કથા-સપ્તાહ - સાલ મુબારક (સંબંધની સફર - ૪)

Published: 16th November, 2012 06:39 IST

નિકીના કાળજે ટાઢક વળી : તમારી બીમારીએ મારું ડ્રીમ તોડ્યું, મેં માંદગી ઊભી કરી તમારો પિયરનો વહેવાર બગાડ્યો!અન્ય ભાગ વાંચો

2  |  3  |  4  |


આને કહેવાય ટિટ ફૉર ટૅટ!

નિકીના કાળજે ટાઢક વળી : તમારી બીમારીએ મારું ડ્રીમ તોડ્યું, મેં માંદગી ઊભી કરી તમારો પિયરનો વહેવાર બગાડ્યો!

‘ભાભી, તમે નીકળો, જોઈએ તો પ્રાઇવેટ ટૅક્સી કરી લો... મને સારું છે, ચિંતા ન કરો...’

નિકીએ વિનવણીના નાટકમાં કમી નહોતી રાખી, પરંતુ આરતીનું મન માને?

દિવસભર દેરાણીએ જેઠાણીની સેવા લીધી, ને પતિના આગમનટાણે કપડાંનો ઢગલો લઈ ગડી વાળવા બેસી ગઈ!

€ € €

રવિવારે આકાશ-આરતી-કેતુલ કાર લઈ દિવ્યાભાભીના પિયર નવસારી જવા નીકળ્યાં. નિકીને આ આયોજનનો વાંધો નહોતો, કેમ કે બદલામાં પતિ સાથે મનગમતું એકાંત મળવાનું હતું!

‘કલાકે-કલાકે શું ફોન જોડે છે, નિકી! ભાઈ છે જોડે પછી ચિંતા શી?’ અરેને પત્નીને નિકટ ખેંચી, ‘બધાનો ખ્યાલ છે, મારી બેકરારી દેખાતી નથી?’

અને નિકીએ બારીના પડદા ઢાળી દીધા!

€ € €

સાંજે સુમનબહેન આવ્યાં, સાવ અણધાર્યાં.

‘મમ્મી, તું, અચાનક!’ નિકીને સરપ્રાઇઝ, અલબત્ત, ગમી.

દીકરીનાં જેઠ-જેઠાણી હાજર નથી એનો તેમને ખ્યાલ હતો. કામ જ એવું હતું કે તેમની ગેરહાજરી અનુકૂળ પડે. ઘરેથી કહીને નીકળ્યાં કે મંદિરે જાઉં છું... દેવદર્શને પ્રેરણા આપી હોય એમ અહીં આવ્યાં ખરાં, પણ જમાઈ સમક્ષ જીભ ન ઊપડી ને દીકરીને માની પરેશાની પારખવાનું મન જ ક્યાં હતું? તે તો આપવડાઈમાંથી જ ઊંચી નથી આવતી! નિકી પહેલાં તો આવી નહોતી!

માએ પુત્રીનો બદલાવ પારખ્યો, પણ તેના પિષ્ટપેષણનો ન અવકાશ હતો, ન મૂડ. છતાં એટલું અવશ્ય બોલ્યાં :

‘ગામલોક ગમે એ કહે, આરતી તને વખાણે તો હું માનું!’

દીકરીને પાનો ચડાવવાના આશયથી જ તેઓ આમ બોલ્યાં, પરંતુ નિકીને નવું મિશન મળી ગયું!

તેં કહ્યું એમ જ થશે, મમ્મી! અનેકોની વચ્ચે ભાભીએ મારી પ્રશસ્તિ ગાવી પડે એવું જરૂર હું ગોઠવીશ...

સુમનબહેન તો પછી મનની મનમાં જ દબાવીને નીકળી ગયાં અને આકાશ વગેરે પરત થાય એ પહેલાં નિકીને મુરત મળી ગયું :

ત્રેવીસ ડિસેમ્બર, અરેનની વર્ષગાંઠ!

€ € €

‘મોટા ભાઈ-ભાભી’

સોમવારે અરેન ઑફિસે નીકળતાં નિકીએ પાસો ફેંક્યો.

‘નેક્સ્ટ વીક અરેનનો બર્થ-ડે છે, આઇ વૉન્ટ ટુ થ્રો અ સરપ્રાઇઝ પાર્ટી, અહીં, આપણી ટેરેસમાં જ...’

ના પાડવાનો તો સવાલ જ નહોતો, આકાશે પોતાનું કાર્ડ ધરી દીધું : તને જોઈએ એટલી તારી ઇચ્છા પ્રમાણે પૈસા વાપરજે, બસ, અરેનનો બર્થ-ડે યાદગાર બનવો જોઈએ!

‘મારી બીજી પણ રિક્વેસ્ટ છે, મોટા ભાઈ... અરેનને ગિફ્ટ આપણા ત્રણે વતી આપીશું, જે તમારા માટે પણ સરપ્રાઇઝ રહેશે!’

નિકીના આ ઉમંગને પણ વધાવી લેવાયો.

€ € €

રાત્રે બારના ટકોરે ‘હૅપી બર્થ-ડે’ કરી નિકીએ અરેનને રીઝવ્યો, સવારે ભાઈ-ભાભીને પગે લાગી, રાત્રે ડિનર બહાર લઈશું એવી થોડીઘણી ચર્ચા કરી અરેને ઑફિસ માટે વિદાય લીધી.

તેના જતાં જ નિકી, આરતી ડેકોરેશનના કામમાં જોતરાયાં. બપોરે આકાશ પણ આવી ગયો.

‘નિકી, અરેનની ગિફ્ટ શું છે એ તો કહે.’ આરતીએ પૂછ્યું.

‘ભાભી, પહેલાં એ અરેનને જ જોવા દોને.’ તેણે હળવેથી કહી દીધું, ‘ગિફ્ટમાં જોકે મારો પણ ફાયદો છે.’

આરતીના મનમાં કશો ઝબકારો થયો.

‘ભાભી...’  આકાશ આઘોપાછો થતાં નિકીએ લાગ જોયો, ‘અરેનની પાર્ટી પાછળ મેં ઘણો શ્રમ લીધો એવું બોલવું મને શોભે પણ નહીં, પણ તમે કહેશો તો અરેનને એવુંય લાગશે કે હું તેને કેટલું ચાહું છું!’

- અને એ ઘડી આવી પહોંચી. ટેરેસમાં પાર્ટીની રંગત જામી ચૂકી. પાર્ટીની સરપ્રાઇઝથી અરેન સાચે જ સરપ્રાઇઝ થયેલો. મહેમાનો પધારી ચૂક્યા, ટૂંકા પ્રવચનથી તેમનું સ્વાગત કરતી આરતીએ દેરાણીની બે મોઢે પ્રશંસા કરી : અમારી નિકી ગુણોના ભંડારસમી છે, અમારા સૌના હોઠોના સ્મિતનું કારણ છે, અરેનને તે કેટલું ચાહે છે એની સાબિતી આ પાર્ટી છે!

નિકી મા નજીક સરકી : જોયું, કરીને આરતીભાભીએ મારી પ્રશસ્તિ!

કેક-કટિંગ પહેલાં નિકીએ આકાશ-આરતીને કવર થમાવ્યું : આ અરેનની ગિફ્ટ!

આરતીના ધાર્યા પ્રમાણે એ નાતાલના વેકેશન દરમ્યાનનું આંદામાનનું બે જણનું ટૂર-બુકિંગ હતું, આવાગમનની જહાજની ટિકિટ સાથે!

બીજા સંજોગોમાં કૅન્સલ થયેલી ફૅમિલી-ટૂરને અરેન સહકુટુંબ માણવાનો જ આગ્રહ કરત, એ ટાળવા નિકીએ ચાલાકી દાખવી : ભાઈ-ભાભીની ગિફ્ટ અરેન ઓછો ઠુકરાવી શકવાનો! આ વખતે મારું સમણું અધૂરું નહીં રહે!

નિકી ખુશી વાગોળતી હતી, ત્યારે આકાશ પત્નીને નવાઈભર્યા સ્વરે પૂછતો હતો : કમાલ છે, જે ગિફ્ટ આપણે કપલને આપવા ઇચ્છતાં હતાં એ જ નિકીને પણ સૂઝ્યું!

‘આકાશ, હું કંઈક જુદું વિચારું છું,’ આરતી સહેજ ગંભીર બની, ‘નિકીના પેરન્ટ્સ મને થોડા ખોવાયેલા, ગુમસૂમ લાગ્યા... તેમને ક્યાંક ખોટું નથી લાગ્યુંને?’

ના, એવું નહોતું. આકાશે ખાતરી કરી. તો પછી શું વાત હશે?

બીજા દિવસે આકાશને જાણવા મળેલો ભેદ ગંભીર હતો.

€ € €

આરતી ઉતારી જેઠાણીએ દિયર-દેરાણીને વિદાય આપી. મુંબઈથી ચેન્નઈની ઉડાન ભરતાં જ નિકીનો થનગનાટ ડોકાવા માંડ્યો.

પત્નીના ઉમંગનો કેફ અરેનને પણ પહોંચ્યો. દરિયાઈ સફર નિકીએ ધારી હતી એવી જ યાદગાર બની ગઈ!

€ € €

એકત્રીસ ડિસેમ્બરની સવારે પરત થયેલાં અરેન-નિકીએ

કૅમેરા-શૉપિંગ દ્વારા આખો પ્રવાસ ઉખેળી કાઢ્યો. તેમની ખુશીનો આકાશ-આરતીને આનંદ.

‘ભાભી, મારાં પપ્પા-મમ્મી-ભાઈ માટે થોડીઘણી ખરીદી કરી છે એ તેમને આપી આવું?’

અરેનની હાજરીમાં તેણે આજ્ઞાંકિત વહુની જેમ પૂછ્યું.

આરતીનો ઇનકાર હોય જ નહીં.

બપોર પછી ઑફિસે જનારો અરેન નિકીને ડ્રૉપ કરી દે એવું ઠેરવાયું.

બન્નેના નીકળ્યાં પછી આરતીએ સુમનબહેનને ફોન જોડ્યો : આન્ટીજી, અરેન કે નિકીને કશું કહેશો નહીં!

€ € €

અરેનના નીકળતાં જ નિકીએ બૅગ ખોલી, સાથે બોલબોલ તો ચાલુ જ.

‘આ બધી આરતીની સૂઝ. પ્રવાસની ગિફ્ટ તેમણે જ આપીને!’

સુમનબહેન બોલ્યાં ને નિકીનું વાજું બગડ્યું!

‘આમાં તારી પ્રિય આરતીવહુની મહેરબાની નહીં, મારી ચતુરાઈ હતી!’

માને કહેવામાં શું વાંધો એમ માની તેણે શેખીમાં બધાં કરતૂત કબૂલી લીધાં,

તેના શબ્દે-શબ્દે સુમનબહેનના કાનમાં ધાક પડી ગઈ.

‘ઊભી થા...’ છેવટે તેમણે સોફા પર પલાંઠી વાળી સ્વગુણ ગાતી દીકરીને એકઝાટકે બેઠી કરી, ‘ચાલ મારી સાથે.’

€ € €

‘આરતી... આરતી!’ ડોરબેલની સાથે સુમનબહેને દરવાજો ઠપઠપાવી સાદ પાડ્યો.

માને આવા આવેશમાં નિકીએ કદી નહોતી ભાળી. પાછું થયું શું એ કહેતી નથી!

‘આન્ટી, તમે! પધારો...’

દરવાજો-જાળી ખોલી આરતી આવકાર આપે ત્યાં સુમનબહેને દીકરીને ધકેલી, ‘સંભાળ તારી દેરાણીને ને બે તમાચા મારી તેની સાન ઠેકાણે આણ!’

નિકી ડઘાઈ. આરતી સ્તબ્ધ બની. પોતાને દિવ્યાભાભીને ત્યાં ન જવા દેવા નિકીએ ત્રાગું કર્યાનું સાંભળી ફિક્કું હસી જ શકાયું માત્ર. નિકી નીચું જોઈ ગઈ.

‘હું નથી માનતી, આરતી, તારી ઝીણી નજરથી મારી દીકરીના દોષ છૂપા હોય!’ સુમનબહેન હાંફતાં હતાં, ‘તેને સાચો રાહ દેખાડવાની તારી ફરજ નથી?’

‘મેં ધીરજનો લાંબો રસ્તો લીધો, આન્ટી, નિકીની મૂળભૂત સારપમાં મને વિશ્વાસ હતો...’

પોતાનું વસ્ત્રહરણ થયાનું અનુભવતી નિકીને ભાભીનું પલડું ભારે થતું લાગ્યું. ખુલ્લા પડ્યા પછી શરમ શાની? અરેન આવે એ પહેલાં લડી લેવા દે.

‘મમ્મી, તું મારી મા થઈને નાહક જ ભાભીને ભાવ આપી રહી છે.’

‘સાચું કહ્યું તેં...’ થાક્યાં હોય એમ સુમનબહેન સોફા પર ગોઠવાયાં, ‘મારી દીકરી તું... પણ માની પરેશાની તને કદી દેખાઈ? આરતીએ એને એક નજરમાં પારખી...’

નિકીને એટલું સમજાયું કે માની કોઈક સમસ્યામાં ભાભી હાથવગાં બન્યાં, જ્યારે હું નાકામ રહી. ઠીક છે, પણ મદદગાર થઈ ભાભીએ એવો તે કેવો મીર માર્યો...

‘કહ્યા વિના આની આંખ નહીં ઊઘડે, આરતી, તારું વચન મજબૂરીમાં તોડું છું... કાન ખોલીને સાંભળ, નિકી ને તારા દિમાગમાં ઉતાર. વ્યાપારમાં બે-ચાર જગ્યાએ પૈસા ફસાતાં તારા પપ્પાના માથે ચારેક લાખનું દેવું થઈ ગયેલું, નાણાં ન ચૂકવાય તો ઘર-ઘરેણાં ગીરવી મૂકવાં પડે એવી સ્થિતિ. એ દા’ડે હું આવી’તી પતિથી છાનું રાખી તમારી મદદ લેવા, પણ જીભ ન ઊપડી...’

‘કહ્યા વિના કેમ ખબર પડે, મા?’

‘કહ્યું તો મેં આરતીને પણ નથી! એ જ ફેર તો હું તને સમજાવું છું... અરેનની પાર્ટીમાં આરતીએ અમારી પરેશાની પારખી, અમને પૂછતાં અમે સબ ઠીકનો રાગ આલાપ્યો. તોય સંતોષ ન થતાં આકાશે માર્કેટમાં તપાસ કરાવી ત્યારે દેવાનો ભેદ ખૂલ્યો.’

(મોટા ભાઈએ આટલું કર્યું... મારા પેરન્ટ્સ ખાતર!) નિકી સહેજ ગદ્ગદ થઈ.

‘ખબર મળતાં જ રૂપિયાનો બંદોબસ્ત કરી તારાં આ ભાઈ-ભાભી આપણા ઘરે આવ્યાં, સોગંદ આપી આકાશે તારા પપ્પાને મદદ થમાવી : તમારા માટે નહીં, અમારી નિકી માટે કરીએ છીએ એમ માની રકમ સ્વીકારો! આપનારા તો ઘણા જોયા નિકી, પણ લેનારનું માન જાળવીને મદદ કરનાર તો કો’ક જ હોય!’

‘આકાશભાઈ સાચે જ ભગવાનનું માણસ છે, મા.’

દીકરીથી હજીયે ભાભીનો ગુણ કબૂલાતો નથી એ મા પારખી ગઈ.

‘ભાઈ કરતાં મહાન ભાભી ગણાય, નિકી, કેમ કે તેમને મદદ કરવા આરતીએ તેના નામની ફિક્સ્ડ તોડાવી છે...’

હેં!

આમાં ભાભીની ચાલ છે. તેઓ જાણે છે કે આપેલો પૈસો પાછો આવવાનો છે, તો પછી વહાલાં કેમ ન થવું? - આવું આજે ન વિચારાયું, ભાભીની નિષ્ઠા, સ્નેહની વધુ નિંદા કરી, હું હવે મારી નજરમાંથી ઊતરવા નથી માગતી!

‘કઈ માટીનાં બન્યાં છો, ભાભી?’ આરતીને પગે પડતી નિકી આટલું જ પૂછી શકી.

તેને ગળે વળગાડતી આરતીના હૈયે કસોટીમાંથી પાર ઊતરવાની સંતૃપ્તિ હતી.

€ € €

બીજી સવારે ઈસુ ખ્રિસ્તનું નવું વરસ હતું.

‘સાલ મુબારક, નિકી.’ રસોડે પધારેલી દેરાણી સામે આરતીએ રાબેતા મુજબનો ટહુકો કર્યો.

‘માત્ર નવું સાલ મુબારક નહીં, ભાભી... આપણા સંબંધનું નવું પરિમાણ પણ મુબારક!’

ઘરની બે સ્ત્રીઓ વચ્ચે જ રહેલી આ ઘટનાઓની પુરુષવર્ગને કદી જાણ ન થઈ. દંભ વિના નિતાંત સ્નેહાળ, સમર્પિત રહેવાનો ગુણ નિકીએ આત્મસાત્ કર્યો, ભાભીથી સવાઈ થવાની વૃત્તિ તેણે દફનાવી દીધી. કારણ?

‘અરેને તમને માના સ્થાને મૂક્યાં છે, ભાભી, આજથી મારા માટે પણ તમારું એ જ સ્થાન.’

અને માથી કોણ મહાન થઈ શક્યું જ છે!

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK