Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા-સપ્તાહ: અંધારાં-અજવાળાં (રાત ઔર દિન - 1)

કથા-સપ્તાહ: અંધારાં-અજવાળાં (રાત ઔર દિન - 1)

08 January, 2019 08:04 AM IST |
સમીત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ: અંધારાં-અજવાળાં (રાત ઔર દિન - 1)

લઘુકથા -  અંધારાં અજવાળાં

લઘુકથા - અંધારાં અજવાળાં


ટૅક્સીમાં ગુંજતા લતાના ગીતે તેના હોઠ મલકાવી દીધા. જૂનાં ગીતો તેને ગમતાં. અમદાવાદની ઇન્ટરસ્કૂલ કૉમ્પિટિશનમાં લતાજીનાં ગીતો ગાઈને તે હંમેશાં પહેલું ઇનામ મેળવી જતી.

‘અમને હતું ઝરણા કે તું સંગીતના ક્ષેત્રે હરણફાળ ભરશે. એને બદલે મુંબઈ જઈને મૉડલ ક્યાં બની ગઈ!’



હજી ગયા વર્ષે‍ સોશ્યલ ફંકશનમાં ભટકાઈ ગયેલી સ્કૂલફ્રેન્ડ ભામિની પોતે મૉડલિંગ કરતી હોવાનું જાણીને કેવી અચંબિત થઈ ગયેલી.


‘સ્કૂલડેઝમાં મને એવી દિશાસૂઝ નહોતી. કારર્કિદીની સંભાવનાઓ કૉલેજમાં એક્સપ્લોર થતી ગઈ એમ મારું મન મૉડલિંગ પર બેઠું....’

સખીને આપેલા જવાબમાં તથ્ય હતું. ઝરણા વાગોળી રહી.


અમદાવાદના બૅન્કર પિતાની એકની એક દીકરી તરીકે લાડકોડમાં ઊછરેલી ઝરણાનાં સંસ્કાર-મૂળિયાં મજબêત હતાં. રૂપાળી તો તે હતી જ, અંગે યૌવન મર્હોયા પછી સૌંદર્ય ઝગારા મારવા લાગ્યું. માતા-પિતા મોહિનીબહેન-મધુરભાઈની એ તાલીમ હતી કે ઝરણામાં એનું ગુમાન કદી ન આવ્યું, બલ્કે તેના વ્યક્તિત્વનો ભાવ એવો હતો કે કૉલેજમાં ૫ણ સિસોટી મારીને છેડતી કરવાની કોઈની હામ ન થાય.

ઝરણાને સાહિત્યનો શોખ હતો, સંગીતમાં રુચિ હતી; પરંતુ લગની મૉડલિંગની લાગી ને એમાં નિમિત્ત બની તેના પપ્પાની જ બૅન્ક!

મધુરભાઈ જૉબ કરતા એ બૅન્ક ઑફ અમદાવાદની હીરક જયંતી નિમિત્તે શૉર્ટ વિડિયો તેમ જ બૅનર તૈયાર કરવાની જવાબદારી તેમના ફાળે હતી. ઘરમાં આની ચર્ચા સાંભળીને ઝરણાની ઉત્કંઠતા ઊછળી : પપ્પા, હું ઑડિશન આપી જોઉં?

કશુંક નવું કરવા તત્પર દીકરીને વારવાનું મા-બાપના સ્વભાવમાં નહોતું. વીસની થયેલી ઝરણાની વિવેકબુદ્ધિ પર ભરોસો હતો. એક્સપર્ટ્સની ઝાઝી મદદ લીધા વિના તેણે પોતાનો વિડિયો, ફોટોગ્રાફ્સ સબમિટ કર્યા. જાણીતી

બે-ત્રણ મૉડલ પણ સ્પર્ધામાં હોવા છતાં સિલેક્શન કમિટીએ સર્વાનુમતે તેના પર કળશ ઢોળ્યો ત્યાં સુધી મધુરભાઈએ કોઈને કહ્યું નહોતું કે આ મારી દીકરી છે! આમાં ખરેખર તો દીકરીને ઘડવાનો યત્ન રહેતો અને એણે જ ઝરણાને નિખારી હતી. ઝરણા જેવી આત્મવિશ્વાસુ છોકરી બહુ ઓછી હોય.

પછી તો બૅન્ક માટેની કામગીરીમાં ઝરણાને મેકઅપથી માંડીને પ્રેઝન્ટેશન સુધીની ટિપ્સ મળતી ગઈ. ઍડ કૅમ્પેન વૉઝ અ બિગ હિટ. એનું કામ કરનાર ઍડ એજન્સીના ઓનર્સે‍ ઝરણાની ધગશની તારીફ કરી : તમે ધારો તો મૉડલિંગના ક્ષેત્રમાં તમારું ભાવિ ઊજળું છે. ઝરણાને રસ પડ્યો. ફૅશનની દુનિયાને મૅગેઝિન અને નેટ દ્વારા જાણતી થઈ એમ આ ક્ષેત્રમાં કંઈક કરી દેખાડવાનુ શમણું સળવળવા માંડ્યું.

‘ગ્લૅમરવર્લ્ડ લપસણી ભૂમ કહેવાય છે ઝરણા, પણ હું કહીશ કે મૂલ્યોમાં સમાધાન ન કરવાની વૃત્તિ રાખનાર માટે કોઈ ભૂમિ લપસણી નથી હોતી.’

માતા-પિતાના આર્શીવાદમાં રહેલી શીખ ઝરણાના મિજાજને અનુરૂપ હતી. કૉલેજ પત્યા પછી તેણે વોકેશનલ ટ્રેઇનિંગ લીધી. લોકલ પ્રોડક્ટ્સ માટે ત્રણ-ચાર ઍડ્સ પણ કરી. રિસ્પૉન્સ સારો હતો, પણ તકનું બજાર તો મુંબઈમાં જ હતું.

‘તો પછી તારે મુંબઈ જવું જ જોઈએ.’ માતા-પિતાએ એનીયે છૂટ આપી. એટલું જ નહીં, મધુરભાઈએ કાંદિવલીમાં સિંગલ રૂમ પણ ખરીદી. મોહિનીબહેન ચાર-છ મહિના દીકરી સાથે રોકાયાં, તેને નવા ઘરમાં સેટ કરીને ગયાં. ‘તમે ઝરણાને વધુ પડતી આઝાદી આપો છો!’ સ્નેહીઓએ કહ્યું પણ હોય તો મમ્મી-પપ્પાએ કદી ગણકાર્યું નથી. તેમની પોતાના પરત્વેની શ્રદ્ધા ઝરણાને પ્રેરતી.

કેવી રહી એ પછીનાં આ અઢી-ત્રણ વર્ષની સફર? ઝરણાએ ઊંડો શ્વાસ લીધો.

શરૂના મહિના કપરા રહ્યા. ઑડિશન આપવામાં કે પછી ઍડ એજન્સી સાથેના ડીલિંગમાં બિનઅનુભવીપણું ખુલ્લું પડી જતું. અમદાવાદની સરખામણીએ મુંબઈની દુનિયા અતિ વિશાળ હતી. દેશના ગ્લૅમર-હબમાં જ્યાં હજારો ઝરણાઓ એક તક માટે તડપતી હોય ત્યાં પોતાનો ભાવ પુછાવા માટે ઘણું મથવું પડ્યું. ધીરે-ધીરે કામ મળતું થયું. નાનાં અસાઇનમેન્ટ્સ તેને નિખારતાં ગયાં. જાણીતા ફૅશન-ડિઝાઇનર વિરાજ માર્કન્ડના સમરવેઅર કલેક્શન માટેના ફોટોશૂટે તેને ઍડ સર્કલમાં ઠીક-ઠીક જાણીતી કરી દીધી. રૅમ્પ-વૉકમાં તેની છટાની નોંધ લેવાઈ. ઝરણા ખુશ હતી, પણ સંતુષ્ટ નહોતી : હજી મારું પોટેન્શ્યલ તો બહાર આવ્યું જ નથી!

‘એનું કારણ તારી જડતા છે.’ વિદ્યુત કહેતો. વિરાજવાળું ફોટોશૂટ તેણે કરેલું. કૅમેરા ક્લિક કરવાની તેની સૂઝ ગજબની હતી. નવી દુનિયા હાડોહડ પ્રોફેશનલ હતી. અહીં મૈત્રીનો અર્થ પણ લેવાદેવાનો થતો હતો. ઝરણા પણ પર્સનલ થવાનું ટાળતી. છતાં અહીં જે સર્કલ બન્યું, વિદ્યુત એમાંનો એક. ક્યારેક કોઈ ઇવેન્ટમાં ભેગા મળવાનું થાય ત્યારે તેની એક જ સલાહ હોય...

‘તું તારા સિદ્ધાંતોને પકડીને બેસી ન રહે. વિરાજે તેના બિકિની કલેક્શનમાં પણ તને જ ચમકાવી હતી, પણ આપ સાહેબા એવા ઉઘાડા પોશાક પહેરવામાં માનતાં નથી એટલે સીધી ના પધરાવી દીધી, એનો પડઘો પડ્યા વિના રહે? વિરાજના પરિચિત જેવા રણદીવેએ તેના રૅમ્પ-વૉકમાંથી તને પડતી મૂકી એનો હું સાક્ષી છું... કમ ઑન યાર, જેણે એક્સપોઝ કરવું જ નથી તે મૉડલિંગમાં આવે જ શું કામ?’

ઝરણા હસી નાખતી. કામ મેળવવા ખાતર આવા શૉર્ટકટ્સ હું કદી ન અપનાવું. મૉડલ્સ કેવળ શરીરનો ઉઘાડ દર્શાવવા હોય છે એવી માન્યતા આ ફીલ્ડ સાથે સંકળાયેલાં તમામ સ્ત્રી-પુરુષોને અન્યાયકર્તા છે. લોકો ભલે આને ઍટિટ્યુડ ગણે, હું મારી કૃતિ માનું છું. એનાથી મને કામ ન મળવાનું નુકસાન થતું હશે, મારું આત્મગૌરવ તો અકબંધ રહે છે.

‘શાબાશ. હવે કોઈ લાયક જુવાન પણ શોધી કાઢ...’ મા દીકરીને પરણાવવાનાં સપનાં પંપાળી લેતી, ‘તમે એક જ ક્ષેત્રના હો એ તો રૂડું જ.’

ઝરણા સહેજ લજાતી. મુગ્ધ શમણાં તેના હૃદયમાં રંગ પૂરતાં. એની રતાશ ચહેરા પર વર્તાઈ જતી. કામકાજ દરમ્યાન ઍડના ãસ્ક્રપ્ટ-રાઇટરથી માંડીને ડિરેક્ટર સુધીના ઘણા પુરુષોના સંપર્કમાં આવવાનું બનતું, મૉડલ તરીકે સાથે કામ ક૨નારા જુવાન સોહામણા પણ હોવાના; એથી જાકે કોઈ પ્રત્યે લાગણીનું ખેંચાણ હજી સુધી તો અનુભવ્યું નથી અને આ દુનિયા આમ પણ કેટલી નિરાળી!

‘અહીં લિવ-ઇન સામાન્ય છે. વિધાઉટ કમિટમેન્ટ નાઇટ્સ સ્પેન્ડ કરનારા પણ ઓછા નથી... અહીં જેનો સૂરજ ચમકે છે તેમના જીવનની અંધારી લાઇફ કંપાવી દેનારી હોય છે...’ ઝરણા મા-બાપને કહેતી, ‘પેલી દર ચોથી ઍડમાં દેખાતી ક્રિશા નથી? મારાથી તે વરસ નાની છે. ૧૬ વરસની ઉંમરથી આ ક્ષેત્રમાં આવ્યા બાદ ખૂબ ઝડપથી

નામ-દામ કમાઈ, પણ ત્રણેક બ્રેક પછી તેને ડ્રગ્સની લત વળગી છે... મેં તો તેની ધ્રૂજતી હાલત જોઈ છે - હૉરિબલ.’

‘એ જ તો ઈશ્વરની ખૂબી છે બેટા. તેણે ક્યાંય અજવાળું એકલું નથી રાખ્યું. આપણી પૃથ્વી પ૨ ૫ણ એક છેડે દિવસ હોય તો બીજા છેડે રાત. તમારે ઉજાસ જોઈએ છે કે અંધારામાં ખોવાઈ જવું છે એ છેવટે તો તમારા જ મનોબળ પર નર્ભિર છે અને તારા મનોબળ પર અમને ભરોસો છે!’

તેમના શબ્દો, તેમનું વહાલ આજે પણ મને પ્રેરે છે... ઝરણા સહેજ ભાવુક બની. આઠેક માસ અગાઉ ટૂંકી માંદગીમાં મા-પિતાજી આગળ-પાછળ જ વિદાય થયાં. એ દુ:ખ જીરવવું આસાન નહોતું... આ વળાંક માટે ઝરણા તૈયાર નહોતી. છતાં સ્વભાવગત આત્મવિશ્વાસે એ મોડ પણ વળોટી શકી. અમદાવાદનું ઘર સમેટી મુંબઈ પરત થઈને તેણે જાતને કામમાં વ્યસ્ત કરી દીધી.

હજી પોતે એસ્ટૅબ્લિશ્ડ ન જ ગણાય અને અહીંના રિવાજ મુજબ કોઈની કદમબોસી કરવી તેના સ્વભાવમાં નહોતી. જોકે પપ્પાની બચતને કારણે આર્થિક ભારણ નહોતું. પોતાનું ભ્ય્ વર્ક પણ તે જ જોતી એટલે પણ ફુરસદ નહીંવત્ રહેતી. શોક ઊતર્યા પછી ઇવેન્ટમાં પણ હાજરી પુરાવતી થઈ. બે-ત્રણ કામ હાથ પર છે અને એક ડીલ આજે ફાઇનલ થાય એમ છે... ઝરણાએ કડી સાંધી...

‘ઝરણા તને કૅલેન્ડર ગર્લ બનવાનું ગમશે?’ દસેક દિવસ અગાઉ વિદ્યુતે જ ફોન રણકાવીને પૂછ્યું હતું.

કૉર્પો‍રેટ્સ પોતાનાં એક્સક્લુઝિવ કૅલેન્ડર બહાર પાડે એની હવે નવાઈ નથી. ઘણી વાર તો બહુ ઇનોવેટિવ થીમ પર કામ થતું હોય છે. ખરેખર તો ૨૦૧૯ માટે ત્રણ-ચાર મહિના અગાઉથી કામ શરૂ થઇ ચૂક્યું હોય. રહી-રહીને ડિસેમ્બર મહિનામાં કોણ જાગ્યું?

‘તમારા ગુજરાતી બિઝનેસમૅન

છે - આતશકુમાર મહેતા. ડાયનૅમિક પર્સનાલિટી છે. ૩૨-૩૩નો હશે. રેડીમેડ ગાર્મે‍ન્ટ્સની મોટી શ્રેણીના ઉત્પાદક છે. તેમની ગુર્જરી સાડીનું નામ તો સાંભળ્યું જ હશે...’

‘અફર્કોસ. ઇટ્સ અ બ્રૅન્ડ ઇટસેલ્ફ.’

‘યા. મહેતાસાહેબ મોડે-મોડે જાગ્યા છે એટલે ડેડલાઇનનું પ્રેશર રહેશે. કામ ચોપડા (ઍડ એજન્સી)ને સોંપાયું છે. તેમના તરફથી ફોટોશૂટ મારે કરવાનું છે. શૂટ બેથી ચાર મૉડલ પાસે કરાવવાનુ છે. છેવટે મૉડલ-થીમ મહેતાસાહેબ ફાઇનલ કરે એ. ’

ઝરણાએ સંમતિ આપી અને ફોટોશૂટ સંપન્ન પણ થયું. વિદ્યુત જોકે ઝરણાના શૂટ-રિઝલ્ટ્સથી ખુશ હતો અને ગઈ કાલે ચોપડામાંથી ફોન આવી પણ ગયો : મહેતા ઍન્ડ કંપનીના કૅલેન્ડર માટે તમે શૉર્ટ-લિસ્ટ થયાં છો. ફાઇનલ સિલેક્શન મિસ્ટર આતશ મહેતા મૉડલ્સને રૂબરૂ મળીને કરશે. સો કાલે બપોરે તમે તેમના કોલાબાના બંગલે પહોંચી જજો.

‘બંગલે શા માટે?’ ઝરણા થોડી અક્કડ બનેલી. એક યા બીજી લાલચે મૉડલ્સનો ઉપભોગ કરતા ઉદ્યોગપતિઓની નવાઈ નથી. આ આતશ મહેતા ક્યાંક એ જમાતનો તો નથીને? બાકી મૉડલ્સને તે બંગલે શું કામ બોલાવે?

‘મૅડમ, કાલે રવિવાર છે એટલે સર બંગલે જ મળશે.’ રિસેપ્શનિસ્ટે ધીરજથી સમજાવ્યું, ‘આપણી પાસે સમય ઓછો છે એટલે આપણી રિક્વેસ્ટ પર તેઓ કાલની બપોર ફાળવવા તૈયાર થયા છે...’

ઓહ. ઝરણાનું સમાધાન થયું, છતાં વિદ્યુત સાથે કન્ફર્મ તો કર્યું જ : આ આતશ કેવો આદમી છે?

‘હું તેને મળ્યો તો નથી; બટ યસ, રંગીન મિજાજ તો ખરો. પરણ્યો નથી, શ્રીમંત પરિવારનો એકનો એક વારસ માતા-પિતાના દેહાંત બાદ તારી જેમ સંસારમાં એકલો જ છે.’

તારી જેમ! વિદ્યુતે કરેલી સરખામણી અત્યારે પણ જરા ખટકી : પ્લેબૉય ટાઇપ જુવાનને કોઈ મારી સાથે સરખાવી જ કેમ શકે! હું આવાથી ડરતી નથી, પણ સાવધ જરૂર રહીશ.

આ જ નિર્ધાર સાથે ઘરેથી નીકળી ટ્રેનમાં ચર્ચગેટ ઊતરી પોતે ટૅક્સી કરી લીધી હતી...

- અને ટૅક્સી બંગલાના ગેટ આગળ અટકી.

મહેતા નિવાસ. ગેટના જમણે જડેલી તકતી પર નજર નાખી ભાડું ચૂકવી, નીચે ઊતરી ઝરણા બંગલા તરફ વળી.

€ € €

ભવ્ય દીવાનખંડની વિશાળ LED પર CCTV કૅમેરાનું લાઇવ જોતો આતશ મલ૫તી ચાલે બંગલાના એન્ટ્રન્સ તરફ આવતી ઝરણાને નિહાળી રહ્યો. તેના ડગલે-ડગલે બદનમાં ઉત્તેજના ફેલાતી ગઈ : આજની બપોર રંગીન નીવડવાની!

ગલત.

€ € €

સહેજે બાર-તેર એકરના વિસ્તારમાં વચ્ચોવચ આવેલો બંગલો ભવ્ય જણાયો. બંગલાની દેખરેખ માટે નોકરોની કમી નહીં જ હોય. તોય ધરાર જો કોઈનો સંચાર વર્તાતો હોય. સૂનકારામાં પોતે રણકાવેલી ડોરબેલનો સાદ પણ કેવો તીવþ લાગ્યો!

‘કમ ઇન...’ અંદરથી હુકમ સરખો સાદ પડ્યો ત્યારે જાણ્યું કે દરવાજાનું લૉક શેઠે રિમોટથી ખોલી દીધું છે... હળવેથી ડોર હડસેલી અંદર પ્રવેશતી ઝરણા જરા ખચકાઈ.

સામે સોફા પર મોજૂદ આદમી બંગલાનો માલિક આતશ જ હોય, પણ બદને કેવળ બાથરોબ અને હાથમાં શરાબના ગ્લાસ સાથે તે મારું સ્વાગત કરશે એવી ધારણા નહોતી.

‘આટલી સરપ્રાઇઝ કેમ થાય છે!’ આતશ ઊભો થયો. તેના ખડતલ બદનની દેહરેખા વધુ સ્પષ્ટ બની. ‘પહેલો ચાન્સ તને આપું છું, હની. તારા ફોટો જોઈને હું તો ફ્લૅટ થઈ ગયો. આઇ મીન કપડાંમાં તું આટલી સુંદર દેખાય છે, કપડાં વિના તો...’

નજીક આવતા પુરુષની સીધી શરૂઆતે ઝરણાને સમસમાવી દીધી, ‘આઇ ઍમ સૉરી સર, તમે મને ગલત સમજી. હું અહીં સિલેક્શન-ટેસ્ટ માટે આવી છું.’

‘મને ખુશ કરવાની જ તારી ટેસ્ટ છે, બેબી.’ આતશ ગંદું હસ્યો, ‘શુરૂ હો જા...’

‘આઇ ઍમ અગેઇન સૉરી...’ ઝરણાનાં નાખોરાં ફૂલી ગયાં, ‘હું ગલત જગ્યાએ આવી ચડી.’

તે ઊલટી ફરતાં આતશનો અહમ્ ઘવાયો, ‘મામૂલી મૉડલ મને પીઠ દેખાડે છે! મને સંતોષ આપ્યા વિનાની કોઈ છોકરી મારા કૅલેન્ડર પર ચમકી

નથી અને એ દરેકને મેં માલામાલ કરી છે - તારી કિંમત બોલ.’

આતશે નજર મેળવી તકાજો કરતાં ઝરણાના હોઠ વંકાયા, ‘એક મુઠ્ઠી સંસ્કાર, જો તમારી પાસે હોય તો.’

અહમ્વાદી ઉદ્યોગપતિનો પિત્તો હટવા આટલું પૂરતું હતું. ગિન્નાયેલા આતશે પાધરકી ઝરણા પર તરાપ મારી.

‘હાઉ ડેર યુ...’ આતશની પકડમાંથી છૂટવા મથતી ઝરણાએ તેના બે પગ વચ્ચે પાટુ મારતાં તેની રાડ ફાટી ગઈ. ગિરફ્ત છૂટી. હાંફતી ઝરણાએ બેવડ વળી ગયેલા આતશને વાળ ખેંચીને ઊભો કર્યો‍ ને કચકચાવીને ડાબા હાથની અડબોથ વીંઝી, ‘મારી આબરૂ પર હાથ નાખવાની તારી હિંમત કેમ થઈ!’ ફર્શ પર તેને પછાડી ધમધમાટભેર તે નીકળી ગઈ. આતશ માટે એ શિકસ્ત હતી.

યુ વિલ પે ફૉર ધીસ બેબી! તેં આપેલી ચોટનું કોઈ સાક્ષી નથી, પણ તારી આબરૂ તો હું ભરી સભામાં

લઈશ - લખી રાખજે!

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2019 08:04 AM IST | | સમીત પૂર્વેશ શ્રોફ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK