કથા-સપ્તાહ - સનમ બેવફા (કારમો ઘા - ૧)

Published: 26th November, 2012 06:14 IST

તેનો શ્વાસ હાંફી રહ્યો. ધરા પર આભની જેમ છવાયેલા પુરુષદેહને વધુ ભીંસવાની શક્તિ નહોતી, એમ તેના આક્રમણને ખાળવાની ઇચ્છા પણ ક્યાં હતી?
અન્ય ભાગ વાંચો

1  |  2  | 

સમીત (પૂર્વેશ) શ્રોફ

તેનો શ્વાસ હાંફી રહ્યો. ધરા પર આભની જેમ છવાયેલા પુરુષદેહને વધુ ભીંસવાની શક્તિ નહોતી, એમ તેના આક્રમણને ખાળવાની ઇચ્છા પણ ક્યાં હતી? દરિયાનું મોજું કિનારે અફળાય, સરકી જાય, ને હતું એનાથી વિકરાળ બની ફરી ટકરાય એ અનુભૂતિને શબ્દોમાં કઈ રીતે વ્યક્ત કરવી! વાસંતી વાયરામાં ફૂલડાં લહેરાય એમ અંગોમાં આવેગ ઝૂલી રહ્યો હતો. પહેલા વરસાદથી માટીની મહેક ઊઠે એમ ભીનાશભર્યા બે બદન મહોરી રહ્યાં હતાં. ફાગણની આગ રગ-રગમાં વ્યાપી હતી. મુખમાંથી સરતા ચિત્કારમાં પીડા જેટલો જ આનંદ પણ હતો. છેવટે રસતરબોળ ધરા પર બારે મેઘ ખાંગા કરતું આભ વરસ્યું ત્યારે પરિતૃપ્તિના આવેશમાં તેણે પુરુષનો ગાલ કરડ્યો : યુ મેઇડ ઇટ, માય લવ!

શર્વરીનું સર્ટિફિકેટ અનુરાગ માટે નવું નહોતું, એમ તેને વખાણનારી શર્વરી પહેલી કે છેલ્લી સ્ત્રી નહોતી!

અનુરાગની મરદાનગી સોહામણી હતી કે પછી તેના સોહામણાપણામાં મરદાનગી દીપતી હતી એનો ભેદ તારવવો મુશ્કેલ ગણાય. ઊંચો, પહોળો, ગોરો, કસરતી બદન ધરાવતો અનુરાગ એટલો આકર્ષક દેખાતો કે પુરુષોને પણ તેની છાની ઈર્ષા થાય! પથારીમાં સ્ત્રીને સંતોષવાની મહારત એવી કે તેનો સંસર્ગ માનુની માટે લાઇફટાઇમ એક્સપિરિયન્સ બની રહે...

પોતાના ચાર્મથી અનુરાગ અજાણ નહોતો, પરંતુ એનાથી ધાર્યું નિશાન પાર પાડી શકાય એવી સૂઝ કૉલેજમાં આવતાં જાગી. વિધવા માના દેહાંત પછી સંસારમાં તે એકલો હતો, રહેવાનું મહાલક્ષ્મીની ખોલીમાં. પિતાના અમુક પેન્શનને કારણે ટેન્શન વિના દિવસો ગુજરતા હતા. ફૅશન સ્ટ્રીટથી ખરીદેલાં સસ્તાં, છતાં સ્ટાઇલિશ વસ્ત્રોમાં તે છેલબટાઉ લાગતો. છોકરીઓ પોતાને તાકી રહે છે એવી સમજ ધીરે-ધીરે ઊઘડવા લાગી. આપોઆપ તેને શરીરસૌષ્ઠવ બનાવવામાં રસ પડ્યો. અભ્યાસમાં તે ઠીકઠાક હતો, સ્ર્પોટ્સમાં અવ્વલ. શર્ટ ઉતારી તે વૉલીબૉલ રમતો ત્યારે કંઈક ધડકનો તેજ થઈ જતી.

ધીસ ફીલ્સ ગુડ! અનુરાગને કંઈક તૃપ્તિ મળતી. થતું, બાઇક-કારમાં ફરતા સહાધ્યાયીઓથી વધુ વટ મારો છે!

અનુરાગમાં માત્ર દેખાવ હોત તો આકર્ષણનાં પૂર ઓસરી જાત, પણ તેની વાણીમાં મીઠાશ હતી, મદદ કરવા તે તત્પર રહેતો અને એટલે ગર્લ્સનો ફેવરિટ હતો. કૉલેજના પહેલા જ વર્ષમાં તેણે મેળવેલું અટેન્શન અદ્વિતીય હતું.

‘અનુરાગ, કૅન યુ કમ ટુ માય હોમ ધીસ ઇવનિંગ?’

પ્રથમ વર્ષની ફાઇનલ એક્ઝામના મહિના અગાઉની એક બપોરે કેમિસ્ટ્રીનાં પ્રોફેસર મિસ તલાટીએ તેને કૉરિડોરમાં આંતરી નિમંત્રણનું કારણ પણ દર્શાવી દીધું, ‘કેટલીક જર્નલ્સને મારે બાઇન્ડિંગમાં આપવાની છે... ઍક્ચ્યુઅલી બે બૅગ્સ ભરીને જર્નલ્સ ભેગી થઈ છે, તું આવશે તો હેલ્પ રહેશે.’

અનુરાગને આમાં શું વાંધો હોય?

શનિવારની સાંજે છના ટકોરે તે મૅડમના ફ્લૅટમાં પહોંચી ગયેલો. જર્નલનું કામ પતાવી મૅડમે તેને જવા ન દીધો : ડિનરનો ટાઇમ થયો છે, તો ખાણું ખાઈને જ જા! આમ તો રોજ હું એકલી હોઉં છું, આજે તારી કંપની મળશે તો બે રોટલી વધારે ખવાશે!

૩૫-૩૭ વરસનાં મૅડમ અનુરાગને કૉલેજમાં જોવા મળતાં એનાથી જુદાં - વધુ મિત્રતાભર્યા લાગ્યાં. વાત-વાતમાં થતો તેમનો સ્પર્શ ઝણઝણાટી જગાવતો. વારે-વારે સરકી જતા પાલવથી ઊઘડતાં અંગો પર નજર ચોંટી જતી. મૅડમ હળવું મલકી જતાં ને અનુરાગને સમજાતું નહીં કે તેમણે કરવા શું ધાર્યું છું?

ફ્રૂટ ડિશને ન્યાય આપ્યા પછી તેમનો ઇરાદો ખૂલ્યો, અનુરાગના ચહેરે આંગળી ફેરવતાં તેમણે પૂછ્યું, ‘મને ફ્રૅન્કલી કહેજે... તેં ક્યારેય કોઈ સ્ત્રીને નિરાવૃત જોઈ છે?’

અનુરાગની ભીતર સનસનાટી મચી ગઈ.

‘નો, નૉટ ઇન પૉર્ન મૂવીઝ... આઇ ઍમ આસ્કિંગ ફૉર લાઇવ!’

તૃષ્ણા તલાટીના આવા ઇનિશ્યેટિવ્ઝનું પરિણામ જે આવવું ઘટે એ જ આવ્યું... અપરિણીત, એકલવાયી ઔરત તરીકે મનગમતા પુરુષની કંપની માણવાનું તૃષ્ણાને ફાવી ગયેલું. અનુરાગને કક્કો તેણે ઘૂંટાવ્યો. પછી તો અનુરાગને તેના કૉલનો ઇન્તેજાર રહેતો. બંધ રૂમમાં તેના પર ઓળઘોળ થતી તૃષ્ણા કૉલેજમાં પહેલાં જેવી જ અતડી, અલગ બની જતી. ખાનગી મુલાકાત પર પડદો ઢાંકવાનું, કે પછી જાહેરમાં દંભથી વર્તવાનું અનુરાગ મિસ તલાટીના ઉદાહરણ પરથી શીખ્યો. શરીરની સંતૃપ્તિના બદલામાં તૃષ્ણામૅડમ તેને રસાયણના અગત્યના પ્રfનોની યાદી આપી દેતાં, જે પરીક્ષામાં કામ લાગતી. કેમિસ્ટ્રીમાં અનુરાગનો સ્કોર સારો રહેવા પાછળનું ખરું કારણ અલબત્ત, કોઈ જાણી શકેલું નહીં.

વરસેક પછી તલાટીએ અન્ય કૉલેજમાં ટ્રાન્સફર મેળવી ત્યાં સુધીમાં અનુરાગ અનુભવી થઈ ચૂકેલો, છોકરીને પલોટવામાં પણ અને રીઝવવામાં પણ! ના, મેલ પ્રોસ્ટિટuૂટ બનવાનો તેનો ઇરાદો નહોતો, ચડતી જવાનીનો લુત્ફ માણવાની મકસદ રહેતી માત્ર.

અનુરાગ ગ્રૅજ્યુએશનના થર્ડ યરમાં પ્રવેશ્યો ત્યારે શર્વરીએ પ્રથમ વર્ષમાં ઍડ્મિશન લીધું.

શર્વરી શ્રીમંત પિતાની પુત્રી નહોતી, સાધારણ કુટુંબની કન્યા હતી. તેનું રૂપ તેને એક્સ્ટ્રા-ઑર્ડિનરી બનાવતું.

કાશ્મીરના બરફ જેવો ઊજળો વાન, શિમલાના સફરજન જેવા લાલ હોઠ, અંગ-ઉપાંગો એવાં જાણે મૈસુરનો વૃંદાવન બાગ! શર્વરી સૌંદર્યનો મઘમઘતો ગુલદસ્તો હતી. કૉલેજની બ્યુટી-ક્વીનનું બિરુદ વિના હરીફાઈ તેને મળી ગયું. તેને જોઈ આહ ભરનારામાં એક અનુરાગ પણ હતો!

શર્વરી પોતાની મૂડીથી સભાન હતી. સાધારણ આર્થિક સ્થિતિને કારણે ડ્રેસિંગ કે હેરસ્ટાઇલનો ઠઠારો ન થતો, છતાં જે કંઈ પહેરે-ઓઢે એમાં રૂપને ચાર ચાંદ લાગે એટલું અવશ્ય કરતી. અલબત્ત, સુંદરતાના દમ પર એકાદ માલેતુજારને પળોટી, લગ્ન કરી હંમેશની અમીરાત માણવાનું કદી વિચારેલું નહીં. વયસહજ છોકરાઓનું આકર્ષણ રહેતું, એમાં પ્રથમ નંબર સ્વાભાવિકપણે અનુરાગનો આવતો.

ટીનેજ કે પછી કૉલેજમાં ભણતા જુવાનિયાઓના દિમાગમાં હંમેશાં કામ જ સળવળતો હોય એવું દર્શાવવનો ઇરાદો નથી, પણ તેમની વયમાં સેક્સ ફૉર ફનના કિસ્સા અલાર્મિંગ રેટે વધી રહ્યા છે એ પણ હકીકત છે.

દિવાળીની ગોવાની કૉલેજ-ટૂર દરમ્યાન પહેલ કરી અનુરાગે. શર્વરીને આલિંગનમાં લઈ લિપલૉક કરેલા ત્યારની તેના કુંવારા બદનમાં આગ ભડકેલી. પછી તો કૉલેજ બંક કરી એકાદ ગેસ્ટહાઉસમાં અનુરાગ જોડે સંપૂર્ણ સુખ માણ્યું ત્યારે તૃપ્તિ થઈ! કૌમાર્ય ગુમાવવાના ડંખને બદલે તે વધુ ને વધુ વાર મોજ માણવા લલચાઈ. કામવૃત્તિનો તરફડાટ જ એવો છે! શર્વરી સાથે જોડાયા પછી અનુરાગનું પણ બીજે ભટકવાનું ઓછું થઈ ગયું.

એનું કારણ હતું.

શર્વરીની શારીરિક ભૂખ અમાપ હતી, તેને રીઝવવામાં પડકાર રહેતો. એટલું જ નહીં, સમાગમમાં એક્સપરિમેન્ટ્સ માટે તે હંમેશાં તૈયાર રહેતી. પરિણામે દરેક અનુભવ વર્ણનાતીત બની રહેતો. સુખ આપીને સુખ મેળવવાની ઇચ્છા સિવાય બીજી કોઈ અપેક્ષા આ સંબંધમાં નહોતી. ન અનુરાગે પ્રીત-પરિણયનાં વચન આપ્યાં ન શર્વરીએ એની જરૂર જોઈ.

નામ વિનાના સંબંધને ગોપનીય રાખવાની સાવધાની આપોઆપ આવી જતી હોય છે.

શર્વરીના બૅન્ક ઑફિસર પિતા, ગૃહિણી માતા કે ટેન્થમાં ભણતા નાના ભાઈની ફૅમિલીને ઘરની દીકરીનું અપલક્ષણ કદી ગંધાયું નહોતું. મુંબઈમાં વસતિ અને વ્યસ્તતા બન્ને એટલાં કે કોણ શું કરી રહ્યું છે એની નોંધ લેવા કોઈ નવરું ન હોય!

શર્વરી કૉલેજના બીજા વરસમાં આવી ત્યાં સુધીમાં ગ્રૅજ્યુએટ થઈ અનુરાગ એકાદ કંપનીમાં ઑપરેટરની બાર-પંદર હજારની નોકરીએ લાગી ગયેલો. આટલી આવકમાં તો તે ઠાઠથી રહેતો. કૉલેજમાં જે થોડાઘણા સંપર્ક રહ્યા હતા એમાં એક શર્વરી પણ હતી.

શર્વરી પોતે કદી અનુરાગ સિવાય કોઈ જોડે સૂતી નહોતી, પણ અનુરાગને એવું બંધન ન હોવાનું તે જાણતી, એમાં વાંધો લેવા જેવું કશું તેને લાગતું નહીં.

કૉલેજકાળ પત્યો, ગયા વરસે શર્વરીનાં લગ્ન લેવાયાં ત્યાં સુધી બન્ને વચ્ચે શારીરિક સંબંધ રહ્યો...

‘ધીસ મે બી અવર લાસ્ટ મીટ. આઇ ઍમ મૅરિંગ!’ ફ્રેન્ડ્ઝને કંકોતરી વહેંચવા નીકળેલી શર્વરી અનુરાગના ઘરે પહોંચી હતી. પિયર માટે અજાણ્યા અનુરાગને લગ્નમાં તેડું ન જ હોય, અનુરાગને પણ એ સ્વાભાવિક લાગેલું. આગમનનો ઇરાદો બીજો શું હોય? શર્વરીની જેમ અનુરાગે પણ એ સંવનન છેલ્લું રહેવાનું હોય એવી ઉત્કટતાથી એને માણ્યું.

છૂટાં પડતી વખતે બેમાંથી કોઈને એવું લાગ્યું નહોતું કે મારું ઇમોશન હર્ટ થયું છે!

ઊલટું જીવનમાં નવા પાત્રને વધાવવા શર્વરી આતુર હતી.

અનુરાગની જેમ અતીત પણ સંસારમાં એકલો હતો. અનુરાગ જેટલો કદાચ આકર્ષક ન ગણાય, છતાં સોહામણો તો હતો જ. આર્થિક રીતે અનુરાગ કરતાં ઘણો સધ્ધર. અંધેરીમાં બે બેડરૂમનો વેલફર્નિશ્ડ ફ્લૅટ, સ્મૉલ કાર અને એ. બી. જ્વેલર્સના મૅનેજર તરીકે ચાલીસ હજારના પગારવાળી જૉબ! શર્વરીથી ચારેક વરસ મોટો અતીત નોકરીમાં ઘડાઈ ગયેલો. રત્નોનો પારખુ હતો. ઓનર ભીમજીભાઈનો વિશ્વાસુ.

સોના-ચાંદીનાં ઘરેણાંથી મોટો ધંધો હીરાની લેવડદેવડનો હતો, મૅનેજરની રૂએ ક્યારેક તો કરોડોના હીરાની હિફાજત અતીતના શિરે રહેતી.

પણ આ બધું જાણવા-સમજવામાં શર્વરીને ક્યાં રસ હતો! અતીત પોતાનાં રસ-રુચિ કહેતો, લતાનાં રોમૅન્ટિક ગીત ગણગણી સહજીવનનાં સમણાં સજાવતો ત્યારે શર્વરીનું ચિત્ત બીજે જ ભટકતું : અતીતના હોઠ રસદાર જણાય છે, તેના ચુંબનમાં આગ હશે! અનુરાગની જેમ તેને કસરતનો શોખ નથી, છતાં તેનું સિમેટ્રિક બૉડી વસ્ત્રો વિના પણ અટ્રૅક્ટિવ જ લાગશે...

ભાવિ પતિની તુલના પોતે અનુરાગ જોડે શું કામ કરવી જોઈએ એવો ખ્યાલ શર્વરીને નહોતો થયો. લગ્ન પહેલાં અનુરાગની જ સલાહ અને મદદથી નાનકડી સર્જરીથી કૌમાર્યની અખંડતા મેળવી લીધેલી એટલે પણ સુહાગરાત માટે તે વ્યાકુળ હતી.

સજાવેલા ખંડમાં પ્રવેશેલો અતીત દુલ્હન પાસે ગોઠવાઈ ઇમોશનલ અટૅચમેન્ટની અગત્ય વર્ણવતો હતો ત્યારે શર્વરી ફિઝિકલ પ્લેઝર્સ માટે વલખાં મારતી હતી!

છેવટે એ ઘડી પણ આવી. અતીતનું બિનઅનુભવીપણું શર્વરીને પરખાયું, એમ પોતાના અનુભવ જાહેર ન થઈ જાય એ માટે પણ તે સાવધ હતી.

એકંદરે અતીત સાથેનું પ્રથમ સાયુજ્ય સુખકારી રહ્યું. નિરાવૃત અતીત વધુ આકર્ષક લાગ્યો, હનીમૂનમાં મજા આવી, પણ સંસારમાં બે-ચાર મહિનામાં શર્વરીને કશી ઊણપ સાલવા લાગી.

કારણ હતું અતીતની એકવિધતા! પત્નીને સંતુષ્ટ કરવાની બળકટતા તેનામાં અવશ્ય હતી, પરંતુ તે ભાગ્યે જ એક્સપરિમેન્ટ પ્રિફર કરતો અને સૌથી મોટો, મૂળભૂત ફરક એ હતો કે સેક્સ વિના પણ તે રાતની મીઠી નીંદર માણી શકતો, શર્વરી નહીં! પિરિયડના દિવસ તો તેને માટે મુશ્કેલીથી ગુજરતા. પડખે પોઢેલા પતિને નિહાળી થતું, કાશ, તેની જગ્યાએ અનુરાગ હોત તો...

- આ એષણાને કારણે જ કદાચ તે ફરી અનુરાગના સંસર્ગમાં આવી, પતિની પીઠ પાછળ આડો સંબંધ બાંધી બેઠી! ત્યાં સુધી કે ઘરે આવી, પતિ-પત્ની સૂતાં એ જ પલંગ પર અનુરાગ તેને ભોગવવા લાગ્યો, આજની જેમ જ!

બટ નો રિગ્રેટ્સ ફૉર ધૅટ!

અનંગનો આવેગ ફરી મચલવા લાગ્યો હોય એમ શર્વરી અનુરાગને વળી વેલની જેમ વીંટળાઈ.

(ક્રમશ:)


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK