કથા-સપ્તાહ - વારસાઈ (વચન-વિશ્વાસ - ૨)

Published: 20th November, 2012 06:03 IST

શિવગઢ રિયાસત હિંમતગઢ જેટલી મોટી ન ગણાય, પરંતુ બન્નેનાં રાજવી કુટુંબો વચ્ચે પેઢીઓથી સુમેળભર્યા સંબંધ રહ્યા છે.
અન્ય ભાગ વાંચો

1  |   2  |  |
પતિના દેહાંત પછી મીનળદેવીએ જાગીરનાં કામો સંભાળ્યાં એ અમુક રૂઢિચુસ્ત રાજપૂત રાજાઓને નહોતું ગમ્યું. પાછળથી જોકે તેમણે નારીશક્તિને બિરદાવવી જ પડી. જ્યારે શિવગઢના મહારાજ કનકસિંહ જાડેજા કટોકટીમાં પણ હિંમતગઢના શુભ ચિંતક તરીકે અડગ રહેલા. દસેક વરસ અગાઉ મહારાણી શીલાદેવીનું નિધન થયું ત્યાં સુધી વાર-તહેવારે મીનળદેવીનું આવાગમન થતું, પછીથી સ્વાભાવિકપણે એમાં ઓટ આવી, છતાં સંબંધની સુવાસ ઓસરી નહોતી.

ચારેક મહિના અગાઉ કનકસિંહને કૅન્સર હોવાની જાણ થતાં મીનળદેવી શિવગઢ દોડી ગયેલાં.

‘કૅન્સર થર્ડ સ્ટેજમાં છે, ભાભીજી, બચવાની કોઈ ઉમ્મીદ નથી.’

કૃશકાય થઈ ગયેલા કનકસિંહ નિરાશ જણાયા.

‘આમ નાસીપાસ થયે નહીં ચાલે, ભાઈસાહેબ, હજી તો દીકરો પરણાવવાનો છે. જાણો છોને, શીલાભાભીને વહુ આણવાની કેટલી હોંશ હતી!’

મહારાજના અંગત ખંડમાં ત્રીજું કોઈ નહોતું. પરપુરુષ જોડે એકાંતમાં ન બેસાય એ નિયમનો ખ્યાલ કરી મીનળદેવીએ દ્વાર ખુલ્લાં રખાવી શ્રવણમર્યાદા બહાર એક દાસીને બેસાડી હતી.

જોકે પોતે ખબર પૂછવા આવ્યાં એમાં દીકરા-દીકરીને બહાર મોકલી મહારાજે એકાંતનો આગ્રહ શું કામ રાખ્યો એ સમજાયું નહોતું. કદાચ અંત સમયનું દુખડું રડવું હશે. કે પછી કોઈ ગુપ્ત ભેદ કહેવો હોય! કનકસિંહના પરદાદા ભીમસિંહે અમૂલ્ય હીરા-પન્નાનો ખજાનો મેળવ્યો હોવાની કિંવદંતી હતી, જે સાચી પણ હોય! બીજી પળે આવા તુક્કા બદલ મીનળદેવીએ જાતને ટપારેલી : મને શેખચલ્લી બનવું શોભે નહીં. મારા આગમનનો હેતુ માત્ર મહારાજની હિંમત બંધાવવાનો જ હોવો જોઈએ!

‘માણસને હોંશ તો ઘણી વાતોની હોય, એ બધી પૂરી થાય તો-તો ભગવાનને કોઈ ગણે જ નહીં!’

વળી પાછી નકારાત્મકતા. બીમારીવશ કનકસિંહ હતોત્સાહ છે કે પછી...

‘ભાભીજી, સારું થયું તમે આવ્યાં. હૈયું હળવું કરવાની મને તક મળી.’

‘તો ઠાલવી દો તમારી વ્યથા, ભાઈસાહેબ, તમારા આદેશે અર્ણવ-શુભાંગિની અહીંથી નીકળી ગયાં છે. આપણા બે સિવાય ત્રીજું કોઈ નથી.’

તોય કનકસિંહની વાચા ન ખૂલી. સહેજ ભીની આંખે છતને તાકતાં તેઓ કદાચ વિચારતા હશે : શું કહેવું, કેટલું કહેવું.

‘આમ જુઓ તો તમારે ચિંતાનું કોઈ કારણ નથી,’ પેશન્ટની દુખતી રગ પકડવા માગતાં હોય એમ મીનળદેવીએ કહેવા માંડ્યું, ‘આઝાદી પછી ઘણા રાજાઓ ખલાસ થઈ ગયા, પણ તમારી સૂઝથી આર્થિક સંકટ નડ્યું નથી. મહેલને હોટેલમાં ફેરવવાની નોબત આવી નથી...’

ઊજળી આર્થિક બાજુ દર્શાવી તેમણે બીજું ડગ ભર્યું.

‘શીલાભાભીની કમી તમને સાલતી હશે, પણ એનો કોઈ ઉપાય નથી! ઈશ્વર એક હાથે લે છે તો બીજા હાથે આપે પણ છે એ કેમ ભૂલો છો?’ કહી ઉમેર્યું, ‘તમારા સંસારના સારસમાં બે સંતાન છે. મોટી શુભાંગિની રજવાડી સાસરે સુખી છે, દીકરો અર્ણવ મુંબઈમાં એન્જિનિયરિંગનું ભણે છે એવું હમણાં તેણે જ મને કહ્યું.’

કનકસિંહ ફિક્કું મલક્યા.

દીકરીની ચિંતા તમને હોઈ ન શકે. લક્ષ્મણપુર રિયાસતના ધણી નરેશકુમારની કેટલી પ્રતિષ્ઠા છે. તેઓ આજે ભલે હયાત ન હોય, પૂર્વજોનાં પુણ્યો પેઢી દર પેઢી પહોંચતાં હોય છે. તેમના એકમાત્ર પુત્ર અને આપના જમાઈરાજ એવા ઉદયસિંહનો જોકે મને ઝાઝો પરિચય નથી. શુભાંગિનીનાં લગ્ન સમયે અલપઝલપ જોયેલા, પરંતુ બન્નેની જોડી જુગતે જામતી હતી એ ચોક્કસ. બે વરસના સહજીવનમાં શુભાંગિની સુખના હિંડોળે ઝૂલી હશે એવી મને આશા છે.’

કનકસિંહની મુસ્કાનમાં આછી કડવાશ હતી.

‘રહ્યો અર્ણવ. ભાઈસાહેબ, તમારો જીવ દીકરામાં અટવાયો હોય તો વચન આપું છું. તેને થાળે હું પાડીશ. ખાનદાનને શોભે એવી કન્યા જોડે તેનાં લગ્ન હું લેવડાવીશ.’

મીનળદેવીના સંકલ્પમાં જવાબદારી ઉઠાવવાની દૃઢતા હતી.

‘તમારા ઇરાદામાં સંશય નથી ભાભીજી... તમે તો જગદંબાનો અવતાર છો.’

મીનળદેવી કદી પ્રશંસાનો ખુમાર રાખતાં નહીં.

‘અર્ણવનાં લગ્ન માટે ખાનદાનને શોભે એવી કન્યા જોઈએ એવો વિચાર તમને આવ્યો, ભાભીજી, પણ મારો દીકરો એ નહીં સ્વીકારે.’

મીનળદેવી એકાગ્ર બન્યાં. પડદો ઊંચકાઈ રહ્યો હતો.

‘કેમ કે મુંબઈ જઈ અર્ણવ માત્ર ભણવાનું નથી શીખ્યો. નાચનારીના પ્રેમમાં પડવાનું પણ શીખી ગયો છે!’

અરે...રે.

ત્રેવીસ વરસનો અર્ણવ સાચે જ પરીકથાના રાજકુમાર જેવો રૂડોરૂપાળો હતો. તેને જોતાં જ છોકરો વિવેકી, સંસ્કારી હોવાની છાપ પડ્યા વિના ન રહે. ફૉરેન કલ્ચરમાં તે માનતો નહોતો. અધરવાઇઝ બીજા રાજકુમારોની જેમ તે પણ વિદેશમાં કૉલેજ કરી શકત.

‘બહુ પોરસ હતો મને અર્ણવની લાયકાત પર.’ કનકસિંહ માંડીને કહેવાની ટેવ ધરાવતા હતા, ‘ગયા મહિને કૅન્સરનું નિદાન થયું ત્યારે મુંબઈની તાતા હૉસ્પિટલમાં મારી ખબર પૂછ્વા તેની જોડે એક છોકરી આવી... નામ આપ્યું અદિતિ. એકવીસેક વરસની તે દેખાવડી હતી એની ના નહીં, મારા ચરણસ્પર્શ કર્યા, બધું ઠીક થઈ જશેનો સધિયારો આપ્યો. મેં માન્યું કે અર્ણવની દોસ્ત છે એટલે સાથે કૉલેજમાં ભણતી હશે, પણ...’

તેમણે નિશ્વાસ નાંખેલો.

‘અદિતિના ગયા પછી અર્ણવે ભેદ ખોલ્યો : અદિતિ મારી કૉલેજમેટ છે નહીં, હતી. ડૅડી, તેની ફાઇનૅન્સ કન્ડિશન વસ્ર્ટ છે. પિતાના અચાનક દેહાંતે કૉલેજ છોડી કમાવા લાગી જવું પડ્યું તેણે... તેના આ સ્પિરિટે જ મને આકષ્ર્યો...’

‘છોકરી સાચે જ ફરજપરસ્ત ગણાય.’ રાજમાતાએ તટસ્થતા દાખવી.

‘પરંતુ પરિવારનો આધાર બનવા તેણે લીધેલો માર્ગ યોગ્ય ન ગણાય, ભાભીજી! મેં આગ્રહ કરતાં અર્ણવે ખચકાટભેર સ્વીકાર્યું કે બે છેડા ભેગા કરવા અદિતિ પબ-બારમાં ડાન્સ કરે છે!’

ઓહ! આવા નાચને કદી કલામાં ખપાવી ન શકાય, આમાં દેહવિક્રય ભલે ન હોય, અંગમરોડની બીભત્સ નુમાઇશ તો ખરી જને.

‘સ્વાભાવિકપણે મેં ઇનકાર ફરમાવ્યો : આ છોકરી જોડે રિલેશન આગળ વધારવાનું વિચારતો હોય તો માંડી વાળજે, તમારાં લગ્ન શક્ય નહીં બને!’ કનકસિંહે સંભાર્યું, ‘જવાબમાં અર્ણવે ઘણી દલીલ કરી : તમે અદિતિની મજબૂરી સમજો, તેનું બલિદાન જુઓ, મારી મદદ પણ તેને સ્વીકાર્ય નથી એવા તેના સ્વમાની સ્વભાવની તો કદર કરો.’

- છેલ્લો મુદ્દો વિચારવા યોગ્ય ખરો.

‘અર્ણવ કેવો નાદાન, કેટલો મોહાંધ! લાખ સમજાવ્યો કે છોકરી ઊંડી રમત રમે છે, આખો કૂવો જ પોતાનો કરવો હોય તે બાલદીભર પાણીમાં શું કામ જીવ નાખે?’

આ તર્ક પણ અવગણી શકાય નહીં. એક રાજકુમારને પોતાનો કરવા કોઈ પણ યુવતી લલચાવાની. અર્ણવ જેવા સંવેદનશીલ જુવાનને પ્રભાવિત કરી પ્રેમજાળમાં ફસાવવામાં અદિતિનો સ્વાર્થ ન જ હોય એમ કેમ કહેવાય?

‘બસ, બાપ-દીકરામાં ત્યારની અંટસ પડી છે.’ થાકી ગયા કનકસિંહ, ‘અર્ણવ પર પ્યારનું ભૂત સવાર છે. અદિતિને તે ત્યજવા માગતો નથી, જ્યારે હું તે છોકરીને વહુ તરીકે સ્વીકારીશ નહીં.’

પરંતુ આ અસ્વીકાર ક્યાં સુધી? રાજમાતાને થયું. શું મહારાજને તેમની આયુમર્યાદાનો ખ્યાલ નહીં હોય!

‘એક તરફ દીકરાનું દુ:ખ, બીજી બાજુ દીકરીની ઉપાધિ.’

હેં! શુભાંગિનીનો શું કિસ્સો છે?

‘મારી ફૂલ જેવી દીકરી કો’ક વાતે મૂંઝાય છે, રાજમાતા... ના, મારી માંદગીની ઉદાસી નથી, કશુંક એવું છે, જે તે મને કે અર્ણવને કહેતી નથી...’

પિયરથી છુપાવાતું દર્દ સાસરીનું જ હોય!

‘બાકી તો ભાઈ-બહેનને સારું ભળે, પરંતુ અર્ણવ-અદિતિના ઇશ્યુમાં ન તેણે ભાઈને સમજાવ્યો, ન મને ટાઢો પાડવાની કોશિશ કરી. આની ચર્ચા ફરી કરીશું એમ કહી વીંટો વાળી દીધો!’

‘આને છોકરીનું ડહાપણ કહેવાય, ભાઈસાહેબ.’ મીનળદેવીએ બોલવું પડ્યું.

‘હું નથી માનતો,’ પછી માન્યતાનું કારણ આપ્યું, ‘મારી બીમારીનું સાંભળી મહિનો-માસથી શુભા મહિયરમાં રોકાઈ છે, એમાં જમાઈરાજ માત્ર એક વાર, મુંબઈથી અહીં આવ્યા પછી, મારી ખબર પૂછવા આવ્યા એ જ માપ. ના, તે તો બિચારા રાત્રિ રોકાવાય ઇચ્છતા હતા, પણ શુભાએ સપાટસ્વરે કહી દીધું : અત્યારે તમારી એવી જરૂર નથી!’

તો-તો જરૂર પતિ-પત્ની વચ્ચેનો જ મામલો હોવો જોઈએ! બાકી કઈ પરણેતર લાંબા વિરહ પછી મળતો પતિનો સંગ સામેથી ટૂંકાવે?

‘મારી શુભાંગિની ઊર્મિશીલ, એમ ઉદયસિંહજી બહુ પ્રેમાળ... હા થોડા રંગીનમિજાજ ખરા, પણ તે તો રાજવી સ્વભાવની ખાસિયત થઈ.’

મીનળદેવીને મૂળ પકડાયું. રાજવીઓને રંગમહેલની મોજ ને રાણીના નસીબે સૂની પથારીનો ટળવળાટ સૈકાઓ જૂનો અભિશાપ છે. રજવાડાંમાં જન્મ લેતી કન્યાને ધણીની આવી ટેવ પ્રત્યે આંખ આડા કાન કરવાનું ગળથૂથીમાં શીખવી દેવાય છે. કદાચ એટલે પણ કનકસિંહને જમાઈમાં દોષ નહીં દેખાતો હોય!

‘માફ કરજો, ભાઈસાહેબ, પણ ઉદયસિંહજીના ચારિત્ર્યમાં ખોટ હોય તો હું શુભાંગિનીને સાસરે જવાની સલાહ નહીં આપું.’ મીનળદેવીથી દલીલ થઈ ગઈ, ‘જમાઈનો અપરાધ તમને ક્ષમ્ય હોય તો અદિતિનો અસ્વીકાર કેમ?’

‘આવી દૃષ્ટિ તમને જ સૂઝે, ભાભીજી...’ કનકસિંહે કબૂલ્યું, ‘વચન આપો, વખત આવ્યે મારાં સંતાનોને તમે સંભાળી લેશો, શિવગઢનાં હિતેચ્છુ બની રહેશો.’

‘એમાં સહેજે સંશય ન રાખશો.’

કનકસિંહના વદનમાં પ્રથમ વાર રાહત પ્રસરી. તકિયાને અંઢેલી બેઠા થયા, ‘હવે હું જે કહીશ એ વધારે અગત્યનું છે. રાજમાતા, એક કપરી જવાબદારી આજે જ સોંપી દેવી છે મારે,’ પછી ડોક લંબાવી, ‘જરા ધ્યાનથી, કોઈ સાંભળે નહીં. દ્વાર બંધ જ કરી દો, પ્લીઝ!’

તેમની આજીજીને માન આપતાં રાજમાતા ઊઠ્યાં. પેલી દાસી ચીંધેલી જગ્યા પર બેઠી ચોટલો ઝુલાવતી હતી. દરવાજા તરફ પીઠ રાખીને બેઠેલી દાસીને જોતાં મીનળદેવીએ હળવેથી કમાડ વાસ્યાં.

વીસેક મિનિટ પછી તેમણે અચાનક દ્વાર ખોલતાં કાન માંડી ઊભેલી દાસી લગભગ ઝડપાઈ ગઈ! શું તે અમારી વાતો સાંભળી ગઈ?

મીનળદેવીનાં ભવાં તંગ થયાં,

‘આ શું અશિસ્ત! દરવાજે કેમ ઊભી હતી?’

‘જ...જ...જી મહારાણીબા,’ રાજમાતાના કડપે દાસી થોથવાઈ, ‘હું તો કડી ઠોકવા જ આવી - કુંવરજી (અર્ણવ) એક વાર જોઈ ગયા એટલે...’

‘ઠીક છે,’ અર્ણવે શું ધાર્યું હશે એ વિચારવાનો સમય નહોતો, ‘જા, કુંવર-કુંવરીબાને તેડાવી લાવ અને સાંભળ - શું નામ તારું?’

‘વિદિશા.’ વધુ પૂછપરછ ટાળવી હોય એમ ઓઢણીનો છેડો સરખો કરતી જુવાન દાસી સરકી ગઈ.

‘ભાઈસાહેબ, ગુપ્ત ખજાનાના ભેદ વિશે તમે નચિંત રહેજો, હું તો કહીશ, સંતાપ વિસારી તમે સાજા થવા પર ધ્યાન આપો. અર્ણવ-શુભા તમારી સેવામાં ખડેપગે છે એની સાંત્વના રાખો.’

જોકે મીનળદેવીની કનકસિંહ સાથેની એ આખરી મુલાકાત બની રહી. મહિના અગાઉ કૅન્સરમાં મહારાજે પિછોડી તાણી. ફ્યુનરલમાં પધારેલાં મીનળદેવી રાત રોકાયેલાં, પરંતુ શોકગ્રસ્ત ભાઈ-બહેન જોડે કે પછી જમાઈ ઉદયસિંહ સાથે વધુ વાતો નહોતી થઈ. પછી તો સામી દિવાળીએ સૂતકવાળા ઘરે જવાનું ન બન્યું, ફોન જોડી શુભા-અર્ણવ જોડે વિધિ-વરસીની ચર્ચા કરી લેતાં, પણ અઠવાડિયાથી તો એય બંધ.

એમાં હવે આજે, નવા વરસ પછીની ત્રીજે શુભાંગિનીનો ફોન.

‘બોલ બેટા,’ મીનળદેવીએ દિલગીરી દર્શાવી, ‘સૉરી, હં, હમણાં મારાથી ફોન પણ નથી થયો, કંઈ વિશેષ?’

‘આજે પિતાજીની વરસી વાળ્યાં પછી પૅલેસના વકીલઅંકલનો ફોન આવ્યો કે આવતી કાલે સવારે દસ વાગ્યે ડૅડીની ઇચ્છા અનુસાર વિલ વંચાશે અને એ દરમ્યાન રાજમાતા મીનળદેવીની હાજરી આવશ્યક છે.’

‘હું જરૂર આવીશ, બેટા.’

ફોન કટ કરતાં મીનળદેવીને થયું, કનકસિંહજીએ આપેલી જવાબદારી નિભાવવાનો સમય આવી ગયો!

(ક્રમશ:)

 


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK