કથા-સપ્તાહ - સનમ બેવફા (કારમો ઘા - ૪)

Published: 29th November, 2012 06:17 IST

ભીમજીશેઠના તેડાએ તે તેમની કૅબિનમાં હાજર થઈ ગયો. અંધેરીના એસ. વી. રોડ પર એ. બી. જ્વેલર્સનો ભવ્ય શોરૂમ હતો.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  |


‘અતીત, જરા આવજે તો.’

ભીમજીશેઠના તેડાએ તે તેમની કૅબિનમાં હાજર થઈ ગયો. અંધેરીના એસ. વી. રોડ પર એ. બી. જ્વેલર્સનો ભવ્ય શોરૂમ હતો. પચાસેક વરસના ભીમજી શેઠ એના માલિક. તેમનો દીકરો હજી ભણતો હતો, પરંતુ ત્રણેક વરસથી જૉબમાં જોડાયેલા અતીત જોડે તેમને પુત્ર જેવો જ લગાવ થઈ ગયેલો. માણસમાં વિfવાસ મૂકતાં ભીમજીભાઈને આવડતું. હીરાના સોદામાં તેમની હથોટી હતી.

લે-વેચ દરમ્યાન ઘણી વાર બે-ચાર દિવસ માટે હીરા તેમની દુકાને રહેતા ત્યારે ખરેખર તો એની જાળવણી અતીતના જ હસ્તક રહેતી. તેમની આલીશાન ઑફિસની બાજુમાં જ અતીતની કૅબિન હતી. એની દીવાલમાં જડેલા લૉકરમાં હીરા રહેતા અને લૉકરની ચાવીનો એક ઝૂમખો ભીમજીશેઠ પાસે અને બીજો અતીતના કબજામાં રહેતો.

આજનું કામ જોકે સહેજ જુદું હતું.

‘અતીત, સૂરજગઢનાં મહારાણીએ ઑર્ડર કરેલો હીરાનો હાર તૈયાર થઈ ગયો હોય તો આજે ડિલિવરી કરવાની છે.’

સૂરજગઢની રૉયલ ફૅમિલી ભીમજી શેઠની કાયમી ગ્રાહક હતી.

‘હાર!’ અતીતના કપાળે કરચલી ઊપસી, ‘શેઠજી, આપની ભૂલ થાય છે! હર હાઇનેસે હાર નહીં, બાજુબંધનો ઑર્ડર આપ્યો હતો.’

અતીત એટલી ખાતરીથી બોલ્યો કે પળવાર તો ભીમજી શેઠ ખતા ખાઈ ગયા : ઑર્ડર બાજુબંધનો હોય તો પછી મહારાણી નેકલેસનું ફૉલો-અપ શું કામ કરે છે?

અને તેમને ઝબકારો થયો : બાજુબંધ!

‘અતીતબેટા, બાજુબંધ તો રાણીસાહેબાએ બે વરસ પહેલાં બનાવડાવેલો. યાદ છે, તને એની ડિઝાઇન બહુ ગમેલી એટલે મેં કહેલું કે તારાં લગ્ન પર મારી આ જ ગિફ્ટ રહેશે! તારી વાઇફ શર્વરીને પણ અમારી એ ગિફ્ટ ગમી’તીને!’

‘વા...ઇફ’

‘શું થયું. અતીત?’

‘કંઈ નહીં, શેઠજી... લાગે છે કશી મિસઅન્ડરસ્ટૅન્ડિંગ થઈ ગઈ... હું હારનું સ્ટેટસ કહું છું, તમને.’

શેઠજી તેની પીઠને તાકી રહ્યા.

થોડી વારે અકાઉન્ટન્ટ જોડે વાત થઈ તો તેણે જાણ કરી, ‘શેઠજી, આજે અતીતસરનો મૂડ ઠીક નથી લાગતો! દરેક ચેક પર તેમણે ૨૧-૧૦-૨૦૧૦ની તારીખ લખી!’

બે વરસ પહેલાંની તારીખ! અતીતને થયું છે શું?

અતીત ત્યારે મગજ શાંત રાખી પોતાની ચૅરની બેઠકને અંઢેલી બેઠો હતો. તેના દિમાગમાં કશુંક ઘૂંટાતું હતું.

€ € €

‘શેઠજી, આજે હું થોડો વહેલો ઘરે જવા માગું છું.’

ભીમજીશેઠને પણ એ યોગ્ય લાગ્યું. બૈરી જોડે ઝઘડો થયો હશે એની ચિંતામાં આમેય બિચારાનું મન નથી લાગતું. ભલે જતો!

અતીત દુકાનેથી નીકળ્યો ખરો, પણ તેની કાર ઘરના રસ્તે નહોતી વળી.

€ € €

રોજના સમયે ઘરે પહોંચેલો અતીત થોડો ચિંતાગ્રસ્ત લાગ્યો.

‘કેવો રહ્યો આજનો દિવસ?’ શર્વરીને સહેજે અંદાજો નહોતો કે અતીત દુકાનેથી વહેલો નીકળ્યો હોઈ શકે.

‘ઠીક.’ અતીત જાણે ઉમંગમાં નહોતો.

કમાલ છે. રોજ વિનાપૂછ્યે તેમનું વાજું વાગતું હોય. આજે પૂછ-પૂછ કરું છું તો જીભે જાણે તાળું લાગ્યું હોય એમ વર્તે છે!

બે દિવસ અગાઉ, અતીતે ઍન્ટવર્પનો કિસ્સો કહ્યો. અનુરાગે એમાંથી પ્રેરણા લીધી : ત્યાં જે બન્યું એ અહીં મુંબઈમાં પણ બને તો?

પહેલાં તો શર્વરીએ એને શેખચલ્લીનો તુક્કો ગણી હસી નાખ્યું, પણ અનુરાગ સિરિયસ હતો. આપણું સપનું સાકાર કરવાની આમાં તક છે!

શય્યાસુખની લાલસાએ અનુરાગ-શર્વરીને નિકટ આણ્યાં. એમાંથી એક બનવાની ઝંખના જાગી. અમીરાતની આકાંક્ષા ભળી. અહીંથી રિવર્સ જવાનું નહોતું. પરિશ્રમથી વૈભવ રળતાં જનમારો વીતી જાય. લૉટરીના ભરોસે ન રહેવાય. એનો અર્થ એ કે શ્રીમંત થવા કશુંક ખોટું કરવાનો શૉર્ટકટ અપનાવવાનો જ હોય તો શા માટે આ ન કરવું!

અનુરાગની ગણતરી ગળે ઊતર્યા પછી શર્વરીને દ્વિધા નહોતી રહી. બે દિવસ તેમણે સંવનનથી વધુ ધ્યાન યોજના ઘડવામાં આપ્યું હતું. દિવાળી પહેલાં હીરાના ત્રણ લૉટ આવવાની આપણને જાણ છે. નવા વરસથી પાંચમ સુધી શોરૂમ બંધ રહેવા છતાં અતીતે ત્યાં જવાનું છે, કેમ કે ત્યારે હીરા તેના તાબામાં હશે... બસ, આ પાંચમાંથી એક દિવસ પસંદ કરી આપણે કામ પાર પાડવાનું છે! એ માટે તું દુકાનની રજેરજથી વાકેફ રહેજે. ત્યાંની સિક્યૉરિટી સિસ્ટમ શું છે,

અલાર્મની વ્યવસ્થા કેવી છે, બધું જાણી લેજે - અતીતને શક ન પડે એમ! અનુરાગે શર્વરીને ગોખાવેલું.

આજે હું પૂછું છું તો મોંમાં મગ ભર્યા હોય એમ બેઠા છે!

મનોમન અકળાતી શર્વરી સહેજ ચમકી :

વેઇટ. અતીતે આવું તો અગાઉ કદી નથી કર્યું! હું કશું જાણવા માગું ને અતીત ન જણાવે એવું બન્યું તો નથી. તો પછી આજે શું થયું?

કંઈક તો રંધાઈ રહ્યું છે અતીતના મનમાં... ઍશ-ટ્રેમાં સિગારેટનું ઠૂંઠું જોયું ત્યારથી!

પણ શું?

€ € €

‘ઇટ ડઝન્ટ મૅટર, શર્વરી.’

‘ઇટ ઓન્લી મૅટર્સ, અનુરાગ!’ હાંફી ગઈ શર્વરી, ‘તે માણસ જો આપણો સંબંધ જાણી ગયો હોય તો શું વખત આવ્યે આપણા બ્લૅકમેઇલિંગને તાબે થાય ખરો?’

અનુરાગે સંમત થવું પડ્યું. પોતે શર્વરીની કમરે (ભલે નકલી) બૉમ્બ બાંધી અતીતને હીરા લાવવાનો આદેશ આપે ત્યારે જો તે ‘બેવફા પત્ની ખાતર મારે માલિકને દગો નથી આપવો’ એમ કહી હાથ ખંખેરી નાખે તો-તો ફિયાસ્કો થઈ જાય!

આનો ઉપાય શું?

‘મેઇક ક્લોઝ વૉચ... અતીત ક્યાંક તો ઝડપાશે!’ અનુરાગે ઉમેર્યું, ‘દરમ્યાન હું આપણા પ્લાન માટે જોઈતાં સાધનોની વ્યવસ્થા કરી લઉં.’ અલબત્ત, અતીતના જ પૈસાથી!

€ € €

બીજી બપોરે ચારેક વાગ્યે એ. બી. જ્વેલર્સનાં પગથિયાં ચડતી શર્વરીને ભીમજીશેઠ ભટકાઈ ગયા, ‘બેટા, તું અહીં!’

તેમનું અચરજ શર્વરીના ધ્યાનમાં ન આવ્યું, ઊલટું તે ઉત્સાહથી બોલી, ‘અતીતનું થોડું કામ છે...’

‘પણ તે તો અહીં નથી.’ અધવચ્ચે જ શેઠજી બોલી પડ્યા, ‘શું તે ઘરે નથી પહોંચ્યો? મારી પાસે તો દોઢ વાગ્યાનો રજા લઈ નીકળેલો!’

હેં! શર્વરીના ડોળા ચકળવકળ થયા. આ સમયે તો અનુરાગ ઘરે હોય છે. એમાં આજે તો અમે સંવનનમાં ગળાડૂબ હતાં! અતીત ઘરની ચાવી જોડે નથી રાખતા એટલે તેમના સીધા ઘરમાં દાખલ થઈ જવાની ભીતિ હોતી નથી, પણ ક્યાંક તેમણે રણકાવેલી ડોરબેલ અમને ન સંભળાઈ હોય. અતીતે વૉચમેનને પૂછી જાણ્યું હોય કે ઘરનોકર અનુરાગ પાછો બહાર નીકળ્યો નથી, તો... ના, ના એવું હોય તો અતીત ચિંતાથી મને મોબાઇલ જોડે - અંહ, જો તેમને વહેમ બેસી જ ગયો હોય તો અમંગળ આશંકા સેવવાને બદલે એકાંતને પુરાવારૂપ જ માની લેને!

ઓહ, તમારા મનમાં છે શું, અતીત?

‘શર્વરીબેટા, બધું બરાબર તો છેને?’ ભીમજીભાઈએ કાળજી દાખવી, ‘અતીત હમણાંનો કંઈક પરેશાન જણાય છે. ઑર્ડર, તારીખ અને વારમાં પણ ગોટાળા કરે છે! ગઈ કાલેય રજા લઈ નીકળી ગયેલો...’

હે ભગવાન. શર્વરીનું કાળજું ચિરાયું. તો-તો ચોક્કસ અતીત અમારા પર નજર રાખી રહ્યા હોય, ને તો જ પરેશાન હોય!

દુકાનનાં પગથિયેથી પાછી વળી તેણે અનુરાગને મોબાઇલ જોડી પરિસ્થિતિનો ચિતાર આપ્યો : વૉટ નેક્સ્ટ?

‘ટિટ ફૉર ટૅટ. અતીત અજાણ્યો થઈ વર્તે છે તો તું પણ કશું બન્યું નથી એમ બતાવ. તેને પ્રેમથી રીઝવ, એવી ન્યોછાવર થા કે તેના મનમાંથી વહેમ ભૂંસાઈ જાય! બે-ત્રણ દિવસ હું પણ ઘરનોકર તરીકે જ વર્તી બતાવીશ.’

અતીતના મનમાં પોતાના માટે શ્રદ્ધા પુન: સ્થાપિત કરવા પણ આ જરૂરી હતું.

અને એમ જ થશે.

€ € €

અતીત આજે પણ રોજના સમયે જ ઘરે આવ્યો એ શર્વરીએ નોંધ્યું. પોતે ઑફિસેથી વહેલો નીકળેલો એવું અતીતે કહ્યું નહીં, અને હું જાણું છું એવું શર્વરીએ બતાવ્યું નહીં. અલબત્ત, ગઈ કાલ કરતાં આજે અતીતનો મૂડ બેટર હતો.

‘અતીત, તમને મારા પર ભરોસો તો છેને?’ શર્વરીએ પૂછી લીધું, અતીતના ગળે હાથ વીંટાળીને.

‘કેમ?’ અતીતે ભ્રમર સહેજ ઊંચી કરી, ‘કોઈ શક?’

‘અંહ,’ શર્વરીએ અતીતના કાનની બૂટ દાંતથી દબાવી, ‘તમે મારાથી કશું છુપાવતા નથીને?’

અતીત સહેજ ફિક્કો પડ્યો. પરાણે હસવાની કોશિશ કરી,

‘આજે કેમ આવા સવાલ કરે છે?’

‘કેમ કે તમે મારાથી દૂર રહો છો...’ શર્વરી અતીતને વીંટળાઈ, ‘આજે તમારો પ્રેમ સાબિત કરી બતાવો.’

એવી જ શર્વરીને ઊંચકી અતીત બેડરૂમ તરફ દોડ્યો.

€ € €

‘હી વૉઝ ટેરિફિક.’

બીજી બપોરે ‘ઘરકામે’ આવેલા અનુરાગને શર્વરીએ હેવાલ આપ્યો, ‘પહેલી વાર તેના આક્રમણમાં મેં તારા જેવું જોમ જોયું. તેણે તેના પ્રેમની મને ખાતરી કરાવવી હતી અને એટલું તો સ્ત્રી તરીકે હું પારખી શકું કે અતીત મને બેસુમાર ચાહે છે એમાં શક નથી! આપણા આડા સંબંધના વહેમ કે ખાતરી તેનું માનસ ગમે એટલું ડહોળતી હોય એ મને ચાહવાનું બંધ નથી કરી શક્યો’

‘ધૅટ્સ ગુડ. હવે આપણો પ્લાન ફાઇનલ.’

€ € €

પછીના બે દિવસ બધું જાણે નૉર્મલ રહ્યું. અનુરાગે અતીતની દુકાને પહેરો ભરી તે ક્યાંય જતો નથી, કામકાજમાં બધું બરાબર છે એવા ફોનથી મેળવેલા શર્વરીના રિપોર્ટ્સની પુષ્ટિ કરી.

બન્ને નચિંત બન્યાં.

€ € €

બેડરૂમના ટીવી-સ્ક્રીન પર એક્ઝૉટિક પૉર્ન મૂવી ચાલી રહી હતી. એને જોતાં શર્વરીને કશોક ઝબકારો થયો. જોશ ઠાલવતાં અનુરાગને અળગો કરી તેણે ઉઘાડા અંગ પર ચાદર વીંટાળી, ‘આપણને આ કેમ ન સૂઝ્યું અનુરાગ?’ શર્વરીની કીકીમાં વિહ્વળતા ઝબૂકી, ‘શક્ય છે, અતીતે અહીં કૅમેરા ફિક્સ કર્યા હોય!’

અનુરાગ ટટ્ટર થયો.

સિગારેટનું ઠૂંઠું નિહાળ્યાં પછીની અતીતની વર્તણૂક ન સમજાય એવી શંકાસ્પદ રહી છે... કશુંક તેના મનમાં ઘૂમરાઈ રહ્યું છે અને એ મારા-શર્વરીના આડા સંબંધ સિવાય બીજું તો શું હોય? વહેમના પુરાવા મેળવવા અતીતને રેકૉર્ડિંગનો માર્ગ સૂઝ્યો હોય. દુકાનમાં રજા મૂકી તે કૅમેરાની વ્યવસ્થા કરવા જ ભટકતો હોય એ તર્ક પણ ફિટ થાય છે... આટલું કર્યા પછી નિરાંત દાખવવાની તેની વૃત્તિ સમજાય એવી છે! બદમાશ.

મનોમન અતીતને ભાંડતાં અનુરાગ-શર્વરીએ આખુ ઘર ફંફોસી નાખ્યું, પણ ક્યાંય કશું મળ્યું નહીં!

‘લેટ્સ ક્લોઝ ધીસ ચૅપ્ટર. અતીતના વહેમમાં આપણે અટવાવું નથી.’ અનુરાગે નક્કી ઠેરવ્યું, ‘બે દિવસ પછી નવું વરસ છે. આપણે ત્રીજના દિવસે વાત કરીશું. ત્યારે હીરા હશે એટલું કન્ફર્મેશન તું મેળવી લેજે...’

એ જ રાતે શર્વરીએ અતીતને પૂછી જાણી લીધું : ત્રીજના દિવસે અતીતની કસ્ટડીમાં પંદર કરોડના હીરા હોવાના!

એ હીરાને આપણા થતાં કોઈ નહીં રોકી શકે!

અનુરાગના રણકાર સામે શર્વરીએ ફિન્ગર્સ ક્રૉસ કરી.

(આવતી કાલે સમાપ્ત)


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK