કથા-સપ્તાહ - લેકિન (કુદરતનો સંકેત - ૩)

Published: 12th December, 2012 06:26 IST

કાર ક્લિનિકના પાર્કિંગમાં પાર્ક થતાં અવનિએ ફડક જતાવી. ડૉક્ટર કોઈક બીજો જ આશ્રય નીકળ્યો તો! કેમ સમજાવું ઉત્ક્રાંતને કે મનની વધુ ખણખોદ રહેવા દો. એનો ભેદ તો ખૂલતાં ખૂલી જશે, પણ પછી...
અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  | 


‘તમને સાચે જ લાગે છે,

ઉત્ક્રાંત, મારે સાઇકિયાટ્રિસ્ટને મળવું જોઈએ?’

કાર ક્લિનિકના પાર્કિંગમાં પાર્ક થતાં અવનિએ ફડક જતાવી. ડૉક્ટર કોઈક બીજો જ આશ્રય નીકળ્યો તો! કેમ સમજાવું ઉત્ક્રાંતને કે મનની વધુ ખણખોદ રહેવા દો. એનો ભેદ તો ખૂલતાં ખૂલી જશે, પણ પછી...

‘હું ઇચ્છું છું, અવનિ, કોઈ વહેમ તને પજવે નહીં. જોશીનું કથન ભીતિ બની તારા હૈયે ચોંટી ગયું છે. એનો ઇલાજ જરૂરી છે.’

અરેરે. અવનિને પસ્તાવો જાગ્યો. ચીસ પાછળનું કારણ તમે જાણ્યા વિના નહીં રહો એમ ધારી એ રાતે મેં ભવિષ્યકથનની વાર્તા ઊપજાવી. અણીના સમયે નયનાબહેને આપેલો જોશીનો રેફરન્સ યાદ આવી ગયો. ઉત્ક્રાંતે એને આટલું સિરિયસલી લઈ લીધું? પપ્પાને તેમણે કહ્યું નહીં એની મને રાહત હતી એમ મેં ધારેલું કે ચીસની કથા પૂરી થઈ, પણ...

બિચારી અવનિ જાણતી નહોતી કે પોતાનું તરકટ ઉત્ક્રાંતે પકડી પાડ્યું છે ને એટલે જ આશ્રયને મળવા બાબત તે દૃઢ છે. ગઈ કાલે બૉસ સિંહાસાહેબ પાસેથી રેફરન્સ મેળવી તે ડૉક્ટરને મળ્યો હતો. જુવાન વયના ડૉક્ટરનો અનુભવ ઓછો ગણાય, પરંતુ આશ્રયને મળી ઉત્ક્રાંતનો વિશ્વાસ દૃઢ થયો હતો : તમે જરૂર મારી વાઇફની સમસ્યા ઉકેલી આપવાના!

‘એક વાત સમજી લેજો ઉત્ક્રાંત,’ અવનિનો કેસ જાણી ડૉ. આશ્રયે ચેતવણી ઉચ્ચારી હતી, ‘તમે જણાવો છો એવા રિલેશન પતિ-પત્ની વચ્ચે હોય અને છતાં મિસિસ શાહ તમને જૂઠ કહે છે એનો અર્થ એવો કરી શકાય કે બહુ અંગત રહસ્ય તેઓ છુપાવી રહ્યાં છે - જેનું ઉજાગર થવું જોખમી પણ નીવડી શકે, તમારા સ્નેહ માટે, તમારા સંસાર માટે.’

આશ્રયનું વિfલેષણ સચોટ હતું. ઉત્ક્રાંતને ભરોસો બેસી ગયેલો, ‘ડોન્ટ વરી ડૉક્ટર, આઇ વિલ ટેક ધ રિસ્ક.’

આમાં પત્નીની સારવાર પાછળ તે શું છુપાવી રહી છે એ જાણવાની પતિસહજ જીદ નહોતી, માત્ર એટલું ડૉ. આશ્રયને પણ સમજાયેલું. એક-બે સિટિંગમાં કેસ સૉલ્વ થવાની તેની ધારણા હતી. સાથે સૂચના આપવાનું નહોતો ભૂલ્યો, ‘અવનિનું જૂઠ તમે પાકડી પાડ્યું છે એ જતાવવાની ભૂલ ન કરતા, નહીંતર તમને તેનામાં વિશ્વાસ નથી રહ્યો એવું માની બેસશે તે.’

અડધો કલાકની એ મુલાકાતમાં આશ્રય મિત્ર જેવો વધુ લાગ્યો હતો ઉત્ક્રાંતને. અત્યારે પણ તેણે એનો જ પડઘો પડ્યો.

‘મનના ડૉક્ટર પાસે મન ખુલ્લું રાખીને જજે, અવનિ... કોઈ પણ પરિસ્થિતિમાં હું તારી પડખે હોઈશ એ યાદ રાખજે.’

અવનિનું અંતર ભીંજાયું. સાઇકિયાટ્રિસ્ટને મળવાની આનાકાની ઓગળી ગઈ.

€ € €

કૉરિડોરનો દરવાજો પુશ કરી અંદર પ્રવેશતાં જ મંત્રમુગ્ધ બની જવાયું. વિશાળ હૉલમાં સફેદ-વાદળી રંગની સજાવટથી આભમાં આવી ચડ્યા હો એવું લાગે. પગ ખૂંપી જાય એવો સુંવાળો ગાલીચો, એક બાજુ મેઘધનુષની રચના, બીજી તરફ ઝરમર શાવરની કલ્પના. છતમાં જડેલા સ્પીકરમાં ગુંજતાં લતાનાં મધુર પ્રણયગીતો.

‘વાઉ! આ તે દવાખાનું છે કે સ્વર્ગનું દ્વાર!’ પળવાર અવનિ પોતાની તાણ વીસરી ગઈ.

ડૉક્ટરની એ જ તો મકસદ છે. ઇન્ટીરિયર બાબત આશ્રયે કરેલી ચોખવટ ઉત્ક્રાંતે તાજી કરી :

ચિત્તને ટાઢક અર્પતી સુંદરતાથી મન પ્રસન્ન થાય છે, પેશન્ટનું મન રાજી હોય તો મનોચિકિત્સકને ધાર્યો સહકાર મળવાનો!

‘ગુડ ઇવનિંગ સર. આ રહી આપની ફાઇલ, પ્લીઝ, વેઇટ ફૉર સમ મિનિટ્સ.’

રિસેપ્શનિસ્ટે સ્મિતસહ કહેતાં અવનિ અચંબિત થઈ. ઉત્ક્રાંતે કહેવું પડ્યું કે પોતે ગઈ કાલે ડૉક્ટરને મળી ચૂકેલો.

‘તને મેળવતાં પહેલાં ડૉક્ટર વિશે મારે ખાતરી તો કરવી પડેને.’

અવનિ ગદ્ગદ થઈ : તમને મારી કેટલી ફિકર છે! આશ્રયનાં વખાણ સાંભળી કહેવાનું મન થયું કે મારા ઘરની બાજુમાં પણ આશ્રય નામનો છોકરો રહેતો હતો... પણ ઉત્ક્રાંત હેલ્થ મૅગેઝિન લઈ વેઇટિંગ-રૂમમાં ગોઠવાયો એટલે તેની બાજુમાં બેઠક લેતી અવનિએ મનોમન જ વાગોળ્યું.

ભરૂચની સાંકડી ગાંધીશેરી. અડખેપડખે ઊભેલાં મકાનોમાં બે માળનું ઝરૂખાવાળું મકાન સ્કૂલમાં શિક્ષક સુબોધભાઈનું, જે અવનિના પિતા. સ્વભાવના શાંત, ઠરેલ ને એવાં જ તેમનાં પત્ની સુલક્ષણાબહેન. મોટો દીકરો ધીરેન અને નાની અવનિની કેળવણીમાં તેમના જ સંસ્કાર.

સુબોધભાઈ-સુલક્ષણાબહેનના મદદરૂપ થવાના ગુણને કારણે જ કદાચ બાજુના મકાનમાં ભાડે રહેવા આવેલા બૅન્ક મૅનેજર યશવંતભાઈની ફૅમિલીને તેમની જોડે ઘરોબો થઈ ગયેલો. મહેતાકુટુંબમાં યશવંતભાઈ પોતે, તેમનાં વાઇફ સુલેખાબહેન અને દીકરો આશ્રય.

ધીરેનથી નાના અને અવનિથી ત્રણેક વરસ મોટા આશ્રયની સ્કૂલ જુદી હતી, પણ મહોલ્લામાં ક્રિકેટ કે ઘરમાં પત્તાં-કૅરમ રમવામાં ત્રણે જોડે.

‘મૂળ અમે વડોદરાનાં. સુબોધને બૅન્કની નોકરી એટલે બદલીનો ત્રાસ બહુ.’

રસોડામાં ક્યારેક બન્ને સ્ત્રીઓની ગોઠડી જામતી. રમવાનું ન હોય ત્યારે અવનિ માના ખોળામાં બેસી વાતો સાંભળતી. તેની ઉંમર હશે ત્યારે આઠ-નવ વરસની.

‘પહેલાં જૂનાગઢ હતાં, ત્યાંથી વલસાડના દિવેદ ગામ ગયાં. આશરે પાંચેક વરસ ત્યાં ગાળ્યાં. આશ્રયનો જન્મ ત્યાં જ થયો, પણ એ ગામ અમને બહુ સદ્યું નહીં.’

સુલેખાબહેન ખચકાતાં. મન મળ્યાં પછી ધીમા અવાજે કબૂલતાં થયાં, ‘આશ્રયને ત્યાંનાં હવા-પાણી ફાવ્યાં નહીં હોય કે શું, છાશવારે માંદો પડતો... દિવેદમાં તો મેં ઘણા ઉજાગરા વેઠ્યાં છે. માંદગી ઉપરાંતનું કારણ હતું, આશ્રયની ઊંઘમાં ચાલવાની ટેવ!’

માણસ ઊંઘમાં પણ ચાલે એ વાત અવનિને અજાયબી જેવી લાગી હતી. ‘ત્રણ-ચાર વરસનો છોકરો ઊંઘમાં ચાલે એવું કદાચ કોઈથી મનાય નહીં, પણ હકીકત હતી. એક વાર તો ચાલતો-ચાલતો તે ગામના તળાવની પાળે જઈ સૂઈ ગયેલો!’

‘બાપ રે. ત્યારે તો રોગ જોખમી કહેવાય.’

‘પછી તો એવુંય થયું કે ઊંઘમાંથી જાગીને રડવા લાગે. એવાં હીબકાં ભરે કે આપણો શ્વાસ ચઢી જાય. પૂછીએ તો કંઈ કહી ન શકે. કોઈએ કહ્યું, વળગાડ છે. ભૂવાને દેખાડ્યું. ફકીર પાસે દોરા-ધાગા કરાવ્યા. છેવટે દિવેદથી અમરેલી ટ્રાન્સફર મળી ત્યારે થોડો હાશકારો થયો.’ સુલેખાબહેન ઉમેરતાં, ‘નવું પરિસર, નવા મિત્રો, વધતી વયના સમન્વયે આશ્રયમાં સુધારો આવ્યો. ઊંઘમાં ચાલવાની ટેવ ભુલાઈ ગઈ. હા, રાતે હબકી જાય ખરો, પણ એ તો

બે-ચાર મહિને એક વાર. મને ખાતરી છે, અહીં આવ્યા પછી એ પણ સારું થઈ જશે.’

‘ભૂવા-ફકીર કરતાં તમે કોઈ ડૉક્ટરની સલાહ લીધી હોત તો?’

‘જોઈશું. સુબોધ કહે છે, છોકરાનું માનસ વધુ ચૂંથાવવું નથી. નીંદમાં ચાલવાનું ભુલાયું એમ હીબકવાનું પણ આપમેળે જતું રહેશે.’

બીજાના દીકરાની ખોડ માએ કદી ત્રાહિત વ્યક્તિ જોડે ચર્ચી નહોતી એટલું અવનિ જાણતી અને સમજતી અને તેમનો સંગાથ પણ કેટલોક રહ્યો? ભરૂચ ટ્રાન્સફર થયાના દોઢેક વરસ પછી મહેતાપરિવાર કુંભમેળો માણવા ગયો એમાં થયેલી ધક્કામુક્કીમાં માતા-પિતા મરણને શરણ થયાં અને બચેલા દોહિત્રનો હવાલો અમદાવાદ રહેતાં નાના-નાનીએ સંભાળ્યો.’

ત્યાર પછી આશ્રયના કોઈ સમાચાર નહોતા. સુલેખાબહેનની સાલસતા અને કુંભમેળાની ટ્રૅજેડીને કારણે સુલક્ષણાબહેન તેમને સંભારતાં ન હોત તો કદાચ અવનિના ચિત્તમાંથી આશ્રયનું સ્મરણ નામશેષ થઈ ચૂક્યું હોત.

આજે તેનું નામ સાંભળતાં બધું તાજું થઈ ઊઠ્યું. આ આશ્રય જો એ જ હોય તો ઘરે જઈને મમ્મીને ફોન કરી કહીશ કે તારી ફ્રેન્ડનો દીકરો મળ્યો, જેને વળગાડ હોવાનું કહેવાતું તે તો આજે મનોચિકિત્સક થઈ બેઠો છે!

ના...ના... મા જો પૂછે, તારે આવા ડૉક્ટરનું શું કામ પડ્યું તો! વાસ્તવિકતાનું ભાન થયું હોય એમ અવનિ થથરી. વર્તમાનમાં આવી.

‘ઉત્ક્રાંત, ડૉક્ટરે દરેક પેશન્ટ માટે અલગ કૅબિન બનાવવી જોઈએ...’ રૂમમાં બીજા ત્રણ-ચાર જણની હાજરી કળાતાં અવનિનો સંકોચ પ્રગટ્યો, ‘કોઈ ઓળખીતું આપણને અહીં જોઈ જાય તો કેવું લાગે!’

‘રિલૅક્સ, અવનિ, દાયકા - બે દાયકા અગાઉ સામાજિક કારણોસર મનોચિકિત્સકને કન્સલ્ટ કરવામાં બદનામીનો ડર રહેતો, હવે એવી સંકુચિતતા રહી નથી.’

અવનિએ માન્યું, આશ્રયના પેરન્ટ્સે પણ આવા જ ડરથી દીકરાની બીમારી ખાનગી રાખી હશે. સુલેખાઆન્ટી એમ પણ કહેતાં કે આ વિશે તેમના પિયરમાંય કોઈને કશું કહ્યું નથી... અને તેને ઝબકારો થયો.

‘ઉત્ક્રાંત, તમે પપ્પાને તો કંઈ કહેશો નહીંને?’

ઉત્ક્રાંતે તેનો ફડકો પારખ્યો. વહુ તરીકે અવનિ પોતે સાઇકિયાટ્રિસ્ટની સારવાર લઈ રહી હોવાનું પપ્પાથી છાનું રાખવા માગે એ સ્વાભાવિક ગણાય. જરૂર પડ્યે પપ્પાની સલાહ મારે લેવાની જ હોય, પણ એનું ટેન્શન અવનિને શું કામ આપવું?

‘ડોન્ટ વરી, અવનિ, પપ્પાને હું જાણ નહીં કરું.’

અવનિ સીટને અંઢેલી : સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર સમક્ષ મારે હવાઈ અકસ્માતના ડરનું જ ગાણું ગાવાનું છે. એકાદ-બે વાર આવીશું, સારવારથી ડર દૂર થયાનું સબૂત આપી દઈશ એટલે પત્યું! ફરી ચીસ નહીં પાડવા સાવધ રહેવું પડશે મારે...

‘યૉર ટર્ન, સર.’

રિસેપ્શનિસ્ટના સાદે બન્ને ઊભાં થયાં. સાડીની પાટલી ઠીક કરી અવનિએ અંબોડાની વેણી ચકાસી. પાર્ટીમાં જવાનું હોય એવી સજાવટ નિહાળી ડૉક્ટર શું વિચારશે એ દ્વિધા ડૉક્ટરની કૅબિનમાં દાખલ થતાં સુધી જ રહી. બહારના કરતાં આ રૂમ વિશાળ હતો. મધ્યમાં ડૉક્ટરની ડેસ્ક, ડાબી તરફ કૉર્નર, જમણી બાજુ બુકશેલ્ફ... અહીં fવેત રંગનું સામ્રાજ્ય હતું. હૈયે ટાઢક પ્રસરતી લાગી. મંદ સ્મિત વેરતા ડૉક્ટરને તેણે સહેજ ધ્યાનથી જોયો.

ઘઉંવર્ણો વાન, અત્યંત સોહામણી મુખાકૃતિ, જીન્સ-ચેક્સવાળા શર્ટમાં દીપી ઊઠતું શરીરસૌષ્ઠવ... તેની જમણી આંખના ખૂણે એકાદ ઇંચ જેટલા કાપાનું નિશાન ભાળી અવનિની આંખોમાં ચમકારો ઊપસ્યો. જમણી દીવાલના ખૂણે જડેલા નાનકડા મંદિરમાં ઈશ્વરની સાથે બિરાજતી તસવીરમાં યશવંતકાકા-સુલેખાકાકીને ઓળખ્યા પછી સંશય ન રહ્યો.

‘તો તમે તે જ આશ્રય નીકળ્યાં! ઓળખાણ પડે છે?’

અવનિનો ઉમંગભર્યો રણકો અને રજૂઆત ઉત્કાંત માટે અચરજરૂપ રહ્યાં એટલી જ નવાઈ આશ્રયે અનુભવી, ‘સૉરી, આપણે અગાઉ ક્યાંક મળ્યાં છીએ?’

‘અરે, આપણે તો જોડે પત્તાં અને કૅરમ પણ રમ્યાં છીએ!’ અવનિએ ક્લુ આપી, ‘ભરૂચની ગાંધીશેરી યાદ છે? તમે અમારા પાડોશી હતા.’

અવનિએ પરિચય વિસ્તાર્યો, પણ આશ્રયને ઝાઝું યાદ આવ્યું નહીં. ‘યુ નો, કુંભમેળાની ટ્રૅજેડી પછી નાનાજી મને અમદાવાદ લઈ ગયા. હું ભાંગી ન પડું એટલા ખાતર મને પેરન્ટ્સની સ્મૃતિથી દૂર રાખ્યો. જૉબને કારણે પપ્પાની ટ્રાન્સફર થતી એટલું યાદ હોવા છતાં અમે ક્યાં-ક્યાં કેટલો વખત રહ્યા એની યાદી મારી મેમરીમાં નથી.’

‘તો સાંભળો, તમે જૂનાગઢ, દિવેદ, અમરેલી અને છેલ્લે ભરૂચની નર્મદાનાં પાણી પીધાં છે. દિવેદમાં...’ અવનિ બોલતાં અટકી ગઈ.

ઉત્ક્રાંતે આવો વળાંક કલ્પ્યો નહોતો. આશ્રય માટે પણ ભૂતકાળનું સંધાણ અણધાર્યું હતું.

અણધાર્યું, છતાં માનીતું. આશ્રયના દિમાગમાં પડઘો પડ્યો. પેરન્ટ્સના દેહાંતે આશ્રયને એકાકી બનાવી દીધેલો. ઊંઘમાં ક્યારેક તે હબકીને જાગી જતો ત્યારે મોસાળમાં એવું માની લેવાતું કે છોકરો મા-બાપને સંભારતો હશે. નાનીમા તેની પીઠ થાબડી ઊંઘાડી દેતાં. આશ્રય કહી નહીં શકતો કે મેં ઊંઘમાં જોયેલું દૃશ્ય કુંભમેળાની ધક્કામુક્કીનું નહોતું... મા-બાપને સમજાવી શકવાની ઉંમર નહોતી, દૃશ્ય વર્ણવી શકવા જેટલી સમજ કેળવાઈ ત્યારે મા-બાપ નથી! આશ્રયે એ રહસ્ય ભીતર જ દફનાવી દીધું, જિંદગી આગળ વધતી ગઈ. કદાચ એ ‘સપના’ને સમજવા જ પોતે મનોચિકિત્સક બન્યો, પરંતુ એનો તાગ તો પણ પમાયો નહીં! કદાચ એ માટે મારે અન્ય સાઇકિયાટ્રિસ્ટની સિટિંગ લેવી પડે... અંતમુર્ખી ડૉક્ટરથી આ પગલું લેવાયું નહોતું.

નાના-નાનીના દેહાંત પછી મુંબઈ વસ્યા પછી આશ્રયની એકલતા વધુ ઘૂંટાઈ હતી. મનોનિષ્ણાત તરીકે તે લાજવાબ હતો, પરંતુ ડૉક્ટર પોતાનો ઇલાજ ન કરી શકે એ પણ વાસ્તવિકતા છે. નાના-નાનીના પ્રયાસોને કારણે માવતરની સ્મૃતિ અને એના પરિપાકરૂપે પોતાનું જ બાળપણ આશ્રય માટે ધૂંધળું હતું.

આજે વરસો પછી ભૂતકાળનું કોઈ પાત્ર વર્તમાનમાં પ્રવેશી સાદ દેતું હતું. અવનિના આગમનમાં આશ્રયને પોતાની ઓળખ પામવાની તક દેખાઈ.

ત્યારે તેને જાણ નહોતી કે પોતાના સપના જેવી જાળમાં અવનિ પણ ક્યાંક ગૂંથાઈ છે!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK