કથા-સપ્તાહ - વારસાઈ (વચન-વિશ્વાસ - ૪)

Published: 22nd November, 2012 05:55 IST

સવારે વિલ વંચાયા વેળાની મીનળદેવી વિશે મનમાં બળતી દાઝ અત્યારે રાત સુધીમાં ઘટ્ટ થઈ ચૂકી હતી.અન્ય ભાગ વાંચો

1  |   2  |  3  |  4  |  5  |


રાજમાતા!

સવારે વિલ વંચાયા વેળાની મીનળદેવી વિશે મનમાં બળતી દાઝ અત્યારે રાત સુધીમાં ઘટ્ટ થઈ ચૂકી હતી.

વિલમાં મીનળદેવીના ઉલ્લેખ પછી વધુમાં એટલું સ્પષ્ટ થયું કે શ્વશુરજીએ તેમને છ માસની મુદત આપી છે... વસિયત વંચાયાની તારીખથી છ મહિનામાં રાજમાતાએ અદિતિને પાસ કે ફેલ જાહેર કરવાની છે, અમારા સંસારની સર્જરી નિપટાવવાની છે! રાજમાતા અદિતિને અયોગ્ય ઠેરવે અને છતાં અર્ણવ તેને પરણવાની જીદ ન ત્યજે તો દીકરાને મિલકતમાંથી ખારેજ કરવાની આજ્ઞા વસિયતમાં હતી, એ કેસમાં સઘળી વારસાઈ શુભાને મળે!

અદિતિને રાજમાતા પાસ કરે છે તો શુભાનો હિસ્સો પચીસ ટકા, પણ જો શુભાના લગ્નજીવનમાં આફત ઘેરાઈ હોય તો તેને ચાલીસ ટકા ભાગ આપવાનું ચોખ્ખું લખાણ હતું અને રાજમાતા નિર્વિવાદપણે શ્વશુરજીનો ભરોસો યથાર્થ ઠેરવવાનાં!

- પણ ક્યાં ત્રણસો કરોડની કુલ મિલકત ને ક્યાં એનો અમુક ટકા હિસ્સો! એમાંય અદિતિને પાસ કરી તેમણે મને ફેલ કર્યો તો...

સમસમી ઊઠ્યો ઉદયસિંહ...

તે પોતે રાજવી હતો, ઐયાશી માણતો, ધનવૈભવને ઉડાવવાની ચીજ સમજતો. એમાં સટ્ટાની લતે ઘણો ઘસારો પહોંચાડ્યો હોવાની જોકે કોઈને જાણ નથી! એ દેવું ચૂકતે કરવા જાઉં તો પાસે મહેલ સિવાય કંઈ બચે નહીં! એટલે તો પત્નીની ગરજ હતી, વળી સાસરાના સંજોગો પણ ઊજળા હતા. મરણપથારીએ પડેલા કનકસિંહની વારસાઈમાંથી થોડું-ઘણું શુભાને મળવાનું, જે મારી લાઇફસ્ટાઇલને પોષી શકે! દબદબો અકબંધ રાખવાનો આ જ એક રસ્તો હતો, બાકી બીજા સંજોગોમાં પોતાને દાસી સાથે ભાળી જનારી પત્નીને તુમાખીભેર સંભાળી દીધું હોત કે ઐયાશપણું રાજાઓની વારસાઈ છે, એનો વાંધો ઉઠાવનારી ગમાર પત્નીનો મને ખપ નથી! પણ વખત વર્તી ગમ ખાવી પડી, શુભાને સાચવવી પડી. લેણદારો પણ આ એક જ આશાએ મોં બંધ રાખીને બેઠા છે, એમાં હવે છ માસની મુદત તેઓ સહન નહીં કરે! અડધા વરસમાં શુંનું શું થઈ જાય, કોણે ધાર્યું!

રૂમમાં આંટા મારતા ઉદયસિંહના ચિત્તમાં છેલ્લું વાક્ય પડઘો બની અકળાવા લાગ્યું. વસિયત લખાવતી વેળા, શ્વશુરજીએ કોઈનું અમંગળ ન જ ધાર્યું હોય, પણ મૃત્યુ તો ગમે તેને, ગમે ત્યારે આવી શકે! વારસાઈનો ફેંસલો કરનારાં રાજમાતા જ ન રહ્યાં તો?

સનસનાટી મચી ગઈ ઉદયસિંહની રગોમાં વસિયતમાં આવી કોઈ શક્યતાનો ઉલ્લેખ નથી. મારા ચારિત્રની દુહાઈ દેનારી શુભા બારડાન્સરને ઘરની વહુ બનાવવા કદાપિ રાજી ન થાય - મીનળદેવીની ગેરહયાતીમાં આ ફેંસલાનો હક શુભાને જ હોય - તો કહી શકાય કે અર્ણવે મિલકત પરનો દાવો ગુમાવવો પડે, જો મહોબત પામવી હોય!

રાજમાતાનું મૃત્યુ જ મારા માટે વરદાનરૂપ સાબિત થઈ શકે!

ઉદયસિંહના મનમાં ઠસી ગયું.

‘અર્ણવ, માણસ પારખવાની મારી સૂઝમાં મહારાજસાહેબે મૂકેલો વિશ્વાસ ઓછો નહીં ઠરવા દઉં...’ રાજકુમારને આશ્વસ્ત કરી મીનળદેવી અમારી તરફ ફરેલાં, ‘શુભા-જમાઈબાબુ, તમારી સમસ્યા હું નથી જાણતી, પરંતુ એટલું જાણું છું કે સહજીવનની કોઈ સમસ્યા એવી નથી હોતી જેને સંબંધમાં જોડાયેલી બે વ્યક્તિ મળી-સમજીને ઉકેલી ન શકે...’ વસિયતની ચર્ચાનું સમાપન કરતાં તેમણે કહેલું, ‘હું ઉતાવળે કોઈ નતીજા પર પહોંચવા માગતી નથી, છ મહિનાનો સમયગાળો પૂરતો થઈ રહેશે. ત્યાં સુધી ગિરીજાશંકરજી, કારોબારનો વહીવટ ચાલે છે એમ જ ચાલવા દો...’

રાજમાતા-વકીલસાહેબના નીકળ્યાં પછી શુભાની જેમ અર્ણવે પણ યકીન દાખવેલું : રાજમાતા કદી ખોટું થવા ન દે!

ત્યારે જન્મેલી સૂગ અત્યારે બમણી થઈ.

એટલું તો નક્કી કે રાજમાતા માત્ર અમારી જુબાનીને જ માત્ર લક્ષમાં નહીં રાખે... ચોકસાઈનાં આગ્રહી મીનળદેવી પોતાના સોર્સિસ થ્રુ પણ તપાસ કરાવશે જ!

ઉદયસિંહ થંભી ગયો : ક્યાંક તેમણે આ કામ કોઈ પ્રાઇવેટ ડિટેક્ટિવને સોંપ્યું તો!

આમાં અદિતિનો તો જે રિપોર્ટ મળવાનો હોય એ, પણ હું ચોક્કસ દેવાળિયો જાહેર થઈ જાઉં!

નહીં, આવું કંઈ પણ થાય એ પહેલાં મારે મીનળદેવી નામના કાંટાને ખેરવવો રહ્યો!

ઉદયસિંહના સોહમણા ચહેરા પર ઘાતકી ઇરાદાનું ખુન્નસ છવાઈ ગયું.

€ € €

ઉદયસિંહનું એક અનુમાન સાચું હતું. અદિતિની તપાસ માટે કેતુ-તર્જનીની મદદ લેવા ઇચ્છતાં રાજમાતાએ બીજી સવારે  ફોન જોડ્યો,

‘તર્જની, બહુ  બિઝી છે આજકાલ?’

પોતાનો આદેશ મળતાં જાસૂસજોડી બીજું બધું બાજુએ મૂકી દેશે એ જાણતાં રાજમાતા પહેલાં તેમની વ્યસ્તતા જાણી લેવા માગતાં હતાં : મારે એટલી અર્જન્સી પણ નથી! જ્યારે તર્જનીએ માન્યું કે રાજમાતા આડકતરી રીતે અમે હિંમતગઢ કેમ આવી નથી જતાં એમ પૂછી રહ્યાં છે...

‘તમે જાણો છો, રાજમાતા, કાલે લાભપાંચમના મુરતથી ઑફિસ ખૂલશે, રજાની આળસ ખંખેરી રૂટીનમાં આવતાં બીજા બે-ત્રણ દિવસ લાગશે...’ આવતા શુક્રવારે હરિપ્રસાદજીની ફૅમિલી સાથે તેમના ફાર્મહાઉસ પર રોકાઈ, શનિવારે અમે શિવગઢ થઈ હિંમતગઢ આવી રહ્યાંનો પાકો થયેલો પ્રોગ્રામ રાજમાતાને કહેવો નહોતો એટલે અધ્યાહાર રાખ્યું, ‘ત્યાર પછી અવકાશ મળતાં જ અમે તમારાં મહેમાન થવાનાં!’

‘ઠીક, તો-તો ત્યારે જ આપણે વિગતે વાતો કરીશું,’ રાજમાતાએ નર્ણિય લઈ લીધો : રૂબરૂમાં કહેવાની પણ ફાવટ રહેશે! અને એટલી ઉતાવળ પણ શું છે?

એમ તો શુક્ર-શનિના કેતુ-તર્જનીના પ્રોગ્રામ પાછળ નિયતિનો શું નિર્ધાર હતો એની કોને ખબર હતી?

€ € €

‘કાલે લાભપાંચમ પણ ગઈ, ઉદયસિંહ... હવે તમારે પણ પરત થવું જોઈએ. સાસરામાં ક્યાં સુધી રહેશો?’ બપોરની વેળા પતિની રૂમમાં જઈ શુભાએ પૂછ્યું.

‘એમ તો તારું પિયરમાં રહેવું પણ સારું નહીં લાગે... તારા વિના મારો રાજમહેલ સૂનો છે, શુભા, તને લીધા વિના હું કેમ જાઉં?’ ઉદયસિંહની લાગણીમાં સ્વાર્થ હતો. પોતાની ગેરહાજરીમાં ભાઈ-બહેન કોઈ સમજૂતી કરી લે તો? આદર્શવાદીઓનો ભરોસો નહીં! પાછી શુભા પોતાનું મન કળવા નથી દેતી. કદી કુમાશથી વર્તે છે તો કદી નિ:સ્પૃહતાથી!

રાજમાતાની સમજાવટ પછી શુભાને એટલું તો થયું કે સમસ્યા સાથે બેસીને સુલઝાવી શકાય, ઉદય સાચા હૃદયનો પસ્તાવો વ્યક્ત કરે તો પોતે તેની ભૂલ ભૂલી શકે... બીજો વિચાર એવો થાય કે પુરુષનો પસ્તાવો સાચો જ છે એમ કેમ માનવું!

‘મને થોડો સમય આપો...’ શુભાથી બોલી જવાયું.

‘તને જોઈતો સમય લે, શુભા...’ કહી ઉમેરી દીધું, ‘હું તારી સાથે જ છું.’

શુભાથી પતિને રવાના કરવાનો ફરી ફોર્સ ન થયો. આખરે, ઉદયને મારી ઝંખના હશે તો જ આટલું રોકાયાને!

શુભા ખંડમાંથી બહાર નીકળે એ પહેલાં દાસી વિદિશા ત્યાંથી સરકી ગઈ. કાન માંડવાની ટેવ (કે કુટેવ)ને કારણે તે ઉદય-શુભાંગિની વચ્ચેના વિખવાદના મૂળથી વાકેફ હતી, એ હિસાબે દાસી દક્ષા સાથે સુનારો ઉદયસિંહ ઈઝી ટાર્ગેટ ગણાય!

મહેલમાં કામ કરતાં તેની મહત્વાકાંક્ષા સળવળી હતી. રાજકુમાર અર્ણવ ભણવા કાજે મુંબઈ ન ગયો હોત તો વિદિશાએ કંઈ નહીં તો છેવટે યૌવનનું નજરાણું ધરી તેને વશ કરી લીધો હોત, ને મહેલની રાણી બની ગઈ હોત! એ થયું નહીં ત્યાં મહારાજ માંદા પડ્યા ને ભેગી અર્ણવની પ્રેમકહાણીની કાનાફૂસી ગાજી.

નિરાશ થતી વિદિશાને જૅકપૉટ લાગ્યો મીનળદેવીની મુલાકાતમાં! મહારાજે રાજમાતા જોડે એકાંત માગ્યું ત્યારે પોતે જ આગળ થઈ દૂર બેસવાની ડ્યુટી મેળવી લીધેલી. ત્યાં મીનળદેવીએ કમાડ બંધ કરતાં વિદિશા ચમકી. ના, મીનળદેવી જેવી બાઈ છાનગપતિયાં તો ન જ કરે... ચોક્કસ કોઈક ભેદી વાતની વહેંચણી થતી હોવી જોઈએ!

‘રાજમાતા, મારા પરદાદા ભીમસિંહજીએ અમૂલ્ય ખજાનો ભેગો કર્યાની કિંવદંતી ખરેખર તો હકીકત છે... અર્ણવ અદિતિની સોબતમાં ન હોત તો મેં તેને જ કહ્યું હોત, રાજવી પરંપરા તોડી એનો ગુપ્ત ભેદ તમને કહું છું...’

બારણે કાન માંડી વિદિશા આટલું જ સાંભળી શકી, મીનળદેવીએ મહારાજને ધીમા સ્વરે બોલવાની તાકીદ કરતાં બાકીનું કંઈ સાંભળી ન શકાયું, તેની ખીજમાં બેધ્યાની રહી ને પોતાની ટેવ રાજમાતાની આંખે ચડી ગઈ! વસિયત વાંચવા તે ફરી આવી ત્યારે એથી જ તો પોતે આઘેરી રહી!

છતાં આદત મુજબ વિદિશાનાં આંખ-કાન ખુલ્લાં હતાં. વિલની શરતોથી તે વાકેફ હતી. છ મહિનાની મુદત અને રાજમાતા - બન્ને ઉદયસિંહને ગમ્યાં નથી એવું તેનું તારણ સો ટચનું હતું.

અને આના આધારે જ આગળની બાજી રમવાની હતી!

€ € €

મંગળવારની એ જ રાત્રે, મહેલમાં સૌ જંપી ગયા હતા ત્યારે...

‘મોંમાગ્યા દામ આપીશ, બેનીસિંહ... પણ આગામી ૪૮ કલાકમાં રાજમાતાના રામ રમી જાય એવું ગોઠવ.’ ઉદયસિંહે કૉલ કટ કર્યો. બેનીસિંહ તેનો રહસ્યમંત્રી જેવો હતો.

એ જ વખતે કમાડ ઠોકાયાં. સાવધાનીથી ઉદયસિંહે અડધિયું ખોલ્યું.

સામે મહેલની દાસી વિદિશા હતી. તેની મુસ્કાનમાં પોતાનો ભેદ પામી ગયાનો મલકાટ ભાળી ઉદયસિંહના કાળજે ચીરો પડ્યો. પછી જે થયું એ તેની ધારણા બહારનું હતું!

€ € €

એક વધુ મહેફિલ ખતમ થઈ!

શુક્રવારની રાતે બારગર્લનાં ભડકીલાં વસ્ત્રો ઉતારી સાદો ડ્રેસ પહેરતી અદિતિએ રિસ્ટવૉચમાં જોયું તો ઘડિયાળનો કાંટો બાર વાગ્યાની સમયરેખા ઓળંગી ચૂક્યો હતો, એ હિસાબે ટેક્નિકલી શનિવારનો દહાડો શરૂ થઈ ગયો ગણાય!

પિતા હતા ત્યાં સુધી પરિવારને ઓથ હતી, અદિતિ મોંઘી કૉલેજમાં દાખલો લઈ શકી, પણ તેમના દેહાંતે હાલત વણસી. માની માંદગીએ આર્થિક સ્થિતિ સદંતર કથળી. માતાની સારવાર, નાનાં ભાઈ-બહેનોના ઉછેર માટે મહિને જેટલા રૂપિયાની જરૂર હતી એટલા બારબાળાના વ્યવસાયમાં જ મળી શકે એમ હતા. કુટુંબને સ્વમાનભેર જિવાડવાના ઝનૂનમાં અદિતિ બારમાં ગંધાતી બૂ, ગાળી-ગલોચ, બીભત્સ સંવાદો સહી ગઈ. કોઈ ગ્રાહક શરીરને અડવાનો થાય તો સાંખી લેતી નહીં, બારમાલિકને સ્પષ્ટ કહેલું : હું માત્ર નાચ જ બતાવીશ! જોડે બીજી બે-ચાર ગલ્ર્સ રહેતી. રાત્રે આઠથી બારની ડ્યુટી કડવા ઘૂંટની જેમ નિભાવી લેતી. જોગેશ્વરીના ઘરથી બારેક મિનિટના અંતરે આવેલા રમોલા બારમાં ફરજ પતાવી ચાલતાં પરત થવામાં હવે ભય રહેતો નહીં : દીદીના કામની નાનાં ભાઈ-બહેનને પૂરતી સમજ નહોતી, માએ શરૂમાં રડી-કરગરી દીકરીને બહુ વીનવેલી, પણ હવે તો તેય ટેવાઈ ગઈ છે.

અદિતિને ખરાબ લાગતું અર્ણવ માટે. તે પોતે તેને ચાહતી, બેસુમાર... છતાં તેની મદદ સ્વીકાર્ય નહોતી : આપણા પ્રેમમાં તમારો પૈસો આવે એવું હું નથી ઇચ્છતી!

કનકસિંહને કૅન્સર થયાનું જાણી તાતા હૉસ્પિટલમાં મળવા ગઈ અને ધાર્યા મુજબ તેમને મારા બારડાન્સર હોવાનો ખટકો નડ્યો! એક બાજુ તેમની રાજહઠ અને બીજી બાજુ અર્ણવનો વજ્ર જેવો નિર્ધાર : તારી પવિત્રતાનો હું સાક્ષી છું. આપણને કોઈ અલગ ન કરી શકે!

પિતાની ચાકરી માટે કૉલેજ છોડી અર્ણવ શિવગઢ ગયા, છતાં રાજાના અંત સુધી મતભેદનો અંત નહોતો આવ્યો! ઇચ્છવા છતાં કનકસિંહની અંતિમયાત્રામાં સામેલ નહોતું થવાયું. દુખદ પ્રસંગે મારી હાજરીએ તમાશો સર્જી દીધો તો? વસિયત વંચાઈ ત્યારે બેવડી જાણ થઈ કે મારી યોગ્યતાનો ફેંસલો રાજમાતા કરશે અને શુભાદીદીની મૅરેજલાઇફમાં પણ કશોક પ્રૉબ્લેમ છે! અર્ણવને જોકે રાજમાતા પર બહુ આસ્થા છે.

ખભે પર્સ લટકાવી અદિતિ રૂમમાંથી નીકળી. બારના પાર્કિંગમાં પહોંચી હશે કે - ‘ડોન્ટ વરી, બેનીસિંહ, કામ કો જાયેગા.’

વસતિહીન એરિયામાં ગણગણાટભર્યો સ્વર પણ અદિતિને સાફ સંભળાયો. અરે, આ તો શ્યામલ! સહેજ દૂર કારના બોનેટ પર ગોઠવાઈ મોબાઇલ ટૉક કરતા ત્રીસેક વરસના પુરુષને તે પીઠ પરથી ઓળખી ગઈ. બારમાં તરેહતરેહના આદમી આવતા. કાળા ધંધાવાળા વિશેષ. શ્યામલ કિડનૅપિંગમાં ઉસ્તાદ ગણાતો હોવાનું તે જાણતી.

‘મારા પ્લાનમાં કહેવાપણું નહીં હોય - કાલ સાંજ સુધીમાં મીનળદેવીને તેં ચીંધેલા ઠેકાણે પહોંચાડી દઈશ!’

ન સાંભળ્યું કરી અદિતિ આગળ વધી ગઈ. આવું તો ઘણું કાને પડતું રહેતું, પણ અહીં કામ સાથે કામ રાખવામાં જ સમજદારી છે એ ગુણ તે પચાવી ચૂકેલી.

મીનળદેવી એટલે જ રાજમાતા એવો ઝબકારો તેને ન થયો!

(આવતી કાલે સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK