કથા-સપ્તાહ - સાલ મુબારક (સંબંધની સફર - ૨)

Published: 13th November, 2012 06:08 IST

બ્રેકફાસ્ટ ટેબલ પર દિવાળીમાં ફરવા જવાની ચર્ચા ચાલતી હતી. આમ તો દર વરસે આરતી પર્યટનસ્થળ નક્કી કરતી હોય, પરંતુ ઘરમાં નવી વહુ આવ્યા પછી તેનાં મત-મરજીને પણ લક્ષ્યમાં લેવાનાં હોય એ હિસાબે દર દિવાળીએ એક સભ્યનો ચાન્સ આવે એવો પ્રસ્તાવ પૂર્વનિર્ધારિત હતો, જ્યારે અરેને એવું માન્યું કે નિકીને ખુશ રાખવા ભાભીએ પોતાનો હક જતો કર્યો!
અન્ય ભાગ વાંચો

2  |  3‘શરૂઆત નિકીથી કરીએ.’

બ્રેકફાસ્ટ ટેબલ પર દિવાળીમાં ફરવા જવાની ચર્ચા ચાલતી હતી. આમ તો દર વરસે આરતી પર્યટનસ્થળ નક્કી કરતી હોય, પરંતુ ઘરમાં નવી વહુ આવ્યા પછી તેનાં મત-મરજીને પણ લક્ષ્યમાં લેવાનાં હોય એ હિસાબે દર દિવાળીએ એક સભ્યનો ચાન્સ આવે એવો પ્રસ્તાવ પૂર્વનિર્ધારિત હતો, જ્યારે અરેને એવું માન્યું કે નિકીને ખુશ રાખવા ભાભીએ પોતાનો હક જતો કર્યો!

નિકી પતિનો રોષ અનુભવી શકી : એવી તે શું ફર્યા વિના રહી ગઈ કે તેં ભાભીને ઓવરટેક કર્યા!

એમાં વળી આરતીએ નવા નિયમનો પ્રથમ ચાન્સ પોતાને આપતાં નિકીએ ડોક ધુણાવી ‘ના, ના ભાભી. પહેલાં જેમ હતું એમ જ રાખો.’

તેના પડેલા અવાજમાં પતિને માઠું લાગ્યાની બીક હતી.

‘યા ભાભી,’ અરેને ટાપસી પૂરી, ‘આપણે કશું બદલવું નથી.’

આકાશ-આરતીની નજર મળી-છૂટી પડી.

‘કેતુલબેટા, તારી સ્કૂલ-બસનો ટાઇમ થયો...’ ચાનો ઘૂંટ ગળી નિકી ઊભી થઈ, ‘ભાભી, હું કેતુલને મૂકીને આવી...’

‘અરેન, તું પણ ક્યારેક હદ કરે છે.’

નિકીના જતાં જ આકાશે નાના ભાઈનો ઊધડો લીધો.

‘આકાશ સાચું કહે છે, અરેન.’ આરતીએ સહેજ જુદી રીતે સમજાવ્યું, ‘મને કહે, તારા મનમાં કોઈ વાત હોય, ઇચ્છા હોય તો તું અમને કહે કે નહીં?’

‘હકથી કહું, ભાભી.’

‘તો નિકીએ પણ તો એ જ હક વાપર્યો, અરેન... તું નિકી પાસે અમને માન આપવાની ફરજ પડાવવા માગે છે તો સામે અમારાં લાડ લૂંટવાનો તેનો હક પણ તારે સ્વીકારવો પડશે.’

અરેનની સમજબારી ખૂલી ગઈ. તે ભીનું મલક્યો :

ભાઈ-ભાભી, તમે સાચે જ ગ્રેટ છો!

કેતુલને મૂકીને આવેલી નિકીએ વાતાવરણ બદલાયેલું અનુભવ્યું. અરેનને ખુશમિજાજ ભાળી ધરપત થઈ. અરે, તેણે જ પર્યટનસ્થળ નક્કી કરવાનો આગ્રહ સેવતાં માનવું પડ્યું કે જરૂર ભાભીએ જ તેમને કન્વિન્સ કર્યા હોવા જોઈએ!

‘બાપ રે, ફરવા જવા માટે નિકી આખી ભૂગોળ યાદ કરવા બેઠી કે શું?’

આકાશની રમૂજી ટકોરે હસી જવાયું. નિકી ઉમંગમાં આવી.

‘મારા મનમાં એક જગ્યા ફિક્સ છે... આંદામાન-નિકોબાર આઇલૅન્ડ!’

પ્રવાસની શોખીન નિકીએ શિમલાના હનીમૂન દરમ્યાન પણ આ સ્થળ જોવાની ઝંખના વ્યક્ત કર્યાનું અરેનને સાંભર્યું : પ્રિયપાત્ર સાથે ટાપુની મુલાકાત હંમેશાં રોમૅન્ટિક રહેવાની!

આકાશ-આરતીને વાંધો હોવાનો નહોતો, કેમ કે સ્થળ અગાઉ જોયેલું નહોતું. ‘ઇટ વિલ બી ઍન ઍડવેન્ચરસ ટ્રિપ. વૉટર રાઇડ્ઝ, સ્કૂબા ડાઇવિંગ...’ નિકીનો ઉત્સાહ ધબક્યો, ‘આવાગમન માટે સાગર-સફર પસંદ કરીશું. બે રાત દરિયામાં ગાળી કેતુલ પણ ખુશ થઈ જવાનો!’

સાગર-સફરના ઉલ્લેખે આરતી સહેજ ફિક્કી પડી. આકાશ રોકે એ પહેલાં અરેન બોલી પડ્યો, ‘બાય સી નહીં જવાય, નિકી.’

‘વાય!’ નિકીના સ્વરમાં જીદ ભળી, ‘ખરી મજા તો સમુદ્ર ખેડવાની છે... અફાટ પાણીમાં આપણી લક્ઝરી લાઇનર તરતી હોય...’ તે અટકી. હાથમાં હાથ પરોવી આપણે ડેક પર ઘૂમતાં હોઈએ, રૂમની બારીમાંથી સમંદર જોતાં રોમૅન્સ કરવાની અલગ જ મજા હોય એવું જોકે ભાઈ-ભાભીની હાજરીમાં બોલાયું નહીં. ફરવા ભલેને સપરિવાર જવાનાં હોઈએ, એથી અંગત પળો ન જ મણાય એવું ઓછું! અરેન કેમ સમજતા નથી?

‘ભાભીને સમુદ્રની સહેલગાહ નથી ફાવતી. બે રાત તો દૂરની વાત. પાલવાની અડધો કલાકની બોટરાઇડમાં પણ તે નથી બેસતાં.’

ઓ...હ! નિકીએ આવું વિઘ્ન ધાર્યું નહોતું. ભાભીને નહીં ફાવતી વસ્તુ અરેન કદાપિ કરવા ન દે! તો શું દરિયાઈ સફરના મારાં અરમાન અધૂરાં રહેવાનાં? પત્નીની ખુશીની અરેનને દરકાર નથી?

માણસમાત્રને અમુક ઓરતા હોવાના. આકાશ-આરતી નવયુગલને પૂરતું એકાંત મળી રહે એનો ખ્યાલ રાખતાં.

પતિ-પત્ની વચ્ચે ફિલ્મ-ડિનરના પ્રોગ્રામ બનતા, એ દૃષ્ટિએ નિકીને ફરિયાદ નહોતી.

પરંતુ અરેન જોડે સાગરની સહેલગાહે જવાનું તેનું સપનું હતું. લક્ઝરી લાઇનરની પ્રવાસકથા તેને આકર્ષતી. ભારતમાં યોજાતી દરિયાઈ ટૂરનો તેને ખ્યાલ હોત તો કદાચ હનીમૂન વખતે જ આંદામાન ઘૂમવાનો પ્લાન બનાવ્યો હોત. હવે એ સ્વપ્નપૂર્તિ હાથવગી લાગી ત્યાં ભાભી આડાં ફાટ્યાં!

‘એક કામ થઈ શકે, અરેન.’

નિકીને ઝંખવાતી જોઈ આરતીનો જીવ બળ્યો. કદાચ એટલે જ તેને સૂઝ્યું. ‘તું અને નિકી જહાજમાં નીકળો, અમે ત્રણે હવાઈ જહાજમાં આવીશું.’

અરે વાહ! નિકી ઝળહળ થઈ : તો-તો શિપની યાત્રામાં અમને મનફાવતી છૂટ મળી રહેવાની!

‘પણ, ભાભી-’

‘નો મોર આગ્યુર્મેન્ટ્સ, અરેન.’ આકાશે સત્તા વાપરી, ‘આ જ પ્રોગ્રામ ફાઇનલ.’

તાળી પાડી ઊઠતી નિકી આરતીને વળગી, ‘થેન્ક્યુ ભાભી!’ પત્નીના આનંદે અરેનથી પણ મલકી જવાયું.

€ € €

‘મમ્મી, અમે લોકો આંદામાન જઈએ છીએ...’

બે દિવસ પછી બુકિંગ કન્ફર્મ થતાં, પિયર જઈ નિકીએ ખુશાલી ઉછાળી.

‘જોયું, નિકી?’ સુમનબહેને સમજાવ્યું, ‘આરતીએ તારી ઇચ્છાનો ખ્યાલ રાખ્યોને!’

આજે નિકીને જેઠાણીનાં વખાણ સાંભળવા ગમ્યાં.

€ € €

દિવસો વીતતા હતા એમ નિકીની થ્રિલ બેવડાતી હતી. દિવાળીના કામ ઉપરાંત શૉપિંગની વ્યસ્તતાનો થાક લાગતો નહીં. આંદામાનમાં કેવી સીઝન હશે, કેટલી જોડી કપડાં લઈશું - એ બધું વિચારીને નિકી ખરીદી કરતી, જોડે જતી આરતી તેને પ્રોત્સાહન પાઠવતી : તારી સૂઝ કાબિલે તારીફ છે, નિકી!

‘થોડું શૉપિંગ ભાભીથી છાનું પણ કર્યું છે...’ રૂમના એકાંત માંતે અરેનને કહેતી, ‘જેમ કે આ નાઇટી.’

લો કટવાળી અત્યંત શૉર્ટ નાઇટીમાં અંગ-ઉભાર સ્પષ્ટ કળાય એવા હતા.

‘જહાજ પર રાત્રે હું આ પહેરીશ...’ તે અરેનના કાનોમાં ગણગણતી.

‘એમ કહેને, શિપ પર રાતનો ઉજાગરો જ કરવાનો છે!’ અરેન નિકીને ભીંસી દેતો, ‘આપણું બીજું હનીમૂન, હં?’

યસ, લાઇક અ ડ્રીમ કમ ટ્રુ!

પણ સપનાં એમ ક્યાં સાચાં પડે છે?

€ € €

‘સાલ મુબારક!’

દિવાળી ગઈ, નવું વરસ આવ્યું. મંદિરની મુલાકાત,

સગાં-વહાલાંનો મેળાવડો... આરતી દરેક અવસરે નિકીને આગળ રાખતી : આપણે ત્યાં તારી આ પહેલી દિવાળી!

બીજા દિવસે હતી ભાઈબીજ. પિયર વલસાડથી આરતીનાં ભાઈ-ભાભી અને ભત્રીજા આવ્યાં. નિકીના ભાઈને લઈ એના પેરન્ટ્સ પધાર્યા.

‘મમ્મી, અમે કાલે નીકળીએ છીએ...’ નિકીએ મા સમક્ષ પાકું કર્યું, ‘અહીંથી ચેન્નઈ પ્લેનમાં, ત્યાંથી ‘સંસ્કૃતિ’ નામનું જહાજ છે. ભાઈ-ભાભી અને કેતુલ બે દિવસ પછી સીધી આંદામાનની ફ્લાઇટમાં આવશે,’ કહી ઉમેર્યું, ‘રિટર્નમાં અમે સૌ પ્લેનમાં પાછાં ફરવાનાં.’

‘અલ્યા, અરેન...’ દિવ્યાભાભીએ નણંદના દિયરની મશ્કરી માંડી, ‘નિકી તો બીજા હનીમૂને જવાની હોય એવી ઉત્સાહઘેલી છે!’

ત્યારે અરેન જેવો અરેન પણ સહેજ શરમાયો!

€ € €

‘હા...શ! હવે પરવાર્યા.

મહેમાનોના ગયાના કલાક પછી આરતી-નિકીને હાશકારો થયો.

‘ભાભી, સવારનું જમણ વધ્યું છે એટલે રાતની રસોઈની ફિકર નથી. તમે થોડું સૂઈ જાઓ. હું કપડાંની ગડી વાળી દઉં.’

આરતીનો પહોંચો દબાવતી નિકી ચમકી,

‘અરે, ભાભી, તમારું બદન તો ધગે છે!’

ના, એ સાધારણ તાવ નહોતો. આરતીનું માથું દુખવા લાગ્યું, શરીર તૂટતું હોય એવું વર્તાયું.

વી કાન્ટ ઇગ્નોર ધીસ સિમ્પ્ટમ્સ...’ ઘરે તપાસવા આવેલા ફૅમીલી ફિઝિશ્યન ડૉ. વેદરાજે સૂચવ્યું, ‘ઇટ્સ બેટર કે આપણે ડેન્ગીનો ટેસ્ટ કરાવી લઈએ.’

ડેન્ગી! તાજેતરમાં જાણીતા ફિલ્મ-દિગ્દર્શક ડેન્ગીની બીમારીથી અવસાન પામ્યા ત્યાર પછી આમજનતામાં આ રોગ વિશેની અલર્ટનેસ વધી ગઈ છે. તકેદારી ન રખાઈ તો રોગ જીવલેણ નીવડી શકે છે.

‘ડૉક્ટર, તત્કાળ તમારા પૅથોલૉજિસ્ટને બોલાવી લો,’ અરેને ફટાફટ નર્ણિય લેવા માંડ્યા, ‘ભાઈ, તમે ભાભી પાસે રહો. હું નાળિયેરપાણી-ફ્રૂટ્સ લઈ આવું. નિકી, તું કેતુલને અલગ જ રાખ...’

નિકીને ભાભીની ચિંતા હતી એમ કાલનું જહાજ પકડવાનું ટેન્શન પણ!

€ € €

‘તપાસનો રર્પિોટ કાલે બપોરે ત્રણ વાગ્યે મળશે.’

ડૉક્ટર પાસેથી જાણી આકાશે રિસીવર મૂક્યું.

‘દવાના પહેલા ડોઝથી આરતીને રાહત છે. અત્યારે સૂતી છે જાણી ડૉક્ટર પાછા એમ પણ કહે છે કે મોટા ભાગે ડેન્ગી તો ન જ હોય... બાકી કન્ફર્મ રિઝલ્ટ તો કાલે જ મળે.’

‘ડોન્ટ વરી ભાઈ,’ અરેને સધિયારો આપ્યો, ‘ભાભીને કંઈ જ નહીં થાય.’

€ € €

કેતુલને સુવાડી નિકી પોતાના રૂમમાં આવી. અરેન નૉવેલ લઈ આડો પડ્યો હતો. પોતાના ગોઠવેલા સામાન પર નજર ફેંકી નિકીએ ન સંભળાય એવો નિસાસો નાખ્યો.

‘અરે, તું આવી ગઈ?’ પલંગ પર સંચાર વર્તાતાં અરેનનું ધ્યાન ગયું, ‘કેતુલ સૂઈ ગયો?’

‘હં...?’ નિકીએ પતિના ખભે માથું ટેકવ્યું, ‘અરેન, ભાભીનો રર્પિોટ કાલે ત્રણ વાગ્યે આવશે. આપણા જહાજનો ડિપાર્ચર ટાઇમ બે વાગ્યાનો છે.’

અરેને ઝીણી આંખે પત્નીને નિહાળી. પોતે જે કહેવા માગે છે એ કહેતાં પહેલાં નિકીનું હૈયું ધડકી ગયું!

(ક્રમશ:)


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK