કથા-સપ્તાહ - આવરદા (જિંદગીની જ્વાળા - ૨)

Published: 9th October, 2012 05:36 IST

‘મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અજિતરાય દેશમુખ બ્રીચ કૅન્ડીમાં ઍડ્મિટ, હાલત ગંભીર!’
અન્ય ભાગ વાંચો


1  |  2  |  3  |ગુરુવારની સવારનાં છાપાં પોકારી ઊઠ્યાં. ટીવી પર તો ગઈ રાતના બ્રેકિંગ ન્યુઝ ઝબૂકતા હતા. ત્રેપન વર્ષના દેશમુખ બબ્બે ટર્મથી પૂર્ણ બહુમતી સાથે રાજ્યના મુખ્ય પ્રધાનપદે રહ્યા એ આજના અસ્થિર રાજકારણના માહોલમાં વિરલ સિદ્ધિ ગણાય... એટલું જ નહીં, આવતા વરસે થનારા ઇલેક્શનમાં પણ દેશમુખસાહેબ સીએમ (ચીફ મિનિસ્ટર)ની ખુરસી માટે હૉટ ફેવરિટ હતા. ઇનફૅક્ટ, આગામી ચૂંટણીમાં પ્રચારનો એજન્ડા નક્કી કરવા માટેની મીટિંગ દરમ્યાન જ તેમને સ્ટ્રોકનો અટૅક આવતા પાર્ટીના કાર્યાલયથી નજીક પડતી બ્રીચ કૅન્ડીમાં તાબડતોબ લઈ જવાયા... અધરવાઇઝ અજિતરાય તેમની ફિટનેસ કૉન્શિયસનેસ માટે જાણીતા છે. હિન્દી ફિલ્મોનો તેમનો શોખ પણ અજાણ્યો નથી. મૂળ નાગપુરના દેશમુખનો સિતારો વાસંતીતાઈ સાથેનાં લગ્ન પછી રાજકારણના આકાશમાં બુલંદ બન્યો. પીઢ નેતા સસરાની ઓળખે તેમને મુંબઈની ધરામાં પગ પ્રસરાવવાની તક આપી, ઍન્ડ રેસ ઇઝ હિસ્ટરી!

મુખ્ય પ્રધાનની ઓચિંતી બીમારીએ મિડિયાને વ્યસ્ત રહેવાનો મુદ્દો મળી ગયો. એકાદ ચૅનલે કયા રાજ્યના કયા પ્રધાન ચાલુ હોદ્દે અવસાન પામ્યા એનો અહેવાલ આપ્યો, કોઈએ વળી દેશમુખના જમા-ઉધારની પિષ્ટપેષણ કરી. કોઈકે સીએમની બીમારી પર ફોકસ કર્યું તો કોઈકે ‘દેશમુખ પછી કોણ?’ના ખુરસીદાવની ખણખોદ માંડી... અજિતરાય પોતે મિડિયા-ફ્રેન્ડ્લી હતા, પત્રકારોને ખુશ રાખી જાણતા એટલે કદાચ તેમનાં યશગાન વધુ થયાં. તેમને મળેલું કવરેજ જોઈ દિલ્હીના નેતાઓ દાઝી બળ્યાં હોય તો નવાઈ નહીં! પોતાનો રાજકીય વારસો તેમના એકમાત્ર પુત્ર, ચોવીસ વરસનો અનુરાગ દેશમુખ સુપેરે જાળવશે એવી અભિલાષા અજિતરાય ગયા વર્ષે પાર્ટીના અધિવેશનમાં વ્યક્ત કરી ચૂક્યા છે... આપને વિદિત હશે કે પાંચ વરસ અગાઉ વાસંતીતાઈ કૅન્સરમાં ગુજર્યા પછી કુટુંબમાં પિતા-પુત્ર બે જ રહ્યા છે અને અનુરાગની ગણના આજ્ઞાંકિત પુત્ર તરીકે થાય છે. બાપ-દીકરા વચ્ચે અપાર સ્નેહ હોવાનું વારંવાર પ્રગટ થતું રહ્યું છે... હજી છ મહિના પહેલાં અમને આપેલી વિશેષ મુલાકાતમાં અજિતરાયે ભીના કંઠે કબૂલ્યું હતું કે આજના યુગમાં શ્રવણકુમાર પેદા નથી થતા એવી માન્યતા અનુરાગે ખોટી ઠેરવી છે! ઑક્સફર્ડમાં ગ્રૅજ્યુએટ થયેલા અનુરાગ યુવાનોમાં પ્રિય છે, હાલ પર્યાવરણખાતું સંભાળતા અનુરાગ ટ્વિટર પર દસ લાખથી વધુ ફૉલોઅર્સ ધરાવતા મહારાષ્ટ્રના એકમાત્ર નેતા છે... ચર્ચાતી વાતો સાચી માનીએ તો આવતા વર્ષમાં ઇલેક્શન જીતી અજિતરાય પોતાની ગાદી દીકરાને સોંપી કેન્દ્રમાં પ્રસ્થાન કરવાનું નક્કી કરી બેઠા છે, એમાં અણધાર્યું આવેલું માંદગીનું વિઘ્ન કેવા ઉતાર-ચડાવ સર્જશે એ તો ભાગ્યવિધાતા જ જાણે! આપને ફરી એક વાર યાદ અપાવી દઈએ કે બ્રેઇન-સ્ટ્રોકના અટૅકને કારણે દેશમુખજીને ગઈ રાત્રે હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની હાલત ઘણી ગંભીર હોવાના પ્રાથમિક હેવાલ છે...

અત્યારે, ગુરુવારની સવારે, ટીવી પર બ્રીચ કૅન્ડીના દૃશ્યો જોતાં નિ:શ્વાસ નાખી નારાયણીએ રિમોટનું બટન દબાવી ટીવી બંધ કર્યું.

આજકાલ કરતાં ૨૫-૨૬ વરસ થઈ ગયાં અમારા મેળાપને! અજિતની ચડતી એક જ શહેરમાં રહેતી નારાયણીથી છાની ન જ હોય, પરંતુ તેના ખબરો પ્રત્યે દુર્લક્ષ્ય સેવવાની આદત આપમેળે પડી ગયેલી. વળી, તેનો ખુદનો સંઘર્ષ ક્યાં કમ હતો? અજિતની પત્ની નથી રહી એ તો આજે જાણ્યું, ટીવીમાં વારેવારે દેખાડાતો તેનો દીકરો કેવો ભાંગી પડેલો જણાય છે! પિતાની જેમ શ્વેત કફની-પાયજામામાં અનુરાગ સોહામણો લાગે છે... માને ગુમાવનારો પિતાને પણ હવે ગુમાવી બેસશે? બિચારો!

તને થયું છે, શું નારાયણી? ભીતરથી ઊઠતા ચાબુક જેવા પ્રશ્ને નારાયણી ટટ્ટાર થઈ.

શરીરના દુખાવાને કારણે નારાયણીથી ઝાઝી હેરફેર થતી નહીં. બહુ-બહુ તો બાજુમાં રાધાબહેનને ત્યાં જઈ બેસે. ચાલનો આડોશપાડોશ સારો હતો, દામોદરની મારપીટથી જ્ઞાત લોકોને નારાયણી પ્રત્યે સહાનુભૂતિ હતી. ગમે એટલું પૂછવાં છતાં કદી પતિ વિરુદ્ધ હરફ નહીં કાઢવાના તેના ગુણે માન ઊપજાવ્યું હતું. બાજુવાળાં રાધાબહેન જોડે તેને ગોઠી ગયેલું. વેકેશનમાં કે પ્રસંગોપાત્ત વતનથી તેમનાં સગાંવહાલાં આવે ત્યારે નારાયણી તેમનાં સૂવા-નહાવા-ધોવાનો ઇન્તેજામ પોતાને ત્યાં સાચવી લે.

સામે રાધાબહેન વાર-તહેવારના દિવસે મિષ્ટાન્ન મોકલવાનું ચૂકતાં નહીં : જાણું છું, તારાથી આ બધું હવે બનાવાતું નથી, પણ તમે મા-દીકરો સારા દા’ડે લૂખુંસૂકું ખાવ તો અમને ગળે મીઠાં ધાન કેમ ઊતરે! એમાંય અતીતે તો તારી તપસ્યા ઉજાળી છે... મારા ધણીની માંદગીમાં તે કંઈ ઓછો કામમાં નથી લાગ્યો! આ તો બધું અરસપરસ છે, બહેન! તારેય જરૂર પડ્યે બેધડક મારી તાનિયાને બોલાવી લેવાની...

બે વર્ષ અગાઉ, પતિ સુધાકરભાઈના દેહાંત પછી સંસારમાં મા-દીકરી જ રહ્યાં. પતિના પેન્શનને કારણે રાધાબહેનને ગુજરાનની ચિંતા નહોતી, છતાં જમાનાને અનુરૂપ દીકરીને નોકરી કરવાની છૂટ આપી હતી.

અને એકવીસની થયેલી તાનિયા હતીયે આત્મવિશ્વાસુ. સાદગીમાં તેનું રૂપ નીખરી ઊઠતું. અતીત સાથે નાનપણથી તેને ભળતુંય ખૂબ. જોકે વય વધતાં બોલચાલમાં આપોઆપ મર્યાદા આવી, અતીત ટૅક્સી ચલાવતો થયા પછી આખો દિવસ બહાર રહેતો હોય, ક્યારેક રાતની વરદી પણ હોય એટલે એ રીતેય મળવાનું ઓછું થતું. એમાં તાનિયાના ડ્યુટી-અવર્સ પણ શિફ્ટ પ્રમાણે બદલાતા હોઈ રવિવારની છુટ્ટી સિવાય મળવાનો જોગ પણ ભાગ્યે જ ગોઠવાય! જોકે જુવાન હૈયાં બીજી રીતે જોગ નહીં પાડતાં હોય એ કોણ કહેશે!

ખરેખર તો અતીત તાનિયા માટે રોલમૉડલ જેવો હતો. માની કાળજીભરી સારવાર, હસતા મુખે કિશોરાવસ્થાથી ઘરની જવાબદારી ઉઠાવવી, ટૅક્સી ચલાવતો હોવા છતાં કેવો શાલીન, ટપોરીપણાનો સદંતર અભાવ જેવા અતીતના ગુણો જાણ્યે-અજાણ્યે તેને સ્પર્શી જતા. કદી અતીતને શર્ટનું બટન સાંધતાં જોતી તો હકથી કામ ખૂંચવી લેતી : લાવો, હું કરી દઉં! અતીત તેને જોઈ રહેતો... પ્રેમી પ્રિયતમાને ચોરી-ચોરી ક્યાં-ક્યારે-કેટલું નિહાળતો હોય છે એનો હિસાબ કોણ રાખી શક્યું છે?

અતીત રાતની વરદીએ જવાની જાણ થાય તો સૂતાં પહેલાં અચૂક નારાયણીને ‘જય શ્રીકૃષ્ણ’ કહેવાને બહાને આવી કંઈ જોઈતું-કારવતું હોય તો આપી જતી. સામે, તાનિયાની નાઇટ-ડ્યુટી વખતે અતીત રાધાબહેનની સગવડ-સલામતી સાચવતો.

માત્ર અરસપરસનો જ આ વહેવાર હશે? હમણાંની નારાયણી ઘણી વાર આ વિચારે ચડી જતી. પચીસીમાં પ્રવેશેલો દીકરો કોઈનું પણ મન મોહી લે એવો ફૂટડો હતો, એમ તાનિયામાંય ક્યાં કશું કહેવાપણું હતું? બન્નેની જોડી જુગતે જામે... નારાયણી મનનાં વમળને મનમાં જ ઠારી દેતી : અતીતની ભણતરની ઊણપને કારણે! તાનિયા અતીત કરતાં વધારે ભણી છે, એ કારણે રાધાએ મારા દીકરાને ઠુકરાવ્યો તો વરસોના આત્મીય સંબંધમાં ખારાશ ભળી જવાની દહેશત હતી... અતીત કશું કહેતો નથી, જાણે તેને લગ્નની ઉતાવળ જ નથી! દીકરાનું મન ફંફોસતી હોય એમ નારાયણી ક્યારેક ટકોરતી : મારા માટે તું જાત ઘસે છે, પણ એમ નથી થતું કે પરણીને વહુ લઈ આવું!

જવાબમાં સહેજ ફિક્કું મલકી અતીત સરકી જતો... કદાચ તેને પણ ઓછા ભણતરનું કારણ કનડતું હશે! તાનિયાની રાહ જોતો તે દરવાજાને ટાંપી બેઠો હોય છે ક્યારેક, એ મારાથી છાનું નથી... દીકરાની ખુશી ખાતર હું રાધા સામે ખોળો ન પાથરી શકું? પણ એ પહેલાં મારે તાનિયાની મરજી જાણવી જોઈએ!

આવી જ ગડમથલમાં નારાયણી ગઈ રાત્રે ‘જય શ્રીકૃષ્ણ’ કહેવા આવેલી તાનિયાને બોલી બેઠેલી : મારો દીકરો રાતે બહાર કામે ફરે એમાં તને તકલીફ આપું છું! હવે તો ઘરે વહુ આવે તો નિરાંત થાય! પોતે આટલું કહ્યું ત્યાં તાનિયાનો ચહેરો રતાશ પકડવા લાગેલો, ‘તારા જેવી કન્યા મળે તો કાલે અતીતને પરણાવી દઉં!’નો ઉમેરો કરતાં તે લજામણીની જેમ સંકોચાઈ ભાગી હતી...

તાનિયાનું મન કળાયાના હરખે નારાયણીની નીંદ ઉડાડી મૂકી. ટૅક્સી ફેરવતો થયા પછી અતીતની આવક વધી હતી, ફ્રિજ-ટીવી જેવાં સાધનો તેણે વસાવેલાં, નારાયણીને ગિફ્ટ કરેલો મોબાઇલ વાપરતાં પણ શીખવી દીધેલું.

લાવને, ટીવી પર જૂનાં ગીત આવતાં હોય તો સાંભળું... નારાયણીએ ટીવી ચાલુ કરી. સૂતાં-સૂતાં જ ચૅનલ બદલવા માંડી, ત્યાં અજિતરાયનો ફોટો દેખાતાં તે સ્ટૅચ્યુ થઈ ગઈ, તેની હાલત ગંભીર હોવાના ખબરે ઊથલપાથલ મચી ગઈ...

શું કામ?

આ પ્રશ્નનો ઉત્તર નારાયણી અત્યારે શોધી રહી છે :

જેના અસ્તિત્વથી હું નિ:સ્પૃહ થઈ ચૂકેલી, તેને વરસો પછી, હૉસ્પિટલના બિછાને જોઈ દયા જાગી? તેના દીકરાનાં આંસુ પજવી ગયાં? સહાતું ન હોય એમ હું અતીતને ફોન કરી બેઠી તો તેણે સાચું જ કહ્યું : એમાં આપણને શું!

નારાયણીએ હોઠ કરડ્યો.

અંદરખાને ક્યાંક અવાજ ઊઠતો કે હવે મારે અતીતને તેના મૂળનું સત્ય કહી દેવું જોઈએ... પિતાના મર્યા પછી ક્યારેક તેને જાણ થઈ એ વેળા તેને એવું ન લાગવું જોઈએ કે બાપ જીવતો હતો ત્યારે માની જીભ કેમ ન ખૂલી? પોતાના યારને મારા પ્રકોપથી બચાવવા ખાતર જને?

પુત્રના કાલ્પનિક શબ્દો નારાયણીને ધ્રુજાવી ગયા. તેમની સિક્સ્થ સેન્સ કહેતી હતી કે આજે નહીં તો કાલે અતીતને તેના જૈવિક પિતાની જાણ થવાની જ છે, તો પછી આજે કેમ નહીં!

નારાયણીએ બાથરૂમના દરવાજે નજર ટેકવી : અતીત નાહીને નીકળે એટલી વાર...

નિર્ણયની દૃઢતા બાથરૂમનો આગળો ખૂલવા સુધી રહી, બારણું ખૂલતાં જ મને કૂદકો મારી લીધો, તક જાણે હાથમાંથી સરકી ગઈ... જાતને સમજાવી લીધી : અતીત કદાચ સત્ય પૂરું સાંભળી જ ન શકત... મને તે કેવી નજરોથી નિહાળત?

નારાયણીના બદનમાંથી કંપારી પસાર થઈ ગઈ : જુદો જ ઝબકારો થયો : હું દીકરાને મોઢામોઢ સચ્ચાઈ ન કહી શકું, પણ કાગળમાં લખી તેના માટે ચિઠ્ઠી જેવો પત્ર તો છોડી જ શકું, જે મારા મૃત્યુ પછી તેને મળે!

આ તર્ક નારાયણીને જચી ગયો. મોડી રાત્રે પાછો ફરેલો દીકરો વહેલો કામ પર ચડે તો હું કાગળ-પેન લઈને બેસું!

અને ખરેખર, અતીતના જતાં જ તેણે લખવા માંડ્યું. પોતાની યૌવનકથા આલેખવાનો સંકોચ ઓસરતો ગયો, લખાણમાં આપોઆપ નિખાલસતા પ્રવેશી : મને સારી ચીતરવી તારા જૈવિક પિતાનો વાંક દર્શાવું છું એવું ન માનીશ... અજિતના ચહેરા પર થૂંક્યા સુધીનો વિચાર આપી તેણે લખ્યું : આ છે તારા જન્મનો ભેદ, જેને જાણી તારે અજિત પ્રત્યે વેર ઘૂંટવું હોય તો હું વાંધો નહીં લઉં, અપેક્ષા એટલી જ છે કે જેનું નામ તને મળ્યું તે દામોદરનું •ણ વિસરીશ નહીં, શક્ય હોય તો મને માફ કરજે...

ચાર પાનાંનો પત્ર બે-ત્રણ વાર વાંચી તેણે ગડી વાળી નાનકડા સફેદ કવરમાં મૂક્યો. અજિતના જીવનભેદ પર સીલ મારતી હોય એટલી કાળજીથી કવર ગુંદર ચોંટાડી બંધ કર્યું, ત્યાં...

‘માસી!’

કમાડ ખોલી પ્રવેશતી તાનિયાએ નારાયણીને ભડકાવી. લાકડાના પટારાના ચોરખાનામાં કવર સંતાડવાને બદલે એમ જ નાખી પટારો વાસી દીધો તેણે, ‘બોલ, બેટી.’

તાનિયાને તેની ચેષ્ટા વિચિત્ર લાગી, ને આવકાર બોદો. હું ખોટા વખતે આવી ચડી એવું કેમ લાગે છે? ઝાઝું વિચારવાનો વખત નહોતો, તેનેય ઉતાવળ હતી.

‘નહીં, આ તો એમ જ કહેવું હતું કે... હમણાં મને આવતાં મોડું થશે, આપણા ચીફ મિનિસ્ટરને બ્રીચ કૅન્ડીમાં દાખલ કર્યા છેને?’

ચીફ મિનિસ્ટર! નારાયણી ચકળવકળ નેત્રે તાનિયાને તાકી રહી, કેમ જાણે પોતાનો ભેદ જાદુઈ શક્તિથી તેણે જાણી લીધો હોય! ત્યાં ઝબકારો થયો : બ્રીચ કૅન્ડી!

નર્સિંગનું ભણી તાનિયા વરસેકથી બ્રીચ કૅન્ડીમાં જ નર્સ તરીકે કામ કરે છે એ હું કેમ ભૂલી ગઈ!

‘સાચું કહે, તાનિયા, અજિ...ત - સાવધ થઈ તેણે રણકો વધાર્યો, આપણા મુખ્ય પ્રધાનને કેમ છે?’

‘એ તો હું જાઉં ત્યારે ખબર પડે...’ તાનિયાએ સ્પષ્ટ કર્યું, ‘કાલે મારી ડ્યુટી પત્યા પછીના ગાળામાં તેમને ઍડમિટ કરાયા...’ થોડી વાર પહેલાં સિનિયર નર્સ જોગલેકર જોડે ફોન પર વાત થઈ. એ હિસાબે જાનનું જોખમ તો ખરું જ!’ તાનિયા તટસ્થપણે બોલી ગઈ, ‘એમાં મને મહાનુભાવની સ્પેશ્યલ ડ્યુટીમાં સામેલ કરાઈ છે એટલે આવવા-જવાનું ઠેકાણું નહીં!’

હેં! અજિતની દેખરેખ તાનિયા રાખશે?

‘તાનિયા...’ તેણે તાનિયાનો હાથ પકડ્યો, ‘તેમની હાલત વિશે મને કહેતી રહેજે.’

તેની પકડ સજ્જડ હતી. ‘ભલે’ કહેતી તાનિયાએ પરાણે હાથ છોડાવ્યો.

પહેલી વાર અતીતનાં મમ્મી અકળ લાગ્યાં. તાનિયા ન તેમની ભલામણ સમજી શકી, ન વર્તણૂક!

(ક્રમશ:)Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK