કથા-સપ્તાહ - સીક્રેટ મિશન (જીવનસંગ્રામ - ૧)

Published: 17th December, 2012 05:30 IST

ક્યાંક દૂરથી લતાનો સ્વર પડઘાયો. આપોઆપ તાનિયા મુખડું ગણગણવા લાગી : પપ્પાને આ ગીત કેટલું ગમતું! પપ્પા હસતાંય ખરા, ‘અમારા પહેલા મેળાપમાં તારી મમ્મીએ આ ગાણું ગાયું એમાં હું ક્લીન બોલ્ડ થઈ ગયેલો!’ મા ટહુકો પૂરતી, ‘એવી ખબર હોત તો મૂંગી રહેત!’ ને ઘરમાં હાસ્ય વિખેરાઈ જતું.અન્ય ભાગ વાંચો

1  |  2  |  


સમીત (પૂર્વેશ) શ્રોફ

‘એ દિલે નાદાં...’

ક્યાંક દૂરથી લતાનો સ્વર પડઘાયો. આપોઆપ તાનિયા મુખડું ગણગણવા લાગી : પપ્પાને આ ગીત કેટલું ગમતું! પપ્પા હસતાંય ખરા, ‘અમારા પહેલા મેળાપમાં તારી મમ્મીએ આ ગાણું ગાયું એમાં હું ક્લીન બોલ્ડ થઈ ગયેલો!’ મા ટહુકો પૂરતી, ‘એવી ખબર હોત તો મૂંગી રહેત!’ ને ઘરમાં હાસ્ય વિખેરાઈ જતું.

આજે ગીત એ છે, ઘર એ છે, હું એ છું, પણ સુખભર્યું એ હાસ્ય ક્યાં?

તાનિયાની આંખો ભીની બની ન બની ત્યાં યાદ આવ્યું. પપ્પા કહેતા : રડતાનું નસીબ પણ રડતું જ રહે, તાનિયા. આંસુ સારવાથી હૈયાનો ભાર ક્યારેક હળવો થતો હશે, બાકી દુ:ખ એથી જતું નથી ને સુખ આવતું નથી! ઈશ્વરે આપેલી જિંદગી સંગ્રામ જેવી છે, લડ્યા તો જીત્યા, રડ્યા તો હાર્યા.

ગુજરાતીના પ્રોફેસર પિતા પ્રસંગોપાત્ત આવી તો કંઈકેટલી ફિલસૂફી દીકરીને સમજાવતા. દાખલા-દલીલ એવાં સચોટ હોય કે સીધાં ગળે ઊતરી જાય. તાનિયાના વ્યક્તિત્વનું બંધારણ એથી મજબૂત થતું. કહેનારા કહેતા કે તાનિયામાં પિતાનું શાણપણ અને માતાનું રૂપ ઊતર્યું છે, તો એમાં અતિશયોક્તિ નહોતી. ‘બધા ભલે કહે મા, હું તારા જેટલી રૂપાળી તો નથી જ.’

દસમામાં ભણતી તાનિયા માને અરીસા સામે ઊભી રાખી સરખાવતી, ‘તારા ચહેરાની સુરખી જ કંઈક નિરાળી છે.’

જવાબમાં દીકરીના ગાલે હળવી ટપલી મારી યામિનીબહેન કહેતાં, ‘સંસારના સુખની આ સુરખી છે, તાનિયા... જેનો સુહાગ પ્રણયભીનો હોય, અને સંતાન હેતભર્યું એ સ્ત્રનું સૌંદર્ય એની મેળે નીખરવાનું!’

નીલેશભાઈ-યામિનીબહેનનાં અરેન્જ્ડ મૅરેજ હતાં, પણ લગ્ન પછી દંપતીમાં પાંગરેલો પ્રેમ અદ્ભુત હતો. સાચા અર્થમાં એ સહજીવન હતું. તાનિયાના આગમને બંધન ગાઢું કર્યું.

‘સાચું કહું, તાનિયા, મને પહેલાં ખોળે દીકરાની આશ હતી. કદાચ દરેક માને દીકરાની તો પિતાને દીકરીની અબળખા હોય એવું હોતું હશે. તારા આગમને હું ખુશ નહોતી એવું નહોતું, પણ પ્રથમ પ્રસૂતિના કૉમ્પ્લિકેશનને કારણે ફરી મને સંતાન નહીં અવતરે જાણી હું નિરાશ અવશ્ય હતી. પતિને વંશનો વારસ નહીં આપી શકું એવી જુનવાણી વિચારસરણી પણ ખરી.’

પછી શું થયું એ જાણતી હોવા છતાં તાનિયાને મા પાસે વારંવાર સાંભળવાનું ગમતું, ‘હું આવો લવારો કરતી તો નીલેશ મારી ઝાટકણી કાઢતા : મારે મન દીકરી સવાઈ છે, કદી દૂધપાન કરાવતી વખતે તેની આંખોમાં જોજે, એમાં વહાલ ઘૂઘવતું ન દેખાય તો જ ફરી આવો વિચાર કરજે...’ મા ઉમેરતી ‘નીલેશનો કીમિયો કારગત નીવડ્યો. મને ટગરટગર જોતી તું એવી વહાલી લાગી કે દીકરા-દીકરીના ભેદ ભૂંસાઈ ગયા, ખટકો ખંખેરાઈ ગયો. તું અમારા સુખનું, જીવનનું કેન્દ્ર બની ગઈ.’

ત્રણ જણનો સંસાર મધમીઠો હતો. માતા-પિતાના અસીમ હેતમાં દીકરી છકી ન જાય એવી સાવધાની પણ ખરી. મોટી થતી તાનિયાના રૂપમાં સંસ્કારનું ઊંડાણ ભળ્યું, તેનો આત્મવિશ્વાસ નીખરતો ગયો. ડૉક્ટર બનવાના એના સપનાને નીલેશભાઈ-યામિનીબહેને હોંશભેર આવકાર્યું હતું. તીક્ષ્ણ બુદ્ધિમત્તા ધરાવતી તાનિયા માટે મુંબઈની શ્રેષ્ઠ ગણાતી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવવાનો ગોલ મુશ્કેલ નહોતો. ‘કૉલેજનું વિશ્વ શાળાજીવનથી થોડું અલગ હોય છે, તાનિયા...’ ટ્વેલ્થમાં આવેલી દીકરીને યામિનીબહેન સમજાવતા, ‘એક તરફ યૌવનનું મંડાણ, બીજી બાજુ આભ આંબવાની તમન્ના, ત્રીજા છેડે જિંદગીને પોતાની રીતે માણવાની સજાગ થતી વૃત્તિ... વિદ્યાર્થી-અવસ્થાના આ ગોલ્ડન ડેઝને ભરપૂર માણજે, પણ મન દઈને, મન ગિરવે મૂકીને નહીં.’

માનું બિટવીન ધ લાઇન્સ દીકરીને સમજાઈ જતું. પોતાની લક્ષ્મણરેખા સુનિશ્ચિત હોવી જોઈએ અને એનું ઉલ્લંઘન નહીં કરવા સંયમની લગામ હાથવગી રાખો તો જિંદગીની ગાડી ક્યારેય પાટા પરથી ઊતરે નહીં!

‘તારી મમ્મીનો અનુભવ બોલે છે,’ મા-દીકરીની ચર્ચામાં ક્યારેક નીલેશભાઈ ઝુકાવતાં, ‘કૉલેજમાં યામિનીના દીવાના ઓછા નહોતા. ફૉર ઑબ્વિયસ રિઝન્સ. તેના જેવી બ્યુટી-ક્વીનને પામવાની ઘેલછા કોને ન હોય! અરે, એકાદે તો અમારા એન્ગેજમેન્ટ પછી યામિનીને પત્ર લખી પોતાની લાગણી જણાવી હતી, સગપણ તોડી તેનો પ્રેમ કબૂલવા આજીજી કરેલી...’

‘અચ્છા!’ તાનિયાએ આ પહેલી વખત જાણ્યું.

‘હવે તું જ વિચાર. આવા સંજોગોમાં આપણે આપણી જ લાગણીમાં ચોક્કસ ન હોઈએ, તો શું થાય! મારું માઇન્ડસેટ પહેલેથી જ એવું હતું કે હું જેની જોડે લગ્ન કરીશ, તેને જ પ્રેમ કરીશ... અને નીલેશને જાણ્યા-પામ્યા પછી તેમને તરછોડવાનો વિચાર જ અસહ્ય હતો. મારું હૈયું નીલેશ તરફ ઢળી ચૂક્યું હોય ત્યારે બીજા કોઈની પણ કાકલૂદી મને કેમ સ્પર્શે!’ યામિનીબહેન સાર તારવતાં ‘દુનિયા ભાત-ભાતના લોકોથી ભરી પડી છે, તાનિયા, દરેકને તમે ખુશ નહીં કરી શકો, આપણું સુખ સાચવવા ક્યારેક સ્વાર્થી પણ બનવું પડે.’

મા-બાપની શીખ-શિખામણ તાનિયાનું માનસ ઘડતી. તેમનું દામ્પત્ય તાનિયા માટે આદર્શરૂપ હતું. બારમામાં વહેલી ઊઠીને વાંચતી ત્યારે પપ્પા કડક મજાની ચા બનાવી આપતા. મા તેને બિસ્કિટનાં કોળિયા ભરાવતી. એ વરસ પૂરતું તાનિયાએ પોતાને સોશ્યલી ઇનઍક્ટિવ કરી મૂકેલી. આમેય આ ઉંમરમાં સામાજિક વ્યવહારો કંટાળાજનક લાગતા હોય.

અને એટલે જ કદાચ તેનો જીવ બચ્યો.

આભમાં નજર ફેરવતી તાનિયાએ નિ:શ્વાસ નાખ્યો.

છ વરસ અગાઉની, ૨૬ ડિસેમ્બરની રાત.

પપ્પાના કલીગના દીકરીનું રિસેપ્શન તાજમાં હતું.

‘નો વે. મારે બાયોલૉજીની જર્નલ કમ્પ્લીટ કરવાની છે.’ તાનિયાએ ઇનકાર ફરમાવી ઉમેરેલું, ‘તમે બન્ને જાવ અને રિસેપ્શન પછી પાલવાના કાંઠે રોમૅન્ટિક વૉક પણ માણતાં આવજો, પપ્પા, જુઓ તો, આટલું કહ્યું તો મમ્મી કેવી શરમાય છે!’

યામિનીબહેને દીકરીને ચૂંટી ખણેલી.

મરીન ડ્રાઇવના ફ્લૅટથી તાજ બહુ દૂર પણ ન ગણાય. કારમાં નીકળેલાં પપ્પા-મમ્મીને બાલ્કનીમાંથી ‘આવજો’ કહેતી તાનિયાને અંદાજો પણ કેમ હોય કે તેમને પોતે આખરી વિદાય આપી રહી છે!

ટેરર અટૅક.

૨૬-’૧૨ની રાત્રે આઠ વાગ્યાના સુમારે દરિયાઈ માર્ગે આવેલા ત્રાસવાદીઓએ મુંબઈની શાનસમી તાજ હોટેલ, વી. ટી. સ્ટેશન અને હુતાત્મા ચોક પર ત્રિપાંખિયો હુમલો કરી ગણતરીની મિનિટમાં પાંચસો જેટલી લાશ પાડી એમાં નીલેશભાઈ-યામિનીબહેન કાળનો કોળિયો બની ગયાં!

હાહાકાર મચી ગયો હતો. દેશમાં આતંકી હુમલાની કંઈ એ પહેલી ઘટના નહોતી, પરંતુ ફિલ્મી ઢબે ત્રાસવાદીઓ ખુલ્લેઆમ ગોળીબાર કરે એ જરૂર અભૂતપૂર્વ હતું. મુંબઈગરા એ કરુણાંતિકાને કદી વીસરી નહીં શકે. કઠણ કાળજાંય કંપાવી દે એવાં હૃદયદ્રાવક દૃશ્યોમાં જાણે માનવતા હીબકા ભરતી હતી. ‘હુમલો પાકિસ્તાનપ્રેરિત છે અને એનો કડક જવાબ આપવામાં આવશે’નું રાબેતા મુજબ વાજું આપણા મહાન ગણાતા રાજપુરુષોએ વગાડ્યું, બાકી તેમના શબ્દખેલમાં પ્રજાજનોને વિશ્વાસ રહ્યો નથી. રાજ્યના ગૃહપ્રધાનની બદલી, પોલીસ ઉપરીના તબાદલા જેવાં પગલાં દેખાવ ખાતર લેવાયાં, શહેર તો નાછૂટકે પણ ફરી ધબકતું થવાનું જ હતું. સ્મશાનવૈરાગ્ય માણસને જ હોય એવું કોણે કહ્યું?’

અભૂતપૂર્વ હુમલામાં અલબત્ત, એક અપવાદ અવશ્ય સર્જાયો હતો. અબ્દુલ કાસિમ.

આડેધડ ગોળીબાર કરી તાજ હોટેલના બૅન્ક્વેટમાં ધસી જનારો હુમલાખોર તાજના સિક્યૉરિટી ઑફિસર રણવીરસિંહની સૂઝથી જીવતો ઝડપાયો એ સિદ્ધિ નાનીસૂની નહોતી.

સામાન્યપણે આવા હુમલામાં ત્રાસવાદી છટકી ન શકાય તો ખપી જતા હોય છે. જીવતા પકડાયા તો પોતાની જ સંસ્થા માટે તેઓ જોખમરૂપ બની જાય, એની પ્રતિક્રિયા ક્યારેક મોતથી પણ ખોફનાક હોય છે! અબ્દુલ ઘણું છટપટ્યો, પણ રણવીરસિંહની ફૌલાદી પકડમાંથી છટકી ન શકાયું. રણવીરસિંહ પોતે ઘાયલ હતો છતાં જે કામ પોલીસ ન કરી શકી એ તેણે કરી દેખાડ્યું. બે દિવસ પછી ગોળીની ઈજાને કારણે રણવીરસિંહે હૉસ્પિટલમાં દમ તોડ્યો ત્યારે તેને શહીદનું માન અપાયું.

ભારત સરકાર માટે માસ્ટરમાઇન્ડ ટેરરિસ્ટ અબ્દુલ કાસિમ હાઇ-પ્રોફાઇલ પ્રિઝનર બની ગયો. અગાઉ કદી કોઈ કેદી માટે ન થઈ હોય એવી સઘન સુરક્ષાવ્યવસ્થા કાસિમ માટે રખાઈ. મુંબઈના નવા નિમાયેલા ગૃહપ્રધાન સુધાકર નાઈકે આમાં અંગત રસ લીધો હતો. પોતાના માનીતા અને વિશ્વાસુ પોલીસ-અધિકારી અજિતરાય દેશમુખને અમર્યાદિત સત્તા સાથે અબ્દુલની જાળવણીની જવાબદારી તેમણે સોંપી હતી. અને આનું રિપોર્ટિંગ કેન્દ્રના હોમ મિનિસ્ટર શુક્લાજીને ડાયરેક્ટ કરવાનું રહેતું.

અબ્દુલ કાસિમનાં મૂળ-કુળના પુરાવા મેળવી ભારત તેની કબૂલાત પરથી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી સાબિત કરી શકે એમ હતું, માટે પણ તેને છટકવા ન દેવાય. જેલમાં કોઈ તેને સાઇનાઇડની ગોળી પધરાવી જાય એવુંય બનવું ન જોઈએ, નહીંતર જનાક્રોશ ભભૂકી ઊઠે. તાબામાં રહેલો ત્રાસવાદી માત આપે તો-તો દેશનું નાક કપાઈ જાય! ઉપરથી સ્પષ્ટ આદેશ હતો : કીપ હિમ સેઇફ ઍન્ડ અલાઇવ!

કાસિમની જાળવણી પાછળ કરોડોનો ખર્ચો થયો. આર્થર રોડ જેલના બૉમ્બપ્રૂફ બંકરમાં તેને રાખવામાં આવ્યો, સીસીટીવીથી તેનું સતત મૉનિટરિંગ રહેતું. અજિતરાયે ગોઠવેલા સ્ટાફ સિવાય કોઈને બંકરના રૂટ સુધ્ધાંની જાણ નહોતી... ત્યાં સુધી કે તેનો ખટલો પણ વિડિયો કૉન્ફરન્સથી ચાલ્યો. કાસિમ પાકિસ્તાની નાગરિક હોવાનું પુરવાર થઈ ચૂક્યું હતું. એના સંગઠનને પાકિસ્તાનની જાસૂસ સંસ્થા આઇએસઆઇનું પીઠબળ હોવાના પુરાવા પણ હતા.

- પણ એનો શો ફાયદો!

તાનિયાને આ બધી કવાયત નિરર્થક લાગતી. જેને જાહેરમાં ફાંસીએ લટકાવવાનો હોય, જેની લાશ ગીધડાંની જ્યાફત માટે ફેંકી દેવાની હોય તેને સરકારે સુરક્ષિત રાખવો પડે એ ઘટના તાનિયાના ઘવાયેલા ઇમોશન્સને મૃતકોની ક્રૂર મજાકસમી લાગતી હતી. ત્રાસવાદીને પણ બચાવની તક આપવામાં આવે એવી લોકશાહી શું કામની! હુમલો પાકપ્રેરિત હોવાનું પ્રૂવ કરીનેય શાંતિ જ જાળવવાની હોય તો એનો અર્થ શું! આની પાછળનું આંતરરાષ્ટ્રીય રાજકારણ અમારા જેવાની સમજ બહાર છે. બદલામાં ભારતે પાકિસ્તાનને ટપલી મારવા જેટલુંય નુકસાન નહીં પહોંચાડ્યું એનો અમને ખેદ છે... તાનિયા સોસવાતી.

માતા-પિતાની આહુતિએ તેનો જીવનપ્રવાહ કેવો પલટી નાખ્યો હતો! સંસારમાં એકલી-અટૂલી પડ્યાના દુ:ખે તે ભાંગી પડેલી. નીલેશભાઈ-યામિનીબહેનના ચાળણી થઈ ગયેલા દેહનાં દર્શન તેને ઊંઘમાં ઝબકાવી દેતાં. ભીતર એક આગ પ્રજ્વલિત થઈ હતી - સિસ્ટમ સામે, ત્રાસવાદ સામે, ધર્મ-ઈશ્વર સામે... સગાં-સ્નેહીનો સધિયારો તેને ઠારી ન શકે, આવામાં ટ્વેલ્થમાં ઊંચા ટકા આવવા અશક્ય હતા, ને એમ જ થયું. તાનિયા માંડ બાવન ટકા મેળવી શકી. ભાવિ અધ્ધરતાલ હતું.

એ દિવસોમાં તે રોજ સાંજે પાલવાની પાળે જઈ બેસતી. તાજના દીદાર કરતી. હોટેલ ફરી ધમધમતી થઈ હતી. લોકોને ઉલ્લાસપૂર્વક તાજમાં પ્રવેશતી જોતી ત્યારે થતું, પપ્પા-મમ્મી પણ આમ જ ઉમંગભેર દાખલ થયાં હશે... એની આંખો ચૂવા માંડતી.

‘૨૬-’૧૨ને યાદ કરો છો!’

એક સાંજે પાંપણ લૂછતી તાનિયા નજીક આવી પ્રશ્ન પૂછતા જુવાનને જોઈ રહી. હુમલાને ત્યારે છ મહિના થયા હશે. તાનિયાનું પરિણામ આવી ચૂકેલું.

જુવાનના સ્વરમાં હમદર્દી હતી. આંખોમાં ઉદાસી. તાનિયાને ત્યારે ઝબકારો થયેલો કે આને તો મેં ઘણી વાર પાલવા ખાતે જ જોયો છે.

- અત્યારે, સાડાપાંચ વરસ અગાઉનો એ મેળાપ વાગોળતી તાનિયાને થયું, અમરની એ મુલાકાતે મને એક ધ્યેય, એક મિશન આપ્યું :

અબ્દુલ કાસિમને ખતમ કરવાનું!

(ક્રમશ:)


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK