કથા-સપ્તાહ - આવરદા (જિંદગીની જ્વાળા - ૩)

Published: 10th October, 2012 05:57 IST

અતીતે ટૅક્સીને વળાંક આપ્યો. તાનિયાના ડ્યુટી-અવર્સ જાણતો અતીત તક મળ્યે બ્રીચ કૅન્ડીનો રૂટ લેવાનું ચૂકતો નહીં.અન્ય ભાગ વાંચો


1  |  2  |  3  |  4  |
‘કેમ આજે બહુ ચૂપ છે, તાનિયા!’

અતીતે ટૅક્સીને વળાંક આપ્યો. તાનિયાના ડ્યુટી-અવર્સ જાણતો અતીત તક મળ્યે બ્રીચ કૅન્ડીનો રૂટ લેવાનું ચૂકતો નહીં. તાનિયા પણ હકથી ટૅક્સીમાં ગોઠવાઈ જતી. જોકે વિહાર કરવાનું કે પછી રસ્તે રોકાઈ વડાપાઉં ખાવા જેટલીયે છૂટ લેવાનું બન્ને ટાળતાં. લોકલાજનો ખ્યાલ હોય એમ ચાલની ગલી વટાવી જ ચડવા-ઉતારવાનું રાખતાં. હા, વાતો ખૂબ થતી હોય. બન્ને એકમેક સમક્ષ મન ખુલ્લું મૂકી દેતાં. વચમાં એક એનઆરઆઇ ગ્રુપ અતીતથી એટલું ખુશ થયેલું કે પોતાના ખર્ચે શૉફર તરીકે અમેરિકા બોલાવવા તૈયાર હતું, ત્યારે પોતાની કશમકશ અતીતે તાનિયા સમક્ષ જ જતાવેલી : માને મેં કહ્યું નથી. તેને દુ:ખ થશે કે મારી બીમારીએ દીકરાની પ્રગતિનાં દ્વાર બંધ કરી દીધાં!

‘મા માંદાં ન હોત તો મેં બેધડક કહ્યું હોત કે તેમની જવાબદારી લેનારી હું બેઠી છું, તમતમારે ખુશીથી અમેરિકા જાવ! પરંતુ માંદી માને મૂકી પરદેશ જવામાં શાણપણ નથી. મારી ગમે એટલી ચાકરી છતાં તે તમારા વિના હિજરાવાનાં જ!’

તાનિયાનો અભિપ્રાય અતીતના મંતવ્ય સાથે મેળ ખાતો, તેના મનનું સમાધાન થતું.

એ જ રીતે અતીત તાનિયાના કાર્યસ્થળે કદી ગયો ન હોવા છતાં ત્યાંની વાતોથી માહિતગાર રહેતો. તાનિયા માટે પિતૃવત્સલ જેવા બની રહેલા બ્રીચ કેન્ડીના મુખ્ય ડૉક્ટર ત્રિવેદી, મોટી બહેન જેવી લાગણી રાખતાં મેટ્રન કાંતાબહેન કે પછી તેને ટ્રેઇન કરનાર ડૉ. છાયાબહેન... તાનિયાનું વ્યક્તિત્વ જ એવું હતું કે છેલબટાઉ જુવાનિયા જેવા ઇન્ટર્ન ડૉક્ટર્સ પણ ફ્લર્ટ કરવાની હામ ભીડતા નહીં. કોઈ પેશન્ટ રંગીલો થવાની કોશિશ કરે તો તાનિયા બેધડક ‘મારી સગાઈ થઈ ચૂકી છે’ કહી સરકી આવતી. ટૅક્સીમાં તેને સંભારી બન્ને ખૂબ હસતાંયે ખરાં. હા, પોતે આમ મળતાં હોવાનું ઘરે ન અતીત કહેતો, ન તાનિયાથી કહેવાતું... આમાં માથી છાનું રાખવાની ચેષ્ટા નહોતી, જુવાન હૈયાંને કેટલીક પળો છાનીછપની જ વાગોળવી ગમે, એના જેવું.

જોકે આજે તાનિયાને મૂંગી જોઈ અતીતે અચરજ જતાવ્યું.

‘હું ચૂપ છું, અતીત, કેમ કે તમે કંઈ બોલતા નથી!’

તાનિયાના રતુંબડા ગાલેથી પરાણે નજર વાળતાં અતીતે નિ:શ્વાસ દબાવ્યો. અમને બન્નેને એકમેક પ્રત્યે લાગણી હોવાનું અમે બન્ને સમજીએ છીએ, પરંતુ એના સ્વીકારની પહેલ તો પુરુષ તરીકે મારે જ કરવાની હોય... પોતાની ઓછી લાયકાત તેને અટકાવતી : હું તાનિયાથી ઓછું ભણેલો, પાછો ડ્રાઇવર! તાનિયા ઇચ્છે તો કોઈ પાણીદાર ડૉક્ટર કે લાગણીભીના પેશન્ટની જીવનસંગિની બની શકે...

‘આ વિચાર મને ટૅક્સીમાં લિફ્ટ આપતી વખતે નહોતો આવ્યો!’ તાનિયાની વાણીમાં તેજ ભેગી વ્યથાનાં બે બુંદ હતાં, ‘માણસની લાયકાત તેની નિષ્ઠાથી, તેના સંસ્કારોથી નક્કી થતી હોય છે, જેમાં તમે તસુય ઊતરતા નથી, એ મારે તમને કહેવાનું હોય? માસીની જેમ મારી મા પણ મારા માટે મુરતિયા નથી ખોળતી એનો અર્થ બોલીને સમજાવવાનો હોય?’

હેં!

અતીત ખીલી ઊઠ્યો. રાધામાસી વાંધો ન લે તો-તો વિઘ્ન જ ક્યાં રહ્યું! ‘આ ઇશારો તેં પહેલાં આપ્યો હોત, તાનિયા તો ઘરે પારણું ઝૂલતું હોત!’ અતીતના સ્વરમાં તોફાન હતું.

તાનિયા લજાઈ.

‘આજે જ માને કહું છું, સારો દિવસ જોઈ બાજુમાં કહેણ મૂકી દે!’

અતીત સમણાં ગૂંથતો હતો, તાનિયાના કાનોમાં શહેનાઈ બજતી હતી.

બ્રીચ કૅન્ડી પહોંચતાં જ આભા બની જવાયું.

પ્રવેશદ્વારે મિડિયાવાળાનો કાફલો, ચોગાનમાં રાજકારણીઓની ભીડ, છોગામાં સુરક્ષાકર્મીઓની ફોજ...

‘અરે, તાનિયા, તારી હૉસ્પિટલની તો શકલ જ બદલાઈ ગઈ! આવું તો ફિલ્મોમાં જોયેલું.’

‘બ્રીચ કૅન્ડીમાં વગદાર, વીઆઇપી પેશન્ટ્સના તો અમે હેવાયા છીએ, પણ આ તો મુખ્ય પ્રધાનની બીમારી!’ તાનિયાએ પર્સ ઠીક કર્યું, ‘તમે નીકળો, અતીત, મારે તો પાછલા દરવાજેથી જવાનું છે. સીએમના ન્યુઝ જાણી સવારે કાંતાબહેનને ફોન કરેલો ત્યારે જ તેમણે કહી રાખેલું કે સ્ટાફ માટે પાછલા ગેટથી એન્ટ્રી રાખી છે. ઓવરટાઇમનું ઘરે કહીને જ આવજે...’ તેણે ઉમેર્યું, ‘એમાં વળી જોગલેકર (સિસ્ટર)એ એવું કહ્યું કે મને મહાનુભાવની સ્પેશ્યલ ડ્યુટીમાં સામેલ કરાઈ છે...’

‘વાહ, ત્યારે તો તું પણ વીઆઇપી બની જવાની.’

‘નેતાઓને માનનીય કહેવાની પ્રથા ભલે હોય, આપણા દેશની દુર્દશા જોતાં મને હવે કોઈ રાજપુરુષ પ્રત્યે માન રહ્યું નથી.’

તાનિયાના વાક્યમાં મહત્તમ દેશવાસીઓની નિરાશાનો સૂર હતો.

‘તું ગમે એ કહે, આમ જનતાને તો લાડલા નેતાની ચિંતા થવાની... મારી માનો જ દાખલો લેને!’

તાનિયા ટટ્ટાર થઈ. દરવાજો ખોલવા લંબાવેલો હાથ હૅન્ડલ પર ચોંટી ગયો.

‘મોડી રાત્રે ટીવી પર ન્યુઝ જોતાં જ તેણે મને ફોન રણકાવ્યો - ખાસ, આ ખબર કહેવા!’

કમાલ છે! ટીવી સાથે માસીનો નાતો સિરિયલ કે સત્સંગ ચૅનલ પૂરતો છે, રાજકારણીઓ સાથે તો નહાવાનિચોવાનો સંબંધ નહીં હોય... અરે, ભારતના રાષ્ટ્રપતિનું નામ સુધ્ધાં કદાચ તેમને ખબર નહીં હોય! તે વ્યક્તિ દેશમુખમાં રસ શું કામ દાખવે?

તાનિયાને સમજાયું નહીં, ખરેખર તો પોતે બાજુમાં અતીતદર્શન કાજે જ ગઈ હતી, તે ગલી બહાર મારી વાટ જોતો હોવાનો મેસેજ તો મોબાઇલમાં પછી ઝબૂક્યો... મારા જવાથી માસી થોડાં હેબતાયેલાં લાગ્યાં. ઝટ સંદૂકમાં કશુંક મૂક્યું, હું બ્રીચ કૅન્ડીમાં કામ કરતી હોવાનો ઝબકારો મોડો-મોડો થયો હોય એમ દેશમુખજીના સમાચારથી માહિતગાર કરતાં રહેવાનો વાયદો લીધો...

શું કામ?

ના, આમાં માત્ર નેતા-પ્રજાનું જોડાણ નહોતું, પણ એમ તો નારાયણીમાસીને અંગતપણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન સાથે શું લાગેવળગે?

તાનિયાને જવાબ ન મળ્યો. અધૂરી આશંકા કરી અતીતનું ચિત્ત ડહોળવાનો અર્થ નહોતો અને નતીજા પર પહોંચવા જેટલી ફુરસદ પણ ક્યાં હતી?

નર્સનો યુનિફૉર્મ પહેરી ચીફ મિનિસ્ટરની સેવામાં જોતરાઈ જવાની વેળા આવી પહોંચી હતી!

€ € €

તાનિયા વહેમાઈ તો નહીંને? નારાયણી જીવ સંતાપતી હતી : મને થયું છે શું? અજિતના ખબર જાણી હું બહાવરી કેમ થઈ ગઈ? અંહ, આમાં એક વખત જેનું પડખું સેવ્યું તે પુરુષ માટેની ચિંતા કે કાળજી તો નહોતાં જ... હૈયાની પાટી પર પડેલા અક્ષર નારાયણી ક્યારની મિટાવી ચૂકી હતી. દામોદરની વિધવા, અતીતની માતા પરપુરુષના ખ્યાલોમાં રાચી જ ન શકે... પોતાની પૃચ્છામાં બહુ-બહુ તો કુતૂહલ હોઈ શકે, અજિતનો અંજામ શું આવશે એની જિજ્ઞાસાના જોરે જ તાનિયાને ભલામણ થઈ, છોકરી એનો અવળો અર્થ ન કાઢે તો સારું!

બપોર છતાંય વિચારોએ પીછો ન છોડ્યો ત્યારે નારાયણીને થયું,

ખરેખર તો મનને બીજે વાળવું જરૂરી છે... કશુંક એવું થવું જોઈએ કે ભીતરનો ઉચાટ દબાવી દે, અંતરને હરખથી છલકાવી દે...

અને આવી તો એક જ ઘટના હોય - અતીતનાં લગ્ન!

મારે રાધાબહેનને આજે કહેવું ઘટે... સમણાં ગૂંથતી નારાયણીને ઝાટકો લાગ્યો: પણ ધારો કે અજિતને મૃત્યુ આંબી ગયું તો શું અતીતને સૂતક નહીં લાગે!

નહીં. અતીત દામોદરનું જ સંતાન છે. મારી ચિઠ્ઠીમાં પણ મેં સ્પષ્ટ લખ્યું છે કે માત્ર ને માત્ર તારા જન્મના મૂળની તને જાણ કરવાની નૈતિક ફરજરૂપે જ ભેદ ખોલું છું, બાકી મારે મન તો તારા સાચા પિતા દામોદર જ છે... લગ્નસમયે મને બે મહિનાનો ગર્ભ હતો. પ્રસૂતિ અધૂરા મહિને થયેલી ન લાગે એટલે દામોદરે ચાલમાં એવું બહાનું ઊપજાવેલું કે છ મહિના અગાઉ અમે પરણી ચૂકેલાં, બૈરી દેશમાં હતી...

નારાયણીએ માથું ખંખેર્યું : બહુ થઈ ભૂતકાળની સ્મરણયાત્રા. હવે દીકરાનું ભાવિ ઘડવાનો સમય આવી ગયો...

મુખ પર ઉજાસ છલકાવી, દીવાલના ટેકે-ટેકે ચાલી નારાયણી બાજુમાં પહોંચી. ઇષ્ટદેવને સ્મરી સીધા શબ્દોમાં અતીતનું કહેણ મૂક્યું. રાધાબહેને વળતો રાજીપો જાહેર કર્યો ત્યારે નારાયણીની આંખો છલકાયા વિના ન રહી. અલબત્ત, હરખથી!

€ € €

વી આર સૉરી, કેસ કૉમ્પ્લિકેટેડ થતો જાય છે!

બુધવારની રાત્રે બ્રીચ કૅન્ડીમાં દાખલ થયેલા મુખ્ય પ્રધાનની હાલત આજે શનિવારની બપોર સુધીમાં ગંભીર ઉતાર-ચડાવ પછીયે કટોકટ જ ગણાય... ત્રીજા માળના સ્પેશ્યલ રૂમમાં પિતાના કોચ પડખે બેઠેલા અનુરાગે હોઠ કરડ્યો.

દિલ્હીસ્થિત પાર્ટી હાઈ કમાન્ડના શબ્દો તાજા થયા : મહાપુરુષની એક્ઝિટ ઇન્સ્ટંટ હોવી જોઈએ... પોતાનું માણસ અચાનક જતું રહે ત્યારે લાગતો ઝાટકો અનન્ય નીવડે, આપણા કેસમાં, પિતા પ્રત્યેની સહાનુભૂતિ પુત્રના પ્રચંડ જનસમર્થનમાં ફેરવાઈ જાય - ઇન્દિરાજીની હત્યા થતાં રાજીવ રાતોરાત દેશના હીરો બનેલા એમ!

બે દિવસ અગાઉ, પિતાના ખબર પૂછવા બે કલાકની ટૂંકી મુદતે મુંબઈ આવેલા હાઈ કમાન્ડે પંદર-વીસ મિનિટ અનુરાગ જોડે એકાંતમાં ગાળી એને ગુપ્ત મંત્રણા કદાચ ન કહેવાય, તોયે એનો ભાવાર્થ તો એવો જ હતો : તારા પિતાએ પાર્ટી માટે ઘણું કર્યું, વી હૅવ લૉન્ગ ટર્મ રિલેશન્સ... પણ શું છે કે બિસ્તરમાં પડેલો રાજકારણી ઝાઝા ખપનો રહેતો નથી, બીમારી લંબાતી જાય એમ જનતાનો રસ, ચિંતા ઘટતી જાય, એક તબક્કો એવો આવે કે માંદગીમાં મથાળે ચમકેલા પુરુષની વિદાયના ખબર નાનકડી બૉક્સ આઇટમમાં સમેટાઈ જાય...

નાની વયે પૉલિટિક્સમાં ઘડાયેલા અનુરાગને હાઈ કમાન્ડની બિટવીન ધ લાઇન્સ સમજાય એવી હતી. પપ્પાની હાલત કથળતી હતી, કૉમ્પ્લિકેશન્સ વધતાં હતાં, છતાં અહીંથી બહેતર ઇલાજ અન્યત્ર મળવાનોય નહોતો...

‘બંધારણીય રીતે મારે કો’કને તો ઍક્ટિંગ સીએમનો ચાર્જ સોંપવો પડે... પ્રવર્તમાન સંજોગોમાં તું સમય ફાળવી ન શકે, તારી વરણી સિનિયર્સનાં ભવાં તંગ કરી દે... સામે અજિતને કંઈ થયું તો ઇલેક્શન વહેલું લઈ તને સિમ્પથી વેવનો લાભ મળે એવું કંઈક ગોઠવીએ, પ્રજાપ્રિયતા પુરવાર થતાં તારી વિરુદ્ધ વિદ્રોહનો સૂર નહીં ઊઠે! આખરે, તારા પિતાની પણ આ જ ઇચ્છાને!’

બીજા શબ્દોમાં હાઈ કમાન્ડ સૂચવતા હતા કે દસ-પંદર દહાડામાં અજિતરાય બેઠા થાય તો ઠીક, અન્યથા તેમની એક્ઝિટમાં જ તને વધુ ફાયદો છે... રાજપુરુષની માંદગીના લાભાલાભનું સામાન્ય આદમીને હેબતાવી દે એવું ગણિત અનુરાગે સમજ્યું-સ્વીકાર્યું, રાજકારણ શું નથી કરાવતું!

અને આ બધા પાઠ તે પિતા પાસેથી જ શીખ્યો હતોને! મા સાથેનાં લગ્નમાં પપ્પાએ ફાયદો જ જોયેલોને - નાનાના સર્પોટે ખુરસી સુધી પહોંચવાનો ફાયદો! સત્તાધીશ બનતાં એ જ નાનાજીને પપ્પાએ સાઇડિંગ કરવા માંડ્યા એનો વસવસો મા દીકરા સમક્ષ કરતી : બળ્યું આ પૉલિટિક્સ! ઈશ્વરને વિનવું છું, બીજા જન્મે મને રાજકારણીની દીકરી કે પત્ની ન બનાવતો, લાગણીમાં સ્વાર્થની આટલી ભેળસેળ ફરી નહીં જીરવાય... ના, આમાં દીકરાને ભડકાવવાની વાંસતીતાઈની વૃત્તિ નહોતી. અનુરાગે પૉલિટિક્સ સાયન્સ પસંદ કર્યું ત્યારનાં તે સમજી ગયેલાં : તું પણ તારા પિતાના રસ્તે જ ચાલવાનો! હશે. સુખી થજે. સ્વિસ બૅન્કમાં કાળાં નાણાં જમા કરવાની સાથે રાંક પ્રજાનું કંઈક ભલું પણ કરજે!

પુત્રને પોતાનો રાજકીય વારસ ઘોષિત કરનાર અજિતરાય તેનાં લગ્ન પણ ફાયદાની દૃષ્ટિએ જ લેવાના એ સમજી ગયેલાં વાસંતીતાઈએ બીજી માની જેમ દીકરાને ઘોડે ચડવાની અબળખા રાખી નહોતી. એ દૃષ્ટિએ કૅન્સરમાં મૃત્યુ તેમને મન મુક્તિસમાન હતું...

અનુરાગ માને ચાહતો, એમ પિતાએ કશું ખોટું કર્યાનું પણ માનતો નહોતો. પિતાના પાવરના જોરે પોતાને મળતી આઝાદીનો પણ તેને ખ્યાલ હતો. એ પણ ખરું કે અજિતરાયને પુત્ર પ્રત્યે અપાર લગાવ હતો. ઑક્સફર્ડ ભણીને આવેલા દીકરાને તેમણે દેશના રાજકારણની દેશની કિતાબ ગોખવવા માંડેલી, સ્વિસ બૅન્કનો અકાઉન્ટ વહીવટ પણ દર્શાવી દીધેલો... પિતા અનુરાગ માટે રોલમૉડલ હતા, પોતાનું શ્રવણપણું કેટલું સાચું-કેટલું આભાસી છે એનો તો કદાચ અનુરાગનેય ખ્યાલ નહોતો.

હાઈ કમાન્ડની મુલાકાતે જમાવેલા વિચારમંથન પછી તે સ્પષ્ટ હતો. ડૉક્ટર્સને પણ તમારા સર્વાઇવ થવાની હૉપ નથી, પપ્પા... સો ઇટ્સ બેટર યુ લીવ! દવાના ઘેનમાં સૂતેલા પિતાનો પહોંચો પસવારતો દીકરો મનમાં કપટ ઘૂંટતો હતો ત્યારે નર્સ તાનિયા સિરિંજ તૈયાર કરતી હતી.

(ક્રમશ:)


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK