કથા-સપ્તાહ : અગનઝાળ (લક્ષ્મણ રેખા... - 1)

સમિત પૂર્વેશ શ્રોફ | Mar 25, 2019, 13:05 IST

તું તો પગથી માથા સુધી જન્નત જ જન્નત છે મેરી રાની, પાછળથી આકારે બાથ ભીડી યામિનીના કાનની બૂટ કરડી, મન ભરીને માણ્યા છતાં પ્યાસ અધૂરી રહે એવો તે કેવો જાદુ તારામાં છે!

કથા-સપ્તાહ : અગનઝાળ (લક્ષ્મણ રેખા... - 1)
અગનઝાળ

લક્ષ્મણ રેખા...

આ હુશ્ન!

હોટેલરૂમના ડ્રેસિંગ મિરરમાં પોતાની નિર્વસ્ત્ર કાયાનું પ્રતિબિંબ નિહાળતી યામિનીના ચિત્તમાં ગુરૂર છવાયું. કોણ કહી શકે બેમર્યાદ સૌંદર્યની આ મહારાણી ફિફટી પ્લસ હશે! ચહેરાની તાજગીમાં પાકટતા વર્તાતી નથી, કાયાની સપ્રમાણતા ષોડશીને શરમાવે એવી છે. અંગોના ઉભારમાં આજેય એટલો જ કસાવ છે, કામનાના કેન્દ્રબિંદુની રમણીયતા એવી ટકોરાબંધ છે કે પુરુષ એમાં ખોવાયા વિના રહી ન શકે!

તું તો પગથી માથા સુધી જન્નત જ જન્નત છે મેરી રાની, પાછળથી આકારે બાથ ભીડી યામિનીના કાનની બૂટ કરડી, મન ભરીને માણ્યા છતાં પ્યાસ અધૂરી રહે એવો તે કેવો જાદુ તારામાં છે!

મિરરમાં ઝિલાતી આકારની ઘેલછા માનુનીને મગરૂર કરી ગઈ. આમાં ગ્રાહકને ખુશ રાખવાની પોકળ પ્રશસ્તિ નહોતી, મારા રૂપનું આકર્ષણ જ પડઘાય છે! હજુ છ મહિના અગાઉ ૫૧ની થયેલી હું માંડ ૩૮-૪૦ની લાગુ છું એવું તો મને વરલીની અમારી રેસિડન્સ સોસાયટીની પાડોશણો જ નહીં, જ્યાં કામ કરું છું એ બૅન્કની સાથી મહિલા કર્મચારીઓ પણ કહેતી હોય છે - તમને જોઈને લાગે નહીં કે તમે લગ્નલાયક જુવાન દીકરાની મા હશો!

દીકરાના ખ્યાલે ઓઝપાઈ જવાયું. યામિનીએ અરીસા પરથી નજર ફેરવી લીધી. જોકે એથી હું આશ્રયની મા હોવાનું સત્ય ઓછું બદલાવાનું!

નો, આઇ ઍમ પ્રાઉડ મધર ઍઝ વેલ. આશ્રય જેવો સર્વગુણ સંપન્ન દીકરો દરેક જનેતાને નથી હોતો. મારા-અભિજિતનો અંશ દેખાવમાં સોહામણો હોય જ, ગુણોમાય એવો. અભ્યાસમાં તેજસ્વી. બુદ્ધિમત્તા એવી પ્રબળ કે મેરિટ પર દેહરાદૂનની શ્રેષ્ઠ ગણાતી એન્જિનિયરિંગ કૉલેજમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી વધુ ભણવા ચાર વર્ષ લંડન રહ્યો એય સ્કૉલરશિપના બેઝ પર. આઇટી (ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી) એક્સપર્ટ તરીકે વરસ બૅન્ગલોરમાં જૉબ કરી એ અનુભવના આધારે માઇક્રોસૉફટ કંપનીમાં તેનું સિલેક્શન થયું છે, આવતા અઠવાડિયે બૅન્ગલોરથી મુંબઈ શિફ્ટ થઈ, ઘરે અઠવાડિયું રહી તેણે દુબઈની ઑફિસ જૉઇન કરવાની છે...

કહેવું પડે તારું પિયર કે સાસરીમાં નિકટનાં સ્વજન રહ્યાં નહોતાં, પણ દૂરનાં સગાં-સ્નેહી ઘણી વાર યામિનીને કહેતાં હોય, પતિ નાની વયે ગુજરી ગયા, પણ હામ હાર્યા વિના તેં દીકરાને ઉછેર્યો, લાયક બનાવ્યો...

યામિની સાંભળવા પૂરતું સાંભળી લેતી, બાકી સંતાનના ઉછેરમાં કરવું ઘટે એ કરવામાં માને તો ખુશી મળતી હોય, એનું કંઈ ગામગજવણું ન હોય...

યામિની, આપણા સુખને કોઈની નજર લાગી ગઈ. છેલ્લા દિવસોમાં અભિજિત કહેતો.

ખરેખર કેટલી સુખી હતી પોતે! મારા રૂપની તોલે આવે એવો રૂપાળો પતિ હતો, સ્નેહથી તરબોળ અમારું લગ્નજીવન રહ્યું. આશ્રય અમારા હૃદયનો ટુકડો. પ્રાઇવેટ કંપનીમાં જનરલ મૅનેજરનું પદ સંભાળતો અભિજિત આમેય આર્થિક રીતે સધ્ધર. સોળ વરસના દામ્પત્યમાં ફરિયાદનો અવકાશ કદી ઊભરાયો નહીં એથી કુદરત પણ જલતી હોવી જોઈએ. અભિજિતને કમળો થયો એમાંથી હેમરેજનો ફાંટો ફૂટતાં મોત જડબાં ફાડી ઊભું રહ્યું. આશ્રય ત્યારે પંદર વર્ષનો. પપ્પા નહીં બચે જાણી કેવો હેબતાઈ ગયેલો.

તું તો મારો બહાદુર બેટો છે. તારે હવે મમ્મીને જાળવવાની. અભિજિતથી પણ મૃત્યુનું સત્ય છૂપું નહોતું. દીકરાને પાનો ચડાવતાં એ પત્નીને કહેવાનું ચૂકતા નહીં, તું પોતે વર્કિંગ વુમન છે, ઘર નજીકની બૅન્કમાં સરકારી નોકરી ઉપરાંત બચતને કારણે ભવિષ્યના પથમાં આર્થિક તકલીફ તો નહીં જ રહે, યામિની, આશ્રયના ઉછેરમાં તું કચાશ નહીં રાખે, જાણું છું... અભિજિતે હૉસ્પિટલની રૂમના એકાંતમાં પત્નીનો હાથ હાથમાં લીધેલો, ફિકર મને તારી છે. ઘણી લાંબી મજલ કાપવાની છે તારે. એમાં ક્યાંક કોઈ પણ પ્રકારે કોઈના સાથની ઝંખના જાગે તો ખંચકાતી નહીં, મને નહીં ગમે માની મૂંઝાતી નહીં, બલકે તું કોઈનો સાથ પામશે તો મને ખુશી થશે.

ત્યારે તો હાથ ઝાટકી યામિનીએ પતિને ઠપકો પાઠવેલો, તમારું સ્થાન હું કોઈને આપું એવું તમે વિચાર્યું પણ કેમ!

અભિજિતની વિદાય પછીનાં પહેલાં બે વરસ તો દીકરો ઇલેવન-ટ્વેલ્થમાં આવ્યો એટલે સ્કૂલ-ટ્યુશન્સ ક્લાસિસની વ્યસ્તતામાં શોક વિસારી મા-દીકરો ઝડપભેર સ્વસ્થ બન્યાં, નોકરી તો ચાલુ હતી જ. જીવન વહેતું રહ્યું.

ફરક વર્તાયો આશ્રયના દેહરાદૂન ગયા બાદ. તેણે તો ઘણું કહ્યું કે મા, હું મુંબઈમાં જ ઍડમિશન લઈ લઉં.

મા મુંબઈમાં એકલી ન પડી જાય એ માટે મન વાળતા દીકરાની લાગણી ગદ્ગદ કરી ગયેલી. પિતાના દેહાંત બાદ નટખટ આશ્રય કેવો ઠરેલ ઠાવકો બની ગયો છે. મારી તેને કેટલી કાળજી! જોકે લગાણીના આવેશમાં તેને ખોટો નિર્ણય લેવા ન દેવાય.

દૂનમાં ઍડમિશન મળવું ડ્રીમ ગણાય છે, તારામાં એ સામર્થ્ય છે, તેં એ સિદ્ધ કર્યું છે; પછી મુંબઈનું વિચારવું પણ શું કામ! મારી ચિંતા ન કર. મારો સમય તો નોકરીમાં નીકળી જાય છે - તું કેવળ તારા ગોલને લક્ષ્યમાં રાખ.

માંડ ત્યારે આશ્રય માન્યો. દૂનમાં બહુ જલદી તે ગોઠવાઈ ગયો. તેજ બુદ્ધિમત્તાને કારણે સ્ટાફ-સિનિયર્સમાં ઇમ્પ્રેશન જમાવતાં વાર ન લાગી. સવાર-સાંજ થતી ટેલિટૉકમાં આશ્રયનો ઉત્સાહ પડઘાતો ને યામિનીને સાર્થકતા અનુભવાતી.

તારા ગ્રુપમાં કોઈ છોકરી નથી?

લાંબી રજાના અવકાશમાં મુંબઈ આવી જતા દીકરાને યામિની ચીડવતી. અઢાર-ઓગણીસની વયે આશ્રય ૨૨-૨૩ના જુવાન જેવો કસાયેલો કામણગારો લાગતો. કૉલેજમાં ભણતી કન્યાઓમાં ચોક્કસ તેનું આકર્ષણ હોવાનું, જોકે તેના મિત્રોની ટોળીમાં ભાગ્યે જ કોઈ છોકરી જોવા મળતી એટલે દીકરાની ફીરકી લઈ યામિની ખબરદારી પણ દાખવે,

બિઇંગથી મૉડર્નએજ મધર હું ન્યાતજાતની રૂઢિચુસ્તતામાં માનતી નથી, છતાં એટલું કહીશ કે વહુ તરીકે આવનારી ગુજરાતી તો હોવી જ જોઈએ. પરપ્રાંતની સગાઈમાં એકમેકના વહેવારોને ગોઠવવામાં સંબંધની મીઠાશ હોમાઈ જવાનો ડર રહે.

મા, મૅરેજને હજુ ઘણી વાર છે. આશ્રય શરમાઈને વાત ટાળી જતો. તેના દૂન ગયા પછી યામિનીને એકલતા ઘેરી વળતી. બીજી ટર્મથી સિલેબસનું ભારણ વધતાં આશ્રયનું મુંબઈ આવવાનું ઓછું થતું ગયું. નવરાશ હોય ત્યારે દોસ્તો સાથે દિલ્હી-આગ્રા ફરવાનું વધારે બને.

આશ્રયની ઉંમર છે હરવાફરવાની... મન મનાવતી યામિનીને સૂની પથારી પૂછતી - અને તારી ઉંમર? તારી વય કેવળ પથારીમાં કરવટ લેવાની છે?

સહેમી જવાતું. શરૂથી હેલ્થ કૉન્સિયસ યામિનીએ હેલ્થક્લબ જૉઇન કરી. કિટી પાર્ટીમાં ભાગ લેતી, વર્કિંગ વુમન અસોસિએશનમાં ઍક્ટિવ થઈ વ્યસ્ત રહેવાના ઉપાયો અજમાવ્યા; પણ છેવટે દિવસના અંતે ઘરમાં, રૂમમાં એકલી પડતી ને અજબ લાગણીઓ ઘેરી વળતી. દીકરાને વિડિયોકૉલ જોડતી એમાં હેત, હૂંફની ઝંખના તો જળવાઈ જતી, પણ તનમાં ઊઠતી ઝંખનાનું શું?

કોઈને પુછાય, કોઈની સલાહ લેવાય એવો આ પ્રશ્ન નહોતો. યામિનીએ ભક્તિભાવમાં પણ મન વાળી જોયું, અરે, ઑનલાઇન મળતાં ટૉય્ઝ પણ મગાવી જોયાં, પણ એમાં હાડમાંસની અનુભૂતિ ક્યાં, સ્પર્શની સજીવતા ક્યાં?

બિચારા દિવાકરભાઈ એવા અધકચરા વિધુર થયા. બેઉ બાળકો હજુ સ્કૂલમાં ભણે.

બૅન્કના સહકર્મચારીની વાઇફના દેહાંત બાદ લંચઅવરમાં સાથીઓ તેમની દયા ખાય, ને તેમને દયાભાવે નિહાળતી યામિનીના મનમાં જુદો જ ભાવ સળવળે - વયમાં મારા જેટલા જ દિવાકરભાઈને પત્નીની વિદાયથી કામસુખની ખોટ નહીં વર્તાતી હોય! સમદુ:ખિયાં એવાં અમે એક થઈ જઈએ તો...

નેવર! ભીતરથી નકાર ઊઠતો, યામિની મનોમન લજવાતી - અભિજિતનું સ્થાન હું કોઈને આપી પણ કેમ શકું? આશ્રયને કેવું લાગે? મને સ્નેહની ઉષ્માની અછત નથી, શરીરનો ગરમાટો પજવે છે. એના નિવારણ માટે ફરી પરણવું જરૂરી નથી, મુંબઈ જેવા શહેરમાં આ સવલત છૂટથી ભાડે મળે છે!

એસ્કોર્ટ.

બેકાબૂ થતી ચળને નાથવાનો આ અંતિમ ઉપાય અજમાવ્યા વિના રહેવાયું નહીં. હેલ્થક્લબમાં આવા બે-ત્રણ જુવાન કસરત માટે આવતા હોવાનું ધ્યાન હતું. એમાં પાંત્રીસેક વરસનો સત્યેન અનુભવી ગણાય એમ માની તેની સાથે ડીલ નક્કી કરી ત્યારે હાથ-પગ ઠંડા થઈ ગયેલા, શરીર પસીને રેબઝેબ થઈ ગયેલું. સત્યેને જોકે એકદમ પ્રોફેશનલી બિહેવ કરતાં રાહત વર્તાઈ. નિર્ધારિત દિવસે હોટેલ પહોંચવાનું સાહસ થઈ શક્યું. બૅન્કમાં અડધા દિવસની રજા મૂકી છેક સબર્બની હોટેલ પહોંચી, થોડી વારે સત્યેન આવી પહોંચ્યો. તેણે વસ્ત્રો ઉતારવાની પહેલ કરી, પછી તો યામિનીની દબાતી રહેલી વૃત્તિઓ બેશરમ થઈ ઊછળી હતી!

છેવટે ફ્રેશ થઈ, હોટેલમાં છૂટાં પડી, માર્કેટમાં અમસ્તી જ લટાર મારી રાત્રે નવ વાગ્યે યામિની ઘરનો દરવાજો ખોલતાં કાંપી ગયેલી. ઉંબરો જાણે પૂછતો હતો - અમારી ગૃહલક્ષ્મી આજે અમારી સીમા ઓળંગી આવી હોય એવું કેમ લાગે છે? દીવાલો નજર ઝુકાવી ગઈ હતી. ફૅમિલી ફોટોગ્રાફમાં દીકરાએ મોં ફેરવી લીધું અને અભિજિત...

હાર ચડાવેલી પતિની તસવીર તરફ દોડી યામિની ધ્રુસકાભેર રડી પડેલી - આઇ ઍમ સૉરી, અભિ!

સૉરી ફૉર ધૅટ, યામિની? પતિનો અવાજ પડઘાયો, કુદરતી ઇચ્છાઓને દબાવવાથી એ વિકૃતિ બની જવાની. અરે, તેં ફરી પરણવાનું નક્કી કર્યું હોત તો પણ મને હરખ જ થયો હોત. આજે જમાનો બદલાયો છે. વૃત્તિઓને વશમાં રાખવી અશક્યવત્ છે અને ખરું પૂછો તો રાખવી પણ શું કામ જોઈએ? તારા કિસ્સામાં આ બેવફાઈ નથી, ચારિત્ર્યનું લાંછન નથી. કેવળ જરૂરિયાત છે અને એટલે એની પૂર્તિ છે. બસ, આ વિષયમાં મારા તરફથી અણખટ રાખીશ નહીં.

યામિનીને સારું લાગ્યું. અભિજિતનો દૃષ્ટિકોણ આ જ હોત. ઘરના કામ માટે મેઇડ હોય એમ કામના સુખ માટે હું મેઇડ હાયર કરું છું. એટલું જ આનું તાત્પર્ય.

આ સ્વસમજ સ્વીકૃત બન્યા પછી યામિનીને દ્વિધા ન રહી, ખોટું કરવાની ગિલ્ટ ન રહી. બે-ચાર મહિને એક વાર હોટેલરૂમમાં બપોરનું એકાંત માણવામાં લોકનજરે ન ચડવાની ચોકસાઈ તો હતી જ. એસ્કોર્ટના રેફરન્સથી જ બીજો એસ્કોર્ટ પસંદ કરતી, કેમ કે અજાણ્યાને તેડવામાં બ્લૅકમેલિંગનું જોખમ રહ્યું છે એની સમજ હતી, સેફ સેક્સના નિયમ વિના અપવાદે પાળતી. એસ્કોર્ટ સાથે અંતરંગ થવાનું ટાળતી એમ એ ગુજરાતી ન હોય એની તકેદારી રાખતી.

અને આશ્રય મુંબઈમાં હોય ત્યારે યામિની કેવળ મા બની રહેતી. માનું કોઈ પાસું અદીઠું હોય એવો તો આશ્રયને કદી વિચાર પણ ન થયો હોય!

તે લંડન ગયા પછી મોકળાશ વધી. યામિનીને સમજ હતી કે દીકરો ભણીને મુંબઈ સેટલ થાય ત્યાં સુધી જ તે જે-તે છૂટ માણી શકવાની છે. પછી તો તે પરણશે, મારાં પોતરા-પોતરી અવતરશે - ત્યારે મને બીજી કોઈ જ કામનાની પરવા પણ નહીં હોય!

હા, આશ્રય લંડન ગયો પછી યામિની વધુ છૂટ એ રીતે લેતી થઈ કે મહિને-બે મહિને વીકએન્ડમાં લોનાવલા-ખંડાલા કે દમણ ઊપડી જતી. એસ્કોર્ટ અલગથી ત્યાં પહોંચતો...

અને આ બદલાવ આવ્યો આ આકારના પ્રતાપે!

અત્યારે પણ યામિની આકુના બલિષ્ઠ દેહથી પાણી પાણી થઈ ઊઠી. એનો ઉઘાડ આજે પણ મને હંફાવી જાય છે!

બેએક વર્ષ અગાઉ મુંબઈની હોટેલરૂમમાં પહેલી વાર ભેળાં થયાં ત્યારે એને જોતાં એટલું તો થયેલું કે ગજબનો ચાર્મિંગ છે આ જુવાન! કેવું મોહક મુખડું. બીજાની જેમ તેને કામ પતાવાની ઉતાવળ નહોતી. હોલેહોલે તે આગળ વધ્યો. નૉનવેજ ટૉકથી યામિનીમાં ઉન્માદ પ્રેર્યો, વસ્ત્રોનાં આવરણ હટતાં ગયાં. આકુના ઉઘાડે યામિનીની આંખો માની ન શકવાની હદે પહોળી થઈ ગયેલી. આકારની કરામતોએ યામિનીને બેફામ બનાવી દીધેલી. પચાસને આરે ઊભેલી સ્ત્રી પાસેથી મળેલું સુખ આકુ માટે પણ અકલ્પનીય હતું. યામિની જેવો કસાવ તો કાચીકુંવારી યૌવનામાં નથી હોતો! ત્રણ કલાકનું રોકાણ આઠ કલાક લંબાયું એમાં બેઉને એકમેકની જાણે આદત બંધાઈ ગઈ! મહિનામાં ત્રણ વાર મળ્યા પછી પણ જાણે બેઉને ધરવ નહોતો.

બપોરે ત્રણ-ચાર કલાકની મુદતમાં મજા ન આવે... ચલ, ક્યાંક ફરી આવીએ. આકાર કેવો અધીર થઈ ઊઠતો. બીજા સંજોગોમાં તે કદાચ ગ્રાહકને સારું ફીલ કરાવવાનો મલાવો લાગ્યો હોત, પણ એવું નહોતું, સંસારમાં એકલો. નિર્વાહકાજે ૨૦-૨૨ની ઉંમરથી ધંધે બેસી ગયેલા ત્રીસેક વરસના મરાઠી જુવાનની અધીરાઈમાં કેવળ વાસના ધબકતી. એક તબક્કે યામિનીથી ઇનકાર ન થયો. બેત્રણ મહિને એક રાત્રિ બેઉ મુંબઈ બહાર ગાળી આવતાં.

સ્વાભાવિકપણે આ મુલાકાતોમાં કામની, નકામી ઘણી વાતો ઊખળતી. યામિનીનો સંસાર આકારથી છૂપો નહોતો. ના, યામિનીને ઇમોશનલ સપોર્ટની જરૂર નહોતી, આકારને એનો ખપ નહોતો. અરે, દેહનો સંબંધ પણ આશ્રય મુંબઈ પરત થાય ત્યાં સુધી હોવાની સ્પષ્ટ સમજ હતી.

એમાં જોકે મુદત પડતી જાય છે. લંડનથી આવેલો આશ્રય વરસ બૅન્ગલોર રહ્યો. હવે દુબઈ જવાનો...

આ પણ વાંચો : કથા-સપ્તાહ : રંગ દે ચુનરિયા (હોલી કે દિન... - 4)

આ જોકે હવે છેલ્લું એક્સટેન્શન. આશ્રય માટે કેવાં કેવાં માગાં આવે છે! હવે રૂમઝૂમ કરતી વહુ આણવી છે.... બહુ જલદી! પછી આ બધું શોભે નહીં. મારે એની જરૂર પણ નહીં વર્તાય.

વહુ તો આવશે, ત્યારે! અત્યારે તો... આકારે અડપલું કર્યું ને ખંડાલાની રૂમમાં યામિની પણ વિચારમેળો સમેટી કામસુખમાં ડૂબતી ગઈ!

ત્યારે જાણ નહોતી કે કામનો અગ્નિ ક્યારેક અગનઝાળમાં પણ ફેરવાઈ શકે! (ક્રમશ:)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK