કથા-સપ્તાહ - વારસાઈ (વચન-વિશ્વાસ - ૩)

Published: 21st November, 2012 06:27 IST

સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર હાજર થતાં પહેલાં પત્નીને રૂમમાં આંતરી ઉદયસિંહે અકળામણ જતાવી : સદ્ગત શ્વશુરજીના વિલવાંચનમાં તમારી-અર્ણવની ને બહુ-બહુ તો મારી હાજરી જરૂરી ગણાય, આમાં થર્ડ પર્સન જેવાં મીનળદેવીનું શું કામ?અન્ય ભાગ વાંચો

1  |   2  |  3  |  4  |


‘ધીસ ઇઝ ટૂ મચ, શુભાંગિની!’

સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર હાજર થતાં પહેલાં પત્નીને રૂમમાં આંતરી ઉદયસિંહે અકળામણ જતાવી : સદ્ગત શ્વશુરજીના વિલવાંચનમાં તમારી-અર્ણવની ને બહુ-બહુ તો મારી હાજરી જરૂરી ગણાય, આમાં થર્ડ પર્સન જેવાં મીનળદેવીનું શું કામ?

‘ટૂ મચ હોય કે થ્રી મચ,

ડૅડીએ રાજમાતાની મોજૂદગી માટે ઇન્સિસ્ટ કરેલું એટલે આપણે શરત પાળવી રહી!’

(શરત, રામ જાણે, ડોસાએ વિલમાં બીજી શું-શું કન્ડિશન્સ રાખી હશે!)

‘બાકી રાજમાતા વિશે ગમે-તેમ ધારશો કે બોલશો નહીં.’ શુભાંગિનીએ ઊંડો શ્વાસ લીધો, ‘પિતાજીના ગયાનું સાચું દુ:ખ જે થોડા-ઘણાને છે એમાં તેઓ એક છે. મગરનાં આંસુ સારતાં તેમને નથી આવડતું.’

‘એટલે શું હું મગરનાં...

શુભા, હાઉ કૅન યુ સે ધૅટ!’ શુભાનો હાથ પકડી ઉદયસિંહે ઝંઝેડી, ‘તને થયું છે શું?’

‘કેમ જાણે, તમે જાણતા જ નથી!’ શુભાંગિનીને થયું, છૂપાછૂપીનો ખેલ બંધ કરી હવે ભીતરનાં દ્વાર ખોલી દેવાં ઘટે, ‘વાતને હજી છ મહિનાથી વધુ સમય નથી થયો, છતાં ભૂલી ગયા હો તો યાદ અપાવી દઉં... ઉનાળાના ઢળતા દિવસો હતા, હું તાવમાં પટકાયેલી.’

આટલું સાંભળતાં જ ઉદયસિંહનો ચહેરો ફિક્કો પડ્યો. આમ તો પત્ની જાણી ગઈ હોવાનો અડસટ્ટો પતિને હતો, પોતે માહિતગાર હોવાનું પતિ જાણી ચૂક્યા છે એમ પત્નીયે માનતી હતી, પણ ખુલ્લા શબ્દોનો એકરાર અત્યારે થતો હતો.

‘રવિવારની એ બપોરે મારી આંખ ઊઘડી ત્યારે તમે રૂમમાં નહોતા, મારી ચાકરી કરતી દાસી દક્ષાનેય ન ભાળી પાણી લેવા માટે ઊઠવું પડ્યું... પણ હાય રે, પાણીનો જગ ખાલી!’

શુભાંગિનીના બોલ સાથે ઉદયસિંહના મનોમસ્તિષ્કમાં દૃશ્ય સાકાર થતું હતું.

‘તરસ તીવ્ર હતી. અશક્તિ વર્તાતી હોવા છતાં કમાડ ઉઘાડી હું મેડીનાં પગથિયાં તરફ વળી કે દબાયેલું હાસ્ય સંભળાયું... પાછળ પુરુષના ઉદ્ગાર : રાણી તો નામની, મારા રુદિયા પર તો તારું જ રાજ ચાલે છે, પ્રિયે!’

કહેતાં હાંફી ગઈ શુભાંગિની.

‘મદ ઘૂંટતો અવાજ હતો તમારો, ને હાસ્ય વેરનારી હતી દાસી દક્ષા!’

ઉદયસિંહની ગરદન ઝૂકી ગઈ. અનંગના આવેગમાં કમાડે ચાપડો ન દેવાની ભૂલ ભારે પડી. શરૂમાં પોતે માનેલું કે બીમારીવશ શુભાંગિની મૂડલેસ રહેતી હશે, પણ શ્વશુરજીની સેવામાં પૅલેસથી નીકળતાં પહેલાં તે દક્ષાને પાણીચું આપવાનું નહોતી ભૂલી... રડતી-કકળતી દક્ષા મારી પાસે આવી, મેં જઈ દાસીનો બચાવ કરતાં વેધક નજરે મને નિહાળી શુભા બોલી હતી - તમને હજીયે ધરવ ન થયો હોય તો ભલેને આખી જિંદગી રાખો!

સાંભળીને સડક થઈ ગયેલો ઉદયસિંહ, પરંતુ પત્નીની ગરજ હતી એટલે દાસીને પટાવી લીધેલી : કામ પરથી ભલે છૂટી થા, મારી સેવા તારે ચાલુ રાખવાની ને તને મેવા હું આપતો રહીશ!

શુભાને આ ગોઠવણની તો જાણ નહીં જ હોય!

‘તમને મારાથી ચડિયાતી એક દાસી લાગી? તમારી રંગીન તબિયતનો આ પહેલો ને છેલ્લો કિસ્સો તો ન જ હોય!’ શુભાની નજરમાંથી ઘૃણા ટપકી.

પિતાની દેખરેખ માટે પિયર આવેલી પત્નીએ પરત થવાનું ટાળવા માંડ્યું એનાથી તેના માનસનો અંદાજ તો હતો જ, પોતે કનકસિંહની તબિયત પૂછવા આવ્યો ત્યારે રાતવાસોય નહોતો કરવા દીધો શુભાએ!

શક્ય છે આટલા દિવસોમાં છૂટા થવાનો નિર્ણય તેના ચિત્તમાં ઘૂંટાઈ ચૂક્યો હોય... પિતાના કૅન્સર, દેહાંત અને પછી ક્રિયાપાણીના ગાળામાં જેને વાચા આપી ન શકાઈ એ ફેંસલો શુભાંગિની જાહેર કરી દે એ પહેલાં તેને રોકવી રહી, મનાવવી રહી! એટલે તો પોતે શ્વશુરજીના સ્વર્ગવાસના ખબર સાંભળી દોડી આવેલો, ઉત્તરક્રિયામાં આગળ પડતાં રહી ફૅમિલીનો જ હિસ્સો હોવાનું જતાવતો રહેલો... હા, શુભાની નજીક જવાની હામ ન થતી, પણ તેને તો મૃત્યુના મલાજા તરીકે ગણી લેવાય. અમારા સંબંધની બાંધી મુઠ્ઠી મારે અકબંધ રાખવી રહી, કારણ કે...

‘તમે જ કહો ઉદયસિંહ...’ ભાગ્યે જ પતિને નામથી બોલાવતી શુભાંગિનીએ તીક્ષ્ણ દૃષ્ટિપાત કર્યો, ‘જે સંબંધમાં વફાદારી ન હોય, એને નિભાવવામાં સમજદારી કેટલી?’

‘શુભા, તું ઉતાવળી ન થા. મને એક તક આપ,’ પછી દાસીને ગાળ દીધી, ‘કમબખ્ત દક્ષા. તેણે મને ફસાવ્યો. કેટલીક સ્ત્રીઓ હોય છે જ એવી. જોને, પેલી બારડાન્સર અદિતિએ આપણા અર્ણવને મોહપાશમાં વીંટ્યો જ છેને!’

શુભાંગિનીએ હોઠ કરડ્યો. ભાઈનો કિસ્સો આગળ કરી ઉદય મારો ફેંસલો બદલાવવા ઇચ્છે છે?

અર્ણવની પ્રેમકહાણી રાજમહેલમાં છાની નહોતી. શુભાંગિની પિતાની જીદ અને ભાઈની મક્કમતા - બન્નેની સાક્ષી રહી છે. જોકે તે પોતાના સંસારની સમસ્યામાં એટલી ગૂંચવાયેલી કે કશો માર્ગ કાઢવાને બદલે એ મુદ્દો જ ટાળી જતી... પિતાના અવસાન પછી અર્ણવે કહેલું : પરિવારનાં વડીલ હવે તમે છો, દીદી, અદિતિ બાબત તમારી આજ્ઞા શું છે?

શુભાંગિનીને અર્ણવની સૂઝ પર ભરોસો હતો. તેણે પસંદ કરેલું પાત્ર માત્ર એક વ્યવસાયને કારણે ન જ નકારાય, એમ વહુને આવકારવાનો સદ્ગત પિતાનો વિરોધ પણ કેમ વીસરાય! અંતિમ નિષ્કર્ષે પહોંચતાં પહેલાં મારે એક વાર અદિતિને રૂબરૂ મળવું ઘટે, મીનળદેવી જેવાં વડીલની સલાહ લેવી જોઈએ... અને આ બધું પિતાની વરસી પત્યા પછી જ થઈ શકે! વિલવાંચન સાથે આજે અર્ણવને પોતે આપેલી મુદતનો અંત લાવવાનો હતો, ત્યારે ઉદય પણ એનો જ હવાલો આપે એ કેવું! એક રીતે અર્ણવે ઉદયસિંહ સાથે વડીલ તરીકેનું અંતર જાળવ્યું એ હિતકારક છે, નહીંતર દોસ્તીદાવે ઉદય ન જાણે તેને શી-શી પટ્ટી પઢાવત!

‘શુભા, મારો દોષ હું સ્વીકારું છું, પણ એની સજા...’  ઉદયસિંહ હજી તો આટલું કહે છે ત્યાં ઘડિયાળમાં જોતી શુભાંગિનીએ ઉતાવળ દર્શાવી, ‘પોણાદસ થવાના... વકીલઅંકલ, રાજમાતા આવતાં જ હશે...’

ઉદયસિંહને ટાળી પોતે ડિવૉર્સનો ફેંસલો ટાળવા માગે છે કે શું એ તો શુભાંગિનીને પણ સમજાયું નહીં!

€ € €

‘રાજમાતા, આપની આજ્ઞા હોય તો હું વિલવાંચન શરૂ કરું.’

આંખે ચશ્માં ચડાવી વકીલ ગિરીજાશંકરે અનુમતિ માગતાં શિવગઢના રાજમહેલના ભવ્ય મીટિંગહૉલમાં હાજર તમામની નજર મીનળદેવી પર ખોડાઈ.

બરાબર દસના ટકોરે આવી પહોંચેલાં રાજમાતાએ પાંચ-દસ મિનિટ અર્ણવ-શુભાંગિની સાથે ગાળી મરણોત્તર વિધિ બરાબર પતી ગઈને જેવી ચર્ચા કરી ત્યાં સુધીમાં ગિરીજાશંકરને દોરતો ઉદયસિંહ પ્રવેશેલો. જમાઈબાબુની વસિયત વિશેની ઉત્સુકતા છાની નથી રહેતી! - મીનળદેવીએ નોંધ્યું.

‘હિઝ હાઇનેસ કનકસિંહજી જોડે મારે ત્રીસ વરસના વ્યાવસાયિક સંબંધ રહ્યા...’ ગિરીજાશંકરે સદ્ગતને સંભારી રાજમાતાનું અભિવાદન કર્યું હતું, ‘આપના વિશે ઘણું સાંભળ્યું છે, અમારા મહારાજ તો આપને જગદંબાનો અવતાર કહેતા! અવસાનના પખવાડિયા અગાઉ તેમણે મને વિલ તૈયાર કરવા બોલાવ્યો ત્યારે ખૂબ માનપૂર્વક આપને યાદ કરેલાં. બસ, એ અમારી છેલ્લી મુલાકાત.’

દરમ્યાન કેસરિયા દૂધના પ્યાલા લઈ પ્રવેશતી દાસીને જોતાં મીનળદેવીની ભ્રૂકુટિ તંગ થઈ હતી : આ તો પેલી વિદિશા!

રાજમાતાની નજરમાં સપડાવું ન હોય એમ ત્વરિત તે સરકી ગયેલી, પરંતુ પોતે ગાફેલ રહેવા માગતાં નહોતાં : અર્ણવ-શુભા, તમારા પિતાજીની અંતિમ ઇચ્છા કોઈ બહારની વ્યક્તિના કાને ન પડવી જોઈએ, એટલું જોજો.

તેમની તકેદારીએ ઉદયસિંહ મનોમન ગિન્નાયો હતો : ક્યાંક આ ડોસી મને તો બહારવાળામાં નથી ગણાવતીને! રાજમાતા પ્રત્યે દ્વેષ ઘૂંટાયો. શુભાંગિની એ જ વિચારે ભીતરમાં ચોંકેલી : શું રાજમાતા પતિ-પત્ની વચ્ચેનું અંતર પામી ગયાં? જ્યારે અર્ણવે વિચાર્યું, આઉટસાઇડરમાં તો ડૅડી અદિતિને ગણતા!

અદિતિને તે ચાહતો. રૉયલ ફૅમિલીનો શાહજાદો હોવા છતાં અર્ણવ અભિમાની કે ઉછાંછળો નહોતો, વિપરીત પરિસ્થિતિમાં ભાંગી ન પડવાનો અદિતિનો પોટેન્શયલ તેને સ્પર્શી ગયેલો, પાત્રપસંદગીમાં પોતે થાપ નથી ખાધી એવું તે દૃઢપણે માનતો. પ્રણયને કાજે રાજપાટ છોડવાનીયે તેની તૈયારી હતી... હવે જોઈએ, ડૅડીએ વિલમાં શું આજ્ઞા આપી છે!

પત્ની કે સાળો હલ્યાં નહીં એટલે ઉદયસિંહ જાતે હૉલનાં દ્વાર વાસી આવ્યો : લ્યો, હવે આપણા પાંચ સિવાય સાંભળનારું છઠ્ઠું કોઈ નથી!

અને શરૂઆત કરતાં પહેલાં વકીલસાહેબે રાજમાતાની મંજૂરી માગતાં તેમની અગત્ય પુરવાર થઈ. ગિરીજાશંકરે મીનળદેવીની હાજરીનો આગ્રહ શું કામ રાખ્યો એ હવે સમજાશે!

‘મારી આજ્ઞા હોય જ, ગિરીજાશંકરજી, છતાં એટલું માની લઉં કે જે વિલનું વાંચન તમે કરવાના છો એ વિશે આ પળે અમારામાંથી કોઈ કશું જાણતું નથી.’

‘જી, બિલકુલ, રાજમાતા.’

‘અને હું એમ પણ માની લઉં કે પ્રસ્તુત વિલને સ્વર્ગસ્થની અંતિમ ઇચ્છા સમજી સૌ શિરોમાન્ય ગણશે.’

અર્ણવ-શુભાએ મૂક સંમતિ દર્શાવી. ઉદયસિંહે મલાવો કર્યો, ‘શ્વશુરજી ડહાપણભર્યા આદમી હતા, તેમની ઇચ્છા અવગણવા જેવી હોય પણ નહીંને!

‘એ તો હમણાં ખબર પડી જશે...’ ગળું ખંખેરી ગિરીજાશંકરે ટિપાઈ પર પડેલી પોતાની બ્રીફકેસમાંથી બ્લૅક ફોલ્ડર કાઢ્યું, એમાં ફાઇલ કરેલો દસ્તાવેજ સો રૂપિયાના સ્ટૅમ્પપેપર પર ટાઇપ થયો હોવાનું લગભગ સૌએ જોયું.

‘આથી હું નીચે સહી કરનાર...’ ગિરીજાશંકરે ધીમા, છતાં સ્પષ્ટ અવાજે પઠન શરૂ કર્યું. કોઈ પણ બળજબરી વિના, પૂરી સાનભાનમાં હું મારી વસિયત લખાવી રહ્યો છું એ મતલબનાં વાક્યો પછી તેમની સ્થાવર જંગમ મિલકતની યાદી હતી, જેની અંદાજિત કિંમત આશરે ત્રણસો કરોડ રૂપિયા જેટલી હોવાના અનુમાને ઉદયસિંહની આંખો સહેજ પહોળી થઈ, જ્યારે અર્ણવ-શુભાંગિનીએ સ્થિતપ્રજ્ઞતા જાળવી.

‘હું ઇચ્છું છું કે કુલ રકમના દસ ટકા જેટલો હિસ્સો મારી પત્નીના નામે ચૅરિટીમાં વપરાય, અર્ણવ-શુભાંગિની સાથે મળીને આનો નિર્ણય લેશે તો મને ગમશે.’

શ્વશુરજીની પહેલી ઇચ્છા જ ઉદયસિંહને કડવી બદામ જેવી લાગી.

‘મારા વંશજ મારી આંખોના નૂર જેવા છે, ખડેપગે મારી સેવા કરી તેમણે સંતાનધર્મ અદા કર્યો છે... મારું બધું તેમનું જ હોય, પરંતુ આ પળે હું મિલકતના વધેલા નેવું ટકાની વહેંચણી કરવા નથી માગતો...’

એટલે? જવાબ તરત મળ્યો,

‘એનું કારણ છે. અર્ણવે લગ્ન માટે પસંદ કરેલા પાત્ર સામે મારો વિરોધ છે, એમ શુભાંગિનીના સંસારમાં કશુંક મનદુ:ખ હોવાનું તેણે કહ્યું ન હોવા છતાં મને પરખાયું છે...’

દીનું દુખડુ અર્ણવ માટે નવી વાત હતી, મંગળસૂત્ર રમાડતી શુભાએ નજર ઝુકાવી, ઉદયસિંહ આંચકો છુપાવી ન શક્યો, મીનળદેવી ડઘાયાં નહીં એની બેવડી દાઝ થઈ : દોઢડાહ્યા શ્વશુરજીની જેમ આ ડોસી પણ પેટની ઊંડી જણાય છે! ખેર, અત્યારે આનાકાની કરવી નથી, પહેલાં વિલ પૂરું વંચાઈ જવા દે.

‘એક બાજુ અર્ણવની મક્કમતા મને મારો વિરોધ મોળો હોવાની શંકા જન્માવે છે, બીજી બાજુ દીકરીના ભવિષ્યની ચિંતા અકળાવે છે. આ સ્થિતિમાં વારસાઈની વહેંચણીને બદલે મને એક નવતર વિકલ્પ સૂઝ્યો છે.’ ગિરીજાશંકરે ઊડતી નજરે બધાની ઉત્કંઠા નોંધી આગળ વાંચ્યું, ‘અર્ણવ જો અદિતિને પરણવા અડગ જ હોય તો તે છોકરીની યોગ્યતા નક્કી કરવા અને મારી લાડલી શુભાના સંસારની સમસ્યા - જો હોય તો - હું સમાધાન આણવાની જવાબદારી હું એક એવી વ્યક્તિને સોંપવા માગું છું, જેની નિષ્પક્ષતા, સૂઝ અને હોશિયારીમાં મને દૃઢ આસ્થા છે.’

એ નામ કલ્પવા ઑક્સફર્ડની ડિગ્રીની જરૂર નહોતી. ‘અને તે વ્યક્તિ છે હિંમતગઢનાં રાજમાતા અને શિવગઢનાં સદૈવ હિતેચ્છુ એવાં મીનળદેવી!’

પળ-બે પળ સ્તબ્ધતા છવાઈ ગઈ.

‘મહારાજાસાહેબે સોંપેલી જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ.’ સંકલ્પ ઘૂંટતાં મીનળદેવીએ બાકીનું મનોમન ઉચ્ચાર્યું : ખજાનાની રાઝદાર બનાવ્યા પછી તમે સંતાનોના સુખની સોંપણી પણ મને કરતા ગયા, ભાઈસાહેબ! પણ નચિંત રહેજો, તમારો ભરોસો હું તૂટવા નહીં દઉં, અર્ણવ-શુભાનું અહિત થવા નહીં દઉં...

ભાઈ-બહેને પિતાના નિર્ણયને આવકાર્યો. એકમાત્ર ઉદયસિંહને રાજમાતા પોતાને મળવાના થતા દલ્લા પર અડિંગો જમાવી બેઠેલી સાપણ જેવાં લાગ્યાં!

(ક્રમશ:)


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK