કથા-સપ્તાહ - આવરદા (જિંદગીની જ્વાળા - ૪)

Published: 11th October, 2012 06:19 IST

રવિવારની સવાર અતીત-તાનિયા માટે શુકનવંતી નીવડી. બન્ને માતાઓએ એક ઘરે ભેગાં થઈ સગપણની વાત છેડી ત્યારે અતીત-તાનિયા ખુશીથી એવાં ડઘાયાં કે પાંપણ પલકારો મારવાનું ભૂલી ગઈ!
અન્ય ભાગ વાંચો


1  |  2  |  3  |  4  |  5  |


‘લુચ્ચા!’ એકલાં પડતાં જ તાનિયાએ અતીતનો કાન આમળ્યો, ‘માને કહ્યાનું મને કહેતા પણ નથી!’

‘કસમથી, તાનિયા, હું માને કહેવાનું જિગર કેળવું એ પહેલાં આ બન્યું, કદાચ બન્નેને આપણાં અંતર કળાઈ ગયેલાં...’

‘ઓહ, ત્યારે તો મેં તમને અમથા જ જંગેબાદુર ધાર્યા! હવે તમારું ઇનામ કૅન્સલ,’ કહી તાનિયાએ પિયુને ટટળાવ્યો.’

‘તારું ઇનામ હું પછી લઈશ, પહેલાં હું જે આપવા ઇચ્છુ છું એ તો લઈ લે...’ અતીતે સંકોચ ત્યજી તાનિયાને આfલેષમાં ભીંસી, મદહોશી ઘૂંટાતી ગઈ. ચાર હોઠ એક થયા - ન થયા ત્યાં તાનિયા સજાગ થઈ : ધીરા ખમો, અતીત, હજી માત્ર ઘરમેળે સગાઈ જ થઈ છે, સમજ્યાને!

હરખની હેલીની એ શરૂઆત હતી.

‘તાનિયા તમે બન્ને સજોડે મંદિરે જઈ આવો. ત્યાં સુધીમાં અમે વેવાણો ભેગી થઈ કંસાર રાંધીએ...’

નારાયણીની ચમક આજે નિહાળી હતી, ‘અને જો, મારી પેલી સંદૂકમાંથી તને ગમતો સાડલો લઈ લે, આજે તારે અમારા ઘરનું જ પહેરવા-ઓઢવાનું હોય, વહુ!’

વહુ શબ્દ તાનિયાને ઝંકૃત કરી ગયો. રંગીન કપડાં માએ વહુ માટે સાચવી રાખ્યાંની અતીતને જાણ હતી એમ અતીતને શું ગમશે એનો તાનિયાને અંદાજો હતો. ખૂણામાં પડેલી પેટી ફંફોસી તેણે પટ્ટાવાળી લાલ સાડી કાઢી ત્યારે જાણ નહોતી કે એની ગડીમાં નારાયણીનો પત્ર છુપાયો છે! પત્ર સંદૂકના ચોરખાનામાં છુપાવવો બાકી હોવાનું નારાયણીના ખુદના ધ્યાન બહાર હતું!

તૈયાર થતી વેળા તાનિયાએ સાડી ખોલતાં કવર ફર્શ પર સરક્યું અરે, આ શું?

વાંકી વળી તાનિયાએ શ્વેત કવર ઊંચક્યું, બંધ લિફાફા પર મારેલું મથાળું ભોંકાયું.. ચિ. અતીતને... મારા મૃત્યુ પછી વાંચવું - નારાયણી!

માએ દીકરાના નામે પત્ર લખ્યો, મરણ પછી વાંચવાની ઇચ્છા જતાવી તો શું આમાં માની વસિયત હશે?

‘બેટી તાનિયા, તૈયાર થઈ કે નહીં?’

બહારથી માનો સાદ પડતાં તાનિયાએ ઝડપથી કવર પર્સમાં મૂકી દેવું પડ્યું.

€ € €

ભાવતાં ભોજન પછી રસોડામાંથી પરવારી તાનિયાએ હૉસ્પિટલ જવા તૈયાર થવા માંડ્યું.

‘વહુ, આજે રજા પાડે તો ન ચાલે!’

‘શું કરું મા, સીએમસાહેબ છે ત્યાં સુધી અમુક સ્ટાફને છુટ્ટી લેવાની મનાઈ છે.’

એમાં તાનિયાએ તો સ્પેશ્યલ નર્સ તરીકે ડ્યુટી બજાવવાની રહેતી.

હૉસ્પિટલના ત્રીજા માળે અજિતરાયને વિશેષ રૂમ ફાળવાયો હતો, જેની સાથે અટૅચ્ડ રૂમ અનુરાગ વાપરતો. પુત્રને ખડે પગે પિતાની ચાકરીમાં જોઈ હૉસ્પિટલમાં સૌ તેને વખાણતું.

‘તમે સૌ જાણો જ છો...’ પહેલા દિવસે ફિકર જતાવ્યા પછી નારાયણીએ કદી તાનિયાએ અજિત બાબત પૂછ્યું નહોતું એમ ટીવી-છાપામાં પણ તેના વિશે જોવાનું ટાળેલું. દીકરાની ખુશીમાં તેને યાદે શું કામ કરવો? છતાં તાનિયાએ પોતાની તરફ દૃષ્ટિ રાખી એટલે નારાયણીએ નજર ફેરવી લીધી.

‘અજિતરાય પાછલા બે દિવસથી કોમામાં છે; ગઈ કાલથી તેમની કિડની કામ કરતી બંધ થઈ છે. ડૉક્ટર્સનું કહેવું છે કે તે બચશે તો પણ પૅરૅલિસિસ કે એવી કોઈક પંગુતાનો અવકાશ નકારી શકાય નહીં...’ અહેવાલ આપી તાનિયાએ ઉમેર્યું, ‘આજે કદાચ કિડની ટ્રાન્સપ્લાન્ટનો પણ નિર્ણય લેવાય.’

રાજ્યના ગૃહપ્રધાન શિંદેએ ઍક્ટિવ સીએમનો ચાર્જ સંભાળ્યાં પછી અને માંદગીને ચાર-પાંચ દિવસ થતાં મિડિયાનું કૉમ્યુનિકેશન પણ ઘટ્યું છે. એટલે આ લેટેસ્ટથી તમે કદાચ અપડેટ નહીં હોવ...

જોકે અમે સૌ તો માનીએ છીએ કે પિતાને પુત્ર જ કિડની ડોનેટ કરશે!

‘પેશન્ટની આવી ક્રિટિકલી કન્ડિશનમાં તારે ફરજ પર હાજર રહેવાનું જ હોય, તાનિયા,’ અતીતને કહેતાં અન્ય કોઈએ ટિપ્પણી કરવાની રહી નહીં, ‘હું તને ડ્રૉપ કરી દઉં’

બ્રીચ કૅન્ડી સુધીની ટૅક્સીસફરમાં પ્રણયભીની વાતોમાં તાનિયા ભૂલી ગઈ કે નારાયણીનો પત્ર હજીયે પોતાના પર્સમાં જ છે!

€ € €

‘દેશમુખસાહેબ કોમામાંથી તો બહાર આવી જશે, પરંતુ તેમના ડાબા અંગની સંવેદનાઓ નબળી પડવા માંડી છે. આવામાં કિડની ફંક્શન કરતી બંધ થઈ જાય એ રિસ્કી ગણાય...’ મેડિકલ ટેક્નૉલૉજીમાં પેશન્ટની સ્થિતિ વિસ્તારથી સમજાવી ડૉ. ત્રિવેદીએ નિષ્કર્ષ તારવ્યો, ‘આ સંજોગોમાં અનુરાગ, કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇઝ મસ્ટ.’

પેશન્ટની રૂમમાં ત્યારે ડૉક્ટર, અનુરાગ ઉપરાંત તાનિયા હાજર હતી.

‘ઓહ!’ અનુરાગના ચહેરા પર ચિંતાનાં વાદળ ઘેરાયાં. તાનિયાને સહાનુભૂતિ થઈ, ‘સર, એ એટલું મુશ્કેલ પણ નથી. પુત્રની કિડની પિતાને ચાલવાની જ.’

હેં!

અનુરાગ ભીતર ભડક્યો. ફરજપરસ્ત જણાતી નર્સ આફતરૂપ લાગવા માંડી. પોતે તાનિયાને પિતાની હાલત વિશે પૂછતો રહેતો, કાળજી દર્શાવતો એમાં બિચારી મારા અભિનયને સાચો માની બેઠી લાગે છે! હા, બે-ચાર બાટલા લોહી આપવાનું હોત તો વાંધો નહોતો, પણ કિડની? નો વે!

એવું નહોતું કે અનુરાગને પિતા પ્રત્યે લાગણી નહોતી... પરંતુ આ જ પિતાએ શીખવ્યું હતું કે પૉલિટિક્સમાં એક જ વસ્તુની માયા રાખવી - ખુરસીની! આજે પૉલિટિક્સ અને પિતૃપ્રેમની ભેળસેળમાં અનુરાગની મહkવાકાંક્ષા બીજી તમામ બાબતો પર હાવી થઈ ચૂકી હતી અને એનો અનુરાગને લગીરે અફસોસ નહોતો!

હું પિતાની એક્ઝિટની પ્રાર્થના કરું છું ને આ છોકરી તેમની આવરદા ટકાવવાનો નુસખો બતાવે છે! સાફ ઇનકાર કરવા જતો અનુરાગ સચેત બન્યો : ના, આદર્શ પુત્ર તરીકેની મારી છાપ તૂટવી ન જોઈએ, નહીંતર ઇલેક્શનમાં પપ્પાના અવસાનનો ફાયદો નહીં થાય!

જોકે તે કંઈ બોલે તે પહેલાં ડૉ. ત્રિવેદીએ વિજ્ઞાન સમજાવ્યું,

‘જરૂરી નથી તાનિયા કે પુત્રની કિડની પિતાને મૅચ થાય જ. અમુક ટેસ્ટ્સ પછી જ નક્કી થઈ શકે...’

આને અનુરાગનું નસીબ કહો કે અજિતરાયનું બદનસીબ, પણ બ્લડગ્રુપના ભેદને કારણે પોતાના સીધા કે આડકતરા પ્રયત્નો વિના જ અનુરાગની કિડની મિસમૅચ જાહેર થઈ.

‘બને એટલો જલદી આપણે ડોનર હાયર કરવો રહ્યો... ઓન્લી હી કૅન સેવ યૉર ફાધર્સ લાઇફ.’

અને અનુરાગ ઇરાદો ઘૂંટ્યો :

તો-તો કિડની ડોનર તમને ક્યારેય નહીં મળે!

€ € €

સોમવારે અતીતની સગાઈનું સાંભળી અબ્દુલશેઠ રાજી થયા, હનીમૂનનો ખર્ચો મારા તરફથી એમ કહી દિવાળી પહેલાં જ બોનસ જાહેર કરી દીધું. મિડિયાથી માંડી મંત્રાલય સુધી અબ્દુલશેઠના ઘણા કૉન્ટૅક્ટ્સ હતા. આ નેકદિલ ઇન્સાન જોકે ખોટી કદમબોસીમાં માનતો નહીં એમ સચ્ચાઈને પૂરેપૂરી માનનારા.

‘તારી વાગદત્તાને લઈ ઘરે આવજે.’

તેમના પ્રેમપૂર્વકના નિમંત્રણે અતીત ગદ્ગદ બન્યો.

€ € €

મંગળવારની સાંજે, પેશન્ટના બેડ પાસે ખુરસી ગોઠવી બેઠેલી તાનિયા કંટાળી, પોતાની કિડની નહીં ચાલે એ જાણ્યા પછી અનુરાગે હૉસ્પિટલના ડૉક્ટર્સનો ડોનર શોધવા વિનંતી કરી હતી, મિડિયામાં એક-બે લીટીનું નિવેદન આપ્યું હતું, જેમાં જોરશોરના પ્રચારનો ચોક્કસપણે અભાવ હતો.

‘મેં બધું ઈશ્વર પર છોડ્યું છે...’ તેણે તાનિયાને કહેલું, ‘હવે એ જે કરે એ ખરું!’

પેશન્ટના સગાની મનોસ્થિતિ તાનિયા સમજી શકતી. સમર્થમાં સમર્થ માણસે પણ છેવટે તો નિયતિ પર જ ફેંસલો છોડવો પડે છે એવા ઘણા દાખલા જોયા હતા.

એ દૃષ્ટિએ કેસમાં નવું ડેવલપમેન્ટ નહોતું. અનુરાગ બાજુની રૂમમાં સૂતો હતો, કંટાળેલી તાનિયાએ અમસ્તું જ પર્સ ઉઘાડબંધ કરતાં પેલું કવર નજરે ચડ્યું.

નારાયણીનો પત્ર!

તાનિયાનું કુતૂહલ ઊછળ્યું. બંધ કવરને હાથમાં લઈ તાક્યા કર્યું. મારા મૃત્યુ પછી... માના શબ્દો રહસ્યમય લાગ્યા : મા પાસે એવી કંઈ મિલકત નથી કે તેમણે વિલ લખવું પડે! અને એવી તે કઈ ઇચ્છા હોય, જે મા પુત્રને મોં પર ન જણાવી શકે!

તેણે અટૅચ્ડ રૂમના દરવાજા પર નજર કરી. અનુરાગ કદાચ સૂતો હતો. કંઈક વિચારી તેણે અતીતને ફોન જોડ્યો, તેની અનુકૂળતા જાણી સીધી જ મૂળ વાત પર આવી, ‘અતીત, મારી પાસે માનું એક કવર છે...’ કઈ રીતે પોતાને કવર મળ્યું એનો આખો ઘટનાક્રમ વર્ણવી, એના પરનો સંદેશ કહી તે અટકી.

સામા છેડે અતીત ડઘાયો. માએ એવું શું લખ્યું હોય!

‘અતીત, મારા ખ્યાલથી તમારે આ પત્ર વાંચી લેવો જોઈએ... આમાં માની કોઈ ઇચ્છા હોય તો એને જીવતેજીવ પૂરી કરવી બહેતર!’

‘બિલકુલ સાચું, તાનિયા,’ અતીને નિર્ણય લઈ લીધો, ‘તું હમણાં જ પત્ર વાંચી લે. તેં વાંચ્યો એ મારા વાંચ્યા બરાબર જ.’

ત્યારે તાનિયાએ આનાકાની ન કરી ફોન મૂકી તેણે કવરની કિનાર ફોડી.

€ € €

હું આ શું વાંચું છું!

તાનિયાના કપાળે પ્રસ્વેદ બાઝ્યો હતો, શ્વાસ હાંફતો હતો. વિસ્ફારિત નેત્રે એ કદી પત્ર સામે તો કદી બેડ પર સૂતેલા અજિતરાય દેશમુખને જોઈ રહી : આ માણસ અતીતનો બાયોલૉજિકલ ફાધર!

ત્યાં બાજુની રૂમમાં ખખડાટ થતાં તેણે ઝડપભેર પત્ર પર્સમાં છુપાવી દીધો! અતીતની પરવાનગી વિના મેં પત્ર વાંચ્યો હોત તો માનું રહસ્ય હું પચાવી જાણત, પણ હવે અતીતથી સત્ય છુપાવવું મુશ્કેલ છે! તાનિયાએ નિ:શ્વાસ નાખ્યો.

એટલામાં અનુરાગને પ્રવેશતાં ભાળી થયું, આને જો જાણ થાય, હું તેના સાવકા ભાઈની થનારી પત્ની છું તો કદાચ મને આપેલાં સગાઈનાં વધામણાં પણ પાછાં ખેંચી લે!

€ € €

અતીતની આંખો કોરીધાર હતી. તાનિયાનું હૈયું ફફડતું હતું. રાતની વેળા સામે પાલવાનો દરિયો ઘૂઘવતો હતો.

અતીતને બ્રીચ કૅન્ડી બોલાવી તાનિયાએ ટૅક્સી ગેટવે ઑફ ઇન્ડિયા તરફ લેવડાવી, સ્ટ્રીટલાઇટના બાંકડે ગોઠવાઈ તેણે માનો પત્ર ધર્યો ત્યાં સુધી અતીત રોમૅન્ટિક મૂડમાં હતો, પણ હવે...

‘એક વિનંતી છે, અતીત,’ તાનિયાએ અતીતના ખભે હાથ મૂક્યો. તેનું બદન ધગતું લાગ્યું, ‘મા વિશે ગમે એમ ન ધારશો. તેમના ચારિhયનાં આપણે સાક્ષી છીએ, તે તો બિચારા પ્રણયમાં ધોખાનો ભોગ બન્યાં. અને તોય તમને જણવાની હામ રાખી એ ન ભૂલશો. તમારા ચહેરામાં તે પુરુષનો સાયો નથી.’

અતીતના હૈયે અમીછાંટણાં થયાં. માના અમુક વાક્યભેદ અત્યારે ખૂલ્યા.

‘મા પ્રત્યેની મારી લાગણી નહીં બદલાય, તાનિયા... પણ મારી માને દગો દેનાર પુરુષને હું નહીં છોડું!’

તાનિયાને આનો જ ડર હતો.

‘તેને તો ઈશ્વર નહીં છોડે, અતીત... તેની રિબામણી પાછળ કંઈકેટલી બદદુઆ હશે એ આજે મને સમજાય છે.’

‘નહીં, તાનિયા... મારું વેર લીધા વિના હું તેને મરવા નહીં દઉં... મરતાં પહેલાં તેણે જાણવું ઘટે કે હું તેની અનૌરસ ઔલાદ, તેને કેટલો ધિક્કારું છું!’ અતીતનાં જડબાં તંગ થયાં, ‘તેની આવરદા હું ખતમ નહીં થવા દઉં...’

આનો અર્થ શું? તાનિયા અતીતને નિહાળી રહી.

€ € €

‘વી હૅવ ગૉટ ધ ડોનર!’

ગુરુવારની બપોરે ડૉ. ત્રિવેદીએ હરખાતા અવાજે આપેલા ખબર અનુરાગનું કાળજું ચીરી ગયા... હું જેને મરતો જોવા માગું છું તેને જિવાડનારો આ કોણ ફૂટી નીકળ્યો?

‘એક ટૅક્સી-ડ્રાઇવર છે - જરૂરી ટેસ્ટ અમે કરી લીધા છે. યસ, ઇટ્સ મૅચ્ડ. સાંજે તે તમને મળવા આવવાનો છે. કાલે સવારે અહીં ઍડમિટ થશે...’

નો વે! ડૉક્ટરના જતાં જ તે હરકતમાં આવ્યો.

‘કોણ, બિલાવલ?’ તેણે મોબાઇલ જોડ્યો, ‘મારી વાત ધ્યાનથી સાંભળ...’

અનુરાગ ડોનરને ‘પતાવી’ દેવાનો કારસો ઘડતો હતો ત્યારે તાનિયા પાર્ટિશન પછવાડે જ હતી!

એક દીકરો બાપની આવરદા ટકાવવા માગે છે અને બીજો ખૂંચવવા... રામ જાણે, આ ખેલનો અંજામ શો હશે?

(આવતી કાલે સમાપ્ત)


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK