કથા – સપ્તાહ : આતશ (રહસ્યમયી રાત – ૫)

Published: 26th July, 2012 17:28 IST

‘બાવળનું ઝાડ એના દેખાવ પરથી જ પરખાઈ જાય દિયરજી, એને અડીને કાંટો ચકાસવાની જરૂર ન હોય!’

 

 

અન્ય ભાગ વાચો

1  |  2  |  4  |  5  |

 

 

ઉઘાડી છાતીના વાળમાં હાથ ફેરવતા વિનીતે અનન્યાના તેવર સંભાર્યા. તેની તુમાખીમાં આહ્વાહન હતું, અદા હતી.

‘ભાઈ, દુશ્મનની બૈરીની આ મજાલ!’ રાતાપીળા થયેલા નાના ભાઈને તેણે છાવર્યો હતો, ‘તેની હિંમતે તો હું જિતાઈ ગયો, નાનકા! દુશ્મનની બૈરીને તારી સગી ભાભી ન બનાવું તો કહેજે!’

ક્ષણિક આવેગ હોત તો વખત જતાં ઓસરી જાત, પણ અનન્યાનાં દરેક દર્શને ઇરાદો ઘૂંટાતો ગયો. આમાં દુશ્મનનું નાક વાઢવાની મનસા પણ ખરી : અરેને આપણા પર મિલકતનો કેસ કર્યો છેને, તેની બૈરીને જ ઘરે બેસાડી તેની આબરૂનું કેવું લિલામ કરું છું એ હવે જો!

છેવટે કંઈ નહીં તો બળજબરીથી બળાત્કાર ગુજારીને વશ કરવાની હતી, પણ એ પહેલાં અનન્યા મારા તરફ ઢળે છે કે નહીં એ ચકાસવા તો દે!

વિનીત-સુજલ ભલે ઝાઝું ભણ્યા નહોતા, પણ દેખાવડા, અખાડામાં જઈ કસાયેલા શરીરવાળા હતા. ફૅશનેબલ વસ્ત્રોમાં સ્માર્ટ લાગતા, શ્રીમંતાઈના રુઆબથી પર્સનાલિટી નીખરતી.

અનન્યા રોજ સવારે કૉલેજ જતી નણંદને પાદરના બસ-સ્ટૅન્ડે મૂકવા આવતી હોવાનું નિરીક્ષણ રાખ્યા પછી વળતી સફરમાં વિનીતે તેનો સંગાથ શોધવા માંડ્યો : હાય અનન્યા, તું જીપમાં નથી બેસતી એટલે હું પગપાળા આવ્યો!

વહેલી સવારે રસ્તો નર્જિન રહેતો એટલે અનન્યા ગભરાઈ, પણ સ્ત્રીને ધનદોલતથી રીઝવી શકાય એવી સામાન્ય બુદ્ધિ ધરાવતા વિનીતે ઉદારજીવે સંપત્તિ ગણાવવા માંડી : તારી નજર પડે ત્યાં સુધી જમીન આપણી હોં! આંબા, ચીકુ, શેરડી, ડાંગર... બધાંયનાં ખેતર-વાડી છે, હોં! આંગણે ચાર ગાડીનો કાફલો, સોના-ચાંદીની પાટો હવેલીના માળિયે ધૂળ ખાય છે!

આમાં જૂઠ નહોતું એની સચ્ચાઈ પરખાતાં અનન્યાએ હોઠ કરડ્યો. પોતાની મહેચ્છા સાંભરી, આકાંક્ષા વળ ખાવા લાગી. પછી પ્રfનો સ્ફુર્યો, ‘આ બધું તમે મને શું કામ કહો છો?’

‘એટલું જતાવવા અનન્યા કે જેટલું હું દઈ શકીશ એટલું અરેન આ જન્મમાં ક્યારેય દઈ શકવાનો નથી!’

‘તમે ભૂલો છો, ર્કોટમાં કેસ ચાલે છે...’

અનન્યાએ દલીલ કરી, વિરોધ નહીં, એટલે વિનીતની હિંમત વધી, ‘કેસ તો ચાલતો રહેશે, આપણે સૌ બુઢ્ઢાં થઈશું ત્યાં સુધી! વિચારવાનું તારે છે, અનન્યા, જવાની બુઢાપાના ઇન્તેજારમાં ગુજારી દેવી છે?’

અનન્યા સ્થિર થઈ. અરેન સાથે તેનાં અરેજન્ડ મૅરેજ હતાં. અરેન તેને ગમતો, કદાચ તે તેને ચાહતી. સાથે એટલું પણ ખરું કે તે પુરુષ માત્ર પોતાનો નહોતો, મા-બહેનમાં વહેંચાયેલો હતો! એમાંય મા અગ્રિમ સ્થાને... ઓહ, એકાએક હું અરેનમાં ખોટ શોધવા કેમ લાગી? વિનીતનું કહ્યું મને યથાર્થ કેમ લાગવા માંડ્યું?

રાતભર અનન્યા ઝોલાં ખાતી રહી. બીજી સવારે વળી તે વળતી સફરમાં એકલી દેખાઈ એમાં વિનીતને જંગ જીત્યાનો ઇશારો મળી રહ્યો. અનન્યા આવી એનો અર્થ એ કે તેણે કાકીને કશું કહ્યું નથી, અન્યથા કાકીએ તેને ઘર બહાર નીકળવાની પરવાનગી જ આપી ન હોત?

અને ખરેખર સંપત્તિની ગરમીથી અનન્યાનો સંયમ પીગળવા લાગ્યો, વિનીતની કંપની તેને ગમવા લાગી.

‘મારે તને ઘરે બેસાડવી છે, અનન્યા. તું અરેનને છોડે એટલી વાર.’

આ પગલું લેતાં અનન્યા ખચકાતી, લોકનિંદાથી ડરી જતી, મામા-મામીના ઠપકાનું વિચારી કાંપી જતી. સામે વિનીતનું, તેની સંપત્તિનું આકર્ષણ ખાળી ન શકાય એવું હતું, એ પણ હકીકત હતી. છડેચોક મળી ન શકાતું એટલે બન્ને છાનુંછૂપું મળતાં, વિનીતે આણી આપેલું બીજું સિમ-કાર્ડ પોતાના ડ્યુઅલ મોબાઇલમાં નાખી બન્ને વાતોનાં વડાં કરતાં.

કમનસીબે, તેમની વાતો બીજું કોઈ નહીં ને ખુદ યશોદાબહેન જ સાંભળી ગયાં! ‘નર્લિજ્જ...’ યશોદાબહેનની ત્રાડે ઉર્વી દોડી આવી હતી, ‘મેં તને આવી નહોતી ધારી.’

ભાભીનું કરતૂત જાણી ઉર્વી સ્તબ્ધ બની.

‘બાંધ તારો સામાન અને જતી રહે તારા પિયર. આગળનો ફેંસલો અરેન આવતાં કરીશું.’

‘ભલે, મારેય તમારા કંગાળ દીકરા જોડે જિંદગી નથી કાઢવી,’ અનન્યા દમામભેર નીકળી ગઈ, સીમમાં વિનીતને મળી : ધારું તો બુઢ્ઢીની વિરુદ્ધ સાસુના ત્રાસની જૂઠી ફરિયાદ લખાવી જેલમાં પુરાવી શકું એમ છું, પણ એથી ડિવૉર્સમાં તકલીફ નડશે.

‘અરે, તને તમાચો મારનારને સજા તો બરાબરની મળશે!’

મામાને ત્યાંની બસ પકડતી અનન્યાને અંદાજો નહોતો કે વિનીતના દિમાગમાં શું ખદબદી રહ્યું છે! ત્યાં અરેનનો દુબઈથી કૉલ આવ્યો. તે હજીય અંધારામાં હતો એથી કોણ જાણે કેમ રાહત થઈ. જોકે બીજે દા’ડે તે આવતાં ઘરમાં ધડાકો થશે એની ફિકરમાં ઊંઘ નહોતી આવતી ને મધરાતે વિનીતે મોબાઇલ રણકાવ્યો : તારી સાસુ-નણંદ અહીં ભડકે બળે છે!

મધરાતે વસ્તીથી દૂર આવેલા મકાનમાં ઘૂસી, યશોદાબહેન-ઉર્વીના મોં પર પટ્ટી બાંધી વિનીત-સુજલે અગ્નિદાહનો પાશવી ખેલ પાર પાડ્યો હતો! હવે ડિવૉર્સમાં લોકલાજેય થોડી રાહ જોવી રહી.

રાહ જોવાનું ફાયદામાં રહ્યું. પોલીસે જેને અકસ્માત સ્વીકારી લીધો એમાં અરેનને હત્યા ગંધાતાં અનન્યા ડઘાયેલી. વિનીત-સુજલનો જીવ લેવા તત્પર બનેલા પતિને વારવો પડ્યો. કાયદાનો રસ્તો બતાવી બદલામાં મુદત નખાવી. અનન્યાએ વિનીત-સુજલને ચેતવી દીધા તો જમાનતનો આગોતરો પ્રબંધ થઈ શક્યો.

બિચારો અરેન!

પોલીસ-ફરિયાદ નોંધાવવાથી ઍડ્વોકેટ અડવાણીના મર્ડર સુધીના ખેલમાં તે અમારું પ્યાદું બન્યો છે એની તેને ક્યાં જાણ છે!

ફરિયાદ નોંધાયા પછી પોલીસથી માંડીને જજ સુધીના જોડે સેટિંગ થઈ શકે એમ હતું. બસ, જો વિરુદ્ધ પાર્ટીનો લૉયર અમારી ફેવરમાં પલોટાઈ જાય તો કોઈ જ જોખમ ન રહે, કરેલા ગુનામાંથી અમે નિર્દોષ છટકી શકીએ... જમીનનો કેસ લડતો દાસાણી સિદ્ધાંતવાદી હતો એટલે અનન્યાએ દેખીતો વિરોધ કર્યો (કારણ જુદું આપીને), અડવાણીનો રેફરન્સ મેં મેળવ્યો, અનન્યા તેને હાયર કરવામાં પણ સફળ રહી, પોતાની આદત મુજબ અડવાણી પક્ષપલટો કરવા તૈયાર પણ થયો... પણ આખરે કાબેલ વકીલને! તેને ગંધ આવી ગઈ કે અસીલની પત્ની દુશ્મનની ટીમમાં છે! આખરે તે એવો જ વકીલ કેમ પસંદ કરે જેને દુશ્મન ખરીદી શકતા હોય!

‘કેસ-બેસ તો ઠીક છે, દેસાઈસાહેબ...’ ઍડ્વોકેટે હથેળી ખંજવાળી હતી, ‘પણ અસીલને તમારા ભેદથી અંધારામાં રાખવાનું કંઈક વાજબી આપવું પડશે.’

તેનો ઇશારો તેની મકસદ જેટલો જ સાફ હતો : બ્લૅકમેઇલિંગ! કેસ પૂરો થતાં સુધી તેની ગરજ હતી, એટલે નિભાવ્યે રાખ્યો. પછી અનન્યાએ અમારો મેળ દેખાડી અરેનને અડવાણીની હત્યા માટે કન્વિન્સ કર્યો... વ્હીસ્કીમાં ભેળવવાની દવાનું જ્ઞાન શહેરના ડ્રગિસ્ટે આપ્યું હતું. (તેણે બિચારાએ નિર્દોષભાવે કહેલું કે પ્રેશરની દવા સાથે ફલાણું પ્રવાહી જીવલેણ નીવડે, માટે સાવધ રહેવું! ખેર, સલાહ ક્યારેક આ રીતેય કામ લાગતી હોય છે!) ધાર્યા પ્રમાણે અરેને ખેલ પાર પાડ્યો એમ અડવાણીએ તેને મેં મોકલેલો આદમી ધારી લીધો. હવે તે અમારા મર્ડર માટે ભુરાયો બન્યો છે, પણ...

વિનીતનું હાસ્ય પહોળું થયું : તને ક્યાં જાણ છે અરેન, કે અડવાણીને તેં પીવડાવી એ જ દવાના ઘૂંટ આજે રાતે તું ગળવાનો છે! ધાર્યું હોત તો તને અડવાણીની કતલમાં ફિક્સ કરી શકાત, પણ તને જીવતો છોડી મિલકતનો કેસ લટકતો રાખવો નથી. રાત્રિભોજનમાં અનન્યા પ્રેશરની દવા ઓગાળી દેશે પછી મિરૅકલ પ્રવાહી ભેળવેલા દૂધનો પ્યાલો આપશે, જે પીતાં જ તારું હાર્ટફેલ નક્કી! કોઈને આમાં વહેમ નહીં આવે, દોઢ-બે મહિના અનન્યા શોકનો દેખાડો રચશે પછી અમે પરણી જઈશું, આખરે દિયરવટાનો રિવાજ પાળવાનોને!

વિનીતને અનન્યાના સમણામાં ખોવાવાની તક મળે એ પહેલાં સુજલ દોડતો આવ્યો, ‘ભાઈ, મા કાતરિયે નથી.’

હેં!

€ € €

અરે, આ તો શારદાકાકી!

લઘરવઘર સ્ત્રીની ઓળખ સાંપડતાં અરેનનો ધ્રાસકો ઓછો થયો.

‘મને બપોરનું ભાણું આપવા આવેલા નોકર પર થાળીનો ઘા કરી મેં તેને ભડકાવ્યો એમાં તે દરવાજે આગળો મારવાનું ભૂલી ગયો... છટકવા માટે એ જરૂરી હતું. તારો જીવ બચાવવા એ જરૂરી હતું!’

તેમના શબ્દોમાં રઘવાટ છે, આંખોમાં ઝડપાઈ જવાનો ભય છે છતાં તેમની કટિબદ્ધતા એટલી જ નિ:શંક છે! પરંતુ મારા દુશ્મનોની પાગલ ઠરેલી મા મારા જીવ માટે આટલા ઉધામા શું કામ કરે? કે પછી આમાં વિનીત-સુજલની કોઈ ચાલ છે?

‘હું તારી વિરુદ્ધના કાવતરાની એકેએક કડી જાણું છું, અરેન...’ તેમના શબ્દોમાં પસ્તાવો વ્યક્ત થયો, ‘જેની શરૂઆત વિલ પર તારા પિતાના હસ્તાક્ષર છળપૂર્વક લેવાથી થઈ એ સફર અડવાણીની કતલનો પડાવ વળોટી તારી હત્યાના અંજામે આવી ઊભી છે. અલબત્ત, હું જાણું છું એની બીજા કોઈને જાણ નથી!’

હવેલીની સ્થાપત્ય વિશિષ્ટતાનો ઉલ્લેખ કરી તેમણે એકશ્વાસે કહેવા માંડ્યું : માત્ર મારા બે દીકરા જ નહીં, તારી પત્ની પણ આ કાવતરામાં સામેલ છે!

અરેન ખળભળી ઊઠ્યો.

‘અરેન...’ ભત્રીજાને કોઈ પણ ભોગે ઉગારવા શારદાબહેન મક્કમ હતાં, ‘મારો કોઢવાળો ચહેરો ભૂલી માત્ર મારી આંખોમાં જો. તારી માતાને યાદ કર, આજે યશોદાનું રૂપ લઈ હું તને ચેતવવા આવી છું એમ જાણી લે! બોલ, હવે દેખાય છે તારી મા?’

સમય જાણે થંભી ગયો. હવામાં શબ્દો ગુંજ્યા : ચંદા હૈ તૂ, મેરા સૂરજ હૈ તૂ...

અને અરેન તેમને વળગી પડ્યો : મા!

€ € €

‘મારું કાર્ય પૂરું થયું, બેટા, હવે પસ્તાવો પૂરો થવાનો હશે ત્યાં સુધી જીવીશ, પણ અહીં નહીં.’

અરેનના માથે હાથ ફેરવી શારદાબહેને વિદાય લીધી. મા ફરી દૂર થઈ હોય એવું અરેને અનુભવ્યું. ઘટ્ટ થતી સંધ્યાના અંધકારમાં તે ઓજલ થયાં ત્યાં સુધી અરેન તેમને તાકી ર?ાો. પછી તેમની ચરણરજ માથે ચડાવી : મા વતી આજે હું તમારા તમામ અપરાધને માફી આપું છું, કાકી!

બીજી ઘડીએ તેની આંખોમાં આતશ ભભૂકતો હતો : અનન્યા!

હવે સમજાય છે... દુબઈથી મને તેડાવતી માના દુશ્મન વિશેના વાક્યને હું ગલત સમજ્યો, મા-ઉર્વીના હત્યારાને ખતમ કરવાના ઝનૂનને અનન્યા કેમ વાર્યું ને કેમ મને અડવાણીની હત્યા માટે ઉશ્કેર્યો! કેટલી સાફ વાત હતી તોય મને કેમ કળાઈ નહીં? વિનીત-અડવાણી દમણમાં હોય ત્યારે જ અમે દમણ જઈએ, તેમની કાર પાર્ક થઈ હોય એ જ હોટેલ આગળથી પસાર થઈએ ને અમે અંદર પ્રવેશીએ ત્યારે જ વિનીત મારા કાને પડે એમ અડવાણીને ખરીદ્યાનો ખુલાસો કરે એ માત્ર જોગાનુજોગ ન જ હોય!

ઓહ, કાકીએ આજે મને ચેતવ્યો ન હોત તો? રાતે મારા હાર્ટફેલનો પ્લાન પણ કામિયાબ થઈ જાત!

પણ હવે એવું નહીં બને.

€ € €

અરેને દાળ-શાક રસોડાની ગટરમાં પધરાવી દીધાં.

‘અરે! આ શું કરો છો?’ અનન્યા ગિન્નાઈ. એક તરફ શારદાબહેનના છટકવાની તાણ હતી એમાં હવે અરેને પ્રેશરની દવા ભેળવેલી દાળ ઢોળી નાખી!

‘તું તો એવી ચિડાઈ અનન્યા, જાણે મેં અમૃત ફેંકી દીધું હોય!’ અરેને નજરોથી પત્નીને જકડી રાખી હતી.

(તમારા માટેનું ઝેર મારે મન અમૃત જ થયું, અરેન!)

‘ખાવાનું એટલા માટે ફગાવ્યું ડાર્લિંગ, કેમ કે...’ તેણે પ્લાસ્ટિકની થેલી ડાઇનિંગ ટેબલ પર મૂકી, ‘સ્ટેશનથી હું ખાસ વડાપાંઉ અને સમોસાં લઈ આવ્યો છું. તને બહુ

ભાવે છેને!’

તોયે અનન્યાનો મૂડ ઠીક ન થયો. પ્રેશરની દવા અરેનને કેમ પિવડાવવી એની ફિરાકમાં હતી તે.

‘તેં કદાચ ન્યુઝ વાંચ્યા હોય, અનન્યા... બે દિવસ પહેલાં વલસાડમાં વડાપાંઉ ખાનારને લકવો લાગી ગયો.’ વડાપાંઉનું બટકું ભરતી અનન્યાને ગળે ગૂંચળું વળતું લાગ્યું. અરેન આજે આમ કેમ વર્તે છે?

‘ખરેખર તો આડો સંબંધ ધરાવતી પત્નીએ વડામાં કશીક દવા ભેળવી પતિને પૅરૅલિસિસનો ભોગ બનાવ્યો.’

આડો સંબંધ! દવા! અનન્યા છટપટાવા માંડી.

નાઓ ધીસ ઇઝ ધ ટાઇમ. અને અરેને પાસો ફેંક્યો, ‘ધીસ ઇઝ નૉટ ફૅર અનન્યા. તેં મારાથી છાનું રાખ્યું?’

અરેનના અવાજની પીડાએ અનન્યાની બુદ્ધિ બહેર મારી ગઈ : શું અરેન સત્ય જાણી ગયા? ‘તને પ્રેશર હોવાનું તેં કેમ છુપાવ્યું? તારા પર્સમાં મેં બ્લડપ્રેશરની દવા જોઈ...’

ઓહ, આ તો કોથળામાંથી બિલાડું નીકળ્યુંના હાશકારામાં અનન્યાએ સાચું કહી દીધું, ‘જાવ જાવ હવે, પ્રેશરની દવા તો મેં કબાટના લૉકરમાં મૂકી છે...’

અને અરેનને પુરાવો મળી ગયો. પ્લેટ ફગાવી તે અનન્યા તરફ ધસ્યો, વાળ પકડી માથું ખેચ્યું, ‘યુ વિચ! મારા પરિવારને ડંખનારી નાગણ, વિનીત-સુજલ સાથે મળી તેં મને પ્યાદું બનાવ્યો? શારદાકાકી તમારો ભાંડો ફોડી ગયાં.’

ખલાસ!

€ € €

અપરાધ કબૂલી અનન્યાએ રડી, કરગરી, માફી માગી, પણ અરેન હૈયું પથ્થર બનાવી બેઠો હતો. પત્નીના ચહેરા પર ડૂચો મારી તેણે સિરિન્જ કાઢી, ‘અડવાણીની કતલ માટે થોડું રિસર્ચ મેં પણ કરેલું, ડાર્લિંગ. એ દરમ્યાન જાણવા મળેલી આ દવાનો એક જ ડોઝ તને પૅરૅલાઇઝ્ડ કરી નાખશે. સ્ટેશનથી માત્ર હું વડાપાંઉ નહોતો લાવ્યો. મેડિકલ સ્ટોરમાંથી તારી સજાનો સામાન પણ લેતો આવેલો.’

તેણે ઇન્જેક્શન ઘોંચી દીધું ને થોડી પળોમાં અનન્યાનાં અંગો જૂઠાં પડવા લાગ્યાં.

€ € €

મધરાતનો અતિથિ બની અરેન ચુપકેથી હવેલીમાં પ્રવેશ્યો. પ્રતિકાર કરવાનો મોકો મળે એ પહેલાં વિનીત-સુજલને ફટકાથી બેભાન કરી તેણે રાંધણગૅસનું રેગ્યુલેટર ખોલ્યું.

થોડી વાર શેરીમાં ‘આગ...આગ’ની બૂમ પડી. બે ભાઈઓ જીવતા ભૂંજાયા ત્યારે અરેન ત્યાં નહોતો!

€ € €

એ જ રાતે બોલી નહીં શકતી લકવાગ્રસ્ત પત્નીને નર્વિસ્ત્ર કરી અજાણ ગામની સરહદે ફેંકી અરેન અંધકારમાં અદૃશ્ય થઈ ગયો. પોતાનો આતશ ઠર્યાના સંતોષ સાથે! આજેય તે સ્ત્રીને ગામવાળા ગાંડી કહી પથ્થર મારે છે. અને હા, જે મિલકત માટે દાવપેચની રમત મંડાઈ એ આજેય બિનવારસ હાલતમાં છે!

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK