કથા-સપ્તાહ - સનમ બેવફા (કારમો ઘા - ૨)

Published: 27th November, 2012 06:20 IST

બાથરૂમમાંથી શાવરનો અવાજ આવતો હતો. અનુરાગે સિગારેટ સળગાવી, ઉઘાડી છાતી પર હાથ ફેરવ્યો : ઉહ, ધ પ્લેઝર વૉઝ અનડિફાઇન્ડ!
અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  ‘હેય શર્વરી! હાઉ આર યુ!’

શર્વરીનાં લગ્નના ચોથા મહિને એકાદ મલ્ટિપ્લેક્સમાં બન્ને ભટકાઈ ગયેલાં, ‘યાર, તારા ગયા પછી એક્સાઇટમેન્ટ જેવું કંઈ રહ્યું નથી, આઇ બૅડલી મિસ યુ, પાર્ટનર!’

અનુરાગની કબૂલાતે સુરખી ફેલાઈ ગયેલી. કોલ્ડ ડ્રિન્ક-પૉપકૉર્ન લેવા ગયેલો અતીત આ મેળાપથી અજાણ હતો. તેની ગેરહાજરીમાં અનુરાગે પૂછી લીધેલું, ‘તારા વરને જલસા હશે. મોબાઇલમાં તેનો ફોટો તેં બતાવેલો, રિયલમાં આજે જોયો. ક્વાઇટ હૅન્ડસમ. તને થકવી નાખતો હશે?’

જવાબમાં નિ:શ્વાસ નાખી શર્વરીએ જખમ દેખાડી દીધેલો, ‘તેનામાં તારા જેવો દમ ક્યાં! મારી ભૂખ ભાંગવાનું તેનું ગજું ક્યાં!’

પળ વિચારી અનુરાગે સહેજ ખંચકાઈને પૂછેલું, ‘તું કહેતી હો તો... તારી ઇચ્છા હોય તો... આપણે ફરી મળીએ?’

મળવાનો અર્થ પથારીમાં સૂવાનો થાય એ સમજાવવાનું ન હોય.

શર્વરીની આંખોમાં ચમકારો ઊપસેલો. અતીત આવી ચડે એ પહેલાં મુલાકાતનું નક્કી ઠેરવી બન્ને છૂટાં પડેલાં.

બીજી બપોરે મલાડની હોટેલરૂમમાં ત્રણ કલાકનું એકાંત માણ્યું ત્યારે બન્નેને થયું, જાણે જન્મોજન્મની પ્યાસ આજે ભાંગી હોય!

‘વી વિલ કન્ટિન્યુ ઇટ.’

અનુરાગ માટે નક્કી કરવું સરળ હતું, પણ શર્વરી પોતાના સંજોગ ભૂલી નહોતી, ‘તું આમ કહી શકે, અનુરાગ, લગ્ન પછી મારા માટે રોજ હોટેલ-ગેસ્ટહાઉસમાં જવું સરળ નહીં.’

‘તો પછી હું તારા ઘરે આવી જાઉં...’ અનુરાગની અધીરાઈ બોલી ઊઠી.

થોડું વિચારતાં આ ઉકેલ શર્વરીને જચી ગયો.

સવારે આઠ વાગ્યાનો કામે નીકળેલો અતીત રાતના નવ પહેલાં કદી પાછો ફરતો નથી. આજુબાજુના બન્ને ફ્લૅટ્સ એનઆરઆઇના છે એટલે આડોશપાડોશમાં પણ કોઈ રહેતું નથી. બપોરની વેળા બિલ્ડિંગમાં સૂનકારો જ હોય છે, પણ છતાં રોજ-રોજની અવરજવર કોઈ નહીં તો છેવટે વૉચમૅનના ધ્યાનમાં આવે જ!

આનો અફલાતૂન ઉકેલ અનુરાગે શોધ્યો હતો.

તે ઘરનોકર બની શર્વરીના ઘરે આવતો થયો!

‘મેં કામવાળી બાઈની છુટ્ટી કરી દીધી છે. તેનાં નખરાં કેવાં ભારે! કાલથી નવો નોકર આવશે, મારી ફ્રેન્ડે જ રેકમન્ડ કર્યો છે. તેનું અનુરાગ નામ થોડું મૉડર્ન લાગશે, પણ સીમા કહેતી’તી કે બહુ કામગરો છે.’

શર્વરીએ પહેલાં અતીતને પલોટ્યો હતો. શર્વરીની તરફેણનો મુદ્દો એ હતો કે અતીત ભાગ્યે જ તેની કોઈ મિત્રને નામ-ચહેરાથી ઓળખતો. રવિવારની રજામાં બહુ-બહુ તો પિયરનો આંટો મરાય, એ સિવાય સોશ્યલ રહેવાનો સમય જ ક્યાં હતો? અતીતનું ખુદનું મિત્રવતુર્ળ નહોતું. સ્વાભાવિકપણે શર્વરીએ કૉલેજકાળથી અનુરાગને ઘરનાથી આઘેરો રાખેલો. પિયરમાં અનુરાગને કોઈ ઓળખતું નહોતું, અતીત જાણતો નહોતો. એ હિસાબે લાઇન ક્લિયર હતી!

સામાન્ય લાગે એવાં કપડામાં આવતો અનુરાગ ઘરનોકર તરીકે ગોઠવાઈ ગયો. રવિવારે તે રજા રાખશે એવી તેની શરતમાં અતીતને વાંધો નહોતો લાગ્યો : એ બહાને આપણને એકાંત મળશે!

પણ ક્યાં અતીત સાથેનું એકાંત ને ક્યાં અનુરાગ સાથેની મોજ!

પાછલા છ-છ મહિનાથી તેમણે ગોઠવેલી વ્યવસ્થા બેરોકટોક ચાલતી હતી. એમાં ભીમજી શેઠ અતીતને હીરાના સોદા માટે દિલ્હી-ચેન્નઈ-દુબઈ મોકલતા થયા, એવા વખતે અનુરાગ ઘરમાં જ પડ્યોપાથર્યો રહેતો! મા કદી ફોન પર ફિકર જતાવતી : સાસરે એકલી રહે એના કરતાં અહીં આવી જતી હોય તો - કે પછી હું ત્યાં આવી જાઉં? જવાબમાં શર્વરી છણકો જતાવતી : હું કંઈ હવે નાની કીકલી નથી રહી, મા!

ધારો કે શર્વરીનાં મા-બાપને, અતીતને અમારા અનૈતિક સંબંધની જાણ થઈ તો? ચોરીનો નિયમ છે કે ચોર ક્યારેક તો પકડાય જ છે!

આખરે આ સફર ક્યાં સુધી? એનો અંજામ શું?

અનુરાગે સિગારેટ ઍશ-ટ્રેમાં કચડી.

અટૅચ્ડ બાથરૂમનો દરવાજો ખૂલ્યો. ગાઉન પહેરી શર્વરી બહાર નીકળી, ‘અરે, તેં હજી કપડાં નથી પહેર્યા!’

બૅડની સામે ગોઠવેલા ડ્રેસિંગ-મિરરમાં અનુરાગનું ખુલ્લું બદન નિહાળતી શર્વરીના હોઠ સ્મિતમાં વંકાયા, માથામાં હેરબ્રશ ફેરવતાં આયનામાં દૃષ્ટિસંધાન કર્યું, ‘જરા ઘડિયાળ જુઓ મિસ્ટર, બપોરના ચાર વાગવાના, તમારી નોકરીનો સમય પૂરો થયો!’

‘તારી આ નોકરીને કારણે તો મેં મારી જૉબ છોડી છે...’

અનુરાગના સ્વરમાં બલિદાનનો તકાજો નહીં, ટીખળ હતી માત્ર. ઑપરેટરની નોકરી છોડવાનો અફસોસ નહોતો. ખાવા-પીવાનું શર્વરીને ત્યાં સચવાઈ જતું, અહીંથી છૂટ્યાં પછી છૂટક-પરચૂરણ કામ કરી જરૂર પૂરતું રળવામાં મુશ્કેલી નહોતી જણાઈ.

‘આજે મારે આ નોકરીમાં ઓવરટાઇમ કરવો હોય તો તને કોઈ વાંધો?’

નજીક આવતા અનુરાગના સંચારે શર્વરીનું લોહી ધગવા લાગ્યું.

‘અનુરાગ, નો, મેં નાહી લીધું છે...’

કાંપતા સ્વરની તેની આનાકાનીમાં દમ નહોતો.

અનુરાગે તેને બે હાથોમાં ઊંચકી.

‘શર્વરી, સમયની આ પાબંદી ક્યાં સુધી! કંઈક એવું ન થાય કે સમય હંમેશ માટે આપણો જ હોય...’

શર્વરીનું હૈયું ધડકી ગયું. આટલા વખતમાં પહેલી વાર અનુરાગે સદા માટે એક થવાની વાત ઉચ્ચારી હતી!

‘રિયલી, આજકાલ આવા વિચારો વધુ આવે છે. ક્યાં સુધી ચોરીછૂપીથી મળતાં રહેવું? પકડાયાં તો!’

છેલ્લી કલ્પનાએ શર્વરી ધ્રૂજી ઊઠી. આજે નહીં ઝડપાયેલાં છાનગપતિયાં કાલેય છાનાં રહેશે જ એમ કહી ન શકાય. આવું થયું તો આઘાત પામેલો અતીત છૂટાછેડા આપે એ તો ઠીક, મારાં મા-બાપ શું વિચારે! દીકરી કુંવારી અવસ્થાથી અમારી આંખોમાં ધૂળ નાખી રહી છે એવા વલોપાતના ભારથી તેઓ ભાંગી પડે, નાના ભાઈની નજરમાંથી હું ઊતરી જાઉં! ધણીથી મને સંતોષ નહોતો એવું બચાવનામું અતીત જૂઠ જ ઠેરવે. મારી શરીરભૂખની ગામગજવણી થાય... બાપ રે. શર્વરી થથરી : આવું થાય તો-તો મારે આપઘાત જ કરવાનો રહે!

આડો સંબંધ ગમે એટલો સુખકારી લાગે, એનો અંજામ તો દુખદ જ હોય છે, એવું ક્યાંક વાંચેલું યાદ આવતાં શર્વરીએ અનુરાગની છાતીમાં હળવો મુક્કો વીંઝ્યો.

‘તને હવે ડહાપણ સૂઝે છે! પહેલાં કહ્યું હોત તો હું અતીત સાથે ચોરીમાં ન બેઠી હોત!’

વાંક એકલા અનુરાગનો ન ગણાય. ત્યારે પોતાનેય ક્યાં આવી લગન હતી? દેર આયે દુરસ્ત આયે. અતીત જેવા માટે લગ્ન આત્માનું બંધન છે, અમે શય્યાસુખને ઝંખી એક થવા માગીએ એમાં ખોટું શું છે?

‘તું કહેતો હોય તો અતીતથી છૂટી થઈ હું કાલે તારી ઘરવાળી બની જાઉં.’

ડિવૉર્સ લઈ બીજું ઘર માંડવામાં નાનમ નથી. આટલું બંડ તો હું ઘરના વિરુદ્ધ ઉઠાવી જ શકું.

‘અને પછી?’

શર્વરીને પલંગ પર લેટાવતા અનુરાગનો પ્રશ્ન સમજાયો નહીં : ‘મારું ડ્રીમ તો પૂરું સાંભળ.’

શર્વરીના ગાઉનની દોરી ખોલતો અનુરાગ થોડો નીચે સરક્યો, ‘સમય આપણો હોય, નર્જિન બંગલામાં આપણે બે એકલાં હોઈએ... ન પગારની આવક જોવાની, ન નોકરીની ઝંઝટ!’

અનુરાગનું સપનું શર્વરીની આંખોમાં અંજાઈ ગયું : કાશ, આવું શક્ય બને! પછી નિ:શ્વાસ નાખ્યો, ‘આના માટે દોલતમંદ થવું પડે! ખુલ જા સિમ સિમનો ખજાનો મળવો જોઈએ...’

અનુરાગે ડોક ધુણાવી,

‘યા, ખજાનો મળે ત્યાં સુધી તો ચાલે છે એમ જ ચલવવું રહ્યું!’ શર્વરીનું ગાઉન ખુલ્લું કરતાં તેણે હોઠ ભીના કર્યા, ‘હાલ તો જે ખજાનો મારી સામે પડ્યો છે એને લૂંટવા દે!’

બે દેહ વળી એકમેકમાં ગૂંથાઈ ગયા.

€ € €

રાતના આઠ.

શર્વરીએ ડિનર-ટેબલ પર સજાવી દીધું. અનુરાગના ગયા પછી ગરમ શાવર લઈ હવે ફ્રેશ થઈ હતી. રૂમ-ઘર વ્યવસ્થિત કરી રસોઈ પતાવી વળી એક વાર નાહી લેતી.

પોતે અનુરાગ સાથે વ્યસ્ત હોય ત્યારે કોઈ પાડોશણ બેલ રણકાવી ખાંડ કે લીંબુ માગવા આવે એવું બન્યું નહોતું. શર્વરીએ પાડોશમાં એવા ટમ્ર્સ રાખ્યા જ નહોતા. મુંબઈમાં ઘરનોકર તરીકે પુરુષ આવે એની નવાઈ ક્યાં છે? કોઈને આમાં વાંધાજનક લાગતું નહીં. ઑફિસેથી પરત થતા અતીતને ક્યાંય વહેમ ગંધાતો નહીં.

આજે પણ રાતનું સ્નાન કરી તેણે ઑરેન્જ સાડી પરિધાન કરી.

પિયરની સરખામણીએ સાસરામાં પૈસાની છૂટ હતી. અતીત તેને મહિનાના ખર્ચ પેટે વીસ હજાર રૂપિયા આપતો, અને કદી હિસાબ પૂછતો નહીં. શર્વરી પાર્લરમાં છૂટથી રૂપિયા વાપરતી, શૉપિંગ કરતી એમ બે-પાંચ હજાર કો’ક વાર અનુરાગ પાછળ પણ ખર્ચતી. જરૂર પડ્યે વધુ રકમ માગતી તોય અતીત વિના સવાલ કર્યે ધરી દેતો. પત્ની પરના વિશ્વાસને શર્વરી બેવકૂફી તરીકે જોતી! અને બેવકુફની બુદ્ધિ સતેજ ન થાય એટલા ખાતર તે આવે ત્યારે સજીધજીને તૈયાર થતી. પ્રણયઘેલી વાતોથી તેને કેફમાં રાખતી. અતીતને ક્યારેય એવું લાગવું ન જોઈએ કે હું બેવફા છું. મને તેનાથી સંતોષ નથી!

શણગાર સજી તેણે ઘરમાં ઊડતી નજર ફેરવી : હં, બધું બરાબર છે!

પણ ના, તે કંઈક ભૂલી હતી. કશુંક તેની નજરમાંથી છટક્યું હતું!

€ € €

‘દિવાળી પહેલાંના આ પંદર દિવસ બહુ કામ રહેશે... બેલ્જિયમથી કાચા હીરાના ત્રણ લૉટ આવવાના છે. નવા વરસથી લાભપાંચમ સુધી દુકાન બંધ રહેશે ત્યારે પણ મારે તો જોખમને કારણે જવું જ પડશે...’

ડિનર લેતાં પત્ની જોડે ઑફિસની દિનચર્યા સહિતની વાતો કરવાની અતીતને ટેવ હતી. શર્વરીને એમાં ભાગ્યે જ રસ પડતો. અતીતનું શેડ્યુલ જાણવામાં તે ચોકસાઈ રાખતી ખરી. અતીત દિવાળીમાં પણ ઘરે નહીં હોય જાણી અંદરખાને ગમ્યું : ત્યારે તો અનુરાગના સહેવાસનું મારું બોનસ પાકું! છતાં ઉપરછલ્લી નારાજગી જતાવી.

‘ભીમજી શેઠ તમારો ખરો કસ કાઢે છે. તહેવારમાં પણ નોકરી?’

‘જાણું છું ડાર્લિંગ, મારાથી દૂર રહેવું તને ગમતું નથી, પણ નોકરી છે તો આ એશ-આરામ છે!’

શર્વરીએ હસી નાખ્યું. અનુરાગની નિયમિત સોબત માણતી થયા પછી પોતે મનથી અતીતને કેટલો દૂર કરી નાખ્યો છે એ આવી પળોમાં સ્પષ્ટ થતું.

ડિનર પત્યું. ફ્રૂટ-ડિશ આરોગતાં એકાદ-બે સિરિયલ જોઈ દંપતી બેડરૂમમાં પહોંચ્યું. અતીત થાક્યો હતો. ગઈ કાલે સંવનન માણ્યું એટલે આજે છુટ્ટી જ હોય, એનો વસવસો દાખવ્યા વિના પતિના ગાલે ‘ગુડ નાઇટ’ કિસથી શર્વરી સૂતી, થોડી પળોમાં ગહેરી નીંદમાં સરી ગઈ.

અતીતને થાક છતાં ઊંઘ ન આવી. ઍન્ટવર્પમાં બનેલા કિસ્સાએ તેના દિમાગને જકડી રાખ્યું હતું. દુકાનમાં દિવસભર આજે એની જ ચર્ચા ચાલી હતી. ક્રાઇમ-કેસ પત્ની સાથે જાણીને શૅર નહોતો કર્યો : નાહક તે ટેન્શનમાં આવી જશે!

ઊભા થઈ તેણે સિગારેટ સળગાવી. મહિને બે-ચાર સિગારેટથી વધુની ટેવ નહોતી. અતીતને બીજું કોઈ વ્યસન પણ નહોતું.

સિગારેટ ફૂંક્યા પછી તાણ સહેજ ઓછી થઈ. પતવા આવેલી સિગારેટ બુઝાવવા તેણે બેડ સામેની ટિપાઈ પર પડેલી ઍશ-ટ્રેનું ઢાંકણ હટાવ્યું, એવો જ સિગારેટ કચડવા જતાં તેનો હાથ ખચકાયો.

ઍશ-ટ્રેમાં ઑલરેડી સિગારેટનું ઠૂઠું હતું.

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK