અન્ય ભાગ વાંચો
‘બહુ ઉમદા રાજવી હતા કનકસિંહજી...’ હરિપ્રસાદે સંભાર્યું, ‘મુંબઈ શિફ્ટ થયા પછી જોકે અહીંની પરિસ્થિતિનો ઝાઝો ખ્યાલ નથી, પરંતુ તેમનો દીકરો અર્ણવ મુંબઈ ભણે છે, જ્યારે મોટી દીકરીને લક્ષ્મણપુરના રાજપરિવારમાં પરણાવેલી એટલું યાદ છે.’
રૉયલ ફૅમિલીના ઉલ્લેખે કેતુ-તર્જનીને રાજમાતા સાંભર્યાં.
‘અરે વાહ, તમને તો રાજકુમારીના સાસરાનું નામ પણ યાદ છેને!’
‘એનું કારણ છે ચારુ,’ હરિપ્રસાદે સમજાવ્યું, ‘આપણો ધંધો રહ્યો પ્રૉપર્ટી લે-વેચનો. થોડાક મહિના અગાઉ, લક્ષ્મણપુરના રાજવી તરફથી તેમના મૅનેજર - નામ યાદ આવ્યું, બેનીસિંહે અમુક મિલકત વેચી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પણ પછી તે ફરક્યો નહીં ને આ બાજુ મહારાજા કનકસિંહને કૅન્સરનો વ્યાધિ વળગ્યો. એ અરસામાં મારેય બીજા સોદા પતાવવાના હતા એટલે આપણા તરફથીયે ફૉલો-અપ નહોતું થયું.’ તેમણે ઉમેર્યું, ‘કોઈ વાર પ્રૉપર્ટીનું ઍસેસમેન્ટ કઢાવવા ઉમરાવો આવો તુક્કો અજમાવતા હોય છે.’
અનાયાસ જ તર્જનીના શાર્પ દિમાગમાં બધો ડેટા જમા થતો હતો.
€ € €
આને કહેવાય તકદીર!
શુક્રવારની એ જ રાત્રે શિવગઢના મહેલમાં ઉદયસિંહે કાવતરાની ઉત્તેજના અનુભવી. પોતે રાજમાતાની કતલનું વિચારતો હતો ત્યાં મંગળની રાતે વિદિશાના આગમને બાજી પલટી નાખી. શરૂમાં ધ્રાસકો પડ્યો, દાસી ક્યાંક શુભાંગિનીનું પ્યાદું બની મારી કસોટી કરવા નથી આવીને એવોય વિચાર થયો, પણ ના, તે ખુદ મનમાં પાપ લઈને આવી હતી!
‘જેને તમે મારવા માગો છો તે રાજમાતા ખજાનાનું રહસ્ય જાણે છે...’ ધારણા બહારનું કહી વિદિશાએ તેને ચોંકાવી દીધેલો... ભીમસિંહના ખજાનાની ઊડતી વાતો સાંભળી હતી. સોદાની શરત જાણી દાસી પર ભરોસો ન મૂકવાનું કારણ ન રહ્યું : ખજાનાનો અડધો હિસ્સો મારો ને છોગામાં જોઈશે લક્ષ્મણપુરનું રાણીપદ! દાસીને પોતે રાણી બનાવવાનો જ નહોતો, છતાં મોં મલકાવેલું : ખજાનો મળ્યાં પછી મને શુભાની ગરજ નહીં રહે, તેને છૂટી કરી તને જ ઘરે બેસાડીશ,
મારી વહાલી!
પકડાવાની બીક ન હોત તો કદાચ ત્યાં જ બન્ને મર્યાદા ઓળંગી ચૂક્યાં હોત... પણ કામ સંભાળીને લેવાનું હતું. મર્ડરનો ઑર્ડર કૅન્સલ કરી ઉદયે બેનીસિંહને નવો આદેશ આપ્યો હતો : રાજમાતાને કિડનૅપ કરી આપણા મહેલના ભૂગર્ભ ખંડમાં પહોંચાડ અને હું કહું ત્યાં સુધી જીવતાં રાખ!
રાજમાતાના અપહરણનાં વમળ શમશે ત્યાં સુધીમાં તેમને ટૉર્ચર કરી હું ખજાનાનો ભેદ જાણી લઈશ!
વિદિશા ભલે વહેમમાં રહેતી કે હું તેને અડધો ભાગ આપીશ... પણ તેને મળશે ઠેંગો! રાજમાતાનું કાસળ કાઢ્યા પછી તેનું પત્તું સાફ કરતાં કેટલી વાર?
પૂરતી તપાસ પછી બેનીસિંહે નીવડેલા કિડનૅપરને હાયર કર્યો છે. બસ, કાલનું કિડનૅપિંગ હેમખેમ પાર પડવું જોઈએ!
€ € €
શનિવારની સવારે રાજમાતાના રૂમનો ફોન રણક્યો.
‘નમસ્કાર રાજમાતા. હું કલેક્ટર ઑફિસમાંથી બોલું છું.’ સામેથી પુરુષસ્વરમાં અદબભેર કહેવાયું, ‘આપના માટે કલેક્ટરસરનો સંદેશો છે. નહેરયોજના અંતર્ગત આપ પ્રધાનશ્રીને મળવા માગતાં હતાંને?’
‘જી, મારે તેમને કેટલાક સુધારા સૂચવવા છે, મેં આખો રર્પિોટ બનાવ્યો છે.’
‘કરેક્ટ. પ્રધાનજી આજે કિસનગઢમાં છે. આપ આવી શકો તો નિરાંતે વાતો થઈ શકશે એવો તેમનો મેસેજ છે.’
પ્રધાનસાહેબ સામેથી આટલું કહેવડાવે ત્યારે મના કેમ થાય! એમાં આ તો પાછી લોકકલ્યાણની યોજના! વળી કિસનગઢ શિવગઢથી નજીક છે એ બહાને અર્ણવ-શુભાને પણ મળી લેવાશે.
લાંબો વિચાર કરી રાજમાતા નીકળ્યાં તો ખરાં, પરંતુ જેમને મળવાનું હતું તે પ્રધાનજી તો ત્યારે દિલ્હીમાં બિરાજતા હતા!
€ € €
હિંમતગઢ-કિસનગઢ વચ્ચે રાણીની વાવ તરીકે ઓળખાતો નિર્જન વિસ્તાર છે. રાજમાતાની મર્સિડીઝ હંકારતા ડ્રાઇવર જોરુભાએ જોયું તો એક સ્ટેશનવૅગન ખોટકાયું હોય એમ રસ્તા વચ્ચે ઊભું હતું. તેણે કાર થંભાવી એવા જ આસપાસનાં ઝાડી-ઝાંખરાંમાંથી ચારેક આદમી પ્રગટ્યાં. દરેકના હાથમાં ગન જોઈ રાજમાતાનું હૈયું ધબકારો ચૂકી ગયું!
€ € €
ધૂળ ઉડાડતું સ્ટેશનવૅગન શિવગઢ-લક્ષ્મણપુરના રસ્તે પૂરપાટ જતું હતું.
‘કેવું બેફામ ચલાવે છે!’ તેમનાથી ઊલટી દિશા - હિંમતગઢ તરફ જતા અનિકેતે ટકોર કરી.
‘કેતુ, વેઇટ!’ અચાનક તર્જની ચિલ્લાઈ. થોડે દૂર એક કાર નહોતી ઊભી? એ મર્સિડીઝ હતી અને ઉપર હિંમતગઢનું રાજચિહ્ન હતું!’
તો તે એ રાજમાતાની કાર!
€ € €
‘એ... એ લોકો મને બેહોશ કરી રાજમાતાને લઈ ગયા...’ પાણી છાંટતાં હોંશમાં આવેલો જોરુભા ધ્રૂજતો હતો. તેનાં બંધન તર્જનીએ ખોલી નાખેલાં. કેતુની પૃચ્છામાં ચાર આદમી, સ્ટેશનવૅગનથી વિશેષ કશું કહી ન શક્યો બિચારો. જોકે રાજમાતાનાં સંતાન જેવાં કેતુ-તર્જની તેમને જરૂર શોધી કાઢવાનાં એટલી ખાતરી હતી!
€ € €
અનિકેતે ભયંકર સ્પીડમાં કાર ભગાવી. શિવગઢનો વળાંક મૂકી લક્ષ્મણપુર તરફ દોડતું સ્ટેશનવૅગન ટપકા જેવડું દેખાયું. કેતુનાં જડબાં તંગ થયાં. તર્જનીએ હોઠ પીસ્યા. પાછલી સીટ પર બેઠેલો જોરુભા સમજી ગયો કે હવે દુશ્મનની ખેર નથી!
€ € €
સ્ટેશનવૅગનના ડ્રાઇવરે બ્રેક મારી. શ્યામલ ગાળ બોલ્યો. આંખે પાટા, મોં પર પટ્ટી બાંધેલાં રાજમાતાને થયું, જરૂર કંઈક બન્યું છે!
સ્ટેશનવૅગનને ઓવરટેક કરી કેતુએ કાર અચાનક થંભાવતાં આમ બન્યું હતું. પાછી કાર એવી આડી ઊભી કે એના હટ્યાં વિના સ્ટેશનવૅગન આગળ જઈ ન શકે! આટલાં હૉર્ન મારીએ છીએ તોય હાલતો નથી!
‘અબે...’ અપશબ્દો ઓકતો શ્યામલ નીચે ઊતર્યો. ‘મર ગયા ક્યા!’
કેતુ-તર્જનીની નજર મળી, ‘આ જ આદમી ઑર્ડર છોડતો હતો,’ જોરૂભાએ લીડરને ઓળખી કાઢ્યો. શ્યામલ નજીક આવતાં જ કારનો દરવાજો ખોલી કેતુએ હડસેલો માર્યો, બહુ ખરાબ જગ્યાએ ખરાબ રીતે લાગ્યું શ્યામલને. બે પગ વચ્ચે હાથ દબાવતો તે રાડ પાડી ગયો. બીજી પળે કેતુએ તેને કબજે કર્યો. સ્ટેશનવૅગનમાં બેઠેલાને શું બન્યાનો અંદાજ આવે એ પહેલાં તર્જની ત્યાં દોડી ગઈ.
‘જીવ વહાલો હોય તો બંદીને હેમખેમ છોડી દે!’ કેતુએ ગન ટેકવતાં શ્યામલ ધ્રૂજી ઊઠ્યો. આસાન જણાયેલા અપહરણમાં આવો વળાંક તેણે કલ્પ્યો નહોતો! તેણે રાજમાતાને છોડ્યાં, જીવ કોને વહાલો નથી હોતો?
€ € €
‘અમે તમને સરપ્રાઇઝ આપવાનાં હતાં, રાજમાતા. નિયતિનો નિર્ધાર હવે સમજાયો!’ તર્જની ભાવથી બોલી, ‘અમારા આગમનથી તમે જ્ઞાત હોત તો હિંમતગઢથી તમે નીકળત નહીં ને તો કદાચ ગુનેગાર ફરી અપહરણ પ્લાન કરત ત્યારે તમને આમ બચાવવાનું ન થાત!’
‘મારી રક્ષા કાજે ઈશ્વરે બાળકોને મોકલ્યાં...’ રાજમાતા ગદ્ગદ બન્યાં.
‘પણ આ હિમાકત કરી કોણે?’ અનિકેત આક્રોશમાં હતો, ‘રાજમાતા, પોલીસને હવાલે થયેલા શ્યામલે કોઈ બેનીસિંહ નામના આદમીનો હવાલો આપ્યો.’
‘બેનીસિંહ! નામ જાણીતું છે.’ તર્જનીએ ચપટી વગાડી, ‘અરે હા, શિવગઢના રાજવી જમાઈના મૅનેજરનું નામ પણ બેનીસિંહ જને!’
રાજમાતા ખળભળી ઊઠ્યાં. મનમાં પડઘો પડ્યો : ઉદયસિંહ!
‘કરેક્ટ, તર્જની. થર્ડ ડિગ્રીથી ફફડતા શ્યામલે એ પણ કબૂલ્યું કે રાજમાતાને લક્ષ્મણપુરના પૅલેસના ભૂગર્ભ ખંડમાં કેદ કરવાનાં હતાં.’ કેતુએ સરવાળો કર્યો, ‘કનકસિંહના જમાઈ લક્ષ્મણપુરના જને!’
‘ગૉડ. એ આદમી રાજમાતાનું અપહરણ કરાવતો હોય, પ્રૉપર્ટી વેચવા માગતો હોય એનો અર્થ એ કે તેની કુંડળીમાં જરૂર કોઈ દોષ છે!’
‘ઉદયસિંહની આખી કુંડળી ઉખેળો, કેતુ-તર્જની... મારા માથે આવેલી જવાબદારી માટે એ પણ જરૂરી છે.’
રાજમાતા કહેતાં રહ્યાં, સમય સરકતો ગયો.
€ € €
‘તમે માનતા કેમ નથી, અર્ણવ! દીદી, વિશ્વાસ કરો.’ શનિની ઢળતી બપોરે અચાનક શિવગઢ આવી પહોંચેલી અદિતિએ બધાને ડઘાવી દીધેલા : રાજમાતા મીનળદેવીનું અપહરણ થવાનું છે! કાલે રાત્રે મેં સાંભળ્યું ત્યારે ક્લિક ન થયું. આજે અર્ણવે ફોન પર તેમનો નામ સાથે ઉલ્લેખ કર્યા પછી સ્ટ્રાઇક થઈ એટલે તો હું દોડી આવી.
રાજમાતાનો મોબાઇલ લાગતો નહોતો. હિંમતગઢથી કહેવાયું કે તેઓ પ્રધાનજીને મળવા કિસનગઢ ગયાં છે... પછી અદિતિની વાતનો વિશ્વાસ કેમ બેસે?
‘બહુ થયું છોકરી.’ ઉદયસિંહ મેદાનમાં આવ્યા. મીનળદેવીના કિડનૅપિંગનો ધડાકો કરનારી અદિતિ કાળ જેવી લાગતી હતી. કાન માંડી ઊભેલી વિદિશા પણ મનોમન તેને ભાંડતી હતી. અમે ખુશખબરની વાટ જોઈએ છીએ ત્યાં તું મોંકાણ જેવી ક્યાં ટપકી!
‘શુભા, રાજમાતાના અપહરણનો જૂઠો તુક્કો લડાવી આ છોકરી પોતાની યોગ્યતા સાબિત કરવા ઝંખે છે, પણ એમ તને ઘરની વહુ બનવાનો હક નહીં મળે!’ કહી અનાયાસે કડી આપી બેઠો ‘કે પછી તેં જ તેમનું અપહરણ પ્લાન કર્યું છે?’
‘મેં નહીં, બેનીસિંહ નામના માણસે...’ અને અદિતિને ઝબકારો થયો, ‘યસ, મેં પાકું સાંભળ્યું હતું તે આદમીનું નામ.’ અદિતિની છાતી હાંફતી હતી.
‘અદિતિ,’ શુભાની ભ્રમર તંગ થઈ, ‘શું બકે છે! બેનીસિંહ ઉદયના મૅનેજર છે...’
હેં! અદિતિનાં નેત્રો ચકળવકળ થયાં.
‘મહેરબાની કરી એવું ન કહીશ કે બેનીસિંહ પાછળ દોરીસંચાર ઉદયનો હતો!’
‘બિલકુલ સાચું કહ્યું તેં.’
બધાની ડોક અવાજની દિશામાં મરડાઈ. અરે, આ તો રાજમાતા સ્વયં! સાથે બે જુવાનિયા કોણ છે? કેતુ-તર્જની સાથે પ્રવેશતાં રાજમાતાને જોઈ ઉદય-વિદિશાની છાતીમાં ચિરાડ પડી. શું શ્યામલ ફેલ ગયો? અરેરે, શું બન્યું એ કહેવાને બદલે રાજમાતાએ સીધી જ વાત ઉપાડી લીધી, ‘બેનીસિંહ તો બિચારો હાથો બન્યો હતો - તારી આ દાસી વિદિશાનો!’
પગે સાપ વીંટળાયો હોય એમ વિદિશા ભડકી. ઉદયસિંહે માન્યું કે શ્યામલના બયાનથી બેનીસિંહ ગિરફ્તાર થયો હોય ને મને બચાવવા તેણે દાસીનું નામ આગળ ધરી નમકહલાલી દાખવી હોય! મારેય આ ક્લુને વળગી રહેવું જોઈએ.
‘શુભા, આઇ ઍમ સૉરી. બેનીસિંહ એક દાસીના મોહમાં...’ તે આટલું બોલે છે ત્યાં ચોટલો ઝાટકતી વિદિશા ધસમસતી આવી તમાચો ઠોકી દે છે, ‘લુચ્ચા લબાડ. સટ્ટામાં ખુવાર થયેલા ખજાનો મેળવવા કાવતરું તેં કર્યું ને ફસાવે છે મને એકલીને?’
ખલાસ!
€ € €
ચૈતાલી - ચિતરંજનને કામે લગાડી કેતુ-તર્જની કલાકમાં જાણી શકેલાં કે ઉદયસિંહ સટ્ટામાં ઘણું નુકસાન વેઢી ચૂક્યો છે. એ માટે જ તેણે પ્રૉપર્ટી વેચવાનું વિચાર્યું હશે. ત્યાં શ્વશુરની માંદગી, દેહાંતે વારસાઈની આશા જગાવી, એમાં મીનળદેવીની દરમ્યાનગીરી નડી!
‘પણ એવું હોય તો ઉદયે રાજમાતાને ખતમ કરવાનો ટૂંકો રસ્તો લેવો ઘટે, અપહરણની લાંબી રાહ શું કામ લીધી?’
‘એક શક્યતા છે, બેનીસિંહ તો બિચારો હાથો બન્યો હતો - રાજાનો ગુપ્ત ખજાનો! જેના વિશે એક દાસી જાણતી હોવાનું મારું અનુમાન છે. તે જો ઉદય સાથે મળી હોય તો...’
અને વિદિશા - ઉદયનું જોડાણ ખોલાવવાનો તેમનો પ્લાન કામિયાબ રહ્યો!
€ € €
ઉદય, વિદિશા, બેનીસિંહ ગિરફ્તાર થયાં.
‘દીદી, મને ક્ષમા કરશો...’ અદિતિ રડમસ હતી. પોતાનું આગમન દીનો સંસાર ભાંગશે એવું ક્યાં ધારેલું?
‘નહીં અદિતિ, ક્ષમા નહીં, ધન્યવાદ આપું છું. તેં મારી દ્વિધા મિટાવી.’ શુભા સ્વસ્થ હતી, ‘તેં તો મને બચાવી.’
‘મારા ખ્યાલથી છ માસની વિલની મુદતનો હવે અર્થ નથી.’ મીનળદેવીએ જાહેરાત કરી, ‘અદિતિએ પોતાની લાયકાત સાબિત કરી દીધી છે એમ શુભા અપરાધી માનસ ધરાવતા સાથીથી પણ મુક્તિ પામી છે... ભાઈસાહેબનો આદેશ સ્પષ્ટ છે. મિલકત ૬૦-૪૦ના હિસ્સામાં વહેંચાશે.’
પછી એકાંતમાં અર્ણવને ખજાનાનો નકશો સમજાવી ઉમેર્યું, ‘પૂર્વજોની ધરોહરની રક્ષા કરજો, એને લોકકલ્યાણમાં વાપરજો.’
શિવગઢના રાજપરિવારમાં ખુશહાલી વહેતી મૂકી રાજમાતા પરત થયાં ત્યારે તર્જની-કેતુ પણ તેમની જોડે હતાં, હિંમતગઢમાં વેકેશન માણવા થનગનતાં!
(સમાપ્ત)
TMKOC: ચર્ચામાં છે બબીતાજીની આ નવી તસવીર, સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો
22nd January, 2021 18:17 ISTHappy Birthday: લગ્ન બાદ આટલી બદલાઈ ગઈ છે Namrata Shirodkar, વાંચો
22nd January, 2021 17:01 ISTShare Market: Sensex 746 અંક તૂટ્યું, નિફ્ટી પણ ગબડ્યું, જાણો શું છે કારણ
22nd January, 2021 15:48 ISTRubina Dilaikની આ તસવીર જોઈને ફૅન્સ થયા હેરાન, ફોટો જોરદાર વાઈરલ
22nd January, 2021 14:50 IST