કથા-સપ્તાહ - સીક્રેટ મિશન (જીવનસંગ્રામ - 3)

Published: 19th December, 2012 05:59 IST

અન્ય કોઈ પણ હૉસ્પિટલની જેમ આર્થર રોડ જેલ-હૉસ્પિટલમાં પણ ઇમર્જન્સી વૉર્ડ હતો જ, પરંતુ પેશન્ટને કવખતે દાખલ કરવો પડે એવી અર્જન્સી અહીં ભાગ્યે જ ઉદ્ભવતી. નોકરીમાં જોડાયાનાં ત્રણ વરસોમાં તાનિયાને આનો એક જ અનુભવ થયેલો.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  | 


જન્મટીપની સજા ભોગવતા ચાલીસેક વરસના બાંકેલાલને ઍપેન્ડિક્સનો દુખાવો ઊપડતાં મળસ્કે તેને દવાખાને લઈ આવેલા ત્યારે થોડી દોડાદોડી થયેલી. બાકી એકંદરે કામકાજ ઠંડું રહેતું. ક્યારેક માથાફરેલ કે વગધારી કેદી બીમારીનું બહાનું કરી હૉસ્પિટલમાં આરામ ફરમાવે એવા પ્રસંગે કચવાતા મને તાનિયા આંખ આડા કાન કરતી.

પોલીસ-ગુનેગારની સાઠગાંઠમાં હૉસ્પિટલને સાંકળી પોતે મૅનેજમેન્ટની આંખે ચડવા નહોતી માગતી: મારો સત્યાગ્રહ કાસિમ વિશેના મિશનમાં રુકાવટ જેવો બની રહે!

રામ જાણે, આજે શાની ઇમર્જન્સી આવી હશે!

તાનિયાએ ફટાફટ તૈયાર થવા માંડ્યું. અમરને ફોન જોડીને જાણ કરી. ‘પાળીની કુલ ત્રણ નર્સ ત્યાં મોજૂદ હોવા છતાં ડૉ. નાડકર્ણીએ તને કેમ તેડાવી હશે?’ અમરના સ્વરમાં શંકા સળવળી.

‘ચિંતા ન કર.’ તાનિયાથી મજાક થઈ ગઈ, ‘તેણે મને ડેટ પર નથી બોલાવી.’

પળવાર ચુપકીદી છવાઈ ગઈ. પાંત્રીસેકના ડૉ. નાડકર્ણી તાનિયાના સિનિયર તો ખરા જ, પાછા સિંગલ હતા એટલે તાનિયા અમરને ચીડવવાના ઇરાદે બોલી હતી. બાકી તે પોતે તો જાણતી કે ડૉક્ટરસાહેબ ઑલરેડી એક રિલેશનમાં કમિટેડ છે.

‘તાનિયા, આ પળે થાય છે કે આપણે તો કદી ડેટ પર ગયાં જ નહીં.’

અમરના બોલમાં જાણે જવાની વેડફાયાનો ભાવ ઊપસ્યો. ‘કેમ કે આપણા ધ્યેય આગળ બીજાં તમામ સુખ ક્ષુલ્લક છે, અમર...’

તાનિયાના વાક્યે ટકોરનું કામ કર્યું. અમર ભાવવિશ્વમાંથી બહાર આવ્યો, ‘તાનિયા અત્યારે રાતના અગિયાર થયા... હું તને મૂકવા આવું છું...’

‘ના, અમર, એમાં મોડું થશે. હું ટૅક્સીમાં નીકળી જઈશ. એમ કરજો, તમે મને લેવા આવી જજો.’ તાનિયાએ સૂચવ્યું. ‘હૉસ્પિટલની સિચુએશન જોઈ હું તમને એસએમએસ કરી દઈશ, એ પ્રમાણે નીકળજો.’

‘એઝ યુ સે.’ અમર ઉમેરવા જતો હતો કે આપણા મિશન બાબત મને કંઈક સૂઝ્યું છે. પછી વિચાર્યું તાનિયાને પિક-અપ દરમ્યાન સમજાવી દઈશ.

€ € €

ટૅક્સીનું બિલ ચૂકવી તાનિયા કમ્પાઉન્ડમાં દાખલ થઈ. પોતે નીકળ્યાંની ડૉક્ટરને જાણ કરી દીધેલી. જવાબમાં ડૉક્ટરે ‘હું તારી રાહ જોઉં છું’ એવું શા માટે કહ્યું હશે એ તાનિયાને નહોતું સમજાયું. પેશન્ટ ઇમર્જન્સી ટ્રીટમેન્ટ માટે આવ્યો હોય ત્યારે ડૉક્ટર નર્સ માટે ઓછો ખોટી થાય? જે હશે એ, હમણાં ખુલાસો થઈ જવાનો...

હૉસ્પિટલના બિલ્ડિંગનાં પગથિયાં ચડતી તાનિયાએ ડ્રેસનો દુપટ્ટો સરખો કર્યો. ઠંડીમાં સ્વેટર પહેર્યું હોત તો સારું થાત એમ વિચારતી તે ચેન્જરૂમ તરફ વળી કે, ‘તાનિયા યુનિફૉર્મ બદલવાની જરૂર નથી’ એને જોતાં જ ડૉ. નાડકર્ણી સામેથી આવ્યા, ‘આપણી મેડિકલ કિટ લઈ લે. બ્લડ-યુરિનનાં સૅમ્પલ્સ માટેની બૉટલ્સ ખાસ મૂકજે. સ્ટેથોસ્કોપ મેં ગળે ભેરવ્યું છે. યસ, બ્લડપ્રેશર માપવાનું ઇન્સ્ટુમેન્ટ પણ લઈ રાખ.’

ત્યારે તાનિયાને ખ્યાલ આવ્યો કે દરદી હૉસ્પિટલમાં નથી, ડૉક્ટરે દરદી પાસે જવાનું છે! ક્યારેક જ આવું થતું. હૉસ્પિટલની બારીમાંથી જેલનું ચોગાન દેખાતું. એ દુનિયા સાવ નવી નહોતી તાનિયા માટે.

‘કોણ બીમાર પડ્યું છે સર?’ મને શું કામ બોલાવી એમ પૂછવાને બદલે તાનિયાએ કન્સર્ન જતાવી. ‘બપોરે ચાર વાગ્યે હું મારી ડ્યુટી પતાવીને ગઈ ત્યાં સુધી તો આવી કોઈ વાત નહોતી.’

‘થોડી ધીરજ ધર. હમણાં ખબર પડી જશે.’ નાડકર્ણીએ આસપાસ જોઈ ફૂંક મારી. ‘હૉસ્પિટલમાં સૌને એમ જ ખબર છે કે આપણે જેલરસાહેબના ક્વૉર્ટર પર તેમની વાઇફને તપાસવા જઈએ છીએ.’

તાનિયા ચોંકી. આવું જૂઠ શું કામ?

‘સિસ્ટર દાંડીકરે તો કહ્યુંય ખરું કે ડૉક્ટર, હું તમારી જોડે આવીશ. બિચારી તાનિયાને શું કામ તકલીફ આપો છો! પરંતુ હૉસ્પિટલની કુશળ નર્સ તરીકે મારે તને જ લઈ જવાની હોય.’

ભલે, પણ ક્યાં જવાનું છે એનો ફોડ તો પાડો! હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટર ધીરેન્દ્રસાહેબ રજા પર હતા. ચાર્જ ડૉ. નાડકર્ણીના હાથમાં હતો એટલે તેમને કોઈ ઝાઝું પૂછી કે કહી ન શકે, પણ એમ તો ચોખવટ કર્યા વિના તેમની જોડે નીકળી પડવું પણ મને નહીં પરવડે!

‘સર, પેશન્ટ છે કોણ?’

ડૉક્ટરે આમતેમ જોઈ પોતાના હોઠ  પર આંગળી મૂકી. શીશ... ઇટ્સ સીક્રેટ.

એ જ વખતે પોલીસજીપ છેવટના પગથિયાને અડીને ઊભી રહી. ‘અજિતરાયનો માણસ આવી ગયો.’

ડૉક્ટરે આટલું કહેતાં તાનિયાના સમગ્ર બદનમાં ઝણઝણાટી વ્યાપી ગઈ.

અજિતરાય! એ તો કાસિમની સિક્યૉરિટી સંભાળતા ઉપરી!

‘અજિતરાય બીમાર છે?’ તેણે બેવકૂફની જેમ પૂછ્યું.

તાનિયા કદી અજિતરાયની રૂબરૂ થઈ નહોતી. જેલ-હૉસ્પિટલ ન્યાળવાની અજિતરાયને જરૂર પણ ન હોય. ફોટોમાં અલબત્ત જોયેલા અને અમર દ્વારા જાણેલું કે પંચાસીમાં પ્રવેશેલા અજિતરાય સંસારમાં એકલવાયા છે. વર્સોવાની ખાડી આગળ વડીલોપાર્જિત બંગલીમાં રહે છે. કાસિમના મુખ્ય સુરક્ષાકર્મી તરીકે તેમને ઑફર થયેલી ઝેડ પ્લસ કૅટેગરીની સુરક્ષાવ્યવસ્થા તેમણે સ્વીકારી નહોતી - મારી રક્ષા હું ખુદ કરીશ. જો ન કરી શકું તો કાસિમને સેફ રાખવાના કામ માટે હું લાયક જ ન ગણાઉં! એ હિસાબે અજિતરાય પોતાની શરતે કામ કરનારા ગણાય. ગવર્નમેન્ટ જૉબમાં ભાગ્યે જ ચાલે એવો અભિગમ સ્વીકારાય એ જ તેમની કાબેલિયત અને પહોંચ સૂચવતાં હતાં.

શરૂમાં કાસિમને ક્યાં રખાયો છે એ વિશે અત્યંત ગુપ્તતા જળવાયેલી. પછી ઉચ્ચ સ્તરે નિર્ણય લેવાયો હશે એટલે આર્થરરોડ જેલના બન્કરમાં તેને કેદ કરાયાની જાણકારી પત્રકાર-પરિષદમાં વહેંચાઈ, અજિતરાય એટલા પૂરતું પ્રકાશમાં આવેલા... પછી આ વિશે ઝાઝું કંઈ છપાયું નહીં. આમજનતાની મેમરીમાં અજિતરાયનું નામ જીવિત પણ નહીં હોય આજે તો. બન્કરના માર્ગની ચોખવટ સ્વાભાવિકપણે નહોતી થઈ. જેલર સુધ્ધાંને બન્કર ક્યાં હોવા વિશે માહિતી નહોતી એની તો તાનિયા સાક્ષી છે.

‘તાનિયા?’ નાડકર્ણીના સાદે તે ઝબકી, ‘અજિતરાય માંદા હોય તો તેના ફૅમિલી ડૉક્ટરને બોલાવે...’

જીપમાં ગોઠવાઈ ડૉક્ટરે ધીમા સ્વરે સીક્રેટ ઑપન કર્યું, ‘આપણે તેમના સ્પેશ્યલ કેદીને જોવા જઈએ છીએ.’

‘હેં!’

તાનિયાનું હૈયું ધબકારો ચૂકી ગયું અને જીપ આંચકાભેર ઊપડી!

€ € €

‘બસ, હવે માત્ર બે મિનિટ.’

ડૉ. નાડકર્ણી અને તાનિયાની આંખે પટ્ટી હતી. બેઉનો ડાબો-જમણો હાથ પકડી તેમને દોરતા અજિતરાય વચ્ચે ચાલતા હતા. મેડિકલ કિટ લઈને કમાન્ડો તેમની પાછળ દોરતો હતો.

‘કહેવું પડે સાહેબ, ગજબની ભુલભુલામણી રાખી છે તમે.’

ડૉક્ટર બોલતા રહ્યા, જ્યારે તાનિયા મૂંગીમંતર હતી. કાસિમને મળવાની વાતે લોહી ધગી ઊઠ્યું હતું. મારાં મા-બાપનો કાતિલ નજર સામે હશે ત્યારે કોઈક રીતે અજિતરાયની ગન ઝડપીને તેને વીંધી નાખવાનો મોકો મળી જાય તો... અરે, આવો સહેજે અણસાર હોત તો બ્લડ લેવાની સિરિન્જમાં ઝેર ભરીને તેના જિસ્મમાં ઉતારવાની તૈયારી રાખી હોત!

ડૉક્ટર-તાનિયાને લેવા આવેલી જીપના ચાલકને કોઈએ કશું પૂછ્યું નહોતું. કદાચ તે બિચારો જાણતો પણ ન હોય કે અમને કેમ તેડાવ્યાં છે! અજિતરાયે ખુદ ડૉક્ટરને ફોન જોડીને તાકીદ કરી હતી. આ વિશે કોઈને કશું કહેશો નહીં. કાસિમને તાવ છે, માથું દુખવાની કમ્પ્લેઇન કરે છે એટલે મેડિકલ તપાસ જરૂરી બની છે. રાતના એકાંતમાં એની ફાવટ પણ રહેશે. નાડકર્ણીએ આ બધું તાનિયાને કહેવું હતું, પણ ડ્રાઇવરની હાજરી નડી. પાછા પોતે આગળ હતા અને તાનિયા પાછળ. તેમની નજર ચૂકવીને તાનિયાએ અમનને એસએમએસ કરી દીધેલો ખરો... થોડી વારે કૅથલિક શૈલીના બાંધકામવાળા મકાનના પ્રાંગણમાં ઊભી રહી. અજિતરાય પૉર્ચમાં જ ઊભા હતા. ‘વી વૉન્ટ વેસ્ટ ટાઇમ’ ડૉક્ટર-નર્સને આછા સ્મિતથી આવકારી અજિતરાયે આંગળી ચીંધી હતી.

‘મારી કાર તૈયાર છે. રઝાક, નર્સનો સામાન ડિકીમાં મૂકી દે.’

તાનિયાએ જોયું તો તેમને લાવનાર ડ્રાઇવર રઝાક મેડિકલ કિટ વાઇટ ઍમ્બેસેડરની ડિકીમાં મૂકી જીપ લઈ રવાના થઈ ગયો. પ્રાંગણમાં હવે તેઓ ત્રણ જ જણ રહ્યા. કાર બુલેટપ્રૂફ જ હોય. એના કાળા કાચને કારણે બહારથી અંદરનું ઝાંકી શકાય એમ નહોતું. ‘એક માળનું આ મકાન અમારી ઑફિસ તરીકે વપરાય છે.’ અજિતરાયે અમસ્તો જ ખુલાસો કયોર્, ‘અત્યારે પણ ઉપરની રૂમમાં કાસિમની બૅરેકનું લાઇવ નિહાળતી ચાર જણની ટુકડી બેઠી છે.’

તાનિયાને ત્યારે પહેલી વાર લાગ્યું હતું કે હવે કાસિમ મારી પહોંચમાં છે!

‘બિફોર વી પ્રોસીડ, એક નાનકડી ફૉર્માલિટી કરવી પડશે’ કહી અજિતરાયે જ ડૉક્ટર-તાનિયાની આંખે કાળી પટ્ટી ચડાવી હતી. ‘આ રસ્તો અમે કોઈને દેખાડતા નથી.’

તાનિયાને થોડું કઠ્યું પણ છૂટકો ક્યાં હતો? ડૉક્ટર આગળ બેઠા, તાનિયાને પાછળ બેસાડી અજિતરાય પોતે ડ્રાઇવિંગ-સીટ પર ગોઠવાયા. ‘હિયર વી સ્ટાર્ટ.’

સહપ્રવાસીઓને વાતોમાં મશગૂલ રાખી અજિતરાયે સમયની ગણતરી માંડવા ન દીધી એ ચતુર તાનિયા સમજી ગઈ. જિન્સ-શર્ટના કૅઝ્યુઅલ વેરમાં સજ્જ અજિતરાય સુપરકોપ જેવા જ સ્ફૂર્તિલા, વિલક્ષણ લાગ્યા. ડાબા-જમણા બેઉ પડખે તેમણે ગન રાખી હતી. તો શું તેમને બન્ને હાથે નિશાન લેવાની ફાવટ હશે? મે બી, કાસિમની નિગરાનીમાં જેવાતેવા આદમીને તો નહીં જ મુકાયો હોય!

‘આમ તો અબ્દુલ કાસિમની દર મહિને દાક્તરી તપાસ થાય છે. માંદગી પહેલી વાર આવી.’

અજિતરાયે ડૉક્ટરના નામનો ખુલાસો કર્યો નહીં, છતાં તાનિયાની જેમ નાડકર્ણી પણ પામી ગયા કે અમારા ધીરેન્દ્રસાહેબ જ ચેકિંગમાં જતા હોય, તેઓ પોતે સાયકિયાટ્રિસ્ટ પણ ખરાને!

એક વળાંકે કાર ઢાળ ઊતરતી લાગી ત્યારે તાનિયાએ અન્ડરગ્રાઉન્ડ જતાં હોવાનું અનુમાન કર્યું, પરંતુ એ સીધી ટનલ નહોતી. ઝિગઝેગમાં આઠેક મિનિટનું અંતર કારમાં વટાવી છેવટે હવે પગપાળા ચાલવાનું આવ્યું. ખરેખર તો તેઓ એક પછી બીજી બૅરેકમાંથી પસાર થતાં હતાં અને દરેક દ્વારે બબ્બે કમાન્ડો મશીનગન લઈને પહેરો ભરતા હતા.

‘વી હૅવ અરાઇવ્ડ.’ જરૂર કરતાં સહેજ મોટા અવાજે બોલી અજિતરાયે વારાફરથી બેઉની કાળી પટ્ટી હટાવી.

અંધકારમાં અટવાયેલી આંખો બે-ચાર પળે પ્રકાશથી ટેવાઈ. સાતેક ફૂટ ઊંચા ભોંયરામાં લાઇટનો ઝળહળાટ હતો. સામે લોખંડનું નાનું દ્વાર હતું જેમાં મોં નખાય એટલી હવાબારી હતી. દરવાજાની બીજી બાજુ હતો ત્રાસવાદી અબ્દુલ કાસિમ!

અજિતરાયે તાળું ખોલ્યું. આગળો સરકાવી દ્વાર હડસેલ્યું અને-

€ € €

‘કાન્ટ બિલીવ. સીઇંગ હીમ. હી ઇઝ ઇન. ડૉન્ટ કૉલ બૅક. વિલ લેટ યુ નો...’

તાનિયાના એસએમએસે અમરની ધડકન તેજ કરી દીધી. ‘હી’ એટલે અબ્દુલ કામિસ જ હોય... કેટલું અણધાર્યું. તાનિયા ત્યાં પહોંચીને ઉશ્કેરાટમાં કશુંક ઉંધુંચત્તું તો નહીં કરી બેસેને! ના, ના, તાનિયા તક વાપરી જાણશે, વેડફશે નહીં... તાનિયાને જેલ-હૉસ્પિટલમાં પ્લેસ કરવાની ચાલ છેવટે ફળી.

તાનિયા અબ્દુલ સુધી પહોંચી ચૂકી છે ત્યારે અજિતરાયની તપાસ મારે કરવી જોઈએ ખરી?

વિનવણી છતાં અજિતરાયે પોતાને તેમની ટીમમાં લીધો નહોતો. સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળી વાંકી કરો એ ન્યાયે અતીતને એમની કોઈક નબળી કડી શોધવાનું સૂઝ્યું હતું. જેના આધારે તેમનું નાક દબાવી કામિસ સુધી પહોંચવાની કેડી કંડારી શકાય... એક વાર આમને-સામને થયા પછી હું છું ને કાસિમ છે!

અજિતરાયને બ્લૅકમેઇલ કરી શકાય એવો કોઈ વીક પૉઇન્ટ હોય જ એમ ધારવું વધુપડતું ગણાય. તેમની કક્ષાના ઑફિસરને બ્લૅકમેઇલ કરવું લોઢાના ચણા ચાવવા જેવું ગણાય. એમ અજિતરાય બ્લૅકમેઇલને તાબે થાય એવી શક્યતા પણ ધૂંધળી જ ગણાય છતાં આ એક પગલું મંઝિલ સુધી પહોંચાડી શકે એમાં વજૂદ તો હતું જ. આ તર્ક પોતે તાનિયા સાથે ચર્ચવો હતો ત્યાં તે જ કાસિમ સુધી પહોંચી ગઈ! એના ફીડબૅકની રાહ જોવી કે પછી...

ધારો કે અમરે અજિતરાયને ત્યાં છાપો માર્યો હોત તો ડ્રેસિંગ મિરરનું ડ્રૉઅર એ જરૂર ખોલત. અને તો એમાં રહેલી તસવીર જોઈને તેની આંખો પહોળી થઈ જાત: તાનિયાનાં મમ્મી યામિનીબહેનનો ફોટો અજિતરાય પાસે ક્યાંથી!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK