કથા-સપ્તાહ - શોધ-સંશોધન (કાળના ગર્ભમાં - ૨ )

Published: 6th November, 2012 07:45 IST

વાઇવા (મૌખિક પરીક્ષા)ના એક્ઝામિનરનું નામ સાંભળતાં જ આશકા હરખભેર બોલી પડી, ‘તેમને તો હું જાણું છું!’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3


‘અમરનાથ શાહ!’

વાઇવા (મૌખિક પરીક્ષા)ના એક્ઝામિનરનું નામ સાંભળતાં જ આશકા હરખભેર બોલી પડી, ‘તેમને તો હું જાણું છું!’

‘ચલો ફિર તો તુમ્હારા પહેલા નંબર પક્કા!’ મોહિતે ફટકો માર્યો.

કૅમ્પસના ચોગાનમાં આખું ગ્રુપ ભેગું થયું હતું. આશકા જોડે બધાને ફાવે. સુંદરતામાં તો તે બેમિસાલ હતી જ, બુદ્ધિપ્રતિભા તેને આત્મવિશ્વાસુ બનાવતી. કોઈ તેને છીછરી નજરે જોવાની હિંમત કરી શકતું નહીં. ત્યાં સુધી કે આરવ જોડે તેનું નામ સાંકળવાની ગુસ્તાખીથી પણ સૌ દૂર રહેતા. જોકે મોહિતે કરી એવી મસ્તી-મજાક તો થઈ જ શકતી, બાકી આશકાની કાબેલિયત નિ:સંદેહ હતી.

‘તું અમરનાથને જાણે છે?’ આરવે મુખ્ય મુદ્દો પકડ્યો, ‘હાઉ?’

આરવના પ્રશ્નમાં આછી અદેખાઈ હતી. કૉલેજકાળનો અંત નજીક આવતો હતો એમ આરવને ખુદને પોતાની લાગણી સ્પષ્ટ થતી હતી. ખાસ કરીને ફાઇનલ પ્રોજેક્ટના ત્રણ મહિના દરમ્યાન સતત સાંપડેલા આશકના સહેવાસે આરવના હૈયાને ઝંકૃત કર્યું હતું. તે પોતે કમ ખૂબસૂરત નહોતો, ઘરે વિધવા મા સપનું પંપાળતી : તું ભણીને નોકરીએ લાગ એટલે તારાં લગન લઈ લેવાની છું!

છેલ્લી રજાઓમાં મા આમ કહેતી ત્યારે આરવના ચિત્તમાં આશકા ઝબકી જતી. માને કહેવાનું મન થતું : મારી જોડે તો આશકા જેવી રૂપસુંદરી જ શોભે!

‘બહુ નિભાવી મેં ઘરસંસારની જવાબદારી, થોડા ઢસરડા હવે વહુને પણ કરવા દે!’ માના વાક્યે વાસ્તવિકતા ભોંકાતી, ઢસરડા શબ્દ છાતીસોંસરવો ઊતરી જતો.

આરવના સદગત્ પિતાની સ્થિતિ સાધારણ હતી, ખપ પૂરતા રાચરચીલાવાળું વડિલોપાર્જિત મકાન ખખડેલી હાલતમાં હતું. મા બિચારી બે છેડા ભેગા કરવામાં હાંફી જતી, ત્યાં જંકફુડ કે સાઇકલની લક્ઝરી ક્યાંથી સાંપડી શકે? આરવને થતું, ક્યારે પોતે મોટો થાય ને ઘરમાં લક્ષ્મી આળોટતી થાય!

મોટા થયા પછી સમજાયું કે બે પાંદડે થવું રમતવાત નથી. એમાંય સીધા રસ્તે તો સહેજે નહીં! તેની આકાંક્ષા વળ ખાતી : જીવનમાં શ્રીમંત તો બનવું જ - પછી જે રસ્તે બનાય એ રસ્તે.

પુરાતત્વમાં તેને રસ હતો, પરંતુ ડિગ્રી પછી સરકારી નોકરી મળી જાય તો પણ તેનાથી ગાડી-બંગલા ઓછાં થવાનાં?

અમીરાતની ક્લુ ક્યાંકથી તો મળશે - આરવ ખુદને આશ્વસ્ત કરતો. પોતાની મહત્વાકાંક્ષા અનાયાસે આશકા તરફ જાહેર થઈ એનો કોઈ પ્રત્યાઘાત આશકાએ પાઠવ્યો નહોતો, કદાચ તેના ધ્યાન પર પણ નહીં આવ્યું હોય એમ માની મન મનાવનાર આરવ ફરી આવું ન થાય એ માટે સાવધ રહેતો, આશકા પ્રત્યેનું આકર્ષણ સમજ્યા પછી તો ખાસ : મૂલ્યોમાં માનનારી આશકાને મારી આકાંક્ષા ખટકવી ન જોઈએ! આશકા માટે મારી ફીલિંગ્સ જેન્યુઇન છે, શ્રીમંત કન્યાને પરણી અમીર થવાનો આમાં શૉર્ટકટ નથી... વાઇવા માટે કાનપુરથી નીકળતી વેળા દૃઢ કરેલું કે છૂટાં પડતાં પહેલાં આશકાને મારું અંતર દેખાડી દઈશ, મોટા ભાગે તો તેની ‘ના’ નહીં જ હોય, આખરે શું કમી છે મારામાં? ધનની અછતને આશકા જેવી સુશીલ કન્યા ન જ ગણકારે એની આરવને ખાતરી હતી.

એકરાર માટે પરીક્ષાના અંતિમ દિનની રાહ જોતો આરવ આશકાના ઉમંગે અલર્ટ બન્યો, રખેને અમરનાથ જુવાન હોય ને આશકા એ રીતે તેમને ઓળખતી હોય! પાછાં બન્ને ગુજરાતી.

અસુરક્ષાની ભાવના માનવીને હાંફળો બનાવી દે એ આનું નામ, આરવ જેવા હોનહાર વિદ્યાર્થીને પણ ઝબકારો ન થયો કે વરસોથી આર્કિયોલૉજીની જર્નલ્સમાં રિસર્ચ પેપર રજૂ કરતા અમરનાથ અમારી વયજૂથના હોઈ જ ન શકે!

‘આઠેક વરસ અગાઉ અમે આગ્રામાં ભટકાયેલાં...’ આશકાએ પ્રસંગ વાગોળ્યો.

‘ઓહ, યા ‘બિહાઇન્ડ ધ તાજ’ તો મેં પણ વાંચી છે.’ આરવે ટહુકો પૂર્યો. રાહત વર્તાઈ : એ વેળા ચાલીસેકનો દેખાતો પુરુષ હવે તો પચાસીમાં પ્રવેશને આરે હશે, આશકાથી ડબલ ઉંમરનો!

‘હી ઇઝ બ્રિલિયન્ટ ઇન હિઝ વર્ક,’ શિખાએ માહિતી શૅર કરી, ‘અગાઉ તેઓ ગેસ્ટ-લેક્ચરર તરીકે પણ આપણી કૉલેજમાં આવતા. ઇન્ડુઝ વૅલી સિવિલાઇઝેશનમાં તેમની સ્પેશ્યલિટી છે.’

‘અફર્કોસ,’ આરવની દિમાગબારી ખૂલી ગઈ, ‘આપણા ફીલ્ડમાં તેમનું નામ જાણીતું હોવાનું હવે સાંભરે છે. આશકા, તેં કદી કહ્યું નહીં કે...’

‘કહેવા-ન કહેવાનો હિસાબ બાજુએ રાખો,’ અખિલ વચ્ચે કૂદ્યો, ‘સો વાતની એક વાત, શાહસાહેબ પાસે તારી લાગવગ વાપરી અમને પાસ કરાવી દેજે, હોં આશકા!’

સાંભળીને આશકા હસી પડી, આરવ મુગ્ધનેત્રે તેનું રૂપ પી રહ્યો.

€ € €

‘હું બે દિવસ માટે દિલ્હી જાઉં છું, વીરસિંહ, અહીંનું તમે સંભાળી લેજો.’

અમરનાથના આદેશે રખેવાળ વીરસિંહે અદબભેર શીશ ઝુકાવ્યું. બાકી કચ્છના રણના ઉંબરે ઊભેલા મકાનમાં સંભળવા જેવી કઈ દોલત હતી! રામ જાણે, મીઠા લાગતા સાહેબ ખારા રણમાં દિનરાત શું ખોજતા હશે!

સાત વરસ અગાઉ પચ્છમ બેટના ખાવડા ગામથી અંતરિયાળ આવેલા માંડુ ગામે ખોરડું ખરીદી અમરનાથ અહીં વસ્યા, ત્યારનો વીરસિંહ તેમની સેવામાં છે. છૂટાછવાયાં, બાર-પંદર ખોરડાંનું ગામ, ગણ્યાંગાંઠ્યાં માનવમાથાં અને ઢોર-ઢાંખર સિવાય વસ્તીના નામે સૂનકારો, છળી પડાય એવી નર્જિનતામાં શહેરનો ભણેલોગણેલો આદમી શું કામ આવ્યો હશે?

‘અહીં ક્યાંક એક આખું નગર છુપાયું છે, વીરસિંહ, આપણે એ શોધી કાઢવાનું છે.’

અમરનાથ સરળ શબ્દોમાં સમજ આપતા, કચ્છી બોલી જ જાણતા વીરસિંહને સાહેબનું ગુજરાતી પણ સમજાતું નહીં!

પરંતુ અમરનાથ ઉત્સાહી હતા.

મૂળે અમદાવાદના ગર્ભશ્રીમંત પરિવારના અમરનાથે ધરતીકંપમાં પોતાના પેરન્ટ્સ ગુમાવ્યા, મહેલ જેવા આવાસને માટીમાં ભળતો જોયો ત્યારે ઉંમર હતી તેર વરસ, ધરતીનું પેટાળ આવું તો કંઈકેટલું સમાવીને બેઠું હશે! મનમાં વિચારો ચાલ્યા એમાંથી પુરાતત્વવિદ્ બનવાનો અભરખો જાગ્યો, પછી તો એ ઝંખના તેમનું પૅશન બની ગઈ. ભણતર દરમ્યાન જ સિંધુતટે પાંગરેલી હડપ્પન સંસ્કૃતિમાં રસ પડ્યો.

માનવસંસ્કૃતિ નદીકિનારે વિકસી હોવાનું તારણ નીકળ્યાં પછી ઓગણીસમી સદીમાં આ વિષય પર અનેક શોધખોળ થઈ. એશિયાની સૌથી પુરાણી હડપ્પન સંસ્કૃતિ (અથવા ઇન્ડુઝ વૅલી સિવિલાઇઝેશન) હોવાનું પુરવાર થયું, સાથે હડપ્પા, મોહેંજો-દડો, લોથલ જેવાં કાળક્રમે નાશ પામેલાં નગરો પણ શોધાયાં.

હડપ્પન સંસ્કૃતિનો ફાંટો કચ્છ સુધી લંબાયાનું ૧૯૬૭માં જે. પી. જોશીજીએ શોધ્યું, જેના આધારે ભચાઉ તાલુકામાં ધોળાવીરા ગામ મળી આવ્યું. ભારત સરકાર અધિકૃત આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા તરફથી ૧૯૯૦થી ૨૦૦૫ દરમ્યાન હાથ ધરાયેલા ખોદકામ (એક્સક્વેશન) પ્રોગ્રામમાં એક તબક્કે અમરનાથ પણ ટીમને લીડ કરી ચૂક્યા હતા.

આ દરમ્યાન આવ્યો ૨૦૦૧નો ભૂકંપ, જેણે ભચાઉને અવશેષહીન બનાવી દીધું... અમરનાથનો જૂનો ઘા તાજો થયો. પુરાતત્વના  ફીલ્ડમાં પોતે ખૂબ કામ કર્યું, પરંતુ એક નગર શોધવાનું પોતાનું જીવનસ્વપ્ન તો અધૂરું જને!

અમરનાથે નોકરી-નિગમમાંથી જાતને સેરવી લીધી. તેમની અમીરાત અકબંધ હતી, તેમણે દેશભરમાં રઝળપાટ આદરી, ત્યાં ભૂકંપને કારણે રણમાં લુપ્ત થયેલી સરસ્વતી નદીનાં વહેણ ફરીથી મળ્યાંના ખબર છપાયા. અમરનાથને આમાં પોતાનું ધ્યેય દેખાયું : શા માટે કચ્છના રણમાં જ સંશોધન ન કરવું! વતનનું ઋણ આ રીતે પણ ફેડી શકાય...

ચાલીસીમાં પ્રવેશી ચૂકેલા હોવા છતાં જોમભેર તે મંડી પડ્યા. સામાન્યપણે આવી શોધખોળના ત્રણ તબક્કા હોય છે. એક, જે-તે સ્થળનો સર્વે. અનેકવિધ સાધનો, ઉપકરણો અને પૃથક્કરણથી આકાર પામતી તપાસ સંશોધનનો સૌથી લાંબો અને નિર્ણાયક તબક્કો છે. આનાં પરિણામ પ્રોત્સાહક જણાય તો એક્સક્વેશનનું બીજું પગથિયું ચડાય,

જે સૌથી ખર્ચાળ છે. છેલ્લા ક્રમે ખોદકામથી મળતા અવશેષોનું ઍનૅલિસિસ કરી પ્રાપ્ત માહિતી પ્રકાશિત કરવાનું કાર્ય રહે છે.

જુદા-જુદા સંદર્ભગ્રંથો, સૅટેલાઇટ પિક્ચર્સના અભ્યાસ પરથી અમરનાથ એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે પચ્છમ બેટ વિસ્તારમાં ક્યાંક પુરાણી નગરી ‘માનવા’નાં નિશાન મળવાં જોઈએ. પુરાતત્વવિદનું કામ ઘણી વાર ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું હોય છે. તેમના રિસર્ચમાં બે-પાંચ વરસોની તો કોઈ ગણતરી જ નથી!

અમરનાથને એની પરવા ક્યાં હતી? જરૂરી પરવાનગી લઈ તેમણે માંડુમાં ડેરા તાણ્યા.

ઊંટ સિવાય અહીં બીજું ટ્રાન્સર્પોટ નહોતું, પાણીને અમૃતની જેમ સાચવીને વાપરવાનું, સોલર પ્લાન્ટ નાખી તેમણે વીજળીની સગવડ ઊભી કરી, લાઇટ, પંખા કે એસી માટે નહીં, લૅપટૉપ, મોબાઇલ જેવાં સાધનોના વપરાશ માટે! કચ્છની વિષમ આબોહવા તેમને સદી ગઈ, રણની આંધીનો માર પણ તેમણે ખમી જાણ્યો. સાઇટ સર્વેનાં એકઠાં કરેલાં સૅમ્પલ્સનો રિપોર્ટ હકારાત્મક આવે ત્યારે ઝૂમી ઊઠતા અમરનાથ ફેલના રિઝલ્ટથી નિરાશ થતા નહીં : વીરસિંહ પાસે ગામઠી ગીતો શીખી શકવા જેટલા હળવા પણ તે રહી શકતા.

અહીં ઝાઝો ભપકો નહોતો, રોટલા-દહીનું સાદું જમણ મીઠું  લાગતું, વીરસિંહની ચાકરીમાં કહેવાપણું નહોતું. રેફરન્સના લાઇબ્રેરી વર્ક માટે કે પછી સૅમ્પલ્સ પહોંચાડવા તેમને અમદાવાદ-પુણે-દિલ્હીના ચકરાવા થતા. આ નામો સાથે વરીસિંહને નિસ્બત નહોતી, સાહેબ થોડા દા’ડા શૈર જવાના એટલું તે સમજી જતો. પોતાનું લૅપટૉપ અમરનાથ રેઢું મૂકતા નહીં. તેમના રિસર્ચની પ્રત્યેક ડીટેલ્સ, ડેટા એમાં સ્ટોર થયેલો રહેતો. પ્રિન્ટ કરેલો ડેટા વ્યવસ્થિત ફાઇલ કરીને કબાટમાં મૂકતા, શહેરની મુલાકાતોમાં નોંધપોથીથી માંડીને કોરા કાગળ ખરીદવાની ચીવટ દાખવવી પડતી. અમદાવાદના ઘરે પણ આંટોફેરો કરવાનો રહેતો... કામનું ભારણ હોવા છતાં મદદનીશ રાખવાની કદી ઇચ્છા નહોતી થઈ. પ્રવૃત્ત રહેવું તેમને ગમતું.

‘સાહેબ, તમારી ઘરવાળી નથી?’

અમરનાથ ધીરે-ધીરે લોકબોલી શીખી ગયેલા. વીરસિંહનો નિર્દોષ પ્રશ્ન તેમને મલકાવી જતો : મારું કામ જ મારી અર્ધાંગિની!

આ જવાબ આમ જુઓ તો અડધો સાચો હતો. કામ તેમની પહેલી પ્રીત હતી. બાકીનું અડધું સચ અમરનાથ ઊપસવા દેતા નહીં, કેમ કે એમાં વીસરવા યોગ્ય ભૂતકાળ છલકાઈ જવાની ભીતિ હતી!

એક એવું નામ, એક એવી ઔરત, જેને ભૂલવામાં જ મજા હતી!

ત્રીસેકના થયેલા વીરસિંહને અમરનાથના જવાબમાં ઝાઝું કંઈ પલ્લે પડતું નહીં. સાહેબના ઉજાગરાને તે ચાની પ્યાલીથી જાળવી લેતો.

પોતાના ડ્રીમ પ્રોજેક્ટની વ્યસ્તતામાં અમરનાથ અન્ય કોઈ અપૉઇન્ટમેન્ટ સ્વીકારતા નહીં, પરંતુ ઇન્સ્ટિટ્યુટ તરફથી વાઇવા લેવાનું નિમંત્રણ ટાળી ન શક્યા, એમાં એક લાલચ પણ ખરી.

સાત-સાત વરસની મહેનત રંગ આપે એ ઘડી ઢૂંકડી લાગતી હતી. ગયા મહિને પુણેની લૅબોરેટરીમાં મોકલેલાં સૅમ્પલ્સનું રિઝલ્ટ પૉઝિટિવ આવે તો નગર ‘માનવા’ના અસ્તિત્વ બાબત શક રહેવાનો નહોતો અને એક્સક્વેશનની તૈયારી શરૂ કરવાની હતી, જેમાં અસિસ્ટન્ટની આવશ્યકતા પડવાની! વાઇવામાં કોઈ વિદ્યાર્થી હોંશીલો જણાયો તો તેને આકર્ષક ઑફરથી હાયર કરવાની તેમની મનસા હતી... એથી તો દરેકના પ્રોજેક્ટ પર તેમણે પૂરતું ધ્યાન આપ્યું હતું. એમાં આશકા મહેતા અને આરવ શર્માનો રિપોર્ટ બહુ પ્રૉમિસિંગ લાગ્યો હતો. બાકી તો નીવડ્યે વખાણાય!

વીરસિંહને દેવાની સૂચના આપી અમરનાથ નીકળતા હતા ત્યાં મોબાઇલ રણક્યો. પુણેથી ફોન હતો. યસ, રિપોર્ટ પૉઝિટિવ હતો. ઊછળતા અમરનાથ સૈકાઓથી રેતીમાં દટાયેલી નગરીને કલ્પનામાં ઉજાગર થતી નિહાળી રહ્યા!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK