કથા-સપ્તાહ - લેકિન (કુદરતનો સંકેત - ૪)

Published: 13th December, 2012 05:41 IST

બાલ્કનીની પાળે હાથ ટેકવી આશ્રય ક્યાંય સુધી અનંત ફેલાયેલા આભને તાકી રહ્યો.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  | 


મને ઊંઘમાં ચાલવાની ટેવ હતી! ઊંઘમાં ઝબકીને જાગી જતો એને મા-બાપે વળગાડ તરીકે જોયો અને આ બધું દિવેદમાં બન્યું!

સાંજની અવનિની મુલાકાતે મને મારા બાળપણનો ટુકડો પાછો આપ્યો હોય એવું લાગ્યું. એ જમાનામાં સાઇકિયાટ્રિસ્ટ પાસે જવાનું ચલણ ક્યાં હતું? નહીંતર પપ્પા-મમ્મીએ મારી સારવાર કરાવી જ હોત.

‘આઇ ઍમ સૉરી, આશ્રય - આઇ મીન ડૉક્ટર,’ સ્મૃતિનો પટારો ખોલ્યા પછી અવનિને સંકોચ થયેલો, ‘તમારા સ્ટેટસનો ખ્યાલ કર્યા વિના હું બધું બોલી ગઈ.’

‘આશ્રયમાંથી ડૉક્ટર અને તુંમાંથી તમે કહી મને દોસ્તમાંથી અજનબી ન બનાવ, અવનિ.’

આશ્રયે એકલતા તોડવાની પહેલ કરેલી, ‘તારું સ્મરણ મને ભલે ન હોય, તેં મને સ્મરણમાં રાખ્યો એટલું પૂરતું નથી? અને સૉરી શા માટે? ઊલટું તેં તો મને ગતખંડનો એ હિસ્સો દેખાડ્યો, જે મારા માટે ધૂંધળો હતો.’

‘આનું થોડું શ્રેય મને પણ આપો, આશ્રય,’ ઉત્ક્રાંતે હાજરી પુરાવેલી, ‘મને તો તમે ગઈ કાલે જ મિત્ર જેવા લાગ્યા હતા.’

‘એ મારા પ્રોફેશનના ભાગરૂપે હતું, ઉત્ક્રાંત, પણ આજથી આપણી દોસ્તી પાકી.’

બન્નેનું હસ્તધૂનન અવનિ હર્ષિત નયને નિહાળી રહેલી. સાઇકિયાટ્રિસ્ટની અપૉઇન્ટમેન્ટ આવો અંજામ પામશે એવું કોણે ધારેલું?

સંજોગોની થપાટે આશ્રયને એકાકી બનાવી દીધેલો એમ ઉત્ક્રાંતનું પણ ઝાઝું મિત્રવતુર્ળ નહોતું. એ હિસાબે બન્નેની દોસ્તી જામવાની.

‘હવે તમારા આગમનના મૂળ કારણ પર આવીએ.’

આશ્રયે આટલું કહેતાં અવનિ સહેજ ઝંખવાયેલી.

‘ટ્રસ્ટ મી. હવે મને વળગાડ નથી, હું તારા ઇલાજમાં કસર નહીં છોડું.’ આશ્રયના લહેકા પર અવનિ હસી નહોતી શકી. ફ્રેન્ડ તરીકે તારી પાસે ટ્રીટમેન્ટ લેવી અજુગતી લાગે છે એમ કહી છટકી જવું?

‘ઉત્ક્રાંતે કાલે મને થોડી હિન્ટ આપી છે.’ આશ્રય ડૉક્ટરના પાઠમાં આવી ગયેલો, ‘તને હવાઈ અકસ્માતનો ભય છે.’

‘જી.’ અવનિની ગરદન ઝૂકી ગયેલી. હૈયું ધડક-ધડક થતું હતું.

‘હરિસાગર જોશીને તેં કુંડળી બતાવી હતીને?’

આશ્રયની ચાલ નાકામ રહેલી. અવનિ સતર્ક હતી,

‘હરિસાગર નહીં, વિદ્યાસાગર.’

‘યા, યા. વિદ્યાસાગર,’ આશ્રય ટેબલ પર સહેજ ઝૂક્યો, ‘મને જાણવા મળ્યું કે આપણા એરિયામાં તેઓ ખાસ્સા પ્રસિદ્ધ છે. તને નવાઈ લાગશે, અવનિ, મારી એક પેશન્ટ તેમની રેગ્યુલર વિઝિટર છે.’

અવનિ શબ્દેશબ્દ પચાવતી હતી. ઉત્ક્રાંત ઘડી ડૉક્ટરને તો ઘડી પેશન્ટને જોઈ લેતો.

‘સો, જોશીજીના રેફરન્સ માટે મેં તે લેડીને રાતે ફોન જોડતાં તેણે વાત-વાતમાં એમ કહ્યું કે...’ આશ્રયે અવનિના ચહેરા પર નજર ટેકવી, ‘વિદ્યાસાગરજી મહિનોમાસથી બનારસ હતા, ઘરે તાળું હતું.’

અવનિ ફિક્કી પડી.

‘જોશીજી મહિનાથી બનારસ હોય અવનિ, તો તું પંદર દા’ડા પહેલાં મળી કોને?’

વાહ, કેવી સિફ્તથી તે મને જૂઠી ઠેરવવા માગે છે, પણ હું તેના જાંસામાં નહીં આવું...

‘પેશન્ટે કહ્યું અને તમે માની લીધું, ડૉક્ટર? જોશીને મળનારી હું ખોટી?’

‘ખોટી, અવનિ, કેમ કે જોશીને હું ખુદ મળ્યો છું, મારા જન્માક્ષર બતાવ્યા છે અને કોઈ ઘાત નથી.’

ઉત્ક્રાંતના વાક્યે-વાક્યે અવનિ શોષાતી હતી.

‘ઉત્ક્રાંત, તમને મારા પર વિશ્વાસ ન રહ્યો કે જોશીને મળવા દોડી ગયા?’ અવનિએ સામું આક્રમણ કરેલું.

‘મને તારી ફિકર હતી, અવનિ.’

‘હું બિલકુલ સાજીનરવી છું, ઉત્ક્રાંત, મને કોઈ સિટિંગની જરૂર નથી.’ અવનિનો શ્વાસ હાંફતો હતો.

પેશન્ટ વિદ્રોહ પર ઊતરી આવે ત્યારે ડૉક્ટરે હથિયાર હેઠાં મૂકી દેવાં પડે છે. ઉત્ક્રાંતને ઇશારો કરી આશ્રયે અવનિને ટાઢી પાડી હતી : યુ આર ઍબ્સલ્યુટ્લી રાઇટ, અવનિ, મને પણ ઉત્ક્રાંતનો વહેમ જ વધુ લાગે છે. છતાં મારી તસલ્લી ખાતર, સોમવારે વધુ એક વાર મળીએ?

‘એક વાર એટલે એક જ વાર!’ અવનિ સંમત થઈ હતી. બાદમાં આશ્રયે ઉત્ક્રાંતને ફોન જોડી સમજાવેલું : યસ, ધેર ઇઝ સમથિંગ... જોશીનું તરકટ ઉઘાડું પડતાં અવનિ બળવાખોર બની એ જ સૂચવે છે કે સત્ય છુપાવવા માટે તે કેટલી દૃઢનિયી છે! પણ તું અનુમાનોમાં અટવાતો નહીં, આ પ્રૉબ્લેમ હવે મારો થયો!

અવનિ મનની બીમાર નથી. ચીસ પાછળની ખરી હકીકતથી અવનિ વાકેફ હોય જ, તો જ તેને જોશીવાળું જૂઠ ઉપજાવવાનું સૂઝેને!

શું હશે એ રહસ્ય?

આભ પરથી દૃષ્ટિ વાળતાં આશ્રયને થયું, એ માટે સોમવારથી વધુ વાટ પણ ક્યાં જોવાની છે?

સોમવાર પહેલાં કાલનો રવિવાર ખરોને... સામાન્યપણે આશ્રયનો રવિવાર રીડિંગ કે પછી જૂની ફિલ્મની ડીવીડી જોવામાં વીતતો, પણ કાલે... આશ્રયની ભીતર કશુંક ઊછળતું હતું. કાલે દિવેદ જાઉં તો? જાણું તો ખરો, જ્યાં હું ઊંઘમાં ચાલતો હતો, ઊંઘમાં ઝબકવાનો કિસ્સો જ્યાંથી શરૂ થયો એ સ્થળ કેવુંક છે!

જોડે ઉત્ક્રાંત-અવનિ જેવા મિત્રો હોય તો પિકનિક જેવું થઈ જાય.

‘ફાધર અહીં હોવાથી અમે આવી શકીએ એમ નથી, આશ્રય...’ તેણે પ્રસ્તાવ મૂકતાં ઉત્ક્રાંતે સામા છેડેથી દિલગીરી દર્શાવી, ‘છતાં તારે કાલે જ જવું હોય તો હું અરેન્જમેન્ટ્સ કરાવી દઉં.’ કહી સમજ પાડી : અમારું હરિયા ગામ દિવેદના પાડોશી જેવું. અમારાં કેટલાંક સગાં પણ ત્યાં રહે છે. બાય ધ વે, તારે કોને ત્યાં જવું છે? હું અમારા મૅનેજરને કહી દઈશ...’

‘મને એટલી જાણ છે ઉત્ક્રાંત કે બૅન્ક જૉબમાં જ્યાં જવાનું થતું, પપ્પા ત્યાં ઘર ભાડે રાખતા. દિવેદ છોડ્યું ત્યારે હું માંડ ચારેક વરસનો હોઈશ... મકાનમાલિક કે શેરી-મહોલ્લો મને ક્યાંથી યાદ હોવાનાં?’

‘એમ કહેને તારે માત્ર ગામ જ જોવું છે!’

ઉત્ક્રાંત કે અવનિને ગામ જોવાની બેસબ્રી પાછળનું કારણ હમણાં કહેવું નથી... કાલની દિવેદની મુલાકાત કેવી રહે એના પર બધો આધાર છે!

€ € €

વળી એ જ દૃશ્ય. બંધ રૂમના પલંગ પર ચત્તીપાટ પડેલી સ્ત્રીના પેટ પર ચડી બેઠેલો બુકાનીધારી પુરુષ...

‘તું મને બદનામ કરીશ?’ બુકાનીમાં ગળાઈને આવતો અવાજ... છૂરીના ઘા, સ્ત્રીની ઢળી જતી ડોક અને છેવટે દૃશ્યમાન થતી પુરુષની ખોફ પ્રેરતી આંખો...

છળી પડ્યો હોય એમ બેઠો થઈ ગયો આશ્રય.

ફિલ્મની નેગેટિવ તરીકે દેખાતા દૃશ્યોમાં ન સ્ત્રીની ઓળખ પડતી હતી, ન પુરુષની, ન રૂમની... પોતાના જીવન સાથે આનું શું કનેક્શન હોય એ આશ્રય માટે આ પળ સુધી પ્રશ્નાર્થ છે. મા-બાપ જેને વળગાડ સમજ્યાં એ મારું ઊંઘમાં છળી પડવું, હીબકા ભરી રડવું ખરેખર તો આ જ દૃશ્યોને કારણે હતું, હોવું જોઈએ.

તો પછી આનાં મૂળ દિવેદમાં જ હોવાં જોઈએ, જ્યાંથી મને વળગાડ વળગ્યો! અગાઉ હું માનતો હતો એમ નથી આ ભવિષ્યની આગાહી, કે નથી પુનર્જન્મનો અણસાર... ચોક્કસ આમાં ભૂતકાળનો ભેદ છે, જે હું ઉજાગર કરીને રહેવાનો!

€ € €

‘આ રહ્યું દિવેદ ગામ.’

અમૂલખરાયની ગેરહાજરીમાં ઘર-ખેતરનું ધ્યાન રાખતા મનોહરે આંગળી ચીંધી, ‘સામે દેખાય એ ગામનો ચોતરો, પેલી કોર નદી, આ બાજુ મહાદેવનું મંદિર...’

આશ્રય નજર ઘુમાવી-ઘુમાવીને જોતો હતો, પરંતુ ઓળખની સંજ્ઞા ઊઠતી નહોતી. આટલાં વરસોમાં ગામ બદલાયું પણ હોયને!

મુંબઈથી બાય રોડ નીકળી પોતે હરિયા પહોંચ્યો ત્યારે નાના શેઠ (ઉત્ક્રાંત)ના આદેશથી મનોહરે સ્વાદિષ્ટ ભોજન તૈયાર રાખ્યું હતું, અદબથી પૂછ્યું હતું : ડૉક્ટરસાહેબ, પહેલાં આપણી આ હવેલી-ખેતર જોઈશું, પછી દિવેદ જવું છેને?

પરંતુ પોતાનો જીવ તો દિવેદમાં અટક્યો હતો એટલે લંચ પતાવી કાર હંકારી હતી.

‘એક કામ કરો, મનોહરભાઈ.’ ચાલીસેક વરસના મૅનેજરને તેણે માનથી કહ્યું, ‘કાર અહીં મૂકી આપણે ગામની પગપાળા પ્રદક્ષિણા કરીએ...’

ધીરે-ધીરે આશ્રયના મનમાં સ્પંદન ઊઠતાં ગયાં. અહીં મોટા ભાગના મનોહરને ઓળખતા હતા, ‘નાના શેઠના મહેમાન છે’ એવું કંઈક કહી તે ગામલોકો જોડે ગપ્પાંગોષ્ઠિ કરી લેતો, જ્યારે આશ્રયની આંખો કશાકની ઓળખ પામવા મથી રહેતી.

નળિયાંવાળાં છાપરાં, આંગણે છાણનું લીંપણ, ક્યાંક કિચૂડાટ કરતો હીંચકો... ‘અરે, કાકા, અહીં ક્યાંક કૂવો પણ હતોને...’ એક જગ્યાએ તેણે પૂછ્યું. મનોહર જોડે ઊભેલા દલપતકાકા ચમક્યા, ‘હતો, બાપલા, પણ બહુ વરસો પહેલાં...’

આશ્રય માટે આટલી કડી પૂરતી હતી. ગામની માટીમાં પરિચિતતાનો અહેસાસ વણાતો ગયો. ફરતાં-ફરતાં બન્ને તળાવકિનારે પહોંચ્યા. અહીં છૂટાંછવાયાં મકાન હતાં.

‘આંગણામાં આંબલીનું ઝાડ...’ આશ્રય સહેજ સ્થિર થયો. એવું લાગ્યું, જાણે મા આજે પણ અહીં નાનકડા આશ્રય પાછળ દોડી રહી છે : આસુ બેટા, કાચી કેરી ન ખાઈશ, હં...

ખભે કોઈનો હાથ પડતાં દૃશ્ય વિલીન થયું. ભીની પાંપણ લૂછતાં આશ્રયે ડોક ફેરવી. મનોહર જાણે પૂછતો હતો : શું થયું, સાહેબ?

તેને કેમ કહેવું કે મારા જીવનનો ટુકડો ફરી સજીવન થયો, બાળપણની સ્મૃતિ એવી ખળ-ખળ વહી રહી છે, જાણે કદી લુપ્ત જ નહોતી થઈ. ચાર વરસના છોકરાનો સ્મરણપટારો આટલો છલોછલ હોઈ શકે? અવનિએ મારા જ બાળપણનો હિસ્સો મારી સમક્ષ ઉજાગર ન કર્યો હોત તો કદાચ હજીયે હું સપનાની અવઢવમાં જીવતો હોત...

સપનું. આશ્રયને પોતાની મંજિલ યાદ આવી.

મનોહરભાઈની મદદથી તેણે ભાડાના ઘર ઉપરાંત બે-ત્રણ મકાન જોયાં, પણ ત્યાં ઊંઘમાં દેખાતો રૂમ, પલંગ નહોતાં!

‘સાહેબ, છેવાડે એક મકાન છે.’ તળાવની બીજી દિશામાં ખૂણે પડતા પાકા મકાન તરફ આશ્રયને દોરતા મનોહરે કહેવા માંડ્યું, સાહેબને અહીંનાં મકાનોમાં રસ પડ્યો છે એટલે પ્રૉપર્ટી ખરીદવાના હશે એમ તેણે માન્યું હોય, ‘હવે તો જોકે ભાડાપેટે આપ્યું છે, પણ એક જમાનામાં તેનાં માલકણ રંભાશેઠાણીનો ગામમાં રુઆબ હતો, હોં.’

રંભામાસી... આશ્રયની અંદર ક્યાંક સંબોધન ફૂટ્યું. માણસ પોતાના પૂર્વજન્મને ખોળતો હોય એવી તેની સ્થિતિ હતી.

‘શેઠાણી વિધવા અને એકલપંડા. અમારા શેઠનાં દૂરનાં કુટુંબી થાય... દેખાતાં બહુ મરજાદી, પણ...’ સહેજ ખંચકાઈ મનોહરે ઉમેર્યું, ‘ભીતર કોણ કેવું હોય, કોણે જાણ્યું! જુવાન વયે બિચારાં વિધવા થયેલાં, છૈયાંછોકરાં મળે નહીં... કામવૃત્તિનો તરફડાટ એમ ઓછો માળા ફેરવવાથી દૂર થાય! ઘરમાં જુવાન નોકર હતો - બંસી.’

બંસીધર... આશ્રય અસ્ફુટ સ્વરે બોલી ઊઠ્યો, મનોહરનું ધ્યાન નહોતું, ‘સાંભળ્યાં પ્રમાણે બન્નેનાં છાનગપતિયાં અંદરખાને ચાલતાં હશે, રંભાશેઠાણીને નોકરાણીએ એકાદ બે વાર ઊલટી કરતાં જોયેલાં, એ પરથી ધારી લેવાયું કે પ્રેમનું બીજ પેટમાં પાંગરતાં માલકણ-નોકર વરસાદની એક રાત્રે ભાગી ગયાં! ઘરેણાંનો ડબ્બો, પચાસ હજારની સિલક લઈ બન્ને એવાં ભાગ્યાં કે આજ દિન સુધી દેખાયાં નથી! ઊજળા વર્ણની વિધવા બાઈ નોકરવર્ગ જોડે પરણી ફરી ગામમાં દેખાઈ તો લોકો પીંખી ન નાખે!’

મકાનના ઉંબરે ઊભા આશ્રયને થયું, અહીંથી સાદ દઈ મેં રંભામાસી પાસેથી કેટલી ચૉકલેટ્સ લીધી છે, બંસીધરે મને પેલા ઝાડ પર ઝૂલો બનાવી આપેલો... તેમના સંબંધનું કેટલું વરવું સત્ય આજે ઊઘડ્યું!

- અને પરસાળમાં ફરતાં તેનાં કદમ અટક્યાં. જમણી બાજુના રૂમ પર નજર ખોડાઈ, હૈયું ધબકારો ચૂકી ગયું.

લાકડાનું આ જ દ્વાર, સીસમનો એ જ પલંગ...

અને તેના માનસપટમાં ઘૂમરાતી ફિલ્મની નેગેટિવ એકાએક પૉઝિટિવ થઈ, અંતરચક્ષુ ખૂલી ગયાં હોય એમ સાફ-સાફ દેખાતું હતું : પલંગ પર ચત્તીપાટ પડેલી સ્ત્રી રંભામાસી હતાં!

આશ્રયને ચિલ્લાવાનું મન થયું કે રંભાશેઠાણી નોકર સાથે ભાગ્યાં નહોતાં, તેમની હત્યા થઈ છે!

(આવતી કાલે સમાપ્ત)Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK