કથા-સપ્તાહ - શોધ-સંશોધન (કાળના ગર્ભમાં - ૩ )

Published: 7th November, 2012 06:22 IST

વાઇવા (મૌખિક પરીક્ષા) સફળતાપૂર્વક પત્યાની ખુશીમાં આશકા-આરવ ઝૂમી રહ્યાં. ભારતની ગુફાઓના વિષય પર તેમણે રજૂ કરેલો પ્રોજેક્ટ રિપોર્ટ અમરનાથે વખાણ્યો, એટલું જ નહીં, બન્નેની ધગશને પણ પારખી બિરદાવી જાણી.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4 ‘વી ડિડ ઇટ!’

વાઇવા (મૌખિક પરીક્ષા) સફળતાપૂર્વક પત્યાની ખુશીમાં આશકા-આરવ ઝૂમી રહ્યાં. ભારતની ગુફાઓના વિષય પર તેમણે રજૂ કરેલો પ્રોજેક્ટ રિપોર્ટ અમરનાથે વખાણ્યો, એટલું જ નહીં, બન્નેની ધગશને પણ પારખી બિરદાવી જાણી. એક્ઝામના અવસરને કારણે આશકા અમરનાથને તાજની મુલાકાતનો હેવાલ આપી શકી નહોતી, છતાં આરવના કાનમાં ગણગણેલી : અમરનાથમાં મને ઝાઝો ફેર દેખાતો નથી, કોઈ ઍન્ગલથી તેઓ પચાસના લાગતા નથી!

અમરનાથના વ્યક્તિત્વથી આરવ પણ પ્રભાવિત બનેલો, પરંતુ આશકાનું અંજાવું, ઝાઝું ગમ્યું નહોતું! પછી વિચાર્યું, અમરનાથ જોડે ક્યાં આખી જિંદગી કાઢવી છે, પરીક્ષા પતી કે સંપર્ક પત્યો!

પરંતુ એવું થવાનું નહોતું એકંદરે પરીક્ષા પસાર કરી ચૂકેલા સૌ ખુશમય હતાં, પિક્ચર-પાર્ટીનું પ્લાનિંગ ચાલતું હતું ત્યાં આશકા-આરવને અમરનાથ તરફથી મેસેજ મળ્યો : સાંજે ન્યુ દિલ્હીની દાવત રેસ્ટોરાંમાં ડિનર માટે મળશો તો ગમશે!

શાહસરને શું કામ પડ્યું હશે?

€ € €

‘અરે, વાહ!’

‘દાવત’ના ડિનર દરમ્યાન અમરનાથે મૂકેલી નોકરીની ઑફરથી આશકા-આરવ હરખાયાં.

સામાન્યપણે પોતાના રિસર્ચ વિશે અમરનાથ ઝાઝું કોઈને કહેતા નહીં, પાકે પાયે થયા વિના ઢોલ પીટવા ઠીક નહીં, એમ વિચારીને એ જ રીતે તેમનું ધ્યેય જોકે સાવ છાનું પણ ન ગણાય. સૅમ્પલિંગ, મૅપ-મેકિંગ માટે ઘણી વાર એક્સપર્ટ એજન્સીની મદદ લેવી પડતી, મજદૂરોની જરૂર પડતી - આમ આદમીને શું થઈ રહ્યું છે એનો કદાચ ખ્યાલ ન આવે, જ્યારે એક્સપર્ટ્સ સાથે અમરનાથ આ તબક્કે રિઝલ્ટ્સ ચર્ચવાનું ટાળતા એમાં કોઈની નજર લાગી જવાનો અવૈજ્ઞાનિક ડર પણ ખરો!

જોકે આશકા-આરવને ખુલાસાથી કહેવું પડ્યું : સાત-સાત વરસની મારી મહેનત રંગ લાવી છે. કચ્છના પચ્છમ બેટના માંડુ ગામથી સત્તરેક કિલોમીટર દક્ષિણમાં હડપ્પન સંસ્કૃતિનું નગર ‘માનવા’ દટાયાનું પ્રાથમિક નજરે જણાય છે. એક-બે મહિનામાં એની એક્સક્વેશન પ્રોસેસ હું શરૂ કરવા માગું છું, મારા મદદનીશ તરીકે તમને અપૉઇન્ટ કરતાં મને સાચે જ હર્ષ થશે! આવડતથી વિશેષ મેં તમારામાં, ખાસ કરીને આશકા, તારામાં પુરાતત્વ વિશેની લગની જોઈ છે... જ્યારે આરવમાં આગળ વધવાની ધગશ છે.

આશકાએ ધન્યતા અનુભવી, આરવે નજરથી સંદેશો પાઠવ્યો : માણસ પારખુ જણાય છે!

‘અફર્કોસ, આમાં સરકારી નોકરી જેવો આરામ નહીં હોય...’ કચ્છની આબોહવા, રહેણાકની પરિસ્થિતિનો ચિતાર આપી અમરનાથે ઉમેર્યું, ‘વીરસિંહની ઘરવાળીને આપણે તેડાવી લઈશું એટલે તને એકલું નહીં લાગે, આશકા, તો પણ પાંખી માનવવસ્તીમાં બે પુરુષો સાથે રહીને કામ કરવાની પરવાનગી તારે તારા પેરન્ટ્સ પાસેથી લેવી રહી...’

આશકાને માની ફિકર હતી, પરંતુ પપ્પા, ભાઈ-ભાભીના સપોર્ટથી હું માને મનાવી લઈશ એવો આશાવાદ પણ ખરો.

‘મને જવાબની ઉતાવળ નથી, બે-ચાર દિવસ વિચારી જુઓ, મારો સેલ નંબર તો તમારી પાસે છે જ...’

અમરનાથે બિલ ચૂકવ્યું.

પૉર્ચમાં છૂટાં પડી અમરનાથ પોતાની ટૅક્સી તરફ વળ્યાં, આરવ ટૂ-વ્હીલરના પાર્કિંગ બાજુ ગયો.

‘એક મિનિટ, સર!’

આશકાએ પીઠ પાછળ સાદ પાડી અમરનાથને રોક્યા, દોડીને તે તેમની સમક્ષ ઊભી રહી,

‘તમે મને હજી ન ઓળખી, સર!’

અમરનાથના કપાળે કરચલી ઊપસી.

‘મને પુરાતત્વવિદ્ બનવાની પ્રેરણા આપનાર તમે જ છો.’

કઈ રીતે? અમરનાથને સમજાયું નહીં.

‘તમને નારાયણ રાજની ‘બિહાઇન્ડ ધ તાજ’ બુક યાદ છે? એના આધારે પંદરેક વરસની કિશોરીએ તાજમહલના પ્રાંગણમાં રજૂ કરેલી દલીલો સાંભરે છે?’

યાદશક્તિને થોડું કસતાં અમરનાથના દિમાગમાં અજવાળું પથરાયું : અરે હા, મારા રિસર્ચના ધ્યેયને ખોળવા હું ભારતભ્રમણ પર હતો ત્યારની આ વાત!

‘હું જ તે છોકરી! તમારી સલાહે મને દિશા સુઝાડી, મારો જીવનપથ નક્કી થયો. આજે, એકલા હાથે તમે નગરી શોધવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું એ જાણ્યા પછી તમને મારા ગુરુપદે સ્થાપું છું.’

આશકા આશિષ લેવા ઝૂકી. તેની સંસ્કારવાણીથી અમરનાથ પ્રભાવિત બન્યા, આપોઆપ આશિષ ઉચ્ચારાયા.

‘અંતરથી કહું છું, ગુરુ કરતાં સવાઈ બનજે!’

બાઇક પર સવાર થઈ આ મેળાપ નિહાળતા આરવને દાઝ બળી : આશકા અમરનાથથી કંઈક વધુ પડતી જ અંજાઈ છે! મારા જેવા જુવાનને છોડી ક્યાંક તે એકલપંડા અમરનાથના મોહમાં તો નહીં તણાયને!

ના, હું એવું નહીં થવા દઉં!

આરવે સંકલ્પ ઘૂંટ્યો : લાઇફમાં મારાં બે જ ટાર્ગેટ છે - એક, અમીરી અને બીજી, આશકા! શ્રીમંત તો થવાશે તો ત્યારે થવાશે, હાથવગી આશકાને હું સરકવા નહીં દઉં! આશકા નગરી શોધવાના રોમાંચની તક જવા ન દે, તેના સહવાસ ખાતર પણ મારે અમરનાથનો પ્રસ્તાવ સ્વીકારવો રહ્યો!

સામાન્યપણે પ્રેમકહાણી નદીતટે, સાગરકિનારે પાંગરતી હોય છે, અમારી લવસ્ટોરી કચ્છના રણમાં ખીલવાની હશે!

€ € €

‘બ્યુટિફુલ’

પહેલી નોકરીએ લાગ્યાના પહેલા પખવાડિયામાં આશકા રણની સફેદ રેતીના પ્રેમમાં પડી ગઈ : કોણ કહે છે, રણમાં સુંદરતા નથી!

જૉબ માટે માને મનાવવી આસાન રહ્યું, પિતાને કારણે. અમરનાથનો રેફરન્સ અને આરવની હાજરી પછી સત્યજિતભાઈને દ્વિધા રહી નહોતી : દીકરી સાથે રહેનારા બન્ને પુરુષો વિશ્વાસપાત્ર છે, આ જૉબમાં આશકાની સ્વપ્તપૂર્તિ પણ છે, ઉપરાંત તેના ખમીરમાં મને ભરોસો છે! આનંદીબહેને પતિના નિર્ણયમાં આસ્થા સેવી મન મોટું રાખ્યું. ઉમંગે રણવસવાટની ટિપ્સ આપી, કચ્છી મિત્ર પાસેથી તેમની બોલીના રોજિંદા વપરાશના શબ્દો સમજાવ્યા, જ્યારે ઉજ્જવલા ખાનગીમાં મશ્કરી માંડતી : આરવને ચાહવાની તક હવે ન ચૂકીશ! જવાબમાં આશકા કહેતી : પ્રેમનો ઉદ્ભવ આકસ્મિક હોય, ઉજ્જવલાભાભી, એની હૈયામાં પરાણે રોપણી ન થાય!

છતાં, ચોવીસે કલાક જોડે, આસપાસ રહેવાના સાંનિધ્યને કારણે નિકટતા સ્વાભાવિકપણે વધી એનો ઇનકાર થાય એમ નહોતો, વળી માણસ સતત કામની જ વાતો કરે એવુંય ન બને!

નોકરીનું આ પ્રથમ પખવાડિયું આમ જુઓ તો અમરનાથની સાત વરસોની જહેનતને સમજવામાં ગયું. લૅપટૉપના ડેટા, કબાટની ફાઇલ્સ, સાઇટ-વિઝિટ... આમાં દલીલો થતી, આદત મુજબ આશકા-આરવ ઝઘડવાની હદ સુધી પહોંચી જતાં, મોટા ભાગે આશકાનો રેફરન્સ સાચો ઠરતો, મધ્યસ્થી કરતાં અમરનાથ આશકાનો પક્ષ સચ્ચાઈને કારણે લેતા ત્યારે આરવના મનમાં જુદો જ ભાવ ઊપસતો : બુઢ્ઢો આશકાને ઇમ્પ્રેસ કરવા માગે છે!

આશકા-આરવના આગમને ખુશ હોય તો વીરસિંહ! અમરનાથના મહેમાનો (ફીલ્ડ એક્સપટ્ર્‍સ) ક્વચિત જ આવતા, પણ બે જુવાનિયા હવે અહીં જ રહેવાના, એથી પરિવાર જેવું પણ લાગશે, પત્ની ગુલાબને પણ તેડાવાનું બન્યું - એ છોગામાં! આશકા ક્યારેક ગુલાબ જોડે રોટલા ઘડવા બેસી જતી એ ગમતું, આરવ પોતાને ઊંટસવારીના નીતિનિયમો પૂછતો ત્યારે હોંશભેર જવાબ વાળતાં વીરસિંહને થતું, આટલું ભણેલા જુવાનને આવી અમથી કળા નથી ખબર!

આ બાજુ અમરનાથ પણ ચોક્કસ રહેતા. આશકાના પેરન્ટ્સે મારા વિશ્વાસે દીકરીને અહીં મોકલી હોવાનું સમજતા અમરનાથ આશકા પ્રત્યે પિતાની રૂએ વર્તતા, આશકા-આરવને વધુ વખત એકલાં પાડવાનું ટાળતા. ઊંટસવારી કરી સાઇટ પર જવાનું હોય ત્યારે કદી આશકા-આરવને એકલાં મોકલતા નહીં. ધીરે-ધીરે તેમની ઝીણી સમજમાં બેઠું કે આત્મવિશ્વાસુ આશકા કોઈ પણ પરિસ્થિતિને ટૅકલ કરવા સક્ષમ છે, તેની બિનજરૂરી ચિંતા કે વધુ પડતી કાળજી દાખવવાની જરૂર નથી! અમરનાથ નચિંત બન્યા.

€ € €

‘એક્સક્વેશનની પરવાનગી મેળવવાની પ્રક્રિયા આપણે હવે આરંભી દેવી જોઈએ.’

સોમવારની સાંજે વાળુ કરતાં અમરનાથે ચર્ચા છેડી.

દફન થયેલા નગરને શોધવા વર્તમાન સ્થળનું ખોદકામ કરવું પડે એ એક રીતે જુઓ તો હાલની જગ્યાનું નિકંદન કાઢવા બરાબર ગણાય... અને એટલે જ એક્સક્વેશનની પરમિશન વિશિષ્ટ સંજોગોમાં જ મળી શકે છે, એ જોતાં દિલ્હીસ્થિત આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા અને ગાંધીનગર સચિવાલયના આંટાફેરા વધી જવાના... જોકે અમરનાથની પ્રતિષ્ઠા જોતાં પરવાનગી ન મળવાનો તો પ્રશ્ન જ નહોતો, સંશોધનની મંજૂરી મળી જ ગયેલીને! છતાં, સરકારી નિર્ણયમાં અપેક્ષિત ઢીલ અહીં પણ અસર કરવાની જ...

‘કામ એવું છે કે હમણાં તો મારે જ જવુ પડશે... લેટર ઑન, આરવ, સરકારી બાબુઓને તું હૅન્ડલ કરતો થઈ જજે.’

‘જી, સર.’

બુધની સવારે અમરનાથ પોતાનું લેપટૉપ, ઍપ્લિકેશન ફાઇલ લઈને નીકળ્યાં.

€ € €

અમરનાથની ચાર દિવસની દિલ્હી-ગાંધીનગરયાત્રાએ આરવને ખીલવી દીધો. અલબત્ત, અમરનાથ આશકા-આરવ બિઝી રહે એટલું કામ સોંપી ગયેલા. આશકા એમાં વ્યસ્ત રહેતી, જ્યારે આરવનો માંહ્યલો પ્રણયનો એકરાર કરવા થનગનતો હતો : આશકા બીજાની થાય એ પહેલાં હું મારી કરી લઉં!

આરવના મનસૂબાને વધાવતાં હોય એમ સાંજ ઢળ્યે આભમાં કમોસમનાં વાદળાં ઘેરાવાં લાગ્યાં. અડધો કલાક વરસેલા જળે ઠંડક ફેલાવી દીધી. વીરસિંહ ગુલાબને લઈ વસ્તીમાં વરસાદ વધાવવા દોડી ગયો. ઓસરીમાં ઊભી આશકા નળિયાંની છાજલીમાંથી ટપકતાં બુંદો હથેળીમાં ઝીલતી હતી. તેના નયનરમ્ય રૂપે આરવની ભીતર ક્યાંક ચિનગારી પ્રગટાવી. સંયમની પાળ તોડી તેણે આશકાને પાછળથી બાથ ભીડી, તેનાં જુલ્ફો સૂંઘતાં વેણ સરી ગયાં : ‘આઇ લવ યુ, આશકા!’

આશકાને આરવની નજરનો અણસાર હતો, પણ પોતાને આલિંગવાની ધૃષ્ટતા આચરી બેસશે એવું ધાર્યું નહોતું! તોય દોસ્તીદાવે તેણે ધૈર્ય રાખ્યું, ‘લીવ મી, આરવ,’ તેનો સ્વર શાંત હતો.

‘અંહ! સે, યુ લવ મી ટૂ!’ આરવે ભીંસ વધારી.

‘આ-ર-વ, પ્લીઝ. હોઠ કરડતી આશકાએ તેના હાથના અંકોડા છોડવા ઇચ્છ્યા.

‘કેમ, તને આ બધું નથી ગમતું!’ આરવના ભીના હોઠ આશકાની ગરદનને અડ્યા ન અડ્યા કે આશકાની ધીરજ ખૂટી, ‘ઇનફ, આરવ! પ્રીતમાં જબરદસ્તી ન હોય.’

તેના આવેશે આરવ સહેજ ડઘાયો. આપોઆપ પકડ છૂટી.

‘આઇ ઍમ સૉરી, આરવ,’ આશકાએ સ્વર સંયત રાખ્યો, ‘હું તને મિત્રથી વિશેષ માનતી નથી, નૉટ ઍટલીસ્ટ ઍટ પ્રેઝન્ટ.’

‘વાય!’ આરવે તેને બાવડેથી પકડી, ‘કમી શું છે મારામાં? તારા જેટલો શ્રીમંત નથી, એટલું જને? બટ, ટેક માય વર્ડ્સ, આશકા, અમીરીને હું મારાં ચરણોમાં આળોટતી કરી દઈશ...’

બાય હૂક ઍર ક્રૂક! આશકાના દિમાગમાં પડઘો પડ્યો : ‘તારી આ જ ઘેલછા મને તારાથી દૂર રાખે છે, આરવ, લક્ષ્મી માટે ગમે એ હદે જનારો પુરુષ કદી મારી પસંદ ન હોય!’

‘કે પછી તારું મન બુઢ્ઢા અમરનાથમાં ચોંટ્યું છે?’

આમાં પ્રેમીની ઈર્ષા ઉપરાંત બીજું તત્વ પણ હતું - સિદ્ધપુરુષની અદેખાઈ!

‘શરમ કરો, આરવ, મારા ગુરુજન, પિતાતુલ્ય... આશકાનું વાક્ય પૂરું થાય એ પહેલાં આરવે તેને બાથમાં ભીંસી, ‘બહુ થઈ તારી સફાઈ, આજે હું તને મારી કરીને રહેવાનો!’

આંખો મીંચી આશકાએ શ્વાસ ઘૂંટ્યો, પછી જોરથી ધક્કો દઈ અળગા થતાં આરવના ગાલે તમાચો વીંઝ્યો, ‘હાઉ ડૅર યુ!’

તમાચાની ગુંજ સાથે ત્રાટકેલી વીજળીના પ્રકાશમાં તેમણે જોયું હોત તો કચેરી બંધ હોવાને કારણે વહેલા પરત થયેલા અમરનાથની હાજરી ઝાંપે કળાઈ જાત!

આખા દૃશ્યના સાક્ષી બનેલા અમરનાથને એવું લાગ્યું, જાણે ભૂતકાળનું પુનરાવર્તન થઈ રહ્યું હોય! વરસો અગાઉ આવી જ એક વરસાદી સાંજ હતી. આમ જ બે વિજાતીય પાત્રો વચ્ચે પ્રણયનો સ્વીકાર-અસ્વીકાર થયો હતો, અને પછી...

(ક્રમશ:)


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK