કથા-સપ્તાહ - વારસાઈ (વચન-વિશ્વાસ - ૧)

Published: 19th November, 2012 07:18 IST

‘યસ, તર્જની,’ લૅપટૉપની સ્ક્રીન ડાઉન કરી કેતુએ અદબ ભીડી, ‘શું હુકમ છે?’


અન્ય ભાગ વાંચો

1  |   2  |
સમીત (પૂર્વેશ) શ્રોફ

‘અનિકેત...’

‘યસ, તર્જની,’ લૅપટૉપની સ્ક્રીન ડાઉન કરી કેતુએ અદબ ભીડી, ‘શું હુકમ છે?’

કેવો આજ્ઞાંકિત! તર્જનીના ગાલે સહેજ રતાશ છવાઈ.

મુંબઈનો સૌથી બાહોશ, સફળ યુવાન ખાનગી ગુનાશોધક અનિકેત દવે અને તેની મુખ્ય મદદનીશ તર્જની એકમેકના પ્રેમમાં ગળાડૂબ હોવાનું જાણનારા જાણતા, પછી તે બન્ને ભલે જાહેરમાં એની અજાણતા સેવતાં હોય!

સામસામા ઘરમાં ઊછરેલાં કેતુ-તર્જની બાળપણથી એકબીજાનાં હેવાયાં. તર્જનીથી બે વરસ મોટો કેતુ તેના પર ધાર્યો રુઆબ જમાવે, તેની ચોટી ખેંચી ચીડવે, પણ જો શેરી કે સ્કૂલમાં કોઈ બીજું તર્જનીને હેરાન કરવાનું થયું તો ચટ્ટાન બની ઊભો રહી જાય... તર્જનીનું પણ એવું જ. એ વખતે ગોળમટોળ દેખાતા અનિકેતને મોટુરામના નામે ખીજવી દોડી જતી. તર્જની પાછળ પડતા કેતુને થકવી નાખતી, પણ એ દોડમાં તેને ક્યાંક વાગ્યું તો તર્જનીનો જીવ કપાઈ જાય!

વય વધતાં સંયમની સભાનતા આપોઆપ આવી, પરંતુ એથી લાગણીનો ધબકારો બદલાયો નહીં. સોસાયટીના ગેધરિંગ કે ફૅમિલી ટૂરમાં રમત રમવાની થાય તો કેતુ-તર્જની એક જ ટીમમાં હોય. પ્રેક્ષકગણમાં તર્જની હાજર હોય તો મહોલ્લાની ક્રિકેટ-ટુર્નામેન્ટમાં વિનિંગ સ્ટ્રોક કેતુ જ ફટકારે!

‘માસી, મમ્મી આ બેમાંથી એક ડ્રેસ રાખવા કહે છે - કયો રાખું?’ કેતુની મમ્મીને પૂછવા દોડી જતી તર્જની ખરેખર તો કેતુની મરજી જાણવા માગતી હોય.

‘મને આ યલો ડ્રેસ વધારે ગમ્યો...’

‘યલો યલો ડર્ટી ફેલો,’ કેતુ બાખડે ને તર્જની યલો સિવાયનો જ ડ્રેસ રાખે!

અને એ સાંજ તો કેતુ-તર્જની આજેય નહીં વીસર્યા હોય... તર્જની ત્યારે ટ્વેલ્થમાં હતી, કેતુ કૉલેજના બીજા વર્ષમાં. પહેલાંનો ગોળમટોળ કેતુ કસરતી બદન ધરાવતો મુછાળો નવયુવાન હતો એમ તર્જનીનાં અંગોએ યૌવનની પધરામણી થઈ ચૂકેલી. એનાથી બેકાબૂ બનતો હોય એમ ઘણા વખતે તેનો લાંબો ચોટલો ખેંચી કેતુ ભાગીને બંગલાની ટેરેસ પર દોડ્યો હતો.

આભમાં રતાશવર્ણી સંધ્યા હતી.

ટેરેસની પાળે હાથ ટેકવી કેતુ હાંફતો હતો. તેને મારવા દોડતી તર્જની સહેજે છેટે ઊભી રહી ગઈ. કેતુ ઊલટો ફર્યો. રાતા રંગના ચૂડીદારમાં તર્જની ગજબની સોહામણી લાગતી હતી. કપાળે આવતી વાળની લટ, સાંજના પ્રકાશમાં ઝગમગતો ગોરો વાન, દોડને કારણે હાંફનું હલનચલન.

કેતુ બે ડગલાં આગળ વધ્યો. તેની નજરે તર્જનીની નજર ઝૂકી ગઈ, હૈયે ન સમજાય એવું કંપન થઈ ગયું. તર્જનીના કપાળે આંગળી ફેરવી કેતુએ વાળની લટ સરખી કરી, જમણા ખભેથી સરકી ગયેલા દુપટ્ટાને યથાસ્થાને ગોઠવી અદબ ભીડી ઊભો રહ્યો અને મીઠું લજાતી તર્જની દુપટ્ટાની કોર આંગળીમાં રમાડતી સરકી ગયેલી. બાળપણની દોસ્તી નવા નામકરણને આરે ઊભી હોવાનું એ પળોમાં પરખાયું. આ અવસ્થામાં પણ તેમની નટખટવૃત્તિ છાની ન રહેતી. કદી ‘મૈં કા કરું રામ, મુઝે બુઢ્ઢા મિલ ગયા’ ગીત ગણગણી તર્જની કેતુની ફીરકી ઉતારતી તો ક્યારેક કેતુ ફિલ્મી નટીનાં વખાણ કરી તર્જનીને અકળાવી મૂકતો.

તેમનું એકત્વ ઘરનાથી છાનું નહોતું. બલ્કે, બન્નેના ગર્ભશ્રીમંત પરિવારોને એની ખુશી જ હતી. બન્ને મધર્સે ખાનગીમાં એકમેકને વેવાણ કહેવાનુંય શરૂ કરી દીધેલું! અનિકેત તેના પેરન્ટ્સનો એકનો એક દીકરો હતો, જ્યારે તર્જનીથી ચારેક વરસ મોટો ભાઈ પરણ્યા પછી ભાભી સખી જેવી નણંદની મશ્કરી માંડતી. એમ કેતુનેય સંભળાવતી : તમને જાસૂસોને પોતાના ભેદ ટાંકતાં બહુ સારું આવડે!

અનિકેત કબૂલતો નથી, તર્જની સ્વીકારતી નથી, છતાં પારખનારા પામી જતા. ગ્રૅજ્યુએશન પછી જાસૂસી માટેની ટ્રેઇનિંગ લેવા લંડન જનારા અનિકેત સાથે જવાની પરમિશન તર્જનીને એમ જ તો નહીં મળી હોય! મુંબઈમાં ‘ઓમ ડિટેક્ટિવ એજન્સી’નો પાયો નખાયો. બહુ જલદી અનિકેતનું નામ જામ્યું. તર્જની તેની પ્રેરણા બની. આજે સ્થિતિ એ છે કે ભારતના રાષ્ટ્રપતિ સુધ્ધાં દેશની સુરક્ષાને લગતા મિશનમાં કેતુ-તર્જનીની મદદ લેવાનું સૂચવતા હોય છે. ઇન્ટરપોલે તેમની સહાય માગ્યાનું પણ બન્યું છે. જાસૂસબેલડીની ઝીરો ફેલ્યોરની સિદ્ધિને સ્વયં લતાજી જેવી હસ્તી બિરદાવી ચૂક્યાં છે.

પચીસનો થયેલો અનિકેત પૂર્ણ પુરુષની પ્રતિકૃતિ જેવો છે તો તર્જની સૌંદર્યની સાક્ષાત્ મૂરત! તીક્ષ્ણ બુદ્ધિમત્તા, ગુનેગારને પારખવાની બાજનજર, દુશ્મનને માત કરવાની ચીલઝડપ કેતુને અનેરો બનાવતી, તો તર્જનીની મેમરી કમ્પ્યુટર કરતાં શાર્પ હતી. રણમેદાનમાં ઊતરેલી તર્જની વીફરેલી વાઘણના તેવર દાખવે ત્યારે જોરાવરમાં જોરાવર અપરાધીની પણ રાડ ફાટી જાય! જોખમને પહોંચી વળવાનું કેતુમાં જિગર હતું તો તર્જનીય એટલી જાંબાઝ હતી. કોણ કોનાથી ચડે એ કહેવું અશક્ય હતું એમ કોણ કોનું બૉસ છે એ ઘણી વાર સ્ટાફનેય સમજાતું નહીં!

કેતુ-તર્જનીના ઑપરેટર્સ નવલોહિયા હતા. તર્જનીની ટ્રેઇનિંગે તેમને પાવરધા બનાવેલા. ચૈતાલી અને ચિતરંજન તેમનાં મુખ્ય સહાયક.

‘તર્જની હંમેશાં પર્પલમાં જોવા મળે છે...’ રાવી ટહુકતી, ‘આ રંગ કોનો ફેવરિટ છે?’

કેમ જાણે રંગ કેતુનો પ્રિય હોવાની ઑફિસમાં કોઈને જાણ ન હોય! વાત પાછી કેતુ-તર્જનીને કાને પડે એમ જ થતી હોય! તર્જની સહેજ શરમાય, કેતુના કાનની બૂટ લાલ થાય.

અંદરખાને જે થયું - થતું હોય એ પ્રગટપણે બન્ને એમ વર્તતાં, જાણે તેમની વચ્ચે ‘કંઈક’ હોવાનું જ્ઞાન જ નથી! ઘરનાં લગ્નનું પૂછે તો સરખો જવાબ વાળે : નૉટ નાવ, એજન્સીના કામમાંથી ફુરસદ જ ક્યાં છે?

‘તર્જની...’

કેતુના સાદે તર્જની ઝબકી. વર્તમાનમાં આવી..

‘તું મને આમ એકીટશે નિહાળે છે તો આઇ ફીલ, હું આજે એક્સ્ટ્રા હૅન્ડસમ દેખાઉં છું.’

આવી કંઈક અદાઓથી કેતુ તર્જનીને વિવશ કરતો. એમ તો તેય કેતુને ક્યારેક મૂંઝવી મારતી ખરી! પરંતુ આજે એનો અવકાશ ન હોય એમ પાંપણ પટપટાવી મૂળ મુદ્દે આવી.

‘કેતુ, દિવાળીમાં આપણે હરિપ્રસાદના કેસમાં બિઝી રહ્યાં.’

તહેવારના દિવસોમાં સ્ટાફને રોકી પોતે છુટ્ટી માણવાને બદલે કેતુ-તર્જની જાતે હાજર રહી શક્ય એટલાને ફેસ્ટિવલની ઉજવણીની રજા આપતાં. તેમના અનોખા સ્વભાવને કારણે જ તો આખો સ્ટાફ જાસૂસજોડીને બેફામ ચાહતો.

મુંબઈના પ્રૉપર્ટી-બ્રોકર હરિપ્રસાદની જુવાન દીકરી બૂરી સોબતમાં હતી. તેના કહેવાતા પ્રેમીની અસલિયત ઉઘાડી પાડી કેતુ-તર્જનીએ એક યુવતીનું ભાવિ ભેંકાર થતાં બચાવ્યું. ઓશિંગણ થતા હરિપ્રસાદે નિમંત્રણ પાઠવેલું : એક વાર શિવગઢ નજીક આવેલા અમારા ફાર્મ-હાઉસમાં જરૂર પધારો!

ક્લાયન્ટ આમંત્રણ પાઠવે કે પછી તહેવારમાં મીઠાઈ, ગિફ્ટ્સ મોકલે એની કેતુ-તર્જનીને નવાઈ નહોતી, ભેટ-સોગાદનો પ્રતિભાવ વાળવાનું તર્જની ન ચૂકતી, પરંતુ મહેમાનગતિનું ઇન્વિટેશન સમયના અભાવે ભાગ્યે જ પળાતું.

‘પાંચમ પછી ઑફિસ ખૂલતાં રાબેતા મુજબનો સ્ટાફ હોવાનો... નેક્સ્ટ વીકનું હૉલિડે પૅકેજ કેવું રહે? શુક્રની સાંજે શિવગઢ પહોંચીએ, ત્યાંથી હિંમતગઢ બસો-અઢીસો કિલોમીટર જેટલું જ દૂર છે, શનિની બપોરે ત્યાં જવાનું રાખીએ તો રાજમાતાને પણ દિવાળીનું મળી લેવાય.’

રાજમાતાનો ઉલ્લેખ અનિકેતને રોમાંચિત કરી ગયો.

હિંમતગઢનાં રાજમાતા મીનળદેવીનો પ્રભાવ જ એવો હતો. જમીનના એક સોદામાં સામી પાર્ટીની ચકાસણી માટે રૂપનગરનાં ઠકરાણાની ભલામણથી તેમણે કેતુનો સંપર્ક સાધ્યો એમાંથી શરૂઆત પામેલો સંબંધ આજે તો આત્મીય બની ચૂક્યો છે.

કેતુ-તર્જની મીનળદેવીને નિજસંતાન જેવાં વહાલાં છે તો જાસૂસબેલડી માટે તેઓ ઘરના વડીલ જેટલાં જ આદરણીય છે. આદર્શને વરેલાં મીનળદેવી તેમના પ્રેરણાસ્રોત સમાન છે. રાજમાતાનું જીવન મિસાલરૂપ રહ્યું છે. પ્રમાણમાં નાની વયે વિધવા થયેલાં મીનળદેવીએ મહારાણીપદની ગરિમા સુપેરે જાળવી, બે સંતાન સમીરસિંહ અને અજુર્નસિંહનો ઉછેર હોય કે જાગીરનાં વહીવટી કામો, મીનળદેવી ક્યાંય ઊણાં ન ઊતર્યા. તેમણે સિંચેલા સંસ્કારથી પુત્રો ગુણવાન ઠર્યા, રાજમાતાને વહુઓ પણ ગુણવંતી મળી. હવે દીકરા-વહુઓને ઘર-જાગીરનાં સૂત્રો સોંપી રાજમાતા મહત્તમ સમય પૌત્ર-પૌત્રીને રમાડવામાં અને લોકકલ્યાણનાં કામોમાં ગાળે છે. પ્રજાહિત હંમેશાં તેમના હૈયે રહ્યું. કદાચ એટલે પણ રજવાડાં ન રહ્યાં હોવા છતાં આમજનતા આજે પણ તેમને રાજમાતા તરીકે જ બહુમાને છે. હિંમતગઢનું તેઓ સૌથી આદરપાત્ર નામ છે. તન-મનની તંદુરસ્તીમાં માનતાં મીનળદેવી યોગની કસરતથી સ્ફૂર્તિલાં રહે છે. સૌંદર્યવાન તો તે ખરાં જ. એમાં પાછું રાજપૂતાણીનું ખમીર! પંચાવને પહોંચેલાં રાજમાતાને પંચકલ્યાણી પર સવાર થતાં જોવાં લહાવો ગણાય છે.

તક મળ્યે રાજમાતાનું સાંનિધ્ય માણવાનું કેતુ-તર્જની ચૂકતાં નથી. ખરેખર તો રાજપરિવારમાં સૌ કોઈ તેમનું પ્રિય છે. લવબર્ડ્ઝને મજા આવે એવી મસ્તી સમીર-અજુર્ન અને તેમની પત્નીઓ લાવણ્યા-ઊર્મિલા દ્વારા સતત થતી રહે. પૅલેસ કૅમ્પસનું વાતાવરણ જીવંત થઈ ઊઠે. ક્યારેક ખુદ રાજમાતા પૂછી લે - લગ્નની કંકોતરી ક્યારે આપો છો! તર્જની લજામણી બને, કેતુ જેવો કેતુ પણ શરમાય!

આવી તો કંઈકેટલી ક્ષણો તાજી થઈ ઊઠી કેતુના ચિત્તમાં.

‘ડન તર્જની,’ તેણે લીલી ઝંડી ફરકાવી, ‘રાજમાતાની અવેલેબિલિટી જાણી લેજે.’

મહેમાન થતાં પહેલાં યજમાનની અનુકૂળતા તપાસવાના વ્યવહારનું અહીં સ્થાન નહોતું. જરૂર નહોતી, છતાં રાજમાતા જ એ સમયે હાજર ન હોય તો શિવગઢનો પ્રોગ્રામ પોસ્ટપોન કરવાનું વધુ વ્યવહારુ ગણાય.

‘મેં લાવણ્યાભાભીને આડકતરી રીતે પૂછી લીધું - હમણાં તેમનો બહારગામ જવાનો કોઈ પ્રોગ્રામ નથી.’

‘ત્યારે તો આપણી મુલાકાત પૅલેસમાં સૌ માટે સરપ્રાઇઝ બની રહેવાની!’

કેતુ જેટલી જ થિþલ તર્જનીએ અનુભવી.

ખરેખર શું બનવાનું હતું એની કોને ખબર હતી?

€ € €

‘રાજમાતા, આપનો ફોન.’

દાસીએ અભ્યાસખંડમાં બિરાજેલાં મીનળદેવીને અદબભેર કોર્ડલેસ થમાવ્યો. પછી દબાતા પગલે રુખસદ લીધી. ચોક્કસ તર્જની હોવી જોઈએ, આજ સવારથી છોકરી મને યાદ આવ્યા કરે છે! કેતુને વઢવાની છું, માને મળવાની થોડી તો ફુરસદ કાઢો!

મીનળદેવી જોકે સમજતાં કે કેતુ-તર્જનીની દોટ પૈસા કે નામ માટેની નહોતી. સમાજમાંથી ગુનેગારોને અલગ તારવતી બેલડીની વ્યસ્તતાનું માઠું ન લગાડાય!

તેઓ પોતે જનકલ્યાણ કાજ નહેરના પ્રોજેક્ટમાં વ્યસ્ત હતાં. ફાઇલ પર પેપરવેઇટનું વજન મૂકી તેમણે કોર્ડલેસ કાને માંડ્યો, ‘હલ્લો.’

‘પ્રણામ, રાજમાતા.’

ના, આ તર્જની નથી. આ તો... તેમનું અનુમાન સાચુ ઠર્યું, ‘હું શિવગઢની પ્રિન્સેસ શુભાંગિની.’

(ક્રમશ:)
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK