કથા-સપ્તાહ - સીક્રેટ મિશન (જીવનસંગ્રામ - ૨)

Published: 18th December, 2012 06:10 IST

રાતે બાલ્કનીમાં ઊભેલી તાનિયાના રતુંબડા હોઠ અમરની યાદે સહેજ સ્મિતમાં મરક્યા અને પછી એ પ્રથમ મેળાપની સ્મૃતિમાં સરી પડી.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


અમરસિંહ જાડેજા.

રાતે બાલ્કનીમાં ઊભેલી તાનિયાના રતુંબડા હોઠ અમરની યાદે સહેજ સ્મિતમાં મરક્યા અને પછી એ પ્રથમ મેળાપની સ્મૃતિમાં સરી પડી.

૨૬/૧૨ના હુમલાને છ માસ વીતી ચૂક્યા હતા. બારમાના ઓછા પરિણામ પછી તાનિયા દિશાશૂન્ય હતી. રોજ સાંજે તાજ સમક્ષ જઈ પોતે શું પામવા માગે છે એય સમજાતું નહોતું. કદાચ પપ્પા-મમ્મીએ અંતિમ શ્વાસ લીધા એ સ્થળ તેને મન યાત્રાધામ બની ગયું હતું. એ પળોમાં પોતે કેમ નહોતી એનો વસવસો ઘૂંટાતો. પહેલાં ગોળી કોને વાગી હશે - પપ્પાને કે મમ્મીને? કેવી વેદના તેમણે અનુભવી હશે! તેમના નહીં સંભળાયેલા ચિત્કારો તાનિયાનું હૈયું વલોવતા. અંત સમયે તેમના ખયાલોમાં હું જ હોઈશ, કોઈ પણ જાતની નોટિસ વિના મને દુનિયામાં એકલી છોડી જવાનો ગમ પણ એટલો જ હશે... મને ડૉક્ટર બનતી જોવાનાં, મારાં લગ્નનાં તેમનાં અરમાન અધૂરાં રહ્યાં. કોના પાપે?

તાનિયાની ભીતર આક્રોશ ભભૂકતો. નરાધમ ત્રાસવાદીની ગોળી માત્ર એક જીવ જ નથી હરતી, એ જીવની સાથે જોડાયેલા કંઈ કેટલાંય જીવન મૃત:પાય કરી દેતી હોય છે! આનો ન્યાય કઈ અદાલતમાં તોળાય છે?

વિવશ થતી તાનિયાની પાંપણ માતા-પિતાની યાદે ભીની બનતી. ઉદાસીનું ભાથું વધુ ઘેરું કરી તે પરત થતી. એ સાંજે જરા જુદું બન્યું.

તાજને જોતાં એ થોડી ઇમોશનલ થઈ ત્યાં એક જુવાને સહેજ નિકટ સરી પૂછ્યું હતું, ‘૨૬/૧૨ને યાદ કરો છો?’

તાનિયા ટટ્ટાર થઈ. ૨૦-૨૨ વરસના જુવાનમાં પરિચિતતાનો અણસાર વર્તાયો. અરે, આને ક્યાંક જોયો છે, અહીં જ આસપાસ ક્યાંક...

‘હું તો તેની યાદ ઘૂંટવા જ રોજ અહીં આવું છું.’

ત્યારે તાનિયાને ક્લિક થયું કે પોતાની જેમ આ જુવાન પણ રોજ પાલવાની પાળે જ બેઠો હોય છે. તેની આંખોમાં પણ મારા જેવી જ ઉદાસી છે. લાગે છે તેણે પણ ૨૬/૧૨ની ચોટ ખાધી છે. તેને પણ મારી જેમ અહીં આવવાનું મન થાય એ કેવું! કદાચ તે પણ મારી જેમ અનાથ બન્યો હશે. તાજમાં તેણે પણ મા-બાપ ગુમાવ્યાં હશે. તાનિયાને સમદુખીયું મળ્યાંની લાગણી થઈ હતી.

‘તમે રણવીરસિંહનું નામ સાંભળ્યું હશે.’

‘અફર્કોસ.’ તાનિયાની કીકીમાં સળવળાટ સર્જાયેલો. ‘તાજના સિક્યૉરિટી ઑફિસર. તેમની કુનેહથી એક ત્રાસવાદી જીવતો ઝડપાયો એ કેમ ભુલાય?’

તાનિયાને આતંકી હુમલાની ઝીણામાં ઝીણી વિગત કંઠસ્થ હતી. અખબારી હેવાલનાં કટિંગ તે સાચવી રાખતી. ઘટનાનાં ટીવી ફુટેજની વિડિયો પણ તેણે ડાઉનલોડ કરી રાખેલી. આમ કરી પોતે વેર ઘૂંટી રહી છે એનો કદાચ તેને ખુદને ખ્યાલ નહીં હોય.

‘તાજના હુમલામાં મેં મા-બાપ ગુમાવ્યાં છે. રણવીરસિંહની શહીદી મારા જેવી માટે તો અદકેરી છે.’

‘એ મારા મોટા ભાઈ થાય.’ ઓળખ આપી અમરે પરિચય વિસ્તાર્યો હતો. ‘પેરન્ટ્સના દેહાંત બાદ સંસારમાં અમે બે ભાઈઓ જ હતા. મારી પરવરિશ ભાઈએ જ કરી. મને ઍરર્ફોસનો પાઇલટ બનાવવાની તમન્ના હતી તેમની, પણ હવે...’

કેવો જાલિમ હતો એ અધ્યાહાર!

‘ના, મોટાભાઈની શહીદીનો અફસોસ નથી મને, બલ્કે ગર્વ છે. બસ, તેમનું બલિદાન એળે ન જાય એ જ જોવાની મકસદ રાખી છે મેં.’

અમરના સ્વરની ઠંડકમાં ભડભડતી આગ હતી.

‘મારે ડૉક્ટર થવાનું હતું, પરંતુ ટકા જ ન આવ્યા.’ પોતાની કથા માંડતી તાનિયા ફીકું મલકેલી. ‘ખાનગી કૉલેજમાં દાખલો મળી શકે કદાચ, પણ કોેને માટે ડૉક્ટર થવું? જિંદગીનો રાહ ધૂંધળો છે. દિવસનું વીતવું સૂરજના ઊગવા-આથમવાની ઘટનાથી વિશેષ રહ્યું નથી... અહીં બેસું છું ત્યારે લાગે છે જાણે મમ્મી-પપ્પાના સાંનિધ્યમાં છું.’

‘હું મારા દરદને સળગતું રાખવા અહીં આવું છું, તાનિયા.’

એટલે?

‘ત્રાસવાદીને જીવતો ઝડપવાનું મહત્વ મોટાભાઈ જાણતા હતા. પોતે ઘાયલ હતા છતાં તેમણે અબ્દુલને ફાવવા નહોતો દીધો.’ અમરના હોઠ ભિડાયેલા. ‘પણ આપણું આ ભ્રષ્ટ તંત્ર અબ્દુલને છટકવાની ફેવર ન કરી આપે એની ધાસ્તી રહે છે. માનવ અધિકારના નામે તેને માફી તો ન અપાયને એવી ફડક થવી સ્વાભાવિક નથી?’

તાનિયાને પૉલિટ્કિસમાં બહુ ગતાગમ નહોતી, પણ આમ આદમી તરીકેનો અનુભવ અમરના વિધાનમાં સંમત થવા જ પ્રેરતો હતો. જનતાની યાદશક્તિ ટૂંકી હોય છે. આજે નહીં ને બે-ચાર વરસે કાસિમ છટકી જાય તો પબ્લિકમાં એની બહુ હોહા ન પણ થાય, કેમ કે ૨૬/૧૨નો ઓથાર ત્યારે ઓસરી ચૂક્યો હોય.

‘મેં નક્કી કર્યું છે.’

તાનિયા એકાગ્ર થઈ.

‘અબ્દુલનો ગુનો પુરવાર થઈ જાય, પાકિસ્તાનની સંડોવણી સાબિત થઈ જાય પછી જો તેને ફાંસી થવામાં ઢીલ થઈ તો હું તેને જીવતો નહીં છોડું. મારા ભાઈએ જેને જીવતો ઝડપ્યો તેને મારીને જ હું તેમનું તર્પણ કરી શકું.’

આથમતા સૂરજના રતાશવર્ણા પ્રકાશમાં અમરનો સોહામણો ચહેરો ક્રાંતિના સંકલ્પથી ઝગમગતો હતો.

‘અબ્દુલ એ ત્રાસવાદનું પ્રતીક છે જેણે મારાં માવતરને હણ્યાહ... તેને હણવામાં મારો સાથ તમે હંમેશાં માનજો, અમર.’ તાનિયાએ સંકલ્પમાં પૂર્તિ કરી. અને બસ, અબ્દુલ કાસિમ જ બેઉના જીવનનું એકમાત્ર લક્ષ્ય બની રહ્યો.

મૃતકોની યાદમાં દર વરસે થતી કૅન્ડલ-માર્ચમાં તેને રસ નહોતો. સરકારના કૉમ્પેન્સેશનની દરકાર નહોતી. કેસની જાહેર સુનાવણી થવાની નહોતી એટલે પ્રેસ રિલીઝ પર જ મદાર રાખવો પડતો. આતંકી અટૅકની ફૉલોઅપ સ્ટોરી કવર કરતા એક-બે પત્રકારો જોડે દોસ્તી રચી અમર શક્ય એટલું જાણવા મથતો. તાનિયા તમામ વિગતો ફાઇલ કરતી.

અબ્દુલને આર્થર રોડ જેલના અભેદ્ય બન્કરમાં રાખવામાં આવ્યો હોવાનું જાહેર હતું. તેના સિક્યૉરિટી ઇન્ચાર્જ જેવા અજિતરાય ગૃહપ્રધાનના વિશ્વાસુ હોવાની વિગત અમરે પત્રકાર મિત્ર દ્વારા જણી હતી. અબ્દુલ કાસિમ પાકિસ્તાની નાગરિક હોવાના દસ્તાવેજી પુરાવા મળ્યાં પછી ન્યાયના નામે તેને જીવતો રાખવામાં અમર-તાનિયાને ૨૬/૧૨ના હુમલામાં મરનાર તમામને અન્યાય થતો હોવાનું લાગતું.

‘જાતે ન્યાય તોળવા માટે આપણે એવું સ્થાન મેળવવું પડે જે ઑફિશ્યલી આપણને કાસિમની નજદીક રાખે.’

અમરનો તર્ક સચોટ હતો અને આનો ઉકેલ પણ અફલાતુન શોધ્યો હતો તેણે. એ અનુસાર નર્સિંગનું ભણી તાનિયાએ આર્થર રોડ જેલ હૉસ્પિટલમાં નોકરી મેળવી તો અમરે પોલીસની વર્દી પહેરી અજિતરાયનો વિશ્વાસ જીતવાના પ્રયાસો આદર્યા. દરમ્યાન કેસ સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચી ચૂક્યો હતો. નીચલી તમામ અદાલતે અબ્દુલને ફાંસીની સજા ફરમાવી હતી એટલી અમર-તાનિયાને રાહત હતી. કદાચ આપણે કાયદો હાથમાં લેવાની જરૂર ન પણ પડે!

આર્થર રોડ જેલના ચોગાનની પડખે આવેલી હૉસ્પિટલની ડ્યુટી તાનિયાને સદી ગઈ હતી. અહીંના દરદીઓ કોઈ ને કોઈ ગુના હેઠળ જેલમાં આવ્યા હોવાનું તે સારવાર દરમ્યાન ભૂલી જતી. પોતાના કસબમાં તાનિયા નિપુણ હતી. તાનિયાના વ્યક્તિત્વમાં કશુંક એવું તત્વ હતું કે શું દરદી કે શું ડૉક્ટર તેની જોડે અંતરંગ થતા અને એ છતાં એક ચોક્કસ અંતર રહેતું. શિફ્ટમાં તાનિયા હોય ત્યારે ડૉક્ટર્સ પણ નિરાંત અનુભવતા : તે બધું સંભાળી લેશે! બીજાનાં બે કામ કરવામાં તાનિયાને કદી નાનમ લાગતી નહીં. ડૉક્ટર્સ કદી સરકારી અભિગમ દાખવે ત્યારે નાકનું ટેરવું ચડાવવાથી દૂર રહેતી, કેમ કે પોતાના સ્વાર્થ ખાતર પણ તેણે સંબંધ સાચવવાના હતા- કોને ખબર, ક્યારે કોની કૃપાથી કાસિમ સુધી પહોંચાય! ક્યારેય કોઈનું બૂરું નહીં ઇચ્છનારી તાનિયા હૉસ્ટિપલનાં પગથિયાં ચડતી વેળા ફિંગર્સ ક્રૉસ કરતી હોય : કાશ, કાસિમની તબિયત બગડે ને તે હૉસ્પિટલમાં દાખલ થાય! આવું કદી બન્યું નહોતું એ વાત જુદી.

અબ્દુલ કાસિમ વિશે હૉસ્પિટલ સ્ટાફમાં ભાગ્યે જ કશી ચર્ચા થતી. તાનિયા સામેથી કદી તેની વાત ઉખેળતી નહીં. કોર્ટકેસના લેટેસ્ટ ન્યુઝ કોઈ વાર ચર્ચાય ત્યારે પણ આકરી પ્રતિક્રિયા આપવાનું ટાળતી : કાસિમ બાબત મારું અંતિમવાદી માનસ છતું થયું તો પણ હું તેની રૂબરૂ થવાનો ચાન્સ ગુમાવી બેસવાની! પોતે ૨૬/૧૨ના હુમલામાં પેરન્ટ્સ ગુમાવ્યા હોવાનો પણ તેણે ફોડ પાડ્યો નહોતો.

એવું જ અમર સાથેના સંબંધનું.

અબ્દુલ કાસિમ સામેનું વેર તાનિયા-અમરને નિકટ લાવ્યું. કાસિમ વિશે કંઈક નવું જાણવા મળે તો અમર અડધી રાતે પણ તાનિયાનો મોબાઇલ રણકાવતો. ઘરે આવી ચડતો. કદી તાનિયા વરલી ખાતે આવેલા અમરના બૅચલર હાઉસમાં જતી તો વાતો કરતાં સ્ત્રીસહજ રીતે તેનું અસ્તવ્યસ્ત ઘર ગોઠવવા મંડી જતી. ‘ખરા છો તમે. ધોવાનાં કપડાંનો ઢગલો છે. ફ્રિજ સાફ નથી, છાપું ફેલાવી રાખ્યું છે, દીવાનખંડની ટિપોઈ તો જગ્યાએ મૂકો.’

અમરને તેના હાથ ચૂમી લેવાનું મન થતું : તું છેને મારી જિંદગીને વ્યવસ્થિત રાખવાવાળી. આ શબ્દોને વાચા ભલે ન મળી હોય, આંખોમાં તો એ ઊમડતા જને! જેનાથી ન અમર અજાણ હતો ન તાનિયા. દરિયાકિનારે ઘૂમવાના કે પછી સાથે ફિલ્મ જોવાના રોમૅન્ટિક પ્રોગ્રામ બે વચ્ચે કદી નહોતા બન્યા, પરંતુ આથમતી સંધ્યામાં ઘરની બાલ્કનીએ ગોઠવાઈ ચાનો પ્યાલો શૅર કરવાની પળોમાં પ્રણય છલોછલ નહોતો એમ કોણ કહેશે? અમર આકર્ષક હતો, પોલીસ યુનિફૉર્મમાં તેની મરદાનગી મહેકી ઊઠતી. એમ તાનિયાનું સૌંદર્ય અમરને ઝંકૃત કરી જતું, પણ બે મટી એક થવાના કાર્યક્રમને બેઉએ જાણી-સમજીને આઘેરો રાખ્યો હતો : પહેલી પ્રાયૉરિટી કાસિમ સાથેના બદલાની!

બન્ને લગભગ રોજ મળતાં. દર વખતે કાસિમ જ નિમિત્ત હોય એ જરૂરી નહોતું. અંગત-બહારના વિશ્વની બીજી ઘણી વાતો થતી. તો ક્યારેક હોઠ ચૂપ રાખી બેઉ હૈયાને બોલવા દેતાં. ડ્યુટીના કલાકો ક્રૉસ થતા હોય ત્યારે અમર હૉસ્પિટલ આવી જતો. હૉસ્પિટલની કૅન્ટીનમાં ગપ્પાં-ગોષ્ઠિ માંડતાં. ઇન્સ્પેક્ટર જાડેજાને તાનિયાના બેસ્ટ ફ્રેન્ડ તરીકે હૉસ્પિટલ સ્ટાફ જાણતો પરંતુ સંબંધ દોસ્તીથી વિશેષ છે કે એવું પુછાતું કે મનાતું નહીં - તાનિયાના વ્યક્તિત્વના દમામને કારણે.

એક ધ્યેયે ભેગાં થયેલાં બે સમદુ:ખિયા એકમેકનો આધાર હતાં. એકબીજા માટે સર્વસ્વ હતાં. ત્રણ મહિના અગાઉ સુપ્રીમ કોર્ટનો ફેંસલો પણ આવી ગયો. કાસિમની ફાંસી કાયમ રહી. જોકે તેણે રાષ્ટ્રપતિને દયાની અરજી કરી હતી. પોતાનો જીવ તો બીજાના જીવ લેનાર ત્રાસવાદીને પણ વહાલો જ હોય છે.

‘આપણા રાષ્ટ્રપતિ પાસે દયાની બીજી ચોવીસ અરજી નર્ણિયની રાહ જોતી પેન્ડિંગ પડી છે. એ હિસાબે કાસિમનો ક્રમ આવતાં બીજા ૨૦-૨૫ વરસ લાગી જાય તો નવાઈ નહીં!’

દેશની ન્યાયપ્રણાલીની આ બલિહારી જ ગણાયને. બે વિદેશયાત્રા ઓછી કરી પહેલાં માથે ચડેલાં કામ પતાવીએ એવી સમજ દેશની પ્રથમ વ્યક્તિમાં ન હોય તો બાકીનામાં ક્યાંથી આવે!

‘નો, કાસિમ એટલું નહીં જીવે.’ અમરનાં જડબાં તંગ થયેલાં.

આંખની કીકીમાં નિશ્ચય ઝબૂક્યો. ‘તાનિયા, આપણું મિશન હવે શરૂ થાય છે - કાસિમની કતલ!’

પરંતુ કાસિમ સુધી પહોંચવું કઈ રીતે?

આ ત્રણ મહિનામાં અમર-તાનિયા અનેક પ્લૉટ વિચારી થાક્યાં હતાં, પણ દિશા સૂઝતી નહોતી.

ઇન્સ્પેક્ટર તરીકે અમરનો રેકૉર્ડ યશસ્વી હતો. કાસિમની સુરક્ષા-વ્યવસ્થા સંભાળતા અજિતરાય આ જવાબદારી પછી દેખીતી રીતે કોઈ થાણાના ઉપરી કે પોલીસર્ફોસના આગેવાન રહ્યા નહોતા, પણ પોતાની ટીમમાં જાંબાઝ અધિકારીને કમાન્ડો તરીકે અપૉઇન્ટ કરવાની તેમને સત્તા હતી. ખાતાના ફંક્શનમાં તેમને મળી. રણવીરસિંહના ભાઈ તરીકે પોતાની ઓળખ આપી અમર ‘તમારા જેવા બહાદુર અધિકારી સાથે કામ કરવું છે.’ નો ઇશારો આપી ચૂકેલો. પછીથી પણ તેમને મળવાની તક ઝડપી લેતો. અજિતરાય તેની ધગશને બિરદાવતા ખરા, પણ કાસિમની સુરક્ષા ટીમમાં લેવા બાબત મગનું નામ મરી પાડતા નથી!

વર્તમાનનું સંધાણ કરતી તાનિયાએ ઊનો નિ:શ્વાસ નાખ્યો. સાંભળ્યું છે કે માણસ હૃદયના ઊંડાણથી કશી ઝંખના કરે તો કુદરત એની પૂર્તિનો માર્ગ કંડારી આપે છે. જોઈએ અમારા મિશનનું શું થાય છે!

એ જ વખતે તાનિયાનો મોબાઇલ રણક્યો. હૉસ્પિટલથી ડૉ. નાડકર્ણીનો ફોન હતો. ‘તાનિયા, તાત્કાલિક આવી પહોંચ.’ તેમના સ્વરમાં થ્રિલ હતી. ‘ઇટ્સ મોસ્ટ અર્જન્ટ.’

ત્યારે તાનિયાને જાણ નહોતી કે આ એક કૉલ પોતાને કાસિમની રૂબરૂ કરી દેશે!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK