાં મૉડલ થવાનું પોટેન્શ્યલ છે, આવડત અનુભવે કેળવવાની જ. હું સ્વિમિંગવેઅરનું કલેક્શન મૂકવાનો છું, તું એમાં રૅમ્પ-વૉક કરીશ?’

સ્વિમિંગ કે ઇનરવેઅરના પ્રદર્શનમાં એસ્ટૅબ્લિશ્ડ મૉડલ્સ તૈયાર નથી થતા. અજાતશત્રુની મરજી હોય તો કલેક્શનના લૉન્ચિંગ સુધીમાં ઘડાઈ જવાનો સમય પણ છે... બે કલાકના કામના ત્રીસ હજાર મળશે એટલું જાણ્યા પછી રહીસહી અણખટ પણ ઓસરી ગઈ.

કેવો રહ્યો એ અનુભવ?

રિહર્સલ્સ કરેલાં એટલે શરીર પર કેવળ શૉર્ટ્સ જેવું ટૂંકું વસ્ત્ર પહેરીને રૅમ્પ પર વૉક કરવામાં નાનમ, સંકોચ ન રહ્યાં. છટાથી તે પ્રવેશ્યો. કૅમેરાની ફ્લૅશે ચિંતા જગાવી; પણ આ ફોટો બહુ-બહુ તો ફૅશન મૅગેઝિનમાં છપાય, જે મા સુધી પહોંચવા અશક્યવત્ ગણાય.

ખરેખર માને ખબર ન પડી. પછી તો અજાતશત્રુ આ પ્રકારનાં બીજાં કામ પણ કરતો થયો. ચહેરો ન દેખાડવાની શરતે ઇનરવેઅરની જાહેરાત કરી. અરે, શક્તિવર્ધક તેલની જાહેરખબરમાં પણ ઝળક્યો! અહીં પોતાનો સાઇડ ફેસ દેખાડેલો જેના પરથી ઓળખાઈ જવાની સંભાવના નહીંવત હતી. આમેય ઘરે તો છાપું પણ ક્યાં આવતું હોય છે!

ધીરે-ધીરે માથી છાનું રાખવાનો ડંખ પણ ન રહ્યો... જાતને સમજાવી કાઢી : હું ધાડ તો નથી પાડતોને, વેશ્યાવાડે તો નથી બેઠોને! મારા જીવનના અંધારાને અજવાળવા મારા જ દેહનું થોડુંઘણું પ્રદર્શન કરું એમાં કયું આભ તૂટી પડ્યું!

આમાં પૈસા ચિક્કાર મળતા. અજાતશત્રુ અનુભવે ઘડાતો ગયો એમ સમજાતું ગયું કે પોતે થોડી ધીરજ ધરીને યા પૂરી તૈયારી સાથે કામ શોધ્યું હોત તો આજે કદાચ ટોચના મૉડલમાં મારી ગણના થતી હોત... આ ક્ષેત્રનાં દૂષણો પણ તેનાથી છૂપાં ન રહ્યાં. ગ્લૅમરવલ્ર્ડનું પ્રેશર જેવું તેવું નથી હોતું. વિખ્યાત ગણાતી સેલિબ્રિટીઝ રૅમ્પ-વૉક કરતાં ધ્રૂજી જતી હોય છે. શરીરના ભોગવટાની અહીં નવાઈ નથી..

‘યુ આર ટુ હૉટ...’

જપાની તેલની જાહેરાતમાં અજાતશત્રુની સાથે ચમકનારી નમિતા તેના સ્પર્શથી સળગી ઊઠેલી. બે-ત્રણ દિવસના સહેવાસમાં ઇજન પણ દઈ દીધું : ચલ, એકાદ હોટેલમાં રૂમ લઈને આ તેલ કેટલું અકસીર છે એની પ્રૅક્ટિકલ ચકાસણી કરી લઈએ!

એક છોકરી આટલું બેધડક કહી-પૂછી શકે! ના, અજાતને એની નવાઈ નહોતી લાગી. અરુચિ થઈ હતી. વ્યક્તિ પોતાના ચારિત્ર્યમાં કેમ ચૂકતી હશે?

આ નમિતાનો જ દાખલો લો. માંડ ૨૦-૨૨ની ઉંમર હશે. તોય ઠેઠ અલાહાબાદથી શમણાં સાકાર કરવા મુંબઈ આવી છે. એકલી રહે છે. બેશક રૂપાળી છે, પણ બિન્દાસ છે. એટલી જ મહત્વાકાંક્ષી.

‘મારે ઠાઠથી જીવવું છે. અપાર વૈભવ રળવો છે. મારી ખૂબસૂરતીથી ધાર્યા મુકામ હાંસલ કરવાની મને ખાતરી છે...’

બની શકે કે તેણે ટોચની મૉડલ યા હિરોઇન પણ બનવું હોય, પરંતુ એ તો બને ત્યારે. હાલ તો તેલની હલકી ગણાતી જાહેરાતમાં કામ કરીને મુંબઈ જેવા શહેરમાં ટકવાનો રસ્તો ખોળી લીધો છે. સારું કમાય છે અને કમાણીના કેફમાં પોતાની બીજી જરૂરિયાતો સંતોષવાનું પણ શીખી ગઈ હોય એમ તેણે હોટેલમાં જવાનું સૂચન મૂકતાં અજાતશત્રુ સંકોચાયેલો : આઇ ઍમ સૉરી, હું એ ટાઇપનો જુવાન નથી!

‘માઇન્ડ યૉર ટંગ...’ તે થોડી ભડકી ગયેલી, ‘વેશ્યા તો હું પણ નથી. કઈ સદીમાં જીવે છે તું? પુખ્ત વયની બે વ્યક્તિ ગમતી મોજ માણી લે એમાં ફલાણી ટાઇપના હોવાનો થપ્પો શીદ મારવો! કમસે કમ તેલની જાહેરખબર કરનારાના મોંએ આવી વાણી શોભતી નથી.’

‘જાહેરાત મારું પ્રોફેશનલ છે અને લગ્ન વિના કોઈ સાથે નહીં સૂવાનું મારું ચારિત્ર્ય... બેઉને અલગ જ રાખીએ તો?’

‘હૉરિબલ!’ નમિતાએ મોં મચકોડેલું.

અજાતશત્રુ માટે વાત અહીં પૂરી થઈ. શૂટ પત્યા પછી વિસારેય પાડી. જોકે પેલી નમિતા નહીં ભૂૂલી હોય એમ શૂટના ત્રીજા મહિને, આજથી લગભગ બે માસ અગાઉ સામેથી ફોન જોડે છે : ચાર દિવસ સ્પેર કરી શકતો હોય તો થાઇલૅન્ડ ચાલ મારી જોડે. ઍડલ્ટ મૂવીની ઑફર છે... મજાની મજા અને ધાર્યું ન હોય એવું તગડું વળતર..

અજાતશત્રુને લાલચ સ્પર્શી નહોતી : આઇ ઍમ સૉરી, મને એટલું એક્સપોઝર પણ નહીં ફાવે!

ક્યારેક તો એવું લાગતું કે મૉડલિંગના રૂપકડા જગતમાં ગંદકી જ ગંદકી છે! ક્યાં સુધી હું જાતને ઉકરડો થવાથી બચાવી શકીશ?

અજાતશત્રુ પાસે આનો જવાબ નહોતો!

‘તેં આ શું કર્યું ઝરણા!’ વિદ્યુત ખીજાણો.

ઝરણા સમજી. બે દિવસ અગાઉની ઘટનાની પ્રતિક્રિયા આવી રહી છે.

રવિની બપોરે આતશ મહેતાને પાઠ ભણાવીને પોતે ધમધમાટભેર ઘરે આવીને ખૂબ રડી લીધું : હું મૉડલિંગ કરું એટલે સાવ સસ્તી થઈ ગઈ? સ્ત્રીને ઉપભોગનું સાધન સમજવાનું ક્યારે બંધ કરશે આ કહેવાતા અમીરજાદાઓ?

પોતાની વ્યથા, રોષ ઝરણાને વામણાં લાગતાં હતાં. આમાં ક્યાંક વાંક સ્ત્રીઓનો પણ નથી? મૉડલિંગની જ વાત લઈએ. આતશ કેવા ગુરૂરથી બોલી ગયો કે મને રાજી કર્યા વિના કોઈ મૉડલ મારા કૅલેન્ડર પર ચમકી નથી : કામ ખાતર, પૈસા ખાતર સ્ત્રી જ સમાધાન સ્વીકારે ત્યારે કેવળ પુરુષને દોષ દેવો અન્યાયકર્તા છે. શા માટે લોકોનાં મૉરલ્સ આટલાં તૂટી રહ્યાં છે? સિદ્ધાંતનિષ્ઠા ક્યાંય રહી જ નથી?

પોતાની કરણીને બિરાદાવાય એવું તો ઝરણા માનતી જ નહોતી. મહેતાના કૅલેન્ડરમાં તો હું નહીં જ ચમકું. ગિન્નાયેલો આતશ તેની વગના જોરે બીજાં ચાર-છ કામ પણ ખૂંચવ્યા વિના નહીં રહે. મોટી એજન્સીઓ મને બ્લૅકલિસ્ટેડ કરી દે એવુંય બને.

- એથી મારે ડગવાનું નથી. જાતને મક્કમ કરતી ઝરણા સોમવારે ઘરે જ રહી. મંગળની આજની સવારે વિદ્યુતનો ફોન આવ્યો ત્યારે તે પૂરી સ્વસ્થ હતી, ‘તને ખબર પડી ગઈ!’ તેણે દાઢમાં પૂછ્યું, ‘આતશના ખબર કાઢવા હૉસ્પિટલ જવું પડે એવું તો નથીને?’

‘યુ આર મૅડ...’ વિદ્યુત બરાડ્યો, ‘તેં આતશ સાથે કર્યું શું?’

ઝરણા ચમકી, સમજી. આતશે રીઍક્શન આપ્યું, પણ પોતે તેની શું કામ અને કેટલી બેઇજ્જતી કરી એવું તો તે સ્વાભાવિક જ કોઈને નહીં કહેને!

‘મારી આબરૂ પર હાથ નાખનારા સામે મેં શું કર્યું હોય? પગ વચ્ચે લાત ફટકારી, ગાલે તમાચો મારીને ફર્શ

પર પછાડ્યો...’

હાય રામ. વિદ્યુત બઘવાયો. કળ વળતાં વાર લાગી.

‘ગજબ છે તું. આટલું હાર્શ રીઍક્શન આપવાની શી જરૂર હતી? કાલે તૈયારી સાથે આવીશ એમ કહીને સરકી આવવાનું હોય...’ વિદ્યુતની અકળામણ છતી થઈ, ‘હું તને હંમેશાં કહું છું કે બી પ્રૅક્ટિકલ. ઝાંસીની રાણી બનીને તેં શું મેળવ્યું? અહીં અમારા પેટ પર લાત પડી. ‘તમારી મૉડલે મારી સાથે મિસબિહેવ કર્યું’ એટલું જ જણાવીને આતશે ચોપડાનો ઊધડો લીધો. તેમની ડીલ ફોક કરતાં છટપટેલા ચોપડાએ મારાં બીજાં બે અસાઇનમેન્ટ રદ કર્યાં. આટલી અનપ્રોફેશનલ મૉડલ્સ સાથે કામ કરતો ફોટોગ્રાફર અમને ન ખપે!’

તેનો ઊંચો અવાજ ઝરણાને થોડી ખિન્ન કરી ગયો, ‘હું વારંવાર ભૂલી જાઉં છું કે હું એવા પ્રોફેશનમાં છું જ્યાં કદાચ મૂલ્યોનું કોઈ સ્થાન નથી. મૉડલનું શિયળ લૂંટવા માગતા બિઝનેસમૅનનો બૉયકૉટ આખું ઍડ જગત કરે એવી અપેક્ષા અહીં રાખવી વ્યર્થ છે.’

સત્ય વિધાને વિદ્યુતની જીભ સિવાઈ ગઈ. તું આતશની માફી માગીને વાત વાળી જો એવું કહેવાયું નહીં.

‘ખેર, તમને આર્થિક નુકસાન થયું એ બદલ સૉરીથી વિશે હું કંઈ કહી-કરી શકું એમ નથી!’

ઝરણાએ ફોન મૂક્યો. તેને જાણ નહોતી કે આતશનું વેર કેવળ આટલેથી અટકવાનું નહોતું.

વન્ડરફુલ! જોનારા એકઅવાજે મહેતા કંપનીના કૅલેન્ડરની તારીફ કરે છે ને લૉન્ચિંગ પાર્ટીના હોસ્ટ તરીકે આશત મહેતા પોરસાઈ લે છે.

‘સ્વિટ્ઝરલૅન્ડના રોમૅન્ટિક લોકેશનના નેપથ્યમાં કંપનીનાં રંગરેબરંગી વસ્ત્રો પરિધાન કરેલી મૉડલનું કૉમ્બિનેશન લાજવાબ બન્યું છે. કૅલેન્ડર ગર્લ શોધવામાં તમારો જોટો નથી.’ બે-ચાર જણ આવીયે તારીફ કરી ગયા એ સાંભળવાનું ગમ્યું એમ ભીતર થોડી ખિન્નતા પણ પ્રસરી ગઈ : મેં તો કોહિનૂર શોધ્યો’તો, પણ તે છોકરી ગુમાની નીકળી!

ઝરણાના સ્મરણે તેની લાત તાજી થઈ ને આતશે બે પગ વચ્ચે કળતર અનુભવ્યું. મહિનો થઈ ગયો એ વાતને છતાં ચોટ ભુલાતી નથી. એ રવિવારે ઝરણાના નીકળ્યા પછી ક્યાંય સુધી કળ નહોતી વળી : મનને પણ અને તનને પણ!

ચોક્કસ જગ્યાએ લાગેલી લાતનો દુખાવો પેઇનકિલરથી પણ ન મટ્યો ત્યારે ડૉક્ટરને કન્સલ્ટ કરવા પડ્યા એ કેટલું ક્ષોભજનક હતું.

‘માય ગૉડ, તું કરવા શું ગયો!’ મિત્રભાવે પૂછતા ડૉક્ટરને સત્ય કહેવાયું નહોતું. કૅલેન્ડર ગર્લને ભોગવ્યા વિના ફાઇનલ કરી નહોતી, પણ કૅલેન્ડરની પહેલી પ્રિન્ટ આવી ત્યારે પહેલો વિચાર એ જ હતો કે આ યાસિતાને બદલે ઝરણા હોત તો કૅલેન્ડર ઇરરેઝિસ્ટેબલ બન્યું હોત!

ઝરણા, ઝરણા. ‘તમારી મૉડલે મિસબિહેવ કર્યું’ની ફરિયાદે પોતે ઍડ એજન્સીને લાગમાં લીધી. જેની સાથે મારે પ્રોફેશનલ રિલેશન રહ્યા એ તમામ એજન્સીમાં ઝરણાને બ્લૅકલિસ્ટેડ કરાવ્યા પછી પણ દ્વેષ શમ્યો નથી, વેર ઓસર્યું નથી...

જૉબલેસ જેવી બનીને ઝરણામાં મને બદનામ કરવાના હોશ રહ્યા ન હોય, તેની પાસે પુરાવો પણ શું? ઊલટું તે જાહેરમાં બોલવાની થઈ તો કાયદાની કલમોમાં તેને ભેરવી દઉં! એટલી સમજ તો તેને પણ હોય. ઝરણા કંઈ એવી નામી મૉડલ નથી. તેને બ્લૅકલિસ્ટ કરી જાણીતા ઇન્ડસ્ટિÿયલિસ્ટને ઑબ્લાઇજ કરવાનું ઍડ કંપનીઓ શું કામ ચૂકે? પણ આનાથી બહુ-બહુ તો ઝરણાનું સ્ટ્રગલ-લેવલ જરા વધુ વધે, એ કંઈ વેર વસૂલ્યું ન કહેવાય! મને રિજેક્ટ કરનારીની તો ખો ભુલાવી દેવી જોઈએ... અહં, મારું અપમાન તો બંગલાના એ ખંડ પૂરતું રહ્યું, ઝરણાની આબરૂ સરેઆમ ઉતારી હોય તો વેરનો રંગ રહી જાય!

ઝરણાએ ધૂત્કાર્યાની ઘડીથી જાગેલી આ ઝંખના પૂરી નહીં થાય ત્યાં સુધી વેરની જ્વાળા શમશે નહીં!

‘હલો સર...’

આતશ ઝબક્યો. પોતે ફાઇવસ્ટાર હોટેલના આલીશાન બૅન્ક્વેટની કૅલેન્ડર લૉન્ચિંગ પાર્ટીમાં છે એ સાંભરી ગયું. જોયું તો ફૅશન-ડિઝાઇનર વિરાજ.

આતશ સાથે ગુફ્તેગૂની તક વિરાજે ઝડપી લીધી. હમણાં તે વેડિંગ કલેક્શન પર કામ કરી રહ્યો હતો. એની સ્પૉન્સરશિપ માટે આતશને ટટોલવાનો આ ગોલ્ડન ચાન્સ છે.

‘બે-ત્રણ મહિનામાં મારું કલેક્શન રેડી થઈ જશે સર. ઇન ફૅક્ટ, એપ્રિલના ફર્સ્ટ વીકની લૉન્ચિંગ-ડેટ પણ ફિક્સ છે. સાંતાક્રુઝની ગ્રૅન્ડ હયાતમાં ભવ્ય રૅમ્પ-શો થશે. શો-સ્ટૉપર તરીકે શ્રદ્ધા કપૂરને ઇન્વાઇટ કરવી છે. બટ એ તો તમારા જેવો ખમતીધર સ્પૉન્સર હોય તો શક્ય બને.’

આતશે ડોક ધુણાવી. વિરાજ સાથે ભૂતકાળમાં કામ કર્યું છે, તેની ટૅલન્ટ પ્રૂવ થયેલી છે. મૅરેજ સીઝન ટાણે બ્રૅન્ડ ન્યુ વેડિંગ કલેક્શન ફાયદેમંદ જ રહે. એની લૉન્ચિંગ ઇવેન્ટ...

અને આતશના ચિત્તમાં કડાકો બોલ્યો : અહા! વેડિંગ કલેક્શન. ભવ્ય રૅમ્પ-શો. સેલિબ્રિટીઝ-મીડિયાનો ઝમેલો હશે એ ઇવેન્ટમાં ઝરણાની આબરૂ પર ઘા થાય તો?

આ પણ વાંચો : કથા-સપ્તાહ: અંધારાં-અજવાળાં (રાત ઔર દિન - 1)

આતશ ખીલી ઊઠ્યો, ‘ડેફિનેટલી વી કૅન ડૂ સમથિંગ ઑન ધીસ પ્રોજેક્ટ... કાલે તમે ઑફિસે આવીને મળો તો?’

(ક્રમશ:)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK